આજે મિત્રનાં સ્વર્ગસ્થ બા યાદ આવી ગયાં, શાશ્વત પ્રણામ.
કોઈ પણ વ્યક્તિ એમ જ અચાનક યાદ આવતી નથી .., ક્યારે, કેમ, કેવી રીતે યાદ આવે એનું પણ કારણ હોય છે!
કયા કારણસર યાદ આવ્યાં એ આ વાર્તા પૂરી થતાં પહેલાં ખબર પડી જશે! ૮૦ના દાયકાની વાત છે, જ્યારે અમેરિકામાં આજના પ્રમાણમાં દેશીઓ ઓછાં, દેશી ગ્રોસરી સ્ટોર ઓછા, અને દેશી શાકભાજી પણ ઓછી મળતી. મિત્રનાં બાને ભારતથી આવ્યે બે એક અઠવાડિયાં થયાં હશે, પડોસમાં જ રહીએ, એટલે અવારનવાર મળવાનું થતું, બા જોડે વાતો કરવાની મજા આવતી, કોઈ પણ વિષે ફ્રેન્ક ઓપીનિયન આપતાં, કોઈની સાડાબારી રાખતાં નહીં.
હું અને મારો મિત્ર ઘણી વાર પાર્ટી, લગ્નો, રિસેપ્શનમાં કારપુલ કરી સાથે જતા, બંનેના કૉમન ફ્રેન્ડઝ, એટલે બધે અમને બંને ફેમિલીને ઈન્વિટેશન હોય. એક વાર રિસેપ્શનમાં જવાનું હતું, ને ડ્રાઈવ કરવાનો મારો વારો હતો, એટલે અમે એને પીક અપ કરવા એના ઘરે ગયાં … સામાન્ય રીતે લિવીંગ રૂમમાં બા બેઠેલ હોય એટલે થોડીકવાર એમની જોડે બેસી ખબર અંતર પૂછી મિત્ર તૈયાર થઈ જાય ત્યાં સુધી ગપ્પાં મારું. બાને કહ્યું, "બા, અમે એક મિત્રની દીકરીના રિસેપ્શનમાં જઈએ છીએ …” મને એમ કે બાને ખબર નહીં હોય, રિસેપ્શન શું ચીજ છે એટલે થોડુંક બેકગ્રાઉન્ડ આપવાનો પ્રયત્ન કરી કહ્યું, "બા, અહીં બપોરે લગ્ન હોય, અને પછી, સાંજે …., ".. " હા .. હા, મને ખબર છે … રાતે વાળું કરીને બત્તીઓ બત્તીઓ ઝબૂક ઝબૂક થાય, ને ટોળામાં બધાં ઘોંઘાટ કરી હઈસો હઈસો કરી કૂદાકૂદ કરે એકબીજા જોડે અથડાય, વળગી પડે એ ને?"
હું રિસેપ્શન શું છે એ વિષે બાને લંબાણમાં સમજાવું એ પહેલાં તો મને અટકાવી એમણે એક જ વાક્યમાં રિસેપ્શનમાં જમવાનું, મોડી રાતે જમ્યા પછી .., બ્લીકીંગ સ્ટ્રોબ લાઈટના ચાલું બંધ થવાના પ્રકાશમાં કૂદી કૂદી એકબીજાને અથડાઈ અને વળગીને ડાન્સ કરતાં હોઈએ એનું એમનું વર્ણન મને સંભળાવી દીધું, જે એમની તથા મારી દ્રષ્ટિએ સોએ સો ટકા સાચું હતું!
વાત વાતમાં બાને પૂછ્યું, "બા, એ વાત તો ઠીક, પણ મને એ કહો, તમને અમેરિકા કેવું લાગ્યું, અહીં ફાવે છે? મજા આવે છે કે નહીં? ઘણું બધું જોવાનું, ચોખ્ખાઈ, સરસ મઝાના સ્ટોર્સ, શોંપીંગ વગેરે વગેરે." "ઠીક છે ઠીક .. એ બધું તો ઠીક, .. સમજ્યા હવે.. પણ કારેલાં તો અહીં મળતાં નથી, દેશમાં કારેલાંનું શાક તો ખાવા મળે!" અમેરિકામાં કારેલાં મળતાં નથી, અને તેથી કારેલાંનું શાક મીસ થાય છે, બસ એ પરથી બાએ અમેરિકા વિષેની ઈમ્પ્રેશન નક્કી કરી દીધી! અમારા ગામમાં એક સંસ્થાએ ભારતથી આવેલ કલાકાર વૃંદનો એક સુંદર ડાયરાના ચેરિટી કાર્યક્રમનું આયોજન કરેલ. ડાયરો માણવાની તો એટલી મજા આવી જ, સાથે સાથે ડાયરા પહેલાં ચા પાણી નાસ્તામાં ફાફડા, જલેબીની વ્યવસ્થા! તથા ડાયરા પછી સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન, બધાંએ માણ્યું .. ! વ્યવસ્થાપકોએ કમ્પ્લેઈન કરવા માટેની કોઈ જગ્યા જ નોં'તી છોડી! કાર્યક્રમ પછી ગાડીમાં ઘરે જતાં એક મિત્ર અને એની પત્નીના વાર્તાલાપની મને જાણ થતાં બાનો કારેલાંનો પ્રસંગ યાદ આવી ગયો! કપલ વચ્ચે શું વાત થયેલ એ તો નીચેનું કાર્ટૂન જ કહેશે!
ડાયરામાં ફાફડા સાથે મરચાં હતાં નહીં એટલે ડાયરો ના ગમ્યો .., ને અમેરિકામાં કારેલાં મળતાં હતાં નહીં … એટલે અમેરિકા ના ગમ્યું !
હવે તમે જ કહો, મને સ્વર્ગસ્થ બા કેમ યાદ ના આવે?
e.mail : mahendraaruna1@gmail.com