Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલ કૃષ્ણ અડવાણીની નિસબત લોકતાંત્રિક મૂલ્યો માટેની નથી, આ તો અંગત બળાપો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 June 2015

મૅગ્ના કાર્ટાનાં ૮૦૦ વર્ષ અને ઇમર્જન્સીનાં ૪૦ વર્ષ

યોગાનુયોગ એવો છે કે આજથી ૮૦૦ વર્ષ પહેલાં ૧૨૧૫ની ૧૫ જૂને મૅગ્ના કાર્ટા અસ્તિત્વમાં આવ્યો હતો અને ૪૦ વર્ષ પહેલાં ૧૯૭૫ની ૨૫ જૂને ભારતમાં ઇમર્જન્સી લાદવામાં આવી હતી. પહેલી ઘટનાએ માનવીને મૂળભૂત અધિકારોની બાંયધરી આપી હતી, તો બીજી ઘટનાએ ભારતના નાગરિકના માનવઅધિકારો છીનવી લીધા હતા. આ બે ઘટના વચ્ચે ૭૬૦ વર્ષનું અંતર છે. એક તરફ વિશ્વનાગરિક તરીકે આપણી પાસે ૮૦૦ વર્ષનો કાયદાના રાજ્યનો અનુભવ છે તો બીજી બાજુ ભારતના નાગરિક તરીકે આપણી પાસે ઇમર્જન્સીનો ડરામણો ઇતિહાસ છે.

એટલે જ BJPના નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે ‘આપણે હજી નિશ્ચિંત નથી. ભારતમાં બીજી વાર ઇમર્જન્સી નહીં આવે કે માનવીના મૂળભૂત અધિકારો પર કાપ નહીં જ મુકાય એમ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. આપણે લોકતંત્ર તો અપનાવ્યું છે, પરંતુ લોકતંત્રનાં મૂલ્યોને આત્મસાત્ કર્યા નથી. સત્તા સત્તાધીશોના કેન્દ્રમાં છે, આધુનિક રાજ્ય અને એનાં મૂલ્યો માટે ભારતના શાસકો પ્રતિબદ્ધ નથી.’

લાલ કૃષ્ણ અડવાણીના આ કથનને નરેન્દ્ર મોદીના એકાધિકારશાહીવાળા વલણ સામેના પ્રકોપ તરીકે જોવામાં આવે છે. વિરોધ પક્ષના નેતાઓ અડવાણીનો જયજયકાર કરવા લાગ્યા છે અને BJP તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ કહે છે કે અડવાણીએ ડરવાની જરૂર નથી, ભારતમાં હવે પછી ક્યારે ય ઇમર્જન્સી નહીં આવે.

આગળ વધતા પહેલાં એક નજર મૅગ્ના કાર્ટા પર કરવી જરૂરી છે.

મૅગ્ના કાર્ટા એટલે મહાન ચાર્ટર. જગતના ઇતિહાસમાં થયેલી સમજૂતીઓમાં મૅગ્ના કાર્ટા એક છે. ફ્રાન્સ સામે યુદ્ધમાં હાર્યા પછી ઇંગ્લૅન્ડનો રાજા કિંગ જૉન ખર્ચાઓને પહોંચી વળવા આડેધડ વેરાઓ લાદતો હતો. આની સામે ઇંગ્લૅન્ડના ઉમરાવોમાં અસંતોષ વધ્યો હતો અને રાજા સામે ઉમરાવોએ બળવો કર્યો હતો. આ બાજુ ચર્ચ સાથે પણ રાજાને દુશ્મની હતી. છેવટે સ્થિતિ એવી સર્જા‍ઈ કે રાજાએ ઉમરાવો સામે ઝૂકવું પડ્યું. જગતમાં આવાં તો અનેક યુદ્ધો થયાં છે, જય-પરાજયો થયા છે અને સંધિઓ થઈ છે તો પછી મૅગ્ના કાર્ટા તરીકે ઓળખાવાતી સંધિમાં નવું શું છે?

નવું એ છે કે આ ધરતી પર કોઈ રાજાએ ઇતિહાસમાં પહેલી વાર કબૂલ કર્યું હતું કે શાસન ઠરાવવામાં આવેલા કાયદા મુજબ ચાલશે અને રાજા પોતે એ કાયદાને આધીન રહેશે. અત્યાર સુધી તો રાજા કહે એ કાયદો ગણાતો હતો અને રાજા જે ન્યાય કરે એ અંતિમ ગણાતો હતો. ન રાજાના કાયદાને પડકારી શકાય કે ન રાજાના ન્યાયને પડકારી શકાય. રૈયત રાજાને આધીન હતી. પહેલી વાર એવું બન્યું કે રાજા નહીં પરંતુ રાજ ચલાવવાના કાયદા સર્વોપરી બન્યા અને અને રાજા એને આધીન થયો. અંગ્રેજીમાં આને રૂલ ઑફ લૉ કહે છે. મૅગ્ના કાર્ટાએ જગતના ઇતિહાસમાં પહેલી વાર કાયદાના શાસન માટે એટલે કે રૂલ ઑફ લૉ માટે માર્ગ ખોલી આપ્યો.

બ્રિટનને લોકશાહીની માતૃભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ૧૨૧૫ પછીથી અનેક ઉતાર-ચડાવ અને પીછેહઠ પછી ધીરે-ધીરે લોકશાહી ત્યાં વિકસી હતી. મોકો મળ્યે રાજાઓ મૅગ્ના કાર્ટાને દફનાવી દેતા હતા, પણ છીંડું ખૂલી ગયું હતું અને એ છીંડું સાવ બૂરી દેવું હવે શક્ય નહોતું. મજાની વાત એ છે કે રાજા સામે અધિકારની પહેલી લડાઈ ઇંગ્લૅન્ડના ઉમરાવો એટલે કે જમીનદારો લડ્યા હતા અને છેવટે જમીનદારોએ પણ પ્રજાના હિતમાં પોતાના અધિકારો ગુમાવી દેવા પડ્યા હતા. રાજાના વિશેષાધિકારો ઉમરાવોએ છીનવી લીધા અને ઉમરાવોના વિશેષાધિકારો પ્રજાએ છીનવી લીધા. લોકતંત્રમાં વિશેષાધિકાર માટે જગ્યા નથી, માત્ર બંધારણદત્ત અધિકારો માટે જ જગ્યા છે.

મૂળ મૅગ્ના કાર્ટામાં કુલ ૬૩ ક્લૉઝ હતા જેમાંથી ત્રણ આજે ઇંગ્લૅન્ડના રાજબંધારણમાં બચ્યા છે અને એમાંથી એક જગત આખા માટે પ્રાસંગિક છે. બાકીના ક્લૉઝ કાળ અને સંદર્ભ-સાપેક્ષ હતા જે બચવા માટે કોઈ કારણ નહોતું. એક ક્લૉઝ જે સનાતન સત્ય બની ગયો છે એ આ મુજબ છે : No free man shall be seized or imprisoned, or stripped of his rights or possessions, or outlawed or exiled, or deprived of his standing in any other way, nor will we proceed with force against him, or send others to do so, except by the lawful judgement of his equals or by the law of the land.

To no one will we sell, to no one deny or delay right or justice.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે આ માનવમુક્તિનું મહાવાક્ય છે અને એટલે મૅગ્ના કાર્ટાને માનવમુક્તિના મહાન ચાર્ટર તરીકે ઓળખવામાં આવે છે.

આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા એ સમયના વડીલોએ પરિપક્વ બ્રિટિશ લોકશાહી અપનાવવાનું નક્કી કર્યું હતું. અહીં એક ફરક ધ્યાન રાખવો જોઈએ. બ્રિટનમાં આઠસો વર્ષ દરમ્યાન લોકશાહી વિકસી છે, જ્યારે આપણે અપનાવી છે. કોઈ ચીજ સમય સાથે વિકસે ત્યારે પ્રજા ક્રમશ: એની સાથે તૈયાર થતી જાય છે અને જ્યારે કોઈ ઢાંચો અપનાવવામાં આવે ત્યારે લોકોને એને માટે તૈયાર કરવા પડતા હોય છે. બીજું, ભારતીય પ્રજા પરંપરાગત રીતે ઊંચનીચવાળા જ્ઞાતિવાદી અને દાસાનુદાસના સામંતશાહી સંસ્કાર ધરાવતી પ્રજા છે. આ પ્રજાને લોકશાહી માટે તૈયાર કરવી એ પડકાર હતો.

ભારતે લોકતંત્ર અપનાવ્યું ત્યારે વિશ્વસમાજને ખાતરી નહોતી કે એ ભારતમાં ટકશે. આમાં પાછું ભારતે સંસદીય લોકતંત્રનો પડકાર ઝીલ્યો હતો. ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧ની મુક્ત તેમ જ ન્યાયી સામાન્ય ચૂંટણીઓ અને બંગલા દેશની લડાઈમાં વિજય એમ એક પછી એક ઘટનાઓ વિશ્વસમાજને અચરજમાં મૂકતી હતી. આમ છતાં હજી ખાતરી નહોતી થઈ કે ભારતમાં સરમુખત્યારશાહી નહીં જ આવે. લશ્કરી બળવાની સંભાવનાઓ વિશે અટકળો માંડવામાં આવતી હતી અને દરેક લશ્કરી વડાને શંકાથી જોવામાં આવતો હતો. રાજકીય અફવાઓના બજારમાં લશ્કરી બળવો એ કાયમનો વિષય હતો. એક તરફ વિસ્મય હતું તો બીજી તરફ શંકા તો હતી જ.

આમાં ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી લાદી એ ઘટના અનેક લોકો માટે યે તો હોના હી થા જેવી ઘટના હતી. ઇમર્જન્સીની પૃષ્ઠભૂમિ મોટા ભાગના વાચકો જાણે છે એટલે એની વિગતો અહીં આપવાની જરૂર નથી. ઇન્દિરા ગાંધીએ સત્તાવાર રીતે દેશને બચાવવા માટે ભારતના નાગરિકોના નાગરિક અધિકારો છીનવી લીધા હતા, પરંતુ સત્ય એ છે કે તેમણે પોતાની સત્તા બચાવવા માટે ભારતના નાગરિકોના નાગરિક અધિકારો છીનવી લીધા હતા.

આગલા ફકરાનું છેલ્લું વાક્ય ફરી વાંચો : એ વાક્યનું તાત્પર્ય એવું છે કે દેશને બચાવવા માટે પણ નાગરિકોના નાગરિક અધિકારોને છીનવી શકાય છે અને પોતાની સત્તા બચાવવા માટે પણ નાગરિકોના અધિકારો છીનવી શકાય છે. મૂળમાં બંધારણમાં ઇમર્જન્સીની સ્થિતિમાં દેશને બચાવવા માટે જરૂર પડે તો અને જરૂર હોય એટલા સમય માટે નાગરિકોના નાગરિક અધિકારોને છીનવી લેવાની જોગવાઈ છે. અનેક ભાષાઓ, ધર્મો, પ્રદેશો અને પરંપરાઓવાળા આ દેશમાં રાષ્ટ્રીય અખંડતાનું સંકટ પેદા થઈ શકે છે એ ધ્યાનમાં રાખીને ઇમર્જન્સીનો સામનો કરવાની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે સંકટની વ્યાખ્યા કોણ કરશે? સંકટની વ્યાખ્યા એ જ કરશે જે શાસન કરે છે. તેઓ પોતાની સત્તા સામે પેદા થયેલા સંકટને રાષ્ટ્રીય સંકટ તરીકે ઓળખાવી શકે છે અને ઇમર્જન્સી લાદી શકે છે. ઇન્દિરા ગાંધીએ એ જ તો કર્યું હતું.

જગતને મૅગ્ના કાર્ટા મળ્યો એનાં ૭૩૫ વર્ષે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ બન્યો હતો અને મૅગ્ના કાર્ટાનાં ૭૬૦ વર્ષે ભલે થોડા સમય માટે પણ ભારતે લોકશાહી ગુમાવી દીધી હતી. લાલ કૃષ્ણ અડવાણીએ ઇમર્જન્સીની ૪૦મી વર્ષગાંઠે ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલી મુલાકતમાં કહ્યું હતું કે એક અગ્નિપરીક્ષામાંથી તો આપણે ઊગરી ગયા, પરંતુ આવી બીજી અગ્નિપરીક્ષા નહીં જ થાય એની કોઈ ખાતરી નથી. મૂળમાં દેશને સંકટમાંથી ઉગારવા માટે ઇમર્જન્સીની બંધારણમાં જોગવાઈ છે અને એનો દુરુપયોગ થઈ શકે છે. તેમણે કહ્યું છે કે દેશના આજના રાજકીય નેતાઓની રાજકીય પરિપક્વતા વિશે મનમાં કોઈ શંકા નથી, પરંતુ કમિયોં કે કારણ વિશ્વાસ નહીં હોતા.

લાલ કૃષ્ણ અડવાણીને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ-કઈ ખામીઓ અત્યારના રાજકારણમાં તમને જોવા મળે છે જે ફરી એક વાર દેશને ઇમર્જન્સી તરફ લઈ જઈ શકે છે. આ સીધા પ્રશ્નના ઉત્તરમાં અડવાણીએ જણાવ્યું હતું કે લોકતંત્ર માટેની અને એવાં બીજાં મૂલ્યો માટેની એકનિષ્ઠ પ્રતિબદ્ધતા અત્યારના નેતૃત્વમાં જોવા મળતી નથી. આને કારણે ખાતરી થતી નથી કે દેશમાં બીજી વાર ઇમર્જન્સી ક્યારે ય આવશે જ નહીં. એ લાંબી મુલાકાતમાં લાલ કૃષ્ણ અડવાણીએ મીડિયા, ન્યાયતંત્ર અને નાગરિક સમાજની વાત પણ કરી છે. મીડિયાની લોકતંત્ર માટેની પ્રતિબદ્ધતા વિશે તેમણે શંકા વ્યક્ત કરી છે. નાગરિક સમજે આશા જગાડીને નિરાશ કર્યા હોવાનું કહ્યું છે. આ સ્થિતિમાં ન્યાયતંત્રની જવાબદારી વધે છે એમ તેમણે એ મુલાકાતમાં કહ્યું હતું.

લાલ કૃષ્ણ અડવાણીએ ઇમર્જન્સીની ૪૦મી વર્ષગાંઠનું નિમિત્ત સાધીને સરમુખત્યારી વલણ ધરાવતા નરેન્દ્ર મોદી તરફ તોપ તાકી હોવાનું કહેવામાં આવે છે. એવું લાગે પણ છે. લોકતંત્ર માટેની અને એવાં બીજાં મૂલ્યો માટેની એકનિષ્ઠ પ્રતિબદ્ધતા અત્યારના નેતૃત્વમાં જોવા મળતી નથી એ વાક્ય બોલકું છે. નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી જેવાં લક્ષણો ધરાવે છે એ હવે છૂપું નથી અને ગુજરાતમાં તેમના શાસનનાં ૧૨ વર્ષ અને દેશમાં એક વર્ષના શાસને એ સાબિત કરી આપ્યું છે કે તેમને સ્વતંત્ર અને ધબકતી લોકતાંત્રિક સંસ્થાઓ માટે અણગમો છે.

સવાલ એ છે કે લાલ કૃષ્ણ અડવાણી લોકતંત્ર માટે કેટલી પ્રતિબદ્ધતા ધરાવે છે? સેક્યુલરિઝમ વિનાનું લોકતંત્ર હોઈ શકે ખરું? જો કોઈ વિધર્મી ચોક્કસ ધર્મના કારણે ઓછો નાગરિક હોય તો લોકતંત્ર એમાં ક્યાં બચ્યું? મૅગ્ના કાર્ટાના ઉપર ટાંકેલા મહાવાક્ય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હિન્દુ રાષ્ટ્રની સંકલ્પનાને સરખાવી જુઓ. હિન્દુઓને ઝૂકતું માપ આપનારું, નાગરિકત્વમાં હિન્દુઓને વિશેષ નાગરિકત્વ આપનારું હિન્દુ રાષ્ટ્ર અને દરેકને સમાન અધિકાર આપનારા લોકતંત્ર વચ્ચે સહઅસ્તિત્વ શક્ય જ નથી.

લાલ કૃષ્ણ અડવાણીની નિસબત લોકતાંત્રિક મૂલ્યો માટેની નથી, પરંતુ પોતાની થઈ રહેલી ઉપેક્ષાને કારણે પ્રગટ કરવામાં આવેલો અંગત બળાપો છે. જો સાચી નિસબત હોત તો તેઓ ફાસીવાદી હિન્દુ સંગઠનમાં જોડાયા જ ન હોત. જો સાચી નિસબત હોત તો તેમણે બાબરી મસ્જિદ તોડવા સુધી દોરી જનારા રામજન્મભૂમિ માટેના કોમી આંદોલનનું નેતૃત્વ જ ન કર્યું હોત. જો સાચી નિસબત હોત તો તેમણે ૨૦૦૨ના ગુજરાતના નરસંહાર પછી ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ કરીને બચાવ્યા ન હોત. જો સાચી નિસબત હોત તો નજર સામે કોઈના ધર્મસ્થાનને તોડવા દીધું ન હોત. જો સાચી નિસબત હોત તો દરેક વખતે ચૂંટણી ટાણે કોમી ધ્રુવીકરણનું રાજકારણ BJP અને સંઘ દ્વારા કરવામાં આવે છે એનો વિરોધ કર્યો હોત.

ટૂંકમાં, મૅગ્ના કાર્ટા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જઈ ન શકે. લોકતંત્ર અને હિન્દુ રાષ્ટ્ર સાથે ન જઈ ન શકે. લાલ કૃષ્ણ અડવાણી આટલું જાણતા નથી?

સૌજન્ય : ‘નો નૉન્સેનસ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’, “ગુજરાતી મિડ-ડે”, 21 જૂન 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-21062015-13

Loading

21 June 2015 રમેશ ઓઝા
← એક સ્વપ્ન
વિધર્મીઓના દેશપ્રેમની ચકાસણી કરવાની RSSની પ્રવૃત્તિ સર્વોચ્ચ સ્તરે ઉપરાષ્ટ્રપતિના હોદ્દા સુધી લાગુ કરવાની મોટી ભૂલ થઈ ગઈ →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved