જેઠ મહિનાની રાત્રીની નીરવતામાં બેઠો હતો. પૂનમની ચાંદની ખીલી હતી. પણ પવન જાણે શરમાતો હોય તેમ ધીમેકથી થોડો આવી જતો હતો. આ શાંતિમાં પણ ક્યાંકથી રેડિયો ઉપર વાગતી એક તરજ સંભળાઈ એટલે તેના શબ્દો મનમાં ઊપસી આવ્યા. ‘મન ક્યું બહેકા રે બહેકા આધી રાત કો? બેલા મહેકા રે મહેકા આધી રાત કો …’ અને આ સાંભળતાં જ મનમાં શૃંગારિક સ્મૃિતઓ સળવળી ઊઠી.
હમણાં થોડા મહિના પૂર્વે ફેબ્રુઆરીમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતીના અનુસ્નાક વિભાગના ઉપક્રમે એક સેમિનારમાં ફિલ્મ ‘ઉત્સવ’ વિશે વિગતે બોલવાનું થયેલું, ત્યારે આ ગીત દર્શાવીને વાત કરવાનું બનેલું. એ પ્રવચનનો લેખિત પાઠ ત્યાર બાદ ‘શબ્દસૃષ્ટિ’માં પ્રગટ થયેલો, પણ આ ગીત વિષે તો ત્યારે મૌખિક રજૂઆત કરી હતી. એટલે એ શૃંગારની વાત લેખિત પાઠમાં નથી. તેના વિષે થોડી વાત કરવાની આજે આ ગીતને સાંભળીને ઇચ્છા થઈ આવી.
ભારતીય સિનેમામાં શૃંગારની રજૂઆત અનેક ફિલ્મોમાં જુદી-જુદી રીતે થઈ છે. હોલીવૂડની ફિલ્મોથી આ બાબતમાં આપણે ખાસ્સા આગળ છીએ. પ્રેમ વ્યક્ત કરવાને માટેનું એક માધ્યમ પણ શૃંગાર છે. એટલે મોટા ભાગે પ્રેમાભિવ્યક્તિમાં સર્જકો શૃંગારને જ રજૂ કરતા હોય છે. આપણો ‘કવિતા’ સામયિકનો પ્રેમ વિશેષાંક તેનું ઉત્તમ ઉદાહરણ છે. ફિલ્મોમાં શૃંગારિક રજૂઆતને માટે દિગ્દર્શકો વરસાદનો પણ ઉપયોગ કરતા હોય છે પણ મને અહીં ત્રણેક ફિલ્મો યાદ આવે છે, જેમાં શૃંગારની બહુ જ સુંદર અને કલાત્મક રજૂઆત થઈ છે.
આ રજૂઆતમાં મને સૌથી પહેલા ગુરુદત્તનું કહેવાયેલું, પણ અબ્રાર અલ્વી દિગ્દર્શિત ફિલ્મ ‘સાહેબ, બીબી ઔર ગુલામ’ યાદ આવે. આ ફિલ્મમાં મીનાકુમારી તૈયાર થઈ રહી છે, ત્યારે ‘આજ સજન મોહે અંગ લગાવે’ ગીત સાંભળવા મળે છે. આ ગીતમાં જે રીતે શૃંગાર રજૂ થયો છે તે અત્યંત અદ્દભુત છે. તેવી જ રીતે ફિલ્મ ‘કભી-કભી’માં અભિનેત્રી રાખીનો ચહેરાનો ક્લોઝઅપ દર્શાવીને કોઈ ગીતની રજૂઆત થઈ છે તે પણ યાદ આવે. આ બધું સ્મૃિતઓમાં મઢાયેલું છે. એટલે સ્મૃિતઓના આધારે જ લખું છું. છેલ્લાં ઘણાં વર્ષોથી આ ફિલ્મો કે દૃશ્યો જોયા નથી. પણ ફિલ્મ વખતે અને ત્યાર બાદ શૃંગારનાં દૃશ્યોને જ્યારે યાદ કર્યાં છે ત્યારે આ ફિલ્મો પહેલા યાદ આવી છે. શૃંગારની વાત લખતી વખતે ગિરીશ કર્નાડ દિગ્દર્શિત ફિલ્મ ‘ઉત્સવ’ તો જરૂર યાદ આવે. સમગ્ર ફિલ્મમાં શૃંગારનો ભાવ જ પ્રધાન છે. ફિલ્મનાં કેટલાંક દૃશ્યો તો બહુ અદ્દભુત જોવા મળે છે. તેનાં પણ તેના બે ગીતો બહુ સુંદર છે. જે એક તે ‘નીલમ સે નભ છાઈ પૂખરાજી ઝાંકી’ – તે લતા મંગેશકર અને આરતી મુખરજીનું ગાયેલું અને બીજું તે લતા મંગેશકર અને આશા ભોંસલેએ ગાયેલું ‘મન ક્યું બહેકા રે બહેકા આધી રાત કો’ સંગીતકાર : વસંત દેવ, સંગીત ઃ લક્ષ્મીકાંત પ્યારેલાલ યાદ આવ્યા વગર રહે નહીં. બંને ગીતો અભિનેત્રી રેખા ઉપર પિક્ચરાઇઝ થયાં છે અને સંગીતમાં જ નહીં પણ દૃશ્યમાં પણ તેની રજૂઆત અત્યંત સુંદર થઈ છે.
ફિલ્મ ‘ઉત્સવ’ શૂદ્રકના નાટક ‘મૃચ્છકટિકમ્’ ઉપરથી સર્જાયેલી છે. ફિલ્મમાં વસંતસેનાનું પાત્ર અભિનેત્રી રેખાએ ભજવ્યું છે. એક દૃશ્યમાં વસંતસેના તેના પ્રેમી ચારુદત્તની પત્નીને પૂછે છે કે તારા પતિની હું પ્રેયસી છું. તને મારી ઈર્ષા નથી થતી? ઝગડવાનું મન નથી થતું? ત્યારે ચારુદત્તની પત્ની જે રીતે જવાબ આપે છે, તે પ્રસંગ અત્યંત સંયત રીતે રજૂ થયો છે. અત્યંત ગોપનીય અનુભવની બે સ્ત્રીઓ વાત કરે છે, તેમાંની એક પ્રેયસી છે, જ્યારે અન્ય વિવાહિતા પત્ની છે, અને બંને માટે પુરુષપાત્ર એક જ છે, તે ચારુદત્ત. ને છતાં જે રીતે એ દૃશ્યની રજૂઆત થઈ છે, તે ખૂબ સુંદર છે. તેમાં કયાં ય રુચિભંગ જેવું નથી લાગતું. ઉત્તમ દિગ્દર્શક જ આવી સુંદર રજૂઆત કરી શકે. આ દૃશ્યમાં પ્રકૃતિ, પાત્રો અને સંગીતનો અત્યંત સુમેળ સધાયો છે. જેની યોજના દિગ્દર્શકે પહેલેથી જ વિચારીને તેના સિનારિયોમાં વર્ણવી હોય, ત્યારે જ આટલું સુંદર પરિણામ આવી શકે. કારણ કે અહીં અભિનેત્રીઓ અને તેને ઝડપનાર કૅમેરામેનની સાથે-સાથે પાર્શ્વ સંગીતકાર અને ફિલ્મ એડિટર પણ સંકળાયેલાં છે.
પ્રવચન પછી શ્રોતાઓમાંના એક મેધાબહેન જોશીએ જણાવેલું કે ‘ઉત્સવ’ રજૂ થયેલું, ત્યારના સમયમાં જ આ ગીત રેડિયો ઉપર સાંભળેલું અને બહુ ગમેલું. એક દિવસ મેં સ્કૂલમાં પ્રેક્ષકોની સમક્ષ આ ગીતની રજૂઆત કરેલી. તે પછી મારાં ટીચર ખૂબ ખિજાયેલાં કે આવું ગીત તારાથી ગવાય ? અને હું (મેધા જોશી) સમજી નહોતી શકી કે તેમાં ન ગવાય એવું શું તેવું હતું ?’ શૃંગારને જોવો જેટલો ગમે છે, તેટલો તેને જાહેરમાં સ્વીકારનાર બહુ ઓછા હોય છે.
શૂદ્રકના ‘મૃચ્છકટિકમ્’ નાટકનો પ્રભાવ ભારતીય સાહિત્ય ઉપર અનેરો છે. તેથી અનેક ભારતીય ભાષામાં આ કથાનક ઉપરથી અનેક કૃતિઓ – ખાસ કરીને નાટકો સર્જાય છે. પણ એ બધામાં શૃંગારરસ પ્રધાન નથી. બધાએ પોતાના રસ મુજબ કથાનકની રજૂઆત કરી છે. પણ તેનાથી ઘણી બધી કૃતિઓમાં વસંતસેનાના પાત્રને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે અને શૃંગાર આ પાત્ર સાથે જ સંકળાયેલો છે.
આપણે ત્યાં રસિકલાલ પરીખે ‘શર્વિલક’ નાટકનું સર્જન કર્યું છે. તેમાં વીરરસને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતીમાં અન્ય બે લેખકોએ પણ ‘મૃચ્છકટિકમ્’ ઉપરથી નાટકો લખ્યાં છે, તે સુરૂપબહેન ધ્રુવનું ‘રાજપરિવર્તન’ અને હસમુખ બારાડી કૃત ‘સહુને એક ગણિકા જોગ્યે !’ ગિરીશ કર્નાડે ‘ઉત્સવ’નું સર્જન શૃંગારરસના પ્રધાનભાવને રજૂ કરે છે. એક ફિલ્મ તરીકે ‘ઉત્સવ’ સેન્સ્યુઆિલટી(sensuality)નો સુંદર અનુભવ કરાવે છે. એટલે તેને સદા એક શૃંગારિક ફિલ્મ તરીકે યાદ કરવી ગમે એવી છે.
શૃંગારને રજૂ કરતી ફિલ્મ જોવી કોને ન ગમે?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2015; પૃ. 12