‘ગુજરાતમાં આશરે ૪૬ લાખ જેટલી
ઝૂંપડપટ્ટીઓ છે,
જે ૨૦૧૭ સુધીમાં ૫૨ (બાવન) લાખ થશે.’
− આ અખબારી સત્યમાં
મારી ઓળખીતી ઝૂંપડપટ્ટીનો સમાવેશ ન પણ હોય.
તેથી એને વિશે બે વાનાં કહેવાં ઘટે.
દોઢસો વર્ષ પહેલાં એને ગુલબાઈએ વસાવી
ત્યારે એ ઝૂંપડપટ્ટી નહોતી કહેવાતી.
કહેવાતી હતી હરીભરી ટેકરી, ગુલબાઈની.
ગાયિકા હતી ગુલબાઈ, રહેતી ટેકરીની ટોચે.
એના સંગીતની લહરીઓ શહેર કોટડાને ડોલાવતી.
શેઠિયા-વેઠિયા સહુ જોયા કે
આખી ટેકરી ગાય છે
ને ઝાડપાન પર ચાંદની વાય છે.
આશા ભીલના દૂરના સગા મારવાડના રાજાએ
યક્ષ કિન્નર ને ગંધર્વ વિશે સાંભળેલું.
માની લીધેલું કે ગુલબાઈ ઈરાની પરી છે.
રાજા છૂપા વેશે આવ્યો
ટેકરીની પરકમ્મા કરી ઝાડને છાંયે છાંયે
પહોંચ્યો છેક ટોચે.
ચંદ્ર જેવા મુખવાળી પરી
પોતાના અજવાળામાં ગાતી દેખાઈ :
પધારો મારે દેશ, કેસરિયા …
થોડા દિવસમાં દીવાન રાજપત્ર લાવ્યા : ‘પધારો …’
ગુલબાઈનો રસાલો પહોંચ્યો મારવાડ.
ગઢના કાંગરે બાંધેલાં તોરણ ને ધજાના તાલ આલાપ,
પરદેશીના ગાને પ્રજાને નાચતી જોઈ રાજા ખુશખુશાલ.
‘આપું સાત ગામ !’
‘ગામને શું કરું મહારાજ ?’
આપો તો આપો સાત સૂર જેવી
સાત ગંધર્વકન્યાઓ.
એમના કુટુંબકબીલા સાથે
વસાવીશ મારે ટેકરે.
ગમે તો રહે,
નહીં તો રુમઝુમ પરત આવતી હોળીએ.’
રાજા-પ્રજા સહુએ મંછા પૂરી કરી ગુલબાઈની.
વિદાય આપી સરોવર કિનારેથી.
સહુને સદી ગયો કુબેરના ભંડાર જેવો ફળફૂલનો બાગ.
સંગીત સાથે ભળ્યું નર્તન અને સુખિયાનું કીર્તન.
શેઠિયા-વેઠિયાનાં માનપાન વધ્યાં ગુલબાઈની ટેકરીએ.
કોઈએ કદર કરી, કોઈએ પગલાં પૂજ્યાં
જીવતરની રાત પૂરી થઈ,
પ્રભાતની પરી ઊડી ગઈ.
પણ ટેકરી ગુલબાઈની જ કહેવાઈ.
સડકોથી ઘેરાતી ગઈ ટેકરી,
એની ઝૂલ કપાતી ગઈ.
નવી પેઢી ટેકરીને હોલીવૂડ કહેતી થઈ.
વસ્તી સાત હજાર થઈ.
હું એને વસાહત માનતો હતો
પણ છાપવાળાએ સંખ્યામાં ફેરવી દીધી, ૪૬ લાખની !
ભારે ઉત્સવઘેલી છે આ વસ્તી.
એને ગાતાંનાચતાં જોવા ચીટકી જનારા સડકની ધારે
કચરો જોઈ નાકનાં ટેરવાં ચઢાવે;
કચરો નહીં, વસ્તી જાય એવી આગાહી કરે.
કોઈક કવિ વિમાસે :
સાત લાખ સેવાગ્રામને જાણનારો,
ભારતના પરાધીન ભૂતકાળને લંબાતો જોનારો
કોઈક કવિ જુએ કે
નાનામોટા રંગબેરંગી ઉકરડાઓની આક્રમક
વાસમાંથી પ્રાણવાયુ ખેંચીખેંચીને
ઊજવે છે એકએક તહેવાર આ વસાહત.
ભૂખને ભરી દે છે ઉજાણીના ઉમળકાથી.
કોઈ પર્વ પારકું નથી, તહેવાર ટૂંકો નથી.
એમને ગુરુ હોય છે સહિયારા
પણ દેવદેવી આગવાં.
જીપને ઊડતા અશ્વ જોડી રથ બનાવે.
એમાં વરરાજા બિરાજે.
વિદેહ ગુરુનું પણ ફૂલેકું ફરે ધામધૂમથી.
ભીડમાં અટવાતા કારવાળા શાહુકાર,
વરધોડાના દમામ જુએ, ન પણ જુએ, બબડે.
નાચતી મૂર્તિઓ જાણે માણસો.
ઘાટ ઘડાય, પછી રંગાય
મેઘધનુષી ફુવારાથી.
ગણપતિની સભાઓ ભરાય સડકને કિનારે
એકએક દેવ વિનાયક થવા લલચાય.
શંકર સુવન ભવાનીનંદન.
રિદ્ધિસિદ્ધિનાં અંકિત વંદન.
રંગરૂપનો મંડપ સહુનો નોખો, દેખો.
વાદ્યવૃંદને મળી રહે નિજ ગણેશ, બાપ્પો,
આ સરનામે …
કામદાર સહુ કલાકાર થઈ
લાખ કમાય, અડધા મહેફિલમાં વહી જાય.
જગા હોત તો વાહન ખરીદી શકાત.
પસાર થતાં વાહનો બાળકોને અડકી જાય છે
ક્યારેક બે પૈડાં વચ્ચેથી પસાર થઈ જાય,
એ ચાલવા કરતાં દોડે વધુ
પોલીસથી નહીં, શિક્ષકથી ડરે.
ગણતરી શીખે રમતમાં.
અહીં દૂધપીતીનો રિવાજ નથી.
કન્યાઓ વયસ્ક થાય
ઓઢણીનું પાનેતર બની જાય.
હોળી પહેલાં લગ્નગીત ગવાય.
‘ભવની ભવાઇ’માં એમનું સમૂહનૃત્ય ફિલ્માય.
પડોશના ચૉકમાં નવરાત્રિ ઊજવાય
ત્યાં પાંચસાત ગોપીઓ ટોળે વળીને રમવા જાય
પુરુષવર્ગ જોવામાં તન્મય થાય
પણ મહિલા આગેવાનથી ન સહેવાય.
‘તો આ ચાલ્યાં પાછાં નાચતાંકૂદતાં.’
લડાય નહીં, નાતો છે કામધંધાનો.
ગાઈ લેશે ઘર પાસે
નાચી લેશે સડક પર.
સડક મોટી કરનારા મથે છે વર્ષોથી,
ઝૂંપડાં ખસેડાય, પાછાં આવી ઊભાં થાય.
કાચબાની જેમ જાત બચાવી લે.
એક વાર સ્થપતિ છાત્રો વહારે ધાયેલા,
લેખકો-બેખકોય સાક્ષી બનેલા.
ઝૂંપડાં કહો કે ઘર, જાતે ખસ્યાં એ ખોટું.
વરસાદ હતો એ સાચું.
ગટર બનીને વહેતી સડકને સુકાવા દો નામદાર
પછી જાતે આવીને જુઓ પળવાર
વકીલો પાસે ઇતિહાસ હશે, ભૂગોળ નથી.
કુદરત સામે કેસ ન થાય.
હસી લીધું, કામ ચલાવ્યું કાયદેસર.
જીત્યાં ઝડપથી જનારા.
સડક ફૂલીને પહોળી થઈ.
વસાહત બેવડ વળી ઊંધી ધકેલાઈ.
લડીઝગડી ઊંઘી ગઈ.
ગરીબને કેટલી જગા જોઈએ ?
પછી તો નગર મહાનગર જાહેર થયું,
ચાલનારાં ઘટ્યાં, વાહનો વધ્યાં.
રોડનાં બજેટ બેવડાંતેવડાં થયાં.
ચૂંટણીઓ આવી ને ગઈ.
અને એક બપોરે
ઊથલપાથલ કરતાં યંત્રોની ભીડ જામી ગઈ.
સીલ થયા સડકના બેઉ છેડા.
આરંભાયું યંત્રોનું આરોહણ
ટૂંકી ટચુકડી કાચી દીવાલો પર.
છાપરાં ચગદાયાં,
પથરા કતરાયા સૂડી-સોપારીની જેમ.
મારું-તારું ભૂલી બધાં જોતાં જ રહ્યાં સાક્ષીભાવે.
બપોરની આળસ છોડી
પોલીસ અધખૂલી આંખે સાવધ હતી સ્વબચાવમાં.
વસ્તીમાંથી કોઈએ કાંકરીચાળોય ન કર્યો.
તળે ઉપર થતું બધું જોઈ રહ્યા ભાવ વિના
કે ભાન વિના.
અગાઉ જોયેલાં માઠાં સપનાંથી
આ કંઈ વધુ ન હતું.
એક વટેમારગુ પસાર થયો
ઘમસાણ વચ્ચેથી.
વાગે તો ભલે વાગે.
યંત્રોના ક્રૂર અવાજમાં
ચગદાતો માનવીય સન્નાટો
જેમની આંખોમાં હતો
એમને એ ઓળખતો હતો.
ગુલબાઈના ઘરાનાની આ દશા ?
બીજી બપોરે
કાટમાળના પડખે
વૃદ્ધની ખાટલી પાસે
રડ્યાંખડ્યાં સગાં સાથે ઊભેલા
સેવાભાવી દાક્તર પૂછે છે પીડા વિશે.
ડોસા યાદ કરીને કહે :
રાતે ગુલબાઈ આવ્યાં હતાં.
બધાનાં ખબરઅંતર પૂછતાં કહે :
‘ક્યાં ગયા બધા ફૂલછોડ ?
જે તાપમાં ખીલી રાતે મહેકતા હતા.’
દાક્તર સમજ્યા નહીં, ધારી લીધું :
મરુભૂમિની પરીનું નામ હશે ગુલબાઈ.
પછી તો ડોસાને દોઢસો વરસનો ઇતિહાસ
યાદ આવ્યો અવળસવળ.
દાક્તરને રસ પડ્યો.
એ બીજા દિવસે પણ આવ્યા.
ડોસા એમની ઓરડીના કાટમાળમાંથી
આખી ઇંટો જુદી પાડતા હતા,
વચ્ચે કપાયેલી પછીતો ને દીવાલોનાં
બાકોરા જોતા હતા
ભૂતકાળમાં ડોકિયું કરતા હોય એમ.
એક છોકરો તૂટેલા મંગળસૂત્રનો દોરો હલાવતો
જે મળે એને પૂછતો હતો : જોઈ મારી માને ?
તૂટેલી દીવાલની ચૂનાવાળી કપાયેલી ઇંટો
દાંતિયાં કરતી હતી.
યંત્રોએ અડફેટ ન લીધેલા નાનકડા મંદિરની
ધજા સાથે ફાટેલો પતંગ ફરકતો હતો.
ત્રીજા દિવસે સૂકા નાળાની ભેખડો જેવી જગાએ
નાનીનાની છાબડીઓમાં હાટડીઓ શરૂ થઈ.
ડોસાએ રોડાં પાથરી થોડીક જમીન સમથલ કરી હતી.
રાતે ફોરાં પડ્યાં ત્યારે
એ મંદિરના ટૂંકા ઓટલે ટૂંટિયું વાળી સૂઈ ગયેલા,
દાક્તરને પાછા બોલાવી કહે :
વરસાદ આવશે તો ખાબોચિયાં ભરાશે.
છોકરાં લપસી પડશે.
સડક વેળા સર થાય તો સારું.
એની ફૂટપાથ પર બે ઘડી પડી રહેવાય.
મંદિરનું કશું કહેવાય નહીં,
એના પાયા હચમચી ગયા છે.
પૂજારી તો સૌથી પહેલાં ખસી ગયેલો,
સાહેબોને સલામ કરીને.
એને ઢોલ વગાડતાં આવડે છે.
વરઘોડાના મૂરતને કેટલી વાર ?
પેલા વરરાજાનું છાપરું તૂટ્યું છે.
એ તો ચોકીદાર છે સૂના બંગલાનો.
અમે તો બધાં ઢોળાવ પર વસેલાં.
ગુલબાઈની અસલ જમીન તો વેતરાઈ ગઈ
બંગલાઓમાં.
મોટા બંગલામાં એક ઓરડી માળીની,
બીજી ચોકીદારની.
કાયદેસર કશું નથી
પણ કોટની અંદરની ઓરડી નહીં તૂટે.
પેલા માળીએ દુકાન કરેલી કાગળનાં ફૂલોની.
એમાંથી કમાઈને મુંબઈ ગયો.
ફૂલેકાનો ઘોંઘાટ ડોસાને ગમે છે.
વાહનોની ખોડંગાતી આવજા વધે છે.
ઢોલ, ત્રાંસાં, શરણાઈના અવાજમાં
ડોસાનું મન નાચે છે, ત્યાં
મંદિરના ધૂપમાં ધૂણી ભળે છે.
ફુગ્ગાવાળો છોકરો ડોસાની પાસે આવીને
રણુજાના રાજાનો હેલો ગાવા લાગે છે.
ડોસા એની સાથે મનોમન જોડાય છે.
છોકરાનું ગજવું ખાલી છે.
માગવાથી કશું મળ્યું નથી લાગતું.
છોકરો ફરી એક આંટો મારી આવે છે.
મંદિરના પાયા પાસે સુકાયેલા ખાબોચિયામાં
છોકરો છાતીસરસો ફુગ્ગો દબાવી
ઊંઘી જાય છે.
ડોસા જાગે છે.
સૌજન્ય : “કવિલોક”, મે-જૂન 2014; પૃ. 08-11