પુરુષપ્રધાન સમાજમાં સ્વાર્પણ અને અથક મહેનતથી દેશને પ્રતિષ્ઠા અપાવનારી મહિલા કુસ્તી ખેલાડીઓની આપણા દેશમાં અત્યારે જે હાલત થઈ રહી છે તે અત્યંત સંતાપ ઉપજાવનારી છે.
મહિલા કુસ્તીબાજોએ ભારતીય જનતા પક્ષના ઉત્તર પ્રદેશના સાંસદ અને ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની વિરુદ્ધ જાતીય સતામણીની ગંભીર ફરિયાદો કરી છે.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં 6 મે એ હેડલાઇન તરીકે આવેલા સમાચાર મુજબ કુસ્તીબાજોએ 21 એપ્રિલે કનોટ પેલેસ પોલીસમાં કરેલી ફરિયાદો અનુસાર જાતીય સતામણીના અનેક કિસ્સા નોંધવામાં આવ્યા છે.
ફરિયાદી નંબર 1-એ તેની જાતીય સતામણીના કિસ્સા જણાવ્યા તે આ મુજબ છે :
(1) 2016ની એક સ્પર્ધા દરમિયાન એક હૉટલના ડિનર ટેબલ પર બ્રિજભૂષણ તેની છાતી અને પેટને અડ્યો હતો. તે પછી ખેલાડીની જમવાની ઇચ્છા ખલાસ થઈ ગઈ અને તે ખૂબ જ આઘાત પામી હતી.
(2) 2019ની સ્પર્ધામાં એક વખત બ્રિજભૂષણે તેને બે વખત પોતાના બંગલામાં જ આવેલા ફેડરેશનના કાર્યાલયમાં બોલાવીને શરમજનક સ્પર્શ કર્યો હતો. તેમાંથી પહેલા દિવસે બ્રિજ તેની છાતી અને સાથળોએ અડ્યો હતો.
(3) બીજી વખત તેની શ્વસનક્રિયાની ચકાસણી કરવાને બહાને બ્રિજભૂષણ તેની છાતી અને તેના પેટને અડ્યો હતો.
(4) 2018ની સ્પર્ધામાં બ્રિજભૂષણે તેને ભીંસમાં જોરથી કસી લીધી હતી અને તે (ખેલાડી) તકાત લગાવીને માંડ છૂટી શકી હતી.
ફરિયાદી નંબર 2-એ જણાવ્યું કે
(1) 2018ની એક સ્પર્ધા પહેલાં તે વૉર્મ-અપ કરી રહી હતી ત્યારે બ્રિજભૂષણ તેની પાસે આવીને તેની જર્સી ઊંચી કરીને તેની શ્વસનક્રિયાની ચકાસણી કરવાને બહાને તેની છાતી અને તેના પેટને અડ્યો, જેનાથી ખેલાડીને ભયંકર આઘાત લાગ્યો હતો.
(2) એક વખત બ્રિજભૂષણે તેને ફેડરેશનની ઑફિસે બોલાવી, ત્યાં હજાર સહુને બહાર કાઢ્યા, તેના શરીર પર હાથ ફેરવ્યો અને તેની સાથે ફોન નંબરની આપ-લે કરી.
ખેલાડીઓએ અત્યાર સુધી ચૂપકીદી એટલા માટે સેવી હતી કે બ્રિજ ભૂષણ પોતાની સત્તાના બળે તેમની કરકિર્દીને ખતમ કરી દેશે એવો તેમને ડર હતો. પીડિતા ખેલાડીઓમાં સગીર વયની કિશોરીઓ પણ છે.
આ આરોપો આમ તો મહિલા સતામણીના ગુના દાખલ કરીને ધરપકડ કરવા માટે પૂરતા છે એમ જાણકારો જણાવે છે. વળી, એમ પણ છે કે એકંદર ભારતીય સ્ત્રી તેણે વેઠેલી પીડાનું જેટલું બયાન આપતી હોય છે તેના કરતાં તેણે હકીકતમાં વધુ વેઠેલું હોય છે.
‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’માં 30 એપ્રિલે સંદીપ દ્વિવેદી લખે છે કે બ્રિજભૂષણને 1990ના દાયકામાં દાઉદ ઇબ્રાહિમના સાગરિતોને આશરો આપવા માટે ‘ટાડા’ હેઠળ ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. તેની આપખુદીની અનેક કથાઓ છે.
તે રાષ્ટ્રીય રમતોત્સવોમાં રાજામહારાજોના ઠાઠથી ઊંચા આસને બિરાજતો, પોતાની રીતે ઇનામો જાહેર કરતો, નિર્ણાયકોના નિર્ણયો બદલી નાખતો. એક વાયરલ યુ-ટ્યૂબ વીડિયોમાં તો તે એક કુસ્તીબાજને જોરદાર લાફો ફટકારતો જોવા મળે છે.
ચન્દ્રક વિજેતા કુસ્તીબાજ વિનેશ ફોગટે ‘એક્સ્પ્રેસ’ને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું : ‘મહાસંઘમાં બ્રિજ મનમાની કરતો. મહાસંઘના અધિકારીઓ અમને નાનામાં નાની વાતે પણ કનડતા.
‘તેઓનું વર્તન ઘૃણાસ્પદ હતું. તેઓ અમને એમ કહીને ધમકાવતા કે અમારી સામે કોઈએ ફરિયાદ કરી છે જે ‘નેતા’ને કાને પડી છે અને તે ગુસ્સામાં છે.
‘ત્યાંનો પાણીવાળો છોકરો પણ અમારી સાથે તો ‘સાહેબ તો હું જ છું, તમે વળી કોણ?’ એવો મિજાજ બતાવતો. બ્રિજની ખુશામત રાખનારા કુસ્તીબાજોને નિવૃત્તિ બાદ મલાઈદાર હોદ્દા મળતા’.
‘ધ પ્રિન્ટ’ પોર્ટલમાં 8 મેએ પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ 1974થી 2007 દરમિયાન બ્રિજની સામે 38 કેસ થયા હતા. તેમાં ચોરી, ખૂન, ખૂનની કોશિશ, ગુનાઈત ધાકધમકી, રાયટિંગ વગેરે ગુનાઓનો સમાવેશ થતો હતો.
એક કેસમાં તેની ઉત્તર પ્રદેશમાં ગુંડા એક્ટ હેઠળ અને ત્રણમાં વધુ કડક એવા ગૅન્ગસ્ટર એન્ડ એન્ટિસોશ્યલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી.
જો કે બ્રિજના સાગરિતોના કહેવા મુજબ તે તમામ 38 કેસોમાંથી નિર્દોષ મુક્ત થયો છે. તેની સામેનો એક માત્ર કેસ ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ જાહેર કરતા ટ્રાયલ કોર્ટના ચૂકાદાની સામે અલાહબાદ હાઇ કોર્ટમાં કરેલી અપીલનો છે.
બ્રિજ સામે જે 38 ગુનાનો આરોપ છે તેની યાદી આપતું મોટું પોસ્ટર જતર-મંતર ખાતે લાગેલું છે.
આટલો બધો ખરડાયેલો હોદ્દેદાર અને સાંસદ દેશ પર એક કલંક છે. આ ધબ્બો ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનના પ્રમુખ અને ઑલિમપિક ચન્દ્રક વિજેતા દોડવીર પી.ટી. ઉષાને દેખાયો નથી.
પણ તેમને આ ડાઘની વિરુદ્ધ મહિલાઓએ ચલાવેલા આંદોલનમાં દેશની છાપ ખરાબ થતી દેખાય છે !
મહિલાઓનું શોષણ કરનારા દાગી સાંસદની સામે એફ.આઇ.આર. લેવા સર્વોચ્ચ અદાલતના બારણે જવું પડે છે, અને તે પણ એવા દેશમાં કે જ્યાં રાષ્ટ્રપ્રમુખ એક મહિલા હોય, વંચિત આદિવાસી વર્ગના મહિલા હોય !
એક ઇમ્પ્રેશન પીસમાં ‘ધ હિન્દુ’એ (6 મે) લખ્યું છે કે જંતર મંતર પર ચાલી રહેલું આ આંદોલન કુસ્તીબાજોની ‘એન્ડ્યુરન્સ ટેસ્ટ’ એટલે કે સહનશક્તિની કસોટી છે.
તેઓ ફૂટપાથ પર છે. પહેલાં માવઠું અને હવે પછી દિલ્હીનો તાપ, પોલીસની તેમના ટેકેદારોને કનડગત, આપણા ‘સ્ટાર્સ’ના અને આપણા પોલા ‘સેલિબ્રીટિ’ ખેલાડીઓના ટેકાનો અભાવ જેવા સંજોગો છે (કુસ્તીબાજ યુવતીઓ ખુલ્લામાં ધરણાં કરી રહી છે તે જ દિવસોમાં ગૉડ ઓફ ક્રિકેટે ભરતરત્નએ તેમની વર્ષગાંઠ ઉજવી !)
હંમેશ મુજબ આંદોલનમાં ફૂટ પડાવવા માટેના પ્રયાસો છે. ખેલાડીઓને કારર્કિર્દીની ચિંતા છે. શાસનનું વલણ નિંભર છે. વિરોધપક્ષો એકંદર નિષ્ક્રિય છે. મોટા મુદ્રિત માધ્યમોના કવરેજ તેમ જ ટેકામાં તથાકથિત તટસ્થતા અને અસાતત્ય જણાય છે. જકે કેટલાંક વિદ્યાર્થી જૂથો ચળવળમાં જોડાયાં છે. કેટલાંક મહિલા સંગઠનો તેમ જ ભારતીય કિસાન સંઘનો ટેકો બહુ દિલાસો આપનારી બાબત છે.
જો કે જગતના તાત ખેડૂત અને વિશ્વની ધાત્રી સ્ત્રી એ દુનિયાને ચલાવનાર બે તત્ત્વો તરફ માટે શાસકો કેટલા અસંવેદનશીલ છે તે આપણે તાજેતરમાં જોયું છે, વારંવાર જોઈએ છીએ.
મહિલાઓ કુસ્તીબાજો પરના અન્યાય અને તેની સામેના આદોલન તરફ બેપરવાઈથી આક્રોશિત નાગરિકો ઘણાં છે. છતાં, વાજબી પણ સાવ મામુલી વિરોધ સામે પણ પોલીસ અને કાનૂની દમનની સરકારી યંત્રણાને કારણે લોકો ડરેલા છે.
આંદોલનના કેટલાંક દૃશ્યોમાં કુસ્તીમાં મજબૂત ખેલાડીઓ હાથ જોડેલી મુદ્રામાં, ટેકા માટે વિનવણી કરતી, ક્યારેક હતાશ અને ક્વચિત આક્રોશથી આંસુ સારતી નજરે પડે છે.
મહેનતુ, સિદ્ધિવંતી તરુણીઓને પોતાની સલામતી અને પોતાના ન્યાય માટે આવી દશામાં મૂકાવું પડે તે જોઈને ખિન્ન થઈ જવાય.
નારી સન્માનની વાતો કરતા, સ્ત્રીને દેવતા ગણતા દેશમાં મહિલાઓની આ હાલતથી એક નાગરિક તરીકે મસ્તક શરમથી ઝૂકી જાય છે … અને આવું લાગવાના કિસ્સા વધતા જ જાય છે.
10 મે 2023
(800 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર