સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 23 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીને IPC કલમ-499/ 500 હેઠળ બદનક્ષી સબબ 2 વર્ષની સાદી કેદની સજા કરી છે. આ ચુકાદો 168 પેજનો છે. ચુકાદામાં ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષની લાંબી લાંબી દલીલો ટાંકવામાં આવી છે. પેજ-54 ઉપર કોર્ટ મુદ્દો ઉપસ્થિત કરે છે : “શું ફરિયાદ પક્ષ એ હકીકત નિ:શંકપણે પુરવાર કરે છે કે, આ કામના આરોપીએ પોતાના 13 એપ્રિલ 2019ના પોતાની ચૂંટણી સભામાં ભારતના વર્તમાન પ્રધાન મંત્રી મોદીને ચોરનું ઉપનામ આપી તેમ જ તેની સરખામણી આર્થિક ગુનેગારો જેવા કે નિરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી તથા વિજય માલ્યા સાથે કરી ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાં પૂછ્યું હતું કે ‘બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવી ટિપ્પણી કરેલ હતી તથા ફરિયાદી તેમ જ સમસ્ત મોદી સમાજની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદા સાથે તેમ જ હાનિ પહોંચશે તેવી જાણકારી અને એવું માનવાના કારણ સાથે ઉપર્યુક્ત ગુનો કરી ફરિયાદીને સામાજિક અને શારીરિક તેમ જ માનસિક નુકશાન પહોંચાડેલ છે અને ફરિયાદીની બદનક્ષી થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી IPC કલમ-499/ 500 મુજબનો સજાને પાત્ર ગુનો કરેલ છે?” આ મુદ્દાનો નિર્ણય અદાલતે હકારમાં આપેલ છે.
પેજ-166 પર કોર્ટે, આરોપી રાહુલ ગાંધીની રજૂઆત નોંધી છે : ‘મેં જે કાંઈ ભાષણ આપેલું તે પ્રજાના હિતમાં, મારી ફરજના ભાગરૂપે આપેલ. મારે કોઈ પણ પ્રજા સાથે કોઈ ભેદભાવ નથી. તેમ જ હું મારા દેશની તમામ પ્રજાને ખૂબ પ્રેમ કરું છું.’ આરોપીના વકીલ કહે છે : ‘આરોપીનો કોઈ પણ જ્ઞાતિનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો; તેમ જ ફરિયાદીને કોઈપણ પ્રકારની વ્યથા/નુકશાન થયેલ નથી.’
IPC કલમ-499માં 10 અપવાદ છે; તેમાં પ્રથમ 3 અપવાદ જોઈએ. પ્રથમ અપવાદ : કોઈ એવી બાબતની બદનક્ષી કરે જે કોઈ વ્યક્તિના સંબંધમાં સત્ય હોય તો તે માનહાનિ નથી. લોક કલ્યાણ માટે સત્ય કહી શકાય. બીજો અપવાદ : લોક સેવકના આચરણ અંગે સદ્દભાવનાપૂર્વકની આલોચના માનહાનિ નથી. ત્રીજો અપવાદ : કોઈ જાહેર પ્રશ્નના સંબંધમાં કોઈ વ્યક્તિના આચરણ બાબતે, તેના શીલ બાબતે, સદ્દભાવનાપૂર્વક કંઈ કહે તો માનહાનિ નથી. આ ત્રણ અપવાદ આ કેસમાં શા માટે લાગુ પડતા નથી; તેની ચર્ચા કોર્ટે પોતાના લાંબા ચુકાદામાં કરી નથી.
પેજ-165 પર કોર્ટ નોંધે છે : “માત્રને માત્ર મોદી સમાજ કે જ્ઞાતિના લોકોની બદનામી થયેલ હોવાના કારણથી હાલની ફરિયાદ કરવામાં આવેલ નથી પરંતુ ફરિયાદીને પોતાને થયેલ વ્યથાના કારણે પણ હાલની ફરિયાદ કરવામાં આવેલ છે. વધુમાં આરોપી દ્વારા ભાષણમાં નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપીને તેમ જ તેમની સરખામણી આર્થિક ગુનેગારો સાથે જેવા કે નિરવ મોદી / લલિત મોદી / મેહુલ ચોક્સી / વિજય માલ્યા સાથે કરી ત્યાં તેઓનું ભાષણ રોકી શક્યા હોત. તેમ જ આ લોકો પૂરતી જ ભાષણમાં ચર્ચા કરી શક્યા હોત. પરંતુ આરોપીએ ઈરાદાપૂર્વક સમગ્ર ‘મોદી’ અટકધારી કે ‘મોદી’ નામથી ઓળખાતી વ્યક્તિઓનું ઈરાદાપૂર્વક અપમાન કરવા માટે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવું ભાષણમાં જણાવેલ.” પેજ-167 પર કોર્ટ લખ્યું છે : “આરોપી સંસદસભ્ય છે. સંસદસભ્ય તરીકે તેમની પ્રજાને સંબોધન કરવાની બાબત ખૂબ ગંભીર છે, કારણ કે જ્યારે સંસદસભ્યની હેસિયતથી કોઈ વ્યક્તિ પ્રજાને સંબોધન કરતો હોય ત્યારે તેની ખૂબ વ્યાપક અસર પ્રજા પર પડતી હોય છે. અને તેના કારણે સદર ગુનાની ગંભીરતા વધુ છે. તેમ જ જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં પણ તેનાથી ખોટો મેસેજ જાય તેમ છે. અને બદનક્ષીના જે હેતુ છે તે હેતુ સર થશે નહીં. અને કોઈ વ્યક્તિ સહેલાઈથી કોઈ પણ વ્યક્તિની બદનક્ષી કરશે.”
સૌથી મોટો સવાલ એ છે કે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ એ શબ્દોમાં ફરિયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાને ચોર શા માટે સમજી લીધેલ હશે? કોર્ટ પણ આવા તર્ક સાથે કઈ રીતે સહમત થઈ હશે? સાચો ચુકાદો તો કવિ કરસનદાસ માણેકે આપ્યો હતો :
‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !’
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર