
રમેશ ઓઝા
૨૦૧૪ની સાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અત્યારની જેમ જ લોકસભાની ચૂંટણી પછી તરત જ યોજાઈ હતી અને મહારાષ્ટ્રમાં બી.જી.પી.ને એકલે હાથે બહુમતી મળી નહોતી. લોકસભા માટે બી.જે.પી.એ મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ ૪૮માંથી ૨૪ મતદારક્ષેત્રોમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તેમાંથી ૨૩ ઉમેદવારો જીત્યા હતા. બી.જે.પી.ને ૨૦૦૯ની સાલની ચૂંટણી કરતાં ૧૪ બેઠકો વધારે મળી હતી. એ સમયના બી.જે.પી.ના સાથી પક્ષ શિવસેનાએ ૨૦ મતદારક્ષેત્રોમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને ૧૮ બેઠકો મળી હતી. સેનાને ૨૦૦૯ની તુલનામાં ૯ બેઠકો વધારે મળી હતી. સેના-બી.જે.પી.ના એન.ડી.એ. મોરચાને કુલ ૪૮ બેઠકોમાંથી ૪૧ બેઠકો મળી હતી અને ૫૧.૭૫ ટકા મત મળ્યા હતા. બી.જે.પી.એ ત્યારે એમ માન્યું હતું કે આ વિજય તેનો પોતાનો છે, નરેન્દ્ર મોદીનો છે અને શિવસેના તો તેની લાભાર્થી છે. મહારાષ્ટ્રની તાસીર નહીં જાણનારા કોઈ પણ આવું માને એ સ્વાભાવિક છે. વાતાવરણ પને સમયે એવું જ હતું. નરેન્દ્ર મોદીનો ડંકો વાગતો હતો.
એ જ વરસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ સેના પાસેથી એટલી બધી બેઠકો માગી કે તેને સેનાના ટેકાની જરૂર ન પડે. બી.જે.પી.ના નેતાઓને એમ લાગવા માંડ્યું હતું કે સેના તેની આશ્રિત છે અને હવે તેણે દ્વિતીય સ્થાન સ્વીકારી લેવું જોઈએ. સાથે આવે તો ઠીક છે નહીંતર ચાલતી થાય. દેખતી રીતે સમજૂતી થઈ નહીં અને બન્ને પક્ષોએ ૨૫ વરસ જૂની યુતિ તોડી નાખી. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ ૨૮૮ બેઠકોમાંથી ૨૬૦ બેઠકો પર ઉમેદવારી કરી હતી અને ૨૮ બેઠકો ફૂટકળ પક્ષોને આપી હતી. પરિણામ ચોંકાવનારાં હતાં. બી.જે.પી.ને ૨૬૦ બેઠકોમાંથી ૧૨૨ બેઠકો મળી અને બહુમતીથી તે ૨૩ બેઠકોથી પાછળ હતી. લોકસભાનો બી.જે.પી.નો સ્ટ્રાઈક રેઈટ (ઊભા રાખેલા ઉમેદવારો સામે જીતેલા ઉમેદવારોનું પ્રમાણ) આ વખતે જોવા ન મળ્યો. બી.જે.પી.એ સરકાર રચવા શિવસેનાની મદદ લેવી પડી હતી.
૨૦૧૯નું વર્ષ તો નરેન્દ્ર મોદીનું દિગ્વિજયનું વર્ષ હતું. એ ચૂંટણીમાં એન.ડી.એ.ને ૫૧.૩૪ ટકા મત સાથે ૪૮માંથી ૪૩ બેઠકો મળી હતી અને યુ.પી.એ.(કાઁગ્રેસ અને શરદ પવારની એન.સી.પી.)ને ૩૨.૭ ટકા મત સાથે માત્ર પાંચ બેઠક મળી હતી. હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહને એમ લાગ્યું હતું કે ૨૦૧૪માં ભલે બી.જે.પી.ને મહારાષ્ટ્રમાં એકલા હાથે સરકાર રચવા જેટલી બેઠકો નહીં મળી, પણ આ વખતે તો જરૂર મળવાની છે. ૨૦૧૪ની તુલનામાં બે બેઠકો વધારે મળી હતી અને એ બન્ને બેઠકો બી.જે.પી.ને મળી હતી. હવે શિવસેનાની કાખઘોડીની જરૂર નહીં પડે.
૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે બી.જે.પી.એ સેનાને લાત મારી અને યુતિ તોડી નાખી. પરિણામો ચોંકાવનારાં હતાં. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં બી.જે.પી.ની બેઠકોમાં અને મતમાં અનુક્રમે ૧૭ અને બે ટકાનો ઘટાડો થયો. બી.જે.પી.ને માત્ર ૧૦૫ બેઠકો મળી. શિવસેના સાથે બી.જે.પી.એ બીજી વાર વિશ્વાસઘાત કર્યો હતો. આ વખતે બી.જે.પી.ની સાથે જવાની જગ્યાએ શિવસેનાએ કાઁગ્રેસ અને એન.સી.પી. સાથે મળીને સરકાર રચી અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા.
લોકસભાની ચૂંટણીમાં શિવસેનાનો ઉપયોગ કરવાનો અને વિધાનસભાની ચૂંટણી વખતે લાત મારવાની રમત બે વખત રમ્યા પછી હવે ત્રીજી વાર એ રમી શકાય એમ નહોતી એ બી.જે.પી.ના નેતાઓ જાણતા હતા. યેનકેન પ્રકારેણ મહારાષ્ટ્ર કબજે કરવું હતું, કારણ કે મહારાષ્ટ્ર પાસે મુંબઈ છે, બે પોર્ટ છે, મુંબઈ અને મુંબઈ પ્રદેશ(જે મુંબઈ મેટ્રોપોલિટન રિજિયોન – એમ.એમ.આર.ડી.એ. તરીકે ઓળખાય છે.)ની એકએક ઇંચ જમીન સોનાની લગડી જેવી કિંમતી છે, આ સિવાય પૂના અને ઔરંગાબાદ છે અને તે ઉપરાંત દેશમાં સૌથી વધુ મહેસૂલી આવક મહારાષ્ટ્ર આપે છે. પણ એ કબજે થતું નહોતું. બે વખત નિષ્ફળતા મળી. બ્રેન્ડ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં સફળતા અપાવે છે, પણ વિધાનસભાની ચૂંટણી વખતે નિષ્ફળ નીવડે છે. એવું શું છે મહારાષ્ટ્રમાં કે નરેન્દ્ર મોદી નામની બ્રેન્ડ અને અમિત શાહની ચાણક્યબુદ્ધિ એમ બન્નેને સફળતા મળતી નહોતી? મહારાષ્ટ્રમાં જ્યાં દેશનાં મધ્યમવર્ગનું પ્રમાણ સૌથી વિશાળ છે અને મધ્યમવર્ગ નરેન્દ્ર મોદીની સૌથી મોટી તાકાત છે.
આનાં કારણોની ચર્ચા કરતાં પહેલાં બી.જે.પી.ની તાત્કાલિક જરૂરિયાત અને તેણે અપનાવેલા માર્ગની વાત કરી લઈએ. વિકલ્પ બે બચતા હતા : પહેલો વિકલ્પ વિરોધ પક્ષોની અંદર ફૂટ પડાવવી અને બીજો વિકલ્પ જ્યાં જરૂર હોય ત્યાં વોટ કટવાઓને ઊભા કરીને વિરોધ પક્ષોના ઉમેદવારોને પરાજીત કરવા. બી.જે.પી.એ શિવસેના અને એન.સી.પી.માં વિભાજન કરાવ્યું. ચૂંટણીપંચે વિભાજીત ફાડિયાંઓને સાચા પક્ષ તરીકેની માન્યતા આપી દીધી અને ચૂંટણી ચિહ્ન સ્થગિત કરવાની જગ્યાએ તેને આપી દીધું. વધુ નહીં તો ૨૫થી ૪૦ ટકા મત વિભાજીત ફાડિયાં લઈ આવશે અને એ પછી વોટ કટવાઓ તો છે જ એવી ગણતરી હતી. જો શિવસેના અને એન.સી..પીના કમ સે કમ ૪૦ ટકા મત એકનાથ શિંદે અને અજીત પવાર લઈ આવે તો ભયોભયો.
પણ એ રમત વિધાનસભાની ચૂંટણી તો બાજુએ રહી એ પહેલાં યોજાયેલી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બૂમરેંગ થઈ. ૨૦૧૪ અને ૨૦૧૯થી ઊલટું બ્રેન્ડ નરેન્દ્ર મોદીને આ વખતની ચૂંટણીમાં સફળતા મળી નહીં. દેશનો સૌથી મોટો મધ્યમવર્ગ જ્યાં વસે છે ત્યાં સફળતા મળી નહીં. મુંબઈ શહેરમાં સફળતા મળી નહીં. બી.જે.પી.એ ૨૮ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા તેમાંથી માત્ર નવ જીત્યા હતા. ૨૦૧૪ અને ૨૦૧૯માં ૯૦ ટકાનો સ્ટ્રાઈક રેટ (ઊભા રાખેલા ઉમેદવારોમાંથી જીતેલા ઉમેદવારોનું પ્રમાણ) ઘટીને ૩૦ ટકા પર આવી ગયો. બ્રેન્ડ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં મોટો ઘસારો પહોંચ્યો અને હવે વિધાનસભાની ચૂંટણીમાં કસોટી થવાની છે. ચૂંટણી જીતવા વિરોધ પક્ષોમાં ફૂટ પડાવવામાં આવે એ કોઈ નવી રમત નથી. મધ્ય પ્રદેશમાં અને બીજાં રાજ્યોમાં પણ આ અકસીર ઈલાજ બી.જે.પી.એ કર્યો હતો. સફળતા પણ મેળવી. એક મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં ફૂટ પડાવવાનો અને વોટ કટાવાઓને ઊભા કરવાનો ઈલાજ અજમાવ્યા પછી પણ સફળતા મળતી નથી અને એ પણ લોકસભાની ચૂંટણીમાં.
વળી મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. સંઘ પર અને અર્થાંતરે બી.જે.પી. પર મહારાષ્ટ્રના સંઘના નેતાઓનો અંકુશ છે. એક રીતે જુઓ તો દેશ પર મહારાષ્ટ્રના લોકો શાસન કરે છે. એમ કહેવાય છે કે નિર્ણયો નાગપુરમાં લેવામાં આવે છે. હિન્દુત્વની ગંગોત્રી મહારાષ્ટ્ર છે. વિનાયક દામોદર સાવરકર મહારાષ્ટ્રના હતા. લોકમાન્ય ટીળક મહારાષ્ટ્રના હતા અને ટીળકના અનુયાયીઓ સંઘ/જનસંઘ/બી.જે.પી.ને શરૂઆતથી જ ટેકો આપતા રહ્યા છે. આ બધા સંજોગો જોતાં મહારાષ્ટ્ર-પ્રવેશ તો બી.જે.પી. માટે સૌથી આસાન હોવો જોઈતો હતો, પણ અનુભવ એવો છે કે બી.જે.પી. માટે મહારાષ્ટ્ર-પ્રવેશ સૌથી વધુ મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે મહારાષ્ટ્ર-પ્રવેશના બે પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. હવે ત્રીજી વાર કસોટી થવાની છે.
શા માટે? એવું શું છે મહારાષ્ટ્રની સામાજિક-રાજકીય તાસીરમાં કે હિન્દુત્વની જ્યાં ગંગોત્રી છે એ રાજ્યમાં જ બી.જે.પી.ને પ્રવેશવામાં મુશ્કેલી પડી રહી છે? મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રની સામાજિક-રાજકીય તાસીર સમજી લેવી જોઈએ અને એવો એક પ્રયાસ હવે પછીના લેખમાં કરવામાં આવશે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 27 ઑક્ટોબર 2024