
રવીન્દ્ર પારેખ
2014થી કેન્દ્રમાં સત્તા પર આવેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર(3)નું આઠમું બજેટ ‘નંદ ઘેર આનંદ ભયો’ જેવું આવ્યું છે અને ‘કંસ’ના દરબાર સિવાય ક્યાં ય દુખાવો જણાતો નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કોઈ ભૂલ તો નથી કરીને એવો આનંદી આંચકો મધ્યમવર્ગને, 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં-ની જાહેરાતથી આપ્યો છે. અઠવાડિયામાં ઇન્કમટેસ બિલ આવવાનું છે, એમાં ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ સમજાવવાની વાત છે. તે વખતે કોથળામાંથી બિલાડું ન નીકળે તો સારું ! જો કે, નાણાં મંત્રીએ અત્યારે હાથ નથી ખેંચ્યો, તો ત્યારે ય નહીં ખેંચે એમ ધારવાનું ગમે. બને કે ઇન્કમટેક્સ બિલમાંથી, નવી રિજિમમાં આવકવેરામાં આટલી રાહત આપી જ છે તો જૂની રિજિમ બંધ થાય. આ જૂની રિજિમ પદ્ધતિ આમ પણ જૂની જ થઈ ગઈ છે ને બહુ ઓછા કરદાતા તેનો લાભ લે છે, તો તેને સરકારે તિલાંજલિ આપવી જોઈએ. 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિત 12.75 લાખ સુધી ટેક્સ લાગવાનો ન હોય તો નથી લાગતું કે કોઈ જૂની રિજિમનો વિચાર પણ કરે.
નવી કરપદ્ધતિને કારણે 12 લાખની આવકવાળા કરદાતાને 80 હજારની અને 18 લાખની આવકવાળાને 70 હજારની કરમાં છૂટ મળશે. બજેટમાં સરકારે ટેક્સ સ્લેબ અને આવકવેરા દરોમાં ફેરફારનો પ્રસ્તાવ મુકાયો, તે મુજબ ચાર લાખની આવક પર વેરો નહીં લાગે, પણ 4 થી 8 લાખની આવક પર 5 ટકા, 8થી 12 લાખ પર 10 ટકા, 12થી 16 પર 15 ટકા … ટેક્સ લાગશે. એ પણ સમજવાનું રહે કે લાભ 12 લાખની આવક સુધી જ છે. આવક 12 લાખથી વધુ હશે તો ટેક્સ ચાર પર જ નહીં લાગે, તે પછીની 12 લાખ સુધીની આવક પર સ્લેબને હિસાબે લાગશે.
જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર નથી. આ પ્રસ્તાવ નાણાંકીય વર્ષ 2025-’26 અને એસેસમેન્ટ યર 2026-’27 માટે છે. એવું કહેવાય છે કે આ રાહત નોકરિયાતો માટે જ છે. એવું હોય તો પેન્શનર્સ એમાં ખરા કે કેમ તેની કશી સ્પષ્ટતા નથી. આમ તો એ પૂર્વ નોકરિયાતો તો ખરા જ ! એ રીતે તો એ સૌનો સમાવેશ પણ હશે જ ! ફેરફાર તો એવો પણ આવ્યો છે કે વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજારની હતી તે 1 લાખની થઈ છે. TDS મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી છે. તે ઉપરાંત કોઈ પણ કરદાતા એક સાથે 4 વર્ષનું રિટર્ન ફાઇલ કરી શકશે.
બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. એવું થશે તો એ વિસ્તારમાં ફૂડ પ્રોસેસિંગનો મહિમા વધશે. નાણાં મંત્રીએ હાલનાં IIT સેન્ટરનાં વિસ્તરણની જાહેરાત કરવાની સાથે જ મખાના બોર્ડની રચના કરવાનું પણ બજેટમાં પ્રપોઝ કર્યું છે. એમ થતાં મખાના ઉગાડતા ખેડૂતો, વેપારીઓને લાભ થશે. આ ઉપરાંત બિહારમાં ત્રણ નવાં એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ પણ છે.
સરકારે કેન્સરની દવાઓ સસ્તી કરવા ઉપરાંત 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે. આવાં 200 કેન્દ્રો તો આગામી નાણાંકીય વર્ષમાં જ શરૂ કરવાની વાત છે. ખરેખર તો કેન્સર અને અન્ય જીવલેણ રોગોના દર્દીની અસહ્ય પીડાને ધ્યાને લઈને સસ્તી દવાનો લાભ આપીને જ અટકી ન જતાં, તેની તમામ સારવાર વિના મૂલ્યે થાય એ અંગે સરકારે આગામી બજેટમાં વિચારવું જોઈએ. જો કે, 36 જીવન રક્ષક દવાઓ કરમુક્ત કરવામાં આવી છે. 6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 5 ટકા ઘટાડવામાં આવી છે એ રાહત આપનારી વાત તો છે જ !
આ બજેટ ખેડૂતો, મહિલાઓ, યુવાનો વેપારીઓ માટે ઘણી રાહત લઈને આવ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ(KCC)ની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. 100 જિલ્લાને લાભાન્વિત કરવા પી.એ.મ ધન-ધાન્ય યોજના શરૂ થશે. તુવેર, અડદ જેવાં કઠોળમાં 6 વર્ષમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું લક્ષ્ય છે. ડેરી અને મત્સ્યોદ્યોગ માટે 5 લાખ સુધીની લોન અપાશે. દરિયાઈ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યૂટી 30 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. આસામના નામરૂપમાં નવો યુરિયા પ્લાન્ટ સ્થાપવાની પણ દરખાસ્ત છે. SC-STનાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજના દાખલ કરાશે અને પહેલી વાર એવું સાહસ કરનાર મહિલાને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે. સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરાશે. 3 AI શ્રેષ્ઠ કેન્દ્રો ઊભાં કરવાં 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. તબીબી શિક્ષણમાં 5 વર્ષમાં 75 હજાર બેઠકો વધારાશે. મેડિકલ કોલેજમાં 10,000 બેઠકો, 23 IITમાં 6,500 બેઠકો વધશે. પી.એમ. રીસર્ચ ફેલોશિપ હેઠળ 10,000 નવી ફેલોશિપ અપાશે. દેશમાં GYAN ભારત મિશન હેઠળ 1 કરોડ હસ્તપ્રતોનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે. MSME માટે લોન ગેરંટી મર્યાદા 5થી વધારીને દસ કરોડ રૂપિયા કરવામાં આવી છે. સોશિયલ વેલ્ફેર સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ પણ છે. 7 ટેરિફ દરો દૂર થતાં હવે દેશમાં 8 ટેરિફ દરો જ રહેશે. દેશને રમકડાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના અમલમાં આવશે. નવી લેધર યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડે એમ બને. શહેરી શેરી વિક્રેતાઓ માટે લોન મર્યાદા 30 હજાર કરવામાં આવી છે.
મોબાઈલ ફોન, ઇ-કાર, EV અને મોબાઇલની લિથિયમ આયર્ન બેટરી, LED-LCD ટી.વી. સસ્તાં થવાની દરખાસ્ત છે. શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા યોજના શરૂ થશે. એક લાખ અધૂરાં મકાનો પૂરાં કરવામાં આવશે અને આ વર્ષે 40,000 નવાં મકાનો તૈયાર કરવામાં આવશે. એ અધૂરાં રહેશે તો નવાં બજેટમાં એની વાત કરતાં કોણ રોકવાનું હતું ! નલ સે જલની યોજના ચાલે જ છેને ! તે 2028 સુધી લંબાવવામાં આવી છે.
એ ખરું કે ત્રીજી ટર્મની સરકાર સહકારથી અસ્તિત્વમાં આવી છે, એટલે તે છાશ ફૂંકીને પીએ તે સમજી શકાય એવું છે. એ સાથે જ મધ્યમવર્ગનો અસંતોષ પણ સરકારને કાને પહોંચ્યો હોય એમ બને. નોકરિયાત વર્ગનો ઈમાનદારી સાથેનો સૌથી વધુ ટેક્સ કદાચ સરકાર સુધી પહોંચ્યો છે. એ વર્ગ આવક છુપાવી શક્યો નથી, એ કારણે પણ તે ઈચ્છા અનિચ્છાએ ટેક્સ ભરતો રહ્યો છે. દરેક બજેટમાં તેનો અસંતોષ ચરમસીમાએ રહેતો હતો, કારણ ઇન્કમટેક્સનો સ્લેબ સમ ખાવા પૂરતો પણ માંડ વધતો હતો ને તેને માથે ટેક્સનું ભારણ વધતું જ આવતું હતું. એ તરફ સરકારનું ધ્યાન ગયું ને આગલાં વર્ષોનું સાટું વળતું હોય તેમ 12.75 લાખ સુધી ટેક્સ ન લગાવીને નોકરિયાતોને ભરચક સંતોષ સરકારે આપ્યો છે. આ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રખાયું છે ને બધાંને જ કૈં ને કૈં રાહત મળે એવું થયું છે તે આશ્વસ્ત કરનારી બાબત છે. એ ખરું કે અર્થતંત્રને મજબૂત કરવાનું લક્ષ્ય છે એટલે આવનાર દિવસોમાં વિકાસ વધુ વેગ પકડે એમ બને.
સુરતનો બજેટ સંદર્ભે વિચાર કરીએ તો એમાં હીરા ઉદ્યોગની મંદી અને ટેક્સટાઇલ ઉદ્યોગને સીધો લાભ થાય એવું કૈં નથી. શેર માર્કેટે બજેટને સકારાત્મક લીધું લાગતું નથી. એટલે જ કદાચ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવાયો છે. એમ પણ લાગે છે કે યુ.પી.એ. સરકારની તુલનામાં એન.ડી.એ. સરકાર શિક્ષણમાં 1 ટકા ઓછો ખર્ચ કરે છે ને તેની ધારી અસર નવી શિક્ષણ નીતિ-2020 લાગુ થવા છતાં વર્તાતી નથી. બજેટની ધ્યાન ખેંચનારી બાબત એ પણ છે કે ભારત પરમાણુ ક્ષેત્રે આત્મનિર્ભર થવા કટિબદ્ધ છે તેનો પડઘો બજેટમાં પડ્યો છે. વીમા ક્ષેત્રમાં પણ FDIની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી છે. એથી વીમાનું પ્રીમિયમ સસ્તું થવાની વકી છે.
એ પણ છે કે સરકારે આમ આદમીને રાહત આપીને ‘આમ આદમી પાર્ટી’ની દિલ્હીની ચૂંટણી ટાણે જ ઊંઘ હરામ કરી છે. રાહતનો આ માસ્ટર સ્ટ્રોક દિલ્હીમાં ભા.જ.પ.ની સ્થિતિ સુધારે એમ બને. એ જે હોય તે પણ 2025નાં બજેટે ઘણાં સમીકરણો બદલી નાખ્યાં છે એ નક્કી છે.
એકંદરે સ્વસ્થ બજેટ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ફેબ્રુઆરી 2025