જીવી તો ગીરના નેસડાનો જીવ. ગીરનું જંગલ તેની નસનસમાં દોડતું લાગે. જીવી જન્મી હતી નેસડામાં અને પશુ, પંખી, રાની પશુઓના અવાજ, કલબલાટ, ચિચિયારી, ઘૂરઘુરાટ અને સાવજની ડણકો સાંભળીને મોટી થઈ હતી. દરેક પશુ, પક્ષી, પ્રાણીની હાલચાલ અને વરતારાની ખબર પડે. સાવજ બાજુમાંથી હાલ્યો જાય તો ય જીવીનું રુવાડું ય ન ફરકે, જ્યારે બીક તો દૂરની વાત છે. જીવીના હાથમાં સદાય કડિયાળી ડાંગ હોય. એ જ એનું રક્ષણ હથિયાર હતું. જીવી બિન્દાસ ગીરના જંગલમાં ફરતી.
એક દિવસ ભારે થઈ. જીવી અને તેનો પાંચ વર્ષનો દીકરો જંગલમાં કેડી રસ્તે નેસડે જતાં હતાં. જીવી માટે આ તો રોજની વાત હતી. પણ આજે દીકરો સાથે હતો. મનમાં કોઈ બીક નહોતી હાથમાં કડિયાળી ડાંગ હતી. જંગલના રસ્તે સામેથી ધીમી ચાલે સિંહણ આવતી હતી અને જીવી માટે તો કોઈને કોઈ પશુનો ભેટો થવો એ આમ વાત હતી. એટલે જીવીના મનમાં કોઈ થડકાટ નહોતો. સિંહણ થોડી નજીક આવી, હવે જીવીને કઈક અઘટિત બનવાનો આભાસ થઈ ગયો. જીવીને લાગ્યું કે સિંહણના રોજના કરતાં આજના વર્તનમાં કઈક ફેર છે. જીવી સતર્ક થઈ ગઈ, ડાંગને મજબૂતીથી પકડી જરૂર પડે તો સિંહણને ફટકો મારવાની તૈયારી પણ કરી લીધી.
જીવીનો આભાસ અને અનુમાન સાચું પડ્યું. સિંહણે ધીમી દોટે જીવીના છોકરા ઉપર હુમલો કરવા તરાપ મારી. જીવી પણ તૈયાર હતી. છોકરાને પાછળ સંતાડી જોરથી સિંહણના માથામાં ડાંગ ફટકારી, ફટકો બરોબરનો લાગ્યો હતો. સિંહણ આજે તેની તરાપ ચૂકી ગઈ, પણ જીવીના બાવડે નોર મારતી ગઈ. જીવી પણ ફટકાના ધક્કાથી પડી ગઈ પણ એકદમ ઊભી થઈ, છોકરાને પાછળ સંતાડી બીજો ફટકો મારવા તૈયાર થઈ ગઈ. પણ, સિંહણ જીવીના ફટકાના મારાથી વળતો હુમલો કરવાના બદલે જંગલમાં ભાગી ગઈ.
નેસડે આવ્યાં. સિંહણના નોરના ઘા ઊંડા હતા એટલે સરકારી દવાખાને જઈ સારવાર લીધી. ત્યાં તો જીવી અને સિંહણની લડાઈની વાત બધે વાયુ વાગે ફેલાઈ ગઈ. બધાંને જીવીને મળીને સિંહણ સાથેની લડાઈની અને છોકરાને બચાવવાની વાત જાણવી હતી. બધાં જીવીને જાણતા હતા એટલે જ જીવીની ગજબની હિંમત અને સિંહણનું શિકાર છોડી ભાગી જવા વિશે વિગત જાણવાની ઇન્તેજારી હતી.
“જીવીબહેન, ગજબનું હિમતનું કામ કર્યું તમે. તમારા એક જ ફટકે સિંહણ શિકાર છોડીને ભાગી ગઈ.”
“ના, રે, ભાઈ, આમાં કંઈ નવું નથી. આ તો અમારે રોજનું થયું.”
“જીવીબહેન, તમે ફટકો ચૂંકી ગયા હોત તો? શું પરિસ્થિતિ થાત?”
“હું ય, ગીરનું પાણી અને દૂધ પીને મોટી થઈ છું. સિંહણ સાથે બાથમબાથી બાધી લેત અને મારા અંતિમ શ્વાસ સુધી મારા દીકરા સુધી તેને પહોંચવા ન દેત.”
“જીવીબહેન, સિંહણ પણ `મા` હતી. તમે પણ `મા` છો, તો એક `મા` એ બીજી `મા` ના વર્તનમાં ફેરફાર કેવી રીતે જાણી લીધો?”
“ભાઈ, અમારે રોજનો તેની સાથે પનારો છે. એટલે અનુભવે સમજાય જાય. એમ મને પણ સિંહણના બદલાતા વર્તનનો અણસાર આવી ગયો હતો. આમ તો સિંહ-સિંહણ જંગલના રાજા-રાણી છે. તમે તેને છંછેડો નહીં ત્યાં સુધી એ તમારી ઉપર હુમલો ન કરે. પણ તે દિવસે સિંહણ કોઈક કારણસર ગુસ્સામાં હતી એટલે મારા દીકરા ઉપર હુમલો કર્યો.”
“સિંહણ તેના હુમલામાં સફળ થઈ હોત તો?”
“તો, એક `મા`ની જીત થઇ હોત અને બીજી `મા` હાર. પણ આમા બંને `મા`નો વિજય થયો. `મા`નું અને `મા`ની મમતાનું માન જળવાઈ ગયું …..
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt 7848gmail.com