આજે ૨૬મી જાન્યુઆરી. આજના દિવસે ૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક થયું હતું અને બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. મને કોઈ પૂછે કે આઝાદી દિન અને પ્રજાસત્તાક દિનમાં કોની ઉજવણી વધારે ઉમંગ અને ઉત્સાહથી કરવી જોઈએ, તો હું કહીશ કે પ્રજાસત્તાક દિનની. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો ભારતને આઝાદ કરીને સત્તા સોંપીને જતા રહ્યા હતા. કોને સત્તા સોંપી હતી? ભારતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ પક્ષોની બનેલી વચગાળાની રાષ્ટ્રીય સરકારને સત્તા સોંપીને અંગ્રેજો ગયા હતા, ભારતની પ્રજાને નહીં.
એમ હોય તો પછી આઝાદી શેની? જે તે રાજકીય પક્ષો પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે એનો અર્થ એવો નથી કે તે પ્રજા છે. એવું પણ બને કે રાજકીય પક્ષો વિચારધારાઓથી પ્રેરાઈને કે સ્વાર્થથી પ્રેરાઈને પ્રજાવિરોધી વલણ પણ ધરાવે, જેમ આજે બની રહ્યું છે. આમ પ્રજાને સત્તા ન મળે ત્યાં સુધી પ્રજા આઝાદ ન કહેવાય. ભારતની આઝાદીના લડવૈયાઓને આ વાતનું ભાન હતું અને તેને માટે પ્રતિબદ્ધ હતા એટલે ભારતને રાજકીય આઝાદી મળી એના દાયકાઓ પહેલાં ભારતના નેતાઓએ આઝાદ ભારતની કલ્પના કરવાનું અને તેના સ્વરૂપ વિશે વિચારવાનું શરુ કરી દીધું હતું.
ભારતને આઝાદી મળી એના ત્રણ દાયકા પહેલાં આટલી બાબતે લગભગ સર્વસંમતિ હતી.
૧. ભારત લોકતાંત્રિક દેશ હશે.
૨. ભારતમાં ભેદભાવ વિના દરેક પુખ્તવયના નાગરિકને મતદાનનો અધિકાર હશે. કેટલાક લોકો મતદાનના અધિકારની બાબતમાં શરતો દાખલ કરવાનો આગ્રહ રાખતા હતા, પરંતુ તેમને ખાસ સમર્થન મળ્યું નહોતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉ. આંબેડકરે તાત્કાલિક ધોરણે આદિવાસીઓને મતદાનનો અધિકાર આપવામાં ન આવે એવી હિમાયત કરી હતી.
૩. ભારતીય રાજ્યનો કોઈ સત્તાવાર ધર્મ નહીં હોય અને ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ હશે.
૪. મૂળભૂત નાગરિક અધિકારોને બંધારણમાં સુરક્ષિત કરી આપવામાં આવશે અને ખુદ સર્વોચ્ચ અદાલત તેનું રક્ષણ કરશે.
૫. રાજ્ય જરૂર પડ્યે કાયદાઓ ઘડી શકે છે, પરંતુ કોઈ પણ કાયદો બંધારણની જોગવાઈ કે તેના આત્મા સાથે વિસંગત ન હોવો જોઈએ.
૬. ન્યાયતંત્ર અને ચૂંટણીતંત્ર સ્વાયત્ત હશે, અને
૭. ભારત રાજ્યોનો બનેલો ફેડરલ દેશ હશે જેમાં રાજ્યોનાં અબાધિત અધિકાર હશે.
આ સાત બાબતે આગળ કહ્યું એમ ભારતને આઝાદી મળી એના ત્રણ દાયકા પહેલાં લગભગ સર્વસંમતિ સધાઈ ગઈ હતી. લગભગ એટલા માટે કે હિંદુ રાષ્ટ્રવાદીઓને અને સામ્યવાદીઓને આની સામે વાંધો હતો. હિંદુ રાષ્ટ્રવાદીઓ એમ ઈચ્છતા હતા કે ભારત હિંદુ બહુમતી દેશ છે એટલે બંધારણમાં હિંદુઓ માટે વિશેષ જોગવાઈ હોવી જોઈએ. કાં તો હિંદુ સવાયા નાગરિક હોવા જોઈએ અને કાં ગેરહિંદુ દ્વિતીય નાગરિક હોવા જોઈએ. ‘આપણું’ ઘર અને આપણે જ ‘બીજા’ની જેવા એક પંક્તિએ સમાન એ કેમ ચાલે? આ ‘આપણે’ અને ‘બીજા’નો ભેદ તેમના મનમાં ઘર કરી ગયો હતો. તેમની સામે હિટલરના જર્મનીનો અને મુસોલિનીના ઇટાલીનો દાખલો હતો. સરસાઈ તો હોવી જ જોઈએ.
એ સમયે એ લોકો નિર્બળ હતા. પ્રજાનું તેમને પીઠબળ નહોતું. આઝાદીની લડતમાં તેમનું કોઈ યોગદાન નહોતું. મુસ્લિમદ્વેષથી પીડાઈને અંગ્રેજોને તેઓ મદદ કરતા હતા અને પાછા આજની જેમ દેશપ્રેમની કાલીકાલી ભાષામાં વાતો કરતા હતા એટલે ભારતીય રાષ્ટ્ર અને બંધારણ વિશેની તેમની કલ્પનાને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. જ્યારે બંધારણસભા રચાઈ અને જાણકારો સંભવિત બંધારણ વિશે અભિપ્રાય આપતા હતા ત્યારે પણ તેઓ કોઈ રૂપરેખા રજૂ કરી શક્યા નહોતા. તેઓ બંધારણસભામાં પણ નહોતા, કારણ કે બંધારણસભામાં જવા માટે તેઓ પ્રજા દ્વારા ચૂંટાઈ શકે એમ નહોતા.
બીજો વાંધો સામ્યવાદીઓને હતો. તેમની નિસબત સર્વહારા શોષિતો માટેની હતી. સર્વહારાને મુક્તિ ન મળતી હોય એવા બંધારણીય તેમ જ કાયદાના રાજ્યની કોઈ કિંમત નથી. તેમને મન ભારતીય રાજ્યનાં ઉપર કહ્યાં એ સાતે ય લક્ષણ મધ્યમવર્ગીય, મૂડીવાદી બુર્ઝવા સમાજનાં લક્ષણો છે. આદર્શ રાજ્ય એ કહેવાય જેમાં મજૂરોનું રાજ્ય હોય. ટૂંકમાં સામ્યવાદીઓનો લોકતંત્ર અને ફેડરલિઝમ પર કોઈ વિશ્વાસ નહોતો. ધર્મની બાબતમાં ભેદભાવરહિત તટસ્થ એવા સેક્યુલર ભારત સાથે પણ તેમને કોઈ લેવાદેવા નહોતી, કારણ કે તેમની કલ્પનાના રાજ્યમાં ધર્મ માટે કોઈ જગ્યા જ નહોતી. કાર્લ માર્કસે ધર્મને અફીણ સાથે સરખાવ્યો હતો જે દુઃખ વેઠી લેવા માટે ઘેનનું કામ કરે છે.
એ સમયે હિન્દુત્વવાદીઓની માફક સ્વતંત્ર ભારતની તેમની કલ્પનાને પણ ખાસ સમર્થન મળ્યું નહોતું, કારણ કે તેમની પાછળ પણ પ્રજા નહોતી. રશિયાના પડછાયા તરીકે તેમની મજાક ઉડાડવામાં આવતી હતી અને રશિયા અને ચીનમાં સામ્યવાદી તાનાશાહીનું સ્વરૂપ જોઈને સમજદાર લોકો ચોંકી ગયા હતા, એટલું જ નહીં સાવધાન થઈ ગયા હતા. તેઓ પણ લોકસમર્થનના અભાવમાં બંધારણસભામાં પ્રવેશી નહોતા શક્યા. હિન્દુત્વવાદીઓ કાલીકાલી ભાષામાં હિંદુ રાજ્યનાં મનોહર સપનાં જોતા હતા અને સામ્યવાદીઓ શ્રમિકોની ક્રાંતિના મનોહર સપનાં જોતા હતા.
બંધારણના મુસદ્દાને ૧૯૪૯ના સપ્ટેમ્બર મહિનામાં અંતિમ રૂપ અપાઈ ચૂક્યું હતું. એ મુસદ્દાને બંધારણસભાએ ૧૯મી નવેમ્બરના રોજ માન્યતા આપી હતી. એ નિમિત્તે ‘હિંદુસ્તાન ટાઈમ્સે’ બંધારણનો મુસદ્દો ઘડનારી સમિતિના એક મહત્ત્વના સભ્ય કનૈયાલાલ મુનશીને ભારતના બંધારણના ભાવિ વિશે એક લેખ લખવાનું કહ્યું હતું. મુનશીએ પહેલી ઓક્ટોબર ૧૯૪૯ના ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના અંકમાં લખ્યું હતું કે એકંદરે બંધારણમાં ક્લ્પેલા અને દર્શાવેલા ભારતના પક્ષે રાષ્ટ્રીય સર્વસંમતિ છે, પણ તેની સામે જોખમ પણ છે. જો ભવિષ્યમાં સામ્યવાદીઓ પ્રજાનું સમર્થન મેળવશે અને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે તો તેઓ ભારતમાં સામ્યવાદી તાનાશાહી લાગુ કરશે અને ભારતમાં અરાજકતા સર્જાશે અને જો હિંદુત્વવાદીઓ પ્રજાનું સમર્થન મેળવશે અને પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવશે તો તેઓ ફાસીવાદી રાજ્યને લાગુ કરશે. મુનશીના શબ્દોમાં, “If the C.P.I. wins India will be in chaos and if the R.S.S. wins India may lapse into a strong Fascist state.”
મુનશીએ બે સંભાવનાની કલ્પના કરી હતી, કારણ કે એ બે પરિબળો આઝાદી પહેલાં ભારતની જે કલ્પના કરવામાં આવી હતી અને જે બંધારણમાં પરિણત થઈ હતી તેના વિરોધી હતા. આ બેમાં તે સમયે સામ્યવાદીઓનો ભય વધુ અનુભવાતો હતો, કારણ કે ભારતીય સામ્યવાદીઓને બહારથી મદદ મળતી હતી અને લોકશાહી સરકારને ઉથલાવવા હજુ વધારે તેમ જ સક્રિય મદદ મળે એવો ડર હતો. આ ઉપરાંત તેઓ ગરીબ-શોષિતને ન્યાય અપાવવાની અને સમાનતાની વાત કરતા હતા જે વખતે ભારતના ગરીબોને સ્પર્શે પણ.
ઉપર કહ્યું એવાં સાત લક્ષણો ધરાવતા પ્રજાસત્તાક ભારત સામે હિન્દુત્વવાદીઓ તરફથી ખતરો આવી શકે છે એમ બહુ ઓછા લોકોને લાગતું હતું. આનું કારણ એ હતું કે હિંદુ એક હદથી વધારે મર્યાદા ઓળંગતો નથી. તે પોતે જ મર્યાદા ઓળંગતા શરમ અનુભવવા લાગશે. બીજું ભારત જેવા વિશ્વમાં સૌથી વધુ વિવિધતા ધરાવતા દેશમાં ફાસીવાદ સ્વીકાર્ય બને જ નહીં. આ એવો દેશ છે જ્યાં એક રીતે હિંદુ સહિત દરેક પ્રજા લઘુમતીમાં છે એટલે સંપીને રહેવા સિવાય છૂટકો નથી. ‘અમે’ અને ‘તમે’નું વિભાજન ભારત માટે વિનાશક નીવડી શકે છે એ દરેક ભારતીય જાણે છે અને જે નથી જાણતો એને તેની જાણ કરી શકાય છે. એક વાત અહીં નોંધવી જોઈએ કે મુનશીએ ફાસિસ્ટ સ્ટેટની આગળ સ્ટ્રોંગ વિશેષણ સહેતુક વાપર્યું છે. આટલી વિવિધતાને નકારીને હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય તો સ્ટ્રોંગ ફાસિસ્ટ સ્ટેટ સિવાય એ શક્ય નથી.
આમ ડર સહિયારા ભારતની કલ્પના સામે સામ્યવાદીઓનો હતો, હિન્દુત્વવાદીઓનો ખાસ નહોતો. શ્રદ્ધા ભારતની પ્રજા પર હતી. પણ હવે સ્થિતિ જુદી છે. ભારતની પ્રજાએ હિંદુ રાષ્ટ્રવાદીઓને બહુમતી આપી છે અને કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું એમ અને બંધારણ સભાએ આપેલું બંધારણ તેમ જ ભારતીય મૂલ્યો જોખમમાં છે. લંડનના વિશ્વપ્રસિદ્ધ મેગેઝીને ભારત પર કવર સ્ટોરીમાં કહ્યું છે ભારતમાં લોકતંત્રનું ધોવાણ થઈ રહ્યું છે. લોકતાંત્રિક મૂલ્યોની જાળવણીમાં ભારત દસ આંક નીચે ઊતરીને ૫૧માં ક્રમે સ્થાન ધરાવે છે. ૨૦૨૧નો પ્રજાસત્તાક દિવસ ઊગશે કે કેમ તેનો આધાર ભારતીય નાગરિકોના હાથમાં છે. તમારા હાથમાં છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2020