લૉક ડાઉનમાં આરોગ્ય અને નાણાંને લગતી ચિંતાની વચ્ચે એક સમસ્યાએ વરવું રૂપ ધારણ કર્યું છે. ઘરેલુ હિંસા અને જાતીય શોષણના ભોગ બનતાં મહિલાઓ-બાળકોની વ્યથા-પીડા. માર્ચ ૨૦થી ૩૧ની વચ્ચે દેશમાં સતામણીનો ભોગ બનતાં બાળકો માટેની ‘ચાઇલ્ડલાઈન ૧૦૯૮’ પર ૩.૦૭ લાખ કૉલ આવ્યા. એમાંથી લગભગ ૩૦ ટકા એટલે કે લગભગ ૯૨ હજાર કૉલ બાળકોને સતામણી અને હિંસા સામે રક્ષણ મેળવવા માટેના, એસ.ઓ.એસ. (તાકીદના) હતા. ચાઇલ્ડલાઈન ઇન્ડિયાના નાયબ નિયામક હારલીન વાલિયાએ આ હૅલપલાઇનને આવશ્યક સેવા તરીકે જાહેર કરવાનું સૂચન કર્યું છે.
‘નેશનલ કમિશન ફૉર વિમેન’નાં અધ્યક્ષ રેખા શર્માના જણાવ્યા પ્રમાણે, આ ગાળામાં માત્ર ઈ-મેઇલના માધ્યમ દ્વારા ૬૯ ફરિયાદો કરવામાં આવી છે. તેમના મતે આ આંકડો અનેક ગણો વધારે હોઈ શકે છે. ‘મહિલાઓ પોલીસફરિયાદ કરતાં ડરે છે. કારણ કે પોલીસ પતિને પકડી જાય તો સાસરિયા દમન કરે. ઉપરાંત, પતિ જેલમાંથી પાછો આવે તો વધુ હિંસા કરે. અગાઉ આવી મહિલાઓ પિયર જતી રહેતી, પરંતુ હાલના સમયમાં એ શક્ય નથી.’
ધ હિન્દુ, ૮ એપ્રિલ, ૨૦૨૦ના અહેવાલ પર સંકલિત
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 ઍપ્રિલ 2020