
રમેશ ઓઝા
રાજ ઠાકરે મહારાષ્ટ્રના એક એવા નેતા છે જે માત્ર ચૂંટણી ટાણે સક્રિય થાય છે. અચાનક તેમની પાસે પૈસા આવી જાય છે, કાર્યકર્તા સક્રિય થઈ જાય છે, ઠેકઠેકાણે પોસ્ટરો અને બેનરો લાગી જાય છે, રેલીનું આયોજન થાય છે, ભીડ એકઠી કરી લેવામાં આવે છે, એને માટે સંસાધનો મળી જાય છે અને એ પછી લાંબી વિશ્રાંતિ. બીજી ચૂંટણી સુધીની. આવું જ વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરનું. રાજ ઠાકરે બાળ ઠાકરેના ભત્રીજા છે અને પ્રકાશ આંબેડકર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર છે, પણ બંને રાજકારણ ચૂંટણીથી ચૂંટણીનું કરે છે. ચૂંટણી આવે ત્યારે સક્રિય થાય અને પછી ગાયબ.
એક તો ભારતમાં રાજકીય ક્ષેત્રમાં જાહેરજીવન ૩૬૫ દિવસ અને ચોવીસે કલાકનું છે. પશ્ચિમમાં આવું નથી. હિલેરી ક્લીન્ટન ચૂંટણી લડવા બહાર આવે અને પછી જો પરાજિત થાય તો પોતાનાં અંગત જીવનમાં પાછાં ફરે. લોકોને પોતાની સક્રિયતા અને સરોકાર બતાવવા માટે હોસ્પિટલમાં અકસ્માતનો ભોગ બનેલાઓને જોવા માટે કે કોઈ શહીદની વિધવા પાસે સહાનુભૂતિ બતાવવા જવું પડતું નથી. ભારતમાં આવું બધું કરવું પડે. શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલેએ હમણાં એક યુટ્યુબરને મુલાકાત આપતાં કહ્યું હતું કે જે દિવસે તેમનાં લગ્ન હતાં એ દિવસે શરદ પવાર આકસ્મિક રાજકીય સંકટ પેદા થતાં દિલ્હી જતા રહ્યા. પોતાની એકની એક દીકરીનાં લગ્નમાં ઉપસ્થિત નહોતા. લોકોના સુખે સુખી અને લોકોના દુ:ખે દુઃખી એવો દેખાવ કરવો પડે.
પણ કેટલાક નેતાઓ એવા પણ હોય છે જે ઝાઝી મહેનત કરી શકતા નથી. કેટલાક નેતા એવા હોય છે જે કોઈ મોટા નેતાના સંતાન હોય છે, તેમના રાજકીય વારસ બનવાનું બીડું ઝડપે છે, મોટા ઉપાડે રાજકારણમાં પ્રવેશે છે, પણ પછી પોતાની જગ્યા બનાવી શકતા નથી. ચોવીસે કલાક ઉપલબ્ધ રહેવાનું અને લોકોની વચ્ચે રહેવાનું તેમને ફાવતું નથી. કેટલાક નેતા એવા હોય છે જે પોતાની નાનકડી રાજકીય વગ ઊભી કરે છે અને પછી તેને રોકડી કરે છે. કાઠિયાવાડમાં એવી રિયાસતો હતી જેનાં રાજવી માત્ર દસ-વીસ ગામના ધણી હતા. મારી પાસે દસ હજાર વોટ છે બોલો શું આપશો? આવા હારેલા-થાકેલા નિષ્ફળ નીવડેલા, હતાશ થયેલા નેતાઓ ધીરેધીરે વાસ્તવિકતા સાથે સમજૂતી કરી લે છે અને આજકાલની પરિભાષામાં વોટકટવા બની જાય છે. માયાવતી જેવા એક સમયે કાંશીરામનો ભવ્ય વારસો ધરાવનારા નેતા પણ પરિસ્થિતિ સાથે સમજૂતી કરીને આજે વોટકટવા બની ગયાં છે. કેવું પતન! એક માત્ર હૈદરાબાદ શહેરની બહાર કોઈ પ્રભાવ નહીં ધરાવતા અસદુદ્દીન ઓવૈસી પણ આવા એક વોટકટવા છે. તેમની વાતમાં આવી જઇને હજારેક મુસલમાનો તેના ઉમેદવારને મત આપે તો જેને ફાયદો કરાવવાનો હોય તેને ફાયદો થઈ જાય.
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે અને પ્રકાશ આંબેડકર આજે વોટકટવા બનીને રહી ગયા છે. એ બન્નેએ શરૂઆત ભવ્ય કરી હતી, પરંતુ પોતાની જગ્યા નહોતા બનાવી શક્યા અને જે થોડી બની એ ટકાવી ન શક્યા. અમે કોઈનો ખેલ બગાડવા ઉપલબ્ધ છીએ, બોલો શું આપશો? સંસદીય રાજકારણમાં અને એમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પાંચ હજાર વોટ કાપી આપે તો પણ પરિણામ બદલાઈ જાય. નગરપાલિકાની ચૂંટણીમાં તો હજાર વોટ પણ જીતેલાને હરાવી દે. હવે તો આ પેટર્ન બની ગઈ છે અને કોઈ પણ તે જોઈ શકે છે. તેઓ ચૂંટણીથી ચૂંટણી દેખા દે છે, સક્રિય થાય છે અને ગાયબ થઈ જાય છે.
પહેલાં પણ વોટ કાપવાની રમત રમવામાં આવતી હતી, પરંતુ એ પક્ષીય સ્તરે નહોતી, વ્યક્તિગત સ્તરે હતી. જેમ કે કોઈ મતદાર ક્ષેત્રમાં કોઈ એક જ્ઞાતિના વોટ મોટા પ્રમાણમાં હોય અને તે આપણી જગ્યાએ સામેના પક્ષના ઉમેદવારને જાય એવી સંભવના નજરે પડતી હોય તો એ ખાસ જ્ઞાતિના વોટ કાપવા એ જ્ઞાતિના કોઈ અપક્ષ ઉમેદવારને ઊભા રાખવામાં આવતો. આવું દાયકાઓથી થતું આવ્યું છે. હવે એમાં પક્ષો ઉમેરાયા છે અને આ રીતે ભારતીય રાજકારણને ગંદકીમાં ગ્રેજ્યુએટ કરવાનો શ્રેય ભા.જ.પ.ને જાય છે. રાજ ઠાકરે મુખ્યત્વે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મત કાપી આપે અને પ્રકાશ આંબેડકર તેમ જ ઓવૈસી કુલ મળીને ઇન્ડિયા ગઠબંધનના વોટ કાપી આપે. પાછા તેઓ પ્રચાર કરવામાં સૌથી વધુ ગાળો બી.જે.પી.ને જ આપે કે જેથી મતદાતાના મનમાં એવી છાપ પડે કે તે બી.જે.પી. માટે કામ નથી કરતા.
એમાં આ વખતે રાજ ઠાકરે ખરાબ રીતે ફસાઈ ગયા છે. તેમણે માહિમ મતદાર ક્ષેત્રમાંથી પોતાના પુત્ર અમિત ઠાકરેને ઊભા રાખ્યા છે અને સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તેમ જ એકનાથ શિંદેની શિવસેનાએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. તેમને એમ હતું કે ૨૦૧૯ની ચૂંટણીમાં તેમણે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે પોતાના ઉમેદવારને ઊભા નહીં રાખીને જે રીતે કૌટુંબિક મર્યાદા પાળી હતી એ રીતે ઉદ્ધવ ઠાકરે આ વખતે અમિત ઠાકરે સામે ઉમેદવાર નહીં ઊભો રાખીને મર્યાદા પાળશે. પણ ઉદ્ધવ ઠાકરેએ તેમ કર્યું નહીં, કારણ કે આખું જગત જાણે છે કે રાજ ઠાકરે કોના માટે કામ કરે છે અને કોને નુકસાન પહોંચાડવા માટે કામ કરે છે. એકનાથ શિંદેને પણ જ્યારે રાજ ઠાકરેની વોટકટવા ભૂમિકાથી કોઈ ફાયદો થવાનો ન હોય, પણ થોડું નુકસાન જ થઈ શકે એમ હોય ત્યાં તે શા સારુ રહેમ બતાવે? જો પુત્ર પરાજીત થાય તો નાક કપાય અને વોટકટવા તરીકેની કિંમતમાં ઘસારો થાય. જે પુત્રને જીતાડી શકતો નથી એ આપણને શું ફાયદો કરાવી આપશે એમ કહીને કિંમત ઘટાડવામાં આવે. એક ગંભીર રાજકારણી તરીકેની પ્રતીષ્ઠા તો ક્યારની ય ગુમાવી દીધી છે અને હવે વોટકટવા તરીકેનો ખપ પણ ગુમાવે.
માટે પોતાનું રાજકારણ કરવું જોઈએ, બીજા માટેનું નહીં.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 નવેમ્બર 2024