સીમે ને શેઢે, બાવળના ટેકે, મૂંગા મૂંગા રે ગાશું, એકમેકને ખોઈ દીધાનું રે ગીત….
થોડે રે તડકે, થોડે રે છાંયડે, પવન હિલ્લોળે રે પાશું,
હવે અહીં એકબીજાને રે પ્રીત…
ક્યાંક ગાશે સૂડા, ક્યાંક ઊડશે તેતર,
એને વેઢાએ વેઢાએ ગણશું!
વિંઝ્યા ગોફણની ઠેશ, વાગી ખેતરિયે જઈ,
એનો ફાંટુંમાં હરખ કેમ ભરશું?
આંખ્યુમાં દોડધામ કરતાં હર સપનાંમાં ખોબે ખોબે રે નહાશું
જ્યાં રણકે છે ઝરણાંનું કલકલ સંગીત……
થોડે રે તડકે, થોડે રે છાંયડે, પવન હિલ્લોળે રે પાશું, હવે અહીં એકબીજાને રે પ્રીત…..
મ્હેક પકડી લઇ, ઘાસ બીડે જઈ,
અમે તરુવર સંગાથે ઝૂલશું!
ખૂબ તરસ્યા થઈ, ભર બપ્પોરી વેળ,
અમે હેતાળા પમરાટે ખૂલશું!
રાતીપીળી વાડમાં, વીણવા રે બોર, અમે અલકાતાં મલકાતા જાશું,
ને જીવનને કરશું રે પળપળ પુલકિત……
થોડે રે તડકે, થોડે રે છાંયડે, પવન હિલ્લોળે રે પાશું, હવે અહીં એકબીજાને રે પ્રીત…..
65 Falcon Drive, west Henrietta, NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com