તમે કહો છો કે તમને વરસાદ ગમે છે, પણ તમે છત્રી ખોલો છો. તમે કહો છો કે તમને સૂર્ય ગમે છે, પણ તમે છાંયો શોધો છો. તમે કહો છો કે તમને પવન ગમે છે પણ તમે બારીઓ બંધ રાખો છો. એટલે જ હું ડરી જાઉં છું જ્યારે તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો.
— શેક્સપિયર

સોનલ પરીખ
‘હમ સબ રંગમંચ કી કઠપૂતલિયાં હૈં જિનકી દોર ઉપરવાલે કે હાથમેં હૈ, કૌન, કબ કૈસે ઉઠેગા કોઈ નહીં જાનતા’ ફિલ્મ આનંદના આ પ્રસિદ્ધ સંવાદનું મૂળ શેક્સપિયરના આ વાક્યમાં હોઈ શકે – ‘ઑલ ધ વર્લ્ડ ઈઝ અ સ્ટેજ એન્ડ ઑલ ધ મેન એન્ડ વિમેન મેરલિ પ્લેયર્સ. ધે હેવ ધેર એક્ઝિટ્સ એન્ડ ધેર એન્ટ્રીઝ એન્ડ વન મેન ઇન હિઝ ટાઈમ પ્લેઝ મેની પાર્ટ્સ.’ આ તેમના એક નાટકનો સંવાદ છે.
હૃદયમાં ઊતરી જાય એવી બીજી એક વાત શેક્સપિયરે કરી છે – ‘તમે કહો છો કે તમને વરસાદ ગમે છે, પણ તમે છત્રી ખોલો છો. તમે કહો છો કે તમને સૂર્ય ગમે છે, પણ તમે છાંયો શોધો છો. તમે કહો છો કે તમને પવન ગમે છે પણ તમે બારીઓ બંધ રાખો છો. એટલે જ હું ડરી જાઉં છું જ્યારે તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો.’
આ શેક્સપિયરનો જન્મ ૧૫૬૪ની ૨૬મી એપ્રિલે. ૧૯૧૬માં બાવન વર્ષની ઉંમરે તેનું નિધન થયું એ તારીખ હતી ૨૩ એપ્રિલ. એ જ વર્ષની ૨૨ એપ્રિલે પ્રસિદ્ધ સ્પેનિશ નવલકથા ‘ડોન કિહોટે’ના લેખક સર્વાન્ટિસનું પણ નિધન થયું હતું. આ ત્રણ દિવસની સ્મૃતિમાં ૧૯૯૫થી યુનેસ્કો તરફથી લેખન, વાંચન અને પ્રકાશનાં પર્વ તરીકે આંતરરાષ્ટ્રીય પુસ્તકદિન ઉજવવામાં આવે છે. સ્પેન, સ્વીડન અને યુનાઇટેડ કિંગ્ડમમાં એની ઉજવણી શરૂ થઈ હતી, આજે વિશ્વના ૧૦૦થી વધારે રાષ્ટ્રો પુસ્તકદિન ઊજવે છે. બીજી એપ્રિલે હેન્સ એન્ડરસનના માનમાં આંતરરાષ્ટ્રીય બાલપુસ્તકદિન ઉજવાય છે.
સદીઓ પહેલાના આ વિદેશી સર્જકોને દુનિયા આજે પણ શા માટે પ્રેમપૂર્વક યાદ કરે છે? વિક્ટર હ્યુગોનું ‘લા મિઝરેબલ’, ફ્યોદોર દોસ્તોવ્યસ્કીનું ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’, લિયો ટૉલ્સ્ટૉયનું ‘વૉર એન્ડ પીસ’, મેક્સિમ ગોર્કીનું ‘મધર’, ચાર્લ્સ ડિકિન્સનું ‘ટેલ ઑફ ટુ સિટીઝ’, હેરિયટ સ્ટોનું ‘અંકલ ટોમ્સ કેબિન’ કે હાર્પર લીનું ‘ટુ કિલ અ મોકિંગબર્ડ’ જેવાં પુસ્તકો યાદ આવે ત્યારે આદર અને પ્રેરણાથી કયા પુસ્તકપ્રેમીનું હૃદય નથી નમતું? લખાતાં અને વંચાતાં પુસ્તકોનો એક જુદો જ મહિમા છે, કરિશ્મા છે. આજે ભલે ઈન્ટરનેટ અને ઈ-બુક્સનો યુગ છે, છતાં પુસ્તકોની દુનિયા આજે પણ આબાદ છે. બદલાતા સમય સાથે સર્જન, વાચન અને પ્રકાશનની તરાહોમાં અનેક પરિવર્તનો આવે છે. અમુક આપણને ગમે, ફાવે; અમુક ન ગમે, ન પચે. છતાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ દુનિયાના દરેક ખૂણે વધતાઓછા પ્રમાણમાં જીવંત રહ્યો છે.
આમ છતાં પુસ્તક ભૂલાતું જે છે એ પણ હકીકત છે. બદલાતી જીવનશૈલી, પલટાતી માનસિકતા, ભૌતિક પ્રાપ્તિઓનું વધેલું મહત્ત્વ અને ટેકનોલોજીની હરણફાળને લીધે હાથમાં આવી ગયેલા સોશ્યલ મીડિયાનો ખજાનો. પરિણામે પુસ્તક આજે હાંસિયામાં ધકેલાઇ ગયું છે, ઉપેક્ષાનો ભોગ બન્યું છે. એથી જ ગુલઝાર ‘કિતાબેં ઝાંકતી હૈ બંધ દરવાજોં કે શીશોં સે’ જેવી સંવેદનશીલ નજમ લખે છે તો સઉદ ઉસ્માની ‘કાગઝ કી યે મહક, યે નશા રૂઠને કો હૈ; યે આખરી સદી હૈ કિતાબોં સે ઈશ્ક કી’ જેવો ગમગીન શેર કહે છે.
પુસ્તકો નથી લખાતાં, નથી છપાતાં, નથી વંચાતાં એવું પણ નથી. પણ યુગ ઉતાવળનો છે. સારા, શાલીન સર્જકો ખૂણામાં રહી જાય અને ચાલાક, લોકોને પટાવી દેતી પ્રચારપ્રયુક્તિઓમાં ઉસ્તાદ લેખકો લોકપ્રિય બની જાય એવું બને છે. આવું બને છે કારણ કે ઘણુંબધું મેળવી લેવાની લ્હાયમાં દોડતા મોટાભાગના લોકો ઝાઝું વિચાર્યા વિના જે સામે આવે તેને ગટગટાવી જાય છે, કે પછી વાંચતાં જ નથી. વિશ્વ પુસ્તક દિન આપણને આપણા એક ખોવાયેલા, ભુલાયેલા, ક્યાંક મુકાઈ ગયેલા શાંત ઉમદા મિત્રની યાદ આપે છે. પુસ્તક આપણો સૌથી ટકાઉ, સૌથી વિશ્વાસુ મિત્ર છે અને શ્રેષ્ઠ માર્ગદર્શક પણ છે. હંમેશાં સાથ આપે છે, આનંદ આપે છે, ધૈર્ય શીખવે છે અને સાચો માર્ગ બતાવે છે. તે તમને તમરી ખુરશી પર જ વિશ્વભરની સહેલ કરાવે છે.
જીવન જો આરાધ્ય દેવ હોય તો કોઠે કોઠે દીવા પ્રગટાવી તેની પૂજા કરતાં આપણને પુસ્તક શીખવે છે. દરેક માણસમાં વિચારવાની ક્ષમતા જરૂર છે પણ દરેક માણસ વિચાર કરે છે તેવું હોતું નથી. આપણામાંના મોટાભાગનામાં સ્વતંત્ર વિચારશક્તિનો સારો એવો અભાવ હોય છે. ઘણીવાર એ અભાવનો આપણને ખ્યાલ પણ આવતો નથી અને અમૂલ્ય જીવન ગાડરિયા પ્રવાહમાં વહ્યે જાય છે. બીજી તરફ ન વિચારવાનું વિચારી વિચારીને આપણે એટલા થાકી જઈએ છીએ કે ક્યારેક સકાયાટ્રિસ્ટનાં બારણાં ખખડાવવાની નોબત આવે છે. વાંચનની ટેવ વિચારોને ખીલવવામાં, કેળવવામાં ઘણી મદદરૂપ થાય છે. એવું નથી કે જે ન વાંચે તે વિચારી ન શકે, પણ એવા લોકો બહુ ઓછા હોય છે.
લેખન એક પવિત્ર જવાબદારી છે. લેખકની નજર અર્જુનની જેમ પોતાની કૃતિને સર્વાંગસંપૂર્ણ અને અર્થપૂર્ણ બનાવવા પર એકાગ્ર હોવી જોઈએ, નહીં કે વાચકોની વાહવાહ કે ઈનામ-ઍવોર્ડ પર. સર્જનમાં તાકાત હોય તો તે ટકે જ છે. પંખી ચણ શોધી કાઢે તેમ શોખીનો સારું વાંચન શોધી લે જ છે. અસ્તિત્વમાં ખળભળાટ ન જગાડે તેવા પુસ્તકની કિંમત તેણે અભેરાઈ પર રોકેલી જગા જેટલી પણ હોતી નથી.
જે વાંચે છે, તે મૃત્યુ પહેલા હજારો જિંદગી જીવે છે. જે નથી વાંચતો, તે તેની એક જિંદગી પણ પૂરી નથી જીવતો. પણ શું વાંચવું ને કેવી રીતે વાંચવું તે પણ એક કૌશલ માંગી લે છે. બધા વાંચે છે તે જ પુસ્તકો વાંચશો તો બધા વિચારે છે તેવું જ વિચારશો. નવા વિચારો જોઈતા હશે તો મહેનત કરવી પડશે, શોધવું પડશે. સુરેશ દલાલ કહેતા કે જેટલું છપાય છે તે બધું જ વાંચવા બેસીએ તો આંધળા થઈ જઈએ. પોલો કોએલો કહે છે કે અમુક બારણાં બંધ કરતાં શીખો – અભિમાન, ઉપેક્ષા, અણઆવડત કે આક્રમકતાના કારણથી નહીં, એટલા માટે કે તે તમને ક્યાં ય નથી લઈ જતાં. આ વાત પુસ્તકો માટે પણ સાચી છે. વાંચન માટે પણ કક્ષા અને કેળવણી જોઈએ. પુસ્તકોના ઢગ વચ્ચેથી પોતાને ઉપયોગી, આનંદદાયક અને પ્રેરક પુસ્તક શોધી કાઢવું એ એક કળા છે. તે શોધ્યા પછી તેને વાંચવું એ પછી જુદી કળા છે. પુસ્તકપ્રેમી માટે વાંચન અઢળક અને સમય ઓછો તેવી કાયમની સ્થિતિ હોય છે તેથી ઝડપથી વાંચવાનું પ્રયત્નપૂર્વક પણ શીખી જવા જેવું છે. ઝડપથી વાંચવું અને ગબડાવવું તેમાં પાછો ફેર છે. યોગ્ય મુદ્દા પર અટકતા પણ આવડવું જોઈએ અને વાંચ્યા પછી શું ભૂલી જવું તે પણ સમજાવું જોઈએ. નહીં તો પછી રમેશ પારેખની પેલી પંક્તિ જેવું થાય : એક પુસ્તકમાં છે, એક મસ્તકમાં છે, અંધારું એમ બે વાર છે દોસ્તો’
જેમ્સ ફ્લેચર કહે છે, ‘કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પત્ર બનાવવાનું છે.’ પુસ્તકો સજાવટ માટે નથી બન્યાં, પણ પુસ્તકો ભરેલી છાજલીથી વધુ આકર્ષક સજાવટ બીજી કોઈ હોતી નથી. સાચું જ છે કે ‘બુક્સ આર ધ એરોપ્લેન એન્ડ ટ્રેન એન્ડ ધ રોડ. ધે આર ધ ડેસ્ટિનેશન એન્ડ ધ જર્ની. ધે આર હોમ.
સારું પુસ્તક તમને અહેસાસ કરાવે છે કે તમે માનો છો તે કરતાં તમે વધુ બુદ્ધિમાન, બહાદુર અને શક્તિશાળી છો. કોઈએ કહ્યું છે, ‘સુખ એટલે ખુલ્લી બારી, કૉફીનો કપ અને એક પુસ્તક.’ આવું સુખ આપણને સૌને મળો.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 એપ્રિલ 2024