
રવીન્દ્ર પારેખ
એક દસ વર્ષનાં છોકરાની મમ્મી ફરિયાદ કરતી હતી કે છોકરો બગડી ગયો છે અને મોબાઇલમાં પોર્ન દૃશ્યો જુએ છે. અભિમન્યુ ગર્ભમાંથી જ શિક્ષણ પામેલો એમ જ નાની વયે આજનાં બાળકો શિક્ષિત થાય તો નવાઈ નહીં. આમ તો એનો આનંદ થવો જોઈએ, પણ જે શિક્ષણ પહોંચે છે તે આનંદ આપે એવું હોતું નથી. ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ સગવડો એટલી વધી છે કે નવાં બાળકો એ ઝડપથી શીખી જાય છે. આ શીખવામાં જેમ સારી બાજુઓ સામે આવે છે, એમ જ નબળી બાબતો પણ સામે આવે છે. એટલે બાળકોને જેમ સારી બાજુ શીખવાની થાય છે, એમ જ નબળી બાજુ પણ શીખવાની થાય છે. જેમ સારી બાજુ કોઈ ન શીખવે તો ય આવડે, એમ જ નબળી બાજુ પણ કોઈ ન શીખવે તો આવડી જાય છે. એમાં શિક્ષકો કે મા-બાપ માર્ગદર્શન આપી શકે, પણ એ પણ એવી જ કોઈ વાતમાં ફસાયેલાં હોય તો એમને માર્ગદર્શન કોણ આપે એ સવાલ છે.
દસ વર્ષનો છોકરો મોબાઇલમાં પોર્ન જુએ એની ફરિયાદ મમ્મી કરે છે ત્યારે એ ભૂલી જાય છે કે છોકરાને મોબાઈલ એણે જ અપાવ્યો છે. એમાં કેવી રીતે જોવાય કે ક્યાંથી ક્યાં પહોંચાય એ એણે જ શીખવ્યું છે. પછી કોઈ ભળતું ક્લિક થતાં કૈં જુદું જ છોકરો સામે લઈ આવે તો તેની હોંશિયારી પર એ જ મમ્મી વારી જાય છે કે મારો દીકરો તો સ્માર્ટ થઈ ગયો છે. એ દીકરો અજાણતાં જ પોર્ન સીન પર પહોંચી જાય ને પછી કુતૂહલથી આગળ વધે તો મમ્મી ચોંકે છે ને છોકરાને ફટકારે છે. છોકરાને તો ખબર જ નથી પડતી કે શું જોવાય ને શું ન જોવાય? એની ભૂલ ક્યાં થઈ એ જ સમજાતું ન હોય ને મમ્મી માટે છોકરો એકાએક નઠારો થઈ જાય છે.
સાચી વાત એ છે કે બાળકને કાબૂ ન કરાય તો એ કૈં પણ જાણી-કરી શકે એમ છે એનો ખ્યાલ માબાપને આવવો જોઈએ, પણ માબાપને એટલો સમય જ નથી કે એટલું ધ્યાન આપે. બીજી તરફ એટલી બધી ખરી-ખોટી મહિતીઓનો ખડકલો વધ્યો છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો, તો પણ એ માથે મરાય જ છે. એનાથી બાળકોને સમજાવીને દૂર રખાય એટલું જ ને એટલાથી બાળક બચી જ જાય એની કશી ખાતરી નથી, કારણ તે ઘરની બહાર જશે તો બીજી ઢગલો વાતો જાણીને કે જોઈને આવશે. આ બધાંનો બોજ તેના મન પર પડે છે એટલે તે જલદી રિએક્ટ થાય છે. તે એકાએક ગુસ્સો કરે છે કે હતાશ કે ખુશ થાય છે. કોઈ પણ ઉંમરનાને લાગુ પડે એવો આજનો એક ગુણ આક્રમકતાનો અને દેખાડાનો છે. એમાં અપવાદો છે જ, પણ તે અપવાદો જ છે. કોઈ પણ ઉંમરે કોઈ ગુસ્સે થઈને કોઈને મારી નાખે છે ને બીજો તેને બચાવવાને બદલે તેનો વીડિયો ઉતારે છે, કારણ તે લાઇક્સ માટે મરવા પડે છે, એટલે કોઈ મારે છે તો તેને મારવા દે છે ને પોતાની જવાબદારી કે ફરજ હોય તેમ વીડિયો ઉતારે છે.
આમાંનું કૈં પણ ફરજિયાત નથી. નથી મારવાનું ફરજિયાત કે નથી વીડિયો ઉતારવાનું ફરજિયાત. વીડિયો ન ઊતરે તો જીવ જાય એવું નથી, પણ નહીં બચાવાય તો જીવ જરૂર જાય એમ છે એટલું ભાન વીડિયો ઉતરનારને ન હોય એ દુ:ખદ છે.
કોણ જાણે કેમ પણ આપણને કોઈના જીવની ચિંતા જ નથી. કોઈ, કોઈને મારી નાખે છે, તો મારનાર જેલ ભોગવે છે ને મરનારનું કુટુંબ એવાં સંકટમાં મુકાય છે કે તેનો કોઈ હિસાબ જ ન થાય. એવી જ રીતે મારનારનું કુટુંબ પણ વેઠે તો છે જ ! આનો વિચાર નથી મરનારને કે નથી મારનારને. કેવી રીતે કોઈ પ્રેમી ભરી સડક પર પ્રેમિકાનું ગળું કાતરી નાખે? એમ કરનારને એ વિચાર કેમ નહીં આવતો હોય કે જેને તે મારી રહ્યો છે, તે પછી ક્યારે ય કોઈ સૂર્યોદય કે ચંદ્રોદય નહીં જોઈ શકે. એવું કોઈ પોતાને માટે કરે તો ખૂની તેની કલ્પના પણ કરી શકે એમ છે? તે જેને મારે છે તે દોષિત હોઈ શકે છે. તેણે મારનારનું કૈં બગાડ્યું હોય એમ બને. એને માટે પોલીસમાં કે કોર્ટમાં જવાનું તેનાં ગજા બહાર હોય એ ય શક્ય છે, કારણ તેને ન્યાય મળશે જ એની ખાતરી નથી, એટલું જ નહીં, ન્યાય મેળવવાનું તેની તાકાત બહારનું પણ છે. એટલે ના છૂટકે તે કાયદો હાથમાં લે છે. ઘણી વાર ગુનો લાચારીનું પરિણામ હોય છે.
જે રીતે ગુનો કરવાનું સહેલું થઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે. આજકાલ તો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ચપ્પુ લઈને ફરતા થયા છે. કોઈ, કોઈને ગોળી મારી દે છે. કોઈ ચામડાના પટ્ટાથી કોઈનું ગળું દબાવી દે છે. કોઈ સાવ અજાણી સ્ત્રી પર બળાત્કાર કરે છે ને પછી એ સ્ત્રી કોઈને પોતાની ઓળખ આપી દેશે એ ભયે એને મારી નાખે છે. કોઈ ટ્રક હેઠળ કોઈને કચડી નાખે છે. આટલી બધી અનુકૂળતા મારનારને કેવી રીતે થાય છે, એ જ સમજાતું નથી. કોઈ ગોળી મારે છે તો એનો અર્થ એ થયો કે તેની પાસે હથિયાર છે. આ હથિયારો આટલી સહેલાઈથી કોઇની પાસે કેવી રીતે પહોંચે છે તેનું આશ્ચર્ય છે. વાત મારનારની જ નથી, મરનારની પણ છે. વાતે વાતે લોકો મરવા પણ તૈયાર થઈ જાય છે. પતિએ દગો દીધો, તો પત્ની ફાંસો ખાઈ લે છે. તે એક વાર પણ વિચારતી નથી કે દગો પતિએ દીધો તો પત્ની શું કામ ફાંસો ખાય? ફાંસો જ ખાવાનો હોય તો પતિ ખાય, પત્ની શું કામ મરે? એમ જ પત્ની પરપુરુષ સાથે પકડાય તો પતિ ઝેર ખાઈ લે છે. એમાં જેની ભૂલ હોય તેને તો કોઈ હાનિ થતી નથી. પરીક્ષામાં નાપાસ થાય એટલે કોઈ છોકરી પંખે લટકી જાય છે, તે તો ઠીક, પણ નાપાસ થવાના ભય માત્રથી છોકરો નદીમાં કૂદી જાય છે. ગરીબીને કારણે આખું કુટુંબ ઝેર ખાઈ લે છે કે મા દીકરી સાથે ફિનાઇલ પી લે કે મમ્મી, દીકરીને પાઇ દે ને મરવું મમ્મીએ હોય ને દીકરી મરી જાય, ત્યારે જે સ્થિતિ સર્જાય છે એની કલ્પના પણ અસહ્ય છે. બાળકોના કોઈ વાંક વગર મા કે બાપ સામૂહિક આત્મહત્યા કે હત્યા કરે એ જીરવવાનું અઘરું છે. આવી ઘટનાઓ એટલી બધી બને છે કે ઘણી વાર તો પ્રિન્ટ મીડિયામાંથી શાહીને બદલે લોહી ફેલાતું હોવાનું અનુભવાય છે. મરવા-મારવાના અનેક કારણો હશે જ, પણ એક કારણ એ પણ છે કે હવે ન્યાય મેળવવાનું ખૂબ મોંઘું ને મોડું થયું છે, એને કારણે કાયદેસર કાર્યવાહી કરવાને બદલે વ્યક્તિ કાયદો હાથમાં લઈને જાતે જ ન્યાય તોળવા બેસે છે. એ રસ્તો પણ છેવટે તો મુશ્કેલ જ પુરવાર થાય છે, કારણ મોડું તો મોડું, કાયદો કાયદાનું કામ તો કરે જ છે.
ગયા રવિવારે ‘દૈનિક જાગરણ’માં પશ્ચિમી દિલ્હીના સંવાદદાતાએ એવા સમાચાર આપ્યા કે ખ્યાલા પોલીસ થાણામાં શુક્રવારે એવી સૂચના મળી કે ઘરમાંથી છ દિવસની છોકરી ગુમ છે. પોલીસ રવિ નગરના એ ઘરમાં પહોંચી. ત્યાં વિમલેશની પત્ની શિવાનીએ જણાવ્યું કે તેણે હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો તે પછી ગુરુવારે તેને રજા આપવામાં આવી અને તે તેનાં પિયર આવી ગઈ હતી. રાત્રે બે અઢી વાગે તેણે બાળકીને દૂધ પીવડાવ્યું અને ત્યાં જ સૂઈ ગઈ. સાડા ચારે તે ઊઠી તો બાળકી તેની પાસે ન હતી. પોલીસે આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ જોયા. તપાસ ચાલતી હતી, ત્યાં શિવાનીએ કહ્યું કે તેણે પેટના ટાંકા કઢાવવા હોસ્પિટલે જવું પડશે. પોલીસને થોડું વિચિત્ર લાગ્યું,પણ શિવાનીને જવા દેવાઈ. દરમિયાન છત પરથી એક બેગ મળી. બેગ ખોલી તો બાળકી એમાં મૃત મળી આવી. હોસ્પિટલથી બાળકીની મમ્મીને બોલાવવામાં આવી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે આ તેની ચોથી બાળકી હતી, ચારમાંથી બે તો અગાઉ મરી ચૂકી હતી. વારંવાર બાળકીઓ થવા અંગે તેને મહેણાં મરાતાં હતાં એટલે દૂધ પીવડાવતી વખતે જ શિવાનીએ તેનું ગળું દબાવીને મારી નાખી હતી ને પછી બેગમાં ભરીને પડોશીની છત પર નાખી આવી હતી.
શિવાનીએ આવું કેમ કર્યું? તો કે, સંબંધીઓ વારંવાર બાળકીને જન્મ આપવા બદલ સંભળાવતા રહેતા હતા. આપણે બહુ સુધરી કે વિકસી ગયા હોવાના ભ્રમમાં રાચીએ છીએ, પણ આપણને એટલું ભાન નથી કે માતા તો કેવળ જન્મ આપે છે, પણ દીકરી કે દીકરો જન્માવનારું રંગસૂત્ર (ક્રોમોઝોમ) તો પિતા પાસે જ છે, પણ જન્મ માતા આપે છે એટલે ઘણાં એમ જ માને છે કે દીકરીઓ તે જ જન્માવ્યાં કરે છે. આ સરાસર ખોટું છે. દીકરી જન્માવે છે, પિતા, પણ વગોવાય છે માતા. મહેણાં પિતાને નથી મરાતાં, માતાને મરાય છે. આ વાત ભયંકર રીતે માતાને અન્યાય કરે છે. જેને માટે માતા જવાબદાર જ નથી, તેને માટે તેણે વેઠવાનું થાય છે ને એનું પરિણામ એ આવે છે કે માતા આત્મહત્યા કરી લે છે અથવા તો અહીં જેમ બન્યું તેમ બાળકીની હત્યા કરી નાખે છે. એક જમાનામાં બાળકીને દૂધપીતી કરવામાં આવતી હતી. એ પણ હત્યા જ હતી ને અત્યારે દૂધ પીવડાવતી વખતે માતા જ તેનું ગળું દબાવી દે છે. સેંકડો વર્ષો પછી પણ આપણે સુધર્યા નથી કે નથી સુધરી આપણી માનસિકતા !
કોઈને જીવાડવાનું બનતું નથી, પણ કોઈને મારવાનું ઉત્તરોત્તર સહેલું થતું જાય છે ને તે કેવળ શરમજનક છે. કોઈને જીવ આપવાનું આપણું ગજું નથી, તો કોઈનો જીવ લેવાનું આટલું સહેલું ન જ બનવું જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 08 સપ્ટેમ્બર 2024