આરંભ :
ભૂલતો ન હોઉં તો કૉલેજના જ પૂર્વ વિદ્યાર્થી અને હાલે મુલાકાતી વ્યાખ્યાતા કરણસિંહ પરમારના વ્યાખ્યાનથી આ કાફલાનો આરંભ થયાનું સાંભરે છે. આજ પહેલાં વિશાલભાઈ ભાદાણીનો વારો હતો. નસીબવંત છીએ. ગ્રામ સ્વરાજ સંઘ, નીલપરની સીમેથી, જાણે કે સીટી વાગી અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા થઈને, 107 થાનકે પોરો ખાતાં ખાતાં, આ વણઝાર અહીં પહોંચી છે.
‘કર્તવ્યગ્રહણ’ નામે ગુરુદેવ રવિ ઠાકુરની એક કણિકા છે. નારાયણભાઈ દેસાઈએ ‘રવિ છબિ’ નામે સરસ મજાનું પુસ્તક કર્યું છે તેમાંથી આ સ-આદર લઈ આદર કરું છું.
‘કોણ લેશે મારું કામ’ સાંજે રવિ કહે
સુણી જગ મોઢું સીવી નિરુત્તર રહે.
માટીનું કોડિયું ત્યાં બોલે ‘મારા ઈશ,
બનશે જે મારાથી તે હું નક્કી કરીશ.’
રાપરની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજના ગુજરાતી વિભાગે, આપણા આ રવિ ઠાકુર કહે છે તેમ, માટીને કોડિયે આ દીવો પ્રગટાવ્યો છે. તેના પ્રકાશે હું પણ એક ફુદ્દાની જેમ આવી લાગ્યો.
ભારતના નકશામાં, ભલા, રાપર ક્યાં ભળાય ? … જવા દો; … ગુજરાતના ? … તે ય, ભેરુ, છાંડીએ ! … તો પછી કચ્છના ? … તે કદાચ સહેલું બને !
રાપર નગરે, જુઓ ને, આ કેડી કંડારી છે. અને તેના ચાસ ચોમેર પડે તેવા નોરતા રાખીએ. આ કરવા જેવું મજબૂત, નક્કર કામ છે.
ખેર ! … કચ્છ મારો ગમતો વિસ્તાર. શક્યતાનુસાર, તેનો ઠીક ઠીક વાર પ્રવાસ કર્યો છે. માંડવી બંદરનું સતત ખેંચાણ કેમ કે એ બંદરેથી પણ અમ સરીખા મૂળ ભારતવાસીઓના વડવાઓએ દરિયે ખેપ કરેલી. અને તેની દાસ્તાં સતત મનમાં વાર્તા માંડતી આવી છે. આ માંડવી શહેરના તરવરિયા એક તોખાર શા જુવાન એટલે જયન્તી પારેખ. ગાંધીજીની નિજી પ્રીતિ મેળવનાર જયન્તીભાઈની બાપુએ દાંડી યાત્રામાં 79 યાત્રિકોમાં સામેલ કરેલા. એવા પડછંડા સ્વાતંત્ર્ય સૈનિકની શહીદીની આજ રોજ 72મી તિથિ. અમારા પરિવારના આ વડીલને સહજભાવે સ્મરી લઉં અને આગળ વાત માંડું.
વારુ, દોસ્તો, મારે તો આજે રાપરે જમાવટ છે, ને વળી નીલપર જાવું છે, તેથી વાગડને સંભારતા રહેવું રહ્યું. એક લોકગીત મશહૂર છે ને :
દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. સૈયર તે હમથી, દાદા…
દિ’એ દળાવે મને, રાતડીએ કંતાવે રે સૈ,
પાછલડી રાત્યુંએ પાણીડાં મોકલે રે…સૈયર તે હમથી, દાદા…
ઓશીકે ઈંઢોણી, મારા પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓસરીએ મારું બેડલું રે..સૈયર તે હમથી, દાદા…
પિયુ પરદેશ મારો એકલડી અટૂલી રે સૈ
વાટલડી જોતી ને આંસુ પાડતી રે …સૈયર તે હમથી, દાદા…
ઊડતા પંખીડાં મારો, સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….સૈયર તે હમથી, દાદા…
વળી, આ કચ્છના વાગડ વિસ્તારનો ઉલ્લેખ ગુજરાતી લોકસાહિત્યના પ્રખ્યાત દુહામાં થયો પણ છે.
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત.
વરખામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.
આવા આ વાગડમાં, ભચાઉની પેલે કોર, રાપર નામે નગર અને તેની વાયવ્ય કોરે આવ્યું મને ગમતું નીલપર. આ નીલપરની જાતરા એક દા કરેલી; તેનું સાંભરણ તાજુંતર છે. નીલપરમાં આદરણીય મણિલાલભાઈ સંઘવીએ ‘ગ્રામ સ્વરાજ સંઘ’ની સ્થાપના કરેલી. ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા અને નાનાલાલ વોરા તથા માવજીભાઈ વેદના હાથ નીચે ઘડાયેલા એવા મણિભાઈ સંઘવીએ પોતાના ગ્રામ સ્વરાજનાં સપનાંઓને સાકાર કરવા, આ વિસ્તારના વંચિતોને પગભર કરવા તથા ગ્રામ સ્વરાજની અનુભૂતિ કરાવવા, સર્વોદય યોજના દ્વારા, ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો.
આ ગ્રામ સ્વરાજ સંઘનો કોઈક અગત્યનો અવસર હતો. અને આદરણીય ચુનીભાઈ વૈદ્યનું અવસરે આગમન હતું. અને એક મહેમાન હતા ડૉ. રઘુવીર ચૌધરી. ડૉ. રમેશભાઈ ર. દવેએ પોતાનો રથ સોંઢવાનું વિચારેલું. અને ‘જૂત ગાડે લતીપરનો સાથ’ જાણી હું ય સામેલ થઈ ગયો !
આવા આ વિસ્તારના મનેખ એટલે ડૉ. રમજાન હસણિયા. એક રીતે કહું તો આ જ ‘ગ્રામ સ્વરાજ સંઘ’નું જ એ સંતાન. નીલપર એમનું વતન અને અહીં જ આ સંસ્થામાં એ ઘડાયા. એની મઘમઘતી સુવાસ આજે રમજાનભાઈ પ્રસારતા રહ્યા છે.
આ એક વાત; બીજું, એમના ભણી સતત ખેંચાતો રહ્યો છે તે કારણ એમના ગુણો : ઉદારમતી સ્વભાવ; ટકોરાબંધ સહિષ્ણુતા. જૈન તત્ત્વજ્ઞાનની એમની વાત, સનાતન ધર્મની રજૂઆત એ જે ક્ષમતાની કરતા રહે છે એવું, આપણે, ભલા, કેમ નહીં કરતા હોઈએ ? ઈસ્લામ તો ભારે પવિત્ર ધર્મ છે. તેની પાયાગત કેટકેટલી વાતો ઉત્તુંગ રહી છે. રમજાનભાઈની પાસેથી દાખલો લઈને, હું અને તમે જો એ ય કરતા થઈએ તો આજે જે ભાંજગડ ઊભી કરાઈ રહી છે, તેને ખાળવી અઘરી ન જ હોય.
આવા આવા કેટલાક મુદ્દે, રાપર ભણી, આ વિનયન અને વાણિજ્ય કૉલેજના આ અવસરો ભણી ખેંચાતો રહ્યો. તેના ગુજરાતી વિભાગના આયોજિત આ ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં અને પાવરધા વિદ્વાનો અને વક્તાઓ જોડે, જુઓ ને, હું ય સામેલ થઈ ગયો ! કોઈક કાગડો મોર બનવાનો સ્વાંગ સજે તેમ સ્તો જ ને !
વારુ, આ 108મો મણકો છે. ચાલો, આ મણકે ઉઘાડિયે ‘જીવનનું પરોઢ’ …
•••••••••••••••••••••••
‘જીવનનું પરોઢ’ એટલે ગુજરાતી ગદ્યનો સમર્થ વિનિયોગ
‘નવજીવન પ્રકાશન મંદિર’ દ્વારા પ્રકાશિત ડૉ રાજેન્દ્રપ્રસાદના ‘મારી જીવનકથા’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રભુદાસ છગનલાલ ગાંધીએ કર્યો છે. પુસ્તકના પાછળના પૂંઠા પર એક પ્રસારાત્મક લખાણ છે :
‘જીવનનું પરોઢ’ નામક “આ પુસ્તકમાં ગાંધીજીના સત્યાગ્રહી જીવનના ઉદયકાળની કથા અતિ સુંદર અને આત્મકથનયુક્ત શૈલીથી રજૂ થઈ છે. એમાં ગાંધીજીના આફ્રિકાના જીવનને તથા એમની સાધનાને સમજવાની ચાવીરૂપ સામગ્રી છે. ગાંધીજીના જીવનની કેટલીયે હકીકતો આમાં પહેલી જ વાર પ્રગટ થાય છે. કાકાસાહેબની પ્રસ્તાવના તથા નવ ચિત્રો, ગાંધીકુલશાખા અને ગાંધીજીના હસ્તાક્ષરમાં ચાર પાનાં સહિત.”
•
ગુજરાતી સાહિત્યના પહેલી હરોળે સોહતા કવિ, લેખક, વિવેચક, વિચારક ઉમાશંકર જોશી કહે છે કે જીવનનું પરોઢથી ગાંધીજી વિષયક સાહિત્યમાં એક અગત્યનો ઉમેરો થાય છે. જીવનનું પરોઢનું કલા વિધાન એવું છે કે એને આત્મકથા તેમ જ જીવનકથા બંને કહેવું જોઈએ. લેખકના બાળપણના ચારથી બાર વર્ષના સંસ્મરણો અહીં ગુંથાયા છે. એ અર્થમાં જીવનનું પરોઢમાં લેખકના બાળપણ અંગેની કેટલીક માહિતીઓ સૌપ્રથમ વાર રજૂ કરવામાં આવી છે એ રીતે પણ ગુજરાતી સાહિત્યમાં એનું મૂલ્ય સવિશેષ છે. પ્રભુદાસ ગાંધીનું સમગ્ર જીવન ગાંધીજીની અસર જીવીને પલ્લવિત બન્યું છે. એમના આચાર-વિચાર અને વર્તન પર ગાંધીજીની સ્પષ્ટ છાપ અંકિત થયેલી છે.
••
આપણા એક વિવેચક, સાહિત્યિક ઈતિહાસકાર અને ચરિત્રકાર પ્રસાદ બ્રહ્મભટ્ટ લખે છે :
જીવનનું પરોઢ (1948) : પ્રભુદાસ ગાંધીનું આત્મકથાનક. 4 ભાગ અને ડેમી કદનાં 644 પૃષ્ઠમાં વિસ્તરેલું આ પુસ્તક માત્ર સાહિત્યિક દૃષ્ટિએ જ નહિ, શૈક્ષણિક તેમ જ સામાજિક દૃષ્ટિએ પણ અપૂર્વ કહી શકાય તેવું છે. લેખકે પોતાના દોષોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી, ઊલટાનું પોતાના એકેએક દોષનું બયાન કર્યું છે. અન્ય લોકો વિશે પણ એમણે નિર્ભીકતાથી સત્યકથન કર્યું છે. એમ કરવામાં એમણે કલાયુક્ત સંયમ દાખવ્યો છે.
ગાંધીજીના વ્યક્તિત્વના અનેકવિધ કોમલ-ભવ્ય અંશો આ પુસ્તકમાં સાધાર પ્રગટ થાય છે. સમગ્ર પુસ્તકમાં પ્રભુદાસના મનમાં રહેલી બાપુભક્તિ તેમ જ મગનલાલભાઈ ગાંધી પ્રત્યેનો એમનો આદર સ્પષ્ટ થાય છે. ગાંધીજીના હનુમાન એવા મગનભાઈના જીવનનો યથાર્થ ચિતાર તથા ગાંધીકુટુંબનો જરૂરી ઇતિહાસ આ પુસ્તકમાં સુપેરે મળે છે અને એ રીતે ગાંધીજીની આત્મકથાને પૂરક માહિતી મળે છે.
ગુજરાતી ગદ્યનો પણ સમર્થ વિનિયોગ પુસ્તકમાં થયો છે. સ્થળવિશેષનાં વર્ણનો અને કુદરત સાથે ઘાસપાન, ફળફૂલ, પક્ષીઓ અને વાદળાં સાથે તદાકાર થવાનો આનંદ જ્યારે લેખક વર્ણવે છે ત્યારે એમની કલમનું સામર્થ્ય પ્રગટ થાય છે. મનોવિશ્લેષણમાં પણ તેમને પ્રશસ્ય સફળતા સાંપડી છે.
•••
સેજલ પટેલ ચેવલી નામનાં એક બહેન ‘વાચનયાત્રા’ નામનો બ્લોગ ચલાવે છે. એમણે ‘જીવનનું પરોઢ’ વિશે “બાળકની આંખે તેનું પોતાનું બાળપણ …” નામક વિગતે લખાણ કર્યું છે.
આ મારો ખૂબ જ પસંદીદા વિષય રહ્યો છે. પણ જ્યારે હીનાબહેને આ પુસ્તક વાંચવા સૂચન કર્યુ ત્યારે ખબર નહોતી કે એનું વિષયતત્ત્વ શું છે. ઘણાં વિશેષ વ્યક્તિત્વોનાં બાળપણ વિશે છૂટક છૂટક ઘણું વાંચ્યું હશે, પણ આમ સળંગ ચાર વર્ષથી બાર વર્ષની ઉંમર સુધીનાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ વર્ષો વિશે આટલું વિસ્તૃત અને સચોટપણે લખાયેલ કાંઈ વાંચ્યું હોવાનું યાદ નથી.
બાળક એ માત્ર બાળક જ …. કોઈ પણ સ્થળ, કાળ, કુટુંબ, સમાજમાં ઉછરેલ કેમ ન હોય. દરેક માણસનું અનોખું વ્યક્તિત્વ, આજે એ જે કાંઈ પણ છે તે તેનાં બાળપણનાં વર્ષો અને દરમિયાન થયેલાં એનાં ઉછેર પર આધાર રાખે છે. આજે કોઈ માણસ હિંમતવાન છે કે ડરપોક, જવાબદારી લેવાની ભાવના છે કે નહીં, તેનો સ્વભાવ, સમજદારી કે પરિપકવતાનું સ્તર, સંવેદનાઓ ઝીલી શકવાની ક્ષમતા વગેરે ઘણું જે વ્યક્તિનાં આખાયે જીવન દરમિયાન સતત એક સૂક્ષ્મ સ્તરે તેની સાથે જ રહે છે, એવું ઘણું આ શરૂઆતનાં વર્ષોમાં ઘડાતું હોય છે. એટલે એનું મહત્ત્વ જેવું તેવું નથી. માબાપ અને શિક્ષકોની જવાબદારી અને ભૂમિકા એટલે જ વધી જાય છે. સમય સાથે બાળકો વડીલોની ઘણી ભૂલો માફ પણ કરી દેતાં હોય છે કે તેની પાછળની વડીલોની સારી ભાવનાને સમજીને એને સ્વીકારી પણ લેતાં હોય છે; છતાં જેમ કાકાસાહેબે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે એમ અતિ સૂક્ષ્મ સ્તરે પણ એ લસરકા રહે જ છે. આજનું મનોવિજ્ઞાન પણ એ બાબતે સ્પષ્ટ જ છે. આજે આપણે અનેક સુખસગવડોથી બાળકોની દુનિયા ભરી દઈએ છીએ, પણ એ નાજુક સંવેદનશીલ સમયને આપણી પોતાની મહત્ત્વાકાંક્ષા કે બીજાં કારણોથી પૂરતું ધ્યાન કે સમય આપવામાં કયાંક કાચાં પડીએ છે. આટલું સરસ પુસ્તક લખનાર, ગાંધીજીની અનેક લડાઈઓના સાથીદાર, મગન ચરખાના શોધક અને શિક્ષણને પોતાનું જીવન સમર્પિત કરનાર પ્રભુદાસભાઈ ગાંધી. ગાંધીજીની પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી જેમનાં જીવન પર હંમેશાં વર્તાતી રહી એવાં એક વ્યક્તિત્વનાં વિકાસની વાત. સંબંધમાં ગાંધીજીના પિતરાઈ ખુશાલદાસ ગાંધીના દીકરાના દીકરા.
૧૯૦૧માં જન્મેલા પ્રભુદાસભાઈ ચાર વર્ષની ઉંમરે, આફ્રિકા ફિનિક્સ આશ્રમના એક રહેવાસી તરીકે જોડાય છે, ત્યારથી ૧૯૧૪માં ભારત પાછાં ફરે છે, ત્યાં સુધીનો આખેઆખો ચિતાર. આ ચાર વર્ષથી લઈને બાર તેરની ઉંમર વચ્ચે તેમની અંદર અને આસપાસ સર્જાતા અનેક વમળો અને પરિબળો વિશે એટલું ઝીણવટથી લખ્યું છે કે આ પુસ્તક એક મૂલ્યવાન કૃતિ બને છે, ઘણું શીખવે છે.
પ્રભુદાસભાઈ આટઆટલી પ્રતિભા હોવા છતાં પોતે ઢીલા છે, નબળા છે, ઠોઠ છે એવી પોતાની સેલ્ફ ઈમેજમાંથી આ પુસ્તક લખાયું, ત્યારે પણ બહાર નહોતા. પુસ્તક લગભગ આફ્રિકાથી પરત થયાનાં પચીસેક વર્ષ પછી લખાયું છે. તેમના વ્યક્તિત્વમાં રહેલી આ ભીરુતા આખા ય પુસ્તકમાં અનેક વખત દેખાઈ આવે છે. આવો ડર કેવી રીતે પોષાયો છે, એ વાંચતા ધ્રુજારી આવી જાય છે, આંખમાંથી આંસુ ખરી પડે છે. બીજું કોઈ નહીં અને સગી માતા, પિતા અને કાકાને હાથે માર ખાતા, અપમાનિત થતા, કપરી સજા ભોગવતા એ નાનકડા બાળક પર શું વીતી હશે, એ વિચાર માત્રથી કમકમાં આવી જાય છે. કાંઈક અમાનુષી કહી શકાય, તેવો વ્યવહાર એક બાળક સાથે? એ પણ એના ઘડતર માટે, એના ભવિષ્યની ચિંતા કરીને? એ પણ ગાંધીજીનાં ફિનિક્સ આશ્રમમાં?!!! પોતાને અટકચાળો, ભાંગફોડિયો, એકેય કામ ઢંગથી ના કરી શકે એવો ગણાવતા પ્રભુદાસભાઈને વાંચીએ તો થાય કે બાળકો તો આવા જ હોય ને? પણ એમને આવાં બાળ સહજ તોફાનો, ભૂલો બદલ ઘણું વેઠવું પડયું. આવો અત્યાચાર કહી શકાય એવા ઘડતરનો ક્રમ ઘણાં વર્ષો ચાલ્યો, લગભગ ૧૯૦૯માં ભારત પાછાં ફર્યા ત્યાં સુધી.
દોઢેક વર્ષના ભારત રોકાણ દરમિયાન અને પછી આ કપરા કાળનો કોઈક રીતે અંત આવ્યો. વડીલોનું હ્રદય પરિવર્તન કે સમજદારીથી આવેલ ફેરફાર હોઈ શકે.
ફરી જ્યારે આફ્રિકા જવાનું થયું, ત્યારે લગભગ દસેક વર્ષની ઉંમરે કરેલ મુંબઈથી ડરબનની દરિયાઈ સફરનું એમણે એટલું સરસ, બારીક વર્ણન કર્યુ છે કે એક બાળકની દૃષ્ટિએ એમણે પોતાની જિજ્ઞાસુ આંખો વડે આટઆટલું જોયું, અનુભવ્યું, શીખ્યું તે એમની પાકટ ઉંમરની ભાષા પરની પકડ કે લખી શકવાની આવડત વગેરે કરતાં ખૂબ જ ચડિયાતું પુરવાર થાય છે. બાળક પ્રભુદાસની હોંશિયારીના ચમકારા અહીંથી દેખાવા શરૂ થાય છે. અહીં બાળકોને પ્રવાસ શા માટે કરાવવા જોઈએ, એ સમજાય જાય એવું છે. એ એક સફર એમના માટે જીવનપર્યંત યાદગાર તો રહી જ પણ ઘણું શીખવી પણ ગઈ.
અહીંથી આગળની કથા અનેક ચડાવ ઊતાર, આફ્રિકાના સત્યાગ્રહની અસર, બાપુના પ્રભાવી પડછાયા હેઠળ થતો સખત ઉછેર, દેશી વિદેશી શિક્ષકોનો સમયે સમયે મળતો સહવાસ અને શિક્ષણ, બાળપણની મોજ વગેરે વગેરે. એક બાળકને શું ગમે કે શું અસર કરી જાય, એ કેવી રીતે વર્તી શકે અથવા શું વિચારી શકે અને વાતાવરણ મળે તો કેવો ખીલી શકે કે મુરઝાઈ શકે તેની વાત.
બાપુજી પ્રત્યે એમને સતત ખેંચાણ રહેતું. બધાંની વચ્ચે બાપુ એમની ખબર રાખતા, એમના વિશે પૂછતા એ જ મૂળ કારણ. આવી રીતે મહત્ત્વ મળે તે દરેક બાળકને મન ખાસ્સું મહત્ત્વનું જ. લડત દરમિયાન ગાંધીજી બહુ ઓછું જ આશ્રમમાં રહી શકતા. પણ શિક્ષક તરીકે એમને બાપુ પાસે ભણવું ગમતું. અહીં ભણવું એટલે 'ઈન્ફોર્મલ એજ્યુકેશન' એવું, કોઈ ઢાંચા વગરનું. જ્યારે જે હોય તે ભણાવે, એમની જે વિષય પર હથોટી હોય તે ભણાવે, લાંબા સમય સુધી ભણવાનો ક્રમ ખોરવાયેલો પણ રહે. અંગ્રેજી, ગુજરાતી વાંચતા, લખતાં શીખવું, ગણિત, થોડું ગીતાનું અધ્યયન અને 'હિંદ સ્વરાજ' સમજવું વગેરે. સાચું શિક્ષણ ઘડતર તો ખેતરમાં કરેલી મહેનત, બિમાર ભાઈની સેવા, માતાપિતાનાં જેલવાસ દરમિયાન ઘરની સાથે સાથે નાનાં ભાડરડાંની સાચવણી, છાપખાનામાં બીબાં ગોઠવવા અને દર અઠવાડિયે છાપું સમયસર બહાર પડે તે માટે મોટેરાઓને કરવામાં આવતી મદદ, ફળોનાં બગીચાની ગોડાઈ અને માવજત, જંગલ અને નાળાવાળા અઢી માઈલનાં અંતરે આવેલ સ્ટેશન પર રોજ ટપાલો પહોંચાડવી અને ત્યાંથી ટપાલો તથા પાર્સલ ઊંચકીને લાવવા, આશ્રમમાં આવતાં મહેમાનો કે સત્યાગ્રહીઓને સાચવવા, વગેરેમાં હતું. કેટલું અનુભવ સમૃદ્ધ જીવન! ગાંધીજી પત્રોમાં ભણવાની ચિંતા ક્યારેક કરતા તો ક્યારેક એની ચિંતા કરવી જરૂરી નથી એમ પણ કહેતા. મતલબ કે જેને 'એકેડેમિક એજ્યુકેશન' કહીએ છીએ, તેનું ત્યાં મહત્ત્વ ઓછું જ હતું અને અનિયમિત ધોરણે જ ચાલતું.
ગાંધીજી – સાચે જ ભવિષ્યની પેઢીઓને આવાં કોઈ અસ્તિત્વ વિશે માનવું મુશ્કેલ પડશે. – પ્રભુદાસભાઈને અનહદ આદર હતો એમના આ બાપુજી માટે. આશ્રમનાં બાળકોને સારાં વિદ્યાર્થી બનાવાનો નહીં, પણ સત્યાગ્રહના લડવૈયા બનાવવાનો એમનો મનસૂબો હતો. સત્યાગ્રહ માટેની એમની આસ્થા એટલે જાણે પથ્થર પરની લકીર. એના માટે જોઈએ જીભ પર લગામ, શુદ્ધ અડગ ચારિત્ર્ય, કાંઈ પણ કરી છૂટવાની તૈયારી, મોતને પણ હસતા મુખે સ્વીકારવાની તૈયારી. સ્પાર્ટીઅન જ જાણે તૈયાર કરવાનાં હોય ! પણ સત્યાગ્રહ માટે અને અહિંસક રીતે. દુનિયા માટે નવી નવાઈની વાત હતી પણ ગાંધીજીનું તપ અને મનોબળ ભલભલાને પીગળાવે એવું. શાતિર દિમાગનાં સ્મટ્સને અનેક વખત દગો દેવા છતાં એમ જ પીગળાવ્યો. સત્યાગ્રહીઓનાં મોત બદલ મૂછો મૂંડાવી નાંખી અને એમનાંમાંના જ એક બની રહેવા માટે મદ્રાસી લૂંગી અને ઢીલો ઝભ્ભો ધારણ કર્યો, ચંપલ પહેરવા છોડી દીધાં. કેટકેટલાં કષ્ટ એ માણસ હસતાં હસતાં પોતા ઉપર નાંખી દેતો, અને લોકો એમનાંથી અભિભૂત થતાં, એમનાં શિષ્ય બની જતાં, એ કહે તેમ કરવા તૈયાર થઈ જતાં. ગજબની પકડ હતી લોકો પર. કોઈ વિરોધ કરતું પણ તો સમજાવવાની અદ્દભુત આવડત એમણે મેળવી હતી. ગાંધીજીને એક શિક્ષક તરીકે, ચિકિત્સક તરીકે અને સત્યાગ્રહી તરીકે ખૂબ અહોભાવથી આલેખ્યા છે, પ્રભુદાસભાઈએ. ગાંધીજીના મહાત્મા તો નહીં પણ કર્મવીર તરીકે પંકાવાના દિવસો અને તે પહેલાંનો તેમનો અથાગ ઉદ્યમ, અતિશય સંઘર્ષ, રાજનૈતિક જીવનની સાથે કુટુંબની ચિંતા વગેરે ખૂબ સરસ રીતે વર્ણવ્યા છે.
ગાંધીજીમાં જે સોના જેવું સારું હતું એ જ તેમની નીચેનાંને માટે કષ્ટદાયક બની રહેતું. પોતે ખાંડ મીઠું ન ખાય, અનાજ કઠોળ ન ખાય, દૂધ ઘી ન ખાય તો બધાંને વધુ નહીં તો અમુક દિવસ માટે એવી ફરજ પડાતી. એટલું સારું હતું ત્યાં ફળો ખૂબ સરસ થતાં એટલે એ બધું કાંઈક સહ્ય બનતું હશે. એવું જ બીજી ઘણી બાબતોમાં.
ગાંધીજીની આ વાત ગમી 'એબ કાઢવા ખાતર બોલીએ તો પાપી બનીએ. પણ આપણો ને પારકાંનો ઉપકાર જયાં મુખ્ય વાત છે ત્યાં ગમે તેવા માન્ય પુરુષો હોય તેને વિશે પણ જે અપૂર્ણતા જોઈએ એ વિચારવી આપણી ફરજ છે.' … પણ આજકાલના ગાંધીવાદીઓ આમ નથી માનતાં!
કુદરતનો સંસર્ગ એક બાળકનાં જીવનને કેવું સમૃદ્ધ બનાવે છે તે તો પ્રભુદાસભાઈ અતિશય સુંદર રીતે આલેખે છે. પક્ષીઓ પ્રત્યેનું તેમનું ખેંચાણ છાનું નથી રહેતું. સૌથી અદ્દભુત તો એમની વાદળો સાથેની દોસ્તી છે. વાદળોને જોઈને અણસારો મેળવતાં કે આજે કોઈ સારા સમાચાર મળશે!
ગરીબ ગિરમીટિયાઓ અને તેમનાં જીવન વિશે પણ ઘણી વાતો લખી છે. સત્યાગ્રહ વખતે પોતાનાં કામકાજ છોડીને 'અપને ગાંધીમહારાજ'ના આશ્રમમાં આશરો લઈ રહેલાં એ ગરીબ, ભોળા માણસોને રેશન પ્રમાણે અનાજ મળતું, ઓછું જ રહેતું છતાં ફળોથી લચેલા બગીચાઓમાંથી કોઈ ફળ ઉતારતું નહીં!
આવી અનેક વાતોથી સભર આ પુસ્તક વાંચીને સમજવા જેવું, અનેક રીતે મહત્ત્વનું.
••••
ઉમાશંકરભાઈ જોશી, પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ તેમ જ સેજલબહેન પટેલની આ લાંબીલચક વાતોની પછીતે, હવે આ ‘પાવનકારી સ્મરણયાત્રા’માં સામેલ થઉં.
પૃથ્વીના ખંડોમાં વિસ્તાર તેમ જ વસ્તી બેયની ગણતરીએ સૌથી મોટો છે એશિયા. એકલા વિસ્તારમાં તેની પછી આવે છે આફ્રિકા ખંડ, જેનું કદ ભારત કરતાં લગભગ નવ ગણું મોટું છે. એ આફ્રિકા ખંડના પચાસેક મુલકો પૈકી એક છે દક્ષિણ આફ્રિકા. તેનો વિસ્તાર ભારતના ત્રીજા ભાગ જેટલો છે, પણ ભારતની વસ્તીના બાવીસમા ભાગ જેટલા જ લોકો આજે ત્યાં વસે છે. આ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે કાળ ભગવાને એક અનોખો સંબંધ બાંધી આપેલો છે.
દક્ષિણ આફ્રિકાની મૂળ વસ્તી હબસી લોકોની. યુરોપીયનો ત્યાં પહેલવહેલા ગયા 17મી સદીમાં. પ્રથમ નેધરલેન્ડે ત્યાં પગદંડો જમાવ્યો, તે પછી બ્રિટને. દેશના જુદા જુદા ભાગ કબજે કરતાં કરતાં એ બેની વચ્ચે અથડામણો થઈ. આખર જતાં દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું.
દક્ષિણ આફ્રિકા ઉપર ગોરાઓનું રાજ્ય ચાલતું હતું, ત્યારે હિંદુસ્તાનથી પણ કેટલાક લોકો ત્યાં ગયેલા, તેની વાત જાણવા જેવી છે. ત્યાંની જમીન ખૂબ ફળદ્રૂપ હતી, ત્યાં વરસાદ પૂરતો હતો; એટલે શેરડી, ચા, કોફી વગેરેના કીમતી પાકની સરસ ખેતી થઈ શકે તેમ હતી. પણ બંદૂકના જોરે જેમણે ત્યાં રાજ જમાવેલું તે ગોરાઓની વસ્તી બહુ થોડી હતી. વિશાળ પાયા પર ખેતી કરવી હોય તો મજૂરો જોઈએ. ત્યાંના વતની હબસીઓને એવી મજૂરી કરવા માટે ગોરાઓએ લલચાવ્યા ને પછી ડરાવ્યા પણ ખરા. પણ વનવાસી હબસીઓને બહુ મહેનત કરવાની ટેવ.
આ સમજવા માટે આપણે ગિરિરાજ કિશોરની ‘પહેલો ગિરમીટિયો’ નવલકથા ઉપયોગી થાય તેમ છે. તાજેતરમાં અવસાન પામેલા આપણા કર્મશીલ શિક્ષક, લેખક અને અનુવાદક મોહન દાંડીકરે આપણને અફલાતૂન અનુવાદ આપ્યો છે. મારે તેની જાતરાએ તમને અહીં લઈ જવા નથી. પરંતુ, ‘જીવનનું પરોઢ’ સમજવા સારુ ઉમા ધૂપેલિયા-મિસ્ત્રી લિખિત ‘ગાંધીઝ પ્રિઝનર ? ધ લાઇફ ઑવ્ ગાંધીઝ સન મણિલાલ’ તેમ જ ખુદ મો.ક. ગાંધીએ લખેલું ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ અગત્યના ઓજારો છે. વળી, રામચંદ્ર ગુહા રચિત ‘ગાંધી બિફોર ઇન્ડિયા’ ગ્રંથ તેમ જ ચંદુલાલ ભગુભાઈ દલાલે આપ્યું હરિલાલ ગાંધીનું ચરિત્ર પૂરક બને છે.
ઉમાબહેને ઘણું સંશોધન કરીને પુસ્તક આપ્યું હોઈ, તેમાં ફિનિક્સ આશ્રમ માંહેની રહેણીકરણી, “ઇન્ડિયન ઓપીનિયન”ની ઝુંબેશ અને મો.ક. ગાંધીના દક્ષિણ આફ્રિકામાંનાં એકવીસ વરસોની સુપેરે આછીપાતળી વિગતો છે. એ જ રીતે રામચંદ્ર ગુહાએ અથાક મહેનત લઈ, વરસો સુધી સંશોધન કરીને ગ્રંથ આપ્યો હોઈ તેમાં કદાચ ક્યાં ય જોવાવાંચવા ન મળી હોય તેવી વિગતસામગ્રી વાચકને સાંપડે છે.
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ સૌ પ્રથમ 1924માં પ્રગટ થયો. આ સમૂળી ઘટનાના નાયક ખુદ પોતે જ લેખક હોઈ, આ પુસ્તક અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. જગતના ઇતિહાસમાં એ પ્રથમ દ્વેષમુક્ત, વેરવિહીન સતનો સંગ્રામ હતો, એમ રમણભાઈ મોદી ‘ગાંધીજીનું સાહિત્ય’માં લખે છે. આમાં આપેલા કેટકેટલા બનાવો, કેટકેટલી વ્યક્તિઓ વિશેની નોંધ અને વિગતો આપણને ‘જીવનનું પરોઢ’માં ય જોવાવાંચવા સાંપડે છે.
ગાંધીજીએ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ વચ્ચે આ ઇતિહાસ લખ્યો છે. કુલ પચાસ પ્રકરણો છે અને તે બે ખંડોમાં વહેંચાયેલો છે. લેખક ખુદ જણાવે છે, ‘ઇતિહાસનાં 30 પ્રકરણો યરોડા જેલમાં લખ્યાં. હું બોલતો ગયો ને ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યાં. બાકીનાં હવે લખવા ધારું છું. જેલમાં મારી પાસે આધારોને સારુ પુસ્તક ન હતાં. અહીં પણ તે એકઠાં કરવા હું ઇચ્છતો નથી. વિગતવાર ઇતિહાસ આપવાને સારુ મને અવકાશ નથી અને નથી ઉત્સાહ કે ઇચ્છા.’
દક્ષિણ આફ્રિકામાં વસવાટી હિન્દી કોમના ઝંઝાવાતી સમયની બાની અહીં પ્રગટ જરૂર થાય છે. પરંતુ અપૂરતી વિગતો રહી છે, તો ક્યાંક વિગતદોષો ય રહેવા પામ્યા છે. એમાં ઊતરવાને સારુ અહીં અવકાશ પણ નથી.
વારુ, ’જીવનનું પરોઢ’ આપણો એક શિષ્ટ ગ્રંથ છે. પુસ્તકની પ્રસ્તાવના આચાર્ય કાકા કાલેલકરે લખી છે, નામે ‘સાધનાનું પરોઢ’. તેમાંથી આ ફકરાઓ ટાંકવાની રજા લઉં છું :
‘સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીએ બાળકોની કેળવણીને વધુ મહત્ત્વ આપી આશ્રમની અંદર જ એક સ્વતંત્ર શાળા સ્થાપી. શ્રી છગનલાલભાઈ ગાંધી પણ એ શાળામાં થોડા દિવસ કામ કરતા હતા. રાષ્ટૃીય શાળામાં વિદ્યાર્થીઓનું હસ્તલિખિત માસિક તો હોવું જ જોઈએ. અમે એનું નામ રાખ્યું, ‘મધપૂડો’. ઉપનિષદની વાર્તાઓ વાંચનારા અમે ‘મધપૂડો’ના તંત્રીઓને મધુકર રાજા કહેવા લાગ્યા. પ્રભુદાસ એવો જ એક રાજા થયો. એને લેખ આપવાનું જેમ અમ શિક્ષકોનું કામ હતું તેમ વિષયો સુઝાડવાનું પણ અમારું જ કામ હતું. મેં પ્રભુદાસને કહ્યું કે ‘દક્ષિણ આફ્રિકાના આશ્રમ જીવનનું વર્ણન ક્રમશ: કેમ ન લખો?’ આત્મવિશ્વાસ કંઈક ઓછો હોવાથી પ્રભુદાસે શંકા બતાવી કે, ‘મારાથી એ બધું લખાશે? મેં એને કહ્યું, ‘એમાં શું ? એ બધું સંસ્મૃત્ય સંસ્મૃત્ય કટકે કટકે લખી કાઢો.’ એણે એ વિચાર પોતાનો કર્યો અને तच्च संस्मृत्य संस्मृत्य એ મથાળા હેઠળ પોતાનાં બાળજીવનનાં સંસ્મરણો લખવાનું શરૂ કર્યું. ઘણા ખરા લેખો લખાયા એટલે એણે એ બધા પોતાના ગોઠિયા દેવદાસને બતાવ્યા. આશ્રમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો એ બધું રસપૂર્વક વાંચતા જ હતા; પણ ગાંધી કુટુંબના ઘણા કુટુંબીઓ પણ એ બધું ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યા. ખાનદાનીના જૂના વિચારના કેટલાકને થયું કે, ‘પ્રભુદાસ આ શું કરવા બેઠો છે ? ખાનદાનની ખાનગી વાતો આમ તે જાહેર કરાતી હશે ?’ પણ આંતર-બાહ્ય એવો ભેદ ન કરનાર ગાંધીજીની ઉછેરમાં કેળવાયેલા પ્રભુદાસે હિંમત કરી અને ઘણું ઘણું લખી કાઢ્યું.
‘આ આખા લખાણમાં તંબૂરાના સૂરની પેઠે એક વાત અખંડ સંભળાય છે. છેક નાનપણથી પ્રભુદાસને કહેવામાં આવ્યું હતું કે એ ઠોઠ છે. જરા ય કશી હોશિયારી એનામાં નથી. દેવદાસ જેટલી હોશિયારી પ્રભુદાસમાં ભલે ન હોય, નાના કચા (કૃષ્ણદાસ) જેટલી ચતુરાઈ પણ એનામાં ન હોય, પણ મેં તો એને બુદ્ધિ વગરનો જોયો કે માન્યો નથી. પણ ઘરના મુરબ્બીઓએ, ભલે અત્યંત સદ્દબુદ્ધિથી પણ એનામાં જે आत्मनि अप्रत्यय ઠોકી બેસાડ્યો તે એના સ્વભાવનું એક અંગ જ બની ગયું અને વિદ્યાનિષ્ઠા, કર્મનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા ઇત્યાદિ સમર્થ ગુણો એની પાસે હોવા છતાં એક આત્મવિશ્વાસને અભાવે એની આખી કારકિર્દી જાણે કરમાઈ ગઈ.
‘આ ચોપડીમાં જે વિગતોની સમૃદ્ધિ દેખાય છે તે ઘણીખરી શ્રી મગનલાલભાઈને મોઢે મેં સાંભળેલી હોવાથ અને ગાંધી કુટુંબના અનેક લોકોએ તે વાંચેલી હોવાથી તેની યથાર્થતા વિશે કશી શંકા રહેતી નથી
‘આટલી વિગતો જે ભેજું સંઘરી શકે અને સમર્થપણે રજૂ કરી શકે એને ‘ઠોઠ’ કહેવું એ તો અનર્થ જ ગણાય.’
કાકાસાહેબ આગળ લખે છે : ‘ગાંધીજીએ પોતે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ લખ્યો છે. ત્યાંની જેલના અનુભવો લખ્યા છે. એમની આત્મકથામાં પણ એ વખતનો ઇતિહાસ આવી જાય છે. ફિનિક્સ આશ્રમનો ભાર અમુક અંશે ઊંચકનાર શ્રી રાવજીભાઈએ ‘ગાંધીજીની સાધના’ અને ‘જીવનનાં ઝરણાં’ એ બે ચોપડીમાં ઘણું આપ્યું છે. અને જે આપ્યું છે તે ઘણું જ અસરકારક છે. અને છતાં કહેવું પડે છે કે એ બધી ચોપડીઓમાં કેટલી વસ્તુઓ રહી ગયેલી જે પ્રભુદાસે પોતાના ‘જીવનનું પરોઢ’માં આપી છે. અને આપણને લાગ્યા વગર નથી રહેતું કે કેટલીક વસ્તુઓ તો પ્રભુદાસ જ આપણને આપી શકત. ગાંધીયુગના ઇતિહાસકારોમાં તેમ જ ગાંધીજીવનના ચરિત્રલેખકોમાં પ્રભુદાસે આ ચોપડી લખી, કાયમનું સ્થાન મેળવ્યું છે. કેમ કે એમાં મૌલિક, આધ્યાત્મિક અને પ્રામાણિક મસાલો ઠાંસીને ભરેલો છે.’
‘ગાંધીજીના નિકટવર્તી અંતેવાસીની બાલ્ય-કૈશોર્ય-યાત્રાનું આ આત્મવૃતાન્ત તો છે જ, પણ સાથે ગાંધીજીના એમના વિશાળ કબીલા સાથેના સંબંધો ઉપર અને ખાસ કરીને એમના તપોજીવનના પરોઢ ઉપર કીમતી પ્રકાશ નાખે છે’, તેમ કુંજવિહારી મહેતાની નોંધનો ઉલ્લેખ હરીશભાઈ વ્યાસે ‘મહાત્માં ગાંધીનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ’માં કર્યો છે.
આ ગ્રંથ ચાર ભાગમાં ફાળવાયો છે અને તેને કુલ મળીને 83 પ્રકરણો છે. અ-ધ-ધ-ધ કહી શકાય તેવો જાણે કે ક્ષિતિજને આંબતો પટ લેખકે અહીં આપ્યો છે. આપણી મનોદશા, આપણા જીવન વ્યવહારને લક્ષ્યમાં રાખી કહેવાનું મન કરું છું કે ભાગ ત્રીજાના પંદરમા પ્રકરણને આજના સંદર્ભે ય અગત્યનો લેખું છું. આપણાં સામાજિક જીવનનાં સ્થળો, ધાર્મિક મથકો સમેત જાહેર સ્થળોનાં પાયખાના ઇત્યાદિની ગંદકી તરફ મારો ઈશારો છે. ‘પાયખાનાસફાઈ’ નામનું આ પ્રકરણ પાઠ્યપુસ્તકમાં આમેજ તો કરું અને જોડાજોડ, ભણવામાં તેને ફરજિયાત લેવામાં આવે તેમ ગોઠવું.
વારુ, વિચારકો અને વિવેચકો સમક્ષ આ પુસ્તકની એક બાબત નજરઅંદાજ થઈ હોવાનું સતત લાગ્યું છે. ડાયસ્પોરિક જમાતનો આ એક ભારે અગત્યનો દસ્તાવેજી ગ્રંથ પુરવાર થાય છે. મારી ગણતરી મુજબ એક પા આ ‘જીવનનું પરોઢ’ અને બીજી પા, નાનજી કાળિદાસ મહેતા લિખિત ‘મારા અનુભવો’ આવાં પાયાગત બે પુસ્તકો છે. આફ્રિકા માંહે આપણી વસાહતોના આરંભિક સમયગાળાની ગાથા આ બંને ચોપડીમાં ઠાંસી ઠાંસી ભરી છે. બંને લેખકો મૂળ પોરબંદરના જ છે તે એક નોખી વાત બને છે ! આ સમૂળી બાબતે ય ‘જીવનનું પરોઢ’નો અભ્યાસ થાય તેમ હું સૂચવીશ.
આહા…આ…આ, આપણે ઓવારી જઈએ તેવાં સરસ મજાનાં કેટકેટલાં ચરિત્રો પ્રભુદાસ ગાંધીએ આ ચોપડી વાટે વાચકને સારુ ધર્યાં છે. જોસેફ ડોક, અહમદ મહમ્મદ કાછલિયા, પારસી રુસ્તમજી, હર્માન કેલનબૅક, સોન્જા શ્લેશિન, થામ્બી નાયડુ, હેન્રી પોલાક, એલ.ડબલ્યુ. રિત્ચ જેવાં જેવાં મૂઠી ઊંચેરાં સાથીસહોદરોની તોલે, ભલા, કેટકેટલાં આવે ? ‘જીવનનું પરોઢ’ને પ્રકાશન સંસ્થાએ ‘ગાંધીજીના સત્યાગ્રહી જીવનનો ઉદયકાળ’ કહ્યો છે. પણ તે ય અધૂરું છે. મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીભાઈ બને અને વસાહતના આગેવાન પદે સ્થાપિત બને તેની રજૂઆત અહીં પામ્યાં વગર રહેવાતું નથી. એક કાઠિવાડી નબીરો. દિવાનનું સંતાન. ચોપાસ ને ઘરમાં રૂઢિચુસ્ત વાતાવરણ. દરિયાખેડુ જમાતની વચ્ચે ઉછેર છતાં, દરિયો ન ઓળંગવાની શાખ. અને છતાં, પરિસ્થિતિને આંબી આ યુવાન ઇંગ્લૅન્ડ બારિસ્ટરી કરવા જાય પરંતુ, રાજકોટ, મુંબઈમાં વકાલતી નસીબ અજમાવ્યા પછી ય કોઈ સફળતા સાંપડે નહીં, અને પછી અબ્દુલ્લા શેઠ જોડે બોલી કરીને તે દક્ષિણ આફ્રિકે જવા ડરબનની વાટ પકડે છે.
ડરબન, પ્રિટોરિયા ને પિટરમેરિત્સબર્ગના જાતભાતના અનેક અનુભવે આ જણ ઘડાય છે અને પરિણામે આપણને ગાંધીભાઈ સાંપડે છે. આરંભે ડરબન અને જ્હોનિસબર્ગમાં સ્થાયી થાય છે. એમ.કે. ગાંધી એટર્ની તરીકે સ્થપાય છે. સરસ વિસ્તારમાં વસે છે. અને એમાંનો એક આવાસ જોવાનું સદ્દભાગ્ય વરસો પહેલાં સાંપડેલું તેનું મને સ્મરણ છે. ખેર ! … અને પછી ફિનિક્સ વસાહત, “ઇન્ડિયન ઓપીનિયન” નામક સાપ્તાહિકની ગાથા, રંગભેદ સામેની લડત, સત્યાગ્રહોનો સિલસિલો. પરિણામે અનેક વાર જેલવાસ. અને છેવટે આવે છે સને 1913 દરમિયાનની ‘ગાંડી મહારાજ’ની એ ઐતિહાસિક લાંબી કૂચ. આ વિજયી કૂચ એ ગાંધીભાઈનો છેલ્લો સત્યાગ્રહ. પરિણામે વસાહતી હિન્દી જમાતના એ સર્વોપરી આગેવાન સ્થાપિત થાય છે.
ગાંધીનું વ્યક્તિત્વ પૂનમ તરફ ધસમસતા ચંદ્રની કળા જેમ સતત વિકાસશીલ રહ્યું છે. પિટરમેરિત્સબર્ગ રેલવે સ્ટેશન પરના એ અનુભવ પછી ગાંધી ટટ્ટાર બન્યા છે, સાથેસાથે આપણને ય નીડર કરતાં કરતાં ટટ્ટાર બનાવીને રહ્યા છે.
આ એકવીસ વરસના સમયગાળામાં ગાંધીજીએ બહોળું વાંચન કર્યું છે અને પુષ્કળ લખાણ કર્યું છે. એમનાં પ્રારંભિક લખાણો વિસ્તારવાળાં પણ છે. એમાં ભાષાનું ખેડાણ પણ ઓછું છે. પરંતુ દક્ષિણ આફ્રિકે એમનું વાચન ઘણું વધ્યું, વિચારો પરિપકવ થયા અને જીવન તરફ જોવાની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન થયું, તેમ ડૉ. રમણ મોદી નોંધે છે.
ગાંધીજી સિવાય, પ્રભુદાસ ગાંધીએ અહીં તેમનાં માતાપિતા ઉપરાંત મગનકાકા, કસ્તૂરબા, રામદાસકાકા, દેવદાસકાકા, ગોકળદાસ, ગોપાળકૃષ્ણ ગોખલે, રુસ્તમજી શેઠ, સોંજા શ્લેશિન, ચાર્લી એન્ડૃઝ, આલ્બર્ટ વેસ્ટ, ઈમામસાહેબ અબ્દેલ કાદર બાવઝીર જેવાં વ્યક્તિવિશેષો અંગે સરસ સામગ્રી આપી છે. હરિલાલકાકા વિશેની વિગતો ઓછી છે પણ તે લખાણોમાંથી એક તાકાતવાન માણસની ઝાંખી થયા વિના રહેતી નથી.
હરિલાલનો જન્મ 1888માં. જવાહરલાલનો જન્મ 1889માં. ગોપાળકૃષ્ણ ગાંધી, ‘ઑવ્ ઍ સરટન એઇજ’ નામક પોતાના વીસેક જીવનચરિત્રોના પુસ્તકમાં, કહે છે તેમ આ બંને ઠીક એક સરખી વયની વ્યક્તિઓ. ભારત આઝાદ થયું ત્યારે બંને હયાત. દીકરો હઠીલો હતો; હઠીલા સ્વરૂપે પણ એ દીકરો હતો. હરિલાલ ‘હીરાલાલ’ ન થયા હોત અને બાપની અડખેપડખે જ બની રહ્યા હોત તો આ ઘડીએ એ ક્યાં ને ક્યાં હોત ! દક્ષિણ આફ્રિકે તો ‘છોટે ગાંધી’ તરીકે કોમમાં આદરભેર સન્માન પામતા બાપુના આ ભડવીર દીકરાની કેવડી તે વાત કરીએ ! દેવદાસ ગાંધી જેને ‘એક દુ:ખી આત્મા’ તરીકે લેખે છે તે મોટાભાઈની લાગણીસભર તેમ જ સંશોધન આધારિત કેટકેટલી વિગતો, ચંદુલાલ દલાલે આપણને ‘હરિલાલ ગાંધી’માં આપી છે. … ખેર !
કાકાસાહેબ લખે છે તેમ, ‘ગાંધી કુટુંબનો આવશ્યક ઇતિહાસ આમાં સુંદર રીતે આવે છે. અને એ રીતે ગાંધીજીની આત્મકથામાં રહેલી ન્યૂનતા પૂરી થાય છે.’ મોહનદાસ ગાંધીની પછીતે કેટકેટલાં પરિવારજનો એ મુલકે જઈ ચડે છે તેની નોંધ અને દાસ્તાં પણ અહીં આપણે પામીએ છીએ. તેમાં નંદીબહેન, નારણદાસ, પુરુષોત્તમદાસ, જમનાદાસ, મણિલાલ, વગેરે વગેરેની નોંધ મળે છે. રમણભાઈ મોદીના મતાનુસાર, ‘ગાંધીજીની પૂર્વેની સાત પેઢીજૂની હકીકતો એમણે વડીલો પાસેથી મેળવીને રજૂ કરીને એ બતાવી આપ્યું છે કે ગાંધીજીની સત્યની આવી ઊંડી ઉપાસના પાછળ વારસાગત સંસ્કારોએ ઠીક ઠીક ભાગ ભજવ્યો છે.’
[4,120 શબ્દો]
હેરૉ, 31 જુલાઈ – 05 ઑગસ્ટ 2021
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
[સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ – રાપરના ગુજરાતી વિભાગ આયોજિત ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી – મણકો – 108; − પ્રશિષ્ટ કૃતિ પ્રભુદાસ ગાંધીકૃત “જીવનનું પરોઢ” − શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 રોજ રજૂઆત]