યુદ્ધમાં તેલ યુક્રેનનું નીકળી રહ્યું છે ને તેલ લેવા ભારત જાય કે ન જાય, પણ રશિયા તેલ આપવા સામેથી આવ્યું છે ત્યારે તેલ અમેરિકાને રેડાઈ રહ્યું છે. માનો કે ના માનો, પણ ભારતનો દબદબો વિશ્વમાં વધી રહ્યો છે. થોડા દિવસ પર ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા અને ભારત સાથેના સંબંધો અંગે ચર્ચા કરી ગયા. રશિયાનું ક્રૂડ રૂબલ-રૂપીમાં ખરીદાય એવું લાગતાં અમેરિકાએ ભારતને ધમકાવવા તાબડતોબ દલીપસિંહને મોકલી આપ્યા, એ પછી એપ્રિલફૂલ બનાવતા હોય તેમ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ ભારતની મુલાકાતે આવ્યા અને યુક્રેન યુદ્ધ સંદર્ભે ભારતનાં તટસ્થ વલણની તેમણે ભૂરી ભૂરી પ્રશંસા કરી. ભારતીય વડા પ્રધાન મોદીને, રશિયન રાષ્ટ્રપતિ પુતિને એ વલણ બદલ ‘થેન્ક યૂ’ પણ કહેવડાવ્યું છે. રશિયાની અને ભારતની નીતિ રાષ્ટ્રીય હિતોની જાળવણીની છે, જેથી રશિયા અને ભારતની મૈત્રી મજબૂત થઈ છે, એ વાતે ખુશ થઈને રશિયા ભારતને ચર્ચા, ખરીદી કે અન્ય કોઈ પણ બાબતે તમામ મદદ કરવા તૈયાર છે, એટલું જ નહીં, યુદ્ધ પહેલાંના ભાવે બેરલ પર 35 ડોલરના ડિસ્કાઉન્ટથી ક્રૂડ આપવાની ઓફર પણ લાવ્યું છે. રશિયા અગાઉ ક્યારે ય આટલું વરસ્યું ન હતું, વરસવાનું કારણ એટલું જ છે કે ભારત શસ્ત્રોની ખરીદી ચાલુ રાખે ને નક્કી કર્યા મુજબ 1.5 કરોડ બેરલ ક્રૂડ ખરીદે. રશિયાએ એટલી ગરજ પણ બતાવી છે કે આ સોદો તે રાષ્ટ્રીય ચલણમાં કરવા પણ તૈયાર છે. આ બધું રશિયા કરે જ, કારણ રશિયાને અમેરિકાએ એકલું પાડવા પ્રતિબંધો મૂક્યાં છે. એ સ્થિતિમાં કોઈ કાકો ય તેનું ક્રૂડ ખરીદે એમ નથી. જો ક્રૂડ ન ખરીદાય તો કરોડો બેરલ ક્રૂડ ફાજલ પડે. હવે એનો નિકાલ જો ભારત ખરીદીને કરી આપતું હોય તો રશિયાને તે વહાલું લાગે ને તે ઓફરો આપીને પુચકારે તેમાં નવાઈ નથી.
રશિયા, ભારતને મદદ કરવાને બહાને ખરેખર તો અમેરિકાને પીળું પાડવા માંગે છે. જો રશિયન ચલણમાં સોદો થાય તો અમેરિકી ડોલર નબળો પડે ને ડોલર તૂટે તો અમેરિકા પણ તૂટે. એટલે ભારતીય મૂળના અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપસિંહને અમેરિકાએ ભારત દોડાવ્યા ને તેમણે મોનિટરની જેમ ભારતીય (હાઇ)ક્લાસને ધમકાવી નાખ્યો કે રશિયન ક્રૂડ ખરીદ્યું છે તો પરિણામ ભોગવવું પડશે. શું ભોગવવું પડશે તે ન કહ્યું, પણ સારું નહીં થાય તે તો ખરું જ. આમ તો રશિયા પર અમેરિકાએ જે પ્રતિબંધો લાદ્યા છે તેમાં દલીપસિંહનું જ ભેજું પડેલું છે, એટલે એ ભારતને ધમકાવે તેમાં નવાઈ નથી. રશિયન ક્રૂડ એકલું ભારત નથી વાપરતું, બીજાં ઘણા યુરોપિયન દેશો તેલ અને ગેસ રશિયા પાસેથી લે છે, એટલે જો પરિણામ ભોગવવાનું હોય તો એ દેશોએ પણ ભોગવવાનું થાય, પણ એને વિષે કૈં નથી કહેવાયું, તો ધમકી ભારતને જ કેમ? ભારતને એટલા માટે કે તટસ્થ રહીને ભારત, રશિયાની વધુ નજીક આવી ગયું છે. અમેરિકાને કબજિયાત એ છે કે ભારત-રશિયાના આર્થિક સંબંધો મજબૂત થવા જઈ રહ્યા છે ને એ અંગે ભારતને તે સીધું દબડાવી શકે એમ નથી ને ચૂપ પણ રહી શકે એમ નથી. ભારતને અમેરિકાની જરૂર હોય કે ન હોય, પણ અમેરિકાને ભારતની જરૂર છે એ ખરું, સાચું તો એ છે કે કોઈ પણ દેશ ભારતને અવગણી શકે એમ નથી. દલીપસિંહે નાક દાબીને મોં ખોલાવવા ચીનની યાદ અપાવીને કહ્યું કે કાલ ઊઠીને ચીન એલ.એ.સી.(લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ)નો ભંગ કરીને ઉપદ્રવ કરશે તો રશિયા બચાવવા નહીં આવે, ત્યારે અમેરિકા જ પડખે ઊભું રહેશે. ખરેખર તો ચીન ને ભારત વચ્ચે કૈં થાય તો તે બે દેશો વચ્ચેનો મામલો હશે, એટલે ભારતે ચોખ્ખું સંભળાવી દીધું છે કે ચીન સાથે જે થશે તે ભારત જોઈ લેશે. એની ચિંતા અમેરિકાએ કરવાની જરૂર નથી.
એક સમયે આ જ અમેરિકાએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે તેનો વાંધો નથી, કારણ આ વાત રશિયા પર મુકાયેલા પ્રતિબંધોના દાયરામાં આવતી નથી, પણ પછી જાણ્યું કે ભારતે રશિયન ક્રૂડની પોતાની માંગ અસાધારણ રીતે વધારી દીધી છે ને હવે તો 35 ડોલરનું બેરલ દીઠ ડિસ્કાઉન્ટ આપતું ક્રૂડ ખરીદે એમ છે તો અમેરિકાનું માથું ચડે એમ બનવાનું. આમ તો ગયા આખા વર્ષમાં 1.6 કરોડ બેરલ ક્રૂડ ભારતે ખરીદ્યું હતું ને તે અત્યાર સુધીમાં તો 1.3 કરોડ બેરલ જેટલું તો ખરીદી ચૂક્યું છે. આ અમર્યાદ ખરીદી અમેરિકાને કઠે એમાં નવાઈ નથી. કઠે એટલે કારણ, એમ થાય તો રશિયાને પ્રતિબંધોથી ઘેરવાની અમેરિકાની જે ચાલ હતી તે નબળી પડે. અમેરિકાની ગણતરી એવી છે કે પ્રતિબંધોથી રશિયા પર આર્થિક સંકટ ઊભું થાય ને તો જ તે યુદ્ધમાં ઢીલું પડે. તેને બદલે ભારત જેવું મોટું માથું ક્રૂડ ખરીદનારું મળે ને તે પણ રૂબલ-રૂપીમાં, તો રશિયાનું ચલણ તો મજબૂત થાય જ ને અમેરિકી ડોલર નબળો પડે, એ સ્થિતિમાં રશિયા નબળું પડવાની વાત તો દૂર રહી, અમેરિકાને જ હાથના કર્યા હૈયે વાગે એવું થાય. એવું કશું ન થાય એટલે ભારતને ધમકાવવા ભારતીય મૂળના જ દલીપસિંહનો ઉપયોગ થયો. એમણે ચીનને આગળ કરીને અમેરિકા જ ભારતને મદદ કરશે એવી વાત કરી, એ વાત વાહિયાત છે. એ ખરું કે રશિયા પણ, ચીન આક્રમણ કરે તો ભારતની પડખે નહીં જ રહે, કારણ ભારત મિત્ર હોય તો ભલે, પણ ચીન તેનો મોટો ભાઈ છે. ‘62ના ચીન સાથેના યુદ્ધનો ભારતનો એ અનુભવ છે કે રશિયા ભારતને મદદ કરવાથી દૂર રહ્યું હતું. હા, 1971ના યુદ્ધ વખતે અમેરિકાએ ભારતને ડરાવવા નૌકા કાફલો મોકલેલો ત્યારે રશિયા ભારતની પડખે ઊભું રહ્યું હતું તે સાચું, પણ ચીનને મામલે રશિયા, ભારતને મદદ ન જ કરે તે ભારતે પણ સમજી લેવાનું રહે.
રહી વાત અમેરિકાની, તો એ ભારતને પડખે તો ઠીક, કોઇની પણ પડખે ઊભું ન રહે એટલું બહાદુર છે. અમેરિકા અને નાટોએ યુક્રેનને હોલસેલમાં ઉલ્લુ બનાવ્યું છે તે દુનિયા જાણે છે. આજ અમેરિકા અને બ્રિટને, યુક્રેનને અણુશસ્ત્રો વગરનું કર્યું ને હવે યુક્રેને પોતાનાં જીવ પર લડવું પડે એ સ્થિતિ છે. અમેરિકા અને નાટો લોક લાજે મદદ કરવા મોડે મોડે તૈયાર થયા છે, પણ લડવાનું ને લોકો કે સૈનિકોને ગુમાવવાનું તો માત્ર ને માત્ર યુક્રેનને ભાગે જ આવ્યું છે. એ ખરું કે અમેરિકા, યુરોપીય યુનિયન અને નાટો ખુલ્લેઆમ રશિયાની વિરુદ્ધ પડ્યા છે, ત્યારે ભારત, રશિયા વિરુદ્ધ મત આપવાથી દૂર રહ્યું છે. એનો અર્થ એવો પણ ખરો કે તે છૂપી રીતે રશિયાની તરફેણમાં છે. વિરુદ્ધ હોત તો તે અમેરિકા ને અન્ય રાષ્ટ્રો સાથે જ ઊભું રહ્યું હોત, પણ એવું નથી. એમાં જો ભારત તેની ક્રૂડની ખરીદીનો મોટો ઓર્ડર આપે ને રશિયન વિદેશ મંત્રી ડિસ્કાઉન્ટેડ રેટથી રૂબલમાં ખરીદીની ઓફર સામેથી આપે ને ભારત તેની જરૂર કરતાં વધુ ક્રૂડ ખરીદવા તૈયાર થાય તો અમેરિકા એટલું નાદાન નથી કે ભારતનો અમેરિકા તરફી ઝુકાવ ઘટી રહ્યો છે તે ન સમજે. એ સંજોગોમાં અમેરિકા ભારત સાથેનો છેડો ફાડે તો ચીનની સામે ભારતની ઢાલ ધરવાનું જ બંધ થાય. એ અમેરિકા ન થવા દે ને ભારત સાથે અમેરિકા સારાસારી તો રાખે જ ! એ જ કારણે શરૂઆતમાં રશિયન ક્રૂડની ખરીદી અંગે અમેરિકાને ભારત સામે વાંધો ન હતો, પણ રશિયા પાસેથી રાષ્ટ્રીય ચલણમાં ક્રૂડની ખરીદીની છૂટ મળે તો અમેરિકાનો ડોલર તૂટે ને તે તો અમેરિકાને જ તોડે. ભારત જો રૂબલ-રૂપીમાં ખરીદી ન કરે તો કદાચ અમેરિકાને એટલો વાંધો ન પડે એમ બને, પણ આ તો રૂબલની ઓફર સામેથી આવી છે એટલે જ કદાચ અમેરિકાએ ભારતને ધમકાવ્યું છે, એ પણ છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની જેમ ક્વાડનું ભારત પણ સભ્ય છે. બીજાં ત્રણ રાષ્ટ્રો રશિયાનો વિરોધ કરતાં હોય ને ભારત તેનો વિરોધ કરવાનું ટાળે તો તે પણ અમેરિકાને ન ગમે, પણ અમેરિકાએ એ સમજી લેવું જોઈએ કે ભારત ખંડિયું રાષ્ટ્ર નથી. તેની પોતાની અલગ ને આગવી ઓળખ છે. તે વગર તેનાં વડા પ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર ન થાય.
અમેરિકા ભારતને નાદાન ન સમજે. ભારત તેની ધમકીને ઘોળીને પી જાય એટલું મેચ્યોર્ડ તો છે જ. અત્યારે ભારત સંદર્ભે અમેરિકાની સ્થિતિ સાપે છછુંદર ગળ્યાં જેવી છે. અમેરિકાની ધમકીની અસર થાય ન થાય ત્યાં તો બીજે જ દિવસે રશિયન વિદેશ મંત્રી ઘણી બધી ઓફરો સાથે ભારત આવ્યા. આમ જોઈએ તો આ બધા શિખાઉ દાવપેચ છે. લાગે છે તો એવું કે રશિયા ભારતને પટાવે છે ને અમેરિકા ભારતને ધમકાવે છે, પણ બંને નાદાન એ વાતે છે કે જે દેશ બધે સસ્તું વેચાતું હતું ત્યારે પણ પેટ્રોલ મોંઘું વેચતું હોય તે, રશિયા ડિસ્કાઉન્ટ આપે તો ફુલાઈ જાય એટલો ભોળો નથી. રશિયા ડિસ્કાઉન્ટ આપે એટલે ભારત તેનાં લોકોને ડિસ્કાઉન્ટ આપે એવું તો હવે સપનું પણ પડે એમ નથી. ભારત એટલું મેચ્યોર્ડ છે જ કે તે શ્રીલંકાને 40,000 મેટ્રિક ટન ડીઝલની સહાય કરે ને ઘર આંગણે ઓઇલ મોંઘું વેચે. ભારત કોઈ પટાવે કે પતાવે એટલાથી પટી કે પતી જાય એટલું મૂરખ રાષ્ટ્ર નથી તેની દુનિયાએ ગંભીરતાથી નોંધ લેવા જેવી છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઍપ્રિલ 2022