
મનુબહેન ગાંધી
આગાખાન મહેલ, 10-4-1943
આજથી બાપુજીએ સહુથી પહેલાં કરાંચીમાં હું ભણતી તે શાળામાં પાઠ્યપુસ્તક તરીકે ચાલતી ચોપડીઓ પોતાના અભ્યાસાર્થે વાંચી જવાની શરૂઆત કરી. અને એ રીતે ભૂમિતિ અને ઇતિહાસ-ભૂગોળ તથા ગુજરાતી વ્યાકરણની ચોપડીઓ, વાંચવી શરૂ કરી. પોતાનું વાંચવાનું છોડીને મારાં પાઠયપુસ્તક ઉપરથી મને કઈ રીતે ભણાવવી એ વિચારથી બહુ જ ધ્યાન રાખીને, જ્યાં જ્યાં નોંધ કરવી ઘટે ત્યાં ત્યાં પેન્સિલ વડે નોંધ ટપકાવી લીધી અને બપોરના મને ભૂમિતિના અને ત્રિરાશિના બે-ત્રણ દાખલા લખાવ્યા. તે દાખલા બીજે દહાડે કરી લાવવાના હતા. મારી પાસે ભૂમિતિની નોટબુક ન હતી, તેથી મેં અમારા સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ પાસે મંગાવી; તે દોઢ રૂપિયાની આવી. એ નોટબુક લઈને હું સીધી બાપુજી પાસે ગઈ અને એમને બતાવી. તેમણે મને પહેલો જ સવાલ પૂછયો : ‘કેટલાની આવી?’
બાપુ કહે, ‘જા, પૂછીને મને ખબર આપ કે કેમ મળી.’
કટેલીસાહેબ તો બાપુના સ્વભાવને જાણતા હતા, તેથી મને કહે, ‘બાપુજીને કાંઈ કહેવાની જરૂર નથી.’
મેં કહ્યું. ‘એક તો મેં એમને પૂછ્યા વગર મંગાવી, ને હવે જો બતાવું નહીં અને તેમાં લેસન કરી જાઉં તો મારી ધૂળ જ કાઢી નાખે ને?’ એટલે એમણે બિલ મારા હાથમાં મૂક્યું.
દોઢ રૂપિયાનું બિલ જોઈને બાપુજી મને કહે : ‘તું એમ માનતી હશે કે ક્યાં આપણા પૈસા ખરચાય છે ? અંગ્રેજ સરકારના ખરચાય છે. અને વળી આપણને આટલી બધી સગવડ મળી છે, માટે ગમે તે ચીજો મંગાવવામાં વાંધો નથી. પણ એ તારી મોટી ભૂલ છે. એ પૈસા અંગ્રેજ સરકાર ક્યાંથી લાવી ? આપણા જ પૈસા ખરચાય છે. એ તો આપણે જ આપણને બેવકૂફ બનાવીએ છીએ. અને તે ઉપરાંત મોટી કુટેવ તો એ પડે છે, કે અમુક સગવડ મળી માટે તેને ઉડાવવી કે દુરુપયોગ કરવો. સારું થયું કે તેં નોટબુક મને બતાવ્યા વગર ન વાપરી. એટલો મારો ડર લાગ્યો ખરો. તારે અત્યારે શાળાના નિયમો કયાં પાળવા પડે છે કે આવી પાકા પૂંઠાની ભૂમિતિની નોટબુક જોઈએ ? આપણી પાસે કોરાં તારીખિયાંઓ ઘણાં પડયાં છે. તેની પાછળનાં પાનાં સાવ કોરાં છે. તેની અંદર તારે દાખલા કરવાના. આ નોટબુક પાછી આપી દેવી.’
એ નોટબુક પાછી આપવા કટેલીસાહેબને મેં આપી. એ કહે, ‘બાપુજી પણ જુલમ કરે છે. હું મારી પાસે રાખી મૂકીશ. તારે જોઈએ ત્યારે લઈ જજે.’
પણ બે વાગ્યા એટલે કટેલીસાહેબ ટપાલ તથા છાપાં આપવા બાપુજી પાસે આવ્યા, ત્યારે બાપુજીએ એમને પૂછયું, ‘કેમ, મનુ નોટબુક આપી ગઈ ? ‘
એમણે કહ્યું, ‘હા આપી ગઈ, પણ બિચારીને વાપરવા દોને ? એને પછી સાચવવી હોય તો કામ લાગે ને ?’
બાપુજી કહે, ‘તમે એને બગાડવા માગતા લાગો છો. જો એને સાચવવા જેટલી દરકાર હશે તો આ તારીખિયાં નહીં સચવાય એમ તમે માનો છો ? એ તો પાછી જ જવી જોઈએ. અને રોકડો દોઢ રૂપિયો લાવ્યા કે નહીં તેની મને ખબર આપજો, જો કે સાંજે હું જમાદારને પૂછીશ.’
સાંજ પડી. બાપુ અને અમે બધાં બહાર ફરવા નીકળ્યાં. ફરી નોટબુક પ્રકરણ ઊપડ્યું. ‘તું સમજી ને, એમાંથી તને કેટલો મોટો પાઠ મળ્યો ? (1) એ દોઢ રૂપિયો કોણ આપે છે ? કોને ચૂસીને આ બધું ખર્ચ પૂરું પડાય છે ? એ બધા ખર્ચનો પૈસો કંઈ વિલાયતથી નથી આવતો. એટલે એમાં મેં તને ઇતિહાસ શીખવ્યો. (2) અને જોઈએ તે કરતાં વધુ કોઈ ૫ણ જાતની સગવડ મળતી હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો જોઇએ, એટલે માનવતાનાં ઘણાં લક્ષણોમાંનો એક ગુણ શીખવ્યો (3) અને પડેલી ચીજનો સુંદર ઉપયોગ થશે. એ તારીખિયાં અમસ્તાં ફેંકાઈ જાત તે હવે જો તારા ઉપયોગનાં હશે તો સંઘરાશે. અને નહીંતર ફેંકાય તો ય એને ઉપયોગ થયા પછી ફેંકાય, તેમાં કશી હરકત નથી. (4) વળી કદાચ તારે બહાર જવાનું થાય તો પાકા પૂંઠાની આટલી સુંદર નોટબુક અને તેમાં દાખલા ગણ્યા હોય અને તું શાળામાં ભણવા જાય તો કદાચ ચોરાઈ પણ જાય, (અમારા વખતમાં ઘણી વખત એમ બનતું ) એટલે આવાં તારીખિયાં કોઇને ય ચોરવાનું મન ન થાય. બોલ આ સહુથી મોટો ફાયદો થયો ને ?’
આ વાત ચાલતી હતી ત્યાં જમાદાર સાહેબ આવ્યા અને રોકડો દોઢ રૂપિયો પાછો લાવ્યાની ખુશ ખબર આપી ગયા.
[‘બા-બાપુની શીળી છાયામાં’]
28 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 347