હાલમાં ભારત સરકારે સુભાષચંદ્ર બોઝને લગતા સરકારી કાગળો અને દસ્તાવેજો પ્રજા સમક્ષ પ્રકાશિત કર્યા અને એ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં મન ડૂબી ગયું. આઝાદી પછી લગભગ ખોવાઈ ગયેલા, વિસરાઈ ગયેલા કે વિસરાવી દીધેલા એ નેતાજી બોઝ ફરીથી જનમાનસ પર છવાતા લાગ્યા અને સાથે સાથે અનેક પ્રશ્નો પણ ઉભરાવા લાગ્યા.
એ વાત તો સુવિદિત છે કે આઝાદીની લડત માટે ગાંધીજીની અહિંસક સત્યાગ્રહની વિચારધારા તે કાળના કૉંગ્રેસ પક્ષના બધા જ નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ અપનાવી લીધી હતી. આ પ્રકારની લડત એક નવીન તરેહની હતી, તેથી પરિણામ અસ્પષ્ટ અને ધીમું હોય એવું ઘણા દેશવાસીઓને લાગતું હતું. નેતાજી બોઝને આ પ્રકારની લડતમાંથી ધીરેધીરે વિશ્વાસ ઉઠતો ગયો અને તેથી કૉંગ્રસમાંથી રાજીનામું આપી છૂટા થઈ ગયા હતા. સશસ્ત્ર જંગથી જ ભારતને આઝાદી મળી શકે એવી પોતાની વિચારધારાને દેશની પ્રજા સમક્ષ રજૂ કરવા લાગ્યા. ચોક્કસ પરિણામ અને સમયબંધ પરિણામ આ સશસ્ત્ર જંગથી જ આવી શકે એ વાત પોતાની વાણીના પ્રભુત્વથી દેશના મોટા ભાગના જન સમુદાયને સમજાવવામાં સફળ થતા ગયા. એમના વ્યક્તિત્વથી અને જુસ્સાદાર વક્તવ્યથી આકર્ષાઈને ઘણા બધા એમના પક્ષમાં સામેલ થવા લાગ્યા અને એમ કરતા કરતા થોડા જ સમયમાં એક ફોજ − ચાળીસ હજારની સશક્ત અને સશસ્ત્ર સૈનિકોની ફોજ − તૈયાર થઈ ગઈ. પણ કાળની ગતિ કંઈક વિપરીત હોય છે અને એક વિમાન દુર્ઘટનામાં નેતાજી મૃત્યુ પામ્યા. એમના જેવું વ્યક્તિત્વ ધરાવતી બીજી કોઈ વ્યક્તિ તે સમયે એમના પક્ષમાં નહીં હોવાથી ધીરે ધીરે ફોજ વિખરાવા લાગી અને એમનો પક્ષ પડી ભાંગ્યો. બીજી બાજુ ગાંધીજીની અહિંસક લડત ચાલુ રહી અને ભારતને આઝાદી પ્રાપ્ત થઈ. એ હવે ઇતિહાસ થઈ ગયો.
હવે આ પ્રકાશિત દસ્તાવેજોમાંથી નેતાજી બોઝ ફરીથી જન માનસ પર પ્રગટ થવા લાગ્યા. આઝાદી સંગ્રામના એ સમયના બે ઘડવૈયા – લડવૈયા પણ બન્નેની વિચારધારા એકબીજાથી વિપરીત હોય ત્યારે એ બેમાંથી કોણ સાચા અને કોણ ખોટા એ પ્રશ્નને બાજુએ મૂકીને બન્નેની અલગ અલગ વિચારધારાની સમીક્ષા કરવાનું સૌ કોઈને મન થાય. અને એ સમીક્ષા કરવામાં પણ સાચાખોટાનો મુદ્દો તો કેન્દ્રવર્તી રહેવાનો જ.
તો પછી, ‘જો’ અને ‘તો’ના મનોલોકમાં જઈને જોઇએ તો ? જો સુભાષચંદ્ર બોઝ જ્યારે કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા હતા અને એક સમયે પક્ષ પ્રમુખ પણ હતા ત્યારે કૉંગ્રેસે સશસ્ત્ર જંગની એમની વિચારધારાને અપનાવી લીધી હોત − ગાંધીજીને એકલા છોડી દઈને − અને એ પ્રમાણે કાર્યરત થઈ હોત તો ?
ગાંધીજી એ અહિંસક સત્યાગ્રહની લડતની વાત પ્રજા સમક્ષ રજૂ કરી તે પહેલાં, રાજ્યસત્તાના પરિવર્તન માટે સશસ્ત્ર જંગ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. એનો બીજો કોઈ પર્યાય હોઈ ન શકે એવી વિચારસરણી સમગ્ર દેશમાં અને જગતમાં પણ પ્રચલિત હતી. તેથી કરીને સશસ્ત્ર જંગના નેતાજી બોઝના વિચારોને પ્રજાએ સ્વીકારી લીધા હોત.
પણ એ વિચારધારાને કાર્યરત કરવા માટેની કિંમત ! પ્રથમ તો શસ્ત્ર-સરંજામ એકત્રિત કરવાની મુશ્કેલી. એ ખરીદવા માટે નાણાંની મુશ્કેલી. કદાચિત પ્રજાના સહકારથી સારું એવું નાણાંભંડોળ ઊભું થઈ શક્યું હોત અને આઝાદી જંગમાં જોડાવા વિશાળ સંખ્યામાં પ્રજા તૈયાર થઈ હોત. પણ ત્યાર બાદ અનેકાનેક યુદ્ધમાં થતી આવી છે એવી ભારે હાલાકી, સમગ્ર દેશમાં જાનમાલનો, માલમિલકતનો વિનાશ થયો હોત. કેટલી બધી જાનહાનિ થઈ હોત. કેટલું બધું યુવાધન નાશ પામ્યું હોત. અને ત્યાર બાદ મેળવેલાં પરિણામ પછી દેશને ઊભા થવામાં કેટકેટલી હાડમારી ભોગવવાની થાત. જો કે આવી ભારે કિંમતની કલ્પના એ સમયની પ્રજામાં હતી તો ખરી. કારણ કે કોઈ પણ વસ્તુને હાંસલ કરવા માટે બલિદાનની જરૂર છે અને જ્યારે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય તો … … ‘યુદ્ધસ્વ’ એ જ અંતિમ − આવું ખમીર ધરાવતી પ્રજાના નેતા હતા સુભાષચંદ્ર બોઝ.
હવે મનોલોકમાંથી નીકળી ભૌતિક જગતમાં આવીએ. અહિંસક સત્યાગ્રહથી ભારતને આઝાદી મળી. ત્યાર બાદ વિશ્વના અનેક રાષ્ટૃો પરદેશી શાસનમાંથી મુક્ત થયા, પણ ક્યાં ય સશસ્ત્ર જંગ થકી આઝાદી મેળવી હોય એવું બન્યું નથી. એવું પણ નથી કે ત્યાર બાદ વિશ્વભરમાં ક્યાં ય સશસ્ત્ર જંગ ન થયા હોય. વિશ્વયુદ્ધોની ભયંકર વિનાશકતા ભોગવી હોવા છતાં પણ ‘યુદ્ધનો મોહ’ મહાસત્તાઓમાંથી છૂટ્યો નથી. વિશ્વયુદ્ધ પછી ય જેટલા સશસ્ત્ર જંગ ખેલાયા ત્યાં ક્યાં ય પણ અંત પરિણામ ઉદ્દેશપૂર્ણ પ્રાપ્ત થયું ખરું ? છતાં ય એ ગતિવિધિ આજે પણ ચાલુ જ રહી છે.
ગાંધીજીના અહિંસક લડતના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરાયાના સો વરસ થવા આવશે. એમની રાહે ચાલીને ભારતે કેટલી બધી ખુવારી થતી નિવારી. આખાયે જગતને શસ્ત્ર સિવાય પણ પ્રશ્નો સુલજાવી શકાય, ઉદ્દેશ પ્રાપ્ત થઈ શકે એવી નવીન વિચારધારા મળી અને અનેક યુદ્ધો થતાં નિવારી શકાયાં … એ ગાંધીજીની દૂરદર્શિતા.
કોઈ વ્યક્તિ ઇતિહાસમાં છવાઈ જાય તો કોઈ વિભૂતિ વિશ્વભરમાં ફેલાઈ જાય.
લંડન, 19 ફેબ્રુઆરી 2016
e.mail : mndesai.personal@googlemail.com