જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અલગાવવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદ થઈ અને દસ લાખનો દંડ થયો તો પાકિસ્તાનના હાલના પ્રધાન મંત્રી શાહબાઝ શરીફ અને પૂર્વ પ્રધાન મંત્રી ઇમરાન ખાનને તેલ રેડાયું ને તેમણે વિશ્વને, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવાની અપીલ કરી છે. એમાં ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ સૂર પુરાવ્યો છે. યાસીન મલિક કોઈ મહાન દેશભક્ત હોય તેમ પાકિસ્તાને બૂમરાણ મચાવી છે ને ત્યારે ઈમરાન ખાને જ ઇસ્લામાબાદ ભડકા પર મૂક્યું છે તે દેખાતું નથી. ઈમરાન ખાનને પાકિસ્તાનમાં નવી ચૂંટણી જોઈએ છે ને હાલની સરકારને તે પાડવાની પેરવીમાં છે. નવી ચૂંટણીની તારીખો જાહેર ન થાય ત્યાં સુધી ઇમરાન ખાન અડિંગો જમાવીને ઇસ્લામાબાદમાં જ રહેવાના છે. તેમણે તો શાહબાઝ સરકારને અઠવાડિયાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે કે સરકાર નહીં પડે તો ઇસ્લામાબાદમાં ઈમરાનખાનનો ને તેમના સમર્થકોનો પથારો પડશે જ ! એક વખત સત્તા પરથી ફેંકાઇ જવાની ઘટના પછી પણ ઇમરાન ખાનની લાલસા ઘટતી નથી ને એને માટે જ તેમણે સમર્થકોની રેલી યોજી. એ હિંસક પુરવાર થઈ ને એટલી હિંસક પુરવાર થઈ કે સુરક્ષા દળોએ તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. એક કાળે ભારતની ભૂમિ પર ક્રિકેટ રમીને વડા પ્રધાન થનાર ઇમરાનખાનમાં ખેલદિલી ભારત માટે ન હોય તે તો સમજાય એવું છે, પણ એ પાકિસ્તાન માટે પણ નથી તે દુ:ખદ છે. હાલત ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે એવી છે. પોતાનાં ઠેકાણાં નથી ને દુનિયા સુધારવા નીકળ્યા હોય એવો ઘાટ છે. જો કે, નવા પાક. વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ ભારત માટે તો ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ – જેવા જ સાબિત થયા છે. એમણે પણ કાશ્મીર રાગ આલાપીને જાત બતાવી દીધી છે. પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીની દુર્દશા કરનાર ઇમરાન ખાન ભારતીય લઘુમતી મુસ્લિમોની દયા ખાય છે, પણ અહીંના મુસ્લિમો વિશ્વની બીજી કોઈ પણ લઘુમતી કરતાં સારી ને સધ્ધર સ્થિતિમાં છે તે ઇમરાન ખાને જ નહીં, આખી દુનિયાએ સમજી લેવાની જરૂર છે.
રહી વાત કાશ્મીરની તો ત્યાંના નેતાઓએ કાશ્મીરને મળેલા અલગ રાજ્યના દરજ્જાનો ભરપૂર લાભ ઉઠાવીને, ભારતનું ખાઈને ભારતનું જ ખોદ્યું છે. 370મી કલમનો આ કાશ્મીરી નેતાઓએ દુરુપયોગ કર્યો છે. એ કલમ નીકળી પછી પણ જોઈએ એવો સુધારો નથી. એ કલમને લીધે પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓને ઉત્તેજન જ મળ્યું છે ને આજે પણ કાશ્મીરમાં આતંકી હુમલાઓ થાય છે તે જે તે કાશ્મીરી નેતાઓને આભારી છે. ભારતમાં કાઁગ્રેસી શાસન દરમિયાન લઘુમતીને વિશેષ પ્રાધાન્ય મળ્યું અને એનો લાભ કાશ્મીરને પણ મળ્યો ને ત્યાંની પ્રજા ને ત્યાંના શાસકોએ અલગ કાશ્મીરની નીતિમાં નડતરરૂપ હિન્દુઓને ત્યાંથી ખસેડીને નોખું કાશ્મીર કરવાની મેલી મથરાવટી રાખી. એ જ કારણે 1990માં કાશ્મીરી પંડિતોની નિર્મમ હત્યાઓ થઈ ને તેમને કાશ્મીર છોડીને જીવ બચાવવો પડે એવી સ્થિતિ આવી. આ સ્થિતિ ઊભી કરવામાં યાસીન મલિકની મોખરાની ભૂમિકા છે. તેણે પોતે કોર્ટમાં કાશ્મીરી પંડિતોની હત્યામાં હાથ હોવાનું કબૂલ્યું છે, તો ઇમરાન ખાન એને માટે મોદીને જવાબદાર કઇ રીતે ઠેરવી શકે? એ પણ સંયોગ છે કે આ આરોપોની વચ્ચે જ મોદી સરકારે કેંદ્રમાં આઠ વર્ષ 26મે એ પૂરાં કર્યાં છે. ઈમરાન ખાન, યાસીન મલિકને ભલે પાકિસ્તાની યાર માનતા હોય ને તેથી થયેલી સજાને મોદીની ફાસીવાદી રણનીતિ સાથે જોડતાં હોય તો ભલે, પણ સવાલ તો થાય જ છે કે પાકિસ્તાને જે.કે.એલ.એફ.ને બદલે હિજબુલને મહત્ત્વ આપવાનું કેમ શરૂ કર્યું? જે.કે.એલ.એફ.ને ગૌણ ગણવાનું સાચું કારણ એ હતું કે એ સંગઠન કાશ્મીરની આઝાદીના નારા લગાવતું હતું અને પાકિસ્તાન કાશ્મીરને પોતાનામાં ભેળવવા માંગતુ હતું. આ ભેળવવાની વાત જ સૂચવે છે કે કાશ્મીર કદી પણ પાકિસ્તાનનો ભાગ હતું જ નહીં. જે પોતાનું છે જ નહીં, તેને ઈમરાન ખાન કે શાહબાઝ શરીફ બાપીકી મિલકત હોય તેમ, ઉઘરાણી કાઢી જ કઇ રીતે શકે? ખરેખર તો પાકિસ્તાન રહે જ નહીં એ દિશામાં ભારતે આક્રમક થવાની જરૂર છે. એ હશે ત્યાં સુધી આતંકી પ્રવૃત્તિ ભારતમાં કે વિશ્વમાંથી જવાની નથી તેની નોંધ દુનિયાએ વહેલી તકે લેવા જેવી છે.
પાકિસ્તાન કઇ રીતે માને છે કે મલિકને સજા ન થવી જોઈએ તે એ જાણે, પણ એણે તો દેશભક્ત મુસ્લિમોની હત્યા કરવામાં પણ નાનમ નથી અનુભવી. આવું મલિકે પાકિસ્તાનમાં કર્યું હોત તો ઇમરાન ખાને એનો બચાવ કર્યો હોત કે એને સળિયા પાછળ ધકેલ્યો હોત? મલિકને ગેરકાયદે જેલવાસ થયાનું અને તેના પર નકલી આરોપો મુકાયાનું પાકિસ્તાનને લાગે છે, પણ તેણે જાણવું જોઈએ કે યાસીન મલિકે બધા ગુનાઓ કોર્ટમાં કબૂલ કર્યા છે ને સજાનો કોઈ વિરોધ કર્યો નથી. હા, સજાને પગલે કાશ્મીરમાં અને દિલ્હીમાં તંગદિલી વધી છે ને આતંકી હુમલાઓ થવાની ચેતવણીઓ પણ અપાઈ છે, પણ તેથી મલિકની કબૂલાતમાં કે સજામાં કોઈ ફરક પડતો નથી. એટલું છે કે ભારતે કાશ્મીર અને અન્યત્ર વિશેષ સાવધાની અને સતર્કતા રાખવાની રહે. એ સકારણ હોય કે અકારણ, પણ યાસીન મલિકની સજાની સમાંતરે જ, જમ્મુ કાશ્મીરના ચાદુરામાં બુધવારે જ આતંકવાદીઓએ એક ટી.વી. એક્ટ્રેસ અમરીન ભટની ગોળી મારીને હત્યા કરી છે ને તેનાં 10 વર્ષનાં ભત્રીજાને પણ ઘાયલ કર્યો છે. એના એક દિવસ પહેલાં જ શ્રીનગરના અનચાર સૌરા વિસ્તારમાં આતંકીઓએ એક પોલીસકર્મી સૈફુલ્લા કાદરીની ગોળી મારીને હત્યા કરી છે. આ ઉપરાંત પણ વેલીમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ એપ્રિલ-મેમાં બની જ છે. આ બધું બન્યું જ નથી એવું પાકિસ્તાન ભલે માને, પણ ભારત એવું માની શકે એમ નથી. તેને જવાનોની લાશો દેખાય છે, તેને નિર્દોષ નાગરિકોનું લોહી વહેતું અનુભવાય છે. તે કેવી રીતે જાડી ચામડીનું બની રહે?
યાસીન મલિકને થયેલી સજા સંદર્ભે તેનાં કાશ્મીરનાં નિવાસ નજીક પણ હિંસાના પ્રયત્નો થયા છે, તો એવું પણ બન્યું છે કે અનેક ભય વચ્ચે કાશ્મીરી પંડિતોએ મલિકની સજાને દિવસે જ બેન્ડ વાજાં સાથે ઉજવણી પણ કરી છે. પંડિતોનું આ સાહસ કાશ્મીર માટે નવું છે. જો કે, સજાને પગલે દિલ્હી ને અન્ય વિસ્તારોને પણ એલર્ટ જાહેર કરાયાં છે. પાકિસ્તાન એમ માને છે કે મલિકે કૈં કર્યું જ નથી ને તેને એમ જ આજીવન કેદ ફટકારાઇ છે? આવું ઈમરાન ખાન માને તેમાં એમનો વાંક નથી, વાંક એ લોકોનો છે જેમણે પાકિસ્તાન થવા દીધું. થોડી ધીરજ રાખી હોત તો અંગ્રેજોએ ભાગલા વગર પણ ભારતને સ્વતંત્ર કર્યું જ હોત, પણ હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો અર્થ નથી. અફસોસ એ જ છે કે પાકિસ્તાન કાયમને માટે આતંકી પ્રવૃત્તિઓ સાથે ભારતને કરમે ચોંટ્યું છે. તે ખતમ થયા વગર ભારતને ઠરવા દે એમ લાગતું નથી. એ ખરું કે ભારત સામેથી આક્રમણ કરતું નથી, પણ પાકિસ્તાન અને ચીન ભારતને જંપવા દે એમ જ ન હોય તો બીજી રીતે પણ વિચારવાનું રહે જ છે. એ અત્યંત દુ:ખદ છે કે પાકિસ્તાનમાં એક પણ એવો નેતા આજ સુધી પાક્યો નથી જે માનવીય અભિગમ રાખીને બીજા સાથે તો ઠીક, પોતાનાં દેશમાં પણ વર્તે.
યાસીન મલિકને તો એન.આઈ.એ.એ ફાંસીની સાંજની ભલામણ કરેલી પણ તેને પટિયાલા હાઉસ કોર્ટે આજીવન કેદમાં ફેરવી છે. યાસીન પર પાકિસ્તાનનું સમર્થન કરી, કાશ્મીર ઘાટીઓમાં આતંકી પ્રવૃત્તિઓને ફંડ પૂરું પાડવાનો અને આતંકીઓને શસ્ત્રો પૂરાં પાડવાનો આરોપ છે. એરફોર્સના ચાર જવાનોની હત્યાનો પણ આરોપ તેના પર છે. આ ઉપરાંત મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રૂબિયાનું અપહરણ કરવાનું પણ તેને માથે જ છે. કાશ્મીરમાં આતંકી તેમ જ ભાગલાવાદી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ પણ તેના પર હતો તથા જે.કે.એલ.એફ. એક માત્ર સંગઠન એ સમયે સક્રિય હતું જે અરસામાં કાશ્મીરી પંડિતોને વિસ્થાપન માટે મજબૂર કરાયા ને તેમની હત્યા ને તોડફોડની ઘટનાઓ સામે આવી. આ બધા આરોપો મલિકે સ્વીકારી લીધા ને તેને આઇ.પી.સી.ની કલમ 120 બી, 121એ હેઠળ અનુક્રમે 10-10 વર્ષની સજા અને 10-10 હજારનો દંડ ફટકારાયો છે તો, 17 યુ.એ.પી.એ હેઠળ આજીવન કેદ અને 10 લાખનો દંડ ચોંટ્યાં છે. યુ.એ.પી.એ.ની કલમ 13. 15. 18, 20, 38, 39 હેઠળ અનુક્રમે 5, 10, 10, 10 અને 5 વર્ષની સજા થઈ છે ને બીજો 25 હજારનો દંડ પણ ઉમેરાયો છે. મલિકે તેનાં પર મુકાયેલા આરોપોને પડકાર્યા નથી તે પણ ગુનામાંની તેની સંડોવણી જ સૂચવે છે. તે 2019થી તિહાર જેલમાં છે ને બાકીની સજા પણ તેણે એ જ જેલમાં કાપવાની છે.
અહીં વિચારવા જેવી વાત એ છે કે જે આતંકી પ્રવૃત્તિઓમાં જોડાય છે ને સજા પામે છે એની જેટલી દયા સાધારણ માણસ ખાય છે કે એને વિષે જે અરેરાટી અનુભવે છે તેટલી દયા માયા આ ગુનેગારોને હોતી નથી. એને એ ખબર હોય છે કે પોતે જે કરી રહ્યા છે તેનો અંત કેવો હશે ને છતાં એ કોઈને પણ મારી નાખતાં અચકાતાં નથી. આમાં ધર્મ કયો ને કેટલો તે એ જાણે, પણ ધર્મ પણ તેમને ધર્મ શીખવી શકતો નથી એ આ સમગ્ર ઘટનાની સૌથી વરવી બાજુ છે ને વક્રતા એ છે કે આ બધું ધર્મને નામે થાય છે. જેલ કે ફાંસી કે અપમૃત્યુ સિવાય કૈં જ હાથમાં આવતું નથી ને છતાં આખેઆખાં આતંકી સંગઠનો સક્રિય છે. મારી નાખવાના તાલીમ કેન્દ્રો ચાલે છે ને જેમણે પોતાનું કૈં જ બગાડયું નથી કે પોતે કદી જોયાં જાણ્યાં નથી, એવાં સાવ નિર્દોષ ને નિ:શસ્ત્ર માણસોને મારી નાખવામાં આવે છે. એમાં કઇ બહાદુરી છે કે ધર્મ છે તે નથી સમજાતું. આ રીતે મારનારને અલ્લા જન્નત બક્ષે છે એવો એક પણ દાખલો સામે નથી, તો જે સામે છે એ ધરતીને રક્ત રંજિત કરવાનું રોકી ન શકાય? પેલી જન્નતની તો કોઈ ખાતરી નથી ને એને માટે, છે તે જન્નતને ખોવામાં કયું ડહાપણ છે તે કોઈ કહેશે?
જેમ જેમ સમય જાય છે ને જેમ જેમ જ્ઞાન-વિજ્ઞાન વિકસતાં આવે છે તેમ તેમ માનવ વધુને વધુ અમાનવીય થઈ રહ્યો છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 મે 2022