કૉલેજોનું પહેલું સત્ર શરૂ થયે દોઢ મહિનો વીતી ગયો છે. ઘણી વિદ્યાશાખાઓના પહેલાં વર્ષ સહિતના બધાં વર્ષોના વર્ગો શરૂ થઈ ચૂક્યા છે. પણ અમદાવાદની ગુજરાત કૉલેજ નજીક આવેલી સરકારી કન્યા છાત્રાલય હજુ સુધી ખૂલી નથી.
ગુજરાત સરકારની આ હૉસ્ટેલ ચાર માળની છ ઇમારતોમાં સાડા ત્રણસો જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસની ક્ષમતા ધરાવે છે. અહીં એક સત્રની ફી એક હજાર રૂપિયા જેટલી છે (અનામત વર્ગ માટે ફી મુક્તિ છે).
ફીની રકમમાં અહીં સાતેય દિવસ બે ટંક ધોરણસરનું જમવાનું પણ આવી જાય છે. મધ્યમ કદના અને હવા-ઉજાસવાળા બે/ત્રણ વિદ્યાર્થિનીઓ માટેના ઓરડા છે. તેમાં દરેક વિદ્યાર્થિનીને એક પલંગ, એક કબાટ અને એક-એક ટેબલ-ખુરશી મળે છે. હૉસ્ટેલની સ્વચ્છતા અને સુરક્ષાવ્યવસ્થા ધોરણસરની છે.
આટલી વ્યવસ્થાવાળી હૉસ્ટેલમાં ગુજરાત સરકારની અકાર્યક્ષમતાને કારણે અત્યારે એક પણ વિદ્યાર્થિની રહી શકતી નથી. ગયા શૈક્ષણિક વર્ષના અંતથી એટલે કે મે મહિનાથી અહીં સમારકામ જ ચાલુ છે !
તો આ છાત્રાલયની વિદ્યાર્થિનીઓ ક્યાં રહે છે ?
કેટલીક વિદ્યાર્થિનીઓ પી.જી. (પેઇન્ગ ગેસ્ટ) નિવાસ વ્યવસ્થામાં, કેટલીક શહેરમાં વસતાં સગાંને ત્યાં રહે છે. કેટલીક છોકરીઓ ઘરે જ રહે છે અને અભ્યાસમાં નુકસાન વેઠે છે.
પી.જી. મોંઘી વ્યવસ્થા છે. તેમાં દર મહિને છથી દસ હજાર રૂપિયા ભાડું હોય છે, એક રૂમમાં ચાર-પાંચ જણ રહે છે. વૉશરૂમ યુનિટ મોટે ભાગે એક કે બે જ હોય છે. રહેનારાંની સંખ્યા જેટલી ઓછી, જેટલી સગવડ, જેવો વિસ્તાર, જેટલું બસ સ્ટૅન્ડ અને જીવનજરૂરિયાતનું બજાર નજીક તેટલું ભાડું વધારે.
યુવતીઓ માટેનાં પી.જી. ઓછાં અને કંઈક વધુ મોંઘાં છે. તેનું પહેલું કારણ આપણા સમાજના મોટા હિસ્સાનો સ્ત્રીઓ તરફ જોવાનો નજરિયો જે સ્ત્રી-વિરોધી, કે સ્ત્રીને સાથ કે ટેકો ન આપનારો અને પુરુષ-પ્રધાન છે.
સમાજના આવા નજરિયાને કારણે સોસાયટી/એપાર્ટમેન્ટ્સમાં યુવતીઓને પી.જી. મળવામાં ઘણી મુશ્કેલી પડે છે. પી.જી.નો વ્યવસાય કરનારા રોકાણકારો મહિલા પી.જી.માં ઓછા પડે છે. એટલે યુવતીઓનાં પી.જી. સરખામણીએ ઓછાં છે. માગ વધુ, પુરવઠો ઓછો, એટલે ભાવ વધુ.
કૉલેજમાં ભણતી યુવાન વ્યક્તિને સગાંને ત્યાં – એમાં ય અમદાવાદ જેવાં શહેરમાં – રહીને ભણવું એ સામાજિક-આર્થિક-વ્યવહારુ રીતે અનુકૂળ વિકલ્પ બંને પક્ષે ભાગ્યે જ બને (સંયુક્ત કુટુંબનો મહિમા આમાં ઓછો કામ કરે છે). એમાં ય આ તો છોકરીને પોતાને ત્યાં રાખવાની વાત (આમ ભલે આપણે ‘દીકરી .. દીકરી’ની દુહાઈ દેતા હોઈએ)!
જે વિદ્યાર્થિનીઓ માટે આ બંને વિકલ્પ બંધ છે તેઓ અભ્યાસમાં નુકસાન વેઠી રહી છે. કૉલેજમાં વર્ગની હાજરીના નિયમને કારણે તેમને મુશ્કેલી પડે તેમ પણ બને.
સમર્પિત સંગઠન ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગેનાઇઝેશન (ડી.એસ.ઓ.) પાસેથી એમ પણ જાણવા મળે છે કે ઉપરોક્ત છાત્રાલયનો એકાદ બ્લૉક તો ઘણાં સમયથી બંધ જ છે, અને હવે ખંડિયેર થતો જાય છે.
અન્ય ત્રણ સરકારી કન્યા છાત્રાલયો (અને કુમાર છાત્રાલયો પણ) સુધ્ધાં વર્ષોથી મોડાં શરૂ થાય છે. આ અંગે સંગઠનની રજૂઆતો પછી તેમાં નજીવો ફેર પડ્યો છે. કાર્યકર્તાઓએ આ હૉસ્ટેલની અનેક પ્રકારની અગવડોને લગતી રજૂઆતો તરફ પણ તંત્રએ ભાગ્યે જ ધ્યાન આપ્યું છે.
ધ્યાનમાં લેવા જેવો મુદ્દો એ પણ છે કે અમદાવાદની સરકારી હૉસ્ટેલોમાં રહેતાં યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના મધ્યમ વર્ગના, ગરીબ કે શ્રમજીવી વર્ગનાં છે.
તેમાંથી ઘણાં એવા અંતરિયાળ ગામોમાં રહે છે કે જ્યાં દિવસમાં એક-બે બસો જ જતી હોય. સરકારી હૉસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે મેરિટ, અનામત અને અનુદાનિત કૉલેજોમાં અભ્યાસ એ પૂર્વશરતો છે.
અમદાવાદ, વડોદરા અને સૂરત જેવા શહેરોમાં કૉલેજ શિક્ષણ માટે ગુજરાતભરમાંથી ધસારો રહે છે. જે યુવાઓને સરકારી, પોતાની કૉલેજની કે જ્ઞાતિની હૉસ્ટેલ્સમાં પ્રવેશ મળતો નથી તેમાંથી થોડાંક રૂમ ભાડે રાખીને રહે છે.
બાકીનાં મોટા ભાગના હવે પી.જી.માં રહે છે, જે બધાં મા-બાપને પોષાતો હોતું નથી.પી.જી. એ શહેરોમાં ધીખતો ધંધો છે.
ગુજરાતમાં શિક્ષણમાં ડ્રૉપ–આઉટ રેટ :
પ્રખર અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ આ અંગે માહિતી આપે છે. સરકારી આંકડા ટાંકીને તેઓ કહે છે કે 2012માં ગુજરાતમાં પહેલાં ધોરણમાં 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા.
તેમાંથી 2024માં બારમાની બોર્ડની પરીક્ષા સુધી માત્ર 4 લાખ 77 હજાર વિદ્યાર્થીઓ પહોંચ્યા. તેમાંથી આખા ગુજરાતમાં બધી શાખાઓમાં થઈને 3 લાખ 10 હજાર વિદ્યાર્થીઓએ કૉલેજોમાં પ્રવેશ લીધો.
તેઓ ઉમેરે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના આંકડા પ્રમાણે કૉલેજમાં અભ્યાસમાં જોડાનારા દેશના વિદ્યાર્થીઓનો આંકડો 100માંથી 26 છે, જ્યારે ગુજરાતમાં તે 100માંથી 22 છે.
ભણતર છોડી દેવાની (કે આપવા ખાતર શિક્ષણ આપવાની) આ પ્રક્રિયામાં કન્યાઓનો પહેલો ભોગ લેવાય છે એ વાત તો જાણીતી છે. ગુજરાતમાં કન્યાશિક્ષણનો તાજેતરનો ડ્રૉપ આઉટ રેટ સેકન્ડરી કક્ષાએ 15.9% છે એવી માહિતી 13 ફેબ્રુઆરી 2023 તારીખે લોક સભામાં શિક્ષણ વિભાગે પૂરી પાડી હતી એ વિગત ડી.એસ.ઓ.એ પૂરી પાડી છે.
સંગઠને એમ પણ માહિતી આપી છે કે રાષ્ટ્રીય કક્ષાએ હાઇસ્કૂલ લેવલે કન્યાશિક્ષણમાં સરેરાશ ડ્રૉપઆઉટ 14.6% છે, જે ગુજરાતમાં 23.3% છે. આ આંકડા Journal for Reattach Therapy and Developmental Diversitiesમાં 2021માં ગૂજરાત વિદ્યાપીઠના ડૉ. હિતેશ જાગાણીએ નોંધી છે.
ગુજરાતમાં ગયાં છવ્વીસ વર્ષથી ભારતીય જનતા પક્ષ સિવાય કોઈ પક્ષની સરકાર નથી. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર એક મહિલા છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ભા.જ.પ. સરકારનું જ સૂત્ર છે. આ બધાં છતાં ય ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણની અવદશાનો ઉપરોક્ત કન્યા છાત્રાલય માત્ર એક દાખલો છે.
નેતા આવવાના હોય ત્યારે ઊભા મોલ વાઢીને પણ હેલિપેડ રાતોરાત બની જાય છે. વાઇબ્રન્ટ સમિટના દેશવિદેશના માલેતુજારો માટે ઝટકામાં ઝાડ કાપીને ચકચકાટ રસ્તા ઝડપભેર બની જાય છે.
પણ આપણા નિંભર શાસક વર્ગને સામાન્ય માણસની કિંમત નથી, તેમાં મહિલાઓની તો ખાસ નહીં.
અન્યથા મુઝફ્ફરનગર, ઉન્નાઓ કે હાથરસની પીડિતાઓ કે બિલ્કીસ બાનુ કે જાતીય સતામણી સામે મોરચો માંડનાર વીનેશ અને તેમનાં સાથીઓ ન્યાય માટે રઝળે ?
આ સરકારી છાત્રાલયની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ-વિહોણી રહે ?
(Picture collage : Prajakta)
14 ઑગસ્ટ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર