દાદાભાઈ નવરોજી
જન્મ : 4-9-1825 — મૃત્યુ : 30-6-1917
આજે ચોથી સપ્ટેમ્બરે હિંદના દાદા તરીકે પંકાયેલા દાદાભાઈ નવરોજી(4-9-1825 : 30-6-1917)નું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે.
1885માં રાષ્ટ્રીય મહાસભા(ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ)ની સ્થાપના થઈ એના બીજે જ વરસે 1986માં એ વ્યોમેશચંદ્ર બેનરજી પછીના બીજા પ્રમુખ તરીકે દેશભરમાં ઊંચકાયા હતા અને લાંબા જાહેર જીવનમાં એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વાર કાઁગ્રેસ પ્રમુખ તરીકે પ્રકાશ્યા હતા.
1906માં કાઁગ્રેસના બાવીસમા પ્રમુખ તરીકેના ભાષણમાં એમણે ‘સ્વરાજ'(સેલ્ફ રુલ)નો પહેલ પ્રથમ ટંકાર કીધો હતો. જે વર્ષોમાં સ્વાભાવિક જ એવી વ્યાપક લાગણી હતી કે અંગ્રેજી રાજે દેશમાં વ્યવસ્થા સ્થાપી આપણને નવી દુનિયા સાથે સંપર્કમાં મૂકી આપ્યા છે ત્યારે ભલે સીમિત અર્થમાં પણ સ્વરાજ ટંકાર અક્ષરશ: એક ઘટના હતી.
આટલે સુધી કેવી રીતે પહોંચ્યા હશે એ? નવસારીનું સંતાન. મુંબઈમાં એલ્ફિન્સ્ટનમાં અધ્યયન-અધ્યાપન. (બાય ધ વે, એમના એક ટૂંકમુદતી છાત્ર નર્મદ પણ ખરા. જો કે, નવેમ્બર 1850માં માતાના અવસાન સાથે એમણે ભણવાનું છોડી દીધું હતું.) થોડીક ધંધાકીય કામગીરી, 1874માં વડોદરાનું ટૂંકજીવી દીવાનપદું, વચગાળામાં ‘રાસ્ત ગોફ્તાર’ એ ગુજરાતી પત્ર મારફતે પારસી સમુદાયને ધર્મ સમજ ઉપરાંત સંસાર સુધારાની કોશિશ.
વળી ધંધાકીય કામગીરી સારુ લંડન પહોંચ્યા તો ત્યાં સાથે સાથે કેટલોક વખત યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે પણ કામગીરી બજાવી. યુ.કે.ની ગુજરાતી લિટરરી એકેડેમી આ ગરવા ગુજરાતીને સબહુમાન સંભારશે ને? દ્વિશતાબ્દીનો અવસર જો કે બ્રિટનની લિબરલ પાર્ટીની (અને એક અર્થમાં બ્રિટિશ પાર્લામેન્ટનીયે) જવાબદારી બને છે, કેમ કે 1892-1895નાં વર્ષોમાં દાદાભાઈ લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે લંડનના સેન્ટ્રલ ફિન્સબરી મતવિસ્તારમાં આમની સભા(હાઉસ ઓફ કોમન્સ)માં ચૂંટાઈ આવ્યા હતા. ફિન્સબરી વિસ્તારમાં બુટસોતા (મનોમન જો કે અડવાણે પાય) ચાલતાં મેં અનુભવેલો રોમાંચ તો ક્યાંથી લખું- કવિ નહીં ને!
ઇતિહાસના છાત્ર તરીકે પાછળ નજર કરું છું તો મને દાદાભાઈનો પાર્લામેન્ટ-કાળ જગતતખતે ભારત છેડેથી અતિ મહત્ત્વનો લાગે છે. 1892નું સ્તો એ વરસ હતું જ્યારે શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં વિવેકાનંદ પ્રકાશ્યા હતા. એ જ વરસો હતાં જ્યારે બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકાના હિંદીજનોના હક્ની લડાઈમાં પરોવાઈ રહ્યા હતા. (હજી લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ના ઉદય આડે દસકો હતો.)
દાદાભાઈનું મોટું પ્રદાન તે હિંદની ગરીબીની એમની નકરી સંવેદનશક્તિ નહીં પણ શત પ્રતિશત સ્વાધ્યાયપુત માંડણી. શરૂમાં એમના લંડનના સહકારીઓમાં મંચેરજી ભાવનગરી પણ હતા. પણ ભાવનગરીને આ લિબરલ ખાસ્સા રેડિકલ વરતાતા એ ખસતા ગયા, અને કોન્ઝર્વેટિવ પક્ષમાં એમણે નિજનું મોચન લહ્યું. આ મંચેરજી પછીનાં વર્ષોમાં કોન્ઝર્વેટિવ પાર્ટી તરીકે હાઉસમાં ચૂંટાઈ પણ આવ્યા હતા.
દાદાભાઈ એમના લંડન કાળ દરમ્યાન સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા. સેકંડ ઈન્ટરનેશનલમાં જોડાયેલાઓમાં રૂસી માર્ક્સવાદના પિતાનું બિરૂદ પામેલા પ્લેખેનોવ અને જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રતિષ્ઠ સિદ્ધાંતકોવિદ કોટ્સ્કી પણ હતા. યાદ રહે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ(મે ડે)નું એલાન આ સેકંડ ઈન્ટરનેશનલને નામે ઇતિહાસદર્જ છે.
1867-68 આપણે ત્યાં આકરા દુકાળનો કાળ હતો. એ સંદર્ભમાં રિલીફ ફંડ સારુ લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશનની સભાને સંબોધતા દાદાભાઈએ કહ્યું હતું કે અંગ્રેજ અમલ હિંદની સઘળી કમાણી ઇંગ્લેન્ડ ભેગી કરે છે. જંગી કર આવકનો મોટો હિસ્સો આમ હિંદ બહાર ચાલ્યો જાય છે. બ્રિટિશ અમલદારો હિંદમાં કમા ય ને હિંદમાં ખર્ચે તો આપણે ત્યાં મૂડીનિર્માણ થાય. આ મૂડીનિર્માણ રોજગારની તકોને બહોળી કરે અને એના પાયાનોયે વિસ્તાર કરે. પણ પાણીમૂલે કાચો માલ ઉશેટી જ્યો અને હિંદને પોતાનું ફરજિયાત બજાર બનાવી સોનામૂલે પાકો મહાલ લાદવો, એ પદ્ધતિ હિંદમાં દુષ્કાળ રાહત જેવાં કામોના સ્રોતને શોષી લે છે અને સ્વદેશી મૂડીનિર્માણ સારુ કોઈ રસકસ બચતા નથી.
1876માં એક સહલેખક સાથે એમણે ‘પોવર્ટી ઓફ ઇન્ડિયા’ એ પુસ્તક બહાર પાડ્યું, તો 1901માં એ ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ લઈને આવ્યા. હિંદની આર્થિક સમૃદ્ધિના શોષણ ને દોહનના આ દસ્તાવેજ સાથે એમનો સિક્કો પડ્યો અને ‘ડ્રેઈન થિયરી’નું વિરૂપ ને અમાનવીય સત્ય સૌની સામે આવ્યું. સંસ્થાનવાદ થકી સધાતું શોષણ જે તે દેશમાં કેવું અનર્થકારણ સર્જે છે એ પ્રત્યક્ષ થયું.
સમાજવાદી વિચારધારાના પંડિત ને સ્વાતંત્ર્યસેનાની અશોક મહેતાએ એ વિગતે કૌતુક કીધું છે કે કાર્લ માર્ક્સએ (1818-1883) લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં બેસી ‘દાસ કેપિટલ’નું શકવર્તી કામ કરી રહ્યા હતા એની જ આસપાસના દસકામાં દાદાભાઈએ સાંસ્થાનિક શોષણથી સર્જાતા મૂડીવાદની અસલિયત પર પાયાનું કામ કર્યું હતું.
અને હા, દાદાભાઈની કીર્તિદા કિતાબમાં ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે? બ્રિટન વતનઆંગણે જે ધોરણસર સોજ્જું રાજવટ ચલાવે છે તે હિંદમાં બિલકુલ અનબ્રિટિશ એવી શોષણ રીતિએ પેશ આવે છે. માટે પોતાનાં આર્થિક ને બીજાં વાનાંમાં હિંદ પાસે મર્યાદિત પણ સ્વશાસનની, સેલ્ફ રુલ કહેતાં ‘સ્વરાજ’ની જરૂર છે, એમ એમનું કહેવું હતું.
હમણાં મેં આ હાડના લિબરલ માર્ક્સવાદી હોઈ શકતી આંતરરાષ્ટ્રીય સંગઠન – સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા એ ઉલ્લેખ કર્યો ત્યારે ધડ ધડ દડી આવેલી સ્મૃતિ –
‘જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ અશક્ત!
ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે …’
એ યાદગાર મેઘાણી પંક્તિઓની હતી જે વાસ્તવમાં સેકંડ ઈન્ટરનેશનલના ગાનનું અનુરણન છે.
સોબતી બલકે સાગરીત મૂડીવાદના આજના દોરમાં દાદાભાઈની દ્વિશતાબ્દી એક નવા જ ડ્રેઈનવાસ્તવ સાથે ઈન્સાફી તખ્ત પર નવજાગરણનો નેજો ફરકાવવા ચહે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 સપ્ટેમ્બર 2024