8 ડિસેમ્બર 2024ના રોજ સુરત ખાતે ‘જ્ઞાનગોષ્ઠી’ દરમિયાન કવિ થોભણ પરમારે તેમનો કાવ્યસંગ્રહ ‘શબ્દ સંક્રાંતિ’ મને આપેલો. આ સંગ્રહની કવિતાઓ વાંચી રહ્યો છું. તેમણે 1999માં, ‘ઝાકળની ખેતી’/ 2008માં, ‘શબ્દના વાવેતર’/ 2024માં, ‘શબ્દ સંક્રાંતિ’ કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘શબ્દ સંક્રાંતિ’ના પ્રથમ પાના પર સંત કબીરને ટાંક્યા છે : “પથ્થર પૂજે હરિ મિલે, તો મૈં પૂજૂં પહાડ; ઘર કી ચક્કી કોઈ ન પૂજે, જા કો પીસ ખાયે સંસાર !” કબીરની આ ભાવના, સંગ્રહની રચનાઓમાં ગૂંજે છે.
તેમના સર્જનમાં કટાક્ષ છે, આક્રોશ છે, નિસ્બત છે, યથાર્થતા છે. વાસ્તવનું જીવનદર્શન છે. લોકજીવનની વિષમતાઓ, ક્ષતિઓ, અધૂરપો, અનિષ્ટતાઓને તેઓ બરાબર ખૂલી પાડે છે. તેઓ સમાજને ટપારે છે, રાહ ચીંધે છે. તેમની કવિતાઓમાં સામાજિક વિષમતા, આર્થિક અસમાનતા પર તીવ્ર પ્રહારો છે, જીવન પ્રત્યેની અભિમુખતા છે. તેમની રચનાઓ દુર્બોધ નથી, સરળ છે. સામાજિક / આર્થિક / સાંસ્કૃતિક દૃષ્ટિએ દબાયેલા-કચડાયેલા જનસમુદાયને વાચા આપતી, તેમના સંઘર્ષોમાં સાથ આપતી અને તેમની અસ્મિતાના સ્થાપન માટે પ્રયત્નશીલ એટલે થોભણ પરમારની કવિતાઓ. ભૂતકાળમાં સંસ્કૃત ભાષા વૈદિક તત્ત્વજ્ઞાન અને વર્ણવ્યવસ્થાના નામે દમનચક્ર ચાલ્યું અને આજે જમીનદારી અને મૂડીવાદી સમાજ વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થાને ટકાવી રાખવાના મરણિયા પ્રયત્નો થઈ રહ્યા છે; આવા માહોલમાં થોભણ પરમારની રચનાઓ ઊંઘ ઉડાડે છે, હ્રદયને હચમચાવે છે. જાતિભેદ / ભેદભાવ / અન્યાય / અત્યાચાર / ધર્માંધતા પર લોખંડી પ્રહાર છે. ચાલો, તેમની રચનાઓ જ માણીએ :
આત્મા નહીં, અસ્પૃશ્યતા
‘શસ્ત્ર છેદી શકતું નથી
અગ્નિ બાળી શકતો નથી
પાણી ડુબાડી શકતો નથી અને
વાયુ તેને સૂકવી શકતો નથી’
પરંતુ હે પ્રભુ ! કરજો માફ !
મારી પીડા વ્યથા જુદી છે !
વાત આપની આત્મા કરતા તો મને
જાતિ ભેદ માટે લાગે છે વધુ સાચી :
નખશિખ આખુંયે શબ્દ
વરાળ થઈને ભળી જાય છે
પંચમહાભૂતમાં,
પણ મૃતદેહ સાથે કદી અહીં
અસ્પૃશ્યતા બળીને રાખ થતી નથી,
એ તો સજીવન થઈને જન્મતી રહે છે
ફરી ફરીને એ જ અતિઘાતક વિરુપે
ભડભડતી ચિત્તામાંથી ય બહાર !
અસ્પૃશ્યતાનું કલંક
ચીરી જોઈએ માણસની ચામડીને તો …
વહેતી નસમાંથી શું નીકળે?
ખરેખર તો લોહી જ નીકળેને?
હાડ માંસની કાયામાંથી બીજું તો શું?
એ જ નીકળે.
બહુબહુ તો હૃદય સાથે ધબકતાં
સંવેદન અનુકંપતાં ચેતાતંત્ર ને
જ્ઞાનતંત્રમાંથી માનવ મિરાત નીકળે.
પણ અરેરે !
મારા રાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં અહીં તો :
ચાતુર્વર્ણીય વારસે ઉતર્યું
યુગો અનંત બીભત્સ બિહામણું
આઝાદી પછી હજી સળગતું
ને માનવતાનું રક્ત વહાવતું
આ તો કેવું જીવલેણ
અસ્પૃશ્યતાનું ઘોર કલંક નીકળ્યું !
સમરસતા
જગ જીત્યા હોય તેમ
મુછે તાવ દેતા
છાતી ફૂલાવતા
પ્રચારો છો સમરસતાની
તમારી દંભીનીતિને;
પણ દંભ-દર્પ ત્યાગીને
જરા જોઈ આવો ત્યાં …
તમારા આદર્શગામની નિશાળમાં :
આઝાદીના અમૃતોત્સવ પછી ય
અહીં દૂર છેટા…છેવાડે બેસાડી
ધુત્કારીને પીરસે છે
મધ્યાહન ભોજન અમને
દેશનાં દલિત-વંચિત બાળકોને !
ખૂંપતાં જઈએ ઊંડા ને ઊંડા
અન્યાય સામે
બહિષ્કૃતો પરના અત્યાચાર સામે
સંઘર્ષ કરીને
સમાન અધિકારના ન્યાયમાં
રચ્યું’તું તમે એ
સંગઠિત સશક્ત અવાજનું
‘શિડ્યૂલ કાસ્ટ ફેડરેશન’
પરંતુ હે, પનોતા પૂર્વજ
પ્રેરણાપુરુષ ડો. ભીમરાવ !
તમારા ગયા પછી
જાતિ-પેટાજ્ઞાતિના નાનાં નાનાં
ભેદી કુંડાળામાંથી
બહાર નીકળવાને બદલે
અમે તો હજુ વધુ ને વધુ
ઊંડા ને ઊંડા ગળાડૂબ
ખૂંપતા જઈએ છીએ !
પક્ષપાત
સૌર મંડળે
આ પૃથ્વી બાગે
અમે પણ તમારી જેમ
માનવ પુષ્પ થઈને જન્મ્યાં,
ખીલ્યાં, મહેક્યાં
દેશહિતે શહીદ થયાં છતાં
પ્રભુ દર્શને
પૂજા સ્થાનકથી ઉપેક્ષાયા
વર્ણધર્મની મેલી મુરાદે
ગામ છેડે ઉકરડે ધકેલાયાં,
કિન્તુ હે, દેવ !
દંભની પછેડી ઓઢનારા
તો અંધ હતા જ
પણ તમે સાવ
મૂક-બધિર થઈને
અપમાનીતો સાથે
કેટલાં નિષ્ઠુર-નિષ્ક્રિય પક્ષપાતી રહ્યા !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર