ગુજરાતમાં શિક્ષણનો સર્વનાશ થયો છે, પણ કુલપતિઓથી માંડીને આચાર્યો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ માણસ તરીકે કશું જ અનુભવતા નહીં હોય તેમ નિર્જીવ છે. શ્વાસ ચાલે છે એટલું જ, બાકી નિશ્વાસ મૂકવા જેટલી સમજ પણ બચી નથી. શિક્ષણની સાર્વત્રિક શોકસભા હોય તેમ સૌ આજીવન મૌન પાળી રહ્યા છે. આ કેળવેલી નિષ્ક્રિયતા મતલબી અને ઘાતક છે. શિક્ષણમાં પણ સૌથી વધુ હાનિ પ્રાથમિક શિક્ષણમાં છે. બધી જ સ્કૂલો ડેટા ભરવામાં ખર્ચાઈ રહી છે. આ ડેટાને દાટા મારવા જેવા છે, કારણ એમાં આંકડા સાચા હોય તો પણ, તે વર્ગશિક્ષણની કશી વાસ્તવિક ખાતરી આપતા નથી. સાહેબો આંકડાઓ જોઈને સંતુષ્ટ રહે છે છે, પણ કોઈ શિક્ષણ વિભાગ સિવાયનો અધિકારી ઓચિંતી કોઈ શાળાની મુલાકાત લે છે તો તેને સંતાપ જ થાય છે.
જૂનાગઢની વંથલી તાલુકાની એક પ્રાથમિક શાળાની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી ને શાળાનાં વાર્ષિક પરીક્ષાનાં પેપર્સ ચેક કર્યાં તો બધાંમાંથી જ એક સરખા જવાબ નીકળ્યા. આ અંગે શિક્ષકને પૂછ્યું તો જવાબ મળ્યો કે એ તો એવું જ હોય. છોકરાઓને બધી જ શાળામાં લખાવતા જ હોય છે. જિલ્લા કલેકટરે શાળા પર પગલાં લઈ પોતાને જાણ કરવા સંબંધિત અધિકારીને તાકીદ કરી. પરિણામે એ શાળાના 6 શિક્ષકોની બદલી આવી. DDOએ તપાસ કરી ને આચાર્યોની ઝાટકણી કાઢતાં કહ્યું કે શાળામાં માવા ખાઈને થૂંકો છો, શરમ નથી આવતી? શિક્ષકો દાઢાં વધારીને આવે છે તે તમે શિક્ષકો છો કે ગુંડા? બાળકો તમારી પાસેથી શું શીખે છે તે તો જુઓ? આ તો મુલાકાત લેવાઈ તો આટલું બહાર આવ્યું. જેની મુલાકાત નથી લેવાઈ એવી શાળાઓની હાલત પણ આનાથી કૈં બહુ સારી નહીં જ હોય. શિક્ષકો કલેકટરને પૂરી બેશરમીથી કહી શકે છે કે બધી જ શાળામાં લખાવતા હોય છે. સારું છે કે એમ ન કહ્યું કે શિક્ષકો જ પેપર લખી આપે છે, કારણ કે એ દિવસો પણ દૂર નથી કે શિક્ષકે પરીક્ષામાં જવાબ લખી આપવા પડે. વિદ્યાર્થીને લખતાં આવડશે તો સાહેબ પરીક્ષામાં લખાવે તે લખશેને ! આવી શાળાના ડેટા પરફેક્ટ હશે, પણ શાળામાં તો લબાચા જ હશે. સાહેબો ડેટા જોઈને રાજી રહેવાનું નહીં છોડે ને પ્રત્યક્ષ અનુભવ નહીં લે ત્યાં સુધી પરિસ્થિતિ નહીં સુધરે. શિક્ષકો વર્ગમાં મોબાઈલ પર પોતાના બીજા ધંધાની વાતો કરતા રહેતા હોય ને વિદ્યાર્થીઓને મોબાઈલ ન વાપરવા કહેતા હોય તો કોના ગળે ઊતરે?
જૂનાગઢમાં તો DDOએ છ શિક્ષકોની બદલીથી સંતોષ માન્યો, પણ ખરેખર તો આખા શિક્ષણ વિભાગની બદલી કરવા જેવી છે, કારણ કે બગાડ સૌથી વધુ તો ત્યાં છે. કાલના જ સમાચાર છે કે શૈક્ષણિક વર્ષ 2025-2026થી હાલનાં પુસ્તકો રદ્દ થશે. ધોરણ 1થી 8માં કોર્સ બદલાશે એટલે 19 પુસ્તકો રદ્દ થશે ને નવાં પુસ્તકો લાગુ થશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં નવું એક પ્રકરણ ઉમેરાતાં આખું પુસ્તક બદલાઈને નવું આવશે. આ તો એક કેરી માટે આંબા ઉગાડવા જેવું છે. એક ચેપ્ટર માટે ફરી ચોપડું વસાવવાનું? આ બરાબર છે? 18 મે, 2024ને રોજ સમાચાર હતા કે જૂનથી 2024-2025 માટે ધોરણ 1થી 12માં 16 નવી ટેક્સ્ટ બુક આવશે, એટલે કે અગાઉની બુક બદલાશે. 18 મેને રોજ 2024-2025 માટે 16 પુસ્તકો બદલવાની વાત અગાઉ આવી જ છે ને 25 સપ્ટેમ્બરે 2025-2026 માટે 19 પાઠ્ય પુસ્તકો 1થી 8માં બદલવાની વાત પણ છે.
આ તબક્કે સવાલ એ છે કે 2025-2026 માટે પાઠ્ય પુસ્તકો બદલાવાનાં હોય તો 2024-2025 માટે જે 16 પુસ્તકો બદલવાની વાત હતી તે પુસ્તકો 2025-2026 માટે કામનાં ખરાં કે એને રદ્દ ગણવાના? પુસ્તક બદલવાની આવી જ જાહેરાતો અગાઉના વર્ષમાં પણ થઈ છે. GCERT(ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)નું તો ગજું નથી, પણ તે NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) પાય એટલું પાણી પીએ છે. એ પુસ્તક બદલે તો ગુજરાતમાં પણ પુસ્તકો બદલાય. સવાલ એ છે કે પાઠ્ય પુસ્તકો હવે એક એક વર્ષની મુદ્દતે જ આવશે? એનું આયુષ્ય એક જ વર્ષનું હશે? એટલે કે એક જ વર્ષમાં લાખો પાઠ્ય પુસ્તકો પસ્તી થઈ શકે ને તે પણ તમામ ધોરણોનાં ને વિષયોનાં?
એક તરફ સત્ર પૂરું થવા આવે ત્યાં સુધી પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચતાં નથી ને વગર પાઠ્ય પુસ્તકે જ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ પાસ કરે છે. સવાલ તો એ પણ છે કે પાઠ્ય પુસ્તકો વગર પણ પરીક્ષાઓમાં પાસ થવાતું હોય તો પાઠ્ય પુસ્તકની જરૂર જ કેટલી? કદાચ વર્ષોવર્ષ પાઠ્ય પુસ્તકો બદલવાની ઝંઝટ જ ન રહે, પણ એમ થાય તો NCERT અને GCERTની હોજરી અધૂરી રહે. વારંવાર પાઠ્ય પુસ્તકો બદલાતાં ન હોય તો છાપનાર સાથેનું (ક)મિશન પૂરું ન થાય. વારુ, વરસેકમાં ચોપડું પસ્તી થઈ જતું હોય તો ગંજાવર પસ્તીની ઉપરની કમાણી પણ કોણ છોડે? ટૂંકમાં, જરૂરિયાત હોય ને ટેક્સ્ટ બુક બદલાય તે સમજી શકાય, પણ અહીં તો હેતુ જ ધંધાનો છે ને તે ઉપરથી તે નીચે સુધી ધમધોકાર ચાલે છે, તો કોણ ઈચ્છે કે પાઠ્ય પુસ્તક વર્ષે વર્ષે ન છપાય?
બીજા એક સમાચાર પણ 25 સપ્ટેમ્બરે આવ્યા. સારો હેતુ પણ વિપરીત અસર કેવી રીતે કરી શકે એનું ઉદાહરણ સુરતના મેયર સાહેબે પૂરું પાડ્યું છે. સાહેબને લાગ્યું કે બાળકોને અંગ્રેજીમાં તકલીફ પડે છે તો તેમણે શિક્ષણ સમિતિની 28 શાળાઓમાં 6,500 વિદ્યાર્થીઓને ‘સ્ટેપ અપ ફોર ઇન્ડિયા એન.જી.ઓ.’ના સહયોગથી અંગ્રેજી શીખવવાની વ્યવસ્થા કરી. એને માટે અભિનંદન જ ઘટે, પણ આ આખી વ્યવસ્થા સવાલો પણ ઊભા કરે છે. શિક્ષણ સમિતિની 28 સ્કૂલો જ નથી. 28 સ્કૂલોનું જે પુણ્ય તપ્યું તે પાત્રતા અન્ય સ્કૂલોની ન હતી? પણ, વાત એમ છે કે સ્કૂલો રેન્ડમલી પસંદ કરવામાં આવી છે અને આ પ્રયોગ સફળ થાય તો અન્ય શાળાઓ સુધી પણ એનો લાભ પહોંચે. મેયર સાહેબે અંગ્રેજીની ચિંતા કરી, પણ ચિંતા તો ગુજરાતીની પણ કરવાની જરૂર છે. ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવાની મહેનત થતી હોય ત્યાં ગુજરાતીની ચિંતા મેયર પણ શું કામ કરે? બોર્ડની પરીક્ષાઓમાં વર્ષોવર્ષ લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થતા હોય ને એ ગુજરાતની માતૃભાષા સંદર્ભે બનતું હોય તો ગુજરાતી ભાષાની ચિંતા પહેલાં થવી જોઈએ.
આપણી જે નફાખોર માનસિકતા છે તે સૌથી વધુ શિક્ષણમાં પ્રવૃત્ત છે ને તમામ સ્તરે સક્રિય છે. ગુજરાત યુનિવર્સિટીના કેટલાક વહીવટી કર્મચારીઓ નિવૃત્ત થયા તો તેમને નિવૃત્તિ પછી પણ ફરી સેવામાં લીધા. ખરેખર તો જે નિવૃત્ત જ થયા છે તેમને ફરી સેવામાં રાખવાનું શું કારણ છે તે નથી સમજાતું. એક તરફ નોકરીની રાહ જોઈ રહેલા નવયુવાનો દિવસો ખુટાડતા હોય ને બીજી તરફ નિવૃત્તોને ફરી નોકરી અપાતી હોય તે ઠીક નથી જ, છતાં અનુભવને કારણે ઓછા પગારે કેટલાકને ફરી લેવાયા હોય એમ બને. જો કે, એમની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે, પણ એ જ યુનિવર્સિટીના એ જ કુલપતિ એ જ નિયમ અન્ય ક્ષેત્રોમાંથી નિવૃત્ત થઈને યુનિવર્સિટીમાં ગોઠવાયાં હોય એવા ભારે પગાર મેળવતા અધિકારીઓને નિવૃત્ત કરવામાં લાગુ કરતાં નથી, ત્યારે કુલપતિનો એમાં શો રસ છે તે સમજાતું નથી. આ અધિકારીઓ ઓ.એન.જી.સી. કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અધિકારીઓ છે. તેમને યુનિવર્સિટીના કામકાજનો કોઈ અનુભવ નથી, પણ તેમને એસ્ટેટ, જીયુસેક, એકાઉન્ટ જેવા વિભાગમાં દોઢ લાખથી લઈને પાંચ લાખ સુધીના પગારે ગોઠવી દેવાયા છે. નિવૃત્ત કરાયેલા 30 વહીવટી કર્મચારીઓને તો પેન્શન મળતું ન હતું ને ઊચક પગારે ફરી નોકરી લેવી પડી, પણ આ 6 અધિકારીઓ તો સરકારી નોકરીઓમાંથી નિવૃત્ત થયા છે ને તેમને તગડું પેન્શન મળે છે. એવાને યુનિવર્સિટીમાં રાખવાનું કયું કારણ કુલપતિ પાસે છે તેનો જાહેર ખુલાસો થવો જોઈએ.
એક તરફ સરકાર 42,000 કાયમી શિક્ષકોની ભરતી ન કરીને શિક્ષકોનો હક મારી રહી છે, પરિણામે જરૂરિયાત મંદ યુવાનો નોકરીથી વંચિત છે, બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓને પેન્શન મળતું હોવા છતાં ફરી મોટા પગારે ગોઠવે છે. એક તરફ સરકાર શિક્ષણનું આટલું મોટું બજેટ છતાં શિક્ષકોને નોકરી ન આપીને કંજૂસાઈ કરે છે, બીજી તરફ નિવૃત્તોને પેન્શન ઉપરાંત ફરી નોકરી આપીને તેમની હોજરી ઠાંસવામાં આવે છે. બંને પક્ષે આ હરામખોરી છે. સરકાર મૂર્ખ બનાવે છે, તે થોડે થોડે વખતે કાયમી શિક્ષકોની ભરતી કરવાનું કહીને અથવા કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખવાનો વાયદો કરીને. કાલના સમાચાર છે કે રાજ્યની સરકારી સ્કૂલોમાં 1,608 અને ગ્રાન્ટેડ શાળામાં 2,484 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. ભરતી થાય તો સારી જ વાત છે, બાકી જેટલી જાહેરાતો થઈ છે એટલી ભરતી ખરેખર જ થઈ હોત તો શિક્ષકો ફાજલ પડ્યા હોત.
તો આ ચિત્ર છે, ગુજરાતનાં શિક્ષણનું. એમાં શિક્ષણ સિવાય જ બધું ચાલે છે. શિક્ષણ ખાતું હોય ને શિક્ષણ ન હોય તો તેનો કોઈ અર્થ નથી. શિક્ષણને નામે નર્યો વ્યાપાર ચાલે છે ને દુ:ખ એ વાતનું છે કે આ નમાલી પ્રજાને એનો કોઈ વિરોધ નથી. એ કેવી વિડંબના છે કે શિક્ષણને નામે ઘણું ચાલે છે, પણ શિક્ષણ માટે કૈં ચાલતું નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 સપ્ટેમ્બર 2024