આપણાં શાસ્ત્રો કહે છે કે કુલીનતા, બુદ્ધિ, ઈન્દ્રિયનિગ્રહ, જ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણોથી મનુષ્ય દીપે છે. પૉઝિટિવ સાયકૉલૉજી કૃતજ્ઞતાને ઘણું મહત્ત્વ આપતાં કહે છે કે કૃતજ્ઞતાથી માણસ દૃઢ, સકારાત્મક, સ્વસ્થ, પ્રતિકૂળતાઓનો સામનો કરતો, મજબૂત સંબંધો બાંધતો અને પ્રસન્ન રહે છે. શરૂ થયેલા નવા વર્ષને કૃતજ્ઞતાપૂર્ણ અસ્તિત્વ સાથે આવકાર આપીએ …
વાદળોની ઉપર, માણસોની નજર અને પહોંચની બહાર, સત્યનો શાનદાર મહેલ હતો. એક દિવસ તેના સૌથી ભવ્ય ખંડમાં સદ્દગુણો માટે એક સમારંભ યોજવામાં આવ્યો. આ ખંડનું નામ બુદ્ધિખંડ હતું. અનેક સ્વયંપ્રકાશી દીપકોથી ઝળહળતા આ ખંડની દીવાલો રત્નજડિત અને જમીન નીલમવર્ણી હતી.
સુંદર પત્રિકાઓ મોકલાઈ. સમય થતાં એક પછી એક સદ્દગુણો શ્રેષ્ઠ પોષાકો પહેરીને આવતાં ગયાં. દરેકના ચહેરા પર તેજ હતું.
સૌથી વધારે પ્રભાવશાળી લાગતી હતી પ્રામાણિકતા. તેનું શરીર અને વસ્ત્રો નિર્મળ પાણી જેવાં પારદર્શક અને ચમકદાર હતાં. તેના હાથમાં દરેક ચીજને તેના વાસ્તવિક રૂપમાં દેખાડતો મોટો ક્રિસ્ટલ હતો. બાજુમાં નમ્રતા અને હિંમત વફાદાર પણ તેજસ્વી સેવિકાઓની જેમ ઊભાં હતાં. સાથે હતો વિવેક. પૂર્ણપણે ઢંકાયેલા તેના દેહમાં અજબ સૌષ્ઠવ હતું. ઉત્સુક અને કંઈક શોધવા તત્પર આંખોમાં સૌમ્ય ચમક હતી. આ તરફ ઉદારતા અને દાન ઊભાં હતાં – સતર્ક, સક્રિય અને શાંત નરમ રોશનીથી ભરેલાં. આસપાસ ગૌરવાન્વિત વિજયી સ્મિત લઈને દયા, કરુણા, ધૈર્ય, વિનમ્રતા, ભલાઈ, સૌમ્યતા વગેરે અનેક સદ્દગુણો ખડા હતા.
સોનેરી દરવાજા પર કશોક સંચાર થયો. એક નવાંગતુક તરુણી ત્યાં ઊભી હતી. કોઈએ એને ઓળખી નહીં. સાદા શ્વેત પોષાકમાં તેની નાજુક, સુંદર આકૃતિ શોભતી હતી. એના સુંદર ચહેરા પર ક્ષોભ હતો. ક્યાં જાઉં-ના ભાવથી એ દરવાજે અટકી ગઈ હતી. એની મૂંઝવણ જોઈ શાણપણ આગળ આવ્યું અને બોલ્યું, ‘હું શાણપણ અને આ બધા મારા મિત્રો. અમે કોઈ તમને જાણતા નથી માટે તમે જ તમારો પરિચય આપો.’
ઘંટારવ જેવા અવાજે તરુણી બોલી, ‘મને આશ્ચર્ય નથી થતું, મિત્ર. મને ભાગ્યે જ કોઈ ઓળખે છે, ભાગ્યે જ કોઈ બોલાવે છે. મારું નામ કૃતજ્ઞતા છે.’
આ વાર્તા શ્રીમાતાજીએ ફ્રેંચ ભાષામાં રચી હતી અને તેનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. કહેતાં, આપણી બુદ્ધિ અનેક મોટા, પ્રખ્યાત સદ્દગુણોને ઓળખે છે અને એમના સાથમાં રાચે છે. તે કૃતજ્ઞતાને ખાસ કંઈ ગણતી નથી, પણ કૃતજ્ઞતા વિના બધા સદ્દગુણો અધૂરા છે.
કૃતજ્ઞતા એટલે શાંત સક્રિય શાંતિ. કૃતજ્ઞતા એટલે પોતાની સફળતામાં, પોતાના જીવનમાં અન્યના પ્રદાનને સમજવું, સ્વીકારવું અને વ્યક્ત કરવું. કૃતજ્ઞ હોવું એટલે અન્યના ઉપકાર પ્રત્યે સદ્દભાવ કેળવવો અને એને યથાશક્તિ પાછો વાળવા તત્પર હોવું. કૃતજ્ઞતા એટલે આપણી પાસે જે છે તેની કદર કરવી, જેમની પાસે નથી તેના પ્રત્યે સક્રિય સજાગતા કેળવવી અને આપણી જિંદગીને સભર બનાવનારાઓનો આભાર માનવો. વાત લાગે છે એટલી સાદીસરળ નથી, કારણ કે આપણો અહમ્ દરેક સારી બાબતને જટિલ બનાવવા ટેવાયેલો હોય છે.
કૃતજ્ઞતા માટે અંગ્રેજીમાં ગ્રેટિટ્યુડ શબ્દ છે. 23 નવેમ્બરે અમેરિકા થેન્ક્સગિવિંગ ડે ઊજવશે. યુરોપના દેશો અને કેનેડામાં પણ ઓકટોબર-નવેમ્બરમાં થેન્ક્સગિવિંગ ડે ઊજવાતો હોય છે. એની શરૂઆત લગભગ 400 વર્ષ પહેલા અમેરિકામાં થઈ. ત્યારે અમેરિકામાં યુરોપિયનોએ વસાહતો સ્થાપવાની શરૂઆત નહોતી કરી અને ગાઢ જંગલોમાં સ્થાનિકો પોતાની આગવી જીવનશૈલીથી રહેતા. 1615ની આસપાસ ઇંગ્લેંડનું એક વહાણ અમેરિકાના ઉત્તર કિનારે લાંગર્યું. કાતિલ શિયાળામાં ટકવા એમને સ્થાનિકોએ ખૂબ મદદ કરી. એમનો આભાર માનવા ખાનપાનનો એક સમારંભ થયો અને ત્યારથી દર વર્ષે થેન્ક્સગિવિંગ ડે ઊજવાવા લાગ્યો. અમેરિકાની શાળાઓમાં ભણાવાતા ઇતિહાસમાં આવું લખ્યું છે. જો કે ઘણા આ ઇતિહાસને અધૂરો કે એકાંગી માને છે કેમ કે ત્યાર પછી અંગ્રેજોએ યુદ્ધમાં સ્થાનિકોનો સંહાર કર્યો હતો. પણ આજ સુધી થેન્ક્સગિવિંગની ઊજવણી ધાન્યની ઊપજ, સલામત સફરો, યુદ્ધમાં જીત, કુટુંબપ્રેમ, પરસ્પર આભાર અને ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને સાથે મળીને ખાણીપીણીનો આનંદ લેવા માટે થાય છે. 1863માં સિવિલ વૉર પછી પ્રજાના ઘા ભરવા અને કૃતજ્ઞતાનું વાતાવરણ સર્જવા અબ્રાહમ લિંકને થેન્ક્સગિવિંગને નેશનલ હોલિડેનો દરજ્જો આપ્યો ત્યારથી થેન્ક્સગિવિંગનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે.
થેન્ક્સગિવિંગ માટેનો હિબ્રુ શબ્દ ‘ટોદાહ’ બાઈબલમાં વપરાયો છે અને તેનો અર્થ ‘કન્ફેશન, પ્રેઈઝ એન્ડ ઑફરિંગ’ એવો થાય છે. ઈશ્વર જ આપણને સઘળું આપે છે અને એની કૃપાથી જ આપણે સલામત અને સુખી હોઈએ છીએ. ઈશ્વરકૃપા માટે કૃતજ્ઞ થઈ પ્રાર્થના કરવી તેનું નામ થેન્ક્સગિવિંગ.
અમેરિકા-વિયેટનામ યુદ્ધ ચાલતું હતું ત્યારની વાત. ચાર્લ્સ પ્લમ્બ નામનો ફાઈટર પાઈલટ યુદ્ધજહાજ પરથી પોતાનું જેટ વિમાન લઈ ઊડે અને બૉમ્બમારો કરે. એક વાર જમીન પરથી દુ:શ્મનોએ છોડેલી મિસાઈલ એના જેટના નીચેના ભાગમાં લાગી. એ પેરેશૂટ લઈ કૂદી પડ્યો, પકડાયો, જેલ ભોગવી અને છૂટ્યો ત્યારે યુદ્ધ પૂરું થઈ ગયું હતું. હવે તેણે પોતાના યુદ્ધવિષયક અનુભવો વિશે લૅક્ચર આપવા માંડ્યા.
એક વાર ચાર્લ્સ પ્લમ્બ એક રેસ્ટોરાંમાં બેઠો હતો ત્યાં એક અજાણ્યા આદમીએ આવીને કહ્યું, ‘ગૂડ ઈવનિંગ સર, હું ભૂલતો ન હોઉં તો આપ ચાર્લ્સ પ્લમ્બ છો, ખરું?’ ‘હા.’ ‘તમારા જેટને જ વિયેટનામની સરહદે મિસાઈલ લાગી હતી અને તમે પેરેશૂટ લઈ કૂદી પડ્યા હતા …’ ‘હા. તમે મારાં લૅક્ચર સાંભળ્યાં લાગે છે.’ ‘ના સર, પણ મેં તમારી પેરેશૂટ પૅક કરી હતી. મને આનંદ છે કે તેણે બરાબર કામ આપ્યું.’ ચાર્લ્સે ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યા, ‘ઘણો આભાર. તમારા લીધે જ મારો જીવ બચી ગયો.’ ‘આભાર શાનો, સર? ઈટ વૉઝ માય ડ્યૂટી.’
એ રાત્રે ચાર્લ્સ પ્લમ્બને ઊંઘ ન આવી. એ અજાણ્યો લાગતો માણસ યુદ્ધજહાજ પર કેટલી ય વાર મળ્યો હશે – સફળ ગર્વિષ્ટ ફાઈટર પાઈલટ તરીકે પોતે તેના પર ધ્યાન નહીં આપ્યું હોય, તેનું અભિવાદન બેદરકારીથી ઝીલ્યું હશે, એની હસ્તીની નોંધ સરખી નહીં લીધી હોય. પણ તેણે પેરેશૂટ પેક કરવામાં જો જરા સરખી ગફલત હરી હોત તો પોતે આજે જીવતો ન હોત. આ વાત ત્યાર પછી ચાર્લ્સ પ્લમ્બ પોતાના લૅક્ચરોમાં કહેતો. ડૉ. વીજળીવાળાએ ‘મોતીચારો’ પુસ્તકમાં આ પ્રસંગને સુંદર વાર્તારૂપે આલેખ્યો છે.
કેટલા કેટલા લોકો કેટલી નાનીમોટી મદદ કરે છે ત્યારે આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક હસ્તી પોષાય છે. કેટલા લોકોના પ્રતિભાવોથી આપણું સંવેદનજગત બંધાય છે. કઈંક પ્રાપ્ત થાય ત્યારે આપણે પોતાની આવડત માટે અભિમાન લઈએ છીએ, પણ એની પાછળ રહેલા અનેક જાણીઅજાણી વ્યક્તિઓના નાનામોટ પ્રદાનની નોંધ જ નથી લેતા! ખરું જોતાં આ પ્રદાનની આપણે કિંમત કરવાની હતી, કદર કરવાની હતી અને આપણે પણ અન્યો માટે કઈંક કરવાનું હતું. આપણો અહમ્ આપણને આવા કેવા અંધ, બધિર અને મૂક બનાવી રહ્યો છે?
ભગવાન બુદ્ધ કહે છે, આફતોનો આભાર માનો, કેમ કે એ ઘણું શીખવે છે. પોતાની મર્યાદાઓનો આભાર માનો, કેમ કે એ આગળ વધવાની તક આપે છે. દરેક નવા પડકારનો આભાર માનો, કેમ કે તેનાથી તાકાત અને ચારિત્ર્ય બંધાય છે. ભૂલોનો પણ આભાર માનો કેમ કે તે અમૂલ્ય પાઠ ભણાવે છે.
આપણાં શાસ્ત્રો કહે છે કે કુલીનતા, બુદ્ધિ, ઈન્દ્રિયનિગ્રહ, જ્ઞાન, પરાક્રમ, મિતભાષીપણું, દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણોથી મનુષ્ય દીપે છે. પૉઝિટિવ સાયકૉલૉજી કૃતજ્ઞતાને ઘણું મહત્ત્વ આપતાં કહે છે કે કૃતજ્ઞતાથી માણસ દૃઢ, સકારાત્મક, સ્વસ્થ, પ્રતિકૂળતાઓનો સામનો કરતો, મજબૂત સંબંધો બાંધતો અને પ્રસન્ન રહે છે.
જેક્સ મેરિટન કહે છે કે ‘ગ્રેટિટ્યૂડ ઈઝ ધ બેસ્ટ એટિટ્યૂડ’ – કૃતજ્ઞતા શિષ્ટાચારનું સૌથી ઉત્કૃષ્ટ રૂપ છે. કૃતજ્ઞતાનો અનુભવ સંસ્કારિતાની નિશાની છે. અસંસ્કારી માણસ કૃતજ્ઞ ન હોઈ શકે. શરૂ થયેલા નવા વર્ષને પ્રેમપૂર્ણ હૃદય, દૃષ્ટિપૂર્ણ મન અને કૃતજ્ઞતાપૂર્ણ અસ્તિત્વ સાથે આવકારીએ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 નવેમ્બર 2023