(ગતાંકનું ચાલુ…..)
વ્રતવિચાર વધુ સ્પષ્ટ થાય એટલા સારુ ગાંધીજીએ ૧૯૧૫માં આશ્રમની નિયમાવલિ તૈયાર કરી હતી. તેમાંથી નીચે ખૂબ ટૂંકા ઉતારા આપીએ છીએ.
સત્ય : સત્ય એ જ પરમેશ્વર છે. એ સત્યની શોધને અંગે જ બીજાં બધાં અંગોની આવશ્યકતા રહે છે. સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશહિતને સારુ પણ અસત્ય નહીં બોલે, નહીં આચરે.
અહિંસા : એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ. (અહિંસાના) વ્રતનો પાલક ઘોર અન્યાય કરનાર પ્રત્યે પણ ક્રોધ ન કરે, પણ તેમના પર પ્રેમભાવ રાખે … પણ પ્રેમ કરતો છતાં અન્યાયીના અન્યાયને વશ ન થાય … ને તેમ કરતાં તે જે કષ્ટ આપે તે ધીરજપૂર્વક અને દ્વેષ વિના સહન કરે.
બ્રહ્મચર્ય : તેના પાલન વિના ઉપરનાં વ્રતોનું પાલન અશક્ય છે. સ્પર્શ અથવા કે બીજી ચેષ્ટા પણ બ્રહ્મચર્યનો ભંગ છે.
અસ્વાદ : મનુષ્ય જ્યાં લગી જીવનરસોને જીતે નહીં ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠિન છે …. ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય, ભોગને અર્થે નહીં.
અસ્તેય : જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેના કરતાં વધારે મુદ્દત લગી તેનો ઉપયોગ કરવો એ પણ ચોરી છે. આ વ્રતના મૂળમાં સત્ય એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય આપે છે. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે.
અપરિગ્રહ : અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહીં તેમ તેનો સંગ્રહ પણ ન થાય …. અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય છે.
જાતમહેનત : મનુષ્ય માત્ર શરીર નિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે.
સ્વદેશી : મનુષ્ય સર્વશક્તિમાન પ્રાણી નથી. તેથી તે પોતાના પાડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે. આ ભાવનાનું નામ સ્વદેશી છે. સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી; પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના ને દેશ જગતના કલ્યાણાર્થે હોમાય.
અભય : સત્ય, અહિંસા, ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે …. જે સત્યપરાયણ રહેવા માંગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઈથી ડરે, ન મોતથી ડરે.
અસ્પૃશ્યતા નિવારણ : આશ્રમ જાતિભેદને માનતું નથી. (તેનાથી) હિંદુધર્મને નુકસાન થયું છે… તેમાં રહેલી ઊંચનીચની અને આભડછેટની ભાવના અહિંસા ધર્મની ઘાતક છે … આશ્રમમાં વર્ણભેદને અવકાશ નથી.
સહિષ્ણુતા : જગતમાં પ્રચલિત પ્રખ્યાત ધર્મો સત્યને વ્યક્ત કરનાર છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્વારા વ્યક્ત થયેલા હોઈ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી જેવું આપણને આપણા ધર્મ વિષે માન હોય તેટલું જ માન આપણે બીજાના ધર્મ પ્રત્યે રાખવું ઘટે. આવી સહિષ્ણુતા હોય ત્યાં એકબીજાના ધર્મનો વિરોધ નથી સંભવતો, નથી પરધર્મીને પોતાના ધર્મમાં લાવવાનો પ્રયત્ન સંભવતો.
આમ ગાંધીજીએ માનવતાને આપેલી એકાદશ વ્રત, રચનાત્મક કાર્યક્રમ અને સત્યાગ્રહરૂપી ત્રિવિધ દેણ વ્યક્તિના ચારિત્ર્યથી માંડીને આખા સમાજની સભ્યતાનું અને આજની પરિસ્થિતિમાંથી એ સમાજ સુધી પહોંચવાના માર્ગનું સમગ્ર ચિત્ર દોરે છે. આ સમાજ એ અહિંસક સમાજ છે. આ સંસ્કૃતિ અહિંસક સંસ્કૃતિ છે અને તેને પ્રાપ્ત કરવાનું સાધન પણ અહિંસક જ છે. અલબત્ત ગાંધીજીએ શીખવેલા ઘણા પાઠો તે કાળની પરિસ્થિતિમાંથી જન્મેલા હતા. તેથી તે એના એ જ રૂપમાં આજે લાગુ ન પણ રહી શકે, પરંતુ એમની ઉપર જણાવેલી દેણમાં ઘણી એવી છે કે જે સ્થળ-કાળની મર્યાદાને ઓળંગીને લાંબા ગાળા સુધી અને દુનિયાના કોઈ પણ ખૂણામાં પ્રસ્તુત બની શકે એમ છે.
એકાદશવ્રતમાંથી પહેલાં પાંચ અને અભય એ છ વ્રતો તો કોઈપણ પરિસ્થિતિમાં માનવસમાજને સ્વસ્થ અને શાણો રાખવા સારુ ઉપયોગી થાય એવાં સનાતન મૂલ્યો ધરાવે છે. અસ્વાદવ્રતમાંથી પણ એટલું તો ગ્રહણ કરવા જેવું છે કે માત્ર જીભના ચટાકાથી કોઈ સમાજ સુખી થતો નથી. બાકીનાં જે ચાર વ્રતો છે તેની જરૂરિયાત ભલે ગાંધીજીને તે કાળની પરિસ્થિતિમાંથી જણાઈ હોય, પણ એ ચારેયમાં એવાં તત્ત્વો પડ્યાં છે કે જે શાશ્વતમૂલ્યો સાથે સંકળાયેલાં છે. માટે અસ્પૃશ્યતા નિવારણનું વ્રત ભલે મહાવ્રત ન રહે, પણ માનવ માનવને સમાન ભાવે જોવા અને કોઈ પણ પ્રત્યે તિરસ્કાર ન કરવાનો આદેશ તો યાવત્ચંદ્ર દિવાકરૌ એટલો જ કામનો છે, જેટલો ગાંધીજીના જીવનકાળ દરમિયાન હતો. સ્વદેશીની વ્યાખ્યા જ જ્યારે ‘પાડોશી પ્રત્યેની આપણી ફરજ’ એવી થઈ ગઈ હોય ત્યારે તે અનંતકાળ સુધી પ્રસ્તુત ભાવ બની જાય છે. હિંદના મધ્યમવર્ગના ઘણા લોકોને જાત મહેનતનું મહત્ત્વ સમજવા પશ્ચિમના વિકસિત દેશોની પ્રગતિનું રહસ્ય સમજવું પડશે. આપણને ઘણા દેશો એવા મળશે કે જ્યાં શરીરશ્રમ એ પ્રતિષ્ઠિત શ્રમ છે, અને કોઈ પણ શારીરિક શ્રમને હલકો ગણવામાં આવતો નથી. એ કહેવાની જરૂર આજે તો નથી જ કે સર્વધર્મસમભાવની આવશ્યકતા આજે આખી દુનિયામાં ગાંધીના કાળ કરતાં વધારે જણાઈ આવે છે.
રચનાત્મક કામો પૈકી ઘણાં એવાં છે ખરાં કે જે આપણને અપ્રાસંગિક કે જૂનવાણી લાગે. પણ રચનાત્મક કામ પાછળ ગાંધીજીની અન્યાય અને શોષણ પર ઊભેલી એક વ્યવસ્થાને ઉખાડી નાંખીને તેને ઠેકાણે ન્યાય અને ભ્રાતૃભાવ પર ઊભેલી સમાજવ્યવસ્થા ઊભી કરવાની વાત તો ખૂબ જ પ્રાસંગિક છે. સમાજનું ઘડતર પણ ઉપરથી લાદવામાં આવેલા આદેશ મુજબ નહીં, પણ નીચેથી સ્વયંસ્ફૂર્ત રીતે થવું જોઈએ એ વાત પણ જરા ય જૂનવાણી કે અપ્રસ્તુત લાગે એવી નથી. રચનાત્મક કામનાં સ્વરૂપ દેશકાળ મુજબ ભલે બદલાતાં રહે પણ ઉપર જણાવેલાં એનાં મૂળ તત્ત્વો તો દુનિયા સારુ ક્યારે ય પણ માર્ગદર્શક પુરવાર થવાનાં.
ગાંધીજીના સત્યાગ્રહે દુનિયાના તમામ શોષિત, દલિત કે નબળા વર્ગો સારુ પરિસ્થિતિમાં વાંછિત સુધારો લાવવાનું એક અમોઘ સાધન ઉપલબ્ધ કરી દીધું છે. એ બાબત તો દુનિયાના ઘણા દેશો સજગ બન્યા છે. સત્યાગ્રહ એક માર્ગદર્શક સિદ્ધાંત છે, આત્મશક્તિના સફળ પ્રયોગની અનેક નવી નવી રીતો તો હજી શોધાશે. ગાંધીજીએ કરેલા પ્રત્યક્ષ પ્રયોગોને લીધે એટલું તો સિદ્ધ થયું છે કે પાપીને હણવાથી પાપ નષ્ટ થતું નથી. પ્રતિકાર તો પાપનો જ કરવો ઘટે, પાપીને બચાવી લેવા અર્થે પણ. દુનિયામાં જેમ જેમ શારીરિક, માનસિક કે સામાજિક હિંસાનાં સાધનો વધુ ને વધુ પ્રબળ બનતાં જાય છે, તેમ તેમ ગાંધીજીની સાધનશુદ્ધિની વાત વધુ પ્રસ્તુત બનતી જાય છે. ઉત્તરોત્તર ચઢિયાતી હિંસા વાપરવાથી કદી હિંસા શમતી નથી. અન્યાય, અસત્ય ને હિંસાને નાબૂદ કરવા માનવજાતે ન્યાયપૂર્ણ, સત્યાધારિત અને અહિંસક સાધનોની જ શોધો કરવી પડશે, એમ ગાંધીજીના સત્યાગ્રહના પ્રયોગોએ સિદ્ધ કરી દીધું છે.
સત્યાગ્રહ, રચનાત્મક કામ અને એકાદશવ્રત ગાંધીજીની સૌથી મોટી દેણ એટલા સારુ ગણાય કે એ ત્રણ દેણથી ગાંધીજીએ પોતાની જાત પર કાબૂ રાખતી વ્યક્તિ, પોતાના પાડોશી સાથે સુખ દુ:ખ વહેંચી ખાતા સમાજના ઝાંખાપાંખા પણ નમૂના પેશ કર્યા છે અને એ અવસ્થા સુધી પહોંચવા સારુ કયો અને કેવો માર્ગ લેવો પડશે તેની તરફ પણ ગાંધીજી ઈશારો કરી ગયા છે.
ગાંધીજીની આ ત્રણ દેણનું મહત્ત્વ માણસજાતને આજના કરતાં કદાચ આવતી કાલે વધારે સમજાશે. ઇતિહાસની દૃષ્ટિએ આપણે બહુ પાસે છીએ એટલે એમની આ ત્રણ દેણનું મહત્ત્વ સમજવામાં મુશ્કેલી પડે છે. દેશ અને કાળની મર્યાદાઓથી આપણે આપણા આકલનને મર્યાદિત કરી દઈએ એમ બને. ઇતિહાસના સમગ્ર પટ પર મહાપુરુષોનું મહત્ત્વ તેઓ હયાત હતા ત્યારે કે ત્યારબાદ તરતના કાળમાં સમજાયું છે, એના કરતાં સદીઓ વીત્યા બાદ વધુ સમજાયું છે. આજે જો આપણે એટલું સમજી લઈએ કે એ પુરુષની એવી કોઈ દેણ હતી, જે કાળ અને સ્થળની સીમાઓને ઓળંગી શકે એવી શક્યતાઓ ધરાવતી હતી, તો ભાવિ ઇતિહાસને સમજવાની સાચી દિશામાં હોઈશું.
સત્યાગ્રહની પાછળ રોગને રોગીથી અલગ કરી રોગને ખતમ કરવા અને રોગીને બચાવવામાં આખી એક શક્યતા દેખાય છે. વળી સત્યાગ્રહનું સાધન એ સાધ્ય-સાધન વિવેક કરવા પણ આદેશ આપે છે. આજે જ્યારે મનુષ્યને હણવાનાં શસ્ત્રો વિધ્વંસક બન્યાં છે અને બનતાં જાય છે, ત્યારે ગાંધીનો સાધનશુદ્ધિનો આગ્રહ એ માત્ર આદર્શ જ નહીં, પણ નર્યો વ્યવહાર્ય બની જાય છે. માણસજાતે જો ભવિષ્યમાં હળીમળીને રહેવું હશે તો સમાજના દરેક સભ્યે આખા સમાજ પ્રત્યે અને પરસ્પર જવાબદાર રહેવું પડશે. પૃથ્વીનાં પરિમિત સાધનોનો ઉપયોગ પણ વહેંચીને કરવો પડશે અને તેમ કરવાની આખી પ્રક્રિયાનો આરંભ સૌથી છેવાડાના દુર્બળ, પીડિત, દલિત કે અશક્ત માણસથી કરવો પડશે, એ રચનાત્મક કાર્યક્રમોનો સંકેત છે.
ઇતિહાસના પટ પર માત્ર ઇન્દ્રિયોના ઉપભોગવાદ પર ઊભેલી સંસ્કૃતિઓ ઝાઝી ટકતી નથી. જરૂરિયાતો નિરંતર અને અનંત સુધી વધારતા જવું એ ઉપભોગવાદનું લક્ષ છે. પણ તે આ જગતને ટકાઉ વિકાસ આપી શકે એમ નથી. ચિરંજીવ વિકાસ તો પ્રકૃતિના નિયમોને સમજીને એના લયમાં પોતાના લયને મેળવીને જ સાધી શકાય. આ મેળ અનિર્બંધ ઉપભોગથી નહીં, પણ સમજપૂર્વકના, સ્વેચ્છાથી સ્વીકારેલા સંયમથી જ સાધી શકાય એમ છે.
એકાદશવ્રત આવા વિવેકપૂર્ણ આત્મસંયમનો સંકેત કરે છે. અને તે એવો પણ સંકેત કરે છે કે માણસ એક નિતાંત સામાજિક પ્રાણી છે. એટલે માત્ર પોતાનો આધ્યાત્મિક વિકાસ એને સારુ પર્યાપ્ત નથી. તેથી આજ સુધી તે સત્ય, અહિંસાદિ આધ્યાત્મિક સિદ્ધાંતોને વ્યક્તિગત ગુણ માનતો હતો. તે સામાજિક મૂલ્ય છે એ સમજીને એ મૂલ્યોનો વિકાસ એ મનુષ્યની સામૂહિક સાધનાનો વિષય બનવો જોઈએ. જ્યારે જાતિ, સંપ્રદાય, ધર્મ, રંગ, લિંગ, કે રાષ્ટ્રની વિભાવનાઓ પણ જૂનવાણી થઈ જશે ત્યારે પણ ગાંધીએ સૂચવેલાં એકાદશવ્રતો અભિનવ સ્વરૂપે ભલેને હોય, પણ પૂર્ણપણે પ્રસ્તુત રહેશે.
(સૌના ગાંધી પુસ્તકમાળા-૨)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 સપ્ટેમ્બર 2024; પૃ. 05-06