બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાર પછી તરત જ હિંદના વાઈસરોયે એવી જાહેરાત કરી કે ભારત સાથી રાજ્યોના પક્ષે છે. તે વખતે ભારતના મોટાભાગના પ્રાંતોમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો હતાં. વાઈસરોયના આ નિવેદન સામે કાઁગ્રેસે વાંધો ઉઠાવ્યો કે વાઈસરોયે કોઈ પણ પ્રાંતના પ્રધાનમંડળ સાથે મસલત કર્યા વિના આવી મહત્ત્વની જાહેરાત શી રીતે કરી? આવે તબક્કે મસલત કરવાથી કૉંગ્રેસ સાથી રાજ્યોના યુદ્ધના ઉદ્દેશો શા છે તેની ચોખવટ કરી શક્ત અને યુદ્ધ દરમિયાન કે ત્યાર બાદ તરત સંસ્થાનોની સ્વતંત્રતાની જાહેરાત પણ કરાવી શકી હોત, એવી કૉંગ્રેસની ગણતરી હશે. યુદ્ધમાં ભારતના લોકોનો પૂરો સાથ મળે એની તો બ્રિટિશ સામ્રાજ્યને પણ જરૂર હતી. તેથી વાઈસરોયે ગાંધીજીને આ બાબત ચર્ચા કરવા સિમલા બોલાવ્યા. વાઈસરોય સાથે ગાંધીજીની ચર્ચાઓ ચાલતી હતી, તે દરમિયાન વચ્ચે એવો તબક્કો આવ્યો કે વાઈસરોયને બ્રિટિશ પ્રધાન મંડળના આદેશની જરૂર પડી એટલે વાઈસરોયે જણાવ્યું કે આગલી વાટાઘાટો એકાદ અઠવાડિયા પછી રાખીશું. ગાંધીજીની સાથે એમના સચિવાલયમાં ગયેલા આ લેખક જેવા કિશોર સાથીને થયું કે સિમલામાં એક અઠવાડિયું ગાળવાની તક મળી. રોજ નવી નવી એક એક ટૂંક પર ફરી આવીશું. પણ ત્યાં તો ગાંધીજીનો હુકમ છૂટ્યો કે બિસ્તરા બાંધો. પાછા સેવાગ્રામ જવું છે. અમને પ્રશ્ર્ન થયો કે સેવાગ્રામમાં એવું તે શું મોટું કામ અટકી પડ્યું છે કે અઠવાડિયાના ગાળામાં રહી જવાનું હતું? સિમલાથી સેવાગ્રામ જવા આવવામાં જ ચાર દિવસ લાગી જશે. માત્ર ત્રણ દિવસ સારુ સિમલાની શીતલ આબોહવામાંથી સેવાગ્રામના ભડભડતા ઉનાળામાં જવાનું! પણ ગાંધીજીને મન સેવાગ્રામના એ ત્રણ દિવસનો ખૂબ ઉપયોગ હતો. ત્યાં પરચુરે શાસ્ત્રી હતા.
પરચુરે શાસ્ત્રી એક કુષ્ઠરોગી હતા. મૂળ સંસ્કૃતના પંડિત. સાબરમતી આશ્રમમાં રહી ચૂકેલા. કુષ્ઠરોગ ઘેર ગયા પછી પરખાયેલો. એ જમાનામાં કુષ્ઠરોગ અસાધ્ય અને ભારે ચેપી ગણાતો. તેથી પરિવારજનો પણ પરચુરે શાસ્ત્રીને પોતાની સાથે રાખવા તૈયાર નહોતાં. દાક્તરો જીવવાની આશા આપી શકે એમ તો નહોતા જ. શાસ્ત્રીજી સેવાગ્રામ આવ્યા. તેમણે ગાંધીજીને કહ્યું કે મારે આપના આશ્રમમાં મરવું છે. ગાંધીજીએ પરચુરેજીને કહ્યું કે તમારી બે ઇચ્છા છે. તમારે આ આશ્રમમાં રહેવું છે. અને અહીં મરવું છે. તમારી પહેલી ઇચ્છા તમે અહીં રહીને પૂરી કરી શકો છો, પણ તમને અહીં મરવા નહીં દઈએ. એમને માટે જોતજોતાંમાં એક ઝૂંપડી બનાવવામાં આવી. બીજી ચિકિત્સા ઉપરાંત ગાંધીજી રોજ એમના શરીરે માલિશ કરવા લાગ્યા. ગાંધીજીને મન વાઈસરોય સાથેની મસલત જેટલું જ અગત્યનું કામ પરચુરે શાસ્ત્રીને માલિશ કરવાનું હતું. એને સારુ ત્રણ દિવસ મળતા હોય તો તે કેમ જવા દેવાય? બંને કામો ઈશ્વરદત્ત જ હતાં. દરેક કામને ઈશ્વરદત્ત સમજતા હતા તેથી જ ગાંધીજી નાનાં મોટાં સર્વ કામોમાં પોતાની ભક્તિ રેડી શકતા હતા.
જીવનમાં પરિવર્તન અંગે જે કાંઈ કરવા જેવું લાગે તેનો આરંભ પોતાનાથી કરવો એ ગાંધીજીની બીજી એક લાક્ષણિકતા હતી. કોઈ વાર એ કામ પોતાના પરિવારજનો કે આશ્રમવાસીઓથી શરૂ થતું. જહોન રસ્કિનની ‘અનટુ ધિસ લાસ્ટ’ ચોપડી વાંચીને તેમને થયું કે આ પુસ્તકમાં આપેલા વિચારોમાંથી જે યોગ્ય લાગે છે તેનો પ્રયોગ કરી જોવો જોઈએ. એટલે થોડા દિવસમાં તેમણે ડર્બન શહેરમાંથી ઉચાળા ભરીને ફીનિકસ જેવા વગડામાં જઈને વસવાટ કર્યો. હજારો પાઉન્ડની કમાણી સાથે જેવી જિંદગી ગાળતા હતા, તે છોડીને જાત મહેનતની જિંદગીની શરૂઆત કરી. એક વાર કસ્તૂરબાને મીઠું છોડવાની સલાહ આપી. કસ્તૂરબાએ એમને પૂછ્યું કે તમારાથી મીઠું છૂટે ખરું? તત્ક્ષણ ગાંધીજીએ મીઠું છોડ્યું તે આખી જિંદગી સુધી છોડ્યું. જુવાનોને ગ્રામસફાઈનો કાર્યક્રમ આપતાં પહેલાં પોતે વર્ધા પાસેના સિંદી ગામમાં ડોલો ઉપાડી મળમૂત્રની સફાઈ કરવા માંડી; લોકોને સાદાં કપડાં પહેરવાની સલાહ આપતા પહેલાં પોતે શરીર ઉપરથી પંચપસાર ઉતારી પોતડી ને ચાદરભેર રહેવા લાગ્યા; ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરતાંની સાથે જ હાથે બનાવેલા કાગળ અને બરુનો ઉપયોગ શરૂ કર્યો.
લોકો સાથેના વહેવારમાં ગાંધીજી નમ્રતા કદી ચૂકતા નહિ. નાના કે સમવયસ્કો જોડે વિનોદ મશ્કરી જરૂર કરી લે, પણ તેમાં ય વિવેક ચૂકે નહીં. પોતાનાથી મોટાને તો તેઓ હંમેશાં વાંકા વળીને પગે લાગતા. રવીન્દ્રનાથ ટાગોરને મળે ત્યારે બંને સામસામે ઝૂકીને પ્રણામ કરતા. ગાંધીજી જ્યારે મોટીબહેન રળિયાત બહેનને મળે ત્યારે એમને પણ પગે લાગવાનું ચૂકતા નહીં. જો કે નમ્રતા અને ખુશામત કે ખોટી પ્રશંસા વચ્ચેનો વિવેક તેઓ જરૂર કરતા. એક વાર ગુજરાતીના એક પ્રસિદ્ધ કવિને પત્ર લખવાનો હતો તેનો ખરડો ઘડવાનું કામ તેમણે આ લેખકને સોંપ્યું. એ પત્રનું સંબોધન મેં કવિવર એમ કર્યું હતું. ગાંધીજીએ તરત મને ટોક્યો. આપણા મનમાં ખરેખર તેઓ કવિઓમાં શ્રેષ્ઠ છે ખરા ? જો તેમ ન હોય તો એ સંબોધનનો અર્થ એમની ખુશામત થાય ! મહાદેવભાઈ દેસાઈને મોર્લીના ‘ઓન કોમ્પ્રોમાઈઝ’ પુસ્તકના ભાષાંતર સારુ ઈનામ મળ્યું હતું. એ ભાષાંતર છપાવવાની રજા મેળવવા સારુ તેમણે લોર્ડ મોર્લીને લખેલા પત્રનો ખરડો ગાંધીજીને દેખાડ્યો. ગાંધીજી સાથેનો તેમનો નવોસવો પરિચય હતો. ગાંધીજીએ મહાદેવભાઈનો ખરડો વાંચીને કહ્યું કે આપણા દેશને સ્વરાજ નથી મળતું એનું એક કારણ અંગ્રેજોની આપણે ખુશામત કરીએ છીએ એ પણ છે. આ તો કામ અંગેનો પત્ર હતો. તમારે એમને જણાવવું હતું કે તમે ભાષાંતર કર્યું છે. એ ભાષાંતર કરવાની તમારી યોગ્યતા છે. તેને છાપવાની રજા માગવી જોઈતી હતી. તેને બદલે મોર્લીનાં ને એમના પુસ્તકનાં વખાણના પેરેગ્રાફો શી રીતે લખાય? એ તો ખુશામત કહેવાય.
નમ્રતા અને આત્મસન્માન વચ્ચેનો વિવેક ગાંધીજી બરાબર કરી જાણતા. ભગતસિંહને ફાંસી ન થાય એને માટેના પ્રયાસો તેમણે લોર્ડ અરવિન સાથેની વાટાધાટો ચાલતી હતી તે દિવસો દરમિયાન અનેક વાર કરેલા. અરવિનને સમજાવવામાં તેઓ સફળ નહોતા થયા. ફાંસીની સજામાંથી દયાની રૂએ મુક્તિ અપાવવા સારુ ભગતસિંહના પરિવાર તરફથી બેરિસ્ટર આસફઅલીએ દયાની અરજી ઘડી. એ અરજી જ્યારે તેમણે ગાંધીજીને બતાવી ત્યારે ગાંધીજીએ તે નાપસંદ કરી. ભગતસિંહ જેવા વીર પુરુષને ફાંસીમાંથી માફી અપાવવા આવી અરજી કરાય? એમાં તો એમનું સન્માન હણાય. એ અરજી એવી હોવી જોઈએ કે જેમાં સજામાંથી માફીની માગણી જરૂર હોય. પણ એમનું ગૌરવ જરા ય હણાવું ન જોઈએ. વીર દેશપ્રેમીને શોભે તેવી એ અરજી હોવી જોઈએ. એ મુજબનો છેવટનો ખરડો ગાંધીજીએ જાતે જ લખી આપ્યો હતો. તે જોઈ પરિવારજનો પણ સંતુષ્ટ થયા હતા.
વ્યક્તિગત કામોમાં અને જાહેર કામોમાં તો એ કામો કરવાની શૈલી મહત્ત્વની હોય છે. કેટલાંક કામો શાસ્ત્રીય ઢબે થતાં હોય છે. કેટલાંક કરવામાં માણસ પોતાની કળા વાપરતો હોય છે, ગાંધીજીનાં કામોમાં શાસ્ત્ર અને કળાનો સમન્વય થતો. ગાંધીજીએ પોતાના જીવનમાં અનેક સત્યાગ્રહોને દોરવણી આપેલી. એમ કરતાં કરતાં તેમણે સત્યાગ્રહનું એક શાસ્ત્ર પણ વિકસિત કરેલું. અમુક પ્રકારની તૈયારીઓ વિના અમુક પ્રકારનાં પગલાં ન ભરાય, સત્યાગ્રહીઓની પોતાની આગવી એક શિસ્ત હોવી જોઈએ, જેલમાં જનાર સત્યાગ્રહીઓનો વહેવાર કેવો હોવો જોઈએ, સત્યાગ્રહ અંગે ચાલતી વાટાઘાટોમાં કઈ બાબતોમાં બાંધછોડ થઈ શકે અને કઈ બાબતમાં મચક ન અપાય વગેરે વગેરે. બીજી બાજુ એમણે શરૂ કરેલા દરેક સત્યાગ્રહમાં પગલાં લેવાની રીત દરેક સત્યાગ્રહ વખતે આગવી જ હતી. ક્યાંક વિરોધ પ્રદર્શન હોય, ક્યાંક બહિષ્કાર હોય, ક્યાંક વિનયપૂર્વક કાયદાનો ભંગ હોય, ક્યાંક કર ન ભરવાનો હોય વગેરે. વળી સત્યાગ્રહની આખી ઝુંબેશ દરમિયાન પણ જુદા જુદા પ્રકારની વ્યૂહરચનાઓ ગોઠવતા રહેવું પડતું હતું. ગાંધીજીએ સત્યાગ્રહનું શાસ્ત્ર તો પ્રત્યક્ષ સત્યાગ્રહ આચર્યા પછી કેળવેલું અને એને અંગે તેમને બોલવાનું કે લખવાનું થયેલું. પણ સત્યાગ્રહના દરેક પગલા વખતે, પ્રતિપક્ષી સાથેના દરેક વ્યવહાર વખતે ગાંધીજીને નવી નવી રીતો અજમાવવી પડતી. આ મુજબ જે સિદ્ધાંતો તૈયાર થતા તેમાંથી સત્યાગ્રહનું શાસ્ત્ર બન્યું અને અલગ અલગ સત્યાગ્રહ વખતે તેમણે વાપરેલી કુનેહમાં સત્યાગ્રહની કળા પ્રગટ થઈ. એમ તો શાસ્ત્ર પણ વિકસતું જતું હતું અને કળા પણ ખીલતી જતી હતી. પણ સત્યાગ્રહ આંદોલનમાં શાસ્ત્ર અને કળા બંનેનાં આગવાં સ્થાન હતાં. પ્રસંગાનુસાર શાસ્ત્ર ક્રમશ: વધુ દૃઢ અને સ્પષ્ટ થતું જતું અને કળા અવનવા સ્વરૂપે પ્રગટ થતી હતી. જે વ્યક્તિત્વ અખંડ અને અવિચ્છિન્ન હતું તેમાંથી જો પૃથક્કરણ કરવા ખાતર વર્ગીકરણ કરીએ તો કદાચ કહેવું પડે કે સત્યાગ્રહનું શાસ્ત્ર ગાંધીજીની બુદ્ધિ અને ચિંતનની નીપજ હતી. એની કળા ગાંધીજીની હૈયાસૂઝમાંથી સહજ રીતે પ્રગટ થતી હતી.
સત્યાગ્રહના શાસ્ત્ર અને કળાના વિકાસમાં ગાંધીજીની પૂર્વ અને પશ્ચિમ બંનેની કેળવણીનો ચોક્કસ ફાળો હતો એમ કહી શકાય. એમ તો આ બંને સ્રોતસ્થાનો વિષે પણ ભેદ પાડવા એ બહુ યોગ્ય નથી. કારણ, ગાંધીજીના આખા વ્યક્તિત્વમાં બંનેનો સમન્વય થયેલો હતો. પણ ગાંધીજીની લાક્ષણિકતા સમજવા ખાતર આપણે એનો અહીં સહેજ ઉલ્લેખ કરી લઈએ. ગાંધીજીની શ્રદ્ધા, જીવનમૂલ્યો પ્રત્યેની તેમની નિષ્ઠા, જગત વિષેનો તેમનો મંગળ અભિગમ તેમને તેમના પ્રાચ્ય સંસ્કારમાંથી પ્રાપ્ત થયાં હતાં અને કામની ચોક્કસતા, શિસ્ત, સમયપાલન, આખી રહેણીકરણીમાં ભદ્ર નાગરિકતા ગાંધીજીને એમની પશ્ચિમી કેળવણીમાંથી મળ્યાં હતાં. આમ એમના વ્યક્તિત્વમાં આપણને પૂર્વ અને પશ્ચિમનો મનોહર સંગમ જોવા મળે છે.
વ્યક્તિ તરીકે ગાંધીજીની કેટલીક લાક્ષણિક્તાઓનો વિચાર કર્યો. હવે સામાજિક ક્ષેત્રે એમની કેટલીક વિશેષતાઓનો વિચાર કરીએ.
ગાંધીજીને મન વ્યક્તિ અને સમાજ માટેનાં નીતિનાં ધોરણો અલગ અલગ નહોતાં. આપણે બંને ધોરણો અલગ અલગ બનાવતા હોઈએ છીએ. વ્યક્તિ તરીકે કદી અસત્યાચરણ ન કરનારો માણસ વકીલ તરીકે અસત્યને પોષતો હોય છે. દુકાનના ગલ્લા પર બેઠેલો માણસ ભાવતાલમાં કે માપતોલમાં અમુક અનીતિ ચલાવવી જ પડે એમ માનતો હોય છે. એ જ વ્યક્તિ કુટુંબમાં એવી અનીતિ કરવાનો કે સહેવાનો વિચાર સુધ્ધાં નથી કરી શક્તો. ગાંધીજી, જેઓ જીવનને ભાગલામાં જોવા તૈયાર નહોતા, તે વ્યક્તિ અને સમાજ સારુ આમ નોખા નોખા ગજ વાપરવા તૈયાર નહોતા. તેથી તેઓ વ્યક્તિ તરીકે, કુટુંબના સભ્ય તરીકે જે નિયમોનો આગ્રહ રાખતા તે જ સમાજના સભ્ય તરીકે પણ પાળવામાં માનતા હતા. બલકે, તેમની શ્રદ્ધા એવી હતી કે જે સારાં કામો એક માણસ કરી શકે, તે સમાજમાં પણ પ્રચલિત થઈ શંકે. નાનપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું ત્યારે બીજો કોઈ હોત તો કદાચ તેમને એવો વિચાર આવ્યો હોત કે મોટો થઈને પણ હરિશ્ચંદ્ર જેવો કેમ ન બની શકું, પણ ગાંધીજીએ એક ડગલું આગળ વિચાર્યું – બધાં કાં હરિશ્ચંદ્ર ન બની શકે?
ગાંધીજીએ પોતાના આશ્રમો સારુ વિચારેલાં અગિયાર વ્રતો વ્યક્તિગત-સામાજિક ધોરણોના અભેદના વિચારમાંથી જ જન્મેલાં છે. તેને લીધે સમાજ અત્યાર સુધી સત્ય, પ્રેમ, ત્યાગ, અભય આદિને વ્યક્તિગત ગુણ માનીને ચાલતો હતો; તેને ગાંધીજીએ સામાજિક મૂલ્યોનું રૂપ આપવા પ્રયત્ન કર્યો. માણસ જો સમાજથી સાવ અળગો હોય, કોઈ પર્વતની ગુફામાં રહીને કુદરત જે કાંઈ બક્ષે તે જ ખાઈ પીને રહે, સમાજ સાથે એને કાંઈ નાતો જ ન હોય, તો સત્ય, પ્રેમ ત્યાગ વગેરેની કોઈ જરૂર જ ન રહે. જ્યારે બે વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે સત્ય, મિથ્યા કે અસત્યનો પ્રશ્ન આવે છે. અને બે વ્યક્તિ એટલે સમાજનું નાનામાં નાનું એકમ. આ વિચારને આધારે ગાંધીજીએ વ્યક્તિગત મનાતા ગુણોને સામાજિક મૂલ્યોનો દરજ્જો આપ્યો. એના અમલના પ્રયાસ તરીકે તેમણે વકીલાત પણ સત્યને આધાર બનાવીને કરી અને બ્રિટિશ સરકાર જોડે લડત માંડી તો તે પણ અહિંસક સાધનો વડે જ લડ્યા.
ગાંધીજીમાં લોકોને પોતાની તરફ ખેંચવાની અદ્ભુત આકર્ષક શક્તિ હતી. તેમનું વ્યક્તિત્વ એક પ્રકારે હૃદય ચુંબકત્વવાળું હતું. સરદાર વલ્લભભાઈએ એક વાર પટ્ટાભિ સીતારામૈયાને પોતાનાં સંસ્મરણો સંભળાવતાં કહેલું કે ગાંધીજીએ જ્યારે કોચરબ આશ્રમમાં આવી થાણું નાખ્યું ત્યારે હું એમની પાસે નહીં ગયેલો. કેટલાક જુવાનિયા કુતૂહલ વશ એમની પાસે જતા, તેમને હું વારતો પણ ખરો કે ત્યાં જવાનું શું કામ છે? તમારે જગતની સ્થિતિ સમજવી હોય તો અહીં આવોને? પણ હું ધ્યાનપૂર્વક એ જોયા કરતો કે એમની પાસે કોણ કોણ જાય છે અને ટકે છે. મેં જ્યારે જોયું કે એમની પાસે જનારા અને એમની પાસે રોકાઈ જનારા ઘણાખરા સાત્ત્વિક પ્રકૃતિના જુવાનિયાઓ જ હતા ત્યારે મેં એમની કિમ્મત પિછાની હતી. શું દક્ષિણ આફ્રિકામાં કે શું ભારતમાં, ગાંધીજી જ્યાં ગયા ત્યાં તેમણે અનેક લોકોનાં દિલ જીતી લીધાં હતાં. ગાંધીજીના હૃદયની એ એક વિશેષતા હતી કે એમનાથી ઘણાં સ્ત્રીપુરુષો આકર્ષાતાં. ઉપર જણાવ્યું તે ઉપરાંત તેનાં બીજાં કમ સે કમ બે કારણો પણ હતાં. એક કારણ તો દેખીતું હતું કે તેઓ દેશના જૂજ એવા આગેવાનોમાંના હતા કે જે કહેતા હતા તે કરતા હતા. કરણી અને કથનીનો ગાંધીજીનો અભેદ ઘણાને એમની તરફ આકર્ષતો. બીજું કારણ દાર્શનિક હતું. તે કાળે પોતાનું સામાન્ય દુનિયાદારીવાળું જીવન છોડીને જાહેર કામમાં જોડાનારા જુવાનોમાં ઘણા એવા હતા કે જેમને દેશની આઝાદીની તમન્ના હતી, અને બીજા એવા ઘણા હતા જેમને મોક્ષની આધ્યાત્મિક લાગણી હતી. ગાંધીજીના આશ્રમમાં અને એમના સાર્વજનિક જીવનમાં ઘણાને આ બંને પ્રકારની અભિલાષા સંતોષાતી. ત્યાં મુમુક્ષુને સંતોષે તેવું અધ્યાત્મ અને દેશભક્તોને સંતોષે તેવું રાજકારણ ભેળું થયેલું દેખાતું. આ કારણે વિનોબાજીએ કહ્યું હતું કે મારી એક ઇચ્છા હિમાલયમાં જઈને સાધના કરવાની હતી અને બીજી ઇચ્છા બંગાળ જઈને ક્રાંતિકારીઓ સાથે ભળવાની હતી. પણ સાબરમતીમાં મને બંગાળ અને હિમાલય બંને એક સાથે મળી ગયાં.
ગાંધીજીનું દક્ષિણ આફ્રિકામાં જે આન્દોલન ચાલ્યું ત્યાં અને ભારતમાં આઝાદીની લડાઈને તેમણે વળાંક આપ્યો તેમાં એક વાત સરખી હતી. બંનેમાં વિરોધ અન્યાયી વ્યવસ્થાનો હતો, કોઈ વ્યક્તિનો નહીં, તેથી તેમની ઉપર હુમલો કરનારાઓને પણ તેઓ એમ કહીને માફી બક્ષતા કે એ બિચારા એમની સમજ મુજબ વર્ત્યા છે, એમાં એમનો શો વાંક? આરોગ્યના ક્ષેત્રમાં આપણે જેમ રોગને ખતમ કરીને રોગીને બચાવવા માગીએ છીએ કે શિક્ષણના ક્ષેત્રમાં અજ્ઞાનને મટાડીને અજ્ઞાનીને ઉગારવા માગીએ છીએ તેમ રાજકારણના ક્ષેત્રમાં ગાંધીજી જુલમને ખતમ કરીને જુલમીને બચાવવા માગતા હતા.
આપણે જોઈ ગયા કે સત્ય ઉપરની એમની શ્રદ્ધા ગાંધીજીને એ વિચાર સુધી લઈ જતી હતી કે દરેકે દરેક વ્યક્તિમાં કાંઈક ને કાંઈક સારપ તો હોય જ છે અને છેવટે આખી દુનિયા ટેકરા ચડતી અને ખાડા ઊતરતી અથવા વાંકેચૂકે રસ્તે થઈ જતી હોય, તો પણ અંતમાં તો કલ્યાણની દિશામાં જ ગતિ કરે છે. ગાંધીજીના ઘણા સામાજિક કાર્યક્રમો એ બેવડી શ્રદ્ધા પર આધારિત હતા.
એવી જ એક શ્રદ્ધા ગાંધીજીને લોકો પર એટલે કે સામાન્યજનો પર હતી. દક્ષિણ આફ્રિકામાં ગિરમીટિયાઓને લઈને તેમણે જ્યારે કૂચ કાઢી ત્યારે તેઓ જોઈ શક્યા કે એક વાર જો લોકોના મનમાં ઉદ્દેશ સ્પષ્ટ થઈ જાય તો પછી તેઓ એને સારુ મોટાં-મોટાં બલિદાનો સુધ્ધાં આપવા તૈયાર થઈ શકે, હિંદમાં આવ્યા પછી સામાન્યજનો વિષે એમની શ્રદ્ધા વધુ દૃઢ થઈ હતી. તેમને એમ પણ લાગતું હતું કે ભારતીય સંસ્કૃતિમાં પ્રતિજ્ઞાપાલનનું એટલું મહત્ત્વ છે કે જે સામાન્યજનોના લોહી સુધી પહોંચી ગયું છે. એને પરિણામે જીવનના છેલ્લા દિવસોમાં ભાગલાનો નિર્ણય થઈ ગયો ત્યાર પછી પણ એમણે હિંદુસ્તાન અને પાકિસ્તાનના લોકો વિષે આશા રાખવી છોડી નહોતી. જનતા વિષેની આ અપાર શ્રદ્ધા જનતાને મન નેતાને શ્રદ્ધેય બનાવતી હતી.
ગાંધીજીના કાર્યક્રમોનાં સામાન્ય રીતે ત્રણ પગલાંને સર્વ સામાન્ય ગણાવી શકાય. તેઓ કોઈ પણ પરિવર્તનકારી કાર્યનો આરંભ પોતાની જાત કે પોતાના પરિવારથી કરતા. પછી એ બાબતનું ધ્યાન આપતા કે એનાથી દેશના અંતિમજનને લાભ થાય છે કે નહીં. એટલે સુધી કે તેમણે કોઈ આધ્યાત્મિક મૂંઝવણ હોય તો પણ એને માટે આ તિલસ્મો (તાવીજ) બતાવ્યો હતો કે તમે જીવનમાં જોયેલા સૌથી દીન દરિદ્ર માણસને યાદ કરો અને પોતાની જાતને પૂછો કે તમારું કામ એ દરિદ્રનારાયણને મદદ કરે એમ છે? જો તેમ હશે તો તમે લીધેલો રસ્તો સાચો ઠરશે. પરંતુ દરિદ્રનારાયણ, સર્વહારા, ગરીબ કે પછાત, દલિત કે પીડિત લોકોને મદદ કરનાર કામ પણ છેવટે તો આખા સમાજના હિતને ધ્યાનમાં રાખીને જ થવું જોઈએ. તેઓ સમાજમાં એક જ વર્ગ કે વર્ણનું કે જૂથનું હિત નહોતા ઇચ્છતા, પણ આખા સમાજનું હિત ઇચ્છતા હતા. તેઓ આંરભ અંત્યોદયથી કરવામાં માનતા, પણ અંતિમ લક્ષ્ય તરીકે તો સર્વોદયને જ ધ્યાનમાં રાખવાનું કહેતા હતા.
જીવનને સમગ્રતામાં જોવાને લીધે ગાંધીજીના જીવનમાં ઘણી બાબતો સમન્વિત રૂપમાં જોવામાં આવતી. બીજાઓમાં જે ગુણો પરસ્પર વિરોધી જણાઈ એકબીજાને પ્રતિબંધક હોય એવા દેખાતા તે ગાંધીજીમાં સુમેળ ખાઈને ગોઠવાઈ ગયા હોય એવા લાગતા. દાખલા તરીકે તર્કને જ સર્વોપરિ માનતા હોય તેવા ઘણા લોકો શ્રદ્ધા માત્રને અંધશ્રદ્ધા માનીને એનાથી છેટા રહેતા, પણ ગાંધીજીને તર્ક અને શ્રદ્ધા પરસ્પર વિરોધી લાગતાં નહીં, તેઓ તર્ક ગળે ન ઊતરે તે વાત સ્વીકારતા નહીં, પણ તર્ક જ્યાં પહોંચીને અટકી જાય ત્યાં શ્રદ્ધાને આધારે આગળ વધતા.
એવી જ રીતે રાજકારણમાં જે લોકો જહાલ વાળા હતા તેઓ સામાજિક સુધારા બાબત ઘણી બાંધછોડ કરતા દેખાતા. અને સમાજ-સુધારા વિષે જેઓ આગ્રહી હતા તેઓ રાજકારણ બાબત મવાળ દેખાતા હતા. ગાંધીજીની બાબતમાં સત્ય તણો આગ્રહ રાજકારણ અને સમાજ- સુધારા બંને બાબતમાં એકસરખો રહી શકતો. તેઓ રાજકારણમાં જેટલી તીવ્રતાથી સ્વરાજ મેળવવાના પક્ષમાં હતા એટલી જ તીવ્રતાથી સમાજમાંથી અસ્પૃશ્યતાને કાઢવાના પણ આગ્રહી હતા.
જેવું સમન્વયકારી ગાંધીજીનું વ્યક્તિત્વ હતું એટલું જ વિવેક કરનારું પણ હતું. ઘણા લોકો એમ માનતા કે ગાંધીજી વિજ્ઞાનના વિરોધી હતા. પણ વાસ્તવમાં તેમ નહોતું. એમ હોત તો તેઓ પોતાની આત્મકથાને ‘સત્યના પ્રયોગો’ જેવું વિજ્ઞાનીને શોભે તેવું શીર્ષક આપત જ નહીં. અને એને વિષે પ્રસ્તાવનામાં કહે છે : વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં જ પરિણામ છે એ વિશે સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિષે મારો ફાળો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકે એક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે, પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ ખરાં છે અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેનું ત્યાજ્ય અને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારને ઘડું અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા સમાચાર મને, એટલે મારી બુદ્ધિ અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિષે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ. ઉપરના ઉદ્ધરણના છેલ્લા વાક્યમાં બુદ્ધિ અને વિશ્વાસ બંને શબ્દો સાથે આવે છે એ નોંધવા જેવું છે. વિજ્ઞાન વિષે આપણે એમ કહી શકીએ કે ગાંધીજીની જીવનને નીરખવાની રીત વૈજ્ઞાનિક હતી. પણ ટેક્નોલોજીમાં કઈ ગ્રાહ્ય અને કઈ વર્જ્ય એનો નિર્ણય તેઓ માનવીય મૂલ્યોને આંખ આગળ રાખીને કરતા. આ જ એમની વિવેકદૃષ્ટિ હતી.
(ક્રમશ:)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 નવેમ્બર 2024; પૃ. 04-06 તેમ જ 23