હું તો વરસાદનું એક ટીપું,
કહો, તમને શું આપું ?
ઝરમર ઝરમર વરસાદ આપું,
દરિયો આપું, નદીઓ આપું,
ગાતું રમતું ઝરણું આપું !
હું તો વરસાદનું એક ટીપું
કહો તમને શું આપું ?
રમતું દોડતું બચપણ આપું
ધરાને ભીંજવી લીલો છમ,
લહેરાતો પાલવ પાથરું !
હું તો એક વરસાદી ટીપું,
કહો, તમને શું આપું ?
ટીપે ટીપે વૃક્ષો ઉગાડું,
પશુ પંખીને છાયા આપું,
હર્યાં ભર્યા ખેતર સીંચુ,
ધન, ધાન્ય ને પાણી આપું !
જળ ધારાથી જીવન આપું
હું તો એક વરસાદી ટીપું,
કહો તમને શું આપું ?
મન કહે મારું, હું તમને
માનવતાનું ટીપું આપું ?
ટીપે ટીપે માનવતા વરસાવું
લીલીછમ માણસાઈને છલકાવું !
બસ એટલું જો હું આપું,
તો ધન્ય ધન્ય થાતું હું એક ટીપું !
[બોસ્ટન, અમેરિકા]
e.mail : inamdarvasudha@gmail.com