અન-લૉકડાઉન
લૉકડાઉન દરમિયાન ગીતાના કેટલાક શ્લોકો સાંભળવાની તક મળી. એમાંનો એક શ્લોક અને એક શ્લોકાર્ધ મને ગીતાકારની વિરાટ પ્રજ્ઞા અને સર્વવ્યાપી સંવેદનાના અર્ક જેવો લાગ્યો. વિચાર આવ્યો કે ગીતા પર પ્રવચન આપનારા અનેક કથાકારો અને ગીતાપઠનનાં સત્રો ગોઠવનાર આયોજકો આ શ્લોકોનો મર્મ સમજ્યા છે ખરા? જો સમજ્યા હોત અને ભાવકોને તે સમજાવ્યો હોત, તો આપણા દેશમાં આટલાં અર્ધભૂખ્યા લોકો, કુપોષિત બાળકો તેમ જ સવર્ણ-અવર્ણ અને રીતિ-જાતિના આટલા અન્યાય ભેદભાવ ન હોત.
પંદરમા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં ઈશ્વર કહે છે કે હું જઠરાગ્નિ થઈને પ્રાણીમાત્રના દેહમાં વસું છું અને ચાર પ્રકારનું અન્ન પચાવું છું. દસમા અધ્યાયના બાવીસમાં શ્લોકનો ઉત્તરાર્ધ છે કે “ઇન્દ્રિયોમાં હું મન છું અને પ્રાણીમાત્રમાં ચેતના છું.”
ગીતાકારે ઈશ્વરની ઉપાસના અને સમાજસેવા – એ બંનેનો સમન્વય સાધતો એક સીધો રસ્તો આ દોઢ શ્લોકમાં બતાવ્યો છે. પ્રાણીમાત્રના દેહમાં વસનાર ઈશ્વરની ઉપાસના કઈ રીતે કરવી? ઈશ્વર પ્રાણીમાત્રના દેહમાં જઠરાગ્નિ થઈને વસે છે. એની ઉપાસનાનો ઉત્તમ ઉપાય એ છે કે પ્રાણીમાત્રને અને ખાસ કરીને માનવસમાજની દરેક વ્યક્તિને પોષક આહાર મળી રહે, એ માટે બધાએ પુરુષાર્થ કરવો જોઈએ. ઈશ્વરની ઉપાસના માટે હોમહવન કે અતિભવ્ય દેવાલયોની જરૂર નથી. એ જ રીતે ઈશ્વર માનવશરીરમાં મન થઈને વસે છે. મન એ બુદ્ધિ અને લાગણી બંનેનું આશ્રયસ્થાન છે. એટલે આ મનરૂપી ઈશ્વરને જ્ઞાનવિજ્ઞાનની અને સંવેદનશીલ સાહિત્યની સામગ્રીનું નૈવેદ્ય ધરાવવું જોઈએ. વિકસતા જ્ઞાનવિજ્ઞાનની નવીનવી વાનગીઓ પણ આવવી જોઈએ. પિરસાવવી જોઈએ.
આ દોઢ શ્લોકની જેમ જ બારમા અધ્યાયમાં આવતો એક શબ્દ બહુ મહત્ત્વનો છે. ઈશ્વરને અત્યંત પ્રિય એવા ભક્તોનાં લક્ષણ બારમા અધ્યાયમાં અપાયાં છે. (ગી. (૧૨.૪)) એમાં એક બહુ જ મહત્ત્વનું લક્ષણ છે. “સર્વ ભૂત હિતે રતાઃ” એટલે કે જે પ્રાણીમાત્રના હિતમાં રત છે. ભગવદ્ગીતાને આવું અધ્યાત્મ, ઈહવાદી અધ્યાત્મ, સાચું તત્ત્વજ્ઞાન આપવું છે. કુરુક્ષેત્રના યુદ્ધની વાત એ તો એક રૂપક માત્ર છે. આ સમાજમાં માણસે બધા માણસોના હિતમાં કામ કરવું જોઈએ. મનુષ્ય સંઘર્ષ પોતાની સાથે કરશે – ખરા લોકસંગ્રહાર્થે સજ્જ થવા સંઘર્ષ! તેમ જ સમગ્ર સમાજે સમાજ માટે કરવાનો છે.
સંત જ્ઞાનદેવે ‘જ્ઞાનેશ્વરી’ લખી છે ભગવદ્ગીતાના આવા લોકસંગ્રહને બિરદાવવા. ગ્રંથ પૂરો થતાં પહેલાં ગીતા વિશે એક સુંદર ઓવી છે.
“ગીતા નિત્કપટ માય, ચૂકોનિ તાન્હા ફિરોનિ વાય,
તે માય પૂતા ભેટી હોય, હા ધર્મ તુમચા.”
ગીતા નિત્કર્ય મા છે. નાનું બાળ ભૂલથી તેનાથી મોેં ફેરવી લઈને જુદી દિશામાં જતું રહે છે, તેનો માની સાથે મેળાપ કરાવવો એ ધર્મ છે. અહીં નાનું બાળ એટલે જુદી દિશામાં આવતો સમાજ! તે જો ભગવદ્ગીતાના આ શ્લોકોનો, શબ્દાર્થનો અર્થ સમજે, તો સમાજમાં સંવાદિતા સ્થપાય.
નવરંગપુરા, અમદાવાદ – ૦૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 16