ખુદને મૂલવતો રહ્યો :

મૂકેશ પરીખ
31-08-2021

રોક્યો રોકાણો નહિ, હું બોલતો જ રહ્યો,
એક પછી એક રહસ્ય હું ખોલતો જ રહ્યો.

છેક હૃદયના તળિયેથી વાતો વાગોળ્યા કરી,
ખોબે ખોબે આખો દરિયો હું ઉલેચતો રહ્યો.

દિલની ઊર્મિઓની કિંમત પણ સમજાઈ ગઈ,
લાગણીઓને બેરહમપણે હું રગદોળતો રહ્યો.

કમાનેથી છૂટેલ તીર પાછું ખેંચાય નહિ તેથી,
પહેલેથી જ સમયસર શબ્દોને હું તોલતો રહ્યો.

અટવાયો છું મુલાકાતો-વાતો-રાતોના દોરમાં,
ધુંધવાયો, રઘવાયો એ સમયને હું ખોળતો રહ્યો.

નકામો નીવડ્યો હતો જગતની નજરમાં ‘મૂકેશ’,
તો શું થયું, મારી જાતે જ ખુદને હું મૂલવતો રહ્યો.

e.mail : [email protected]

Category :- Poetry / Poetry