પ્રાણવાયુ

દુર્ગેશ ઓઝા
13-05-2021

કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઠેરઠેર જોવા મળે છે કે ઓક્સિજનના મશીન, ઇન્જેક્શન વગેરેનું પ્રમાણ ઓછું .. દરદીઓથી ઊભરાતી હોસ્પિટલ્સ. ભયનો માહોલ .. એ સામે એવું લાગે છે કે માણસ પોતે પણ આ બીમારી માટે જવાબદાર નથી શું? પ્રદૂષણ, વૃક્ષોનો વાળી દેવાતો સોથ, અસ્વચ્છતા વગેરે ... જો એ હટે તો રોગ ઘટે / મટે, પર્યાવરણનું જતન માણસજાતના અસ્તિત્વનો એક આધાર છે. એવો સંવાદી સંદેશ મારી આ લઘુકથામાં વણી લેવાનો પ્રયત્ન છે. આશા છે એ આપને ગમશે. 

લઘુકથા

વતનમાં કે બહારગામમાં, સરકારી હોય કે ખાનગી, એકેય દવાખાનામાં ક્યાં ય જગ્યા જ નહોતી. શહેરના અગ્રણી ને ધનવાન એવા મનોજકુમાર કોરોના વાયરસની બીમારીમાં સપડાયા હતા. એ મોં માંગ્યા પૈસા દેવા તૈયાર હતા, પરંતુ એકેય પથારી ખાલી નહીં! દરદીઓનો ધસારો ને તનને ઘસારો. સરકારી દવાખાનાની બહાર ખુલ્લામાં ખાટલાની વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં માંડમાંડ મેળ પડ્યો. ઓક્સિજન લેવલ ઘણું નીચું. ફેફસાંમાં કફ વધારે, જેમાં ચેપનું પ્રમાણ સાઈઠ ટકા, જે ચિંતાજનક! ઇન્જેક્શનો ખૂટી પડ્યાં હતાં. ઓક્સિજન પૂરો પાડતા મશીનમાંનું એકેય ફાજલ નહોતું. જો કે તબીબો ભલા ને કુશળ. એમણે થઇ શકે એ સઘળી સારવાર તરત જ શરૂ કરી દીધી.

લીંબુનું શરબત, હળદર, સૂંઠ, આદુ, તાજાં ફળો .. વગેરેનો મારો ચાલુ. અચાનક, થોડી વારમાં જ મનોજકુમારનું ઓક્સિજનનું લેવલ સુધર્યું. એ સ્વસ્થ ને કુટુંબીજનો સ્તબ્ધ! અકલ્પ્ય ..!

બે જ દિવસમાં એ સાજા થઈ ગયા. ત્રીજા દિવસે તો એ સાજાસારા પણ થઇ ગયા. અત્યાર સુધી એણે બહુ પૈસા બનાવ્યા હતા. રસ્તા પહોળા કરવામાં જરૂર ન હોવા છતાં ..! હવે એણે પોતાના મકાનના વિશાળ ફળિયામાં રહેલી લાદીઓ ઉખડાવી માટી નખાવી અને ..! આ ફળિયા ઉપરાંત સમગ્ર શહેરમાં એ ...!

પેલા સરકારી દવાખાનાના સંકુલમાં બહાર જે ખુલ્લી જગ્યાએ મનોજકુમારને રાખવામાં આવ્યા હતા, એની ઉપર ઘટાદાર કડવા લીમડાનું ઝાડ હતું, ને બાજુમાં હતો વડલો.

0 0 0 - - - 0 0 0 

(‘ફૂલછાબ’ સમાચારપત્રની તા.૨૧/૦૪/૨૦૨૧ની પંચામૃત પૂર્તિમાં પ્રકાશિત અહીં થોડા ફેરફાર સાથે)

E Mail: [email protected]

Category :- Opinion / Short Stories