વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ અને જય જગત

આરાધના ભટ્ટ
21-04-2021

‘ઓપિનિયન’ એ વિચારપત્ર છે અને એના રજત પડાવે આ અવસર રચાયો છે તેથી બે શબ્દોની વાતથી શરૂઆત કરું. એક શબ્દ છે ‘ઓપિનિયન’, એ શબ્દના ગુજરાતી પર્યાય અભિપ્રાય, મત, મંતવ્ય કરીએ. બીજો શબ્દ છે ‘વિચાર’. અભિપ્રાય અને વિચાર - આ બંને શબ્દો વિદેશમાં વસતા સમુદાય સંદર્ભે મહત્ત્વના છે. વિચાર એ અભિપ્રાયનું ઉદ્ગમસ્થાન છે. વિચાર પ્રેરવા માટે માહિતી અને સંવેદનક્ષમતા જરૂરી છે. લોકો જ્યારે દેશમાંથી પોટલાં બાંધીને વિદેશ નિવાસાર્થે ગમન કરે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ સાથે લઇ જાય છે. પણ સાથે લઇ જવાની એ બધી ભૌતિક વસ્તુઓની યાદીમાં આ બે અભૌતિકો પાછળ રહી જાય છે. બાલમુકુંદ દવેનું કાવ્ય ‘જૂનું ઘર ખાલી કરતાં’ની પંક્તિ છે ‘શું શું સાથે લઇ જઈશ હું?’ − કહેવાનું તાત્પર્ય એ છે કે નવા દેશમાં જઈને ઠરીઠામ થવામાં અને રોટલો રળવામાં આપણે એવાં જોતરાઈ જઈએ છીએ કે દેશ-વિદેશના પ્રવાહો વિષેની માહિતી અને એના આધારે વિચાર, વિચારમાંથી ઉદ્દભવતા અભિપ્રાય, અને લોકશાહી ઢબે એ અભિપ્રાયની અભિવ્યક્તિ અને આદાન-પ્રદાનની પ્રક્રિયાથી આપણને છેટું થઇ જાય છે. વાંચન, વિચાર, બંને દેશોના અને દુનિયાના સાંપ્રત સામાજિક-સંસ્કૃતિક-રાજકીય પ્રવાહોની માહિતી અને વિચાર વિમર્ષમાં આપણે ક્યાંક પાછાં પડીએ છીએ એવો મારો અનુભવ છે. અને તેથી ‘ઓપિનિયન’ જેવી વેબસાઈટ એ દેશાંતરિતોની આજની અને આવતી પેઢીઓ માટે અત્યંત ઉપકારક છે.

વારસાની ભૂમિ એટલે શું? પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ વચ્ચે, રેખાઓથી બનેલા કોઈક ચોક્કસ આકારનો જમીનનો એક ટૂકડો? ના, ભૂમિ એટલે જે તે ભૂમિ પર વસતા લોકો, એ લોકોનો બનેલો સમાજ, જે સંસ્કૃતિના પાયા પર એ સમાજ રચાયો છે એ સંસ્કૃતિ, અને જે પરંપરાની ધરોહર પર એ સંસ્કૃતિ ટકી છે એ પરંપરા. વળી વારસાની ભૂમિ એકથી વધુ પણ હોઈ શકે છે. ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આફ્રિકાના કોઈક દેશમાં જન્મી હોય, વિલાયતમાં અભ્યાસ કર્યો હોય અને પછી જો એ ઓસ્ટ્રેલિયા આવીને સ્થાયી થાય તો એનો વારસો, એની જીવન જીવવાની તરેહ, એની વિચાર પદ્ધતિ ભારત, આફ્રિકા, વિલાયત એમ ત્રણે ભૂમિ સાથે સંકળાયેલી સંસ્કૃતિની ઉપજ હોય. વળી સમાજો પરિવર્તનશીલ છે. સમય સાથે દરેક સ્થળ અને એનું જનજીવન પરિવર્તનોમાંથી પસાર થાય છે. ડાયાસ્પોરાના લોકો જ્યારે વતન જઈને પાછા ફરે છે ત્યારે વતનના પરિવર્તનથી ક્યારેક વ્યથિત થાય છે તો ક્યારેક એના વિષે ટીકાત્મક વલણ ધરાવે છે. પણ શું પરિવર્તન સાર્વત્રિક અને અનિવાર્ય નથી? આપણે જે દેશને અપનાવ્યો છે એ દેશ પણ ક્યાં પરિવર્તનથી પર છે? હકીકત એ છે કે આપણે જ્યાં આવીને વસ્યાં છીએ એ સમાજનું પરિવર્તન આપણે વધુ સરળતાથી સ્વીકારી શકીએ છીએ કારણ કે આપણે એ પરિવર્તનના ભાગ છીએ. સમાજોની આ પરિવર્તનશીલતાને કારણે વતનઝૂરાપો એક બહુ જ જટિલ અને પેચીદો મુદ્દો બને છે. આપણને કયા વતનનો ઝૂરાપો છે અથવા હોઈ શકે? જે વતનને આપણે પાછળ મૂકીને આવ્યાં એ વતન? જો દાયકાઓ પહેલાંના એ વતનને આપણે શોધતાં હોઈએ તો એ વતન તો હવે ક્યાં ય નથી. અને વતન આજે જેવું છે એને તો આપણે ઓળખતાં જ નથી. તે વખતે પ્રશ્ન એ થાય અને કરવો રહ્યો કે આપણા વતનનો ચહેરો બદલાયો છે કે આત્મા બદલાયો છે? દેશાંતર કરીને વિદેશોમાં વસતા કોઇ પણ વ્યક્તિના જીવનમાં છેલ્લાં દસેક વર્ષમાં આવેલી ટેકનોલોજીની ક્રાંતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઈન્ટરનેટને કારણે પ્રત્યાયનની વધેલી સુવિધાઓએ ઘરઝૂરાપાને ધરમૂળથી ઉખેડવા માંડ્યો છે, અથવા ઓછો કર્યો છે. આજનો માઈગ્રન્ટ માત્ર ભૌગોલિક દૃષ્ટિએ વતનથી દૂર છે, તે સિવાય બધી જ રીતે એ વતન સાથે સંકળાઈ શકે છે.

ડાયસ્પોરાની દરેક વ્યક્તિ એ દ્વિજ છે. એને એક જન્મમાં બેવડો જન્મ મળ્યો છે. પણ તેની સાથે એનું બેવડું ઉત્તરદાયિત્વ પણ બને છે. દાખલા તરીકે હું ઓસ્ટ્રેલિયામાં વસું છું ત્યારે અહીંના સમાજમાં હું ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરું છું અને જ્યારે હું ભારત જાઉં ત્યારે ઓસ્ટ્રેલિયાના સમાજમાંથી મેં જે આત્મસાત કર્યું છે એની હું વાહક બનું. ડાયસ્પોરા માટે દેશપ્રેમનું વિભાવન પણ સમજણ માંગી લે એવું છે. આપણે ભારતીયો ક્યારેક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચે ગૂંચવાતા હોઈએ એવું મેં જોયું છે. જો તમે રાષ્ટ્રવાદી છો તો તમે તમારા દેશબંધાવો સિવાય સર્વને ધિક્કારો છો, પરંતુ તમે જો રાષ્ટ્રપ્રેમી છો તો તમે સૌનો સ્વીકાર અને સૌને પ્રેમ કરી શકો છો.

દેશાંતર હવે સામાન્ય બનતું જાય છે ત્યારે એ રાજકારણનો, સમાજકારણનો અને મનોવિજ્ઞાનનો મુદ્દો બન્યો છે. બીજા દેશમાં જઈને વસવાટ કરીએ ત્યારે integration, assimilation જેવા શબ્દો રાજ્યકર્તાઓ પાસેથી વારંવાર સાંભળીએ છીએ. સમાનાર્થી જણાતા આ બે શબ્દો વચ્ચે એક સૂક્ષ્મ ભેદ છે. Integrationનો અર્થ પોતાનું જે છે એ જાળવીને બીજું અપનાવવું એવો થાય છે, જ્યારે assimilationમાં પોતાનું જે છે એ ત્યજીને નવા સાથે તાદાત્મ્ય સાધવાનો અર્થ સમાયેલો છે. ગુજરાતી ડાયસ્પોરા સંદર્ભે જોઈએ તો આ બંને શબ્દો સાથે સંકળાયેલો બીજો એક શબ્દ છે bi-lingualism અથવા દ્વિભાષીપણું. ભાષાવિજ્ઞાનીઓ બે જાતના દ્વિભાષીપણાની વાત કરે છે : Subtractive bi-lingualism અને additive bi-lingualism. પહેલા પ્રકારના દ્વિભાષીપણામાં વ્યક્તિ પહેલી ભાષા અથવા મૂળ ભાષાને ભૂલતી જાય અને બીજી ભાષા અપનાવે, જ્યારે બીજા પ્રકારમાં વ્યક્તિ પહેલી ભાષા જાળવી રાખે અને બીજી ભાષા સમાંતરે ચાલે. ગુજરાતીઓ પર પહેલી ભાષા ભૂલી જઈને અંગ્રેજી ભાષા અંગીકાર કરવાનો આરોપ છે. ડાયસ્પોરાની પહેલી પેઢી કદાચ મૂળ ભાષા જાળવી શકે છે, પરંતુ જ્યારે બીજી પેઢીનો સવાલ આવે ત્યારે મોટે ભાગે મૂળ ભાષા ભૂંસાતી જોવા મળે છે.

નવા દેશમાં વસવાટ કરવામાં જે તે દેશની સ્થાનિક પ્રજા દ્વારા નવાગંતુક વસાહતીઓનો સ્વીકાર થાય અને બધી જ પ્રજાઓ હળીમળીને સંવાદી સમાજનું ઘડતર કરે એ એક આદર્શ છે. પરંતુ આજે પણ દુનિયાભરમાં વંશવાદથી પ્રેરિત અનેક દુર્ઘટનાઓ ઘટે છે. વંશવાદી વૃત્તિનાં મૂળ કદાચ મનુષ્યની અન્ય કરતાં પોતાને ચડિયાતા માનવાની જરૂરિયાતમાં રહેલાં છે. પોતે બીજા કરતાં જુદો છે એનાથી એને સંતોષ નથી તેથી એ પોતાને બીજાથી ચડિયાતો ગણે છે અને એમાંથી એ અન્ય પ્રત્યે દુર્વ્યવહાર અને તિરસ્કારયુક્ત વર્તન કરે છે. આજે અનેક દેશોની સરકારોએ વંશવાદ વિરોધી કાયદાઓ ઘડ્યા છે, એનાથી વંશવાદી વર્તનના પ્રકાર બદલાયા છે, વંશવાદ હવે વધુ સૂક્ષ્મ સ્વરૂપે વ્યક્ત થાય છે અને તેથી સૂક્ષમ સ્વરૂપે એનો સામનો કરવાનો સમય આવ્યો છે. વંશવાદ બંને પક્ષે હોઈ શકે, અને જેમ જેમ ડાયસ્પોરા સંખ્યાની દૃષ્ટિએ વિસ્તરતો જાય છે એમએમ રીવર્સ રેસિઝમ એટલે કે અવળો વંશવાદ પ્રગટ થઇ રહ્યો છે. પોતાના વતનમાંથી દેશાંતર કરીને બીજા દેશમાં સ્થિર થયેલો જનસમૂહ ત્યાંની મૂળ વતની પ્રજા સાથે ભેદભાવયુક્ત વર્તન કરે એવા ઘણા કિસ્સા નોંધાઈ રહ્યા છે. ‘હું મારા ધંધામાં આપણા ગુજરાતીઓને/ભારતીયોને જ નોકરી આપું.’ અથવા એનાથી પણ આગળ જઈને ‘હું મારા ધંધામાં આપણી જ્ઞાતિના લોકોને જ નોકરી આપું’ આવી ઘટનાઓ એ આજની વાસ્તવિકતા છે. આજે પણ દેશ-વિદેશમાં પથરાયેલો ભારતીય ડાયસ્પોરા અનેક જાત-જ્ઞાતિ- ભાષા-રાજ્ય-ગામના આધારે રચાતાં મંડળો અને સંસ્થાઓમાં વિભાજીત છે એની સખેદ નોંધ લેવી જ પડે.

પહેલી પેઢીના દેશાંતરિતો પોતાનું મોટા ભાગનું જીવન પોતાની અસ્મિતા શોધવામાં અને પોતાના ચિત્તમાં એ અસ્મિતાને પ્રસ્થાપિત કરવામાં ગાળે છે. અસ્મિતાની શોધમાંથી ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે, જેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ માટેનો અને મનોવિજ્ઞાનીઓ માટેનો વિષય છે. પરંતુ જગતનો છેલ્લાં પચીસ-પચાસ વર્ષનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે દુનિયામાં થયેલા મોટા ભાગના આતંકી હુમલાઓ પાછળ ઇમિગ્રન્ટસની બીજી પેઢી રહેલી છે. અસ્મિતાની કશ્મકશમાંથી સર્જાતી આંતરિક કટોકટીનું આ પરિણામ હોઈ શકે. તો બીજી તરફ બેવડી અસ્મિતાનો સ્વીકાર કરવાથી સકારાત્મક પરિણામો પણ આવી શકે જો આ દ્વૈતનો ઉપયોગ પ્રજાઓ વચ્ચે સંવાદ રચવામાં કરી શકીએ. વ્યક્તિમાત્રમાં plurality છે, એ હકીકતનો સ્વીકાર કરી શકીએ તો સમાજમાં પ્રવર્તતી વિવિધતા સાથે આપોઆપ તાલમેલ થઇ શકે અને જય જગતનો મંત્ર ચરિતાર્થ થાય, કારણ કે નાગરિક ધર્મ અને માનવ મૂલ્યો આખરે દેશ-કાળથી પર છે.

ફાધર વાલેસના પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઈફ : એન એન્કાઉન્ટર ઓફ કલ્ચર્સ’માં એમણે નોંધેલી એક વાતથી સમાપન કરું છું. રૂડયાર્ડ કિપલિંગના ‘બેલડ ઓફ ધ ઇસ્ટ’ની જાણીતી પંક્તિ છે ‘East is East and West is West and never the twain shall meet’. એ વિષે ફાધર આ પુસ્તકમાં લખે છે કે આ પંક્તિને એના સંદર્ભ બહાર લેવાથી ઘણી ગેરસમજ સર્જાઈ છે. એ કાવ્યની ચાર પંક્તિઓ જોઈએ તો કિપલિંગ શું કહેવા માંગે છે સ્પષ્ટ થશે.

“Oh East is East, and West is West, and never the twain shall meet,
Till Earth and Sky stand presently at God’s great Judgement Seat;
But there is neither East nor West, Border nor Breed, nor Birth
When two strong men stand face to to face tho’ they come from the ends of the earth!”

દુનિયાના બે છેડે વસતી બે સક્ષમ વ્યક્તિઓ જ્યારે મળે ત્યારે જન્મ, જાત કે રાષ્ટ્રોની સીમાઓ નિરર્થક બને છે.

e.mail : [email protected]

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Category :- Diaspora / Features