આકાશી વીજળીથી બચવાનો ઉપાય

ચંદુ મહેરિયા
15-07-2020

શું આપણાં દેશમાં માણસની જિંદગીની કોઈ કિંમત જ નથી? હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને બિહાર તથા ઉત્તરપ્રદેશમાં આકાશી વીજળી પડવાથી દોઢસો અને ગુજરાતમાં પંદર લોકોનાં મોત થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ, વીજળી પડવાથી છેલ્લાં પંદર વરસમાં (૨૦૦૦થી ૨૦૧૪) ૩૨,૭૪૩ એટલે કે દર વરસે સરેરાશ ૨,૩૩૮ લોકો પોતાના જીવ ગુમાવે છે. વીજળી પડવાથી મોટા ભાગે ખેડૂતો, ખેતકામદારો અને બીજા શ્રમિકોનાં વધુ પ્રમાણમાં મોત થતાં હોય છે. એટલે બનાવના દિવસે તેને કદાચ છાપામાં સ્થાન મળે, થોડા લાખ રૂપિયાની સરકારી રાહત જાહેર થાય અને નેતાઓના દિલસોજીના સંદેશા (હવે ટ્વિટર પર) વગેરેની ઔપચારિકતા થાય છે તે પછી  આવતા ચોમાસા સુધી બધું ભુલાઈ જાય છે.

દર વરસે વીજળી પડવાના વિશ્વમાં ૨.૫ કરોડ બનાવો બને છે. ઝારખંડમાં એક ગામમાં એટલી બધી વખત વીજળી પડે છે કે તે ગામનું નામ જ વજ્રમારા (વીજળીનો માર ઝીલનાર) છે. બીજી મે, ૨૦૧૮ના દિવસે આંધ્રપ્રદેશમાં એક જ દિવસમાં વીજળી પડવાના ૪૧,૦૨૫ બનાવો બન્યા હતા. તે પહેલાં એપ્રિલ ૨૦૧૮ની તેરમી તારીખે તેર કલાકમાં ૩૭,૦૦૦ વખત વીજળી પડી હતી. ૧૯૭૫માં ઝિમ્બાબ્વેમાં વીજળીના એક જ કડાકે ૨૧ લોકોનાં મોત થયાં હતાં. આંધ્રમાં આકાશી વીજળીનો એક જ ઝબકારો ૧૯નાં મોતનું કારણ બન્યો હતો. ૧૯૯૪ના વરસમાં ઈજિપ્તમાં એક ઓઈલ ટેન્કર પર વીજળી પડતાં એક સાથે ૪૬૯નાં મોત થયાનો અતિ કરુણ વિક્રમ છે.

કુદરતી આફ્તોથી થતાં મોતમાં વીજળી પડવાથી થતાં મોતનું પ્રમાણ ૩૯ ટકા જેટલું ઊંચું છે. ૨૦૧૯માં ગુજરાતમાં વરસાદને કારણે કુલ ૧૯૯ લોકોનાં મૃત્યુમાં ૫૪ મોત વીજળી પડવાથી થયાં હતાં. આકાશી વીજળીથી લોકોને ભોગ બનતાં અટકાવવાના ઉપાયો થઈ રહ્યા છે. અમેરિકામાં વીસમી સદીના સાતમા દાયકામાં દર વરસે વીજળી પડવાથી સરેરાશ ૧૦૦ નાગરિકોનાં મોત થતાં હતાં જે ૨૦૧૫માં ઘટીને માત્ર ૨૭ થઈ ગયાં છે, પરંતુ ભારતમાં તેનું પ્રમાણ ઘટતું નથી. અન્ય કુદરતી આફ્તોની જેમ આકાશી વીજળી પડવાનું પણ પૂર્વાનુમાન થઈ શકે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોના હવામાન વિભાગો તે માટેની આગાહી કરતા હોય છે ઇન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજી પૂણે દ્વારા લાઈટિંગ સેન્સર મશીનો વિકસાવાયાં છે. જે દેશના સંભવિત અસર ધરાવતા વિસ્તારોમાં લગાવાયા છે. તેનાથી ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં વીજળી પડવાનું પૂર્વ અનુમાન લગાવી શકાય છે. નેશનલ સેન્ટર્સ ફેર અર્થ સાયન્સ સ્ટડીઝ, તિરુવનંતપુરમ્‌ દ્વારા છ રાજ્યોમાં લાઈટનિંગ ડિટેક્શન નેટવર્ક સ્થાપિત કર્યું તે વીજળી પડવાની આગાહી કરી શકે છે, ખાટલે મોટી ખોડ એ છે કે તેને લોકો સુધી પહોંચાડાતી નથી.

દેશમાં જે બાર રાજ્યોમાં વીજળી પડવાની ઘટનાઓ બને છે તેમાં મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષાએ હવામાન વિભાગે ‘દામિની’ અને બિહાર રાજ્યે ‘વજ્રઈન્દ્ર’ નામક મોબાઈલ એપ બનાવી છે. આ મોબાઈલ એપ લગભગ ૪૫ મિનિટ પહેલાં વીજળી પડવાની ઘટનાનું એલર્ટ આપે છે. ‘દામિની’ એપ દેશના એક લાખ લોકોએ અને ‘વજ્રઈન્દ્ર’ એપ બિહારના દસ હજાર લોકોએ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી છે. મોબાઈલ એપ શહેરોમાં કારગર બની શકે પરંતુ ગામડાંઓમાં લોકો પાસે સ્માર્ટ મોબાઈલ ફોન હોતા નથી કે નેટવર્કના પ્રશ્નો પણ હોય છે. જેમણે આ મોબાઈલ એપ અપનાવી છે તેમનો અનુભવ પણ સારો નથી. લાઈટનિંગ અરેસ્ટર મશીન વીજળી પડવાથી બચવાનો સૌથી અસરકારક ઉપાય છે. જે વીજળીને પોતાનામાં સમાવી લઈ બિનઅસરકારક બનાવે છે. વજ્રમારામાં અને બીજે જ્યાં તે લગાવાયાં છે ત્યાં સારાં પરિણામ મળ્યાં છે. તાડ અને નાળિયેરનાં ઝાડ ઊંચાં હોય છે અને તે વીજળી પડતી પોતાનામાં સમાવી લે છે અને તેને ભોંયમાં ભંડારી દે છે. બાંગ્લાદેશમાં તાડનાં ઝાડ આકાશી વીજળી સામેનું અસરકારક હથિયાર પુરવાર થયું છે. એટલે ભારતમાં પણ તે અપનાવવું જોઈએ.

વીજળીથી બચવા કેવી રાખવી જોઈએ તેના પ્રચારપ્રસારનો અભાવ છે. બિહારમાં ગયા વરસે વીજળી પડવાથી જે ૩૦૦ લોકોનાં મોત થયાં હતાં તેમાંથી ૨૦૦ લોકોએ ઝાડનો આશરો લીધો હોવાથી મૃત્યુ પામ્યા હતા, કેમ કે વિદ્યુતનાં સુવાહક વૃક્ષો જીવલેણ છે તે લોકોને ખબર નથી. આકાશી વીજળીથી બચવા ઘરમાં કે સલામત જગ્યાએ રહેવું, ખેતરમાં ખુલ્લામાં હોઈએ તો સૂકી જગ્યાએ રહેવું. ઊભા ન રહેવું કે જમીન પર સૂઈ ન જવું પણ બે પગ ભેગા રાખીને માથું નીચે નમાવીને સૂકી જમીન પર બેસવું, વીજળી અને ખેતીના ધાતુનાં સાધનોથી દૂર રહેવું જેવા ઉપાય અજમાવવાથી બચી શકાય છે.

બહુ મોડેથી સરકારોએ કુદરતી આપદાઓની સૂચિમાં આકાશી વીજળી પડવાની ઘટનાને સમાવી છે. ૨૦૧૦થી ગુજરાત સહિતની રાજ્ય સરકારો મૃત્યુ પામનારના કુટુંબને ચાર લાખ રૂપિયાની સહાય કરે છે. ગુજરાતના રૂ.૨.૧૬ કરોડ સાથે આખા દેશમાં વાર્ષિક રૂ.૯૩.૫૨ કરોડ વીજળી પડવાથી મોત પામનારના પરિવારને સહાય તરીકે આપે છે, પરંતુ આના કરતાં ઓછા ખર્ચમાં લાઈટનિંગ અરેસ્ટર મશીન લગાવી શકાય છે અને તાડનાં ઝાડ ઉછેરી શકાય છે. આકાશી વીજળી ત્રાટકવાની બાબતને કુદરતનો કેર, કોપ કે નારાજગી માની લેવાને બદલે તેને ધરમૂળથી ખતમ કરવાના ઉપાય અજમાવવા જોઈએ.

e.mail : [email protected]

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 15 જુલાઈ 2020

Category :- Opinion / Opinion