લ્યો હું આવી ઊભો ચોક!

પંચમ શુક્લ
01-07-2020

ટિકટોક પર લાગી રોક,
ક્યાં જઈ કરશો ઠોકાઠોક?

વતરણા આવે ને જાય,
ઠોઠ ન મૂકે એની પોક!

ગુરુ-શિષ્યનો છે આ દેશ,
ઑનલાઈનનું ભણતર ફોક!

ઊંડા પાણી કાઢે બોર,
ત્યાં ના ચાલે ફાટી બોક!

ભક્તો કરતાં પોંખાપોંખ,
ને નાસ્તિકો ટોકાટોક.

જ્ઞાન બધું નાખ્યું છે ગોખ,
ખોટી ચલગતનો શો શોક?

'અખાભગત'ને ભૂલ્યા લોક,
લ્યો હું આવી ઊભો ચોક!

Email: [email protected]

Category :- Poetry