સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા

સુમન શાહ
09-06-2020

સૌને નમસ્કાર.

પહેલી નજરે લાગે કે સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા એકબીજાંનાં વિરોધી છે, પણ ઊંડું વિચારતાં લાગશે કે એમ નથી. સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા બન્ને માનવમનના જ સુન્દર અને સમુપકારક આવિષ્કારો છે.

હા, બન્નેનાં સ્વરૂપ અને કાર્ય જુદાં છે. સાહિત્યકલા મુખ્યત્વે હૃદયસ્થ ભાવોની વાત કરે છે, આનન્દ આપે છે, જ્યારે અધ્યાત્મવિદ્યા મુખ્યત્વે ચિત્તમાં વસતા જ્ઞાનની વાત કરે છે, જ્ઞાનનું સંવર્ધન કરે છે. ‘મુખ્યત્વે’ એટલા માટે કહું છું કે જ્ઞાનની વાતમાં ભાવ નથી ભળ્યા એમ નથી અને એ જ રીતે ભાવની વાતમાં જ્ઞાન સમ્મિલિત નથી એમ પણ નથી. એટલે સુધી કહી શકાય કે હૃદય અને ચિત્ત એકબીજાને પૂછે છે, બન્ને વચ્ચે નિરન્તરનો સંવાદ ચાલતો હોય છે. ઘણીયે વાર લાગે કે બન્ને જુદાં નથી, એકાકાર છે.

અને એ જ ભૂમિકાએ મારે કહેવું છે કે સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા પણ એકાકાર થઈ ગયાં હોય છે. મારા આ કીનોટ ઍડ્રેસનો કેન્દ્રવર્તી સૂર પણ એ જ છે કે કલા અને વિદ્યા વચ્ચે કશો પ્રચણ્ડ વિરોધ કે ઘાતક ભેદ નથી, પણ આકર્ષક એવી અભિન્નતા છે, અભેદ છે. હું નામોલ્લેખ કરીને સમાપન કરીશ કે વિશ્વને એવા મનીષીઓ મળ્યા છે, મળતા રહે છે, મળવાના છે, જેમનાં સર્જનોમાં આ બન્ને માનવીય આવિષ્કારોનું રસપ્રદ સાયુજ્ય અને એકત્વ સિદ્ધ થયું હોય છે અને ઘણી સરળતાથી અનુભવાતું હોય છે.

જરા નિરાંતે સમજીએ.

મનુષ્યદેહ, આ શરીર, એક સાવ જ વાસ્તવિક વસ્તુ છે. દેહને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, જાણી-માણી શકાય છે. એ અર્થમાં દેહ સ્થૂળ છે, પાર્થિવ છે, ફિઝિકલ છે.

પણ એવા દેહમાં દસ ઇન્દ્રિયો છે, જેમાંની પાંચ જ્ઞાનેન્દ્રિયો છે -ચક્ષુ કર્ણ ઘ્રાણ જિહ્વા અને ત્વચા. બીજી પાંચ કર્મેન્દ્રિયો છે - હાથ પગ મુખ જનનેન્દ્રિય અને ગુદા.

ઉપરાન્ત, દેહમાં હૃદય અને મસ્તિષ્ક પણ છે. હૃદય અને રુધિરાભિસરણની ક્રિયાને પરિણામે મનુષ્યથી જીવતા રહેવાય છે. મસ્તિષ્કની ક્રિયા-પ્રક્રયાઓને પરિણામે આસપાસના વિશ્વ સાથે મનુષ્ય જોડાયેલો રહે છે. ઉપરાન્ત, માણસ પાસે ભાવો અને લાગણીઓ જન્માવનારું એક બીજું અનુભાવ્ય હૃદય પણ છે. નીતિ-અનીતિ આચારવિચાર અને સદાચારનો વિવેક કરી આપનારું માણસ પાસે અન્ત:કરણ પણ છે. એની પાસે એક ચેતના નામની વસ્તુ પણ છે. વળી, એની પાસે ચેતનાને વિશેની ચેતના પણ છે, જેને અન્તરાત્મા કહેવાય છે.

આ સઘળાને ધારણ કરે છે, દેહ. એટલે નવો અર્થ એ કરવો જોઈશે કે દેહ માત્રસ્થૂળ, પાર્થિવ કે ફિઝિકલ નથી, અને તેથી, સર્વથા ધ્યાનપાત્ર છે. દેહના ધર્મો પાળવા જોઈશે. દેહ માગે અને આપણી પાસે કરાવે જ કરાવે એ તમામ સહજ કર્મો કરવાં જોઈશે. હું આમ આ સમયે વ્યાખ્યાન આપી શકું છું પણ તે પહેલાં મારે ક્ષુધાતૃષાશાન્તિ જેવી પ્રવૃત્તિ કરવી જરૂરી હોય છે - ભૂખ્યોતરસ્યો માણસ શેની વાત કરી શકવાનો? અને તે પહેલાં મારે નિદ્રાધીન થવું પણ જરૂરી હતું, વગેરે. તાત્પર્ય, દેહને અને તેની જીવનપરક ભૂમિકાને કદીપણ નકારી શકાતી નથી.

આમ તો વાત અહીં પૂરી થઈ જાય છે. મોટા ભાગની માનવજાત દેહને વશ રહીને જીવે છે. આહાર નિદ્રા ભય મૈથુનમાં રત રહીને જીવનને બસ જીવ્યે જાય છે. તેમછતાં, માણસ ક્યારેક અથવા અવારનવાર આત્માનો સહજપણે ઉલ્લેખ પણ કરે છે. દાખલા તરીકે, એ કહે છે - આ સંસ્થાનો આત્મા મરી ગયો છે. એટલે જ ક્યારેક ક્યારેક દરેક વ્યક્તિને પ્રશ્નો થાય છે કે આ જીવનનો અર્થ શું છે; આ જગત શું છે; જગતમાં હું શા માટે છું; આ વિશ્વનો સર્જનહાર કોણ છે; આ બ્રહ્માણ્ડનું ચાલકનિયામક ઋત કયું છે. દેહ અને આત્માનું વૈચારિક નિ દર્શન - મૉડેલ - સ્વીકારીને માણસનું ચિત્ત આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા મથે છે. ત્યારે ચિત્ત સ્થૂળથી સૂક્ષ્મ તરફ, મૂર્તથી અમૂર્ત તરફ, કૉન્ક્રીટથી ઍબ્સ્ટ્રેક્ટ તરફ ગતિ કરતું હોય છે. માણસને એવા મનોવ્યાપારની યાત્રા ગમતી હોય છે. એને આવડે કે ન આવડે, એ એવી અવરજવરની કે એવી ચડઊતરની મજા લેતો હોય છે. માનવચિત્તની એ સહજ ગતિવિધિને પરિણામે સંસારમાં ફિલસૂફી દર્શનો શાસ્ત્રો સિદ્ધાન્તો અને જેને આપણે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ તેનો જન્મ થાય છે.

જુઓ, ’અધ્યાત્મ’ સંજ્ઞામાં બે શબ્દ જોડાયા છે -‘અધિ’ અને ‘આત્મા’. ‘અધિ’ એટલે ‘ઉપરાન્તનું’, ‘વધારે’, ‘કશાકમાંથી આવેલું’. ‘અધિ’ એટલે, ‘પછીથી’, ‘ને માટે’. આ બધા જ અર્થસંકેતો ‘આત્મા’ સાથે જોડાઈ ગયેલા છે. ટૂંકમાં એ સમજવાનું છે કે અધ્યાત્મ એટલે એવી વિદ્યા, એક એવું નૅરેટિવ, એવી વારતા, જે દેહ સાથે નહીં પણ આત્મા સાથે જોડાઈને વિકસી હોય છે. દેહને વિશેનું છે તે ઉપરાન્તનું આત્મા-સંલગ્ન જ્ઞાન તે અધ્યાત્મવિદ્યા - સ્પિરિચ્યુઅલ નૉલેજ. અંગ્રેજીમાં જેને મૅટાફિઝિક્સ કહેવાય છે તે પણ ફિઝિકલ પછીની કે તે ઉપરાન્તની વિદ્યા છે.

મૅટાફિઝિક્સની થોડી વાત અહીં ઉમેરવી મને જરૂરી લાગે છે. મૅટાફિઝિક્સ ફિલૉસૉફીની એક શાખા છે. એમાં ‘બીઈન્ગ’ કહેતાં ‘સત’-ની ચર્ચા હોય છે. અસ્તિત્વ અને અસ્તિત્વમાં હોય તે વસ્તુઓને વિશેની નિસબતથી એ વિકસ્યું હોય છે. ઉપરાન્ત એમાં ‘જ્ઞાન’ તેમ જ ‘ટાઇમ’ અને ‘સ્પેસ’-ની પણ ચર્ચાઓ હોય છે. અધ્યાત્મવિદ્યા ફિલસૂફીની શાખા છે એટલે એમાં રજૂ થતી સમગ્ર થીયરી ઍબ્સ્ટ્રેક્ટ હોય છે - અમૂર્ત વિભાવનાઓની સૃષ્ટિ. બીજું એ કે એ વિભાવનાઓ વ્યક્તિપરક નથી હોતી, સાર્વત્રિક હોય છે - યુનિવર્સલ હોય છે. એમાં થતી ચર્ચાઓને મારી કે તમારી નકરી વાસ્તવિક દુનિયા સાથે કે મારા કે તમારા અનુભવજગત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે કે, એમાં ઍમ્પિરિકલ લૉઝની નહીં પણ વિશ્વનાં ઍસેન્શ્યલ સ્ટ્રકચર્સની - તાત્ત્વિક સંરચનાઓની - શોધ વિકસી હોય છે. એમાં તર્કની પરાકાષ્ઠા અને વિચાર તેમ જ વિભાવની પરિશુદ્ધિ જોવા મળે છે.

દાખલા તરીકે, કોઈ વેદાન્તી બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એમ કહે તો ના નથી પાડી શકાતી. દાખલા તરીકે, પ્લેટો ‘વર્લ્ડ ઑફ આઇડિયાઝ’-ને પરમ સત્ય ગણે, અને આપણા આ વસ્તુજગતને, ‘વર્લ્ડ ઑફ ઑબ્જેક્ટસ’-ને, તેની નકલ કહે, વળી, ‘વર્લ્ડ ઑફ પોએટ્રી’-ને એટલે કે આપણા કલાસંસારને નકલની પણ નકલ કહે, તો એ વિશે કશી વિશેષ ચર્ચાનો અવકાશ નથી બચતો. ફિલસૂફીમાં આમ સ્પષ્ટતાઓ થાય છે, સ્પષ્ટતાઓ પર નવી ફિલસૂફી રચાય છે, અને એમ સત્યાસત્યની ખોજ નિરન્તર ચાલ્યા કરતી હોય છે. પૂર્વકાલીન ફિલસૂફ ભાવિ ફિલસૂફને સરજે છે અને એ ભાવિ ફિલસૂફ એની પણ પછી આવનારા કોઈ ભાવિને સરજે છે. ફિલસૂફી સ-અન્ત નથી બલકે જીવ જગત અને તેના સર્જનહારને સમજવાની અન્તહીન મથામણ છે. એ પ્રસન્ન કરે છે પણ મનુષ્યને થકવે પણ છે.

કેમ થકવે છે તે સમજીએ. વાત એમ છે કે પરમ સત્યની નકલ કે તેની પણ નકલ, જે હોય તે, પણ હું કે તમે તો સત્ય જ છીએ ! બ્રહ્મ ભલે સત્ય છે અને ભલે જગત મિથ્યા છે, તમે અને હું જીવતી-જાગતી વ્યક્તિઓરૂપે સત્ય છીએ ! હરેક ક્ષણે આપણે પ્લેટોના નકલસ્વરૂપ જગતમાં જ હોઈએ છીએ. એ હકીકત સત્ય છે. અવારનાવર આપણે એમણે કહેલા નકલની નકલ એવા કવિતા અને સાહિત્યકલાના જગતમાં જઈએ છીએ. એ ઘટનાઓ સત્ય છે. વારંવાર આપણને આ જિવાતું જીવન સતાવે છે એ પરમ હકીકત છે, તેમ એ પરમ સત્ય પણ છે. આપણા આ હકીકતમય જીવનમાં ફિલસૂફીમય સત્યશોધને કશો અવકાશ જ નથી.

આપણને કેટલીયે વાર થાય છે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નિરન્તર રચાતો રહેતો માનવસમ્બન્ધ શી ચીજ છે. આપણને વારંવાર પ્રશ્ન થાય છે કે માનવસમ્બન્ધોમાં તિરાડ કેમ પડે છે, છેદ-વિચ્છેદ કેમ થાય છે. એમ પણ થાય છે કે આ જે તીવ્રપણે અનુભવાય છે તે પ્રેમ શું છે, મિલન શું છે, વિરહ શું છે. આ જે ભભૂકી ઊઠે છે તે ક્રોધ શું છે. આ જે રુદન અને વિલાપમાં વહ્યો જાય છે તે શોક શું છે. મૃત્યુ શું છે એમ નથી થતું પણ મૃત્યુ કેમ છે એમ જરૂર થાય છે. વિશ્વને જાણવામાં માણસને ઝાઝો રસ નથી. એને રસ છે, પોતાના ભાવજગતને જાણવામાં અને ઓળખવામાં. સમગ્ર વિશ્વનો અનુભવ એની પ્હૉંચની બહારની વસ્તુ છે, પણ એના વડે જિવાયે જતું જીવનવિશ્વ એની સન્નિકટે છે. એના એ બધા પ્રશ્નોની, એના એ ભાવજગતની, એના એ જીવનવિશ્વની વાત કરે છે, સાહિત્યકારો સંગીતકારો ચિત્રકારો શિલ્પીઓ વગેરે સૌ કલાસર્જકો.

કલા એમ દર્શાવે છે કે માનવીય સર્જકતા અને સર્જનશીલતા માનવીય તાર્કિકતા અને જ્ઞાનશીલતાથી વધારે ઊંચી વસ્તુ છે. હું મારી સર્જકતાની સન્નિકટે રહીને જીવું તો એથી વિલક્ષણપણે અંગત એવી એક ધાર્મિકતા પ્રગટે છે, એક અનવદ્ય અને આસ્વાદ્ય આધ્યાત્મિકતા જનમે છે. મને એક એવું ડહાપણ લાધે છે જે વડે હું કશાપણ બાહ્ય દર્શન કે ચિન્તન કે ફિલસૂફીના આધાર વિના સુખે જીવનવ્યાપન કરી શકું છું.

આ ક્ષણે મને જગવિખ્યાત ફિલસૂફ દેરિદા યાદ આવે છે. એમણે કહેલું કે ફિલસૂફી એટલે ડહાપણને માટેનો પ્રેમ - લવ ફૉર વિઝડમ. કેટલાક કુખ્યાત દાખલાઓ છે જેમાં ફિલસૂફી રવાડે ચડી ગઈ હોય અને ફિલસૂફ ગાંડિયા થઈ ગયા હોય. પણ કલામય ફિલસૂફીથી અવતરેલા સાચા પાગલપનનું અપ્રતિમ દૃષ્ટાન્ત તો નિત્શે છે. પરમ્પરાગતો એમને સ્ટાન્ડર્ડ ફિલૉસૉફર નથી ગણતા. કેમ ? કેમ કે એમણે પોતાના દર્શન-ચિન્તનમાં કાવ્યત્વ કથા નાટ્યાત્મકતા રૂપકો અને અલંકરણોનો આશ્રય કરેલો. હું એમને કલાપ્રપન્ન દાર્શનિક ગણું છું.

પ્રારમ્ભે મેં હૃદય અને ચિત્ત વચ્ચે નિરન્તર ચાલતા સંવાદની વાત કરી, કહ્યું કે સાહિત્યકલા અને અધ્યાત્મવિદ્યા પણ એકાકાર થઈ ગયાં હોય છે, કલા અને વિદ્યા વચ્ચે કશો પ્રચણ્ડ વિરોધ કે ઘાતક ભેદ નથી, પણ આકર્ષક એવી અભિન્નતા છે, અભેદ છે. અને મેં ઉમેરેલુ કે હું નામોલ્લેખ કરીને સમાપન કરીશ કે વિશ્વને એવા મનીષીઓ મળ્યા છે, મળતા રહે છે, મળવાના છે, જેમનાં સર્જનોમાં આ બન્ને માનવીય આવિષ્કારોનું રસપ્રદ સાયુજ્ય અને એકત્વ સિદ્ધ થયું હોય છે અને ઘણી સરળતાથી અનુભવાતું હોય છે.

કબીર

જેમ કે, કબીરવાણી જેમાં શબ્દ ‘શબદ’ બની ગયો છે. એ સૃષ્ટિ માં અવળવાણીની રીતેભાતે અધ્યાત્મ ઊકલતું આવે છે. અને કબીરથી તો નર્યા સહજ ભાવે જ રૂપક આદિ અલંકારોનો વિનોયોગ થયો છે. જેમ કે, યાદ આવે છે આપણો નરસિંહ. એને તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગ્યું અને એણે પ્રેમરસની વાત કરી. આપણા અખાએ કવિતાની રીતે જીવનબોધક છપ્પા લખ્યા, ધીરાએ એવા ચાબખા લખ્યા. સમકાલીન ગુજરાતી કવિઓમાં રાજેન્દ્ર શુક્લ અને હરીશ મીનાશ્રુની કેટલીક કૃતિઓમાં આ સાયુજ્ય જોવા મળે છે.

નરસિંહ

લાઓ ત્સે

જેમ કે, બુદ્ધદર્શન. બુદ્ધે દુ:ખ જેવી કેન્દ્રસ્થ પીડા પર, એ નગદ માનભાવ પર, આંગળી મૂકી, નહીં કે કશા અમૂર્ત વિભાવ પર. અને એમણે ચાર આર્ય સત્ય વર્ણવ્યાં. લાઓ ત્સેએ દરેક જીવનવ્યાપારને ચાહવાની અને સન્માનવાની વાત કરી. એ પર વર્ચસ્ નિયમનો કે અંકુશો લાદવાની મનાઈ ફરમાવી. એટલું જ નહીં, એમને કહ્યું કે સૌ પહેલાં જાતને ચાહો ને એમ મનુષ્યમાત્રને ચાહો. એમણે વ્યક્તિ અને વિશ્વને એ રીતેભાતે જોડ્યાં. રવીન્દ્રનાથના ‘ગીતાંજલિ’-ને હું કવિતા અને અધ્યાત્મના અભેદનું ઉ્તમ દૃષ્ટાન્ત લેખું છું. સાથે યાદ આવે છે એવી જ એકરૂપતાને ગાતા બાઉલ ભજનિકો. આલ્વાર કે તુકારામ આદિ સન્તો. અને યાદ આવે છે મને અતિપ્રિય, રુમિ. પ્રેમ, ઈશ્વર અને રહસ્યને અનાયાસે રસી દેતું રુમિ નું આ કાવ્ય રજૂ કરીને વિરમું :

પ્રેમ / રુમિ

પ્રેમને પંચેન્દ્રિયો સાથે કે દિશાઓ સાથે કશી લેવાદેવા નથી :
એને તો બસ પ્રિયાએ પ્રગટાવેલી સુન્દરતા માણવી હોય છે.
પછીથી બને કે ઈશ્વર તરફથી પરવાનગી મળે :
અને એ બધા સંકુલ સંકેતો ને
ગૂંચવાડિયા ઈશારા પાછળનાં રહસ્યો
કહેવા જેવાં રહસ્યો
સરસ રીતે કહી બતાવાશે ને ત્યારે એમાં
ઠીક એવી સમજદારી પણ હશે
રહસ્યનો કોઈ ભાગીદાર નથી હોતો
હા, રહસ્યને જાણનાર અને રહસ્ય પોતે :
શંકાશીલના કાનમાં તો
રહસ્ય કદી રહસ્ય હોતું જ નથી …

* * *

સૌનો આભાર, આવજો.

= = =

(June 9, 2020 : Ahmedabad)

(શ્રી ગોવિન્દ ગુરુ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ મુમ્બઈના ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બે-દિવસીય વેબિનારમાં આપેલું કી-નોટ ઍડ્રેસ.)

Category :- Opinion / Literature