અકળિત અકસ્માત

ઇલા કાપડિયા
21-01-2020

હ્રદયરોગના નિષ્ણાત એન્ડીની રાહમાં અવનિની આંખો ડ્રાઈવવે પર અને કાન ઘરના ડોરબેલ પર છેલ્લા બે કલાકથી થીજ્યાં હતાં. નિવૃત્તિ પછી એન્ડી ઉત્તર લંડનમાં આવેલી `હેરફીલ્ડ હાર્ટ‘ હોસ્પિટલમાં જરૂર હોય ત્યારે નાનાં ઓપેરશન કરવા જતા. કારનું બારણું ખોલતાં જ એણે શોન અને સૂઝનને ઘરમાં દાખલ થતાં જોયાં.

------------x ----------- 

સ્કૂલનાં વર્ષોનાં દિલોજાન દોસ્તો અવનિ અને એન્ડીના હ્રદયની નિકટતામાં ઊગતી પ્રેમની કળી કોલેજના ત્રીજા વર્ષમાં પુષ્પમાં પાંગરવા લાગી. અવનિ કોલેજનાં છેલ્લા વર્ષની પરીક્ષાનાં પરિણામની ઇંતેજારીમાં થોડી વિહ્વળ હતી ત્યાં તેના મોબાઈલે ‘બઝ’ કર્યું. 

મોબાઈલ પર એન્ડીના ફોટાને જોઈ એણે ત્વરાએ ફોન લીધો “હાય એન્ડી, હું તારા જ ફોનની રાહ જોતી હતી.” કોલેજના છેલ્લા વર્ષની મહેનત પછી બંને કોલેજ તરફથી ગોઠવેલી એક દિવસની ફ્રાંસની ટ્રીપમાં જવા તત્પર હતાં.

ઇંગ્લિશ ચેનલમાં સરતા વહાણની ડેક પરથી દૂર સુદૂર ક્ષિતિજમાં સમાતી અને સમુદ્રના તરંગો પર ઊપસતી ‘સ્નો વ્હાઇટ ક્લીફ્સ ઓફ ડોવર’(પ્રખ્યાત ડોવર બંદરની આસપાસની સફેદ ભેખડો)ની જેમ અવનિના માનસપટ પર એ દિવસની યાદ વારંવાર ઊપસતી. ઈદિ અમીનની હકાલપટ્ટીના અત્યાચારથી તે દિવસે પોતાના મહાલય સમ આવાસને આંસુ ભરી આંખે છોડી લંડન જતું વિમાન પકડવું પડ્યું હતું. ‘હિથરો એરપોર્ટના એરાઈવલ’ પર એક સ્વેત યુગલે પકડેલ પૂઠાની તકતી પર ’નરેન અને મિતા’ વાંચતાં એનાં મમ્મી અને પપ્પાના મોં પર પથરાયેલ અચંબા ભરી રાહતની યાદ તેના હ્રદયમાં કંડારાઇ ગઇ હતી.

એન્ડીએ એના સમાજસેવક મમ અને ડેડને અનુસરી પોતાનો હાથ અવનિ તરફ લંબાવ્યો અને બંનેનાં  હાથ અને સાથ સ્કૂલ અને કોલેજના છેલ્લા વર્ષ સુધી અવિરત ટક્યા. બંનેને તે સાથ આજીવન રહેશે તેમાં હવે કોઈ શંકા ન હતી. અવનિની સુંદર, ઘાટીલી, શ્યામલ, આકર્ષિત મુખાકૃતિ, બાલ સહજ નિર્દોષતા જોનારની આંખને ગમી જતી અને એંડીના હ્રદયમાં પહેલી નજરે વસી ગઈ હતી. ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ જ કહોને.

વહાણના ડેક પરથી દરિયાના તરંગો નિહાળતાં બંને મૌન વાચાનો સંવાદ કરતાં હતાં, અને એકબીજાં તરફના પ્રેમનો એકરાર કરવો હતો પણ શબ્દો ક્યાં બહાર નીકળી શકતા હતા!

છેવટે ખચકાતાં એન્ડીના મોમાંથી શબ્દો સરી પડ્યા. “અવનિ, યુ નો આઈ લવ યુ વેરી મચ!!” પોતાના ઘૂંટણ પર બેસતાં, એણે ઝળહળતી વીંટી સાથે નાનકડું બોક્સ ખોલીને ધર્યું.

કેટલા ય સમયથી આશા રાખેલ ઘડી પોતાની સમક્ષ થતાં હર્ષાશ્રયમાં અવાક અવનિ ક્ષણિક બોક્સ સામે તો ક્ષણિક એન્ડી સામે તાકતાં બોલી ‘આઈ લવ યુ ટુ, એન્ડી -- - બટ—‘

.... અને અવનીએ કોલેજ શરૂ કરી ત્યારે એની મમ્મીએ કહેલાં શબ્દો યાદ આવ્યા “જો અવનિ, આપણી જાત, ચામડી, રહેણીકરણી ગોરા લોકોથી જુદાં. તારે હવે એન્ડીની દોસ્તી ઓછી કરવી જોઈએ.”

પણ --- રિંગનો સ્વિકાર કર્યા વિના તે કઈ રીતે રહી શકે! 

અવનિ સાથે યુગાંડાની સ્થાવર જંગમ મિલકત છોડી, વખાના માર્યા રાતોરાત લંડન ભાગેલ નરેશભાઇએ અગમચેતીથી ગાંઠની મુડી આગળથી લંડન રવાના કરી હતી તેમાંથી લંડનના નોર્થ વેસ્ટમાં આવેલ એજવેરમાં ઘર લઈ નાનો ધંધો તેમણે શરૂ કરેલ. નવા દેશમાં, નવી રીતભાત અને રહેણીકરણી અપનાવવામાં પાડોશી એન્ડીનાં માતપિતાએ તેમને ખૂબ મદદ કરી હતી.

જાહોજલાલી અને સુરક્ષિત વાતાવરણમાં ઉછરેલી જિંદગીમાં જબ્બર વાવઝોડાએ કરેલ અચાનક  ધરખમ ફેરફારથી અવનિને સખત લાગેલ આઘાત એના મોં પર તરવરતો, તે લગભગ વાચાહીન થઈ ગઈ હતી. પાડોશમાં રહેતા હોવાથી બંને સાથે સ્કૂલે જતાં અને એન્ડી હંમેશ અવનિની સંભાળ રાખતો.

હજારો લોકોના નાના દેશ પરના એકાએક અવતરણથી સ્થાનિક પ્રજામાં પ્રસરેલ ગભરાટની અસર બાળકો પર પણ વરતાવા લાગી.

એક દિવસ સ્કૂલના મેદાનમાં એક છોકરાએ અવનીને ઉદ્દેશીને બૂમ મારી “હેય પાકી, ગો હોમ.”  દૂભાયેલ અવનિના આંખના આંસુ જોઈ ન શકતા ગાર્ડિયન એંજેલ – રક્ષક ફિરસ્તા સમ એન્ડીના ગોરા ગાલ લાલ ચબક થયા. પહોંચ્યો સીધો તે હેડટીચર (મુખ્ય શિક્ષક) પાસે.

“લીવ ઇટ વિથ મી” સવારના સો કામમાં વ્યસ્ત હેડટીચરે ટૂંકો જવાબ આપ્યો. બપોર પછી દરેક વિદ્યાર્થીને પોતાના વાલીને આપવા માટે એક પત્ર આપવામા આવ્યો. જેમાં લખ્યું હતું કે કોઇ પણ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી કે વ્યક્તિને માનહાનિ થાય તેવી ભાષા વાપરશે તો સખત પગલાં લેવામાં આવશે.

બધાં જ વાલીઓ સ્કૂલ તરફથી શાળાના નિયમ ભંગની શિક્ષાની ચેતવણી આપતો એ  કાગળ વાંચી ચોંક્યાં અને મોટા ભાગનાએ પોતાના બાળકોને સમજાવ્યા.

છતાં સ્કૂલની કેન્ટીનમાં દેખાતા ‘બ્રાઉન, સ્વેત અને કાળા રંગના’ ત્રણ વિભાજનથી થતાં તણાવના ભારે વાતાવરણ પર કશી અસર ન થઇ.

એ દિવસ હતો સ્કૂલના વાર્ષિક ઉત્સવનો. સ્કૂલનો સભાગ્રહ વિદ્યાર્થીઓના મનોરંજન કાર્યક્રમ જોવા ઉત્સાહિત વાલીઓથી ચિકાર હતો. હેડટીચરના અભિવાદન પછી નૃત્ય નાટક, ગીત વગેરેના મનોરંજનથી સભાગ્રહ ગાજી રહ્યો. =

છેલ્લે એક જાણીતા ગ્રુપે ગાયેલ અને રેડિયો અને ટી.વી. પર પ્રચલિત થયેલ, આબાલ વૃદ્ધના મોંઢે ચઢેલ ગીત અવનિ અને એન્ડીની જોડીએ ગાયું -------

“ધ ઇન્ક ઇસ બ્લેક, ધ પેપર ઇસ વ્હાઇટ 
ટુગેધર વી લર્ન ટુ રીડ એન્ડ રાઇટ
અ ચાઇલ્ડ ઇસ બ્લેક, અ ચાઇલ્ડ ઇસ વ્હાઇટ 
ધ હોલ વર્લ્ડ લુક્સ અપોન ધ સાઇટ .......”

“કાળી છે શાહી ને સ્વેત છે કાગળ, સાથ સાથ વાંચે લખે શબ્દો સૌ બાળ    
બાળક છે ગોરું ને બાળક છે કાળું, સાથે નીરખે દ્રષ્ય જગત નિરાળું
સમજે છે બાળ એ સૃષ્ટિ સુખીનો છે એક જ આ રાહ  જેમ
ચક્કર દિન રાત સાથ પ્રસરે પૃથ્વી પર તમસ ઉજાસ રાજ
અંતે દીસે છે દૃશ્ય હ્રદયે વસત નૃત્ય મુક્તિનું મુક્તિનું”

ગાયન પૂરું થતાં જ, અવનિના મધુર સુમધુર મુગ્ધ સ્વર અને એન્ડીના ઘેરા સ્વર સાથે ગવાયેલ ગીતની જાદુઇ અસરે સ્તબ્ધ થયેલ બધાં જ વાલીઓ ભીની આંખે એક સાથે ઊભાં થયાં અને સભાગૃહ તાળીઓના ગગડાટથી ગાજી ઉઠ્યો.

બીજે દિવસે વર્ગ શિક્ષક મિસ સ્મિથે કેન્ટીનમાં અવનિ અને એન્ડીને ઇશારો કરી એક તદ્દન જુદા ટેબલ પર બેસવાનું કહ્યું. બંનેની મિત્રતા વાંછતા ક્લાસનાં વિદ્યાર્થીઓ તેમની આસપાસ વીંટળાવા લાગ્યાં. સ્વેત, બ્રાઉન અને કાળા રંગના મિશ્રણવાળાં બાળકોના આનંદના ચળભલાટથી હરખાતાં મિસ સ્મિથે પાછળ ઊભેલાં ‘હેડટીચર’ની સામે નજર કરી.

રાહત અને આનંદિત ઊર્મિનો એક ઊંડો શ્વાસ લેતાં ‘હેડટીચર’ બોલી પડ્યાં, “વી હેવ ટોટ ધેમ લેસન ઓફ લાઈફ, નાઉ વી કેન ટિચ ધેમ લેસન્સ ઓફ કરીક્યુલમ”.            

તે પ્રસંગ પછી ‘ભણશો તો કશું કરશો, નહીં તો ભૂખે મરશો’ એવા મગજમાં ઠસેલા દાદીના શબ્દોથી પુસ્તકિયો કીડો બનેલ અવનિ, એન્ડીની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં રસ લેતી થઈ અને અવનિની પાછળ પાછળ ફરતો એન્ડી લાયબ્રેરીની મુલાકાત લેતો થયો. બંને વચ્ચે ટોચના માર્કસ લાવવાની હોડમાં ક્લાસ પણ જોડાતો. બારમાની પરીક્ષામાં બંનેએ ‘ટોપ ગ્રેડ‘ મેળવી લંડનની નામી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

સગાઈના પ્રતિક રૂપ આપેલ વીંટીનો સ્વિકાર કર્યા પછી, પપ્પા મમ્મીને આ હકીકત કઈ રીતે જણાવવી  તેનો ખૂબ વિચાર કર્યા પછી, અવનિએ નક્કી કર્યું કે રૂબરૂ વાત કરવા કરતાં ઈમેલ મોકલવી વધારે યોગ્ય રહેશે. ઘંણુ મનોમંથન કરી એણે લેપટોપ ખોલી શરૂ કર્યું ....

પૂ. મમ્મી, પપ્પા

તમે મને આંગળી પકડી ચાલતાં શીખવ્યું, શ્રેષ્ટ ભણતર અપાવ્યું, જીવનના સાચા અને સારા માર્ગ પર ચાલતાં શીખવ્યું. થોડા સમયમાં હું ડોક્ટરની પદવી પામીશ. પુખ્ત વયે સારા ખોટાનો ખ્યાલ હવે હું રાખીશ. હવેથી મારા નિર્ણયો પર વિશ્વાસ રાખી તમારા આશીર્વાદ અને સંમતિ આપશો તેવી આશા હું રાખું છું.

ભણવામાં ખૂબ જ વ્યસ્ત હોવાથી મારી અને એન્ડીની દિલોજાન દોસ્તી પ્રેમમાં ક્યારે પલટાઈ તેનો અમને ખ્યાલ પણ ન રહ્યો. અમે એક બીજાનાં પૂરક છીએ, એકબીજાંના આત્મબળ અને પ્રેરણા છીએ. આ સંબંધને સગાઈના રૂપમાં બાંધતી એન્ડીએ આપેલ વીંટી મેં સ્વીકારી છે.

વળી મારા રિઝલ્ટ પછી અમારે છ મહિના માટે વિકસતા દેશોમાં થતા રોગોની પ્રત્યક્ષ તાલીમ લેવાની છે. તે માટે આપણા ગુજરાતનું ઝગડિયા ગામ અમે પસંદ કર્યું છે. તો હું એકલી જાઉં તેનાં કરતાં અમે બંને સાથે જઈએ તે વધારે યોગ્ય છે. ખાસ કરીને લગ્ન કરીને. –

તમારી વહાલી અવનિ

ઈ-મેઈલ વાંચી નરેશભાઇ ગહેરા વિચારમાં ડૂબી ગયા. સામે બેઠેલાં મિતાબહેનની નજરમાં આ ફેરફાર તરત જ નોંધાયો અને પતિને ઊઠીને બીજી રૂમમાં જતા વિમાસણથી તાકી રહ્યાં. અડધા કલાક પછી ધીરે રહીને બારણું ખોલી ‘આંટો મારી આવુ છું’ કહી જેકેટ ચડાવી તે બહાર નીકળી ગયા.

પાછા આવ્યા ત્યારે મિતાબહેન ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન ધરી બારણામાં ઊભાં હતાં. નરેશભાઈએ મિતાબહેનને સોફા તરફ દોર્યાં અને બેસવાન ઇશારો કર્યો.

“હવે કહેશો, શું થયુ છે. મારો તો જીવ તાળવે ચોંટોયો છે.” વ્યગ્ર સ્મિતાબહેન બોલયાં.

“જો મિતા જિંદગી, સમય અને સંજોગો પ્રમાણે જીવવી પડે છે. પાણીના પ્રવાહની સામે તરવા કરતાં  પ્રવાહની સાથે તરવાનું ઓછું મુશ્કેલ છે. આ વર્ષે અવનિ ડોક્ટર થઈ જશે. બે એક વર્ષથી તેના માટે યોગ્ય પાત્ર શોધીએ છીએ. છેલ્લો જવાબ આવ્યો તે તું જાણે છે. એમને અવનિ શ્યામ લાગી હતી કારણ કે છોકરો જરા ઉજળો હતો. તને યાદ છે ને તને તે કેટલો ખટક્યો હતો? તેં કેટલો બડબડાટ કર્યો હતો.” મનમાં સમસમતાં મિતાબહેન એ વાત, જે એમને ટાંકણીની જેમ રોજ ચુભતી તે હજુ ક્યાં ભૂલ્યાં હતાં!! 

‘અવનિએ સગાઈના પ્રતિક રૂપ એન્ડીએ આપેલ વીંટી સ્વિકારી છે’. નરેશભાઈએ એક સાથે કહી જ દીધું.

રૂઢિચુસ્ત વિચારસરણીમાં માનતાં મિતાબહેનને સમજાવવાનું કઠીન કેટલું પડશે એ તો એ જ જાણતા હતા. એમણે આગળ ચલાવ્યું.

“સાચું કહું તો મિતા, આપણું સદ્ભાગ્ય છે કે અવનિને આટલો દેખાવડો, ભણેલો જીવનસાથી મળે છે અને આપણે અવનિના નિર્ણયને સ્વીકારવો જોઈએ. આજે સાંજે બંને આવવાનાં છે. આવે ત્યારે એમને  આવકારીને આશીર્વાદ આપીશું. એમની ખુશીમાં આપણી ખુશી મેળવીશું” મિતાબહેનને એક શબ્દ બોલવાની તક આપ્યા વગર એમણે એક સાથે પોતાનો પણ નિર્ણય બતાવી દીધો.

મિતાબહેનને વિરોધ તો ઘણો કરવો હતો, કઢાપો પણ કાઢવો હતો જ, પણ છેલ્લાં બે વર્ષથી અવનિને પરણાવવાની ઘોળાતી સમસ્યાનો હલ ક્યાં મળતો હતો? નિર્ણય લેવાઈ જ ગયો છે તો મને કમને સ્વીકારવામાં જ બધાની ભલાઈ છે એમ માની મન તેમણે મનાવ્યું.

બધાનાં આશીર્વાદ સાથે એક બીજાનાં મજબૂત પ્રેમના તાંતણા પર વિશ્વાસ રાખી જિંદગી સાથે રહેવાનું વચન એન્ડી અને અવનિએ લગ્ન દ્વારા આપ્યું. બે અઠવાડિયાની રજા પછી ડો. અવનિ અને એન્ડી પ્રેક્ટિકલ તાલીમ માટે ઝગડિયા તરફ પ્રયાણ કરવાની તજવીજમાં પરોવાયાં.

ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ મેળવતાં વર્ષો પર વર્ષો વિતવા લાગ્યાં. ખાસ તો એન્ડીને ‘સર્જન‘ થવા માટે ‘એફ.આર.સી.એસ.’ની પદવી મેળવવામાં. ચાર પાંચ વર્ષોનાં લગ્નજીવન પછી અવનિની પોતાના  બાળક માટેની ઝંખના તીવ્ર થતી જતી હતી. પણ એન્ડીનો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી બાળકના પ્લાનિંગનું થોડું મુલતવી રાખવું તે એટલું જ જરૂરી છે તે પણ એ સમજતી હતી.

ત્યાર બાદ અનેક પ્રયત્નો છતાં પ્રાંગણમાં પગલી પાડનારનાં એંધાણ ન દેખાયા. જ્વલંત કરિયર, ઊંચી આવક અને તેની સાથે જીવનની બધી જ સુખ સગવડો હોવા છતાં બાળકો વિહોણા ઘર અને જિંદગી સૂમસામ વગડા સમ ભાસતાં.

વધતી ઉંમર પછી ઘરમાં પોતાના બાળકના કિલકિલાટ સાંભળવાની રહી સહી આશાને પણ જવા દઈ નવરાશનો સમય અનાથ બાળકોની મદદ કરવામાં વીતાવવા લાગ્યાં. સ્થાનિક અનાથાઆશ્રમના બાળકો તો એમને જોતાં ખીલી ઊઠતાં.

એક દિવસ ત્યાંથી પાછા ફરતાં ડોક્ટર પરીખનો ફોન આવ્યો. “હાઇ અવનિ, તારા ટેસ્ટ રિઝલ્ટ આવી ગયાં છે. મને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે તું પ્રેગ્નંટ છે, અવનિ. એટલે જ થોડા સમયથી તને સારું ન હતું લાગતું. મેં તારા માટે ‘એંટનેટલ ક્લિનિક’નો સંપર્ક કર્યો છે અને તને તેમના તરફથી ફોન કે પત્ર મળશે.”

સમાચાર સાંભળી બંને અવાક થઈ થોડી વાર સૂનમૂન થઈ ગયાં. ખુશ થવું કે નાખુશ તે દ્વિધામાં પડ્યાં. બંને ડોક્ટર હતાં તેથી જાણતાં હતાં કે મોટી ઉમ્મરની ગર્ભવતી સ્ત્રીઓ ગંભીર શારીરિક કે માનસિક  નબળાઇ કે ખામીઓવાળા બાળકને જન્મ આપે તેવી શક્યતા વધારે છે. ખાસ કરીને ‘ડાઉન સિન્ડ્રોમ‘ની. બંને એકબીજાંના અંતરની વ્યથાને ઓળખતાં હતાં. ખાસ કરીને માનસિક નબળાઇવાળા બાળક સ્વતંત્ર જીવન જીવી શકશે નહીં તે જાણતાં હતાં.

છતાં ગર્ભાવસ્થાના પહેલા જ માસથી અવનિના ઊરમાં વાત્સલ્યની સરવાણી ઝરવાની શરૂઆત થઈ ગઇ હતી. નાના શિશુને વર્ષોની ખાલી ગોદમાં લેવા તે અધીરી થતી હતી. ચાર મહિને તો એ બાળકના નાનાં અંગોના સ્પર્શના મીઠાં સ્પંદનથી રોમાંચિત થઈ દિવાસ્વપ્નમાં ડૂબી જતી.

પણ એન્ડી તેને વાસ્તવિકતાની યાદ અપાવ્યા વિના ન રહી શકતો. જો ગર્ભ ‘ડાઉન સિન્ડ્રોમ’ હોય તો ગર્ભપાત કરાવવો જ જોઇએ તેમ તે માનતો. જેમ જેમ તે મક્કમ થઈ અવનિને તે માટે સમજાવતો ગયો, તેમ તેમ અવનિનું માતૃત્વ એટલી જ માક્કમતાથી વિરોધ કરતું ગયું.

ચાર મહિના પછી કન્સલ્ટન્ટ શોએ ‘એમની ઓસિન્થેસિસ ટેસ્ટ’ના (ગર્ભાશયમાં કોથળીમાં રહેલા ગર્ભની આસપાસના પાણીની ચિકિત્સા) રિઝલ્ટના ખેદજનક સમાચાર આપતા જણાવ્યું કે બાળક ‘ડાઉન સિન્ડ્રોમ‘ છે જેથી તેની માનસિક ઉંમર આઠ દસ વર્ષથી વધારે વધશે નહીં, એટલે ગર્ભપાત કરાવવો વધારે ઉચિત છે. પણ એ વિકલ્પનો કઠિન નિર્ણય અવનીએ અને એન્ડીએ  લેવો રહ્યો.

ઘરે આવી તેણે એન્ડીની છાતીમાં પોતાનું મોં છુપાવી દીધું. નાસીપાસની હતાશા બંને માટે અસહ્ય હતી. શાંત અને સૌમ્ય અવનિ એક તીણી ચીસ સાથે કકળી ઊઠી. “મારાથી તે નહીં થઇ શકે. મા થઈ મારા જ બાળકની હત્યા હું કઈ રીતે કરી શકું!!!.” એન્ડી પણ ગર્ભપાતના દૃઢ નિશ્ચયથી થોડો ડગ્યો. એકાએક બંનેના મોમાંથી ઉદ્ગાર નીકળ્યો, ‘નો’. અ … ને બે ચહેરા પર હાશના છૂટકારા સાથે આનંદની એક લહેર ફરકી. ગમે તેવા બાળકને પણ અપનાવવાનો નિર્ણય પાકો થયો. અ …. ને બંને પોતાના નાના બાળને આવકારવા નર્સરી સજાવવામાં લાગી ગયાં.

પૂરા સાડા નવ મહિને પ્રસૂતિ રૂમમાં નર્સે એલાન કર્યું ‘ઈટ્સ અ બોય’ અને ‘ગુલાબી બંડલ ઓફ જોય’ અવનિના હાથમાં સોંપ્યું. વર્ષોથી હ્રદયનાં ઊંડાણમાં છુપાયેલુ વાત્સલ્યનું ઝરણું ઉભરાયું અને નાના શોનને  અવનીએ પોતાની છાતીમાં સમાવી દીધો.

“લેટ્સ ટેઈક ધ લિટલ ફેલો ફોર એ ચેકઅપ, શેલ વી?” નર્સ હેલને શોનને અવનિથી અળગો કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું. થડકતા હ્રદયે, એકબીજાંના હાથમાં હાથ રાખી અવનિ અને એન્ડી વ્યગ્ર આતુરતાથી શોન અને નર્સ હેલનની રાહ જોઈ રહ્યા હતા. લાં---બી પચાસ મિનિટ પછી કન્સલ્ટન્ટ શોએ એમના હાથ નીચે તાલીમ લેતાં ડોક્ટરો અને નર્સોના સરઘસ સાથે રૂમમાં પ્રવેશ કરી એન્ડીની બાજુમાં ખુરશી ખસેડી તેના વાંસા ઉપર હાથ મૂકી, બે ચાર ક્ષણ મૌન રહી બોલ્યા. 

“એન્ડી તું જાણે છે કે ટેસ્ટ્સના રિઝલ્ટ હંમેશ સો ટકા ખરા નથી હોતા. ‘ધેર ઇસ અ હ્યૂમન એરર ફેક્ટર.’ તમારો ગર્ભપાત નહીં કરાવવાનો નિર્ણય તમારા માટે સાચો હોય એવું લાગે છે. કારણ કે તમારા બાળકમાં ‘ડાઉન સિન્ડ્રોમ‘ નથી.”

ફરી એકવાર બંને અવાક થઈ બે ક્ષણ પ્રતિમા બની તાકી રહ્યાં. કન્સલ્ટન્ટ શોએ બાળક ‘ડાઉન સીન્ડ્રોમ‘ નથી તેની ખાતરી આપતા બંનેને હાર્દિક અભિનંદન આપ્યા.

એન્ડી અને અવનિના બાળકો તરફના પ્રેમની કદર જાણે ભગવાને કરી!!.

પ---ણ જિંદગીની રફતારમાં એક કસોટી પૂરી થાય કે બીજી પાછળ તૈયાર જ હોય છે. શોનનાં જન્મ પછી મેનાપોસમાં (રજો નિવૃત્તિ કાળ) જતી અવનિને ડોક્ટર તરફથી ફરી જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે ત્યારે એણે જ નહીં સારા પરિવારે સમાચાર શાંતિથી ગંભીર રીતે સ્વીકાર્યા. પૂરા સડા નવ મહિને નાનકડી શ્રેયાએ તેમના જીવનમાં અવતરીને પરિવારને પૂર્ણ કર્યો ..

એન્ડીના જેવા સોનેરી વાળ અને ગોરા બટાક ચહેરા પર નીલ રત્ન જડીત બે કીકીઓ, ડાઉન સિંડ્રોમના ચિહ્ન રૂપી ચાઇનિસ જેવી આંખો અને ચહેરાની રેખાઓને ઢાંકી દેતી. હર હમ્મેશ અંકિત સ્મિત, કિલ કિલ હાસ્ય વેરતું ત્યારે ઘર ઘંટડીના મધુર રણકારથી ગુંજી ઊઠતું. એની જાદુઇ ઝપ્પિ અને પપ્પિથી દરેકના મન જીતી લેતી.

પરિવારને પૂર્ણ બનાવતી નાની ઢીંગલી અવનિની જ નહીં નાના નાની, દાદા દાદી અને ખાસ એન્ડીની વહાલસોઈ લાડલી બની ગઈ.

શોન અને શ્રેયાની ભાઈબહેનની જોડી સૌની આંખ ઠારતી.     

એક દિવસ એન્ડીએ ચાર વર્ષની શ્રેયાને પૂછતાં સાંભળી. “શોન, મારું નામ કઈ રીતે લખવાનું?”

ઓહો, શ્રેયા છેલ્લા ચાર દિવસથી તને શીખવું છું અને તું ભૂલી જાય છે. એકથી પાંચનાં આંકડા પણ તને યાદ નથી રહેતા”.

ઘાયલ શ્રેયા ક્ષણિક ભાઈને તાકી રહી અને દોડી અવનિની છાતીમાં માથું સંતાડી હીબકાં ભરવા લાગી.

“શોન, ચાલ આપણે બગીચામાં ફૂટબોલ રમીએ. ”ભાઈ બહેનનો સંવાદ સાંભળી રહેલા એન્ડીએ કહ્યું.

“ડેડી, તમને ખબર છે શ્રેયાને શીખતાં બહુ વાર લાગે છે. ફોઈની જુહી શ્રેયા કરતાં નાની છે છતાં તેના કરતાં વધારે વાંચે છે.” બૉલને હવામાં ઉછાળતાં તે બોલ્યો.

“અરે! પેલી બે ચકલીઓએ માળો બનાવી દીધો!” એન્ડીએ આશ્ચર્ય બતાવ્યું.

“હા, માદા તેના ઇંડા પર બેઠી હશે.”

એન્ડીએ શોનનાં ખભા ઉપર હાથ રાખી એને બાજુના બાંકડા પર બેસાડયો.

“હમમ ….,  તને ખબર છે માનવ જાતિના કોશમાં ૨૩ ક્રોમોસોમ્સની જોડ હોય છે. ગર્ભ ઉત્પન્ન થાય ત્યારે દરેક જોડીમાંથી એક માતામાંથી અને એક પિતામાંથી ભેગા થાય છે. એટલે બાળકમાં ક્રોમોસોમ્સની ૨૩ જોડ થાય. જે સૂક્ષ્મ તાંતણા જેવા હોય અને વંશીય તથા વ્યક્તિગત લાક્ષણિકતા ગર્ભને આપે છે. હવે જો ગર્ભને ‘ક્રોમોસોમ‘ની જોડ નંબર એકવીસમાં, બેને બદલે ત્રણ ક્રોમોસોમ્સ મળે તો બાળક ‘ડાઉન સીંડ્રમ‘ થાય. જેને લીધે બાળકની માનસિક પ્રગતિ ધીમી અને સ્વાસ્થ્ય ઘણું નબળું રહે છે. આપણી શ્રેયા પણ આ કુદરતી ક્રૂર અકસ્માતનો ભોગ છે.”

“એક ક્રોમોસોમ કાઢી ન લેવાય?” શોનના બુદ્ધિશાળી બેટાએ સાહજિક પ્રશ્ન કર્યો.

“હાલ તો એ શક્ય નથી. પણ આ ક્ષેત્રમાં ઘણી શોધો થઈ રહી છે અને ઘણી સિદ્ધિ મળી પણ છે જ.  ભવિષ્યમાં એની આશા જરૂર રખાય.”

શોનના મગજમાં પોતાના ભાવિનું બીજ રોપાયું.

એન્ડીની આંખોની વેદના જોઈ તેજસ્વી શોનના બાળહ્રદય પર વજ્ર સમ ઝટકો લાગ્યો. અને ....

બાળહ્રદયનું કારમું કલ્પાંત આંખમાંથી વહી રહ્યું.

એન્ડીએ વહાલથી એને પોતાની છાતી સરસો ચાંપ્યો. પિતા પુત્ર, એકબીજાના આલિંગનની હૂંફમાં ક્યાં ય સુંધી આશ્વાસન લેતા રહ્યા.

પિતા પુત્રની સંવેદના સભર નિકટતાને સ્નેહભર જોઇ, વાતવારણને જરા હળવું બનાવવા અવનિએ એલાન કરતાં પૂછ્યું, “આજે પિકનિકમાં કોને આવવું છે?” આવી નાજુક હકીકત શોનને જણાવી શક્યાં  તેની રાહત અનુભવતી અવનિના સાદે બંનેએ ઊંચું જોયું.

અ---ને ભાઈ બહેનની વા’રે દોડ્યો. એક વહાલ ભર્યું આલિંગન આપી હાથ પકડી રમાડવા દોરી ગયો. આવતાં વર્ષોમાં અનેક તરકીબો શોધી બહેનને વાંચતાં લખતાં જ નહીં પણ જી.સી.એસ.સી.ના પાંચ વિષયો પણ પાસ કરાવ્યા.

“શ્રેયા, ડાયલ એ રાઈડ” શારીરિક ને માનસિક વિકલાંગોને રાહત આપતા વાહનના ડ્રાયવરે વગાડેલ ડોરબેલની ઘંટડી સાંભળતાં અવનિએ બૂમ મારી.

પરિવારની મદદથી તે પોતાની ન્યૂનતા ભૂલી, પરિસરમાં આવેલ વિકલાંગ બાળકોની સંસ્થામાં પોતાનું થોડું જ્ઞાન અને તે મેળવવા થયેલ મુશ્કેલીઓના અનુભવોને વહેંચવા શ્રેયા નિયમિત નીકળી પડતી. તેના સ્મિત સભર ચહેરાને જોતાં જ ત્યાં હર્ષની એક ઝલક ફરી વળતી.

અઢાર અઢાર વર્ષ ઘરને કૂજિત કુંજ બનાવતી વહાલસોઈ લાડલી સૌના હ્રદયમાં અસ્મરણિય સ્થાન બનાવી, એક દિવસ ઘર અને આપ્તજનોને સૂમસામ બનાવી લાંબી સફરે એકલી ચાલી નીકળી. બે ત્રણ વર્ષથી તેનું હ્રદય નબળું પડતું હતું, અથાક પ્રયત્નો અને આધુનિક સગવડો અને હ્રદયરોગના નિષ્ણાત પિતા શ્રેયાને ન બચાવી શક્યા!!!

-----------x --------

આવતી કાલે શોનની ‘ગ્રેજુએશન સેરેમની’ હતી દુનિયની નામી યુનિવર્સિટી કેંબ્રિજમાંથી જીનેટિક્સ – વંશિય ગુણોના ક્ષેત્રમાં ફર્સ્ટ ક્લાસ ડિગ્રી સાથે ઉત્તીર્ણ થઈ, તેણે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેનું ગૌરવ તેને જ નહીં પણ એની સાથે સંકળાયેલા સર્વને હતું. ત્યાં જવાની અધિરાઇ ના રોકી શકતા અવનિના પપ્પાનો ફોન આવ્યો. “અવનિ બેટા, અમે બારોબાર આવીશું. આપણે કેમ્બ્રિજ્માં જ મળીશું.” પોતાનો દોહિત્ર કેમ્બ્રિજમાં ફર્સ્ટ લાવ્યો છે તેથી તે ફૂલ્યા સમાતા ન હતા અને આ સમાચાર તે જાણીતા અને નહીં જાણીતાને આપવાનું ચુકતા નહીં.

ઘરમાં પેસતાં જ શોન બોલ્યો “ મમ, ડેડ કમ એન્ડ સીટ, વી હેવ ન્યૂસ ફોર યૂ”. ચારે ય ગોઠવાયા અને સૂસને ઝગમગતા હીરા જડિત જમણા હાથની આંગળી આગળ ધરી.

હ્રદયસ્પર્શી અભિનંદન આપતાં અવનિ અને એન્ડીના આનંદથી પુલકિત થયેલ ચહેરા પર બાવીશ વર્ષ પહેલાં વિતાવેલ સમયની એક આછી ગ્લાનિની રેખા ક્ષણિક માટે ઉપસી અને એન્ડીએ પોતાના હાથમાં રાખેલ અવનિના હાથને દબાવી અવનિ સામે જોયું.

વાચા વિહીન શબ્દો બોલ્યા, “‘યસ લવ, યુ વર રાઇટ”.

e.mail : [email protected]

Category :- Opinion / Short Stories