ચોફાળ ઓઢી રોવાનો વખત

વિપુલ કલ્યાણી
15-12-2019

યુનાઇટેડ કિંગ્ડમની સાર્વત્રિક ચૂંટણી 12 ડિસેમ્બરે હતી, અને 13 ડિસેમ્બરે જ પરિણામ આવી ગયાં. 2010થી શાસન કરતી કન્સર્વેટિવ પક્ષને બહુમતી સાંપડી છે. વિરોધ પક્ષોને સારુ વામણાઈ સર્જાઈ છે. કુલ 650 બેઠકોમાંથી કન્સર્વેટિવ પક્ષને 365 બેઠકો મળી છે, ગયા વખત કરતાં 67 વધુ. લેબર પક્ષને 203 બેઠકો મળી, ગયા વખત કરતાં પક્ષે 42 ગુમાવી. સ્કૉટિશ નેશનાલિસ્ટ પક્ષને 48, લિબરલ ડેમોક્રેટ પક્ષને 11, જ્યારે બીજાત્રીજા પક્ષોને ફાળે કુલ 23 બેઠકો ગઈ. તે વિગતે આમ છે : વેલ્સ માંહેની પ્લાઇડ કમરીને ચાર, ઉત્તર આયર્લેન્ડમાંના વિવિધ પક્ષોને [ડેમોક્રેટિક યુનિયન પક્ષને આઠ, શિન ફેઇનને સાત, સોશિલય ડેમોક્રેટિક ઍન્ડ લેબર પક્ષને બે તેમ જ ઍલાયન્સ પક્ષને એક] કુલ 18 તેમ જ ગ્રિન પક્ષને એક થઈને કુલ 23 બેઠકો ગઈ. ટૂંકમાં, શાસક પક્ષની કુલ 365 સંખ્યા સામે તમામ વિરોધ પક્ષોને નામ 285 સંખ્યા આવી છે.

કન્સર્વેટિવ પક્ષમાંની યુરોપિયન સંઘમાંથી નીકળી જવાની બૂમરાડને શાંત પાડવા તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરૂને ‘બ્રેક્સિટ’ને નામ 2016 વેળા લોકમત જાહેર કર્યો. આશરે 52 ટકા લોકોએ તેની તરફેણમાં અને આશરે 48 લોકોએ તેની વિરુદ્ધમાં મતદાન કરેલું. બ્રેક્સિટ તરફી ક્ન્સર્વેટિવ સાંસદોનો ઉન્માદ પછી ઘેલો થયો. ત્યારથી બ્રેક્સિટ માટેની તરફદારીએ પક્ષમાં જોર પકડ્યું. જમણેરી તત્ત્વો બોલકા થયા. હળુ હળુ રાષ્ટૃવાદનો કેફ ચડતો ગયો. ડેવિડ કેમેરૂન ગયા; થેરસા મે આવ્યાં. તે ય ગયાં અને તેની પછીતે બોરિસ જૉનસન આવ્યા. પરંતુ પેલા રાષ્ટૃવાદના કેફને વળ ચડતા જ રહ્યા; બસ, ચડતા જ રહ્યા.

“ગાર્ડિયન” દૈનિકમાં કટારચી લખતાં રોવેના મેસન કહે છે તેમ પાંચેક અગત્યના મુદ્દે કન્સર્વેટિવ પક્ષ જીતમાં રહ્યો. બોરિસ જૉનસને એક સૂત્ર સતત ઉછાળ્યા કરેલું : ‘ગેટ બ્રક્સિટ ડન’. લોકમત પછીના ત્રણેક વરસ સુધી કંઈ નિર્ણય લઈ નહીં શકાવાને કારણે આમ જનતા કંઈક અંશે થાકી હતી. એમને પરિણામ જોઈતું હતું. બોરિસ જૉનસનના સૂત્રમાં મોટા સમૂહને સધિયાોર દેખાવા લાગેલો.

courtesy : Patrick Blower; "The Daily Telegraph"; November 2019

લેબર પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કેટકટલી પાયાગત પણ મજબૂત વાત મૂકી હતી. તેને સારુ પ્રવાર થયા કરતો હતો. જ્યારે શાસક પક્ષને સારુ એક જ વાત હતી : બ્રેક્સિટની. લોકોને તે સહજ અને સરળ અને વિશ્વાસ કરવા સમ લાગતી હતી. વળી, કન્સર્વેટિવે નાનો અમથો ચૂંટણી ઢંઢેરો આપેલો. કોઈ વચનો સુધ્ધાં નહીં. લોકોને તેમાં આધાર દેખાતો હતો.

તો બીજી પાસ, લેબર પક્ષમાંથી છૂટા પડેલાં કે દૂભાયેલાં આગેવાનો પક્ષની બ્રેક્સિટ બાબતની રજૂઆતની સતત આલોચના કરતા રહ્યાં હતાં. તેથી પણ આમ પ્રજા ગુમરાઈ રહી હતી. લેબર પક્ષની આ નબળાઈનો લાભ પણ શાસક પક્ષને મળતો રહ્યો.

ચૂંટણી પ્રચાર કરતી વેળા બારણે બારણે લેબર પક્ષના નેતા જેર્‌મી કોર્બિન માટે મતદારોમાં અભાવ વર્તાતો હતો. એમ તો બોરિસ જૉનસન માટેની વિશ્વસનિયતા માટે ય સવાલો થતા હતા. પણ  બ્રેક્સિટ માટેની તરફદારીવાળી રજૂઆત, તેનું દેખાવડાપણું, તેનો ઢોંગ લોકોને દોઝખમાં રાખતો રહ્યો.

આ જ દૈનિકમાં છાપાના રાજકીય સંવાદદાતા કેઇટ પ્રોક્ટર લેબર પક્ષને ધાર્યું પરિણામ ન મળ્યું તેને સારુ આવાં કારણો આપી જાય છે. જેર્‌મી કોર્બિનની ચાહના સામે લોકોનો અણગમો ઝાઝેરો રહ્યો. કહે છે કે 1970 પછીના ગાળાની વાત કરીએ તો આવડો અણગમો વિરોધ પક્ષના નેતા સારુ ક્યારે ય જોવા મળ્યો નથી. આયર્લેન્ડમાં શાંતિ સ્થાપી શકાય, તેને સારુ દાયકાઓ પહેલાં, આયરિશ રિપબ્લિકન આંદોલનકારીઓને એ હળતામળતા તે મોટી વયના લોકોને સાંભરી આવતું અને તેમને તેમાં અસલામતીનો ભય વર્તાતો રહ્યો. વળી, જાતિભેદનો એરુ પણ બીજા પક્ષોની પેઠે લેબર પક્ષને ય આભડી ગયેલો. આ એરુ એટલે ‘એન્ટિ-સેમિટિઝમ’ (સામપ્રજાવાદ વિરોધ). આના પડઘા દૂરગામી સાબિત થયા.

પક્ષનો ચૂંટણી ઢંઢેરો પણ પગે બેડી બાંધી હોય તેમ ઘણાને અડ્યો નડ્યો. આગામી દાયકા માટેનો કાર્યક્રમ તેમાં વણી લેવાયો હતો એ ખરું. પણ સરકાર માટે તત્કાળ શું બાબત તેની છણાવટ કેટલાકને લગીર વર્તાતી નહોતી. રાષ્ટૃીયકરણની બાબત, નેશનલ હેલ્થ સર્વિસ માટેની યોજનાઓ પેટેના ખર્ચના આંકડાઓ જેવી જેવી ઊંડી વિગતમાહિતી બારણે બારણે સમજાવતા ઉમેદવારો થાકતા હતા. યુરોપ સાથેનો સંબંધ કેટલેક અંશે તે જાળવી રાખવા ઇચ્છે; પરંતુ પક્ષમાંના થોડાએક પણ બ્રેક્સિટ તરફી સભ્યો તેમ જ સાંસદો રહ્યાં જ હોઈ, બન્ને વિચારધારાઓને સાંચવી રાખતો વિચારમત સમતોલપણું જાળવી શક્યો નહીં. વિરોધીઓને લેબર પક્ષના વિચારમતનું ખંડન કરવામાં આથી સરળતાએ સફળતા સાંપડતી આવતી હતી.

આને કારણે દાયકાઓથી લેબરપક્ષી, તેમ જ ખાણિયા વિસ્તારોમાં કન્સર્વેટિવ પક્ષે બ્રેક્સિટને નામે ભારે ગાબડાં પાડ્યાં. ઉત્તર ઇંગ્લૅન્ડમાં એકદા જે ખાણિયા વિસ્તારો હતા, તેવા રતુમડા ગઢના કાંગરા ખેરવવામાં કન્સર્વેટિવ પક્ષ આ ફેરે કામયાબ નિવડ્યો. આ પક્ષે અનેક મતક્ષેત્રોને લેબર કનેથી ખેરવી લીધા. લેબરના લંડનગરા નેતાઓ એ મજૂરિયા જમાતને હૈયાધારણા આપી શક્યાં નહીં.

બાકી રહી ગયું હોય તેમ લેબર પક્ષની ચૂંટણી પ્રચારની રીતરસમ તથા વ્યૂહરચનામાં કચાશ વર્તાવા લાગેલી. ‘માર્જિનલ’ મતવિસ્તારોને સાંચવામાં જે વખત આપ્યો, તેમાં જેમને પાયાગત જાળવવાના હતા તેવા મતવિસ્તારોને એળે મુકાયાનો અનુભવ થયો. આ તો હવેલી લેતા ગુજરાત ખોઈ હોય, તેવો ઘાટ થતો હતો !

રાજકારણ બાબતે ગુજરાતીઓની તાસીર, સમજણ અને ઊંડાણ રમૂજ પેદા કરે છે તે ખસૂસ, પણ તેથી અચરજ પણ થાય છે. જગવિખ્યાત પ્રવાસી ભારુલતા પટેલ-કાંબળેએ આ મુદ્દે આ સોશિયલ મીડિયામાં બરાબરની નાડ પકડીને ચર્ચા ઉપાડી. ફેઇસબુક માંહેની એમની વૉલ પરેથી આ દલીલ પામવા જેવી છે : I hope people recognise that this is not Indian elections or an election about India. The election results would affect Britain and the society we live in. Just because someone issues some baseless manifesto is not the reason to vote for the wrong party, who’s cuts and austerity policies has brought this country to the level where it is now. Rise in homelessness, rise in people relying on food bank, less doctor, less nurses, education system compromised, less police and general compromises on all public services to the breaking point. Rise in knife crime, rise in other crime in general such as burglary and robbery to name few additions. The list is long and it is a time for a change and to put a full stop. My husband is a NHS doctor and we the family have suffered the consequences of Conservative Party’s wrong policies and cuts.

Stop using Mr Jeremy Corbyn’s anti-India stance as an excuse to vote for the Conservatives. Stop using Modiji’s name as trump card to vote for wrong party. Stop using India’s name to vote for wrong party.

ભારુલતા પટેલ-કાંબળેએ પ્રીતિ પટેલ સરીખાંની પણ ઢોંગલીલા છતી કરી હતી. કહેતાં હતાં : પ્રીતિ પટેલ એલેક્સ સૉયર[Sawyer]ને પરણ્યાં છે અને દંપતીને ફ્રેડી નામે દીકરો છે. અને ખપ પડે તેથી પરણ્યાં પહેલાંની અટકનો ભરપેટ ઉપયોગ તે બાઈ કરી જાણે છે. એમના મતે, Conservatives have deliberately made her the Home Secretary with an eye on the advantage of gaining extra Hindu voters in this general election and to strengthen their position for trade deal with India. UK is in more need of the trade deal with India than India with the UK. We British Indian already had strong ties back home with India and never needed any political parties to build any bridges, which the Conservatives claims to have built.

આવું છતાં, લેબર પક્ષ બાબત તેમ જ જેર્‌મી કોર્બિન અંગે કોઈક પ્રકારના પૂર્વગ્રહે બાંધેલા અભિપ્રાયમાં વીંટ્યા વિચારમતનું જોરશોરથી આદાનપ્રદાન થતું રહ્યું. ભારતીય બંધારણની 370મી કલમ નાબૂદી અંગે લેબર પક્ષના છેલ્લા અધિવેશનમાં પસાર થયેલા ઠરાવથી હિન્દુત્વ રાજકાજમાં પરોવાયેલા લોકોને નારાજગી લાગેલી. એ જમાતને ભારતની રાજનીતિ અહીં રહેતા, વસતા છતાં વિશેષ વહાલી લાગતી હતી. કેટલાકનું માનવું છે કે ભારતીય જનતા પક્ષ તેમ જ હિન્દુ સ્વયંસેવક સંઘની દોરીસંચારે આ નાવ ચાલતી હતી. તેમાં હિન્દુ મંદિરોની, તથા જ્ઞાતિજાતિની સંસ્થાઓની ગજબની સામેલગીરી જોવા મળતી હતી. આનો લાભ જમવાનું કન્સર્વેટિવ પક્ષે આંખ મીંચીને કર્યું. તેમાં પ્રીતિ સૉયરે, પ્રીતિ પટેલ રહીને, ભરપેટ લાભ લૂંટ્યા જ કર્યો છે.

courtesy : Chris Riddell; "The Observer", December 2019

કન્સર્વેટિવ પક્ષમાં ‘ઈસ્લામાફોબિયા’ (ઈસ્લામ પ્રજા તથા ધર્મ પ્રત્યેની ઘૃણા) દેખાયા કરી છે. આ અંગેની ટીકાટિપ્પણ પણ થયા કરી છે. એમ તો બોરિસ જૉનસને પોતાના પત્રકારત્વજીવનમાં આવી ઘૃણાને વાચા આપેલી, તેના દાખલાઓ સંસદ સમેત રજૂ કરાયા છે. હોઈ શકે કે આપણી આ જમાતને આમાં મીઠાં મધ સરીખું મેળાપીપળાપણું લાગતું હોય. અને તેથી ય કન્સર્વેટિવ પક્ષ તરફી વલણ કર્યું હોય.

આપણી વસાહતે આફ્રિકે સમેત અન્યત્ર કરેલી ભૂલો અહીં પણ ચાલુ રાખી, તેનું આ વરવું ચિત્ર છે. લિબરલ ડેમોક્રેટ પક્ષે ય 370 કલમની નાબૂદી અંગે જેમ ટીકા કરેલી તેમ બોરિસ જૉનસન સરકારના તત્કાલીન વિદેશ પ્રધાન ડોમિનિક રાબે ય સંસદમાં આ બાબત આલોચના કરેલી તેને આ જમાતે નજરઅંદાજ કરી છે તેનું આશ્ચર્ય છે. અનેકાનેક ધાર્મિક સ્થળોએથી કન્સર્વેટિવ પક્ષની તરફેણમાં મતદાન કરવાનો ભક્તજનોને આદેશ અપાતો તેની ભારે તાજૂબી છે.

આ દેશમાં, 2016ના લોકમત વેળા, રશિયાની દરમિયાનગીરી હતી તેવી શંકાકુશંકા સતત રહ્યા કરી છે. આ ફેરેની આ સાર્વત્રિક ચૂંટણીમાં બીજાઓની પેઠે ભારતના શાસક પક્ષની પણ દરમિયાનગીરી હોય તો તેનું અચરજ છે; અને તેની દૂરગામી અસરો ભોગવવાની થવાની તે ય સમજાય છે.

જેર્‌મી કોર્બિન વિદ્રોહી રાજકારણી જરૂર છે. તે સમાજવાદી છે અને લોકશાહી રસમમાં પૂર્ણપણે માને છે. આજના ગ્રાહકવાદ તેમ જ બજારવાદના સ્વાભાવિક એ ટીકાખોર પણ છે. પણ વ્યક્તિ તરીકે પ્રામાણિક છે, વિવેકી છે, અને વ્યક્તિનિંદામાં પડતા નથી. એમની દલીલો વિચાર આધારિત, મુદ્દાલક્ષી હોય છે. પ્રિન્ટ મીડિયામાં હિતશત્રુઓએ  જેર્‌મી કોર્બિન માટેનો પોતાનો વિરોધ સતત ગાજતો રાખેલો. આ જમણેરી પાંખના વિરોધમાં ઇલેકટૃોનિક મીડિયા તેમ જ સોશિયલ મીડિયા ય પૂરેવચ્ચ ભળેલું રહ્યું. ઊફરેટા રહેતા, વિચારતા લોકોને જે પરેશાની સેવવાની થાય છે, તેવી જાહેર પરેશાનીનો વિરોધ એમને પણ સહેવાનો થયો છે. તેમ છતાં, એમણે ક્યારે પણ વિવેક છોડ્યો નહોતો. બીજી પાસ, બોરિસ જૉનસનની વિશ્વસનિયતા તળિયાઝાટક રહી. અબી બોલા, અબી ફોકના એક નહીં અનેક વરવા દાખલા સામે પછડાયા જ કરે. સ્વકેન્દ્રી તેમ જ આળસુપણાનો સ્વભાવ. તેમ છતાં, પેલા ઢોંગી નગારા પીટાતા રહ્યા તેમાં એમણે પોતાનું ભાણું પાકું કરી જાણ્યું.

ભારુલતા પટેલ-કાંબળે કહેતાં હતાં તેમ આ દેશમાં 2010થી વરવી પરિસ્થિતિ વકરતી રહી છે. આર્થિક આકરાપણાં(ઑસ્ટેરિટી)ને કારણે રોજગારી વિનાના, ઘરબાર વિનાના જમાતની સંખ્યા માઝા મૂકતી હોય તેમ વર્તાય છે. જગતને ચોક એકદા જે આગેવાન હતું તે દેશને આજે ધ્યાનમાં ય લેવાતું નથી તેવી હાલત, કેમ ભલા, આપણી જમાતને દેખાતી નહીં હોય ? આ જમાતનો અહીં વસવાટ છતાં, ઊંટ જેમ મારવાડ ભણી મોં ફેરવતું રહે તેમ સાંપ્રત ભારતનું હિત હૈયે રાખી અહીં આ જમાત જીવે, નભે અને લીલાલહેર કરે તે હાલત અચરજ પેદા કરી જાય છે. 

… અને તેથીસ્તો, ચોફાળ ઓઢીને રોવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ અનુભવાઈ રહ્યો છે. − શું કરીએ ? કોને કહીએ ??

હેરૉ, 13-15 ડિસેમ્બર 2019

e.mail : [email protected] 

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar