ડાયસ્પોરાઃ ધર્મ થકી પોતાના મૂળ શોધવાની મથામણ

રંજના હરીશ
09-12-2017

વર્ષ 2009માં યુ.એન., જીનિવા ખાતે આયોજિત વિમેન્સ એમ્પાવર્મેન્ટ વિષયક કોન્ફરન્સ દરમિયાન, વિવિધ દેશોથી આવેલ અને ત્વચાના વિવિધ રંગો ધરાવતી વિશ્વભરની સ્ત્રીઓને મળવાનું થયું. ગંભીર મુદ્દાઓની આપલે તથા ચર્ચા થઈ. પાંચ દિવસ ચાલેલી કોન્ફરન્સ દરમિયાન બધા જ ડેલિગેટ્સને એક જ હોટલમાં ઉતારો હોવાને કારણે તથા મહિલાઓના પ્રશ્નમાં અમારા બધાના સહિયારા રસને કારણે 'પર્સનલ ઈઝ પોલિટિકલ' જેવા નારાને ધ્યાનમાં રાખતા વ્યક્તિગત અનુભવો ‘શેર’ કરવામાં કોઈને ય વાંધો ન હતો. અને આવા અનુભવોનું આદાન-પ્રદાન તે આ કોન્ફરન્સનું સૌથી રસપ્રદ તેમ જ ફળદાયી પાસું હતું.

આવો જ એક રસપ્રદ તેમ જ માહિતીસભર અનુભવ આ કોન્ફરન્સ દરમિયાન મૈત્રીના તાંતણે બંધાનાર અમેરિકાના સાનફ્રાન્સિસ્કો નગરથી આવેલ સુંદરી ચંદ્રા નામક સ્ત્રી સાથેનો હતો. સુંદરી ચંદ્રા – નામ ભારતીય લાગતું હતું. રંગે શ્યામળી, શરીરે ઊંચી, પહોળી, ભરાવદાર, પચાસેક વર્ષની સુંદરીના નામ સાથે તેના દેખાવનો કોઈ તાલમેલ નહોતો ! પણ તેનું મન કેવું સુંદર હતું તે સમજવાનો મને મોકો મળ્યો. સુંદરી રજીસ્ટર્ડ નર્સ હતી. અતિ વ્યસ્ત. તેમ છતાં ય સ્ત્રીઓનાં કામ માટે હંમેશ સમય ફાળવવા તત્પર. વિવિધરંગી મહિલાઓમાંથી મૈત્રી માટે તેને હું જ કેમ પસંદ પડી હોઈશ ? મેં એને પૂછ્યું તો તે બોલી, 'તમે ભારતીય છો તેથી.' મેં પૂછ્યું 'તમે પણ ભારતીય જ છો ને ?' એ બોલી, 'હું ભારતીય છું ય, અને નથી ય.' 'એમ કેમ ?' 'હું પોતે અમેરિકામાં જન્મી અને મોટી થઈ, ત્યાં જ પરણી અને સ્થિર પણ થઈ. મારા માતા-પિતાનો જન્મ મલેશિયામાં થયેલો. પણ તેઓએ પરણતાંની સાથે મલેશિયા છોડ્યું તે છોડ્યું. તેઓ અમેરિકા આવીને વસ્યાં. અને ફરી ક્યારે ય મલેશિયા વિશે વિચાર્યું સુદ્ધાં નહીં. એમે ય મલેશિયા વિશે વિચારવા જેવું કાંઈ હતું પણ નહીં. ત્યાં કોઈ સગાં-વહાલાં ન હતાં.' મેં પૂછ્યું, 'તો તમે મલેશિયન છો અને અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવો છો ?'

પાંચ વર્ષ પહેલાં સુધી હું મારી ઓળખાણ તમે કહ્યું તેમ જ આપતી હતી. હું કહેતી, 'હું અમેરિકાના મલેશિયન ડાયસ્પોરાને બિલોંગ કરું છું.' પણ છેલ્લાં પાંચ વર્ષથી હું મારા ભારતીય મૂળ શોધવામાં વ્યસ્ત છું. દુઃખ એ વાતનું છે કે મલેશિયા છોડીને અમેરિકા આવીને વસનાર મારાં માતા-પિતાએ ક્યારે ય પોતાના મૂળ દેશની વાત મને કરી ન હતી! મને ફક્ત એટલી ખબર હતી કે અમારા પૂર્વજો ભારતથી મલેશિયા આવ્યા હતા. એટલે અમે ભારતીય થયા ને ?'

'હા ચોક્કસ. તમે મૂળ ભારતીય તો ખરા જ.'

સુંદરી બોલી, 'એવા ભારતીય કે જેણે ભારત જોયું નથી. એવા મલેશિયન કે જે જાણતા નથી કે મલેશિયા શું છે. આ બંને દેશોની ભાષાઓ, રહેણી-કરણી વગેરે કશાની જાણ પાંચ વર્ષ પહેલાં સુધી મને નહોતી.'

વારંવાર આવતા પાંચ વર્ષના સંદર્ભમાં મને રસ પડ્યો. મેં તેને પ્રશ્ન કર્યો, 'તે છેલ્લા પાંચ વર્ષમાં એવું તે શું બન્યું કે તમારે તમારી ઓળખાણ અને જીવનપદ્ધતિ બદલવા વિશે વિચારવું પડ્યું ?'

નારીવાદી સુંદરી ચંદ્રા એક સફળ અમેરિકન રજીસ્ટર્ડ નર્સ, એક પ્રેમાળ પત્ની તથા બે બાળકોની વ્હાલસોયી માતાએ પોતાની વાત માંડી …

'હું તો વર્ષોથી મારી જાતને મલેશિયન ડાયસ્પોરિક વ્યક્તિ જ માનતી હતી. મારો શ્વેત અમેરિકન પતિ પણ એમ જ કહેતો. પણ પાંચેક વર્ષ પહેલાં મને એક વિશેષ દૈવીય અનુભવ થયો. મને ત્રણેક મહિના સુધી એક જ પ્રકારનું સ્વપ્ન આવતું હતું. સ્વપ્નમાં મને એક મહાકાય વાનર દેખાતો હતો. રોજ રાતે સ્વપ્નમાં એ વાનર મને પોતાની પાસે બોલાવતો હતો. આવા સ્વપ્નનો શું અર્થ હશે? મેં મારા પતિને પૂછ્યું. તેણે હસીને કહ્યું, 'બાળકોને લઈને તું ઘણા વખતથી ઝૂમાં ગઈ નથી એટલે ઝૂનું આમંત્રણ હોઈ શકે.' પણ ના, એવું ન હતું.

એવામાં મારી હોસ્પિટલમાં એક ભારતીય દરદી દાખલ થયાં. તે વૃદ્ધ મહિલા સાથે હું પ્રેમથી વર્તતી. ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં તે મારી સાથે વાત કરતાં. એક દિવસ તેમના ટેબલ પર પડેલ એક ફોટોફ્રેમ પર મારી નજર ગઈ. અને હું આશ્ચર્ય પામી ગઈ ! અરે ! આ તો એ જ મહાકાય વાનર હતો, જેને હું મારા સ્વપ્નમાં જોતી હતી ! પણ આ વૃદ્ધા વાનરનું ચિત્ર ફ્રેમમાં મઢાવીને હોસ્પિટલના પોતાના બેડ પાસે કેમ રાખતી હશે ? આ વાનરની સ્મૃિત તેને સ્વાસ્થ્ય મેળવવામાં કઈ રીતે મદદ કરતી હશે ? મેં મારી જાતને આવા પ્રશ્નો પૂછી નાખ્યા. અને ધીમેથી પેલાં બહેનને એ વાનરના ફોટા વિશે પૂછ્યું. વાનર શબ્દ સાંભળતાં જ તેઓ સતર્ક થઈ ગયાં અને બોલ્યાં, 'ના તમે તેને વાનર ન કહો. આ તો અમારા ઇન્ડિયન ગોડ છે. ગોડ હનુમાન.' મને આશ્ચર્ય થયું. ‘મંકી - ગોડ.' પછી તો મેં મારા સ્વપ્નની વાત પેલાં વૃદ્ધા દરદીને કરી. સ્વપ્નની માહિતી સાંભળ્યા બાદ તેમણે કહ્યું, તમે આ સ્વપ્નને હસી ન કાઢો. આ તો હનુમાનજીનો આદેશ છે. તેઓ તમને બોલાવી રહ્યા છે. હનુમાન નામના ભારતીય મંકી ગોડની જાણ થતાં મેં ઇન્ટરનેટ પર તેના વિશે બધું જ સાહિત્ય વાંચી નાખ્યું. મને હનુમાનજીમાં રસ પડી ગયો. અને ક્યારે ય ચર્ચ કે મંદિરમાં ન ગયેલી, ધર્મના નામે મોટું મીંડું, એવી હું, હનુમાનજીના વિશેની પૌરાણિક માન્યતાને સમજવા ભારતીય ધાર્મિક સાહિત્ય વાંચવા માંડી.

ધીમે ધીમે કરતાં તો હું હનુમાનભક્ત બની ગઈ. કેલિફોર્નિયાના બે એરિયામાં મેરી માઉન્ટ ખાતે આવેલ હનુમાનજીના મંદિરની માહિતી મેળવીને હું ત્યાં જવા માંડી. ત્યાંના હનુમાન ભક્તોમાંના એકે મારી વિનંતીને માન આપીને મને ભારતથી હનુમાનજીની મોટી એક મૂર્તિ મંગાવી આપી. પરંતુ તેને હું ઘરે લઈ જઉં અને પ્રતિષ્ઠા કરું તે પહેલાં મંદિરવાળાઓએ એક પૂર્વશરત મૂકી. મારે તથા મારા પરિવારે સંપૂર્ણ શાકાહારી બનવું પડે. તથા ભારતીય પદ્ધતિથી જીવવું પડે. મેં મારા અમેરિકન પતિને આ શરત વિશે વાત કરી. હનુમાનજી પ્રત્યેની મારી જિજ્ઞાસા તથા સમર્પણનો તે સાક્ષી હતો. તેણે ઉદારતાપૂર્વક એ શરતો સ્વીકારી લીધી. એટલું જ નહીં મંકીગોડ પ્રત્યેના મારા અદ્દભુત આકર્ષણને મારો પતિ 'કોલ ફ્રોમ ધ રુટ' તરીકે જોઈ રહ્યો હતો. અને આમ અમારા સમગ્ર પરિવારે ભારતીય પદ્ધતિથી જીવવાનું નક્કી કર્યું.

ઘરના બેકયાર્ડમાં એક વૃક્ષની નીચે હનુમાનજીની પ્રતિમાની પધરામણી થઈ. અને સમય જતાં અમે એ હનુમાનજી માટે બેકયાર્ડમાં મંદિર પણ બનાવ્યું. હવે અમારું હોમ ટેમ્પલ ભારતીય ડાયસ્પોરા માટે શ્રદ્ધાનું સ્થાનક છે. પૂજા-અર્ચના માટે જરૂરી એટલું સંસ્કૃત અને હિન્દી હું શીખી ગઈ છું. હનુમાન ચાલીસાનો પાઠ મારા નિત્યક્રમનો ભાગ છે.

પાંચ વર્ષ પહેલાં સુધી ભારત વિશે તદ્દન અજાણ એવી હું હવે મારી જાતની ઓળખાણ ભારતીય ડાયસ્પોરિક વ્યક્તિ તરીકે આપું છું. હનુમાનજીના શુકનિયાળ પગલાંએ મને મારા ભારતીય મૂળ સાથે જોડી દીધી છે. ભારતયાત્રા અમારી વિશ-લિસ્ટમાં ક્યારે ય ન હતી પણ હવે તે અમારા માટે પ્રાથમિકતા ધરાવે છે. અમે ભારતની વિઝિટે આવવા તત્પર છીએ. અયોધ્યાથી લઈ છેક દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર તથા લંકા સુધીના 'હનુમાનરૂટ'ની યાત્રા કરવાનું મારું સ્વપ્ન છે.’

સુંદરી ચંદ્રાની કોન્ફરન્સ ખાતે નોંધાયેલ અમેરિકન આઈડેન્ટિટી અમે બંને વિસરી ચૂક્યા હતા. તેની વાતોનો પ્રવાહ અમને તેના ભારતીય પગેરું તરફ ખેંચી રહ્યો હતો.

તા.ક.

વિશ્વભરની અત્યંત સફળ પરંતુ મૂળહીન ડાયસ્પોરિક પ્રજાને પોતાના મૂળ સુધી પહોંચવાની, પોતાનાં પગેરૂ શોધવાની, જે તત્પરતા જાગી છે તેને પોષવા માટે TEMANE મૂળ વતનની ભાષા, સાહિત્ય, ધર્મ કે કલા જેવા કોઈ માધ્યમને પકડવું આવશ્યક છે. જેમ સુંદરીએ હનુમાનજીને પકડ્યા તેમ.

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 26 જુલાઈ 2017

Category :- Diaspora / Culture