મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો વિજય થયો, ત્યારથી કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને એક સલાહ વારંવાર આપવામાં આવતી હતી કે તેમણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અનુક્રમે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટને મુખ્ય પ્રધાન બનાવીને સાબિત કરી આપવું જોઈએ કે તેઓ નૂતન કૉન્ગ્રેસ માટે પ્રતિબદ્ધ છે. રાજકીય પક્ષ માટે નૂતન એ બ્રિટનમાં મજૂર પક્ષના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લૅરે વાપરેલો અને ચલણી કરેલો શબ્દ છે. ૧૯૭૯માં રૂઢીચુસ્ત પક્ષનાં માર્ગરેટ થેચર વડાં પ્રધાન બન્યાં એ પછીથી મજૂર પક્ષ માટે માઠા દિવસો બેઠા હતા. ૧૯૯૦ સુધી થેચરે રાજ કર્યું હતું અને એ પછી જોહ્ન મેજરે. મજૂર પક્ષને સત્તામાં પાછા ફરતા ૨૩ વરસ લાગ્યાં હતાં અને એ દરમ્યાન મજૂર પક્ષ પ્રચંડ હતાશાની સ્થિતિમાં હતો. ૧૯૯૪માં ટોની બ્લૅરને મજૂર પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા અને તેમણે મજૂર પક્ષની કાયાપલટ કરી હતી. એ કાયાપલટનું પક્ષીય આંદોલન ન્યૂ લેબર મુવમેન્ટ તરીકે ઓળખાય છે. ૧૯૯૭માં મજૂર પક્ષ સત્તામાં પાછો ફર્યો હતો અને ટોની બ્લૅર વડા પ્રધાન બન્યા હતા.
કૉન્ગ્રેસ હજુ મજૂર પક્ષ જેવી ખરાબ સ્થિતિમાં નથી અને છે પણ. કૉન્ગ્રેસે કમસેકમ કેન્દ્રમાં એકધારા બે દાયકા સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું નથી, તો બ્રિટનમાં મજૂર પક્ષનો કૉન્ગ્રેસનો ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં જેવો ભૂંડો પરાજય થયો હતો, એવો ક્યારે ય થયો નહોતો. ૨૦૧૪માં કૉન્ગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી એ પછી ચર્ચા થવા લાગી હતી કે કૉન્ગ્રેસ માટે ન્યૂ લેબર જેવી ન્યૂ કૉન્ગ્રેસની જરૂર છે. કરે કોણ? લાખ રૂપિયાનો સવાલ આ હતો. રાજીવ ગાંધી કરી શકશે? અને જો કૉન્ગ્રેસને નેહરુ-ગાંધી પરિવારથી મુક્ત કરવામાં આવે તો કૉન્ગ્રેસ ટકી શકશે? રાજીવ ગાંધી કરી શકે એમ લાગતું નહોતું અને પરિવાર વિના કૉન્ગ્રેસ ટકી શકે એવા સંજોગો નહોતા એટલે બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે જરા ગેલમાં આવીને જાહેરાત કરી દીધી હતી કે તેઓ દેશને કૉન્ગ્રેસ મુક્ત કરવા માંગે છે.
પણ કૉન્ગ્રેસ ઊગરી ગઈ. બે ગેર-કૉન્ગ્રેસીઓએ કૉન્ગ્રેસને ઊગારી લેવામાં મદદ કરી છે. પહેલી ભૂલ અરવિંદ કેજરીવાલે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી હકાલપટ્ટી કરવાની કરી. આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસનો રાષ્ટ્રીય વિકલ્પ બનવાની સંભાવના ધરાવતી હતી, એનો એ ઘટના સાથે અંત આવી ગયો. બીજી ભૂલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરણસરનું શાસન કરવાની જગ્યાએ ખેલ પાડીને અને સમાજમાં વિભાજનો પેદા કરીને કરી. જો તેમણે ધોરણસરનું શાસન કર્યું હોત અને ખેલ પાડવાના, આંજી દેવાના, વાહવાહ કરાવતા રહેવાના, સમાજમાં તિરાડો પાડવાના, ધ્રુવીકરણ કરવાના કહેવાતા ગુજરાત મોડેલને અનુસર્યું ન હોત તો કૉન્ગ્રેસને પગભર થવામાં મુશ્કેલી નડત. કૉન્ગ્રેસને રાહુલ ગાંધીએ જેટલી પગભર કરી છે, એના કરતાં નરેન્દ્ર મોદીનો અને અરવિંદ કેજરીવાલનો એમાં મોટો ફાળો છે. રાહુલ ગાંધીનો પણ ફાળો છે એની ના નહીં, પરંતુ રાહુલ ગાંધીના ફાળામાં પણ બી.જે.પી.નો ફાળો છે. કોઈ માણસ મૃત્યુ પામે એ પહેલાં તેને મરેલો જાહેર કરો અને ઉપરથી ઠેકડી ઉડાડો તો મરણ પથારીએ પડેલા માણસની આસપાસ જે લોકો ઊભા હોય એને પણ એક વાર મનમાં થઈ આવે કે આ માણસ બચી જવો જોઈએ અને કેટલાકને થાય બચાવી લેવો જોઈએ. રાહુલ ગાંધી અસહ્ય પ્રતારણાના પરિણામે નક્કર અને ધ્યેયલક્ષી બનવા લાગ્યા.
ગુમાન! ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ સાંજે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સાચું જ કહ્યું હતું કે કૉન્ગ્રેસના જીવતદાનમાં બી.જે.પી.ના નેતાઓના ગુમાનનો મોટો ફાળો છે. તેમણે કહ્યું હતું કે જાહેર જીવનમાં શું ન કરવું જોઈએ એ મને નરેન્દ્ર મોદી પાસેથી શીખવા મળ્યું. તો કૉન્ગ્રેસ તો જાણે હળુ હળુ બેઠી થઈ જશે એવા સંકેત મળે છે, પરંતુ નૂતન કૉન્ગ્રેસનું શું? નૂતન કૉન્ગ્રેસ માટે તો રાહુલ ગાંધીએ જ પ્રયાસ કરવા પડશે, એ કોઈ બહારના લોકો કરી આપી શકે એમ નથી. એને માટે સત્તા યુવાનોને સોંપવી જોઈતી હતી એવી જે દલીલ કરવામાં આવે છે એ આંશિક રીતે સાચી છે, સંપૂર્ણપણે સાચી નથી.
શુદ્ધ અર્થમાં નૈતિક, રાજકીય દૃષ્ટિએ યોગ્ય અને બંધારણીય માર્ગ એ હતો કે ત્રણેય રાજ્યોમાં કૉન્ગ્રેસના સંસદીય પક્ષની બેઠક બોલાવવામાં આવે અને વિધાનસભ્યોને તેમનો નેતા પસંદ કરવાનું કહેવામાં આવે. જોઈએ તો ખુલ્લા મતદાન દ્વારા અને જોઈએ તો ગુપ્ત મતદાન દ્વારા. આને કારણે દેશનું અને પક્ષ અંતર્ગત પક્ષીય એમ બન્ને સ્તરે લોકતંત્ર કોળાશે અને વિકસશે. નાગરિકોની અંદર પણ લોકતાંત્રિક મૂલ્યો પાંગરશે. નેતૃત્વ યુવાન કરે કે વૃદ્ધ કરે; મહત્ત્વ ઉંમરનું નથી, લોકતંત્રનું છે, પારદર્શકતાનું છે. નૂતન કૉન્ગ્રેસની માગણી કરનારાઓમાંથી કોઈએ કહ્યું નથી કે નેતાની ચૂંટણી કરવાનો અધિકાર ચૂંટાયેલા વિધાનસભ્યોને આપવો જોઈએ. ખરું પૂછો તો તમે અધિકાર આપનારા કોણ? એ તેમનો અધિકાર જ છે. જો આ લોકતાંત્રિક તત્ત્વ વિકસશે તો કેન્દ્રમાં પણ રાહુલ ગાંધીની જગ્યાએ બીજો કોઈ વડો પ્રધાન કૉન્ગ્રેસ પક્ષમાંથી આવી શકે છે. લોકો જે પરિવારવાદ, વંશવાદના આરોપ કરે છે એનો અંત આવી જશે.
રાહુલ ગાંધી આટલે સુધી જશે? રાહુલ ગાંધીને જવા દો, બીજા રાજકીય પક્ષો આ રસ્તો અપનાવશે? ડાબેરી પક્ષોને છોડીને અત્યારે કોઈ પક્ષ આવો માર્ગ અપનાવે છે? ડાબેરી પક્ષો છોડીને કયા પક્ષમાં મોવડીમંડળ (હાઈ કમાંડ) નથી? હાઈ કમાંડ શબ્દ જ લોકતંત્રનો અભાવ સૂચવે છે. આમ આદમી પાર્ટીએ પક્ષ અંતર્ગત લોકતંત્રના દાવા કર્યા હતા, પરંતુ સત્તામાં આવતાની સાથે જ અરવિંદ કેજરીવાલ હાઈ કમાંડના નામે તાનાશાહ બની ગયા હતા. આજે ભારતમાં એક પક્ષ એવો નથી જેમાં હાઈ કમાંડ અર્થાત્ કોઈ એકની તાનાશાહી ન હોય. તત્ત્વત: લોકશાહીમાં નહીં માનનારા ડાબેરી પક્ષો સૌથી વધુ લોકતાંત્રિક છે અને જેઓ લોકશાહીના ઓવારણા લે છે એવા પક્ષોમાં લોકતંત્ર નથી. માત્ર સ્વરૂપમાં ફરક છે, બાકી તાનાશાહી એક સરખી છે. કૉન્ગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારની તાનાશાહી છે. સમાજવાદી પક્ષ કે શિવ સેના જેવા અન્ય પક્ષોમાં સ્થાપક પરિવારની તાનાશાહી છે. બી.જે.પી.માં નરેન્દ્ર મોદી અને અમિત શાહની તાનાશાહી છે.
તો નૂતન કૉન્ગ્રેસના મૂળ પક્ષ અંતર્ગત લોકતંત્રમાં છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ગાંધી પરિવારે પક્ષનું પોષણ અને રક્ષણ કરવું પડે છે, પણ એ સાથે રાહુલ ગાંધીએ પક્ષઅંતર્ગત લોકતંત્રનું પણ પોષણ અને રક્ષણ કરવું જોઈએ. એને કારણે એક દિવસ એવો આવશે જ્યારે કૉન્ગ્રેસને પરિવારની જરૂર નહીં રહે. દેશને કૉન્ગ્રેસ મુક્ત કરવાની જરૂર નથી, કૉન્ગ્રેસને પરિવાર મુક્ત કરવાની જરૂર છે.
ઘણીવાર એવું બનતું હોય છે કે ખોટી દિશામાં લાંબી યાત્રા કર્યા પછી જો અડધે રસ્તે કોઈ પાછા લઈ આવે તો આપણે રાહત અનુભવીએ છીએ. હકીકતમાં આનો કોઈ અર્થ નથી. જ્યાંથી ખોટો રસ્તો પકડ્યો ત્યાં સુધી પાછા આવશો ત્યારે જ સાચો રસ્તો સાંપડવાનો છે. યુવાનોની કૉન્ગ્રેસ એ અડધા રસ્તાની રાહત છે અને એ નિરર્થક છે.
https://www.facebook.com/satish.dholakia/posts/2232001356833458