
રવીન્દ્ર પારેખ
આમ તો ‘જંગલમેં મંગલ’ કહેવાય છે, પણ કુસ્તીનાં મેદાનોમાં કુસ્તીબાજો જે રીતે કુસ્તીનાં દંગલને મંગલમાં ફેરવે છે તેનો આનંદ હોય છે. એમાં તો હવે મહિલા રેસલર્સ પણ સુવર્ણચંદ્રકો મેળવીને વિશ્વમાં ભારતનું નામ રોશન કરતી થઈ છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આનંદ બેવડાય એમ બને, કારણ એથી ભારતીય રમતમાં એક નવું સોપાન ઉમેરાય છે, એ પણ ખરુંને ! ઓલિમ્પિકસમાં કુસ્તીમાં મેડલ જીતનારી સાક્ષી મલિક અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી વીનેશ ફોગાટ જેવી કુસ્તી વિજેતાઓને વડા પ્રધાને પણ ચા પીવા બોલાવીને તેમનો આદર સત્કાર કર્યો હતો એ પણ ઘણાંને યાદ હશે. એ દીકરીઓ હાલ, દિલ્હીનાં જંતરમંતર પર સાંસદ અને ભારતીય કુસ્તી ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર પોતાનું જાતીય શોષણ કર્યું છે એવો આરોપ મૂકીને ધરણાં પર બેઠી છે. એ દુ:ખદ છે ને હવે નથી પ્રમુખ રાજીનામું આપતા કે નથી સરકાર એ મામલે સહાનુભૂતિનાં બે શબ્દો ય બોલતી. વાત એવી છે કે બ્રિજભૂષણ સિંહ પર શારીરિક શોષણનો ગંભીર આરોપ છે ને તે કોઈ સાધારણ છોકરીએ નથી મૂક્યો, પણ સાત સાત મહિલા કુસ્તીબાજોએ મૂક્યો છે.
આમ તો ગયા જાન્યુઆરી, 2023થી આ વિરોધ ચાલે છે. ફેડરેશનના પ્રમુખ સામે જાતીય શોષણને મામલે આ કુસ્તીબાજ છોકરીઓ ત્યારે પણ આ જ મુદ્દે ધરણાં પર બેઠેલી, પણ તે વખતે સરકારે ન્યાય અપાવવાની ખાતરી આપીને મામલો થાળે પાડેલો, સરકારે આ મામલે તપાસ સમિતિ પણ રચી, પણ સમિતિઓ ભાગ્યે જ કોઈ પરિણામ આપતી હોય છે, એવું આ સમિતિ બાબતે પણ થયું. કોઈ પરિણામ ન આવતાં સાક્ષી મલિક અને વીનેશ ફોગાટ સહિતની મહિલાઓ ફરી જંતરમંતરનાં મેદાનમાં ધરણાં પર બેઠી છે અને બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો, કાઁગ્રેસનાં પ્રિયંકા વાડ્રા, આપના કેજરીવાલ જેવાં ઘણાં તેમનાં સમર્થનમાં આગળ આવ્યાં છે. બ્રિજભૂષણ સામે સાત કુસ્તીબાજોએ 21 એપ્રિલે ફરિયાદ નોંધાવી, આ સાતમાં એક તો સગીર છે, તેની સતામણી સંદર્ભે પોકસો જેવો ગંભીર ગુનો લાગુ પડે, પણ વાત સુપ્રીમ કોર્ટ સુધી ન જાય ત્યાં સુધી પોલીસને પણ ફરિયાદ નોંધવાનું બહુ સૂઝતું નથી. વાત 25 એપ્રિલે સુપ્રીમે પહોંચી ને સુનાવણી દરમિયાન ફરિયાદ કેમ નથી નોંધાઈ જેવું પુછાયું તો પોલીસ 28 એપ્રિલે દિલ્હીના કનોટ પ્લેસ સ્ટેશને ફરિયાદ નોંધવા તૈયાર થઈ. બે ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસે કહ્યું છે, જેમાંની એક પોકસો સંદર્ભે છે. કોઈ કાર્યવાહી ન થાય તો ફરિયાદી જ ખોટો લાગવા માંડે, એટલે કોઈ કાર્યવાહી ન થતાં કુસ્તીબાજ મહિલાઓ અઢીત્રણ મહિને ફરી મોં ખોલવા લાચાર થઈ છે. વીનેશ ફોગાટ તો પોતાની વાત કહેતાં ભાવુક થઈ ગઈ હતી.
સાધારણ રીતે મહિલાઓ જાતીય સતામણી અંગે ફરિયાદ કરવા કે વાત કરવા બહુ હિંમત દાખવતી નથી, ત્યારે આ સાત કુસ્તીબાજ મહિલાઓ ફરિયાદ નોંધાવવા પોલીસ સુધી પહોંચી હોય તો એમનાં પર શું વીત્યું હશે એની કલ્પના કરવાની રહે છે. એવે વખતે પોલીસ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ વગર જાગે જ નહીં એ નીંભર તંત્રનો ઉત્તમ નમૂનો છે. આ વિરોધમાં આંતરરાષ્ટ્રીય પુરુષ કુસ્તીબાજો પણ સમર્થનમાં ધરણાં પર બેઠા છે, ત્યારે અન્ય મહિલાઓની ચૂપકીદી કેવળ નિષ્ઠુરતાની જ ચાડી ખાય છે. આ સાતે છોકરીઓએ આમ તો પોતાની કારકિર્દી દાવ પર લગાવી છે, છતાં સરકારનાં પેટનું પાણી હાલતું નથી એ રાષ્ટ્રીય નીંભરતાનો બીજો નમૂનો છે !
સરકાર સાંસદ અને કુસ્તીબાજ ફેડરેશનનાં પ્રમુખને બચાવવા ભલે મોઢે તાળું મારે, પણ તેમનો ભૂતકાળ કૈં બહુ ભવ્ય છે એવું નથી. ઉત્તર પ્રદેશ કેસરગંજ લોકસભા બેઠકના આ સાંસદ સામે દાઉદ ઈબ્રાહીમ ગેંગના શાર્પ શૂટર્સને આશ્રય આપવા બદલ કેસ થયો હતો ને સી.બી.આઈ.એ તેમની ધરપકડ પણ કરી હતી. આવા સાંસદને બચાવવા સરકાર આ કુસ્તીબાજ મહિલાઓની વાત કાને ધરવાય તૈયાર નથી, એ કેવું? એક તરફ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર સાંસદ છે ને બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવનાર સાત સાત કુસ્તી બાજ મહિલાઓ છે. કોની વાત કાને ધરવી એ સરકાર નથી જાણતી એવું નથી, પણ હવે લોકસભામાં ય બધું તો સાચું ક્યાંથી હોય? એટલે ન્યાય તો મળે ત્યારે ખરો ! ‘બેટી બચાવો’ તો સૂત્ર છે ને જેમ બીજાં સૂત્રો જાહેરાત માટે વપરાય એમ જ, આ પણ વપરાશ માટે જ છે, તેનો અમલ થતો હોત તો આ સાત મહિલાઓ સંભળાયા વગર રહી ના હોત ! ને પ્રજાને તો અવાજ જ ક્યાં છે કે એ કૈં બોલે. પ્રજા ધારે તેને બોલાવી શકે, પણ તે પોતે જ મૂંગી મરી રહેતી હોય તો બીજા તો શું કામ મોંમાંથી ફાટે? ને આ ક્યાં ધરમકરમની વાત છે કે થાળી-તાળી વગાડવાની છે કે નકામું બોલીને બગાડવાનું ! આપણી પ્રજા મતલબ ન હોય તો અલિપ્ત થઈ જાય છે, તે આ કુસ્તીબાજોની વહારે ન આવે તેમાં નવાઈ નથી !
ખેર ! બ્રિજભૂષણ સિંહ સામે તો બાળકોની જાતીય સતામણી સામે લાગુ પડતા પોકસો હેઠળ ફરિયાદ નોંધાઈ છે, છતાં પોલીસે ધરપકડ કરી નથી. કરે તો ગુનો પોકસો હેઠળ નોંધ્યો હોવાથી બ્રિજભૂષણને જામીન પણ ના મળે. બ્રિજભૂષણ સામે અગાઉ પણ કેસ નોંધાયા છે. આવી ફરિયાદ પોલીસ સામે થાય તો તરત જ સસ્પેન્ડ થાય, પણ સાંસદોના પદને બહુ વાંધો આવતો નથી, સિવાય કે એ સાંસદ વિપક્ષનો હોય ! આમ પણ સાંસદ તરીકેની બ્રિજભૂષણની ટર્મ પૂરી થવામાં છે એટલે તેમાં તો કોઈ અડચણ આવે એમ નથી. જો કે, નૈતિક્તાને ધોરણે બ્રિજભૂષણે રાજીનામું આપવું જોઈએ એવું ઘણાંને લાગે છે, પણ બ્રિજભૂષણ પોતે તો રાજીનામું આપવા તૈયાર નથી ને નૈતિક્તાનું તો એવું છે કે તેને સત્તા સાથે ભાગ્યે જ બને છે. વારુ, બ્રિજભૂષણને એમ લાગે છે કે તે રાજીનામું આપે તો આરોપો સ્વીકારે છે એવો સંદેશ બહાર જાય જે તેમને મંજૂર નથી. પોતે નિર્દોષ છે ને કોઈ પણ તપાસનો સામનો કરવા તૈયાર છે તેવું કહે છે, એટલે એ તો રાજીનામું આપે એવું લાગતું નથી. એમને તો એવો પણ વહેમ છે કે આ બધું પ્રેરિત છે ને એમાં એકાદ અખાડાનો, કેટલાક ઉદ્યોગપતિઓનો અને કાઁગ્રેસનો હાથ છે. બાકી હતું, તે રાજકીય પક્ષો પણ આનો સરકારની સામે હથિયાર તરીકે ઉપયોગ કરવા મેદાને છે. ધરણાં પર બેસનારાઓએ સ્પષ્ટ કર્યું છે કે આને રાજકીય રંગ આપવામાં ન આવે, કેટલાક પક્ષોએ સૂત્રોચ્ચાર પણ કર્યા, એ બધું જોતાં રાજકીય સ્પર્શથી આ ધરણાં કેટલાં બચશે તે જોવાનું રહે છે. કુસ્તીબાજોનું કહેવું છે કે બ્રિજભૂષણની ધરપકડ ન થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રહેશે.
ટૂંકમાં, કોકડું ગૂંચવાયેલું છે. કુસ્તીબાજો જે હેતુસર મેદાને પડ્યા છે, એમાં તેમનું બ્રિજભૂષણ દ્વારા જાતીય શોષણ થયાની વાત મુખ્ય છે. સાધારણ રીતે જાતીય શોષણ થયાને મામલે કુસ્તીબાજો ધરણાં પર બેસે એવું બને નહીં, કારણ આરોપ મૂકતાં પહેલાં પોતાની શોષિત તરીકેની ભૂમિકા આપોઆપ જ પ્રગટ થઈ જવાનો ભય રહે ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવ્યા પછી કોઈ પોતાની કારકિર્દીને આમ દાવ પર લગાવવા ભાગ્યે જ તૈયાર થાય, સિવાય કે આરોપ સંગીન હોય. અહીં એકલદોકલ સ્ત્રી મેદાને પડી નથી, વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત રેસલરો સામે પડી છે ને જેની સામે આરોપ મુકાયો છે એ પણ સાંસદ છે, કુસ્તી મહાસંઘનો પ્રમુખ છે. ફરિયાદનું શું પરિણામ આવે તેની કલ્પના પણ કુસ્તીબાજોને છે જ ને છતાં વાત ધરણાં સુધી આવે તો એમ જ શોખ ખાતર જાતને બદનામ કરવા કુસ્તીબાજો મેદાને પડી હોય એવું તો કેવી રીતે કહેવાય?
બીજી બાજુ બ્રિજભૂષણનો ભૂતકાળ ને તેમના પર થયેલા કેસો તેઓ નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર ફાડતાં નથી. રાજકીય વગ અને સત્તા, સરકારની ચૂપકીદી, મહિલા સાંસદો અને મહિલા મંત્રીઓનું મૌન અને પ્રજાની ઉદાસીનતા સત્યને બહાર આવતાં રોકે એવી શક્યતાઓને સાવ નકારી શકાય નહીં. આમ તો વાતે વાતે સૂત્રો પોકારવા ભેગી થઈ જતી મહિલાઓ આ સાત સાત કુસ્તીબાજ મહિલાઓનાં જાતીય શોષણને મામલે ચૂપ છે તે આઘાતજનક છે. સંસદમાં મહિલા સાંસદો ને મહિલા મંત્રીઓ પણ છે, પણ આ સાત મહિલા કુસ્તીબાજોનાં જાતીય શોષણ સાથે નહાવા નીચોવવાનું જ કૈં ન હોય એમ અજાણ થઈને બેઠી છે. સાચું તો એ છે કે ‘સત્યમેવ જયતે’ હવે આઉટડેટેડ થઈ ગયું છે ત્યારે કોઈ ચમત્કાર જ સત્ય પ્રગટ કરે એની રાહ જોવાની રહે.
જોઈએ થોડી રાહ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 મે 2023