Opinion Magazine
Number of visits: 9667163
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દ્વિઘા

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|19 September 2023

પ્રીતમ લખલાણી

અમૃતલાલ સ્વભાવે આમ તો કોઈને નડે તેવા નહોતા, છતાં સવાર પડતાં જ દીકરા વેદાંતની વહુ આરતીને કારણ વિના ઠેબે ચઢી જતા. આજે વહેલી સવારે શાક લેવા જવા આરતી પર્સ ગોતવા અહીંતહીં ફાંફાં મારતી હતી. ન જાણે પર્સ કયાંક મુકાઈ ગયુ હશે. એટલે આરતીને મળતું નહોતું. પર્સ શોઘતાં ગુસ્સામાં આરતીના ઠેબે અમૃતલાલની લાકડી ચડી ગઈ. આરતીનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો. ગુસ્સામાંને ગુસ્સામાં તે મનોમન બબડી, ‘હે! પ્રભુ હવે આ ઘરમાંથી આ લાકડી જાય તો, ઘરમાં કયાંક પગ મૂકવાની જગ્યા થાય.’ અને ત્યાં જ ઘરના ફોનની ઘંટડી રણકી ઊઠી.

‘હલ્લો, આરતી.’

‘બોલ, પૂનમ, શું ખબર છે!’

‘બસ, કાંઈ નવીન નથી, આટલી વહેલી સવારે આરતી તને યાદ કરાવવા ફોન કર્યો કે, તું આજે સમયસર કીટી પાર્ટીમાં આવી જજે. છેલ્લા બે ત્રણ વખતથી તને અમે બઘી સહેલીઓ ખૂબ જ મિસ કરીએ છીએ.’

‘પૂનમ, હું તને ફોન પર શું કહું, અરે! મને જેટલી ચિંતા વેદાંતના દિવસના ત્રણ ટંકના ભોજનની નથી હોતી, એટલી ઘરમાં મારે માથે ચોવીસ કલાક ખોડાઈને પડેલા આ ડોસાની છે. મૂઓ! પોતે તો મરીને છૂટતો નથી અને મને પણ છૂટકારો દેતો નથી. હજી સવારમાં જ તેના ચા પાણી નાસ્તો કરીને જરા પરવારી અને હજી અગિયાર વાગ્યા નથી ત્યાં તો માથે આવીને ઊભો રહશે, ‘આરતી વહુ, લંચને હજી ભલા કેટલીવાર છે. ‘જો પૂનમ, લંચમાંથી વહેલી પરવારી જઈશ તો, આજ જરૂર કીટીપાર્ટીમાં આવવાની કોશિશ કરીશ.’

‘તો પછી આરતી, હું એમ જ માની લઉં છું કે, આપણે આજે બપોરે પાર્ટીમાં મળીએ છીએ.’

ફોન મૂકતા, કીટી પાર્ટીમાં આજે જવાશે કે નહિ જવાય, તેની ચિંતામાં આરતીએ પોતાના મનનો ગુસ્સો સ્ટીલની ખાલી તપેલી પર કાઢયો. તપેલીનો એકકોર ઘા કરવાનો અવાજ રસોડામાંથી અમૃતલાલ સાંભળે તે રીતે બરાડી ઊઠી ,’હે પ્રભુ, મારે હજી આ ડોસાની ક્યાં લગી ગુલામી કરવાની છે. તું પણ ઉપર નિરાંતે બેઠો અહીં નખ્ખોદ વાળી રહ્યો છે. ગાય જેવાં સાસુજીને તે તારી પાસે ઉપર બોલાવી લીઘાં, પણ હજી સુઘી તો આ ડોસાની જગ્યા કેમ કરી નથી!’

છાપું વાંચતા અમૃતલાલના કાને વહુના શબ્દો સંભળાયા. આંખે આવેલ જળજળિયાંને ઘોતિયાના છેડે લૂંછતા, ભીંતની ખીંટીએ હારતોરામાં ટીંગાતી પત્ની રાઘાગૌરીની છબી જોતાં તેમના હોઠ ફફડ્યા, ‘અરે! રાઘા, હવે વહુની પણ બહુ જ ઈચ્છા છે, કે હું તારી પાસે ચાલ્યો આવું. તું તો છેલ્લાં સાત-આઠ વર્ષથી સ્વર્ગમાં વસી રહી છે. હવે તો પ્રભુ સાથે સારી એવી ઓળખાણ થઈ ગઈ હશે. તારી પાસે મને બોલાવવા તું પ્રભુને મારા માટે ખાસ વિનંતી કર કે તારી આસપાસમાં મારા માટે કયાંક જગ્યા કરે. આ માટે તું કોઈ લાગવગ લગાવ.’ આ પ્રમાણે પોતાના મન સાથે વાતો કરતા. ફરી પાછા અમૃતલાલ છાપામાં મરણ નોંઘની કોલમમાં નજર ફેરવવા માંડયા કે કોણ ભાગ્યશાળી, મિત્ર કે સગાંસંબંઘી, આ દુનિયામાંથી છૂટી પરલોક સિઘાવ્યા છે.’

સાંજે કીટી પાર્ટીમાંથી પાછી ફરેલ આરતીની નજર સિન્કમાં પડેલા બપોરના ચાના કપરકાબી પર ગઈ. અમૃતલાલ પર ગુસ્સો કાઢવા માટે આરતીને કોઈ કારણ શોઘવું ન પડ્યું. તેણે તો બસ આ એક કારણ પર ઘર આખું માથે લીઘું. અરે! ઈશ્વર, તું આવા આળસુ નકામા માણસને, શું કામ ઘરતી પર મોકલતો હોઈશ? શું માણસ? ગાડા જેટલું ખાઈ પીએ પણ પોતાનાં બે ઠામ ઘોઈ નાખતા, કેમ તેના હાથ ભાગી જાય છે? બપોરથી મારી રાહ જોતા. સિન્કમાં વાસણનો ઢગલો કરી દીઘો છે. ડોસાને મન તો હું જાણે આ ઘરની નોકરડી. અમૃતલાલના કાને આ સાંભળ્યું પણ તેમને માટે આ બઘું સાંભળવું તો રોજની આદત થઈ ગઈ હતી.

આખા દિવસના પ્રખર તાપ બાદ, અમૃતલાલના ભાગ્યમાં શીતળ સાંજ આવી ચડી હતી. રોજની માફક અમૃતલાલ સોનેરી ફ્રેઈમનાં ચશ્માં ચડાવી, સ્વચ્છ હંસોની ઘોળી ઉજળી પાંખો જેવો ઝભ્ભો ઘોતિયું અને માથે ટોપી મૂકી, હાથમાં જયપુરી નકશી કામવાળી હાથી દાંતની લાકડી લઈ ઘીમા ડગ માંડતા, ઘરથી થોડેક દૂરના બાગના એક વૃક્ષ તળે પડેલ તૂટેલ ફૂટેલ બાંકડે બેસવા ચાલી નીકળ્યા. અમૃતલાલનો દિવસ ભલે આરતી વહુનાં મેણાં ટોણાંમાં વિતી ગયો પણ સાંજ તો તેમને માટે શુભ શુકન લઈને આવી હતી. ઊંચાં મકોનો વચ્ચે ,દૂર દેખાતી ટેકરીઓ વચ્ચે ડૂબતા સૂરજને નીરખતા અમૃતલાલ નિરાંતે બાંકડે બેઠા હતા. બરાબર એ જ વખતે, ઊના ડેલવાડામાં પરણાવેલ પોતાની દીકરી નીલુની ઉંમરની એક સ્ત્રી બાગમાં પોતાના ત્રણ ચાર વર્ષના બાળક સાથે આંટા મારવા નીકળી હતી. તેણે અમૃતલાલને બાંકડે બેઠેલા જોયા. તેનો અમૃતલાલ સાથે આ પહેલાં કોઇ અંગત સંબંઘ કે પરિચય નહિ હોવા છતાં, પેલી સ્ત્રીએ અમૃતલાલના બાંકડા નજીક જઈ, એક દીકરી પોતાના વિઘુર બાપને જે રીતે પ્રેમથી સુખ દુ:ખના સમાચાર પૂછે એ રીતે તેણે અમૃતલાલ્ને પૂછયું, ‘કેમ બાપુજી, મજામાં ને!’

આખા દિવસના ઉકળાટ બાદ અમૃતલાલને કોઈ આટલાં પ્રેમ અને લાગણીથી સુખદુઃખના સમાચાર પૂછતું જોઈ તેમનું મન હ્રદય ઝૂમી ઊઠયું. ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમણે હળવાશથી કહી દીઘું, ‘હા, દીકરી, તમારા પુણ્ય પ્રતાપે મારે તો લીલા લહેર છે.’ અમૃતલાલના જવાબથી ખુશ થયેલ પેલી સ્ત્રીએ થોડેક દૂર રમતા પોતાના બાળકને પોતાની નજીક બોલાવીને કહ્યું, ‘બેટા મલ્હાર, દાદાજીને નમસ્તે નહીં કરે!’ માના બોલ પર, બાળકે બે હાથ જોડી અમૃતલાલને પોતાની કાલીઘેલી બોલીમાં માથું નમાવતાં કહ્યું, ‘દાદાજી નમસ્તે.’ બસ, અમૃતલાલ તો મનોમન ખીલી ઊઠ્યા. તેમને થયું કે માણસ જેટલું જીવનને વગોવે છે એવું ખરેખર જીવન નથી! આ ઘડીએ તેમને લાગી આવ્યું કે જીવન તો જીવવા જેવું છે. અમૃતલાલને પેલી સ્ત્રીએ કહ્યું, ‘બાપુજી, તો ચાલો, લ્યો ત્યારે હું તો નીકળું છું. સાંજ ઢળવા આવી છે. મલ્હારના પપ્પાનો ઓફિસેથી ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો છે. તો પછી, કાલે ફરી પાછા આપણે અહીંયા મળશું!’

ખુશખુશાલ હૈયે, ડૂબતા સૂર્યને નીરખતા અમૃતલાલ બાંકડે બેઠા હતા. ત્યાં જ એક સાત આઠ વર્ષનો એક ટાબરિયો બરફનો ગોળો ચૂસતો નિશાળેથી ઘર તરફ જઈ રહ્યો હતો. તેણે બસ પોતાની મસ્તીમાં જ આરામથી બાંકડે બેઠેલા અમૃતલાલને પૂછી નાખ્યું, ‘કેમ દાદાજી, લહેરમાં ને?’ અમૃતલાલનું મન ગુલમહોરના વૃક્ષ સમું મહોરી ઊઠ્યું. ‘અરે માણસ જેટલું આ નગરને વગોવે છે એવું હજી આ નગર નથી! હજી, ભલા લોકોને એકમેકના સુખદુઃખમાં રસ છે ખરો?’ ખુશીના હેલે ચડેલા અમૃતલાલે એક પળ માટે ઘડિયાળમાં નજર કરી. ઘડિયાળના બંને કાંટા છ પર આવીને અટકી ગયા હતા. ‘અરે સાંજના સાડા છ વાગી ગયા?’

વેદાંતનો ઓફિસેથી ઘરે આવવાનો સમય થઈ ગયો હતો. તેમને થયું, ચાલ વેદાંત ઘરે આવી પહોંચે તે પહેલાં હું ઘરે પહોંચી જાઉં. દીકરા વેદાંત સાથે સાંજનું ભોજન ડિનર ટેબલ પર લેવાના સુખદ વિચારે અમૃતલાલ ઘર તરફ જવા ચાલી નીકળ્યા.

આ જોઈ, ક્ષિતિજે ડૂબતો સૂર્ય બિચારો દ્વિધામાં પડી ગયો. અરે! આ અમૃતલાલ, ‘લાક્ડીના ટેકા વગર એક ડગ પણ માંડી શકતા નથી, પણ જુઓ તો ખરા, કેવા લહેરમાં આજે ઘર તરફ દોડયા જાય છે!’ “શું ખરેખર, આજ તેમને કોઈ કેમ છો? એમ પૂછવાવાળું મળી ગયું તેની ખુશીમાં કે વઘતી ઉંમરના કારણે લાકડી બાંકડે ભૂલી ગયા! આ દ્વિઘામાં અટવાયેલો સૂર્ય ક્ષણ માટે ડૂબવાનું ભૂલી ગયો.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

ચાલો, હરારી પાસે -23 : ડેટા આપમૅળે

સુમન શાહ|Opinion - Opinion|19 September 2023

સુમન શાહ

’એ.આઈ.’ આપમૅળે ડેટા કલેક્ટ કરી શકે છે; અનેક રીતે કરી શકે છે :

એક તો, Web scraping -થી. વિવિધ વેબસાઇટો પરથી ડેટા ખૅંચી શકાય એવી પ્રક્રિયા ઊભી કરવા માટે ‘એ.આઈ.’-નો વિનિયોગ થાય છે. એ પ્રક્રિયાને ‘એ.આઈ.’ ઑટોમેટ કરી આપે, સ્વયંચાલિત; એથી એક વેબસ્ક્રૅપર સરજાય ને સ્ક્રૅપિન્ગનું કામ  કરતું રહે. એ પ્રકારે ડેટા આપોઆપ મળ્યા કરે. માણસ માટે આ કામ કંટાળાભર્યું છે, સમય ખાનારું ય છે !

એક દાખલો જોડી કાઢવાની કોશિશ કરું : કોઈ એક ઍમેઝોન જેવી ઇ-કૉમર્સ વેબસાઈટ હોય, વેબસ્ક્રૅપર ત્યાંની પ્રોડક્ટનું નામ, તેની વીગતો, તેનો ભાવ તેમ જ ગ્રાહકોએ આપેલા રીવ્યૂઝ ખૅંચી લે. એ ડેટા ડેટાબેઝમાં સચવાય, એ ડેટાબેઝને સ્પ્રેડશીટ પણ કહેવાય છે. એના વપરાશથી ભાવતાલની સરખામણી કરી શકાય છે, ઑનલાઇન ગ્રાહકસેવાઓને લોકપ્રિય બનાવી શકાય છે. આપણે ઑનલાઇન ખરીદવા જઇએ છીએ ત્યારે આ બધું બનતું જ હોય છે.

‘એ.આઈ.’ Sensors-થી ડેટા એકત્ર કરી શકે છે. કૅમેરા, માઇક્રોફોન, જી.પી.ઍસ. વગેરે સૅન્સર્સ છે. એ ડેટા વડે ગતિવિધિઓ જાણી શકાય છે, વસ્તુઓની ઓળખ મેળવી શકાય છે, પર્યાવરણની સ્થિતિ-પરિસ્થિતિઓને માપી શકાય છે.

ડેટા કલેક્ટ કરવા માટેની એક પ્રક્રિયાને Image recognition કહે છે. વસ્તુઓને એમની છબિઓ – ફોટોઝ – પરથી ઓળખી લઈને અને એ રીતે ડેટા મેળવવાની પ્રક્રિયા. એ પ્રક્રિયાને ‘એ.આઈ.’ ઑટોમેટ કરી આપે, સ્વયંચાલિત, જેથી પછી આપણી આસપાસની દુનિયામાંથી ડેટા મળ્યા કરે.

એ કેવી રીતે તે સમજવા જેવું છે : એક ઇમેજ રૅકગ્નિશન મૉડેલ તૈયાર કરાય છે. પ્રાણીઓના, છોડવાઓના કે વાહનોના એમ વિવિધ વસ્તુઓના ફોટોઝ ઓળખી શકે તે માટે એને તાલીમ અપાય છે. મૉડેલ એ શીખી જાય એટલે પછી વસ્તુઓના નવા ફોટોઝને ઓળખી શકે છે અને એ રીતે પછી એને વપરાશમાં લેવાય છે.

દાખલા તરીકે, એક વનનો ફોટો લેવામાં આવે. એને ઇમેજ રૅકગ્નિશન મૉડેલ પર અપલોડ કરવામાં આવે. મૉડેલ વનનાં જુદાં જુદાં વૃક્ષોને ઓળખી બતાવે, અને એ દરેક જાતનાં વૃક્ષની સંખ્યા સાથેની યાદી રીટર્ન કરે. એટલે પછી સમયાન્તરે એ ડેટાનો વનનાં વૃક્ષપ્રકારો અને સંખ્યા જાણવા માટે કે વનની બાયોડાયવર્સિટીના અધ્યયનમાં વિનિયોગ કરી શકાય.

વિવિધ આધારસ્રોતોમાંથી ડેટા મેળવવા માટે પ્રયોજાતું એ એક સમર્થ ઑજાર છે. ટ્રાન્સપોર્ટેશનમાં અને હૅલ્થકેઅરમાં એનો વિનિયોગ ઘણો લાભદાયી પુરવાર થયો છે.

ટેસ્લા જેવી સૅલ્ફ-ડ્રાઇવિન્ગ કાર કે એવાં અન્ય વાહનો માટે આ ઇમેઝ રૅકગ્નિશનનો વિનિયોગ થાય છે. એ ફોટોઝનો ઉપયોગ કરીને એ વાહનો પોતાની આસપાસની કારોને, પદયાત્રીઓને અને ટ્રાફીક સિગ્નલ્સને ઓળખી લે છે. તે પછી એ માહિતી સલામત કારનૅવિગેશન માટે વપરાય છે.

MRI એટલે મૅગ્નેટિક રીઝોનન્સ ઇમેજિન્ગ. એ મશીન મૅડિકલ ઇમેજીસ બનાવી આપે. એ ઇમેજિસ વડે ઇમેજ રૅકગ્નિશન મૉડેલને વિવિધ પ્રકારના શારીરિક દોષ કે રોગચિહ્નો અંગે તાલીમ અપાઈ હોય છે. પછી એ માહિતી રોગનિદાન તેમ જ રોગનિવારણ માટે વપરાય છે.

વિચારો કે બ્રેઇન ટ્યુમર, કૅન્સર, હાર્ટ ડીસીઝ, લિવર ડીસીઝ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ કે સ્ટ્રોક જેવી મહા ભયાનક બીમારીઓની આટલી સુવિશદ અને કાર્યકર માહિતી આ ‘એ.આઈ.’ વિના શી રીતે મળવાની હતી?

‘એ.આઈ.’ Natural language processing (NLP) વડે પણ ડેટા મેળવી શકે છે. માનવભાષાનું વિશ્લેષણ અને તેને વિશેની સમજ માટેની છે આ પ્રક્રિયા. એ પ્રક્રિયાને ‘એ.આઈ.’ ઑટોમેટ કરી આપે, સ્વયંચાલિત, જેથી ભાષિક ટૅક્સ્ટ ડૉક્યુમૅન્ટ્સમાંથી ડેટા મળતો થાય.

આ પ્રક્રિયા ગ્રાહકોએ કરેલા રીવ્યુઝમાં રહેલાં કડવાંમીઠાં સંવેદનોના વિશ્લેષણ માટે પણ પ્રયોજાય છે. પછી એ માહિતી ઉત્પાદનો અને ગ્રાહકસેવાઓની સુધારણા માટે અને સરવાળે ગ્રાહકના સંતોષ માટે વપરાતી હોય છે.

પણ આપણે સાહિત્યકારો સાહિત્યકૃતિઓ અને સાહિત્યકારોની સૃષ્ટિઓ સંદર્ભે  NLP-નો સરસ વિનિયોગ કરી શકીએ.

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલિના સંશોધકો શેક્સપીયરની સૃષ્ટિના વિશ્લેષણ માટે એનો વિનિયોગ કરી રહ્યા છે. આ ટૅક્નિકથી તેઓ શેક્સપીયરની ભાષામાં રહેલી પૅટર્ન્સ શોધી રહ્યા છે, જેમ કે, કયા શબ્દો શેક્સપીયરે વારંવાર વાપર્યા છે, કેવા કેવા પ્રકારનાં વાક્યો રચ્યાં છે, સંદર્ભ બદલાય ત્યારે શેક્સપીયર ભાષાને કેવી કેવી જુદી રીતે પ્રયોજે છે. વગેરે.

ધારો કે, પી.એચડી. પદવી માટે અધ્યયન કરવા આવેલા કોઈ વિદ્યાર્થીને હું “જનાન્તિકે”-માં સુરેશ જોષીએ પ્રયોજેલા અલંકારોની ભૂમિકાએ એમની શૈલી વિશે થીસીસ લખવા કહું, અને એ જો આ NLP-નો વિનોયોગ કરે, તો હું માનું છું કે એના શોધકાર્યનો પાયો ઘણો જ નક્કર બની આવે. એ પાયા પરથી એ આગળ ધપે અને જે વર્ગીકરણ, તારણ, વિવરણ અને મૂલ્યાંકન કરે તે શ્રદ્ધેય હોવાનો સંભવ વધી જાય. કેમ કે એ પાયો ‘એ.આઈ.’-સંલગ્ન ડેટાબેઝ હોય છે, જેમાં ભૂલ થવાની શક્યતા નહિવત્ હોય છે.

મને કલ્પના આવે છે કે ધડ-માથા વિનાના શોધનિબન્ધોના નાશની ઘડીઓ ગણાઈ રહી છે. મારી પાક્કી ધારણા છે કે નવી પેઢી ‘એ.આઈ.’-વિમુખ નહીં જ હોય.

= = =

(09/19/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

“દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે” : મેઘાણી

કિરણ કાપૂરે|Opinion - Opinion|18 September 2023

મેઘાણીની જન્મજંયતી વિશેષ :

ઝવેરચંદ મેઘાણી

સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ પત્રકારત્વ થકી થયો અને તે વિશે તેઓએ આપેલું નિવેદન તેમના ‘પરિભ્રમણ-2’ નામનાં ગ્રંથમાં નોંધાયેલું છે. મેઘાણી લખે છે : “1922માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની નોકરી છોડીને કાઠિયાવાડમાં આવ્યો હતો. સ્થિર થવું હતું. ખેતીના ઉદ્યામા ચડ્યા, વ્યાપારી સ્વજનો વ્યાપાર તરફ ખેંચવા લાગ્યા. દેશી રજવાડાની નોકરી પણ બહુ દૂર નહોતી. સહુ કોઈ ભાંગ્યાના ભેરુ જેવી શિક્ષણની નોકરી તો સામે જ ઊભી હતી.”

“ખરાબા ચડેલા નાવને મારા બે-ત્રણ લેખોએ બચાવ્યું. ‘અમર રસની પ્યાલી’ ‘ચોરાનો પોકાર’ વગેરે લેખો ‘સૌરાષ્ટ્ર’ પત્ર પર ગયા, છપાયા અને તે પરથી ભાઈશ્રી અમૃતલાલ શેઠે મારો ડૂબતાનો હાથ ઝાલ્યો.” આગળ તેઓ અમૃતલાલ શેઠ વિશે લખે છે : “અમૃતલાલ શેઠ પત્રકાર બન્યાને ત્યારે નવ જ મહિના થયેલા. એમના સ્વયંસ્ફુરિત પત્રકારત્વે ગુજરાતમાં નવી ભાત પાડી હતી. સૌરાષ્ટ્ર લેખનશૈલી આજે જૂની થઈ છે, ચવાઈ ચવાઈ છોતાં જ રહ્યાં છે એનાં; એમાંથી સ્વાભાવિકતાનો આત્મા ગયો છે, પણ 1921-1922માં એ શૈલી લોકોને મુગ્ધ કરતી … શ્રી શેઠ પત્રકાર બન્યા તે પૂર્વે ઘણાં વર્ષના જૂના સાહિત્યસેવી હતા. કવિ પણ હતા. ‘ચાલો વ્હાલી, જગતભરના ભોગમોજો ત્યજી દો!’ એ મંદાક્રાન્તા કાવ્યના કર્તા શેઠ છે એવું તો એ કાવ્ય પર અનુરાગ થયા પછી મેં આઠેક વર્ષે જાણેલું. આ સાહિત્યપ્રેમી જ શેઠના પત્રકારત્વને ભાષાવૈભવ, ઊર્મિરંગો અને કલ્પનાયુક્ત કલાવિધાન ચડાવ્યું.”

અમૃતલાલ શેઠ

જે ઉદ્દેશ્યથી મેઘાણીને અમૃતલાલ શેઠ લાવ્યા તે વિશે તેઓ આગળ લખે છે : “મને તેડ્યો હતો સાહિત્યની શાખા ચલાવવા. પણ પત્રકારત્વથી નિર્લેપ રહી શકું તેવી બંધિયાર કુંડીએ બાંધેલી એ બન્ને પૃથ્થક શાખાઓ નહોતી. હું બેઉ ક્ષેત્રમાં રમણ કરતો થયો.” જો કે પછી એ લખે છે : “નવો મોહ પાતળો પડી જતાં ક્રમેક્રમે પત્રકારત્વ મને વેરાનરૂપ લાગ્યું. એ વેરાનમાં રેતીના વંટોળ ચડતા હતા. આંખો અંધી બનતી હતી. પગદંડીઓ નહોતી જડતી. કોને માટે, શાને માટે, કયા લોકશ્રેયાર્થે હું અગ્રલેખો ને નોંધો, સમાચારો ને પત્રો લખતો હતો તેનો આજે વિચાર કરું છું ત્યારે જવાબ ફક્ત એટલો જ જડે છે કે લખવાનું હતું માટે લખતો હતો.” તે પછી મેઘાણીની પત્રકારત્વ થકી સાહિત્યયાત્રા ‘ફૂલછાબ’થી આગળ વધી અને જ્યારે “ફૂલછાબ’ને સૌરાષ્ટ્રના રાજરંગોમાં ઝબકોળવાનું ઠર્યુ. મેં ખસી મારગ આપ્યો.” તેમ મેઘાણી લખે છે. તે પછી તેમની આ યાત્રા અમૃતલાલ શેઠના ‘જન્મભૂમિ’માં આરંભાઈ અને મેઘાણી તે વિશે નોંધે છે કે, “’જન્મભૂમિ’ના દૈનિક-સંપાદન પર જોડ્યો. એમાં ય એમણે મને મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય-ખૂણો પકડવાની અનુકૂલતા કરી આપી.” આ સફર પછી તેમનું નિવેદન : “હમેશાં સાંજના એકાદ-બે કલાકના જીવન પછી પસ્તીના ઢગલામાં પડી જતું દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે. … આજનું આપણું રોજિંદું પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે, ‘આવતી-કાલ’ની નવરચાનામાં નહીં. તેઓ માનતા જણાય છે કે રાજદ્વારી છમકલાં છાપવાથી અને લીંબરડી-પીપરડી ગામોના ખળાવડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે; સાહિત્યનું પાનું તો જાણે પચીસ-પચાસ વ્યક્તિઓના વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ જ દૈનિક પત્રકારત્વને શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓએ જ પત્રકારત્વની ચેતના-વિદ્યુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજિયાં તળવાના તાવડા તપાવવા માટે નિયોજી છે. એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે.”

મેઘાણીએ આજથી નવ દાયકા પહેલાં લખેલી વાત પણ કેટલી પ્રસ્તુત ભાસી રહી છે. તેઓ લખે છે કે, “રતીભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ, પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો, સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી ઉત્તેજના મૂકવાની જ રમણલીલા, એ કંઈ રોજિંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી. સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ, છાપાનું કે ચોપડીનું જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે, એની માર્મિકતાને નવી ધાર ચડશે.”

સાહિત્ય અને પત્રકારત્વને જોડતાં તેમના લખાણો આ બંને શાખાઓ વિશેનો ઉઘાડ કરી આપે છે. ‘પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ’માં તેઓ લખે છે : “પત્રકારત્વને સાહિત્યનું નબળું અંગ ગણનારાઓ પાસે મોટામાં મોટી દલીલ એ હોય છે કે પત્રોમાં આવેલું લેખન પુખ્તપણે વિચાર્યા વગરનું અને ત્વરિત ગતિએ લખાયેલું હોય છે.

“આવી દલીલ કરનારા ભૂલી જાય છે કે નર્યા સાહિત્યકારોમાંના ઘણાના સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલાં હોય છે. શ્રી ક.મા. મુનશી જેવા કેટલા ય સાહિત્યકારોનાં પોતાનાં ખૂબ પ્રશંસા પામેલાં પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય છે, ત્યારે બીજી બાજુ ઝડપથી તેમણે લખેલાં હોય છે. આજના યંત્રને, ગ્રાહકોને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ રહી …

“બીજી બાજુ જોઈએ તો સ્વ. લોકમાન્ય કે ગાંધીજી, મશરૂવાળા કે કાકા કાલેલકર, નવલરામ કે આચાર્ય આનંદશંકર ધ્રુવનાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં લેખો, ભાષણો કે નિવેદનો આજે પુસ્તકારૂઢ થવા પામ્યાં છે, એ જ એના પુરાવારૂપ છે કે પત્રકારત્વમાં સ્થાન પામતું બધું લખાણ અપરિપક્વ, વગર વિચાર્યું, અતિ ઉતાવળું અને ક્ષણજીવી હોય છે એમ ન કહી શકાય.” પત્રકારત્વ દ્વારા આમજનતાની જે સેવા થઈ છે તે વિશે તેઓ આગળ લખે છે : “પત્રકારત્વે આપણને નવા સર્જકો અને નવા વિવેચકો આપ્યા છે, નવા નવલકથાકારો અને નવા કવિઓ આપ્યા છે. પત્રકારત્વે એકલા લલિત વાંડ્મયને જ નહિ પણ સાહિત્યના બધા પ્રકારોને પોષી ઉત્તેજીને જે જ્ઞાન, જે વિદ્વતા, જે કલા ચોક્કસ વર્ગના ગણ્યાગાંઠ્યા લોકોના ભોગ સમાં હતાં એને બંધિયારપણામાંથી મુક્ત કરીને આમજનતા સુધી પહોંચાડ્યાં છે.”

‘પત્રકારની કબર ઉપર’ના મથાળેથી જે મેઘાણી લખે છે તે ખાસ વાંચવા જેવું છે. મેઘાણીશૈલીમાં લખાયેલું તે સાહિત્યની શરૂઆત આવી છે : “ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત, પોતાના અખબારનું ધોરણ નીચું ઉતારે એટલી જ વાર હતી. પરંતુ એ લાલચની સામે થવા જેટલી ય જરૂર એને નહોતી પડી, કેમ કે ધક્કો મારીને કાઢવો પડે તેટલી એની નજીક જ કમાવવાનો વિચાર નહિ આવેલો ને! સળગતી પ્રામાણિકતા સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઇજ્જતની વીરતા હતી” આ પછી તેઓ લખે છે : “જેઓની મૃત્યુ-ખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, તેવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે? થઈ ગયા છે કોઈ?” મેઘાણી જે પ્રશ્નો પૂછે છે તે સ્થિતિ તે સમય કરતાં વધુ ખરાબ થઈ છે. મેઘાણીનો આ લેખ ઇંગ્લેડના પત્રકાર સી.પી. સ્કોટને સમર્પિત છે. તેમાં મેઘાણીએ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ અખબારમાં સ્કોટની તંત્રી તરીકેનું કાર્ય દર્શાવીને તેઓએ કેવી રીતે કાર્ય કરવું તે જાણે દિશાનિર્દેશ કરી આપ્યો છે. તંત્રી સ્કોટ વિશે તેઓ લખે છે : “લશ્કરી કડકાઈથી કામ લેતો છતાં તે કડકાઈને પોતાની શોભારૂપ ન સમજતો, શબ્દ કરતાં સૂચન વડે જ શાસન કરતો, સ્ટાફ પ્રત્યે સભ્ય તેમ જ ભદ્ર અને સ્વતંત્ર વિચારણાને, ટીકાને, વિરોધને વધાવતો, ચર્ચા માટે હંમેશાં તૈયાર, પોતાના સાથીઓના ઢચુપચુ નિર્ણયોને નાપસંદ કરનાર, જેવો પોતે આગ્રહી તેવો જ સામાના આગ્રહીપણાનો પ્રશંસક.”

“… કટ્ટર નિર્ણયબુદ્ધિ, એ હતી એના જીવનની ગુરુચાવી અને વિજયનું મર્મબિંદુ. વિચાર કરીને એકવાર લીધેલા નિર્ણયમાંથી ડગલું પણ ચારતવું, ન બીવું, વિરોધનો સામનો કરવા તત્પર રહેવું, મિત્રોની કે પ્રજાની ચાહે તેટલી મોટી ખફગી વહોરવાને ભોગે પણ નિર્ણયને વળગી રહેવું.” મેઘાણી જે પત્રકારત્વની ઉમેદ રાખે છે તે ઘટના આજે તો વધુ દુર્લભ બની છે.

(28 ઑગસ્ટ 2023)

મેઘાણીની જન્મજંયતિ વિશેષ: “દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે”: મેઘાણી

Loading

...102030...986987988989...1,0001,0101,020...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved