Opinion Magazine
Number of visits: 9742490
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકાણુમી રેંટિયા બારસે ગાંધીજીનો રેંટિયો ‘બારસ’ બની રહ્યો ..

ચંદુ મહેરિયા|Gandhiana|11 October 2023

ચંદુ મહેરિયા

‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’માં ગાંધીજીએ તેમનો જન્મ “સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે” (પૃષ્ઠ-૩) થયાનું લખ્યું છે. તેમણે જન્મસ્થળ “પોરબંદર અથવા સુદામાપુરી” જણાવ્યું છે. નેશનલ હોલિ ડે તરીકે સરકારી રાહે ગાંધીજીનો જન્મ દિવસ બીજી ઑકટોબરે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે હવે તો તેને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઘોષિત કર્યો છે. પરંતુ ગાંધીજી આત્મકથામાં તેમના જન્મ દિવસ તરીકે ઈસુ વરસના અંગ્રેજી મહિનાની બીજી તારીખને બદલે વિક્રમ સંવત પ્રમાણેના દેશી મહિનાની તિથિને પ્રાથમિકતા આપે છે એટલું જ નહીં જન્મસ્થળ પોરબંદરની સુદામાપુરી તરીકે ઓળખ લખવાનું પણ ચુકતા નથી.

ગાંધીજીના પિતા દિવાન હતા, પરંતુ તેમના માતાપિતાએ તેમના કોઈ સંતાનોનો જન્મ દિવસ કદી મનાવ્યો નહોતો. ગાંધીજીના લેખનમાં તેઓ જન્મ દિવસની ઉજવણી પ્રત્યે ઉદાસીન હોવાની છાપ જરૂર ઉઠે છે, પરંતુ વધુ ખણખોદ કરતાં જણાય છે કે જન્મ દિવસની ઉજવણી બાબતે તેમના વિચાર અને આચાર સંમિશ્ર હતા. બીજી ઑકટોબર ૧૯૧૯ના તેમના જન્મની સુવર્ણ જયંતીનો સમારોહ મહિલા સંગઠન ભગિની સમાજે મુંબઈમાં ઉજવ્યો તેમાં તેઓ હાજર હતા અને રૂ.૨૦,૧૦૦ની થેલી અર્પણ થઈ હતી તે સ્વીકારી હતી. તેમની હયાતીમાં તેમના વિરોધ છતાં તેમના જન્મ દિને તેમનાં પૂતળાં મૂકાયાં હતા અને તસ્વીરોના અનાવરણ થયાં હતા. સાથીઓ અને નેતાઓને જન્મ દિનની શુભેચ્છા પાઠવવાનો શિષ્ટાચાર તેઓ અચૂક પાળતા હતા. આજે નેતાઓ ટ્વીટ કરીને જન્મ દિવસની શુભેચ્છા આપે છે. ગાંધીજી ઘણી વાર આ કાર્ય કેબલ મારફત કરતાં હતા. આ કેબલ તેમણે રાણી વિકટોરિયા અને કિંગ એડવર્ડ સાતમાને પણ કર્યા હતા !  કેટલાકના જન્મ દિન સમારોહની તેમણે અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષગાંઠે જેલમાં અને દેશબહાર પણ રહ્યા છે. જો કે તેમણે અવારનવાર “મને મારા જન્મ દિનની ઉજવણીમાં કોઈ રસ નથી. કોઈ પણ બીજા દિવસ જેટલો જ આ દિવસ પણ સારો કે ખરાબ હોઈ શકે છે. જન્મ દિન ખરેખર તો જિંદગીનો એક દિવસ ઓછો થયાના દુ:ખનો દિવસ છે”, તેમ પણ લખ્યું છે.

જન્મ દિન પ્રત્યે ઉપેક્ષા કે ઉદાસીનતા સેવતા મહાત્મા ગાંધી ૧૯૨૩માં ભાદરવા વદ બારસના તેમના જન્મ દિનને ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવા અપીલ કરે તે ન માન્યામાં આવે તેવું છે. પણ આ હકીકત છે. અને તેનું કારણ રેંટિયા કે ચરખા પ્રત્યેનો તેમનો અનન્ય લગાવ છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો નેતા હશે જેણે ગાંધીજીની જેમ ઉત્પાદનના સાધનને ચળવળનું હથિયાર બનાવ્યું હોય !

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના ખાદી કે હાથવણાટનાં કાપડને બદલે આધુનિક યંત્રોથી બ્રિટનની મિલોમાં તૈયાર થયેલાં સસ્તાં કાપડથી ભારતના બજારો ભરી દીધા હતા. તેને કારણે હાથવણાટની પરંપરા અને બજાર બંને નષ્ટ થયા હતા. એટલે તેનું પુનનિર્માણ  ગામને બેઠા કરશે અને ગરીબી ભાંગશે તે બાબતથી ભલીભાંતી વાકેફ મોહનદાસ ગાંધીના દિલોદિમાગમાં તેમણે સાળ કે રેંટિયો જોયા નહોતા કે તેની વચ્ચેનો ભેદ બરાબર જાણતા નહોતા ત્યારથી છવાયેલા હતા. એટલે જ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’માં તેમણે રેંટિયાનો વિચાર મૂક્યો હતો.

અમદાવાદના કોચરબ અને સાબરમતી આશ્રમમાં રેંટિયો અને સાળ પહોંચે અને ખાદી જન્મે તે માટે ગાંધીજી આતુર હતા. મગનલાલ ગાંધીને તેમણે હાથવણાટનું કામ શિખવા મદ્રાસ મોકલ્યા હતા અને લાઠીથી રામજીભાઈ બઢિયાને આશ્રમ તેડાવ્યા હતા. ગાંધીજીએ રેંટિયો શોધી કાઢવાનું કામ ‘મહાસાહસી મહિલા’ ગંગાબહેન મજમુદારને સોંપ્યું હતું અને ગંગાબહેને ગાંધીજીના શબ્દોમાં, ‘દમયંતી જેમ નળની પાછળ ભમી હતી તેમ રેંટિયોની શોધમાં સારી પેઠે ભટક્યા પછી’ ગાયકવાડના વિજાપુર(હાલના મહેસાણા જિલ્લાનું તાલુકા મથક)માંથી મેડે ચડાવી દીધેલો રેંટિયો શોધી કાઢ્યાનું ગાંધીજીએ આત્મકથાના ‘મળ્યો’ શીર્ષક હેઠળના પ્રકરણમાં લખ્યું છે. (પૃષ્ઠ-૪૭૫)

હસ્તચાલિત સાધન રેંટિયાથી રૂની પૂણીમાંથી કાંતીને સૂતર તૈયાર કરવાનું હોય છે. તે પછી સાળ પર વણાટ થાય અને ખાદીનું કાપડ જન્મે. અંગ્રેજોએ તેમની જે સામ્રાજ્યવાદી વિચારસરણી હેઠળ ભારતને આર્થિક રીતે ભાંગી નાંખ્યું હતું તેની સામેનો ગાંધી પ્રતિકાર રેંટિયો હતો. ચંપારણમાં અને બીજે ગાંધીએ મહિલાઓની કંગાલિયત નજરે જોઈ હતી. તેમની ગરીબી ફેડવાનું સાધન રેંટિયો હતું અને સ્વરાજનું પ્રતીક પણ. આર્થિક આત્મનિર્ભરતાના મજબૂત ઓજારરૂપ ચરખાને ગાંધીજીએ દેશની એકતા, અહિંસા અને સ્વરાજના શક્તિશાળી  હથિયાર તરીકે પ્રયોજ્યો હતો.

જવાહરલાલ નહેરુ ખાદીને સ્વરાજનો પોશાક કહેતા હતા. મહાસભાએ (કાઁગ્રેસે) ખાદી અને રેંટિયાને અપનાવવા ઠરાવો કર્યા હતા. ગાંધીજીના રચનાત્મક કામોમાં તે સામેલ હતા. હિંદુસ્તાનના દરેક ઘરે ચરખાનું સંગીત ગૂંજે એવી મહાત્મા ગાંધીની ખ્વાહિશ હતી. ૧૯૨૧માં કાઁગ્રેસ મહાસમિતિએ વીસ લાખ નવા ચરખા બનાવવા અને તેનો આખા દેશમાં ફેલાવો કરવાનું નક્કી કર્યું હતું. ૧૯૨૫માં અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના થઈ હતી. દરેક લોક રોજ અડધો કલાક કાંતે તો સ્વરાજ ઢુકડું છે તેવો ગાંધીજીનો સંદેશ હતો. તે પ્રમાણે અમલ પણ થઈ રહ્યો હતો. છેક ડિસેમ્બર ૧૯૨૬થી ગાંધીજીએ વાતો કરતાં કરતાં કાંતવાનું ચાલુ રાખવાની ટેવ પાડી હતી.

એટલે ગાંધીજી તેમના જન્મ દિવસ સાથે રેંટિયાને જોડે તે સહજ હતું. જો કે સર્વસત્તાધીશ મનાતા ગાંધીની ‘રેંટિયા બારસ’ મનાવવાની અપીલ છેક દસ વરસે અમલી બની હતી. ચંદુલાલ ભગુલાલ દલાલ સંગૃહિત ‘ગાંધીજીની દિનવારી’માં ૧૬મી સપ્ટેમ્બર ૧૯૩૩ ના દિવસ અંગે લખ્યું છે. “આજે તિથિ મુજબ ગાંધીજીની વર્ષગાંઠ. આ દિવસ ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવાનું ઘણે ભાગે આજથી શરૂ થયું“ (પૃષ્ઠ ૩૫૭). ગાંધીજીએ પોતાની વર્ષગાંઠને ઘણા ગજના સૂતર કાંતવાના અવસરમાં બદલી નાંખ્યો હતો. મગનલાલ ગાંધીએ બીજી ઓકટોબર અને ભાદરવા વદ બારસના દિવસોને સાંકળીને ખાદી સપ્તાહ મનાવવાનું નક્કી કર્યું. ખાદીનું વેચાણ અને ઉત્પાદન વધારવાનો આ ઉજવણીનો હેતુ હતો. આ સંદર્ભમાં, ‘મને મારા જન્મદિવસનું આ પ્રમાણે શોષણ થાય તે મંજૂર છે’ તેમ ગાંધીજીએ કહ્યું હતું.

રેંટિયા કે ખાદીથી સ્વરાજ મળે તે ઘણા દેશા નેતાઓને એ સમયે પણ સ્વીકાર્ય નહોતું. સપ્ટેમ્બર ૧૯૨૫ના ‘મોર્ડન રિવ્યુ’માં પ્રગટ કવિ રવિન્દ્રનાથ ટાગોરનો લેખ       ‘રેંટિયાનો સંપ્રદાય’ અને ૫ નવેમ્બર ૧૯૨૫ના ‘યંગ ઈન્ડિયા’માં ‘ કવિ અને ચરખો’ મથાળે ગાંધીજી આપેલો જવાબ આ સંદર્ભે નોંધપાત્ર છે.

આજની એકાણુમી રેંટિયા બારસે સ્વરાજ, ખાદી, એકતા, ભાઈચારો અને રેંટિયાની હાલત વિશે વિચારતાં આઝાદી પછીનો પહેલો અને જિંદગીનો છેલ્લો (ચુમોતેરમો) જન્મ દિન ગાંધીજીએ દિલ્હીમાં મનાવ્યો હતો તે સાંભરે છે. બીજી ઓકટોબર  ૧૯૪૭ના જન્મ પર્વે ગાંધીજીને જન્મદિનની મુબારકબાદી આપવા આવેલાને ભાગલા પછીના કોમી રમખાણો ખાસ નોઆખલી અને દિલ્હીની સ્થિતિ સંદર્ભે ગાંધીજીએ કંઈક એ મતલબનું કહેલું કે આજની સ્થિતિ જોઈને લાંબુ જીવવાની હવે મને કોઈ ઈચ્છા નથી. તમારા જન્મદિનના અભિનંદનને ખરખરો કહેવો મને વધુ યોગ્ય લાગે છે. ૧૧મી ઓકટોબર ૧૯૪૭ એટલે ભાદરવા વદ બારસ, જીવિત ગાંધીજીની છેલ્લી રેંટિયા બારસના દિવસે, તેમણે જન્મ દિવસ ઉજવવાને બદલે ઉપવાસ કર્યો હતો ! સરકારી રાહે મનાવાતા આઝાદીના અમૃતકાળ અને ગાંધી સપ્તાહના વર્તમાન દિવસોમાં ગાંધી હયાત હોત તો એમનો પ્રતિભાવ શું આના કરતાં લગીરે જુદો હોત ?

e.mail : maheriyachandu@gmail.com 

Loading

આ ગઝલ સર્જાય છે

‘આબાદ’ પાલનપુરી|Poetry|11 October 2023

કોઈ દિવસ ના સમય રોકાય છે,

મૂલ્ય એનું એટલે સમજાય છે.

મૌન બેસી આભને જોયા કરું,

આભ પાછળ ઈશ દેખાય છે.

કોઈપણ કારણ વિના ઝઘડો થતો,

બારણે લોકો હજી ડોકાય છે.

ખૂબ ઝાંખા ચાંદનીના તેજમાં,

વિરહી મન ભીતરે ભીંજાય છે

સાવ કોરા કાગળે વાંચુ ઘણું,

એટલે તો આ ગઝલ સર્જાય છે.

Loading

બીજી ઓક્ટોબર કે’દીની ગઈ, પણ રેંટિયા બારસ તો હજી આજે છે

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|11 October 2023

આપણા સાર્વજનિક જીવનમાં જયપ્રકાશ એક વિલક્ષણ નામ છે. ‘નેહરુ પછી કોણ’ એ પ્રશ્નના સંભવિત ઉત્તરોમાં એમનું નામ લેવાતું રહ્યું, ને અંતકાળે ઉભર્યા એ ‘ગાંધી પછી કોણ’ના જવાબમાં

બીજી ઓક્ટોબરનાં ઉજવણાં આછર્યાં નઆછર્યાં, સરકારી શોર શમ્યો નશમ્યો ત્યાં વલસાડના ગાંધી વિચાર મંચ તરફથી આજે અગિયારમી ઓક્ટોબરે રેંટિયા બારસ નિમિત્તે સંમેલનના સમાચાર છે. જેમ મીરાંને રામ રમકડું, ગાંધીને તેમ રેંટિયો જડ્યો હતો. વ્યક્તિગત ઉજવણાંથી પરહેજ કરનાર એણે રેંટિયા જોડે જોડાવામાં સાર્થકતા જોઈ હતી.

‘જોડાવું’ અને ‘સાર્થકતા’ એ બેઉ શબ્દો મેં અહીં સાભિપ્રાય મૂક્યા છે. માર્ક્સવાદપૂર્વ માર્ક્સની ચાલના સંભારો. એની દાર્શનિક છટપટાહટની પૂંઠે એક ધક્કો એ હતો કે માણસ પોતાને વિખૂટો પડેલો, કપાયેલો સમજે છે એવું કેમ. જરી ઉતાવળે, કંઈક જાડી રીતે કહીએ તો કૃષિ સમાજમાંથી જે યંત્ર ઔદ્યોગિક સભ્યતામાં આપણે આવ્યાં – ‘ફ્રોમ ફાર્મ ટૂ ફેક્ટરી’ એ જે સંક્રાન્તિ થઈ એમાં ઉત્તરોત્તર સંકુલ બનતા જતા સમાજમાં આપણા કામ જોડે સહજ સંબંધ છૂટતો ગયો. બધું જ વાયા વાયા ને દ્વૈતીયિક. એસેમ્બલી લાઈન ચાલે ત્યાં વ્યક્તિગત કામદાર સામે પૂરું ચિત્ર ક્યાંથી હોય. તમે તમને છૂટા પડી ગયેલા અનુભવો. રેંટિયાના અર્થકારણની વાત પળભર છોડો, પણ એની સાથે જોડાતાં, તમે ‘એલિયેનેટેડ’ મટી જાઓ છો. (ઉમાશંકરે ‘ગોષ્ઠી’માં રેંટિયાનો જે આનંદ પ્રગટ કર્યો છે તે આ સંદર્ભમાંયે જોવા જેવો છે.)

વળી, માર્ક્સ પાસે જઈશું જરી? એના અભિન્નસખા લેખે એન્ગલ્સનું નામ ઇતિહાસપ્રતિષ્ઠ છે. આ એન્ગલ્સે લંડન સ્લમ્સનો અચ્છો અભ્યાસ કીધો છે. ખુલ્લા ખેતરાઉ મલકમાંથી આવી કારખાને કેદ અને સાંકડી અસૂર્યપશ્યા ચાલોમાં ઘોલકાતાં જીવતરની એ અનવસ્થા માટે એન્ગલ્સે કરેલો મર્મવેધી પ્રયોગ ‘અનફીલિંગ આઈસોલેશન’ – લાગણીહીણા એકાકીપણાનો છે. વિખૂટાપણા કે અનાત્મીકરણ કહેતાં ‘એલિયેનેશન’ના ખયાલે પરિચાલિત માર્ક્સની તાત્ત્વિક શોધ અને એન્ગલ્સ પ્રકારના અભ્યાસમાંથી મળતું વાસ્તવિક ચિત્ર મળીને આપણી સામે એક વિચારવલણથી માંડીને દર્શન શી શક્યતા લાવે છે. સંકુલસમાજના આ વાસ્તવ સામે ગાંધીની મથામણ સરલ, મુખોમુખ સમાજ વાસ્તે છે.

લાંબી ચર્ચામાં જવાનો અહીં આશય અલબત્ત નથી. માત્ર બીજી ઓક્ટોબરમાં સમાતી ચાલેલી ગાંધી જયંતી, ક્યાંક ક્યાંક હજીયે રેંટિયા બારસ રૂપે શ્વસતી ને ધબકતી માલૂમ પડે છે એવા એક સહજ કૌતુક સાથે બીજા પણ એક જોગાનુજોગ નિમિત્તે થોડીકેક નુક્તેચીની કરવી છે. આ જોગાનુજોગ ભાદરવા વદ બારસને દહાડે અગિયારમી ઓક્ટોબરનો એટલે કે જે.પી. જયંતીનો છે.

ઓગસ્ટ ક્રાંતિના વીરનાયક લેખે ઉભરેલા જયપ્રકાશ સ્વાતંત્ર્યોત્તર વરસોમાં ઉત્તરોત્તર પક્ષીય રાજકારણથી પરહેજ કરતા ગયા અને એક અર્થમાં કદાચ ખોવાઈ ગયા ને પછી પાછા ઝળક્યા તે 1974-1977માં બીજા સ્વરાજના વીર સેનાની તરીકે.

વચલાં વરસોમાં એ ક્યાં હતા – બલકે, ક્યાં ક્યાં નહોતા! મુખ્યત્વે, અલબત્ત ભૂદાન આંદોલનમાં. અને, વિનોબાએ એક દીનહીન દલિત બાંધવને જમીન અપાવવાથી શરૂ કરેલ આંદોલનના વિરાટ સ્વરૂપમાં જયપ્રકાશ પૂરેવચ ખૂંપેલા સહભાગી હતા. એક તબક્કે ભૂદાન યજ્ઞે ભૂમિહીનો સારુ સુલભ કરેલ જમીનનો આંક સરકારોએ ટોચમર્યાદા હેઠળ કરેલ જમીન સંપાદનને વટી ગયો હતો તેમ શ્રીમન્નારાયણ આદિએ નોંધ્યું પણ છે. ક્યાંક ક્યાંક તો ગ્રામદાનને વટીને જિલ્લાદાન સુધી વાત પહોંચી હતી.

સાંભળ્યા તો ઘણી વાર હશે, પણ જયપ્રકાશના એ કથિત બિયાવ્યાં વરસોમાં પહેલ પ્રથમ રૂ-બ-રૂ મળવાનું થયું તે 1966ના જુલાઈમાં, આપણા એકાંકીકાર ને એક કાળના ધારાસભ્ય જયન્તિ દલાલને ત્યાં. રવિશંકર મહારાજ (82), ઉમાશંકર જોશી(55)થી પ્રકાશ (26) એમ આઠ-દસ મિત્રો હોઈશું. આપણે રાજ્યશાસ્ત્રના નવાસવા અધ્યાપક એટલે લગીર અદકપાંસળા પણ ખરા. જે.પી.ને પૂછી પાડ્યું કે જ્યાં જિલ્લાદાન થયું (જેમ કે કોરાપુટ) ત્યાં કોઈ રાજકીય સૂરતમૂરત બદલાઈ છે, કોઈ પ્રજાસૂય કિરણો વરતાય છે. જયપ્રકાશે સહજ સરળ શબ્દોમાં કહ્યું કે કોઈ અભ્યાસ થયો નથી. બિલકુલ નિખાલસ જવાબ હતો, પણ મને કેમ એ કંઈ અન્કન્સર્ડ લાગતા હશે? અતિસ્નેહ પાપશંકી? અત્યંત પ્રેમાદરવશ મારી અપેક્ષા સામે સરળ ઉત્તર ઊણો ઊણો લાગતો હતો. થયું, સન બયાલીસના વીરનાયક ક્યાં?

જો કે એ બધાં વર્ષો સતત સક્રિયતાનાં ચોક્કસ હતાં. કાશ્મીર ને નાગાલેન્ડમાં ઠેકાણું પડ્યું એમાં એ ગાળાના જયપ્રકાશની કામગીરીનો ખાસો હિસ્સો હતો. બીજું પણ એમને નામે જમે બોલે છે – એમાં પણ ખાસ તો એક વરસના આરામનો સંકલ્પ છોડીને મુસહરીના અંતરિયાળ પંથકમાં ખૂંપીને ન્યાયકારી સહભાગી વિકાસ વાસ્તે મથવાનું થયું, અને બાંગ્લાદેશની મુક્તિ માટે વિશ્વમત કેળવવાનું થયું, એ એમના સાર્વજનિક જીવનનાં સોનેરી પાનાં બની રહેશે.

તો, એમણે છોડ્યું’તું એ રાજકારણ રાજકીય પક્ષોની સત્તામારીનું જરૂર હતું, પણ પબ્લિક અફેર્સથી વ્યાપક અર્થમાં એમણે કદી કિનારો કર્યો ન હતો. સીધું પડવા જેવું લાગ્યું ત્યારે પણ વ્યક્તિગત સત્તાથી ઉફરાટે પરિવર્તનની રાજનીતિનો ધક્કો હતો. જ્યારે જોયું કે તળ રચનાકાર્ય પર સ્થાપિત સત્તા સવાર થઈ જાય છે, અને હવે તો એક અધિનાયકવાદી રુખ વરતાય છે ત્યારે એમણે સંપૂર્ણ ક્રાંતિના અભિગમ સાથે રાજકીય મોરચો ખોલ્યો. થયું, સન બયાલીસના વીરનાયક હાજરાહજૂર છે.

વિનોબાએ સર્વ સેવા સંઘમાં સરસ કહ્યું હતું કે ગંગા (રચનાકાર્ય) હો કે બ્રહ્મપુત્રા (રાજકારણ) આપણ સૌને પસંદગીનો અખત્યાર છે. પણ વાત બની નહીં, કેમ કે જયપ્રકાશ હવે રચનાકાર્ય અને રાજનીતિના અનુબંધ વાટે વ્યાપક પરિવર્તનની લડાઈમાં હતા. હવે એ ગોઆલંદોના એ સંગમતીર્થે હતા જ્યાં ગંગા ને બ્રહ્મપુત્રા બેઉ મળી પદ્મા રૂપે વિરાટ બની વિલસે છે.

નેહરુ પછી કોણ, વારંવાર પૂછાતું હતું અને જવાબમાં જયપ્રકાશ વખતો‌વખત ઝળકતા. જો કે, જયપ્રકાશ, ચોક્કસ અર્થમાં, ગાંધી પછી કોણ એ પ્રશ્નનો 1974-77નો ઉત્તર હતા, અને એના અનુસંધાનમાં આજનો ધ્રુવતારક પણ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ઑક્ટોબર 2023

Loading

...102030...981982983984...9901,0001,010...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved