Opinion Magazine
Number of visits: 9742371
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમ જીત્યા વિના સહઅસ્તિત્વ શક્ય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|12 October 2023

રમેશ ઓઝા

કોઈએ કલ્પના નહોતી કરી કે આવું બનશે. છઠ્ઠી ઓક્ટોબર ૧૯૭૩ના રોજ અનવર સાદતના નેતૃત્વમાં ઈજિપ્તે ઇઝરાયેલ પર હુમલો કર્યો એની બરાબર ૫૦મી વરસીના દિવસે, ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ નામના ત્રાસવાદી જૂથે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને જગત જોતું રહી ગયું. મોટી સંખ્યામાં યહૂદીઓને મારી નાખવામાં આવ્યા અને એટલી મોટી સંખ્યામાં યહૂદીઓને બાન પકડવામાં આવ્યા છે. જેને બાન પકડવામાં આવ્યા છે તેમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ અમેરિકન પ્રમુખ જો બાયડને કહ્યું છે.

હમાસ અને એ સમયના ઈજીપ્ત વચ્ચે કોઈ તુલના ન થઈ શકે. હમાસ ઈજીપ્તની તુલનામાં દસમાં ભાગની પણ શક્તિ નથી ધરાવતું, પણ તેનો ઈરાદો ઇઝરાયેલના ઘમંડી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુનું નાક કાપવાનો ઈરાદો હતો, અને તેમાં તેને સફળતા મળી ગઈ છે. નેતાન્યાહુ જેવો સ્વઘોષિત કૃતસંકલ્પ નેતા, મોસ્સાદ જેવું વિશ્વનું શ્રેષ્ઠ ગુપ્તચરતંત્ર અને પેગાસસ જેવાં જાસૂસી માટે ઉપયોગી સ્પાઈવેર કામમાં ન આવ્યાં. ભારત સરકારે વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો પર જાસૂસી કરવા પેગાસસની ખરીદી કરી હતી. એમાં કોઈ શંકા નથી કે યુદ્ધમાં અંતિમ વિજય ઇઝરાયેલનો થવાનો છે. ઇઝરાયેલ પાસે હમાસ કરતાં અનેકગણી લશ્કરી શક્તિ છે. ઇઝરાયેલની પાછળ અમેરિકા અને બીજાં પાશ્ચાત્ય રાષ્ટ્રો છે. હમાસને કોઈ દેશનો સીધો ટેકો નથી. હમાસ આ જાણે છે, પણ હમાસનો હુમલો કરવા પાછળનો ઈરાદો ઇઝરાયેલને હરાવવાનો નહોતો, નાક કાપવાનો હતો. નેતાન્યાહુનું નાક કપાઈ ગયું અને હમાસનું કામ થઈ ગયું.

પણ એક પ્રશ્ન છે, બાન પકડવામાં આવેલા ઇઝરાયેલીઓ અને અમેરિકનોનો. અચાનક પેલેસ્ટાઇનના એક સિનિયર નેતા અને સંસદસભ્ય મુસ્તફા બારઘોટીએ હમાસ વતી આગળ આવીને ઓફર કરી છે કે જો ઇઝરાયેલની જેલમાં કેદ ભોગવતી પેલેસ્ટીની મહિલાઓને છોડવામાં આવે તો હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલના નાગરિકોને સાટે આપવા તૈયાર છે. અને બીજા તબક્કામાં જો ઇઝરાયેલ તમામ પેલેસ્ટીની પુરુષોને છોડવા તૈયાર હોય તો સાટામાં હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલી સૈનિકોને છોડવા તૈયાર છે. હમાસના કબજામાં કેટલા ઇઝરાયેલીઓ અને અમેરિકનો છે અને ઇઝરાયેલની જેલમાં કેટલા પેલેસ્ટીનીઓ છે એ આપણે જાણતા નથી. એક વાત નક્કી છે કે લગભગ હજારેક યહૂદીઓ હમાસના હુમલામાં માર્યા ગયા છે.

પોતે કે પોતાનાં લોકો મરે એનાથી ત્રાસવાદીઓને કોઈ ફરક પડતો નથી. ત્રાસવાદ આના ઉપર જ ટક્યો છે. જે મરે છે એ જન્નતના અધિકારી બને છે એમ તેઓ કહે છે. પણ જે દેશ પર હુમલો કરવામાં આવ્યો હોય ત્યાંના શાસકો પર તેની જરૂર અસર પડે છે અને જો કોઈ દેશ લોકશાહી ધરાવતો હોય તો ઘણી મોટી અસર થાય છે. નેતાન્યાહુ હબક ખાઈ ગયા છે, બાકી હમાસને તો ખબર જ છે કે હુમલાની તેણે કિંમત ચૂકવવી પડશે.

સમસ્યા એ છે કે ઇઝરાયેલમાં જડભરત યહૂદીઓની એક જમાત છે. એમાં અનિવાસી યહૂદીઓમાંથી તો કેટલાક હજુ વધુ જડભરત છે. અનિવાસી ભારતીયોની જેમ. તેમને એમ લાગે છે કે વતન ગુમાવ્યા પછી પણ જે પ્રજા યહૂદી ધર્મને ટકાવી રાખે, ઇઝરાયેલી અસ્મિતા ટકાવી શકે, સદીઓ પછી વતન પાછું મેળવી શકે, દુ:શ્મનો વચ્ચે ઘેરાયેલું હોવા છતાં અસ્તિત્વ ટકાવી રાખી શકે, વિકાસ સાધી શકે, જગતને શસ્ત્રો વેચી શકે એ પ્રજા કેવી પ્રતાપી હશે! વાત તો સાચી, પણ એ પ્રતાપનો શ્રેય તેઓ તેમનાં પુરુષાર્થને નથી આપતાં, યહૂદી હોવાપણાને આપે છે. આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે અજેય છીએ. આપણે ત્યાં પણ કહેવામાં આવે છે ને કે આપણે (માત્ર હિંદુ) જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે વિશ્વગુરુ છીએ.

આવા જડભરત યહૂદીઓ સાવ હાંસિયામાં નથી અને પહેલાં પણ નહોતા. એ લોકોએ ૧૯૯૫માં ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રેબીનની હત્યા કરી હતી, કારણ કે રેબીને પેલેસ્ટીની નેતા યાસર અરાફત સાથે ઓસ્લો સમજૂતી કરી હતી. ઓસ્લો સમજૂતી માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા રેબીનને જડભરત યહૂદીઓએ દેશદ્રોહી જાહેર કર્યા હતા અને દેશદ્રોહીની તો હત્યા જ કરવાની હોય. એમાં બન્યું છે એવું કે અત્યારે નેતાન્યાહુની સરકાર લઘુમતીમાં છે એટલે દરેક અર્થમાં ગામના ઉતાર જેવો, પણ પોતાને સવાયો દેશપ્રેમી તરીકે ઓળખાવનારો ઝનૂનીઓનો ઝનૂની ઇતમાર બેન-ગ્વીરનો ટેકો લેવો પડે છે અને પેલો નચાવે છે. આ બાજુ નેતાન્યાહુ પણ ઝેર ઓકવામાં અને બાવડાનું પ્રદર્શન કરવામાં ગ્વીરને પાછળ રાખી શકે એમ છે. ટૂંકમાં ઝનૂની લોબીને કારણે અને અનિવાસી ઝનૂની યહૂદીઓ તેમને ધન મોકલતા હોવાને કારણે આરબ-ઇઝરાયેલ સહ અસ્તિત્વ શક્ય બનતું નથી.

ધર્મઝનૂની ઇઝરાયેલીઓ કહે છે કે પેલેસ્ટાઇનમાં એક જ રાષ્ટ્રીયતા છે અને તે યહૂદીઓની, કારણ કે તે ઇસ્લામ પૂર્વેની પ્રાચીન છે. ઇઝરાયેલી યહૂદીઓ અને પેલેસ્ટીની મુસલમાનો એમ બે રાષ્ટ્રીયતા છે અને એ બે રાષ્ટ્રીયતાએ એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ એમ દ્વીરાષ્ટ્ર થિયરીના પ્રવક્તાઓ કહે છે. તેઓ સમજૂતી ઈચ્છે છે. એડવર્ડ સિદ નામના વિશ્વ વિખ્યાત વિચારકે કહ્યું હતું કે પેલેસ્ટાઇનમાં એક માત્ર આરબ નામની વાંશિક (એથનિક) રાષ્ટ્રીયતા છે જે યહૂદીઓ અને ઇસ્લામ એમ બે ધર્મમાં વહેંચાયેલી છે, જેમ ભારતમાં ભારતીયતા એ રાષ્ટ્રીયતા છે જેમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. ગાંધીજીએ પણ આ જ સલાહ આપી હતી. પ્રેમ જીત્યા વિના સહઅસ્તીત્વ શક્ય નથી. દાદાગીરી કરીને કોઈ પ્રજા કાયમ માટે સુખેથી ન જીવી શકે પછી ભલે એ ગમે તેટલી બળુકી હોય. પણ ઝનૂનીઓ સ્થિતિ થાળે પાડવા દેતા નથી અને હવે તો ઝનૂનીઓ રાજ કરે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑક્ટોબર 2023

Loading

હિરોશિમા ડે – વિવેકહીન વિજ્ઞાનની વિનાશકતાનો પુરાવો 

સોનલ પરીખ|Opinion - Opinion|12 October 2023

ચિયોકાને લાગ્યું એની પીઠ પરથી માંસ ઊતરડાઈ ગયું છે. દીકરી સામે જોયું તો એના ચહેરાની જગ્યાએ લાલ ગરમ મીણ જેવો ગળેલો ગઠ્ઠો હતો. એ ચીસ પાડવા ગઈ, અવાજ નીકળ્યો નહીં. ચારે તરફ ગળતા શરીરો, અવયવો ઊડતાં હતાં. દઝાડતી રાખનું વિરાટ વાદળ આકાશ તરફ ગયું અને આકાશમાંથી કાળો વરસાદ વરસ્યો … અમેરિકા તરફ જતા વિમાનના ક્રુની આંખ ફાટી ગઈ હતી, ‘માય ગૉડ! વૉટ હેવ વી ડન!!’

સોનલ પરીખ

અમેરિકન વાયુસેનાનું બી-29 એનોલા ગે વિમાન ઊડ્યું ત્યારે રાત્રે પોણાત્રણ વાગ્યા હતા. કેલેન્ડરમાં તારીખ હતી 6 ઑગ્સ્ટ 1945. સાથે બીજા બે વિમાન હતાં. એનોલા ગે વિમાનના પેટમાં 3.5 મીટર લાંબો 4 ટન વજનનો બૉમ્બ પડ્યો હતો.

આઠ વાગીને તેર મિનિટે વિમાન જાપાનના હિરોશીમા શહેર પર પહોંચ્યું. સવા આઠે બૉમ્બ ફેંકાયો. 43 સેકન્ડમાં ધડાકો થયો. વૃક્ષો ધુણી ઊઠ્યાં, મકાનો ધ્રૂજી ગયાં, ધરતી ધણધણી. તત્ક્ષણ આગનો વિરાટ ગોળો દેખાયો. બીજા વિમાનના પાયલોટ ચાર્લ્સ સ્વીનીએ એનો ફોટો પાડ્યો.

શિટોયામા સ્કૂલ પાસે 29 વર્ષની ચિયોકા એની છ વર્ષની દીકરીનો હાથ પકડી ઊભી હતી. અચાનક કાન ફાડી નાખે એવા ધડાકા સાથે આંખો આંજી દેતા આગનો વિરાટ ગોળામાં બધું ઢંકાઈ ગયું. ચિયોકાને લાગ્યું એની પીઠ પરથી માંસ ઊતરડાઈ ગયું છે. દીકરી સામે જોયું તો એના વાળ ઊભા થઈ ગયા હતા, ચહેરાની જગ્યાએ લાલ ગરમ મીણ જેવો ગળેલો ગઠ્ઠો હતો. એ ચીસ પાડવા ગઈ, અવાજ નીકળ્યો નહીં. ચારે તરફ ગળતા શરીરો, અવયવો ઊડતાં હતાં. દઝાડતી રાખનું વિરાટ વાદળ આકાશ તરફ ગયું અને આકાશમાંથી કાળો વરસાદ વરસ્યો … અમેરિકા તરફ જતા વિમાનના ક્રુની આંખ ફાટી ગઈ હતી, ‘માય ગૉડ! વૉટ હેવ વી ડન!!’

ત્રણ દિવસ પછી 9 ઑગસ્ટના દિવસે ફરી અમેરિકન યુદ્ધવિમાનોએ દેખા દીધી. ટાર્ગેટ હતું ઔદ્યોગિક શહેર કોકુરા. વાદળોને લીધે નિશાન લઈ શકાતું નહોતું. કૅપ્ટનને સંદેશો મળ્યો, ‘નેક્સ્ટ ટાર્ગેટ. નાગાસાકી.’ અને નાગાસાકી શહેર પર 4050 કિલોનો બૉમ્બ ઝીંકાયો. એ જ વિસ્ફૉટ, એ જ ભીમકાય અગનગોળો, એ જ ગળતાં-ઊડતાં શરીરો, એ જ રાખનું મશરૂમ-વાદળ ને એ જ કાળો વરસાદ. નાગાસાકીના દરિયામાં તરતી ને કિનારે લાંગરેલી તમામ નૌકાઓ સળગતી હતી.

લડાયક, આક્રમક, અજેય જાપાન સ્તબ્ધ હતું. આ બૉમ્બ, અત્યાર સુધી વપરાયેલા બૉમ્બ કરતાં 2000 ગણા વધુ શક્તિશાળી હતા. 2 લાખ લોકો તાત્કાલિક માર્યા ગયા. એટલા જ ઘાયલ થયા. ઘા ન પડ્યો હોય તેવાની ચામડી પણ કિરણોત્સર્ગની દાહક અસરમાં ભુંજાઈ ગઈ. અનેક કિલોમીટર સુધીનો પ્રદેશ રાખ થઈ ગયો. ગરમ રાખનાં મશરૂમ વાદળની 18 કિલોમીટર ઊંચે ગયાં – માઉન્ટ એવરેસ્ટ કરતાં બમણી ઊંચાઈ હતી આ. જાપાનના વડા પ્રધાન બારોન કાંતારો સુઝુકીએ તાકીદની મિટિંગ બોલાવી અને 15 ઑગસ્ટે ‘ઈટ ઈઝ ટાઈમ ટુ બેર ધ અનબેરેબલ’ શબ્દો સાથે હાર સ્વીકારી. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાન શરણે ન થયું હોત તો ત્રીજો બૉમ્બ તૈયાર જ હતો.

0

જરા પાછળ જઈએ. વિશ્વ પર બીજું વિશ્વયુદ્ધ તોળાઈ રહ્યું હતું. જર્મનીની પરમાણુ-બૉમ્બ બનાવવાની તૈયારી જોઈ લિયો ઝિલાર્ડ, યુજેન વિગ્નર અને ઍડવર્ડ ટેલર નામના હંગેરિયન ભૌતિકશાસ્ત્રીઓએ આલ્બર્ટ આઇનસ્ટાઇનને, આ અંગે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઉપર પત્ર લખવા માટે પ્રેર્યા. 1939માં આઈન્સ્ટાઈને પત્ર લખ્યો. થોડા જ મહિનામાં તત્કાલીન પ્રમુખ રૂઝવેલ્ટે આદેશ આપ્યો કે જર્મની પહેલાં પરમાણુ-બૉમ્બ જેવું શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે અમેરિકાએ પ્રયાસ કરવો. વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. 1942ના મધ્યભાગમાં અમેરિકાના ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને લશ્કરે આ આખો કાર્યક્રમ હાથમાં લીધો. તેને મેનહેટ્ટન પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું. સાડત્રીસ વર્ષના, યુરોપમાં ભણેલા, સંસ્કૃત શીખેલા યહૂદી અમેરિકન વિજ્ઞાની જુલિયસ રોબર્ટ ઓપનહેમરની અધ્યક્ષતામાં ન્યૂ મેક્સિકોની લૉસ આલ્મોસની પ્રયોગશાળામાં ગુપ્તપણે પણ ધમધોકાર કામ ચાલ્યું. કહે છે કે આ પ્રોજેક્ટ પર લગભગ 6 લાખ લોકોએ કામ કર્યું હતું.

16 જુલાઈ 1945ના દિવસે ટ્રિનીટી ટેસ્ટ થઈ. ભયાનક અગનવિસ્ફૉટ જોઈ ઓપનહેમર બોલી ઊઠ્યો, ‘કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો, લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્ત …’ (હું લોકોનો નાશ કરવા આગળ વધેલો, લોકોને હણવા પ્રવૃત્ત થયેલો કાળ છું) આ શબ્દો એણે પોતાના માટે વાપર્યા હતા કે પોતે શોધેલા શસ્ત્રનું રૌદ્ર રૂપ જોઈ તેને વિભૂતિયોગમાં વર્ણવેલું કૃષ્ણનું વિરાટ સ્વરૂપ યાદ આવ્યું હતું? બીજા વિશ્વયુદ્ધનો અંત આણવામાં નિમિત્ત બનેલા અણુબૉમ્બના સર્જક ઓપનહેમરનું ગીતા સાથેનું કનેક્શન આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટ્રિનીટી ટેસ્ટની 78મી જયંતીના દિવસે 6 જુલાઈ 2023માં રિલિઝ થયેલી ફિલ્મ ‘ઓપનહેમર’ની આ અસર છે.

0

પણ જાપાન જ કેમ? દરેક ઘટનાને એના સંદર્ભ સાથે જોવી જોઈએ. 12મી સદીના સમુરાઈ-સંસ્કૃતિ આવી ત્યારથી જાપાન આક્રમક, યુદ્ધખોર અને રાજ્યવિસ્તારપિપાસુ રહ્યું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં તે જર્મની સામે મિત્રરાજ્યો સાથે લડ્યું હતું. યુદ્ધ પૂરું થયા પછી તેનાં આક્રમણો ચાલુ રહ્યાં. ચીનના પ્રદેશો જીતવા તેણે આઠ વર્ષ યુદ્ધો કર્યાં. દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું. જાપાને ફ્રેંચ ઈંડોચાઈના જીત્યું અને ચીન, મલાયા, સિંગાપોર, હોંગકોંગ પર હુમલા ચાલુ રાખ્યા. જ્યાં જાય ત્યાં લોકો પર ક્રૂર અત્યાચાર કરે. 20મી સદીમાં તેનું સામ્રાજ્ય ખૂબ વિસ્તર્યું હતું. કોરિયા અને ચીનમાં લશ્કરી અત્યાચારની સાથે જ કમ્ફર્ટ વીમેનને નામે અમાનવીય ઐયાશીની કોઈ સીમા જાપાને છોડી નહોતી. જાપાને કરેલા અત્યાચારો એશિયન હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે.

આ જાપાને ડિસેમ્બર 1941માં બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર પર હુમલો કરી અમેરિકાને છંછેડ્યું અને અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાયું. અમેરિકા યુદ્ધમાં પ્રવેશતાંની સાથે મિત્રરાજ્યો(ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સોવિયેત સંઘ વગેરે)ને અમેરિકાની શસ્ત્રસામગ્રી, વિમાનો, ટૅન્કો, સૈન્ય વગેરેની વિપુલ સહાય પ્રાપ્ત થતાં યુદ્ધની સ્થિતિ પલટાઈ ગઈ. 1945ના એપ્રિલ મહિનામાં જર્મની ઘેરાયું અને હિટલરે આત્મહત્યા કરી. ઈટલીના મુસોલિનીનું ખૂન થયું.

જાપાન શરણે આવતું નહોતું. મિત્રરાષ્ટ્રોએ જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી અગન-ગોળા વરસાવ્યા અને પોટ્સડેમ ઘોષણાપત્ર દ્વારા આખરી ચેતવણી આપી, ‘જો જાપાન શરણાગતિ નહીં સ્વીકારે તો, જાપાન પર એવો હુમલો થશે, કે જાપાનનાં લશ્કરી દળોનો સંપૂર્ણ વિનાશ થશે અને જાપાનની ભૂમિ સદંતર ઉજ્જડ બનશે’ જુલાઈ 26ના આ સરકારી પત્રમાં અણુબૉમ્બનો ઉલ્લેખ નહોતો. જુલાઈ 28ના, જાપાની અખબારોમાં જાપાન સરકારે આ ઘોષણાપત્ર નકારી દીધાના અહેવાલો છપાયા.

બૉમ્બ ફેંકવા માટે હંમેશાં અમેરિકા જાપાનને જ જવાબદાર ગણાવે છે પણ જાણકારોનું માનવું છે કે આવા વિધ્વંસક હુમલાની કોઈ જરૂર નહોતી. આ હુમલો થયો એના ત્રણ મહિના પહેલાં જ યુરોપમાં તો યુદ્ધ પૂરું પણ થઈ ગયું હતું. એક મહિનાથી જાપાની સેના પીછેહઠ કરવા લાગી હતી, એશિયામાં યુદ્ધ પૂર્ણ થયું હોવાની માત્ર ઔપચારિકતા જ બાકી હતી. પણ જાપાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘણો વધી ગયો હતો. જાપાન ઈન્ડોચાઇના વિસ્તારમાં પોતાનો કબજો મજબૂત કરવા માગતું હતું, જે અમેરિકાને પસંદ ન હતું.

એથી અમેરિકાના ત્યારના પ્રમુખ હેરી ટ્રુમેને જાપાનને પાઠ ભણાવવા અને પોતાનો અહમ સંતોષવા હિરોશિમા-નાગાસાકી પર બૉમ્બ ફેંકી જ દીધા. ઇતિહાસકાર એલપરોરિત્ઝના મતે અમેરિકા સોવિયત સંઘથી શક્તિના મામલે આગળ વધવા માગતું હતું અને આ બે બોમ્બ ફેંકીને તેણે પોતાનું શક્તિ-પ્રદર્શન કર્યું હતું. હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકનાર વિમાનના એકપણ ક્રુ-મેમ્બર હયાત નથી, પણ હુમલા બાદ જ્યારે તેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે તેમણે કહેલું કે આ બોમ્બ ફેંકીને અમે કોઈ જ ભૂલ કરી નથી કેમ કે બૉમ્બ ફેંક્યો એને કારણે જ બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.

જ્ઞાન-વિજ્ઞાન સાથે વિવેક ન હોય ત્યારે મહાબુદ્ધિશાળીઓ પણ સાચાખોટાનો ભેદ પારખવામાં થાપ ખાય છે. ઓપનહેમર જેનાથી પ્રભાવિત છે એ ગીતા કહે છે કે આસુરી બુદ્ધિને યોગ્યાયોગ્યભેદ હોતો નથી અને જેને શોચ્ય (જેને માટે શોક કરવો પડે) કે સત્યનો અર્થ ખબર નથી, એ બુદ્ધિને આસુરી બનતા વાર લાગતી નથી – પછી વાત ડાયનેમાઈટની હોય, એટમબૉમ્બની હોય કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની હોય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ઑગસ્ટ  2023

Loading

નૂરી: દિલ કી પ્યાસ બુઝા જા રે …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 October 2023

રાજ ગોસ્વામી

તમને મનોમોહન કૃષ્ણ યાદ છે? કદાચ નામથી ચહેરો યાદ ન આવે તો થોડી વધારાની હિન્ટ; ફિલ્મ ‘દીવાર’માં પોલીસ ઓફિસર રવિ વર્મા(શશી કપૂર)ના બોસ ડી.સી.પી. નારંગ યાદ છે, જે શહેરના અપરાધીઓની સૂચિમાં તેના ભાઈ વિજય(અમિતાભ બચ્ચન)નો ફોટો રવિને બતાવે છે? ફિલ્મ ‘ત્રિશૂલ’માં શેઠ દિનદયાલ યાદ છે, જેની ધનવાન દીકરી કામિની(ગીતા સિદ્ધાર્થ)ને પરણવા માટે આર.કે. ગુપ્તા (સંજીવ કુમાર) પ્રેગ્નન્ટ શાંતિ(વહીદા રહેમાન)ને ત્યજી દે છે? ફિલ્મ ‘વક્ત’માં મિ. મિત્તલ યાદ છે, જેની દીકરી મીના (સાધના) સાથે ચિનોય શેઠ(રહેમાન)નો નોકર બલબીર સિંહ (મદનપુરી) શરાબના નશામાં પાર્ટીમાં બદતમીજી કરે છે? અથવા, ફિલ્મ ‘દાગ’માં મેયર દિવાન યાદ છે, જેમને ટ્રેનમાં હૃદય રોગનો હુમલો થાય છે અને જેલની સજાથી ભાગેલો સુનિલ કોહલી (રાજેશ ખન્ના) તેમની ત્યકતા દીકરી ચાંદની(રાખી)ના બાળકને પોતાનું નામ (સુધીર) આપે છે?

તમારી નજર સામે હવે તેમનો ચહેરો તરવરી ગયો હશે. હિન્દી સિનેમાના ચાહકો મનોમોહન કૃષ્ણને એક સૌમ્ય, પ્રેમાળ અને સજ્જન ચરિત્ર અભિનેતા તરીકે યાદ કરે છે. લાહોરમાં ફીઝિક્સના લેકચરરની નોકરી છોડીને મુંબઈ નસીબ અજમાવા આવેલા મનમોહન કૃષ્ણએ, તેમના આકર્ષક વ્યક્તિત્વ અને પ્રભાવશાળી અવાજથી, હિન્દી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. 

તમે ઉપરની ફિલ્મોની સૂચિમાં જો એક વાત નોંધી હોય તો તે તમામ ફિલ્મોનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. કૃષ્ણજી યશ અને તેમના જ્યેષ્ઠ બંધુ બી.આર. ચોપરાના ગમતા અભિનેતા હતા અને તેમની ઘણી ફિલ્મોમાં એ અચૂકપણે દેખા દેતા. ચોપરા ફિલ્મ્સ માટે યશજીએ નિર્દેશિત કરેલી કોમી કટ્ટરતા વિરોધી તેમની પહેલી સુપરહિટ ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’(1959)માં, અબ્દુલ (રશીદ) ચાચાની યાદગાર ભૂમિકા માટે કૃષ્ણજીને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

મનોમોહન કૃષ્ણની એક બીજી ઓળખાણની કદાચ સૌને ખબર નથી. આપણે તેની વાત કરવી છે. તમને 1979માં આવેલી યશરાજ ફિલ્મ્સની ‘નૂરી’ ફિલ્મ યાદ હશે. ફારુક શેખ અને પૂનમ ધિલ્લોન બંનેની કારકિર્દીની આ પહેલી સુપરહિટ ફિલ્મ હતી. દીવાર, કભીકભી અને ત્રિશૂલ જેવી ત્રણ બિગ બજેટ ફિલ્મો સાથે યશ ચોપરા ત્યારે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે એક મોટા નિર્માતા-નિર્દેશક તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. તે વખતે તેમણે ‘નૂરી’ નામની એક ઓછા બજેટની, પણ બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. 

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મનું નિર્દેશન મનમોહન કૃષ્ણએ કર્યું હતું. બીજું આશ્ચર્ય એ છે કે નિર્દેશક તરીકે તેમની આ પહેલી અને છેલ્લી જ ફિલ્મ છે. 1979માં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર સૌથી વધુ વકરો કરનારી ટોચની 10 ફિલ્મોમાં ‘નૂરી’ 7માં નંબરે હતી. તેની આગળ-પાછળ સુહાગ, જાની દુશ્મન, મિ. નટવરલાલ, ગોલમાલ, કાલા પથ્થર, સુરક્ષા જેવી તોતિંગ ફિલ્મો હતી. તેમ છતાં, મનમોહન કૃષ્ણએ બીજી કોઈ ફિલ્મનું નિર્દેશન ન કર્યું. સામાન્ય રીતે કોઈ નિર્દેશકની એક ફિલ્મ હિટ જાય પછી તેની સામે ફિલ્મોની લાઈન લાગી જાય. કૃષ્ણજીના કિસ્સામાં એવી નહોતું બન્યું. કેમ?

ગોસીપ એવી છે કે ‘નૂરી’નું અસલમાં નિર્દેશન રમેશ તલવારે કર્યું હતું, પણ ફિલ્મનાં પોસ્ટરોમાં નામ મનમોહન કૃષ્ણનું મુક્યું હતું. રમેશ તલવાર યશરાજ ફિલ્મ્સમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરતા હતા. તેમના નામે બે જાણીતી ફિલ્મો બોલે છે; 1977માં ‘દૂસરા આદમી’ અને 1981માં ‘બસેરા.’ ચોપરાની કભી કભી, સિલસિલા અને ચાંદની જેવી ફિલ્મોના લેખક સાગર સરહદીના તલવાર ભત્રીજા થાય.

‘નૂરી’ ફિલ્મમાં રમેશ તલવાર સહ-નિર્માતા હતા. ‘નૂરી’નું નિર્દેશન અસલમાં તલવારે કર્યું હતું તે અફવાને લઈને કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક અંગ્રેજી પત્રકારે એકવાર એક ઇન્ટરવ્યૂમાં, મનમોહન કૃષ્ણને એવું પૂછી લીધું હતું કે ‘નૂરી’ના નિર્દેશન લઈને અફવા ચાલે છે તેમાં કેટલી સચ્ચાઈ છે, તો કૃષ્ણજી જવાબ આપવાને બદલે ગલ્લાં-તલ્લાં કર્યાં હતાં અને પત્રકાર ગયો તે પછી તેના એડિટરને ફોન કરીને કહ્યું હતું કે તમે કેવા ગમાર જેવા પત્રકારને મોકલ્યો હતો, બીજી વાર ન મોકલતા!

‘નૂરી’ ફિલ્મ જુઓ તો પણ તમને શંકા પડી જાય કે આ ફિલ્મ સાચે જ ચારિત્ર્ય અભિનેતા મનમોહન કૃષ્ણએ નિર્દેશિત કરી છે? તેમનામાં જો એટલી સરસ નિર્માણ કળા હતી તો તે આટલા વર્ષો સુધી ક્યાં ખોવાયેલા હતા?

ફિલ્મ ભલે લો-બજેટ હતી, પણ તેમાં એ બધા જ જાદુ હતા, જેના માટે યશ ચોપરાની ફિલ્મો જાણીતી છે; કર્ણપ્રિય સંગીત (ખૈયામ), હૃદયસ્પર્શી ગીતો (સાહિર લુધિયાનવી) સુંદર લોકેશન્સ (કાશ્મીર), ખૂબસૂરત કલાકારો (ફારુક અને પૂનમ) અને નાટ્યાત્મક વાર્તા (ફિલ્મનો અસલી ‘હીરો’ ખૈરુ નામનો પાલતું કુત્તો હતો).

ફિલ્મમાં, મનમોહન કૃષ્ણએ સઈજી નામના સૂત્રધારની ભૂમિકા કરી હતી, જેના મોઢે નૂરી નબી (પૂનમ ધિલ્લોન) અને યુસૂફ ફકીર મહોમ્મદ(ફારુક શેખ)ની બદનસીબ પ્રેમ કહાની કહેવામાં આવી હતી. ફિલ્મની વાર્તા સીધી-સાદી હતી. લેખક સાગર સરહદી ભારત-પાકિસ્તાનના વિભાજનના સાક્ષી હતા અને તેમણે એ પીડા પર ‘રાખા’ નામની એક ટૂંકી વાર્તા લખી હતી. યશ ચોપરાને તેના પરથી ‘નૂરી’ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો.

ફિલ્મમાં, નૂરી તેના પિતા ગુલામ નબી (ઈફ્તેખાર) અને પાલતું કુત્તા ખૈરુ સાથે રહે છે. તેનાં લગ્ન યુસૂફ સાથે થવાનાં છે. એમાં ગામના બદમાસ બશીર ખાન(ભરત કપૂર)ને નૂરી ગમી જાય છે અને તેનો હાથ માંગે છે. પિતા ના પાડે છે. એટલે બશીર જંગલમાં ઝાડ પાડવાની દુર્ઘટનનામાં પિતાને મારી નાખે છે. એમાં થોડા મહિના માટે લગ્ન પાછળ ઠેલાઈ જાય છે અને જ્યારે નવી તારીખ નક્કી થાય છે, ત્યારે બશીર તેની જ શો-મિલમાં કામ કરતા યુસૂફને કામ સર ગામ બહાર મોકલી દે છે અને તેનો લાભ લઇને નૂરી પર બળાત્કાર કરે છે.

આ શરમ અને પીડાથી નૂરી આત્મહત્યા કરી લે છે. યુસૂફ પાછો આવે છે અને તેને પૂરી ઘટનાની જાણ થાય છે એટલે તે વેર લેવા માટે કુત્તા ખૈરુને સાથે લઈને બશીરની પાછળ પડે છે. બંને વચ્ચે લડાઈ થાય છે અને એમાં બશીર યુસૂફને ગોળી મારી દે છે. બશીર ત્યાંથી દોડે છે હવે ખૈરુ તેનો સામનો કરે છે અને છેવટે કૂતરો તેને ફાડી ખાય છે. જખ્મી યુસૂફ નૂરીનું શરીર જ્યાં પડ્યું છે તે તરફ દોડે છે અને અંતે બંનેનું કબરમાં મિલન થાય છે.

‘નૂરી’ ફિલ્મથી પૂનમ ધિલ્લોન રાતોરાત સ્ટાર બની ગઈ હતી. કાશ્મીરની એક નિર્દોષ પણ ખૂબસૂરત છોકરી માટે પૂનમ એકદમ ફિટ હતી. લોકો આજે પણ તેને નૂરી કહે છે. આગળ કહ્યું તેમ, ફિલ્મનાં ગીતો તેનું સૌથી જમા પાસું હતું. સંગીતકાર ખૈય્યામ માટે કહેવાય છે કે ભ્રહ્માંડમાં જો સ્વર્ગ હોય, તો ખય્યામ તેના સંગીત સમ્રાટ હોવા જોઈએ. ઢોલક, જલ તરંગ અને વાંસળીની મદદથી તેમણે હિન્દી સિનેમામાં અમુક અદ્વિતીય ગીતો સંગીતબદ્ધ કર્યાં છે.

‘નૂરી’માં ખૈય્યામનું સળંગ ચોથું હિટ સંગીત હતું. અગાઉ તે યશ ચોપરાની જ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’માં સંગીતનો જાદુ બતાવી ચુક્યા હતા અને ‘શંકર હુસેન’ તેમ જ ‘ખાનદાન’નું તેમનું સંગીત પણ તે વખતે રણકી રહ્યું હતું. ‘નૂરી’માં ખૈય્યામે તેની વાર્તા અને પાત્રોની કાશ્મીરિયતને બરાબર પકડીને જાં નિસાર અખ્તરના શબ્દો પર એવું સંગીત બનાવ્યું હતું કે અજાણ્યા માણસને પણ લાગે કે આ ધૂન અને સૂર ધરતી પરના સ્વર્ગનાં જ હોવા જોઈએ.  જેમ કે ‘આ જા રે, આ જા રે ઓ દિલબર આ જા’ અને ‘ચોરી ચોરી કોઈ આયે’ આજે પણ લોકો ગણગણે છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 11 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...979980981982...9901,0001,010...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved