Opinion Magazine
Number of visits: 9667000
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માયા મેમસાબ: કેતન મહેતાની માયા જાલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 September 2023

રાજ ગોસ્વામી

આપણે ગયા સપ્તાહે વાત કરી હતી કે ફ્રેંચ લેખક ગુસ્તાવ ફ્લુબર્ટ(1821-1880)ની, 1856માં પ્રકાશિત નવલકથા ‘મેડમ બોવરી’ પરથી ઘણી ફિલ્મો બની છે અને એમાં એક ફિલ્મ ઋષિકેશ મુખર્જીની 1960માં આવેલી ‘અનુરાધા’ હતી. 30 વર્ષ પછી, 1993માં, કેતન મહેતાની ‘માયા મેમસાબ’ આવી. ગુસ્તાવ ફ્લુબર્ટે ફ્રેંચ સમાજમાં નૈતિક પતનની ટીકા કરવા માટે એમ્મા બાવરી નામની એક એવી સ્ત્રીનું પાત્ર રચ્યું હતું, જે રંગરેલિયાં મનાવતી રહે છે અને અંતે આર્થિક રીતે પાયમાલ થઇ જઈને આત્મહત્યા કરી લે છે.

ઋષિકેશ મુખર્જીએ ‘અનુરાધા’માં એમ્માનું ભારતીયકરણ કરી નાખ્યું હતું. તેમની અનુરાધા એક ગાયિકા છે અને એક ગ્રામીણ ડોકટર સાથે લગ્ન કરીને એકવિધ જીવનમાં ઉબાઈ જાય છે. તેની દુવિધા એ હતી કે સંગીતની દુનિયામાં તેની આગવી જિંદગી જીવવા માટે શહેરમાં જતા રહેવું કે પછી પતિ સાથે ગામડાંમાં જીવવું.

કેતન મહેતા ‘માયા મેમસાબ’માં એમ્મા બાવરીના પાત્રાંકનને વફાદાર રહ્યા એટલું જ નહીં, એક પગલું આગળ જઈને તેને ભ્રમણામાં જીવતી કલ્પનાશીલ સ્ત્રીમાં ફેરવી નાખી. એટલે જ તેમણે તેનું નામ માયા (ભ્રમ) રાખ્યું હતું.

કેતન મહેતાની માયા (દીપા સાહી) યુવાન, સુંદર અને બુદ્ધિશાળી છે. તે પિતા સાથે એક ગામડાની વૈભવી હવેલીમાં રહે છે. તેના પિતા (ડો. શ્રીરામ લાગુ) પર હૃદય રોગનો હુમલો થાય છે એટલે તે સ્થાનિક ડોકટર ચારુ દાસ(ફારુખ શેખ)ને ફોન કરે છે. માયા એટલી આકર્ષક અને નટખટ છે કે ચારુ પછી પિતાને જોવાના બહાને હવેલીમાં આવતો રહે છે. એમાં બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે.

વર્ષો વીતી જાય છે અને ચારુ દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત બની જાય છે જ્યારે માયા એકલતામાં ઉબાઈ જાય છે. થોડા સમય પછી, માયાના જીવનમાં રુદ્ર પ્રતાપ સિંહ (રાજ બબ્બર) નામના યુવાનનો પ્રવેશ થાય છે. માયાનો તેની સાથે પ્રેમ સંબંધ બંધાય છે. એ સંબંધ લાંબો ટકતો નથી. માયાના જીવનમાં હવે લલિત (શાહરૂખ ખાન) નામના યુવાનનું આગમન થાય છે. માયા તેની સાથે ઉત્કટ પ્રેમની શરૂઆત કરે છે, પણ થોડા સમયમાં તે તેનાથી પણ ઉબાઈ જાય છે. માયાને શારીરિક સંતુષ્ટિ કરતાં કંઇક વધુની ઇચ્છા છે.

હવે તે મોંઘી ચીજ-વસ્તુઓ તરફ આકર્ષાય છે. તે ફેશનેબલ કપડાં અને શાનદાર ફર્નિચર પર લટખૂટ ખર્ચા કરે છે. તેના માટે તે ઉછીના પૈસા પણ લે છે. એમાં તેનું ઘર લાલાજી (પરેશ રાવલ) પાસે ગિરવી મુકાઈ જાય છે. છેલ્લે તે પૈસે-ટકે બરબાદ થઇ જાય છે. તેનું ઘર ટાંચમ લેવા લાલાજી કોર્ટનો આદેશ લાવે છે.

રુદ્ર અને લલિત આર્થિક પતનની ખાઈમાં ધસી રહેલી માયાને છોડીને જતા રહે છે. માયા બજારમાંથી એક એવું તીલસ્મી ડ્રિંક લઇ આવે છે, જે તમારું હૃદય શુદ્ધ હોય તો એક ઈચ્છા પૂરી કરવાનો દાવો કરે છે. એ પીધા પછી માયા ગાયબ થઇ જાય છે. ગુસ્તાવની નવલકથામાં એમ્મા આર્સેનિક પી લઈને આત્મહત્યા કરે છે. ‘માયા મેમસાબ’માં ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેના પાતળા ભેદને ઉજાગર કરવા માટે કેતન મહેતાએ માયાને ગાયબ કરી દીધી હતી, જે હકીકતમાં એક આત્મહત્યા જ હતી. છેલ્લે, બે પોલીસકર્મીઓ એ તપાસ કરવા આવે છે કે માયાનું મોત કેવી રીતે થયું છે અને કોણે કર્યું છે.

“અંગત રીતે, માયા મેમસાબ મારા દિલથી ઘણી નજીક છે. એ સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે,” નિર્દેશક કેતન મહેતાએ ફિલ્મનાં 30 વર્ષ નિમિતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “દીપા અને મેં અગાઉ ‘મિ. યોગી’ સિરિયલ કરી હતી. તેમણે જ મને ‘મેડમ બોવરી’ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. મેં તે વાંચી પછી મને થયું કે આમાં એક માનવીય વાર્તા છે. શાહરૂખ ખાને મુંબઈમાં જે પહેલી ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું તે ‘માયા મેમસાબ’ હતી. અઝીઝ મિર્ઝા અને સઈદ મિર્ઝાએ તેના નામની ભલામણ કરી હતી. ત્યારે તે ‘સર્કસ’ સિરિયલ કરતો હતો. મને તેની ઉર્જા પસંદ પડી ગઈ હતી. તે એક્ટર તરીકે પોતાને પુરવાર કરવા માંગતો હતો.”

શાહરુખ ખાન અસાધારણ ભૂમિકાઓ કરવાથી પાછો પડતો ન હતો તેની સાબિતી ‘માયા મેમસાબ’ છે. કદાચ એ દુ:સાહસના કારણે જ તેને જેલમાં પણ જવું પડ્યું હતું.

1992માં, ‘માયા મેમસાબ’નું શુટિંગ ચાલતું હતું. એમાં દીપા સાહી સાથે તેનું એક બોલ્ડ દૃશ્ય હતું. તે વખતે ‘સિને બ્લિટ્ઝ’ નામના ફિલ્મી સામયિકે એક સ્ટોરી પ્રકાશિત કરી હતી કે બોલ્ડ દૃશ્ય શૂટ કરતી વખતે અસ્વસ્થતા ન અનુભવાય તે માટે કેતન મહેતાએ તેમની પત્ની દીપાને આગલી રાતે શાહરૂખ સાથે એક હોટેલમાં રહેવાની સલાહ આપી હતી. સ્ટોરી અનામી હતી. મતલબ કે તેને લખનાર પત્રકારનું તેમાં નામ નહોતું. દેખીતી રીતે જ આ સ્ટોરી શુદ્ધ ગોસિપ હતી.

એ વાંચીને શાહરુખ ખાન ભૂરાયો થયો હતો. જે દિવસે સ્ટોરી પ્રકાશિત થઇ, એ જ દિવસે એક કાર્યક્રમમાં તેનો ભેટો ‘સિને બ્લિટ્ઝ’ના એડિટર કેઈથ ડી’કોસ્ટા સાથે થયો. શાહરૂખને એમ હતું કે આ સ્ટોરી કેઈથે લખી છે. તેણે કેઈથને ત્યાંને ત્યાં જ માં-બહેનની ગાળો આપી. બાકી હોય તેમ કહ્યું કે તારા ઘરે આવીને તને મારીશ.

બીજા દિવસે એ સાચે જ કેઈથના ઘરે જઈ ચઢ્યો અને તેનાં માતા-પિતાની હાજરીમાં ગાળાગાળી કરી અને મારવાની ધમકી આપી. કેઈથ સાચે જ ગભરાઈ ગયો અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસનું રક્ષણ માંગ્યું.  પોલીસે શાહરૂખને ફિલ્મ સિટીમાંથી ઉઠાવીને લોકઅપમાં બંધ કરી દીધો. એ ચારેક ફિલ્મ કરી ચુક્યો હતો એટલે પોલીસે પણ તેને સ્ટાર સમજીને વધુ કારવાઈ ન કરી.

ખાને અમુક પોલીસવાળાને તેના ઓટોગ્રાફ પણ આપ્યા હતા અને એક ફોન કોલ કરવા વિનંતી કરી. પોલીસે છૂટ આપી એટલે ખાને કેઈથને જ ફોન કર્યો અને ફરીથી ગાળ આપીને કહ્યું કે “અત્યારે તો જેલમાં છું પણ આવીને તારી મા-બહેન એક કરું છું.” રાતે 11 વાગ્યે તેના ભાઈબંધ ચંકી પાંડેએ ખાનને જમીન પર છોડાવ્યો.

લગભગ બે વર્ષ પછી ‘સિને બ્લિટ્ઝ’ની જ એક પત્રકારે શાહરૂખ ખાનની શંકા દૂર કરી કે એ સ્ટોરી કેઈથે લખી નહોતી. ત્યાં સુધીમાં તો ‘બાઝીગર’ અને ‘ડર’ ફિલ્મ સાથે ખાન પણ મોટો અને પરિપક્વ સ્ટાર બની ગયો હતો. તેને તેની ભૂલનો અહેસાસ થયો હતો અને કેઈથના ઘરે જઈને તેને અને તેનાં માતા-પિતાની માફી માંગી હતી.

જો કે આ સ્ટોરી કોણે લખી હતી તેનો ખુલાસો ક્યારે ય ન થયો. કદાચ ફિલ્મના પ્રોડક્શન વિભાગે પબ્લિસિટી માટે આવું ડીંડવાણું ચલાવ્યું હોય તે શક્ય છે.

શાહરૂખ ખાને તેના સુપરસ્ટારડમના જોરે ખુદની રેડ ચિલીઝ એન્ટરટેન્ટમેન્ટ કંપની શરૂ કરી પછી તેણે ‘માયા મેમસબ’ની જૂની કોપીઓમાંથી બોલ્ડ દૃશ્યો કઢાવી નાખ્યાં હતાં. શાહરૂખ ખાનની ચમકતી કારકિર્દીમાં ‘માય મેમસાબ’ એક માત્ર એવી ફિલ્મ છે જે તેને યાદ રાખવી ગમતી નથી. જો કે ઇન્ટરનેટ આવ્યા પછી ફિલ્મનું એ દૃશ્ય સ્વતંત્ર ક્લિપ તરીકે ઓનલાઈન ફરતું થઇ ગયું છે.

એ દૃશ્ય અંગે કેતન મહેતાએ પેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “સેન્સર બોર્ડની પરીક્ષા સમિતિમાં કેટલીક મહિલાઓ હતી. તેમણે ટિપ્પણી કરી કે તે આ ફિલ્મ ભારતની નારીવાદી ફિલ્મોમાંની એક છે. તેમણે કોઈપણ કાપ મૂક્યા વિના તેને મંજૂરી આપી હતી. તેમણે મને આ ફિલ્મ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ પહેલી ફિલ્મ છે જે સ્ત્રીની ઈચ્છા અને સ્ત્રીની જાતિયતાને આ રીતે રજૂ કરે છે. કોઈને લાગે નહીં કે કોઈ પુરુષે આ બનાવી છે!”

એક અન્ય ઇન્ટરવ્યૂમાં, દીપા સાહી કહે છે, “વાસ્તવમાં, મને યાદ છે કે એક પાર્ટીમાં કોઈએ સેન્સર બોર્ડના વડા શક્તિ સામંતજીને કહ્યું હતું તેમણે પક્ષપાત કરીને કેતન મહેતાને બોલ્ડ સીન કરવા દીધું છે, ત્યારે તેમણે નમ્રતાથી જવાબ આપ્યો, ‘તમે કેતને રચેલી કવિતાનો એક ટુકડો તો બનાવી જુવો, હું વચન આપું છું કે કોઈ કાપ નહીં મૂકું!’ કેવી સરસ વાત કહેવાય!”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 27 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોઈ સંસદસભ્ય સંસદમાં આવું બોલે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 September 2023

રમેશ ઓઝા

સંસદનું હાસ્યાસ્પદ નીવડેલું ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું એ રહસ્ય છે. મહિલાઓને ૩૩ ટકા અનામત બેઠકો તો ૧૫ વરસ પછી મળવાની છે એટલે એ માટેનો ખરડો નવી લોકસભામાં પણ રજૂ થઈ શક્યો હોત. ઉતાવળ શું હતી? હા, તાત્કાલિક અમલમાં આવે એ રીતે અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી હોત તો વાત જુદી હતી અને રાહુલ ગાંધીએ તો કહ્યું પણ હતું કે આ જોગવાઈ તાત્કાલિક અમલમાં આવે એ રીતે લાગુ કરો અને ચૂંટણીકીય લાભ લઈ જાઓ. પણ એમ કરવામાં નથી આવ્યું. મહિલાઓને પંદર વરસ પછી બેંકમાં નાખી શકાય એવો ચેક આપવામાં આવ્યો છે. તો આ ખાસ અધિવેશન શા માટે બોલાવવામાં આવ્યું હતું? ક્યાંક એવું તો નથી કે અધિવેશનના છેલ્લા દિવસે બી.જે.પી.ના સંસદસભ્ય રમેશ બિધૂડી મુસલમાનોને બેફામ ગાળો દે અને એ રીતે દેશમાં નવા સ્તર પર હિંદુ-મુસ્લિમ વિભાજન કરવા મળે?

શક્ય છે. હવે તો રીઝર્વ બેન્કે પણ કબૂલ કર્યું છે કે દેશની આર્થિક સ્થિતિ ઠીક નથી. ગયા અઠવાડિયે બહાર પડેલા બેન્કના અહેવાલ મુજબ કૌટુંબિક બચતમાં છેલ્લાં પચાસ વરસમાં ક્યારે ય જોવા નહોતો મળ્યો એટલો ઘટાડો થયો છે. ૨૦૨૧માં કૌટુંબિક બચત જી.ડી.પી.ના ૧૧ ટકા હતી જે ૨૦૨૨માં સાત ટકા અને અત્યારે પાંચ ટકા થઈ ગઈ છે. બચત ક્યારે ઘટે? બચત બે કારણે ઘટે. કાં તો આવકમાં ઘટાડો થાય અથવા મોંઘવારી વધે. અને બચત ઘટે તો શું થાય? કૌટુંબિક દેવામાં વધારો થાય. મૃત્યુ, બીમારી, સામાજિક પ્રસંગો કે મકાન ખરીદવું હોય અને ગાંઠે પૈસા ન હોય તો કર્જ લેવું પડે. રીઝર્વ બેન્કે કબૂલ કર્યું છે કે દેશમાં કૌટુંબિક દેવું ૨૦૦૨માં જી.ડી.પી.ના ૩.૮ ટકા હતું જે હવે વધીને ૫.૮ ટકા થયું છે. બેરોજગારી પ્રચંડ માત્રામાં વધી રહી છે. સરકારો ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી કરતી નથી ત્યાં ખાનગી સેક્ટરની ક્યાં વાત કરીએ! આ સિવાય ચીન, મણિપુર, અદાણી સાથેની ભાઈબંધી વગેરે સતાવનારા પ્રશ્નો તો છે જ.

આ સ્થિતિમાં હિંદુ-મુસ્લિમ વિભાજન કરવું પડે એમ છે અને એમાં તેમની મહારત પણ છે. માટે રમેશ બીધૂડી જાણીબૂજીને બેફામ બોલ્યા હોવા જોઈએ, કારણ કે આવી ભાષામાં આજ સુધી કોઈ સંસદસભ્ય બોલ્યો નથી, પછી ગમે તેવી ઉત્તેજનાત્મક ઘટના વિષે ચર્ચા ચાલતી હોય. વળી સંસદમાં ચર્ચામાં ઉશ્કેરાઈ જવું પડે એવો કોઈ મુદ્દો પણ નહોતો. બહુજન સમાજ પક્ષના સભ્ય દાનીશ અલીને જે ભાષામાં ગાળો આપવામાં આવી હતી એ અહીં લખવાનો ઈરાદો હતો, પણ અત્યારે લખવાનું મન થતું નથી. લખતા પણ શરમ આવે છે. શરમ કરતાં પણ ખિન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. જેને એ ભાષા સાંભળવી હોય એ યુ ટ્યુબ પર સાંભળી શકે છે. કોઈ સંસદસભ્ય આવું બોલે? અને એ પણ સંસદમાં? અને હજુ વધુ આશ્ચર્યની વાત એ છે કે તેમની બાજુમાં બેઠેલા બી.જે.પી.ના સંસદસભ્ય ડૉ. હર્ષવર્ધન બિધૂડીને વારવાની જગ્યાએ મોઢું ફાડીને હસે છે. ગૃહમાં હાજર બી.જે.પી.ના કોઈ સિનિયર નેતા બિધૂડીને રોકવાનો પ્રયાસ કરતા નથી. સ્પીકર રોકવાનો પ્રયાસ કરે છે, કારણ કે સ્પીકરે તેમ કરવું જોઈએ. કમ સે કમ કેમેરા સામે પ્રયાસ કરતા નજરે પડવા જોઈએ. બિધૂડીએ ગાળો બોલીને જૂનાં સંસદભવનને વિદાય આપી હતી. આ દૃષ્ટિએ સંસદનું આ ખાસ અધિવેશન ઐતિહાસિક હતું.

આની સામે રાહુલ ગાંધી સાથે જે બન્યું એ સરખાવો. તેમણે ચૂંટણી વખતે પ્રચારસભામાં કહ્યું હતું કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને જે લોકો દેશ છોડીને નાસી ગયા એમાંના મોટાભાગના મોદી અટક ધરાવે છે. રાહુલ ગાંધીએ આમ બોલવું નહોતું જોઈતું. પણ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાં સોનિયા ગાંધી માટે “જર્સી ગાય”, “કાઁગ્રેસની વિધવા” વગેરે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો હતો તેની તુલનામાં તો આ કાંઈ જ ન કહેવાય.

પણ એ પછી શું બન્યું? એક મોદી અટકધારીનું દિલ દુભાયું અને સૂરતની અદાલતમાં તેમણે કેસ કર્યો. જજે રાહુલ ગાંધીના અદાણી વિશેના ઐતિહાસિક ભાષણ પછી જ્યારે જરૂર પડી ત્યારે ઉતાવળે સુનાવણી કરી અને ચુકાદો એ સમયે આપ્યો જ્યારે સંસદનું અધિવેશન ચાલતું હતું. કાયદાપોથીમાં બતાવેલી વધુમાં વધુ આપી શકાય એટલી અર્થાત્ પૂરી બે વરસની સજા કરી. જેલની સજા બે વરસની હતી એટલે સ્પીકરે બીજા જ દિવસે રાહુલ ગાંધીને સંસદસભ્યપદ માટે ગેરલાયક ઠરાવ્યા અને એના બીજા દિવસે રાહુલ ગાંધીને ફાળવવામાં આવેલું સરકારી મકાન ખાલી કરાવાયું. રાહુલ ગાંધીએ ગુજરાતની વડી અદાલતમાં અપીલ કરી તો જજસાહેબે કારણ આપ્યા વિના નીચલી અદાલતની સજાને બહાલી આપી. ગુજરાતની વડી અદાલતના એ જજને શિરપાવ મળી ગયો છે. તેમની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે બઢતી કરવામાં આવી છે.

સંસ્કાર, સભ્યતા, માનમર્યાદા, દેશને શોભે એવા જાહેરજીવન માટેની નિસ્બત એમ બધું જ રાહુલ ગાંધીની બાબતમાં જોવા મળ્યું હતું. પણ રમેશ બીધૂરી સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. માટે વહેમ જાય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 સપ્ટેમ્બર 2023

Loading

આજકે નય – આજનું નથી

ભદ્રા વિક્રમ સવાઈ|Opinion - Opinion|27 September 2023

૧૧મી સપ્ટેમ્બર વિનોબાજીનો જન્મદિન. ટાગોરના એક ગીતને વિનોબાએ પોતાના જન્મ સાથે સાંકળ્યું. આ અવસરે તેનો રસાસ્વાદ લઈએ.

કબે આમિ બાહિર

કબે આમિ બાહિર હલેમ તોમારિ ગાન ગેયે –

સે તો આજકે નય સે આજકે નય.

ભૂલે ગેછિ કબે થેકે આસછિ તોમાય ચેયે –

સે તો આજકે નય સે આજકે નય.

ઝરના જેન બાહિરે જાય, જાને ના સે કાહારે ચાય,

તેમનિ કરે ધેયે અલેમ જીવનધારા બેયે –

સે તો આજકે નય સે આજકે નય.

કતઈ નામે ડેકેછિ જે, કતઈ છવિ એંકેછિ જે

કોન આનન્દે ચલેછિ તારા ઠિકાના ના પેયે

સે તો આજકે નય સે આજકે નય.

પુષ્પ જેમન આલોર લાગિ ના જેને રાત કાટાય જાગિ

તેમનિ તોમાર આશાય આમાર હૃદય આછે છેયે

સે તો આજકે નય સે આજકે નય

સારાંશ

તારાં ગીત ગાતાં ગાતાં ક્યારનો નીકળ્યો છું હું,

આજની તે વાત નથી, આજની નથી.

ભૂલી ગયો છું ક્યારથી તને જોતો જોતો આવી રહ્યો છું.

આજની તે વાત નથી, આજની નથી.

જેમ ઝરણું વહેતું ચાલ્યું જાય છે, કોને ચાહે છે નથી જાણતું

એવી રીતે દોડતો ચાલ્યો આવું છું જીવનના સ્રોતને પ્રવાહિત

કરતો કરતો,

આજની તે વાત નથી, આજની નથી.

કેટલાં નામોથી પોકાર્યો છે. કેટલી રેખાઓથી તારું સ્વરૂપ સજાવ્યું છે

જાણ્યા વગર કોઈ આનંદમાં ફરતો રહ્યો છું

આજની તે વાત નથી, આજની નથી.

પુષ્પ જેમ પ્રકાશને માટે જાણ્યા વગર જાગીને રાત વિતાવે છે 

એ જ રીતે મારા હૃદયને ઢાંકી રાખ્યું છે તારી પ્રતીક્ષામાં.

આજની તે વાત નથી, આજની નથી.

•

વિનોબા

कुबे आमि बाहिर हलेम तोमारि गान गेये

से तो आँजके नय से आँजके नय।।

                                       (पूजा गीत – 33) 

તમારાં ગીતો ગાતો ક્યારથી નીકળ્યો છું હું

આજની વાત નથી આ વાત, આજની નથી.

•

આચાર્ય વિનોબાજી

‘મારી એક શોધ ચાલી રહી છે. લોકો જાણે છે અને મને’ (વિનોબા) ને પણ દેખાય છે કે ૧૨ વર્ષથી આ યાત્રા (ભૂદાનયાત્રા) ચાલી રહી છે છતાં વિચારતાં એવું સ્પષ્ટ જણાય છે કે ૧૨ વર્ષ પહેલાં તો ભૂદાનની પદયાત્રા શરૂ થઈ, પરંતુ જ્યારથી હું (વિનોબા) કૉલેજમાં હતો ત્યારે પણ આજના જેટલું જ આઠ-દસ માઈલ રોજ ચાલતો હતો. જો તેવી ટેવ પડી ન હોત તો ૧૨ વર્ષ પહેલાં પદયાત્રા શરૂ કરવાની હિંમત થાત નહીં. જેટલું વાંચતો, એનાથી વધારે ચાલતો હતો. આ રીતે આ શોધ લગભગ કૉલેજના દિવસોથી જ ચાલી રહી છે. પછી વિચારું છું કે ચાલવાનો અભ્યાસ તો થયો, પણ સંસારમાં ખૂંપી ગયો હોત તો કદાચ આ પદયાત્રા શરૂ થઈ ન હોત. નાનપણથી મનમાં એ સંકલ્પ ઊઠતો હતો કે કોઈક વખત એવો આવશે જ્યારે હું (વિનોબા) પરિવ્રાજક બનીશ. જરા વધારે વિચારીએ તો છેક નાની ઉંમરમાં આ પ્રકારનો સંકલ્પ કેવી રીતે ઊગ્યો? તો સમજાયું કે  आजके नय, आजके नय (આજનો નથી, આજનો નથી) બહુ જૂની શોધ છે.

નદી નીકળી પડી છે. એને ખબર નથી તે ક્યાં જશે. એવું પણ કહી શકીએ કે એ આવેગ છે. તે વહેતી રહે છે અને ધીમે ધીમે પોતાનું સ્થાન મેળવી લે છે. છેવટે ક્યાંક ને ક્યાંક સાગરમાં ભળી જાય છે. ખબર નથી પડતી કે તે સાગરની શોધમાં નીકળી પડી છે. એના નીકળવામાં એક પ્રેરણા હતી, જે એને પણ ખબર નહોતી.

સારાંશ, જેટલી પ્રેરણા હોય છે, બધી પરમાત્માથી પ્રેરિત હોય છે. તે (પ્રેરણા) ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી પરમાત્મામાં પહોંચી જતી નથી. એટલે અનાદિકાળથી આ શોધ ચાલી રહી છે. આ જન્મનું આપણને યાદ આવે છે તો કંઈક ખબર પડે છે, પણ જે ખબર પડે છે તે બરાબર નથી. મૂળ વાત એ છે કે તમે, હું અને બધા આપણે બધા જ અનાદિ કાળથી એક શોધ માટે નીકળેલા છીએ. કેટલાક લોકો જાણે છે કે કોઈ શોધ માટે નીકળ્યા છીએ. કેટલાક લોકો એ પણ જાણે છે કે કઈ શોધ માટે નીકળ્યા છીએ. કેટલાક લોકો જાણતા નથી. એટલે કે જાણે કે ન જાણે પણ એક વસ્તુની શોધ તો ચાલી જ રહી છે.

પરમાત્મા એક ચુંબક છે. તે બધાને ખેંચે છે. કોઈ ગમે તે રીતની પ્રેરણા લઈને નીકળે, છેવટે ખેંચાઈને એ જ પરમાત્માની પાસે પહોંચી જશે. મારો (વિનોબા) એ ખેંચાણ પર જ વધારે વિશ્વાસ છે. દુનિયામાં પરમાત્માની શક્તિ કામ કરી રહી છે, જે બધાને પોતાની પાસે ખેંચે છે. એનાથી કોઈ છુટકારો નથી. એવી શ્રદ્ધા સાથે હું ફરી રહ્યો છું. એટલે રસ્તામાં જે કોઈ મળે છે, હું એનો હાથ પકડી લઉં છું. સમજું છું કે આ અમારો અનાદિકાળનો સાથી છે. ભલે, મારો પરિચય એની સાથે હમણાં જ થયો હોય, પણ છે તે અમારો જૂનો મિત્ર.

आज के नय, आजके नय।

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 04 તેમ જ 23

Loading

...102030...972973974975...9809901,000...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved