Opinion Magazine
Number of visits: 9666871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—216

દીપક મહેતા|Opinion - Opinion|30 September 2023

સર મંગળદાસ નથુભાઈના દીકરાનાં લગ્ન અને પ્રિન્સ ઓફ વેલ્સ   

સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.

પાત્રો : રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ. 

દી.મ. : વાછા શેઠ, આપને ફરી મળીને આનંદ થયો.

વાછા શેઠ : અમુને બી ઘન્ની ખુશી ઊપજી!

દી.મ. : આજે જેમનાં નામ પણ ભુલાઈ ગયાં છે એવાં કેટલાં બધાં કુટુંબોની વાતો આપે ‘મુંબઈનો બાહાર’ પુસ્તકમાં નોંધી છે. તેમાંની થોડી વાતો કહો ને!

વાછા શેઠ : જુઓ બાવા! તમને તો માલમ છે કે તવારીખની નોંધ રાખવામાં આપના દેશના લોકોએ ઝાઝું ધીયાન આપ્યું નથી. પણ જે બી બાબતો નોંધાઈ છે તે ઉપરથી એમ કહી સકાય કે મુંબઈ આવીને વસેલા પહેલવહેલા હિંદુ ગુજરાતી હતા શેઠ રૂપજી ધનજી. કાઠિયાવાડના કિનારે આવેલા દીવ બંદરે તેઓ નાનોમોટો વેપાર કરતા હુતા. દીવમાં એ વખતે પોર્તુગીઝોનું રાજ, અને મુંબઈમાં અંગ્રેજોનું રાજ હજી નવુંસવું હતું એટલે દીવ કરતાં મુંબઈમાં વેપાર-વણજ માટેની તક વધારે. એટલે વિક્રમ સંવત ૧૭૪૮માં, એટલે કે ઈ.સ. ૧૬૯૧માં, પોતાના કબીલા સાથે તેઓ મુંબઈ આવી વસ્યા.

દી.મ. : એ જમાનામાં આટલી લાંબી મુસાફરી કેવી રીતે કરી હશે? 

વાછા શેઠ : શઢવાલા દેશી વહાણમાં.

દી.મ. : ઓહો! તો તો ઘણો લાંબો વખત લાગ્યો હશે!

વાછા શેઠ : એક વાત સમજવા જેવી છે, મહેતા! એ વખતે આસપાસના મુલક સાથે આય મુંબઈ શહેર જમીન રસ્તે જોડાયેલું હુતું જ નહિ. એટલે બહારથી જે બી લોક આવિયા તે દરિયા રસ્તે જ આવિયા. એટલે સુરત, ભરૂચ, ઘોઘા, દીવ જેવાં બંદરો પરથી પહેલા ગુજરાતી અહીં આવિયા. અને જમીન રસ્તા જ નહોતા તો પછી વાહનની સગવડ તો ક્યાંથી જ હોય?

દી.મ. : અચ્છા! હવે સમજાયું કે કવિ નર્મદ બાળપણમાં માતા સાથે સુરતથી મુંબઈ આગબોટમાં કેમ આવતા. ‘મારી હકીકત’ નામે લખેલી આત્મકથા(૧૮૬૬)માં નર્મદ લખે છે : “સુરતથી મુંબઈ જતાં આગબોટમાંથી કુલાબો દેખાતાં મારા અંગમાં જોર આવતું ને પછી બંદર પરથી ઘેર જતાં ચાંદની રાતે કોટમાંનાં મોટાં મકાનો જોઈ મને નવાઈ લાગતી તે, અને મુંબઈથી આગબોટમાં સુરત આવતાં વલસાડ આગળથી જે હવા બદલાતી લાગતી તે, હજી મને સાંભરે છે.”

વાછા શેઠ : મહેતા, તમોને તો માલુમ હોસે જ પણ કવેસર દલપતરામભાઈ ૧૮૫૦ના માર્ચમાં એલેક્ઝાન્ડર ફોર્બ્સ સાથે પહેલી વાર અમદાવાદથી મુંબઈ આવ્યા ત્યારે એ બધાં પહેલાં અમદાવાદથી ખંભાત બળદ ગાડામાં ગયેલા અને ત્યાંથી ફોર્બ્સે અલાયદું સુવાંગ શઢવાળું વહાણ ભાડે રાખેલું. અને એવનને ખંભાતથી મુંબઈ પહોંચતાં પાંચ-છ દિવસ લાગીયા હુતા.

દી.મ. : અને કવિ નર્મદ પહેલી વાર આગગાડી કહેતાં ટ્રેનમાં બેઠા તે પછી તેમણે એ મુસાફરી વિષે કવિતા લખેલી. તેની થોડી લીટી સંભળાવું?

વાછા શેઠ : ઈર્શાદ, ઈર્શાદ.

દી.મ. : (નર્મકવિતા’માંથી વાંચે છે)

ગાડીમાંથી રચના જોતાં હરખ્યું મન મુજ.

ડુંગર મોટા પડેલ લાંબા, અજગર જેવા દેખાયા તે,

રંગરંગના, કેટલાકના કળોઠી જેવા રંગ ચળકતા 

કેટલાક તો કાળા બલ્લક, કેટલાક તો ભૂરા–રાતા 

જેની માંહે વચ્ચે વચ્ચે લાલ માટીના ઢળતા લીટા,

શોભે સારા, કો લીલા પર કાળી વાદળી ઝૂમી રહેલી 

આગળ જાતાં ખેતર, તેમાં ઝાડો વચ્ચે કંઈ કંઈ અંતર 

જે માંહેથી આરપાર ખૂબ નિરખતાં 

તો ચકચકતો બહુ દરિયો દીસે.

ગાડી જ્યારે જાય ટનલમાં ચિંઈઈ કરીને 

તારે સહુ જન થાય અજબ બહુ 

એવી વેળા થોડી વારના અંધારામાં 

નિજ પ્રિયજનને છાતીસરસું ખૂબ ચાંપવું,

એ સુખડું તો સ્વર્ગનું સાચે. 

દી.મ. : વાછા શેઠ, હવે રૂપજી ધનજી શેઠ વિષે થોડી વાત કરો ને!

સર મંગળદાસ નથુભાઈ

વાછા શેઠ : શરૂઆતમાં બહારથી જે લોકો મુંબઈ આવી વસ્યા તે મોટે ભાગે સરકારને, અને ખાસ કરીને તેના લશ્કરને જોઈતો માલ-સામાન પૂરો પાડવાનું કામ કરતા. રૂપજી શેઠે બી એ જ કામ કર્યું હુતું. તેવણને ત્રણ બેટા હતા. પણ તેમાંના બે વિષે કંઈ બી જાણવા મલતું નથી. વડા બેટા મનોરદાસ રૂપજીએ પહેલાં તો બાપીકો ધંધો જ ચાલુ રાખીયો. તેમાં બે પાનરે થિયા પછી સરાફીનો ધંધો શુરુ કરી ઘન્નું કમાયા અને નગર શેઠ જેવું માન મેળવવા લાગીયા. પછીના વારસોએ બી કુટુંબનું નામ રાખ્યું. પણ તેને સૌથી વધારે ઉજાળ્યું તે તો શેઠ મંગળદાસ નથુભાઈએ.

દી.મ. : ઓહો! હિંદુ ગુજરાતીઓમાં ‘સર’નો ઈલ્કાબ પહેલવહેલો મેળવનાર સર મંગળદાસ નથુભાઈની વાત કરો છો આપ?

વાછા શેઠ : બીજા કોઈ મંગળદાસની મુને તો ખબર નથી. ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૫મી તારીખે મુંબઈમાં જ એવનનો જનમ થિયો. ગુજરાતી ધૂડી નિશાળમાં શીખ્યા પછી થોડો વખત અંગ્રેજી સ્કૂલમાં ભણ્યા. પણ કુટુંબની મિલકતના ટ્રસ્ટી બનેલા વકીલોની દાનત ખોરી છે એમ જણાતાં ભણવાનું છોડી અદાલતના દરવાજા ખખડાવ્યા અને ઉંમરલાયેક થતાં બધી મિલકત પોતાને સ્વાધીન કીધી. પછી ફરી અંગ્રેજી શીખવાનું શુરુ કીધું, ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર વિનાયકરાવ વાસુદેવની પાસે. 

દી.મ. : આ મંગળદાસ શેઠ તો એ વખતે ચાલતી સમાજ સુધારાની ચળવળના પણ મોટા ટેકેદાર હતા, ખરું?

વાછા શેઠ : બિલકુલ ખરું. છોકરીઓને શીખવવા માટે એવને પાયધોણી નજીક કન્યાશાળા શુરુ કીધી અને તેના નિભાવ માટે દર વરસે ૧૫૦૦ રૂપિયા આપવાની બાહેધરી આપી, ને ઉપરાંત વીસ હજાર રૂપિયાની ગવર્નમેન્ટ પ્રોમીસરી નોટ બી લખી આપી હુતી. આપરે જે વારની વાત કરીએ ચ તે વારે રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના સભ્ય થવું એ બહુ મોટું માન મનાતું. ૧૮૦૪માં આય સોસાયટી શુરુ થઈ તે પછી ઘન્નાં વરસ તો કોઈ બી ‘દેશી’ તેનો સભ્ય થઈ જ સકતો નહિ હૂતો. મંગળદાસ શેઠ ૧૮૬૩માં આય સોસાયટીના મેમ્બર બનિયા હુતા. એ જ વરસે એવને યુનિવર્સિટી ઓફ બોમ્બેને ૨૦ હજાર રૂપિયાની સખાવત કરી, જેના વ્યાજમાંથી હિંદુ ગ્રેજ્યુએટોને બ્રિટન જઈ ભણવા માટે તેમના નામની ટ્રાવેલિંગ ફેલોશિપ આપવાનું ઠેડવ્યું હુતું.

દી.મ. : આ શેઠ સાહેબ આટલી સખાવત છુટ્ટે હાથે કરતાં તે એમનો કારોબાર શો હતો?

વાછા શેઠ : તમે મંગળદાસ માર્કેટનું નામ તો સાંભળ્યું જ હોસે.

દી.મ. : અરે, જોઈ પણ છે.

વાછા શેઠ : બસ તો, શેઠનો વેપાર હૂતો કાપડનો. ૧૮૬૦થી ૧૮૭૪ સુધી એવન બોમ્બે યુનાઈટેડ મિલના એજન્ટ હુતા. તેમની યાદગીરીમાં જ આય માર્કેટનું નામ. 

દી.મ. : અને તેમણે છેક કલ્યાણમાં હોસ્પિટલ બંધાવેલી એ વાત સાચી?

સર મંગળદાસ નથુભાઈએ વાલકેશ્વરમાં બંધાવેલાં મંદિર અને ધરમશાળા

વાછા શેઠ : હા. મંગળદાસ શેઠનાં ઘરવાળાં રુકમણી ગુજરી ગિયાં તે પછી ૫૦ હજાર રૂપિયાના ખર્ચે શેઠે કલ્યાણમાં હોસ્પિટલ શુરુ કીધી, જે આજે બી ચાલુ છે. મુંબઈ સરકારે પોતાની ‘લેજિસલેટિવ કાઉન્સિલ’ના એકુ મેમ્બર તરીકે ૧૮૬૬માં એવનની નિમણૂક કીધી હુતી. અગાઉ ‘ધી બોમ્બે એસોસિયેશન’ શુરુ થઈ હુતી તે વખત જતાં નબળી હાલતની થઈ ત્યારે ૧૮૬૭માં મંગળદાસ શેઠે તેને ફરી બેઠી કીધી અને તેના સરનશીન બન્યા. તેમની સેવાઓને ધ્યાને લઈને ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ ૧૮૭૨માં એવનને ‘ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા’ના ખિતાબથી નવાજ્યા હુતા. અને પછી ૧૮૭૫માં નાઈટનો માનવંતો ઈલ્કાબ આપતાં તેઓ સર નથુભાઈ મંગળદાસ બનિયા હુતા. એ જ વરસે એવને ૨૫ હજાર રૂપિયાને ખર્ચે વાલકેશ્વરમાં મંદિર અને ધરમશાળા બંધાવ્યાં હુતાં. દેશમાં તાજનું રાજ શુરુ થિયું તે વારે કાયદા ઘડવા માટે ‘કાઉન્સિલ’ સરકારે શુરુ કીધી તે વારે તેના પહેલા ‘દેશી’ મેમ્બર જગન્નાથ શંકરશેઠ બનિયા હુતા. પણ એવન ગુજરી ગયા પછી એ માન શેઠ મંગળદાસ નથુભાઈને મળિયું હુતું એટલું જ નહિ, ચાર-ચાર વખત તેઓ આય કાઉન્સિલના મેમ્બર બનિયા હુતા.

દી.મ. : વાછા શેઠ, એક વાત પૂછું?

વાછા શેઠ : પૂછો, પૂછો. માલુમ હોસે તો જનાવિસું.

સર મંગળદાસ નથુભાઈએ પ્રિન્સ ઓફ વેલ્સને ભેટ આપેલાં ચિત્રોમાનું એક ચિત્ર

દી.મ. : સાંભળ્યું છે કે ૧૮૭૫માં પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવેલા ત્યારે નથુભાઈને ઘરે ગયેલા.

વાછા શેઠ : એક સો ને એક ટકા સાચી વાત. એ દિવસ હૂતો ૧૮૭૫ના નવેમ્બરની ૨૫મી તારીખ. પ્રિન્સ ઓફ વેલ્સના મુંબઈ મુકામનો છેલ્લો દિવસ. એ જ દહાડે સર મંગળદાસ નથુભાઈના દીકરાનાં લગન હુતાં અને સરસાહેબે પ્રિન્સને લગ્નમાં હાજર રહેવા નોતરું મોકલ્યું. અને પ્રિન્સ ઓફ વેલ્સ એ લગ્નમાં હાજર રહ્યા. એ વખતે સરસાહેબે પ્રિન્સને ચિત્રોના ત્રણ આલ્બમ ભેટ આપેલાં. આય પ્રિન્સ ઓફ વેલ્સ પછીથી સાતમા કિંગ એડવર્ડ બન્યા. એટલે આય આલ્બમો આજે બી લંડનના રોયલ કલેક્શન્સ ટ્રસ્ટમાં સચવાયાં છે.

દી.મ. : પોતાના ભૂતકાળની યાદગીરી સાચવી રાખવા બીજા દેશના લોકો કેટલી મહેનત કરે છે! અને આપણે ત્યાં તો મંગળદાસ શેઠનો એકાદ ફોટો મેળવતાં પણ નાકે દમ આવી જાય છે!

વાછા શેઠ : જુઓ મહેતા. તમે નર્મદાશંકરની કવિતા વાંચી. તેઓ બહુ મોટા કવિ હુતા એની ના નહિ. પણ અમારા પારસીઓમાં તો દલપતરામભાઈ વધારે પોપ્યુલર. તમને તો માલુમ છે જ કે ૧૮૫૭માં આખા હિન્દુસ્તાનમાં સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક ગુજરાતી ભાષામાં અને મુંબઈથી પારસીઓએ શુરુ કીધેલું. એનું નામ હુતું ‘સ્ત્રીબોધ.’ તેના પહેલા જ અંકથી દર મહીને દલપતરામભાઈ ખાસ નવી નવી કવિતા લખીને મોકલતા અને વાચનારીઓ તે હોંસે હોંસે વાંચતી. દલપતરામભાઈએ સર મંગળદાસ માટે બી દોહરા લખિયા હુતા. તેમાંથી થોડા સંભળાવું?

 દી.મ. : ઓહોહો! જરૂર સંભળાવો વાછા શેઠ!

વાછા શેઠ : અમદાવાદથી નીકળતા ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાના ૧૮૬૨ના એપ્રિલ અંકમાં છપાયેલા દોહરામાંથી થોરાક :

મંગળ કરવા મનુષ્યનું, ઈચ્છે મંગળદાસ,

તેનું મહામંગળ થવા, ઈશ્વર પૂરે આશ.

જશ તારો આ જગતમાં, પૂરણ થયો પ્રકાશ,

કામ અધિક જે તેં કર્યું, મંગળ મંગળદાસ.

તારા સારા કામમાં, કશી નહિ રહી કચાશ,

જગકર્તા તારું કરે, મંગળ મંગળદાસ.

ભગવાને સોંપ્યા ભલે, પૈસા તારી પાસ,

તેથી મોટું તે કર્યું, મંગળ મંગળદાસ.

તે જનનીને ધન્ય છે, ઉદર ધર્યો નવ માસ,

માત–પિતાનું તેં કર્યું, મંગળ મંગળદાસ.

તુજથી સૌ સારું થશે, વિશેષ છે વિશ્વાસ,

તું સૌનું કરનાર છે, મંગળ મંગળદાસ.

દિલ સાચે દલપત કહે, વસો અચલ સુખવાસ,

ત્રિલોકમાં તારું થજો, મંગળ મંગળદાસ. 

દી.મ. : વાછા શેઠ : આપનું પુસ્તક ‘મુંબઈનો બાહાર’ ૧૮૭૪માં છપાયું ત્યારે તો મંગળદાસ શેઠ હયાત હતા. પણ તે પછી ૧૮૯૦ના માર્ચ મહિનાની નવમી તારીખે તેઓ સ્વર્ગવાસી થયા. 

વાછા શેઠ : અમુને તો ખાતરી છે કે ખોદાયજીને ત્યાં ગયા વેરે બી મંગળદાસ શેઠે બીજાનાં ભલા માટેનાં કામ કીધાં હોસે.

દી.મ. : વાછા શેઠ. આજે તો વાતોમાં ટાઈમ ક્યાં પૂરો થઈ ગયો તેની ખબર પણ ન પડી. હવે આવતા શનિવારે થોડી વધુ વાતો કરવા ફરી મળીશું. 

વાછા શેઠ : ખોદાયજી તમોને સલામત રાખે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 સપ્ટેમ્બર 2023)

Loading

પરોણાગત

વજેસિંહ પારગી|Opinion - Opinion|30 September 2023

(વજેસિંહે લખેલું સંસ્મરણ)

વજેસિંહ પારગી

વાત છે ફાટેલી ચડ્ડીના ખિસ્સામાં મકાઈનો ચોથિયો રોટલો ઘાલીને ઉધાડા પગે ઘરથી (ઈટાવા, તાલુકો – દહોદ) નિશાળ ને નિશાળથી ઘર ચાર દૂની આઠ કિ.મી.ની પદયાત્રા કરવાના દિવસોની. અમારે મન ઢોરાં ચારવા જવું ને નિશાળે જવું બંને સરખું. અમારાં માબાપ ને માસ્તરોની પણ એક જ મંછા – છોરાને લખતાં-વાંચતાં આવડે એટલે પત્યું. આપણે ક્યાં ભણીને રાજ લેવાનું છે! આવી વૃત્તિ ને માહોલમાં અમારે નિશાળે જવાનું. ત્યારે હું છઠ્ઠામાં. ગામમાંથી નિશાળે જનારી અમારી પાંચની ટણકટોળી. આઠથી બારની વય. આજુબાજુનાં ગોમોને પાંચ-સાત કિ.મી.ના અંતરે પડે એવી એકથી સાત ધોરણની એકમાત્ર પ્રાથમિક શાળા કઠલા ગામે. કઠલા મારું મોસાળ. ઘણા મને ઓળખે, ઘણાને હું મામા કહું. બાર-પંદર ગામના છોકરા આ શાળમાં ભણે! એ કાળે થોડાં ઝાડી-જંગલ. શિયાળાના ટૂંકા દિવસોમાં સાંજે નિશાળેથી પાછા ફરતાં અંધારું ઊતરી પડે ને સાપ શિયાળવાંની બીક પણ લાગે!

ચોમાસામાં છત્રી વગર હેરાન થઈએ. વરસતી ઝડીમાં પલળતાં-પલળતાં ઘરે આવવું પડે. ચોમાસું પણ કેવું! ભાદરવાના દિવસોમાં હેલી થાય ત્યારે ત્રણ-ચાર દિવસ ઘરમાં ગોંધાઈ રહેવું પડે, એવો વરસાદ એ જમાનાનો. આવા ભાદરવા મહિનામાં એક દિવસે નિશાળમાં હતા ને ઘનઘોર મેઘાંડબર છવાયો. ગાજવીજ ને કડાકાભડાકા સાથે બારે મેઘ ખાંગા થયા. નજર પૂગે ત્યાં લગી પાણી જ પાણી. અમારો ડુંગરાળ વિસ્તાર પણ જળબંબોળ લાગે! માસ્તરોએ નિશાળ છોડી મૂકી. દફતરો નિશાળમાં છોડીને અમે ઘર તરફ દોટ મૂકી! અમારા દફતરમાં હોઈ હોઈ ને હોય પણ શું? ફાટેલી થેલીમાં ફૂટેલી સ્લેટ, સ્લેટપેન-પેન્સિલના ટુકડા ને ફાટેલી એકબે ચોપડી ને નોટ. નિશાળ ને આમારા ગામ વચ્ચે કાળી નદી. નદી બે વડે અકાંછકાં (બે કિનારે છલકાય), ભલભલા તરવૈયાના હાંજા ગગડી જાય એવો નદીનો ઘુધવાટ. કાંઠે ઊભા ઊભા વિમાસીએ. શું કરવું, ક્યાં જવું? ઉઘાડા માથે મુશળધાર વરસાદ ને ઉપરથી પવનના સુસવાટા. હિક્કળ લાગવાથી માતા આવી હોય એમ ધ્રૂજીએ. હિક્કળથી દાંતની કટકટી વાગે, ધરે કોઈ લેવા આવશેની થોડી વાર રાહ જોઈ. પણ એ આશા ય પૂરમાં તરણું તણાય એમ તણાઈ ગઈ! કોઈ આરોઓવારો ન દેખાયો. પાછા વળ્યા. શેરીના પાસે પડતા એક ઘરમાં માથું મારીને ઘૂસી ગયા. ઘરધણીએ હેતથી આવકારો આપ્યો. અંગેટી (તાપણું) કરીને બેસાડ્યા. લથબથ ખમીસો નિચોવીને વાંસની વળગણીએ નાખ્યા. થેલા ઓઢવા આપ્યા. થોડાં હૂંફ ને ગરમાવો મળ્યાં. માંડ-માંડ જીવમાં જીવ આવ્યો. અમને મીઠો આવકારો આપનારા ઘરધણીનું નામ, જોખો ડામોર. ભાદરવો એટલે અમારા લોકો માટે ભૂખમરાનો મહિનો. દાણોપાણી ખૂટી ગયાં હોય, ખેતરોમાં ધાન પાક્યું હોય પણ હજુ લીલું હોય, એટલે છતે ધાને ભૂખે મરવાનું કરમમાં લખાયેલું. તે વખતના લોકો ભૂખથી ચીમળાય પણ આજની પેઢીની જેમ ઘર-ગામ છોડીને મજૂરી કરવા ગુજરાતમાં ન આવે. (હા, અમે ગુજરાતમાં જ આવીએ, પણ અમારે મન ગુજરાત એટલે ખેડા, વડોદરા ને અમદાવાદ જિલ્લો) ભાદરવામાં કોઈક જ ઘરમાં સવારસાંજ ચૂલા સળગે. પાછલું વરસ કાળદુકાળનું હોય તો, કેટલાં ય ઘરોમાં મહુડાં શેકીને કે બાફીને ખાઈ લેવાનું ને કપરા દિવસો કાપવાના એવી દારુણ ગરીબીનો અભિશાપ લઈને જન્મેલી અમારી કોમ.

આવા ભૂખમરાના દિવસોમાં વેરી વરસાદે અમને એક અજાણ્યાના ઘરે પામળા (અતિથિ) બનાવી દીધા. ઘરધણીનું આઠ જણનું વસ્તારી કુટુંબ. અમારાં પેટમાં બિલાડાં બોલે, મોઢાં નિમાણાં થઈ ગયાં. અભણ પણ વખો વેઠેલો જોખો અમારા દીદાર જોઇ બધું કળી ગયો. ‘છોરા ભૂખ્યા છે!’ ઘરવાળી સાથે ખૂણામાં જઈને ગુપસુપ કરી. જોખો માથે થેલાની ઘૂમટી ઓઢી ધોધમાર વરસાદમાં ઘરની બહાર નીકળી ગયો. કલાકેકમાં પાછો આવ્યો. સંતાડેલી કપડાની પોટલી ઘરવાળીને આપી. ઘરવાળીએ ચૂલો સળગાવ્યો. કોઈકને ત્યાંથી ઉછીઉધારો લાવેલા લોટના પાંચ રોટલા થયા. મરચાની મીઠું નાખી ચટણી વાટી. રાતી જુવારનો એકએક રોટલો અમને પાંચેયને ભાવથી ધર્યો. ‘ખાઓ બેટા! આખા દાડાના ભૂખ્યા ઓહે (હશો). ડુંગર બળે તો તો હૌ કોઈ દેખે, પેટ બળે તો કોણ દેખે!’ અમને તો પકવાન પીરસાયા જેટલો રાજીપો થયો. બે-ત્રણ કોળિયા ઊતર્યા હશે ને જોખાના સૌથી નાના અમારી હામીદામી(સમવયસ્ક)ના છોકરાના મોંમાંથી રૂંગું નીકળ્યું. એની માએ મોઢે હાથ દાબ્યો છાં દબાયેલો અવાજ મારા કાનમાં શીશાની જેમ ઊતરી ગયો. ‘આઈ, મને પણ રોટો આલને હું ય હવારનો ભૂખ્યો છું.’ અમે બે મોટા છોકરા મામલો સમજી ગયા. અડધો-અડધો રોટલો ભાગીને એ છોકરાને આપવા લાગ્યા ત્યારે જોખો કહે, ‘ખાઓ બેટા, એ તો દુત્તુ (જુઠ્ઠું) બોલે છે. હમણાં જ એણે ખાધું છે.’ પાછળથી ખબર પડી કે આખું ઘર સવારથી જ ભૂખ્યું હતું! આજે સાત પેઢી ખાતાં ન ખૂટે એટલું ધાન હોવા છતાં કોઈ ભિખારીને એક રોટલી નથી આપતું; ત્યારે એક ગરીબ આદિવાસી પોતાની ને પોતાના વસ્તારના પેટની આગ ઠારવાને બદલે ડુંગર ઠારવા (અમારી ભૂખ ભાંગવા) મુશળધાર વરસાદમાં નીકળી પડે એ ઘટના કલ્પનાતીત જ લાગે! પણ આ ઘટના આજે ત્રીસ વરસે ય મારી આંખના ખૂણા ભીંજવી જાય છે.

(નિર્ધાર, પેજ નં. ૪, ઑક્ટોબર ૨૦૦૯)
‘નિર્ધાર’ નામનું એક સામયિક પ્રકાશિત થતું. એના એકવીસેક અંક પ્રકાશિત થયા હશે. વજેસિંહ પારગીએ લખેલું આ સંસ્મરણ ‘નિર્ધાર’માંથી મળ્યું)
સૌજન્ય : ઉમેશભાઈ સોલંકીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રીઅર વ્યૂ મિરર

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|30 September 2023

પ્રીતમ લખલાણી

વહેલી સવારે ઍલાર્મ કલોક ટહુકો કરીને જગાડે તે પહેલાં જ સુમનની આંખ ખૂલી ગઈ. સુવર્ણાના રતુમડા હોઠો પર એક મીઠું મઘમઘતું ચુંબન ચોડી, વેલન્ટાઈન ડેની સરપ્રાઈઝ આપવાની સુમનને ઈચ્છા થઈ. આ વિચાર સાથે તેણે પડખું ફેરવ્યું.

… તો સુવર્ણા બેડમાં ન હતી. સુમને મનોમન માની લીઘું કે સુવર્ણા આજના શુભ દિને કંઈક સરપ્રાઈઝ આપવાની ઈચ્છાએ મારા કરતાં વહેલી ઊઠી, રસોડામાં મારા માટે નાસ્તો તૈયાર કરવા માટે કદાચ ગઈ હોય એમ લાગે છે.

સુમને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બેડમાંથી ઊભા થઈ રોજિંદા કાર્યક્રમ ફટાફટ પતાવી દીઘો. લગભગ બે અઠવાડિયાથી શિકાગો કામ અર્થે ગયો હતો. એટલે પૂજા-પાઠ પણ થયાં ન હતાં.

તેને આજ વહેલી સવારે શ્રીનાથજી પણ યાદ આવ્યા. રસોડામાં જતાં પહેલાં, બે પાંચ મિનિટ માટે તે પૂજાખંડમાં ગયો. દીવો અગરબતી કરી મનોમન ‘શ્રીકૃષ્ણ શરણ મમ્‌’નો જાપ કરતો; હાથમાં ટાઈ લઈ રોજની માફક નીચે રસોડામાં આવ્યો.

…. સુવર્ણા રસોડામાં કયાં ય નજરે ન ચડી. તેણે આસપાસ નજર ફેરવી, પણ સુવર્ણાનાં કયાં ય દર્શન ન થતાં તેણે રસોડા અને ગૅરેજ વચ્ચેનું બારણું ખોલીને બહાર ડોકિયું કરી જોયું, તો તેને સુવર્ણાની કાર પણ ગૅરેજમાં નજરે ન જોવા મળી. સુવર્ણા આટલી વહેલી સવારમાં કયાં ગઈ હશે?

શું ઘરમાં દૂઘ ખલાસ થઈ ગયું હશે? એટલે નાકા પરના સેવન ઈલેવનમાં દૂઘ લેવા તો નહીં ગઈ હોય ને! આ વિચાર સાથે તેને ફ્રીજ ખોલીને જોવાની ઈચ્છા થઈ. મનમાં બીજા અશુભ વિચારોનાં વર્તુળો ઘેરાઈ વળે તે પહેલાં તેણે એકાદ બે ડગલાં ફ્રીજ તરફ માંડ્યાં ન માંડ્યા ત્યા તો તેની નજર ડાઈનિંગ ટેબલ પર પડેલા એક નાનકડા એન્વેલપ પર પડી.

એન્વેલપ હાથમાં લઈ, ખોલી, તેમાંથી કાગળ કાઢી વાંચવા માંડ્યું,

“સુમન!

“પ્રિય”ના સંબોઘન વગરના આ પ્રથમ પત્રને જોઈને તું આઘાત ન અનુભવીશ! શું લગ્નના સાત ફેરા જ જિંદગી હોય છે? અને જો એ હોય તો હવે મને આ થૂંકે લગાડેલા લગ્ન મંજૂર નથી!

કદાચ તું મનમાં એમ વિચારતો હોય કે લગ્ન જીવને મને શું નથી આપ્યું? છ બેડરૂમનું સાડા સાત હજાર સ્ક્વેર ફીટનું ઉજળા વર્ગ વચ્ચે એક વિશાળ ઘર, છેલ્લામાં છેલ્લી મૉડેલની સુંદર મજાની લેકસસ કાર. છૂટથી ગમે ત્યાં કોઈ ચિંતા કર્યા વગર ખર્ચ કરી શકું તેવા અમેરિકન એકસપ્રેસના બે ક્રેડિટ કાર્ડઝ. મારી એકલતાને સદા હરીભરી રાખી શકું એવો ગોદમાં રમતો, હસતો સાડા ત્રણ વર્ષનો મયંક!

કદાચ ઘર, કાર અને ક્રેડિટ કાર્ડઝ તારી દૃષ્ટિએ સુખચેન હશે, પરંતુ મને આમાંથી કંઈ પણ ન મળ્યું હોત તો પણ હું આજે છું એના કરતાં વઘારે સુખી હોત. કદચ તને ખબર ન હોય તો કહી દઉં. ઘર, કાર, અને બીજી બઘી સગવડ કરતાં સ્ત્રીને જિંદગીમાં વઘારે જરૂર હોય છે પ્રેમની. જે તું મને પાંચ વર્ષના લગ્નજીવનમાં બે-ચાર ક્ષણ પણ આજ લગી આપી શક્યો નથી, અને મને ગળા લગી ખાતરી છે કે આવનારા સમયમાં પણ તું મને કયારે ય આપી નહી શકે, કારણ કે તારી પાસે મારા અને મયંક માટે સમય જ કયાં છે? 

હા, તારી પાસે જે કંઈ સમય છે, તે ફકત તારા ધંધા માટે. ઑફિસ કામ બાદ તારી પાસે થોડો ઘણો સમય બચતો હશે તેને તું વાપરે છે તારી બિઝનેસ પાર્ટી અને ગોલ્ફ માટે! 

તારા આ સમયના ચોકઠામાં તું મને અને મયંકને કયાં ય ગોઠવી શકે છે, ખરો? કદાચ તું મનથી સમજતો હોઈશ કે પૈસો જ મારા માટે જિંદગી છે તો એ તારી મોટી ભૂલ છે!  

હું આજ એ જિંદગીને ઠોકર મારી તારાથી દૂર જઈ રહી છું. મારે તને જે બે શબ્દ જતાં પહેલાં મોઢામોઢ કહેવાના હતા, તે મેં તને આ પત્રમાં લખી નાખ્યા છે! સાંજે ઑફિસેથી ઘરે પાછા ફરતા મયંકને ડે કેર સેન્ટરમાંથી પિક અપ કરવાની બિલકુલ ચિંતા ન કરીશ! છેલ્લા બે અઠવાડિયાથી તું શિકાગો બિઝનેસ ટ્રિપમાં ગયો હતો, તે દિવસથી મયંકને મારો બૉયફ્રેન્ડ માર્ક દરરોજ સાંજે પિક અપ કરી લે છે. મયંકને તેની સાથે રમવું બહુ જ ગમે છે. તું નહીં માને, માર્કની રાહ જોતો મયંક ડે કેર સેન્ટરના દરવાજે બપોરનો આવીને ઊભો હોય છે.

સુમન, હવે વિશેષ ખાસ તને કહેવાનું રહેતું નથી. પત્ર અહીં પૂર્ણ કરું તે પહેલાં તને એક વાત કહી દઉં, આવનારા એકાદ બે અઠવાડિયામાં મારા વકીલ તરફથી તને ડિવોર્સ પેપર્સ મેઈલમાં મળશે. મને આશા છે કે તું તેના પર સહી કરીને જલદીથી મારા વકીલને મોકલી આપીશ, please,મોકલી આપીશ ને?

હું કયારે ય તારા જીવનમાં આવી ન હતી, એમ સમજીને તું સદા માટે ભૂલી જ્જે! નવું ઘર વસાવવા, નવી દુનિયામાં કદમ માંડવા થન ગનતી. 

સુવર્ણા.”

સુમને કાગળ વાંચી કોટના ઉપલા ખિસ્સામાં મૂકી, હાથમાં ઝુલતી ટાઈને ગળે બાંઘવાની કોશિશ કરી. પરંતુ ટાઈની નૉટ કોઈ હિસાબે બંઘ બેસતી આવતી ન હતી. સુમનને મનોમન ગુસ્સો આવ્યો, પરંતુ કરે પણ શું? તેને બે ત્રણ વાર ટાઈ ફરી બાંઘી અને પાછી છોડી. આખરે કંટાળી જેવી નૉટ બેઠી તેવી એ ઠીક સમજીને ચલાવી લીઘી!

બહાર ઝરમર ઝરમર બરફ વરસતો હતો. ગૅરેજ ડોર ખુલતાં જ, પવનની લહેર સાથે બરફની વાછટ આવીને સુમનના ગમગીન ચહેરા પર છવાઈ ગઈ. સુમનના દુઃખી મનને આ ઠંડકે ક્ષણાર્ઘ માટે તાજગીથી ભરી દીઘું. કારને ઘીમેથી ગેરેજમાંથી બહાર કાઢતાં તેણે રીઅર વ્યુ મિરરમાં નજર કરી તો … તેની નજર સામેના ઘરે છ-સાત મહિના પહેલાં ફલોરિડાથી અહીં રહેવા આવેલ પડોશણ જ્યોર્જિયાના પર પડી … તે સુમનના ડ્રાઈવવે પર ઘીમા પગલાં ભરતી આવી રહી હતી.

રોજ સવારે જોગિંગ સૂટમાં નજરે ચડતી જ્યોર્જિયાના આજ ગુલાબી વેલવેટનું રંગબેરંગી ફૂલોવાળું આઉટ ફિટ પહેર્યું હતું. ખભા સુઘી હવામાં ઉડતા સોનેરી વાળમાં કોઈ સ્વપ્ન પ્રદેશની રાજકુંવરી સમી લાગતી જયોર્જિયાનાના હાથમાં ગુલાબની એક ખીલતી કળી નજરે પડતી હતી!

જયોર્જિયાનાને આટલી વહેલી સવારમાં પોતાના ડ્રાઈવવે આવી ચડેલ જોઈને સુમનને નવાઈ લાગી. કારની બારીમાંથી હસ્તઘૂનન માટે હાથ લંબાવતા સુમને કહ્યું, “હાય! I am Sam!”

સામેથી પણ એટલી જ ઉષ્માથી પડઘો પડ્યો, “I am Georgiana, Sam, Have a Happy Valentine Day!” આટલું કહી હાથમાં રમતી ગુલાબની કળી સુમન સામે ધરી દીઘી! ગુલાબનો સ્વીકાર કરતા સુમને જયોર્જિયાનાને વેલન્ટાઈન ડે ની શુભેચ્છા પાઠવતાં કહ્યું, “Happy Valentine Day to you!” અને પછી આગળ વાત ચલાવી. “જયોર્જિયાના સેન્ડિ is not at home! but how can I help you?”

સુમન અને સુવર્ણાએ ઑફિસમાં સાથે કામ કરતા અમેરિકન મિત્રોને તેમ જ આડોશીપાડોશીને બોલવામાં સરળતા પડે એટલે તેમણે અમેરિકાની ભૂમિમાં કદમ મૂકતાંની સાથે મોટાભાગના ભારતીયોની જેમ સુમનનું ‘સેમ” અને સુવર્ણાનું નામ “સેન્ડિ” કરી નાખ્યું હતું!

સેમ, ‘મારે સેન્ડિનું નહીં, પરંતુ ખરેખર તો તમારું જ કામ છે!”

“What a great surprise!” ખરેખર! જો તમને મારું જ કામ હોય તો બોલો, “How can I help you?”

“What are you doing tonight?”

“Nothing!”

” If you don’t mind, can you give me a company for dinner!”

જ્યોર્જિયાના તરફથી સાંજે ડેટ માટેનું આમંત્રણ મળતાં જ, સુમન એક ક્ષણમાં કેટલાએ વિચારોના વંટોળે ચડી ગયો. અરે! આ દેશની આ કેવી સંસ્કૃતિ છે? પોતે પરણેલ છે, ઘરમાં પતિ છે, અને મને સાંજે ડેટ પર આવવા કેવી શરમ સંકોચ વગર આમંત્રણ આપી રહી છે? અને પછી રીઅર વ્યૂ મિરરમાં નજર કરતો પોતાની જાતને જ મનોમન કોસવા લાગ્યો. હવે આપણે પણ આ દેશમાં કયાં શુદ્ધ ભારતીય રહ્યાં છીએ!  

સુમનને વિચારોમાં અટવાયેલો જોઈને …. જયોર્જિયાના ફરીથી બોલી,”Sam, Don’t worry about your wife, Sandy!”

અરે આ છોકરી તો કમાલની છે!

સુમન હોઠ ખોલીને તેને કૈંક જવાબ આપે, તે પહેલાં જ તેણે કહ્યું,

“Sam, I would like to give you big surprise!”

સરપ્રાઈઝ!

મારે માટે અને એ પણ તારા તરફથી!

“સેમ, તારી પત્ની સેન્ડિ, મારા પતિ માર્ક સાથે છેલ્લા ચાર પાંચ મહિનાથી ડેટ પર જતી હતી.”

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...968969970971...9809901,000...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved