Opinion Magazine
Number of visits: 9667089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિઘવા

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|3 October 2023

પ્રીતમ લખલાણી

યાર્ડમાં ફૂલપાન જોડે વહેલી સવારથી મજા માણતી ઊર્મિના કાને અચાનક ફોનની ઘંટડી રણકવાનો અવાજ પડ્યો. કાતરનો એક કોર ઘા કરી, હડી કાઢતી ફૉન લેવા તે ઘરમાં આવી. ફૉનનું રિસીવર કાને માંડતી ક્ષણ માટે વિચારમાં ખોવાઈ ગઈ, ‘અરે! આટલી વહેલી સવારે કોનો ફૉન હશે ? આ વિચાર સાથે હજી ફૉનમાં હેલો કંઈને કહી બોલે તે પેલા જ તેના કાને પડ્યું,

‘હેલો, ઊર્મિ.’

I am very sorry, ગઈ કાલે સાંજે ઍરપોર્ટથી ઘરે આવતા, મનહર સાથે અચાનક મયંકના દુઃખદ અવસાનની વાત નીકળી. મારે તને ગઈ કાલે સાંજે જ ફોન કરવો હતો પણ ઘરે આવી ત્યારે રાત્રીના અગિયાર થઈ ગયા હતા એટલે ફૉન કરવાનું માંડી વાળ્યું.

‘કમલ, Don’t worry.’

‘ઊર્મિ, આમ એકા એક કેવી રીતે મયંક તને રોતી મૂકીને ચાલી નીકળ્યો?’

‘કમલ, તને શું કહું ? તને મયંક વિશે કયાં ખબર નથી? મયંકને માટે મારાં અને બાળકો કરતાં જીવનમાં વિશેષ મહત્ત્વ તેની મૅડિકલ પ્રેકિટસ અને સ્ટોક મારકેટ હતાં. છેલ્લા છ મહિના પહેલા ન્યૂયોર્ક શેર બજાર ઉપરાઉપરી બે ચાર વાર તૂટી પડયું. અમારી આખી જિંદગીની કમાણી મયંકે શેર બજારમાં લગાવી દીઘેલી. અમે છેક ત્યાં સુઘી ખુવાર થઇ ગયાં કે ઘર અને ગાડીઓ વેંચી નાદારી નોંઘાવવી પડત. મયંકને આ વાતની અસર બહુ જ મન પર થઈ ગઈ. અમે બન્ને ભારતથી જ્યારે આ દેશમાં આવ્યાં હતાં ત્યારે અમારી જે પરિસ્થિતિ હતી, એવી પરિસ્થિતિ લગભગ થઈ ગઇ. આ ચિંતા તેને રાતદિવસ કોરી ખાતી હતી. તેનું મન સ્ટોક માર્કેટમાં ગુમાવેલ પૈસાને કારણે પ્રેકિટસમાં લાગતું ન હતું. સાતમી જુલાઈની ઘોમ ઘખતી બપોરે મનને પ્રફુલિત કરવા, મારી સાથે બીયર લઈને સ્વિમિંગ પુલમાં બેઠો હતો. બરાબર તે જ વખતે તેને હાર્ટ એટેકનો એક સીવિયર એટેક આવ્યો.

‘ઊર્મિ, હશે જેવી પ્રભુની ઈચ્છા. આપણે ભલે વ્યવસાયે ડોકટર હોવા છતાં, જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી. જો ઈશ્વરની ઈચ્છા હોય તો જ આપણે આપણાથી બને એટલી મહેનત કરી દર્દીને ઈશ્વર ઘામમાં જતો બચાવી શકીએ છીએ. લોકોને ડોકટરો પર વિશ્વાસ રહે એટલે જ ઈશ્વર આપણને તેની કૃર્પાથી નિયમિત બનાવે છે.’

‘ખેર, ઊર્મિ, તું પણ એક કાબિલ ડોકટર છો. તારી મૅડિકલ પ્રેકિટસ સારી ચાલે છે. વળી મયંકનો લાઈફ ઈન્સ્યોરન્સ પણ બહુ જ તગડો હતો. એવું મેં ગઈ કાલે રાત્રે મનહર પાસેથી સાંભળ્યું. આ કારણે તને કોઈ આર્થિક મુશ્કેલી નથી. નહીંતર વિઘવાનું જીવન કેટલું કપરું છે?આ વિશે હું વિચારું છું તો મારું મન ક્ંપી ઊઠે છે. હું તને બીજી કોઇ વિઘવાના જીવન વિશે શું વાત કરું? મારી બાનો જ દાખલો આપણી આંખ સામે છે. બાની ઉંમર ફકત પાંત્રીસ વર્ષની હતી તે જ વખતે બાપુજીનું મૃત્યુ મોટર અકસ્માતમાં થયું. બા ઓઢવા પહેરવાની ઉંમરે વિઘવા થયાં. બાપુજી મુંબઇમાં મૂળજી જેઠા મારકેટમાં એક કાપડની દુકાનમાં મહેતાજી તરીકે નોકરી કરતા હતા. તેઓ બિચારા બા અને અમારા માટે મોટી એવી મૂડી તો કયાંથી મૂકતા ગયા હોય! બાપુજીનું અકાળે અવસાન થવાથી બા માથે એકાએક આકાશ તૂટી પડ્યું. બા પર અમારાં ત્રણે ભાઈ બહેનનાં ભરણપોષણની જવાબદારી આવી પડી. બાએ અકાળે માથે આવી પડેલ મુશ્કેલીને કોઈ સગાંસંબંઘીની મદદ વિના હિંમતભેર રાત દિવસ કપડાંની સિલાઈ કરીને અમને ત્રણે ભાઈબહેનને ભણાવી ગણાવીને પગભર કર્યાં.’

‘બાએ અમારા માટે આખું જીવન ચંદનની જેમ ઘસી નાંખ્યુ. પંચાવનની ઉંમરે બા પંચોતેર વર્ષની ડોસી લાગતી હતી. બાએ અમને ઉછેરવા રાતદિવસ કરેલ કાળી મજૂરી વિશે વિચારું છું તો આ ઘડીએ પણ મારી આંખો આંસુથી ભરાઈ આવે છે. ઈશ્વરને રોજ બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, કોઈ સ્ત્રીને તું જીવનમાં સુખ સાહેબી ન આપી શકે તો ક્મી નહીં પણ તેનો ચૂડી ચાંદલો તું અખંડ રાખજે.’

‘કમલ, તારી વાત બિલકુલ સાચી છે. શ્રીનાથજીની અસીમ કૃપાથી મારે કોઈ આર્થિક મુશ્કેલી નથી. અને છતાં, …’  આ પ્રમાણે કહીને ઊર્મિ આગળ બોલતાં અટકી ગઈ.

‘ઊર્મિ, હું સમજી શકું છું, તને મયંકની ખોટ ડગલેને પગલે સાલતી હશે. ઈશ્વરના ઘર પાસે શું ચાલે?એણે જે કંઈ દુઃખ દર્દ આપણને મોકલ્યું છે, તેનો પ્રસાદ સમજીને સહન કરવો જ રહ્યો. Sorry, મારે આ સમયે તારી પાસે કોઈ કારણ વિના તારા ભૂતકાળની વાત ન કરવી જોઈએ. ખોટા કબરમાંથી મુડદા ઉખેડીને શું મલવાનું છે? છતાં હું તારી એક અંગત સહેલી છું. તારું દુઃખ મારાથી જોવાતું નથી. આ સંબંધે જ મારું હૈંયું હાથ નથી રહેતું. એક રીતે જોતાં તે બહુ જ સારું કર્યુ હતું, મયંકને તે સમયસર પાછો અપનાવી લીઘો હતો. તેણે જે ભૂલ કરી હતી તે તેને પાછળથી સમજાણી હતી. એક બે વાર મયંકે મનહર અને મારી પાસે તેની ભૂલ માટે પસ્તાવો પણ કર્યો હતો. ઊર્મિ, હું તારી આ સમજણ, ઘીરજ અને ઉદારતાને દાદ આપું છું. તે મોટુ મન રાખીને મયંકને માફક કરી દીઘો. આ કારણે જ તારા પંખીના માળા જેવો સુખી સંસાર વિખાતો રહી ગયો.’

‘આજે તારા આકાશ અને નીલ બને ભણી ગણીને પગભર થઈ ગયા છે. તેમને તો તમારા ભૂતકાળ વિશે સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય. બંને કેટલા નાના હતા. તારી ઉદારતાએ તેમને પિતાની ખોટથી બચાવી લીઘા હતા, નહીંતર તને ક્યાં ખબર નથી. આ અમેરિકામાં, અમેરિકન પરિવારો છૂટા પડે છે ત્યારે સર્વથી વઘારે માતાપિતા કરતાં બાળકોને સહન કરવાનું આવેછે. આ છૂટાછેડા કેટલાં બાળકોનું બાળપણ છીનવી લે છે? ઈશ્વરના સ્મિત જેવાં બાળકો ઘડીના ભાગે માબાપના પ્રેમ વિના ગુનેગારની દુનિયામાં પહોંચી જાય છે.’

‘કમલ, તારી વાત બિલકુલ સાચી છે. સ્ત્રી થઈને આપણે જન્મયાં છીએ એટલે સહન કર્યા વગર પણ કોઈ છૂટકો ખરો? કદાચ જો હું પુરુષ થઈને જન્મી હોત તો ? હું પણ આ પુરુષ જાતની જેમ મન ફાવે ત્યારે પત્ની, બાળકો અને ઘરને ઈશ્વરને આઘીન મૂકીને ચાલી જાત. મારું મન જ્યારે પારકી દુનિયાથી ભરાઈ જાત ત્યારે ઉજળેલ ઘરના ઉંબરાને ફરી આબાદ કરવા રોતી પત્ની અને લાચાર બાળકોનાં આંસુ લૂછવા આવી ચઢત’.

‘હશે, ઊર્મિ, હવે મન નાનું કરીને પણ કયાં કંઈ મળવાનું છે? જે વાત ભૂતકાળ થઈ ગઈ છે તેને ભૂલી જવામાં જ મજા છે. હવે તો મયંક પણ હતો ન હતો થઈ ગયો છે. બસ તું ઈશ્વરનો ઉપકાર વ્યકત કર કે તેણે મયંકને સમયસર સદ્દબુદ્ધિ બક્ષી. મોડે મોડે પણ તે તારે દ્વારે પાછો ફર્યો. તું ઈશ્વરને ખાતર ભૂતકાળને ભૂલી હવે બન્ને બાળકો સાથે ખુશીથી જિંદગી વિતાવ. હું સમજી શકુ છું, જો તને મયંક પ્રત્યે મનમાં કયાં ય કોઈ પ્રેમ ન હોત તો, તે તેને થોડો પાછો અપનાવ્યો હોત. હું માનું છું, તને હ્રદયમાં તેના અવસાનનું અપાર દુઃખ દર્દ હશે. આ વિઘવા જીવન સ્ત્રીને જીવનમાં વ્યથા સિવાય બીજુ શું આપી શકે? ખરેખર આ દુઃખ દર્દનો દરિયો એવો કઠિન છે કે તેમાં બિચારી સ્ત્રી ન તો તરીને સામે કાંઠે જઈ શકે કે પછી ન તો ડૂબીને મરી શકે? કેમ ખરું ને?’

‘ઊર્મિએ એક ઊડો શ્વાસ લેતા કમલને કહ્યું, ‘વિઘવા જીવન એ ખરેખર એક વ્યથાના દરિયાથી વિશેષ કંઈ નથી. કમલ, સાંભળ, ભલે લોકનજરમાં મયંકના મૃત્યુ બાદ મારા કપાળનો ચાંદલો ભૂસાણો. હાથની ચૂડી નંદવાણી અને હું તે ઘડીએ વિધવા તરીકે સ્થાપિત થઈ. પણ આજે હું તને મારા હૈંયાની સાચી વાત કરું છું. જે વરસતી તોફાની મેઘલી સાંજે મને અને બન્ને બાળકોને ઈશ્વરને આઘીન રડતા મૂકીને તેની રૂપાળી અમેરિકન નર્સ સુજન જોડે ચાલી નીકળ્યો હતો, તે સાંજે જ કમલ, મારા કપાળનો ચાંદલો ભૂસાણો હતો. મારા કાંડાની ચૂંડી નંદવાણી હતી. વીજળીના કડાકા અને તોફાની વરસાદમાં લોકોને મારા મનમાં નંદવાતી ચૂડીનો અવાજ તો કયાંથી સંભળાયો હોય. હું તો તે જ સાંજે વિઘવા થઈ ગઈ હતી’. આટલું કહીને ઊર્મિ, કમલ પાસે ફોન પર ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી. પછી પોતાની જાતને સંભાળી ઊર્મિ આગળ બોલી, ‘કમલ, છેલ્લાં પંદર વર્ષથી આ દુઃખને મનમાં લઈને બાળકોનાં ભવિષ્ય ખાતર, હું મયંક સાથે એક જીવતી લાશ થઈને જીવતી હતી. વરસો બાદ આજ મને મારું કોઈ અંગત મળી ગયુ. બસ, આ કારણે મેં તારી પાસે મારું મન ખાલી કરી નાખ્યું. કેટલાં વરસોથી મનમાં વૈઘવ્યની વ્યથાને ઘરબાવીને બેઠી હતી. આજે હું હળવી ફૂલ જેવી થઈ ગઈ …’                                                  

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

કૃત્રિમ બુદ્ધિનું નિયમન અને ન્યાય

જગત જતનકર|Opinion - Opinion|3 October 2023

અણુવિજ્ઞાન હોય કે ટેલિકોમ; જનીન રૂપાંતરિત પાકો (GMOs) હોય કે જંતુનાશકો, શાળા સંચાલન હોય કે ખોરાકની ગુણવત્તા; ટેકનોલોજી હોય કે વ્યવસ્થા – પ્રજાજીવન પર સીધી અસર પાડનાર ચીજો નિયમન (Regulations) માંગે છે. નિયમનનો મુખ્ય હેતુ જોખમો ઘટાડવા અને ફાયદો વધારવાનો હોય છે. મોટેભાગે નિયમન સરકાર કે શાસનકર્તા કરતા હોય છે. જો પ્રજા કે ટેક્નોલોજી વિકસાવનાર-વાપરનાર કે વ્યવસ્થાના ઉપભોક્તા આપમેળે સમજે અને વર્તે તો સ્વયં શિસ્તને કારણે ઓછા નિયમનથી પણ ચાલી જાય. નિયમનનો બીજો હેતુ એ પણ છે કે તેને લીધે સરકાર દેશમાં શું ચાલી રહ્યું છે તે વિશે નિગરાની રાખી શકે છે.

વિશ્વભરમાં કમભાગ્યે મહદ્અંશે એવું બનતું આવ્યું છે કે, ટેકનોલોજીનાં સંશોધન, વિકાસ અને ઉપયોગ આગળ નીકળી જાય છે અને નિયમન પાછળ પાછળ લંઘાતું લંઘાતું આવે છે. જેમ કે, ભારતમાં જનીન રૂપાંતરિત પાકોની ગેરકાયદે ખેતી શરૂ થઈ, જે આજે પણ ચાલે છે અને નિયમનનો અમલ કાચો પડ્યો. અણુશક્તિના નિયમન અગાઉ તો અણુબોંબ ઝીંકાઈ ગયા હતા, તેવું જ જંતુનાશકોનું છે!

વિશ્વભરમાં એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું AI-જન્ય ટેકનોલોજીનું નિયમન શક્ય છે? આ સવાલ વાજબી હોવાનાં કેટલાંક કારણો છે.

૧. અસ્પષ્ટતાઓ : AI-ની વ્યાખ્યા હજી ચર્ચાઈ રહી છે. કોને AI કહેવું તેની હજી સ્પષ્ટ સમજ વિકસી નથી. કેલ્ક્યુલેટરના ઉપયોગથી માંડી સોફ્ટવેરના આપમેળે લખાતા પ્રોગ્રામ સમેતનું બધું કૃત્રિમ બુદ્ધિથી થવા માંડ્યું હોઈ કયાં ભેદરેખા દોરવી તેનો ખ્યાલ હજી સ્પષ્ટ થયો નથી. આ ટેક્નોલોજી સાથે બીજા અનેક શબ્દ અને વિભાવનાઓ સંકળાયેલી છે તેની સમજ અને વ્યાખ્યા પણ સ્પષ્ટ નથી. કાયદાના સંચાલન માટે આવા ગૂંચવાડા ઘણી છટકબારી ઊભી કરીને અરાજકતા પેદા કરી શકે છે. વળી, શેનું નિયમન કરવું તે વિશે પણ સ્પષ્ટતા બાકી છે કારણ કે ટેકનોલોજી હજી બાલ્યાવસ્થા કે કિશોરાવસ્થામાં છે. તેના સમાજજીવન, સત્તાકારણ, વ્યક્તિગત જીવન, પર્યાવરણ, સ્વાસ્થ્ય પરની અસરોનો પૂરો અંદાજ ન હોઈ નિયમના સ્તર, પ્રકાર અને વિભાગો સ્પષ્ટ થતા નથી. ત્રીજા વિશ્વના દેશોને તો હજી ઝાઝી ગતાગમ પણ પડતી નથી કે આ આવી શું રહ્યું છે!

૨. છૂપું કામ કરવાની સહેલ : આ ટેક્નોલોજીનો ઉપયોગ અને વિકાસ કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રોકાણ વિના પણ થઈ શકે છે. ઈન્ટરનેટ કનેક્ષન, એક-બે સારાં કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગની આવડતવાળા ઘેરબેઠાં અલગ અલગ AI-જન્ય સાધનો (tools) રચી શકે છે એટલે કોણ, ક્યાં, શું કરી રહ્યું છે તે જાણવું સહેલું નથી.

૩. અણધારી અને ખૂબ વધુ ઝડપ : આ ટેક્નોલોજી ધાર્યા કરતાં અનેકગણી વધુ ઝડપે વિકસી રહી છે. વિજ્ઞાનીઓ સુધ્ધાં અચંબામાં પડી ગયા છે. જે ટેકનોલોજી આવતાં હજી દસ-પંદર વરસ તો લાગશે તેમ મનાતું હતું. તે હવે ઘેર ઘેર વપરાવા લાગી છે. નિયમો-ધારાધોરણો બનાવવા વગેરે એક લાંબી પ્રક્રિયા માંગે છે. તેની કાચબાચાલ સામે ટેક્નોલોજી તો દિવસ-રાત ખૂબ વધુ ઝડપે વિકસી રહી છે.

૪. દેશની સીમાઓથી ઉપરવટ વપરાશ : નિયમનો મહદ્અંશે જે તે દેશની ભૌગોલિક સરહદો વચ્ચે લાગુ પડે છે. આ ટેક્નોલોજી આવી સરહદોને ઓળંગીને કામ કરે છે. એટલે ’Law of the Land’ કયો – તેના ગૂંચવાડા ભારે છટકબારીઓ ઊભી કરશે.

૫. શાસકોની મનમાની : વળી, જે દેશોમાં નિયમનતંત્ર અને ન્યાયતંત્ર પોતાની આગવી સ્વાયત્તત્તા ગુમાવી શેહ-શરમ, ડર, લાલચના માર્યા શાસકોની પાંખમાં ભરાય છે ત્યાં નિયમનની અપેક્ષા રાખવી મોટો ભ્રમ છે. ત્યાં નિયમનના નામે શાસકની મનમાની ચાલે છે. જ્યારે શાસક અને કોર્પોરેટ ક્ષેત્ર હાથ મિલાવી લે છે ત્યારે આ બાબત ભારે જોખમી સાબિત થઈ શકે છે.

૬. નિયમન કરનારાની ક્ષમતા અને દાનત : ભારતના નેશનલ ક્રાઈમ બ્યૂરોના અહેવાલ મુજબ ૨૦૨૧માં ૫૨,૯૭૪ સાઈબર ક્રાઈમ નોંધાયા. એક જ દાયકામાં લગભગ ૧૫ ગણો વધારો થયો. ખાસ કરીને બેંકના ખાતામાંથી નાણાંની ઉઠાંતરીની ઘટનાઓ રોજિંદી બનવા માંડી છે, ગઠિયાઓને અનેકવિધ ટેકનિક મળી રહે છે. પણ આપણાં તંત્રોની ટેકનિકલ ક્ષમતા, અન્ય કામના બોજા, કાર્યક્ષમતા, દાનતનો અભાવ જેવી મર્યાદાઓને કારણે ભાગ્યે જ ગુનેગાર પકડાય છે, તેને ભાગ્યે જ સજા થાય છે અને ભોગ બનનારને ન્યાય મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. એવું કહેવાય છે કે, આ ગુનેગારો સ્થાનિક પોલીસ અને રાજકારણીઓ સાથે હાથ મિલાવીને નિયમનને નેવે ચડાવી દે છે. AI-જન્ય ટેક્નોલોજી આવા ગુનામાં વધારો નહીં કરે?

૭. અનેકવિધ હિતોની ખેંચાખેંચ : કોઈપણ ટેક્નોલોજીના સંશોધન, વિકાસ અને ધંધામાં પડેલ કંપનીઓને ઝાઝું નિયમન ગમતું નથી. તેઓ માને છે કે નિયમનને કારણે સંશોધન અને વિકાસમાં અડચણ ઊભી થાય છે અને પરિણામે વિકાસની ઝડપ અને નફાનું પ્રમાણ ઘટાડે છે. આવાં સ્થાપિત હિતો યેનકેન પ્રકારની દલીલો દ્વારા નિયમનને ટાળે છે અથવા પાંગળું બનાવી દે છે. લોકશાહીમાં અનેક પ્રકારનાં દબાણજૂથો સક્રિય હોય ત્યારે સંનિષ્ઠ અને પ્રામાણિક શાસકને પણ નિયમન વિષયક નિર્ણયો લેવા કપરા થાય છે.

૮. અનેકવિધ ક્ષેત્રો અને વિજ્ઞાન શાખાઓ સાથે સંબંધ : AI-જન્ય ટેક્નોલોજી નેનો ટેક્નોલોજી અને બાયોટેક્નોલોજી જેવી અન્ય ટેક્નોલોજી સાથે પણ કામ કરવા માંડી છે. તેનાથી વધુ ક્લિષ્ટ પરિસ્થિતિ સર્જાય છે, અને આ બધી ટેક્નોલોજીજન્ય સહિયારી પ્રોડક્ટનું નિયમન વધુ ગૂંચવાડાભર્યું બની શકે છે. વળી, AI-જન્ય ટેક્નોલોજી સાહિત્ય, કળા, વેપાર, લશ્કર, સરકારી તંત્ર, શિક્ષણ, વિજ્ઞાન, ખેતી-ખોરાક, ગ્રાહક સુરક્ષા, આયાત-નિકાસ, માનવ અધિકાર, સામાજિક ન્યાય, બૌદ્ધિક સંપદા, કોપી રાઈટ જેવાં તમામ ક્ષેત્રોમાં આવી રહી હોવાથી આજે જે તે વિભાગના કાયદા-કાનૂન પણ લાગુ પડશે અને કયા વિભાગનો કાયદો સર્વોપરી તેના વિશે વિવાદ સંભવી શકે છે, સાથોસાથ આ બધા વિભાગના કાયદામાં ફેરફારો કરવા પડશે.

AI-જન્ય ટેક્નોલોજીના નિયમન માટે સલામતી, સુરક્ષા, ભરોસાપાત્રતા, પારદર્શિતા, ટેક્નોલોજીના જોખમની વ્યાખ્યા અને વર્ગીકરણ, જવાબદારી, ન્યાય મેળવવા અને દંડ કરવાની વ્યવસ્થા, ટેક્નોલોજીને પાછી ખેંચવા/ખેંચાવવાના અધિકાર જેવા મુદ્દા સમાવવા પડશે. ટેક્નોલોજીની પ્રકૃતિ અને નિયમન અંગેની અસ્પષ્ટતાને લીધે ૨૦૨૨માં એકલા યુ.એસ.એ.માં ૧૧૦ કોર્ટકેસ થઈ ચૂક્યા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેમાં ૨૦૧૬ પછી ધરખમ વધારો થયો છે.

આવાં કારણોસર નિયમન વ્યવસ્થા ઝાઝી કારગર નીવડે તેવું જણાતું નથી. કમ સે કમ નજીકના ભવિષ્યમાં તો નહીં જ! તેમ છતાં AI ટેક્નોલોજી સાથે પનારો પડી જ રહ્યો છે ત્યારે નિયમન કર્યા વિના ચાલવાનું ય નથી. હાલમાં નિયમન વિષયક સ્થિતિ નીચે પ્રમાણે છે :

૧) AI-જન્ય ટેક્નોલોજીના નિયમન માટે હાલમાં UN કક્ષાથી કોઈ વૈશ્વિક વ્યવસ્થા ઊભી થઈ નથી. અલબત્ત તે માટેની પ્રક્રિયા શરૂ થઈ છે પણ તેને આખરી સ્વરૂપ અપાયું નથી.

૨) મોટા ભાગના દેશોમાં ડેટા માઈનિંગ અને પ્રોટેક્શન અંગેનાં નિયમનો છે પણ AI અંગેનું નિયમન ક્યાં ય નથી.

૩) ઈટાલી, રશિયા, ક્યુબા, સીરિયા, ચીન, ઈરાન અને આફ્રિકાના દેશોએ Chat GPT પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે.

૪) હાલમાં નિયમનના ઘડતર અંગે બ્રાઝિલ, ચીન, જાપાન, કેનેડા, યુ.એસ.એ., યુરોપિયન યુનિયન, યુ.કે. પહેલ કરી ચૂક્યા છે, વિકિપીડિયાના જણાવ્યા મુજબ ૧૨૭ દેશોમાં થયેલ એક મોજણી મુજબ કૃત્રિમ બુદ્ધિ સંબંધી કાયદા પસાર કરનાર દેશોની સંખ્યા ૨૦૧૬માં એક હતી તે વધીને ૨૦૨૨માં ૩૭ થઈ છે. યુરોપિયન યુનિયન આ અંગેના નિયમનમાં સૌથી મોખરે અને વિગતપૂર્ણ કામ કરી રહેલું જણાય છે. આશા છે કે ૨૦૨૩ના અંત સુધીમાં ત્યાં કાયદો અમલમાં આવી જશે. યુ.કે. અને યુ.એસ.એ. AI-જન્ય ટેક્નોલોજીના નિયમનમાં થોડું ઢીલું રાખવા માંગે છે. આમે ય આ બે દેશોની તાસીર વિશેષ કરીને કોર્પોરેટ તરફી રહી છે. તેમને એમ લાગે છે કે બાલ્યાવસ્થાએ ભારે નિયમનો લાદવાથી ટેક્નોલોજીનો વિકાસ અટકી જશે જેની માઠી અસર વેપાર પર પડે!

૫) ભારતની લોકસભામાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન મંત્રાલયે જણાવી દીધું છે કે, “કૃત્રિમ બુદ્ધિના વિકાસનું નિયમન કરવા કે કાયદો લાવવાનું વિચારણામાં નથી” અલબત્ત જે તે વિભાગવાર માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડવાનું વિચારાઈ રહ્યું છે. પણ માર્ગદર્શિકા કાયદેસર રીતે બંધનકર્તા હોતી નથી.

ન્યાય મેળવવાની ચાર પૂર્વશરતો છે. એક, સરકારી અને રાજકીય અસરોથી મુક્ત, તટસ્થ, પ્રામાણિક અને હિંમતવાન ન્યાયતંત્ર. બીજું, ગુનો સ્પષ્ટ રીતે સાબિત કરી શકાય અને દંડની સ્પષ્ટ જોગવાઈ હોય તેવા કાયદાવાળું નિયમનતંત્ર. ત્રીજું, સામાન્ય માણસને પોષાય તેવી અને ઝડપી વ્યવસ્થા. ચોથું, વિશ્વસનીય પુરાવા; જ્યારે માત્ર ખોટા સમાચાર અને દસ્તાવેજો જ નહીં, સાવ કૃત્રિમ ફોટા, ઓડિયો અને વીડિયો બનવા લાગે ત્યારે પુરાવાની વિશ્વસનીયતાનું શું ? AIના નિયમન બાબતે હાલમાં જે સ્થિતિ છે અને ભારતના ન્યાયતંત્રની ઝડપ, પ્રામાણિક્તા અને સ્વતંત્રતા જે રીતે જોખમાતાં જણાય છે તે જોતાં AI સંબંધી જો કોઈ શોષણ અને અન્યાય થશે તેની સામે ન્યાય મેળવવો સહેલો બને તો નવાઈ લાગશે. આપણી સામે હાલમાં એવા ઘણા અદાલતી કેસોનાં ઉદાહરણ છે જેમાં આંખે ઊડીને વળગે તેવો અન્યાય હોય તો ય સામાન્ય માણસ ન્યાયથી વંચિત રહે છે. તેનું તાજું ઉદાહરણ બટેટાના ખેડૂતો પર પેપ્સીએ કરેલ કેસનું છે. જેમાં અદાલતમાં ‘જાહેર હિતના ભંગ’ની ચર્ચા ચાલે છે. પણ ‘જાહેર હિત’ની કોઈ સમજ કે વ્યાખ્યા પ્રવર્તમાન જ નથી !!

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 20 – 21

Loading

આજનો બાળઉછેર વિશિષ્ટ તાલીમ માગે છે !

હરેશ ધોળકિયા|Opinion - Opinion|3 October 2023

“આજનાં બાળકોનો ઉછેર કેમ કરવો ?” – આ આજના વાલીઓની બહુ મોટી સમસ્યા છે. વાલીઓ સાથે બેસવાનું થાય છે, તો તેમનો મહત્ત્વનો પ્રશ્ન આ જ હોય છે. વાલીઓના ચહેરા પર મૂંઝવણ દેખાતી હોય છે.

આમ તો યુગોથી બાળકો ઊછરતાં આવે છે. વાલીઓ સહજતાથી ઉછેરતાં પણ હોય છે. પણ વર્તમાન સમય વિચિત્ર છે. આગળના સમય કરતાં તેના વિશિષ્ટ પ્રશ્નો છે. અત્યારે જે બાળકો જન્મી ચૂક્યાં છે અને જન્મી રહ્યાં છે અથવા જન્મવાનાં છે, તેઓ એક તદ્દન અલગ, કલ્પનાતીત સંકુલ જગતમાં આવે છે. અત્યારે જગતનાં બે મુખ્ય લક્ષણો છે. એક, સમગ્ર જગત સંપૂર્ણ રીતે ટેકનોલોજીગ્રસ્ત થઈ ગયું છે. ટેકનોલોજીએ સમગ્ર માનવજાત પર ઓક્ટોપસ જેમ ભરડો લીધો છે. કોઈ ઇચ્છે તો તેનાથી બચી શકે તેમ નથી. અને બીજું, આજે જે આકર્ષણો છે તે આજ સુધીના બધા જ યુગો કરતાં વધારે છે. અને તેનું જે આક્રમણ છે તે પણ ભયંકર છે. તેનાથી પણ બચી શકાય તેમ નથી.

બાળપણથી જ બાળકો ટેકનોલોજીનાં ગુલામ થતાં જાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ, અનેક જાતનાં વિવિધ એપ્સ – આ બધું તેમને બાળપણથી જ મળવા લાગે છે. અને હવે ઓનલાઈન શિક્ષણ થઈ જવાથી આજ સુધી ગ્રામ્ય સ્તરે ટેકનોલોજી ન હતી, તે પણ હવે તેમના હાથમાં આવી ગઈ છે. અને બીજું, તેના માધ્યમથી આકર્ષણોનું નેટ અને મીડિયા દ્વારા જે ભયંકર આક્રમણ થઈ રહ્યું છે તેનાથી બાળકોને કેમ બચાવવાં એ સમસ્યા બની ગઈ છે. બલકે, લગભગ અશક્ય છે !

ટેકનોલોજી બાળકોને નાનપણથી જ પુખ્ત જગતનો પરિચય કરાવી દે છે. નેટ જ્ઞાનદાયક છે, ઉત્તમ જ્ઞાન આપે છે, પણ સમાંતરે બિનજરૂરી જ્ઞાન પણ આપે છે. તેમાં ભયંકર છે “પોર્નોગ્રાફી” જ્ઞાન ! જાતીયતા જે આજ સુધી અંગત ઘટના હતી, તે હવે નેટ પર આવી ગઈ છે. બધું જ ખુલ્લું બતાવવામાં આવે છે. બાળકો નાનપણથી જ બધું આરામથી જુએ છે. અને બાળકો તો જિજ્ઞાસુ અને પ્રયોગવીર હોય છે. તે ‘તેના’ પ્રયોગો કરે છે. ચૌદ પંદર વર્ષની ઉંમરથી આજે બાળકો જાતીયતા બાબતે ‘સક્રિય’ થઈ ગયાં છે. એક અભ્યાસ કહે છે કે દસમા અને અગિયારમા ધોરણનાં દસ છોકરા-છોકરીઓમાંથી આશરે ચારથી પાંચ સક્રિય રીતે જાતીય વ્યવહાર કરે છે. અને જે જોડાવા ન ઇચ્છે તેને તેના મિત્રો નપુંસક કે મણિબહેન કહી મશ્કરી કરે છે. પરિણામે તેમને વશ થવું પડે છે. ન થાય તો ભયંકર તાણનો ભોગ બનવું પડે છે. તરુણોમાં ‘વર્જીનિટી’ – બ્રહ્મચર્ય એક હાસ્યાસ્પદ શબ્દ બની ગયો છે.

હવે ક્લ્પના કરીએ કે તરુણાવસ્થાથી – જ્યારે એકાગ્ર થઈ અભ્યાસ કરવાનો હોય – જો બાળકો આ રીતે સક્રિય થઈ જાય, તો તેમની એકાગ્રતા ટકશે ખરી ? તે ચંચળ જ થઈ જવાનાં. અને થઈ જ ગયાં છે. તેમની એકાગ્રતાની માત્રા લગભગ શૂન્ય નજીક આવતી જાય છે એમ અભ્યાસો કહે છે. ખાસ કરીને છોકરાઓમાં ભણવાનું ઓછું થતું જાય છે તે તેનો પુરાવો છે. તેઓ મોબાઈલનો મોટા ભાગે ઉપયોગ આવી સાઈટો જોવામાં જ કરે છે. છોકરીઓમાં પણ ધીમે ધીમે આ પ્રમાણ વધતું જાય છે, ખાસ કરીને મધ્યમ અને પૈસાદાર લોકોમાં. પરિણામે જે ઉંમરે તેઓ થનગનાટ કરતાં હોય, ત્યારે ઢીલાં દેખાય છે. શીખવાની કે કંઈ નવું કરવાની ગતિ પણ ધીમી પડેલી દેખાય છે.

બીજી જે ભયંકર ઘટના બની રહી છે તે છે ‘ડ્રગ્ઝ’નો વધતો ઉપયોગ. કૉલેજોમાં, હોસ્ટેલોમાં, શેરીઓના ખૂણે અનેક યુવાનો ડ્રગ્ઝના બંધાણી જોવા મળે છે. રોજ જે અધધધ ડ્રગ્ઝનો જથ્થો પકડાય છે તે જ તેની વપરાશની સાબિતી છે. આટલા વિરાટ જથ્થાનો ઉપયોગ  થતો હશે, તેને ખરીદનાર હશે તો જ આવતો હશે ને ! “ઊડતા પંજાબ” ફિલ્મ તેનો જ પુરાવો છે. આજના યુવાનો દેખાદેખીમાં કે દબાણમાં આવીને ડ્રગ્ઝના શિકાર બની રહ્યા છે. અને તેનું પરિણામ તો પોર્નોગ્રાફી કરતાં પણ વધારે ભયંકર છે. તેનાથી તો વળી બુદ્ધિશક્તિ અને શારીરિક શક્તિ – બંને ખલાસ થઈ જાય છે. એક બાજુ યુવાનો માટે બહાર જઈ ઉચ્ચ અભ્યાસ કરવાની તકો વધતી જાય છે અને સમાંતરે ત્યાં જઈ તેઓ ડ્રગ્ઝમાં ફસાઈ જાય છે. આજના વાલીઓ માટે આ સમસ્યા વધારે ભયંકર બની છે. એક વાલી – જે પોલીસ છે અને ડ્રગ્ઝ પકડે છે – તેણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેના પુત્રને બહાર તો મોકલ્યો છે, પણ તે ડ્રગ્ઝમાં ફસાયો છે કે નહીં તેની ખબર નથી અને તેઓ તેની ચિંતા કરે છે.

વહેલી જાતીય સક્રિયતા અને ડ્રગ્ઝનું બંધાણ એ આજના વાલીઓ માટે ભયાનક કહી શકાય તેવી સમસ્યા છે. તેનાથી તેમનાં સંતાનોને કેમ બચાવવાં તે તેઓ સમજી શકતાં નથી. એટલે આજે જ્યારે બાળ- ઉછેરનો મુદ્દો ચર્ચાય ત્યારે આ બે મુદ્દાની ચર્ચા અતિ મહત્ત્વની બની જાય છે.

શું કરી શકાય ?

આજનાં માતાપિતા માટે બાળકને ટેકનોલોજીથી દૂર રાખવાં એ અશક્ય છે, કારણ કે તેઓ પોતે જ તેનાં ગુલામ છે. બાળકો “જુએ છે” કે વડીલો પણ આખો દિવસ મોબાઈલ જોયા કરે છે. બાળકો તો માત્ર નકલ કરે છે. આ ગુલામીના કારણે માતાપિતા બાળકને પૂરો સમય પણ આપી શકતાં નથી. તેમની સાથે વાતો નથી કરી શકતાં કે નથી સાથે હરી ફરી શકતાં. એટલે બાળક એકલું પડે છે અને તે પણ મોબાઈલના શરણે જાય છે.

બીજું, ઘણાં માતા પિતા અને વડીલો પણ આ પોર્નોગ્રાફીનાં શિકાર છે. તો પછી તેઓ બાળકને કેમ કહી શકવાનાં ? બાળક તો માત્ર નકલ જ કરે છે ! તે વડીલોનાં વર્તનને બરાબર જુએ છે. અને તેઓ આજે વધારે સ્વતંત્ર છે. એટલે વડીલ કદાચ ઉપદેશ આપવા જાય તો સામે સંભળાવી દે છે. અથવા તેમનાથી દૂર રહે છે. અનેક વાલીઓ પણ વ્યસની છે. તેઓ કહી શકવાની હિંમત કરી શકશે ? બાળકો શીખવા તૈયાર છે, જો વડીલો પોતે સ્વસ્થ હોય તો !

અત્યારના ઉછેરમાં માતા-પિતાએ બાળકને મહત્તમ સમય આપવાની તાતી જરૂર છે. બાળપણથી જ તેમને વિચારતાં, સાચાં ખોટાંનો વિવેક કેળવતાં, જગતને તટસ્થ રીતે જોતાં – આ બધાની વ્યવસ્થિત તાલીમ આપવાની છે. લાલચોથી કેમ બચવું, લોકોથી બિનજરૂરી પ્રભાવિત કેમ ન થવું આ બધાની પણ તાલીમ આપવાની છે. અયોગ્ય બાબતોને ઓળખતાં અને તેને દૃઢતાથી “ના પાડતાં” શીખવવાનું છે. સ્વસ્થ બુદ્ધિ અને દૃઢ મન – આ બે તાલીમ અનિવાર્ય છે. અને સૌથી મોટી વાત કે વડીલોથી “કોઈ પણ વાત ન છુપાવવી” એ શીખવવાનું છે. અને એ ત્યારે જ શક્ય બનશે જો માતા પિતાનો બાળક સાથે નિખાલસ સંબંધ હશે. જો તેઓ તેનાં ‘સાચાં’ મિત્ર હશે તો. અત્યારે તેનો અભાવ છે એટલે બાળકો પોતાના જેવડાં જ બાળકો સાથે ચર્ચાઓ કરે છે. પણ તેમના મિત્રો પણ ક્ફ્યુઝ્ડ છે. તેથી બંને વધુ મૂંઝાય છે. પણ જો માતાપિતા કે વડીલ કે શિક્ષક પર બાળકને સો ટકા વિશ્વાસ હશે તો તે કશું તેનાથી નહીં છુપાવે. કદાચ જાતીય સંબંધની બાબત પણ નિ:સંકોચ ચર્ચશે. આ બધું શક્ય છે, જો માતા પિતા પોતે જાગૃત હશે, ટેકનોલોજીનો ઉપયોગ કરતાં હશે, પણ ગુલામ નહીં હોય અને બાળકોને તટસ્થ રીતે સાચી માહિતી આપતાં હશે.

બાળકને લાડ કરી બગાડવાનું તો જરા પણ નથી. સો ટકા પ્રેમ આપવાનો છે. શિસ્ત અને જવાબદારીનું શિક્ષણ આપવાનું છે. અગત્યની વાત એ છે કે નાનપણથી જ વિવેકયુક્ત, શાસ્ત્રીય રીતે વિચારતાં શીખવવાનું છે. ‘વિચારતાં શીખવવું’ જ મહત્ત્વની બાબત છે ઉછેરમાં. આજે વાલીઓ બાળકને સંસ્કૃતિના નામે વ્યર્થ પરંપરાઓ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ધાર્મિકતા વગેરે જેવી સંકુચિત બાબતો શીખવવામાં જેટલો ઉત્સાહ બતાવે છે, તેટલો ઉત્સાહ વિશાળ અને વિવેકી વિચાર કરતાં શીખવવામાં નથી કરતાં.

એકવીસમી સદી વૈશ્વિક – ગ્લોબલ – છે. બાળકને વૈશ્વિક બનાવવાનું છે. તે માત્ર વિજ્ઞાન શીખે તે મહત્ત્વનું નથી. જાતે વૈજ્ઞાનિક ચિંતન કરતાં શીખે તે પણ મહત્ત્વનું છે. અને તે તો જ શીખશે, જો માતા પિતા, શિક્ષકો અને વડીલો પણ વૈશ્વિક ચિત્ત ધરાવતાં હશે.

ન્યુમિન્ટ રોડ, ભુજ-કચ્છ
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 19-20

Loading

...102030...963964965966...970980990...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved