Opinion Magazine
Number of visits: 9666760
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સી.આઈ.ડી. : ‘બોમ્બે ક્રાઈમ’, દેવ આનંદ અને મધુર સંગીતનો ત્રિવેણી સંગમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 October 2023

રાજ ગોસ્વામી

26મી સપ્ટેમ્બરે, સદાબહાર અભિનેતા દેવ આનંદની 100મી જન્મ સાલગિરાહ મનાવામાં આવી રહી હતી, તે જ દિવસે ભારત સરકારે તેમની સહ-કલાકાર વહીદા રહેમાનને આ વર્ષના દાદા સાહેબ ફાળકે ખિતાબથી નવાજવાની જાહેરાત કરી હતી. વહીદાએ દેવ આનંદ સાથે સૌથી વધુ, સાત, ફિલ્મો કરી હતી : સી.આઈ.ડી. (1956), સોલહવા સાલ (1958), કાલા બજાર (1960), બાત રાત કી (1962), ગાઈડ (1965), રૂપ કી રાની ચોરો કા રાજા (1961) અને પ્રેમ પૂજારી (1970). 

અલબત્ત, બંનેની કારકિર્દીમાં, અને હિન્દી સિનેમાના ઇતિહાસમાં પણ, ‘ગાઈડ’ ફિલ્મ સરતાજ સમી છે અને અગાઉ આપણે અહીં તેની વાત પણ કરી ગયા છીએ, પરંતુ બંનેની પહેલી ફિલ્મ ‘સી.આઈ.ડી.’ની વાત બહુ થતી નથી. કદાચ એનું કારણ એ હશે કે તે આજે જૂનવાણી લાગતી હશે (ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી), પરંતુ સાઈઠના દાયકામાં તે બહુ ‘મોડર્ન’ સાબિત થઇ હતી.

પશ્ચિમની સિનેમામાં ‘નોઈર’ ફિલ્મોનો એક પ્રકાર છે. જેનો નાયક સ્વાર્થી અને ભાવશૂન્ય (સીનિકલ) હોય, દૃશ્યોમાં ડાર્ક લાઈટનો ઉપયોગ હોય, વાર્તામાં ઘણાબધા ફ્લેશબેક હોય, અટપટો પ્લોટ હોય અને ફિલ્મમાં અસ્તિત્વ સંબંધી ફિલસૂફી હોય, તેને ‘નોઈર’ કહે છે. ‘સી.આઈ.ડી.’ એ પ્રકારની નોઈર ફિલ્મ હતી.

વાસ્તવમાં, દેવ આનંદનાં પ્રારંભિક વર્ષોમાં આવા સીનિકલ નાયક તરીકે પેશ કરવાનું શ્રેય ગુરુ દત્તને જાય છે. નિર્દેશક તરીકે, ગુરુ દત્તે પહેલીવાર ‘બાઝી’(1951)માં દેવ આનંદને જુગારી અને હત્યાના આરોપી બનાવીને દર્શકોની એક ‘નવા પ્રકાર’ના નાયકનો પરિચય કરાવ્યો હતો. ‘સી.આઈ.ડી.’માં એવી જ વિષય વસ્તુનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.

ઇન ફેક્ટ, ‘બાઝી’ અને ‘સી.આઈ.ડી.’ ફિલ્મ વચ્ચે એક અન્ય દિલચસ્પ  સંબંધ છે. બંને એક સાથે હિન્દી ફિલ્મ જગતમાં આવ્યા હતા અને પગ જમાવાની કોશિશ કરતા હતા. 1946માં, ‘હમ એક હૈ’ નામની ફિલ્મના સેટ પર તે પહેલીવાર મળ્યા હતા. નાયક તરીકે દેવની એ પહેલી ફિલ્મ હતી અને ગુરુ દત્ત એમાં સહાયક નિર્દેશક હતા. એમાં એકવાર ધોબીના કારણે તેમનાં શર્ટ અદલાબદલી થઇ ગયેલાં – દેવે ગુરુનું શર્ટ પહેર્યું હતું અને ગુરુએ દેવનું. ‘અમે ત્યારથી એકબીજાના આજીવન દોસ્ત બની ગયા હતા,’ એમ દેવે કહ્યું હતું. 

એ વખતે તેમણે એકબીજાને વચન આપ્યું હતું કે દેવ જો હીરો બનશે તો ગુરુને નિર્દેશક તરીકે તક આપશે અને ગુરુ નિર્દેશક બનશે તો દેવને હીરો તરીકે લેશે. દેવ હીરો બની ગયા એટલે ‘બાઝી’ નું સુકાન ગુરુને સોંપ્યું. 5 વર્ષ પછી, ગુરુએ તેમની સ્વતંત્ર ફિલ્મ કંપનીના બેનર હેઠળ ‘સી.આઈ.ડી.’ બનાવી તો દેવને મુખ્ય ભૂમિકામ લીધા.

ફિલ્મ ઘણી બધી રીતે સીમાચિન્હ રૂપ હતી. હિન્દી સિનેમામાં ક્રાઈમ ફિલ્મોનો દૌર 80-90ના દાયકામાં અન્ડરવર્લ્ડના માફિયાઓના જમાનાથી શરૂ થયો ન હતો. એથી ય પહેલાં,  દેવ આનંદ અને ગુરુ દત્તે દર્શકોને પહેલીવાર ‘બોમ્બેનો ક્રાઈમ’ કેવો હોય તે બતાવ્યું હતું. ફિલ્મનો વિષય જ એવો હતો કે તેનું એક ગીત મુંબઈને જ ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું હતું અને જે આજે પણ મુંબઈના સ્તુતિગાન જેવું છે : યે દિલ હૈ મુશ્કિલ જીના યહાં … જરા હટકે, જરા બચકે … યે હૈ બોમ્બે મેરી જાન.

ગીતની લોકપ્રિયતા એ હકીકત પરથી સબિત થાય છે તેની પંક્તિ પરથી પાછળથી બે ફિલ્મોનાં ટાઈટલ આવ્યાં હતાં : સૈફ અલી ખાનની ‘યે હૈ બોમ્બે મેરી જાન’ (1999) અને રણબીર કપૂરની ‘યે દિલ હૈ મુશ્કિલ’ (2016).

‘સી.આઈ.ડી.’માં નાયક, ટાઈટલ પરથી જ સ્પષ્ટ છે તેમ, પોલીસ ઇન્સ્પેકટર (શેખર) છે અને તે એક અખબારના સંપાદકની હત્યાની તપાસ કરી રહ્યો છે (પત્રકારની હત્યા પણ એ સમયના દર્શકો માટે નવીનતા હતી). કેસ એકદમ સીધો હતો, પણ ઇન્સ્પેકટરને એમાં બીજી કોઈ ગંધ આવે છે. તે કેસમાં ઊંડો ઉતરે છે. એમાં તેના હાથે સંપાદકના હત્યારાનું ખૂન થઇ જાય છે, અથવા એવો તેના પર આરોપ મુકાય છે. હવે, પોતાને અત્યંત હોંશિયાર માનતો શેખર પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે દર-દર ભટકે છે.

ફિલ્મમાં વહીદા રહેમાને ક્રિમીનલ ધરમદાસ(બિર શખુજા)ની ટોળકીમાં જાસૂસની ભૂમિકા ભજવી હતી. વહીદાની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. વહીદા તેલુગુ ફિલ્મોમાં કામ કરતાં હતાં, અને ગુરુ દત્તની નજર તેમની પર પડી હતી. ગુરુ દત્તે જ તેમને ‘સી.આઈ.ડી.’ ફિલ્મ માટે મુંબઈ આવવાનું કહ્યું હતું. વહીદાની એ નેગેટિવ ભૂમિકા હતી. તેમની બીજી જ ફિલ્મ ‘પ્યાસા’માં ગુરુ દત્તે તેમને વેશ્યા તરીકે પેશ કર્યાં હતાં. તે વખતના રૂઢિચુસ્ત સમયમાં પણ ગુરુ દત્ત કેવી સાહસિક ફિલ્મો બનાવતા હતા તેની આ સાબિતી હતી.

‘સી.આઈ.ડી.’ ફિલ્મમાંથી બીજી એક પ્રતિભા હિન્દી સિનેમાને મળી તે નિર્દેશક રાજ ખોસલા. રાજજી ઓલ ઇન્ડિયા રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા હતા (સી.આઈ.ડી. સહિત ભવિષ્યની તેમની ફિલ્મો ‘વોહ કૌન થી?’ ‘મેરા સાયા,’ ‘મેરા ગાંવ મેરા દેશ,’ ‘મૈ તુલસી તેરે આંગન કી’માં કેમ શાનદાર ગીતો હતાં તેનું કારણ આ નોકરી હતી).

દેવ આનંદે એમનામાં બીજી પ્રતિભા જોઈ હતી અને તેમને ગુરુ દત્તના સહાયક તરીકે રખાવ્યા હતા. ‘સી.આઈ. ડી.’થી તેમણે સાબિત કર્યું કે ફિલ્મ નિર્દેશનની કેટલી અનન્ય સૂઝ હતી. ‘સી.આઈ.ડી.’ તેના દિલચસ્પ પ્લોટ, અનોખા કેમેરા વર્ક (વી.કે. મૂર્તિ), સોંગ પિક્ચરાઈઝેશન અને સંગીત માટે આજે પણ યાદગાર છે.

થ્રિલર ફિલ્મને અનુરૂપ તેનું બેકગ્રાઉન્ડ સંગીત અનોખું તો હતું જ પણ ગીતો ય કર્ણપ્રિય હતાં. કુલ છ ગીતો હતાં અને તમામે તમામ સુપરહિટ હતાં. સંગીતકાર ઓ.પી. નૈયર અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ જાણે સંગીતનો જાદુ જ કર્યો હતો. ગુરુ દત્તની બીજી એક અનન્ય શોધ જોની વોકર પર ફિલ્માવાયેલા એક ગીતની તો આપણે ઉપર વાત કરી, એ સિવાય બીજા પાંચ પણ એટલાં જ સુંદર હતાં : બૂઝ મેરા ક્યા નામ રે (શમશાદ બેગમ), લેકે પહેલા પહેલા પ્યાર (શમશાદ, આશા ભોંસલે, રફી), જાતા કહાં હૈ દીવાને (ગીતા દત્ત), આંખો હી આંખો મેં ઈશારા હો ગયા (ગીતા દત્ત-રફી), કહીં પે નિગાહેં કહીં પે નિશાના (શમશાદ બેગમ).

‘સી.આઈ.ડી.’ 1956ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ હતી. કહેવાય છે કે તેણે સવા કરોડનો વકરો કર્યો હતો. ગુરુ દત્ત એટલા ખુશ થઇ ગયા હતા કે તેમણે નિર્દેશક રાજ ખોસલાને એક વિદેશી સ્પોર્ટ્સ કાર ભેટમાં આપી હતી.

જો કે, વહીદા રહેમાન અને રાજજીને વાંકું પડ્યું હતું. વહીદા સૌ પહેલાં તો તેમનું નામ બદલવાની ના પાડી હતી. બીજું, રાતે મોડે સુધી કામ કરવા ઇનકાર કર્યો હતો અને ત્રીજું, ઉઘાડાં કપડાં નહીં પહેરવાની શરત મૂકી હતી.

એક ઇન્ટરવ્યૂમાં વહીદાએ તેને યાદ કરીને કહ્યું હતું, “સી.આઈ.ડી. પછી રાજ ખોસલા મારાથી નારાજ હતા. તેમને એવી ફરિયાદ હતી કે મેં અમુક દૃશ્યો કરવાની, અમુક કપડાં પહેરવાની ના પાડી દીધી હતી. ‘એને તો અભિનય કરતાં ય આવડતો નથી’ એવું પણ તેમણે કહ્યું હતું. એ પછી અમે ‘પ્યાસા’ ફિલ્મનું શુટિંગ કરવા માટે કલકત્તા ગયા હતા, ત્યારે એક સહાયક નિર્દેશકે મને કહ્યું હતું કે ગુરુ દત્તજી તમારા કામથી બહુ ખુશ છે. એટલે મેં કહ્યું, એમ? રાજ ખોસલાજીને તો બહુ ખુશી નથી. વાસ્તવમાં, બંને નિર્દેશક એકબીજાથી એકદમ ભિન્ન હતા.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 04 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે -28 : ‘એ.આઈ.’-ના ઇતિહાસની લગીર ઝાંખી 

સુમન શાહ|Opinion - Opinion|6 October 2023

સુમન શાહ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઇતિહાસની લગીર ઝાંખી થઈ શકે એવી થોડીક વીગતો આપું :

‘એ.આઈ.’-નાં બીજ તો યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી માણસની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. પ્રાચીનકાળમાં એનાં ઍંધાણ જોવા મળે છે. જેમ કે, માનવ-સરજિત કૃત્રિમ વસ્તુઓમાં બુદ્ધિ કે ચેતનાનું આરોપણ આપણને પુરાણગાથાઓમાં કે વાર્તાઓમાં જોવા મળે છે.

ગ્રીક સંસ્કૃતિમાં એક જાણીતું દૃષ્ટાન્ત છે, Talos-નું. કાંસાનો બનાવાયેલો એ રક્ષક ક્રીટ ટાપુની પૂરેપૂરી સંભાળ રાખતો. એનું સર્જન અગ્નિ અને ધાતુઓના હેફાયેટસ નામના ગ્રીક દેવે કરેલું. એ પ્રચણ્ડકાય યન્ત્રમાનવ ક્રીટ ટાપુ આસપાસ દિવસમાં ત્રણ આંટા લગાવતો ને દુશ્મનોનાં વહાણ પર ખડકો અને ભાલા ફૅંકતો, ને એ પ્રકારે ટાપુની રક્ષા કરતો. કહેવાય છે કે પોતાના મુખમાંથી એ અગ્નિના ઉચ્છ્વાસ કરી શકતો, ધાતુને પીગળાવી મૂકતો.

ભારતીય પુરાણગાથાઓમાં તો એનાં એકથી વધુ દૃષ્ટાન્તો મળે છે. સવિશેષે જાણીતું છે, પુષ્પક વિમાન. આપણે જાણીએ છીએ કે એનું સર્જન ભગવાન રામ માટે થયેલું અને વિશ્વકર્મા એના સર્જક હતા. ગાથા તો એટલે લગી કહે છે કે એ સુવર્ણનું હતું ને એની પાસે એવી બુદ્ધિ હતી કે એ વિશ્વના કોઈપણ ખૂણે ઊડવાને સમર્થ હતું.

એવું જ બીજું દૃષ્ટાન્ત છે, ગરુડનું. એનું સર્જન ભગવાન વિષ્ણુ માટે થયેલું અને એના સર્જક પણ વિશ્વકર્મા હતા. ગાથા કહે છે કે ગરુડ સુવર્ણ અને અમૃતનું બનાવાયેલું. એનું ધડ પક્ષીનું હતું પણ શિર મનુષ્યનું હતું. ગરુડ વિષ્ણુનું વાહન તો હતું જ પણ અત્યન્ત બુદ્ધિશાળી હતું. 

લગભગ કોઈ હિન્દુ દેવ એવો નથી જેનું વાહન કોઈ પ્રાણી ન હોય. વળી, યક્ષ ગન્ધર્વ અપ્સરા અને પંચતન્ત્રની પ્રાણીકથાઓ સૂચવે છે કે પ્રાચીન ભારતીય ગાથાઓના એ સર્જકો માનવેતર યાન્ત્રિક સર્જનો કલ્પી શકતા તેમ જ તે યન્ત્રોમાં મનુષ્યત્વને કે પશુત્વને જોડી શકતા હતા.

‘એ.આઈ.’નાં બીજ યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી એની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. એ આ રીતે પણ સાચું છે. લગભગ દરેક સભ્યતામાં શિલ્પબુદ્ધિ ધરાવનારા કારીગરોએ વાસ્તવિક લાગે એવાં મનુષ્યદેહી ઑટોમેશન બનાવ્યાં છે. પ્રાચીન ઇજિપ્ત અને ગ્રીસનાં પવિત્ર મનાતાં પૂતળાંને એ ગૌરવ અપાયું છે.

અંગ્રેજ વિદ્વાન ઍલેક્ઝાન્ડર નેકહામે કહ્યું છે કે પ્રાચીન રોમન કવિ વર્જિલે તો ઑટોમેશન પૂતળાંનો મહેલ ઊભો કર્યો છે ! એ હકીકત મધ્યકાળની અનેક સાહિત્યકૃતિઓમાં પણ જોવા મળે છે. ૧૯-મી સદીના કથાસાહિત્યમાં પણ કૃત્રિમ માનવો અને વિચારવન્ત મશીનની વાતો થઈ છે.

એ હકીકતનાં અર્વાચીન દૃષ્ટાન્તો છે, સાયન્સ ફિકશન્સ. કહેવાય છે કે ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સાયન્સ ફિક્શને કૃત્રિમ બુદ્ધિ ધરાવતા રોબોટ્સની વિભાવનાનો દુનિયાને પરિચય કરાવ્યો. પ્રારમ્ભ થયો, wizard of Oz -ના ‘હાર્ટલેસ’ ટિન મૅનથી; અને Maria in Metropolis-માં એની નકલ કરતા મનુષ્યદેહધારી – હ્યુમનોઇડ – રૉબોટથી. આમ એ પરિચય થયો કથાથી, સાહિત્યકલાથી, સર્જનાત્મક બુદ્ધિથી.

‘એ.આઈ.’-નું જેને ફૉર્મલ રીઝનિન્ગ કહી શકીએ તેને, એ રૂપપરક તાર્કિકતાને, સમજવી જોઈશે. મુખ્ય પૂર્વધારણા એ છે કે માનવીય વિચારપ્રક્રિયાનું યાન્ત્રિક રૂપાન્તરણ શક્ય છે, એનું યન્ત્ર બનાવી શકાય. આ તર્કનો દીર્ઘ ઇતિહાસ છે, અહીં એમાં જવાનું કારણ નથી. બાકી, કહેવાય છે કે ચીની, ભારતીય અને ગ્રીક ફિલસૂફોએ ઇ.સ.પૂ.-ના પહેલા સહસ્રાબ્ધમાં ફૉરમલ ડિડક્શનની, નિગમનાત્મક તર્કની, સંરચનાત્મક પદ્ધતિઓ વિકસાવી હતી.

એવું એક દૃષ્ટાન્ત મનાય છે, બૌદ્ધ દર્શનની ‘માધ્યમિકા’ વિચારપદ્ધતિ. એમાં, કેન્દ્રસ્થ વિભાવ એ છે કે બધા જ ફિનોમિના રિક્ત અથવા અસ્તિત્વહીન છે, અને વાસ્તવિકતાને નિષેધ વડે જ પામી શકાય છે. એ વિચારપદ્ધતિમાં તર્કશક્તિ અને તાર્કિકતાનું મહત્ત્વ છે. એમાં reductio ad absurdum અને the law of non-contradiction જેવી તર્કપરાયણ અનેક ટૅક્નિક્સ જોવા મળે છે. પહેલી ટૅક્નિક – વસ્તુને સાચી પુરવાર કરનારા હકારાત્મક વિધાનનું નકારાત્મક વિધાન વિરોધી અને અસંગત લાગે, તે. જાણીતો દાખલો કાયમ અપાય છે : બધાં યુનિકૉર્ન્સ શ્વેત છે : કેટલાંક યુનિકૉર્ન્સ શ્વેત નથી : બીજી ટૅક્નિક – તર્કશાસ્ત્ર એમ કહે છે કે એક જ સમયે કોઈપણ વિધાન ખરું અને ખોટું એમ બન્ને ન હોઈ શકે, તે.

૧૭-મી સદીમાં, લિબનિઝ, થૉમસ હોબ્બસ, અને રેને દે કાર્તે એવી શક્યતા ભાળી કે બધા જ તર્કસંગત વિચારોને બીજગણિત અને ભૂમિતિ જેટલા પદ્ધતિપુર:સરના કરી શકાય એમ છે.

૨૦-મી સદીમાં, ‘મૅથેમૅટિકલ લૉજિક’-નાં અધ્યયનો એવાં સફળ પુરવાર થયાં કે ‘એ.આઈ.’-ના આવિષ્કારની ભૂમિકા નિશ્ચિત થઈ ગઈ.

ગણકયન્ત્રો તો માનવ-ઇતિહાસમાં પરાપૂર્વથી બનતાં આવ્યાં છે. સૌ પહેલાં બન્યાં તે કમ્પ્યુટરો અતિ મોટાં કદનાં હતાં અને તેનો વિનિયોગ બીજા વિશ્વયુદ્ધમાં થયો હતો. એક હતું ENIAC જે ઍલન ટ્યુરિન્ગના સિધ્ધાન્તો અનુસારનું હતું, જેને જોહ્ન ન્યૂમાને વિકસાવેલું, જે ઘણું જ પ્રભાવક નીવડેલું.

ENIAC એટલે, Electronic Numerical Integrator and Computer. US army-ની બાલિસ્ટિક્સ ટ્રેઝેક્ટરીઝની ગણતરીઓ કરી આપતું લગભગ ૩૦ ટન વજનનું હતું અને ૧૮૦૦ ચૉરસ ફીટ જગ્યા રોકતું હતું ! સંદર્ભ છે, ENIAC: https://en.wikipedia.org/wiki/ENIAC on Wikipedia.

(ક્રમશ:)
(05/10/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નગરો અને મહાનગરો : કોનાં પોતાનાં, કોના પારકાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 October 2023

ચંદુ મહેરિયા

૨૦૧૮માં જી – ૨૦ ના સભ્ય દેશોના શહેરી મુદ્દાઓની ચર્ચા માટે યુ- ૨૦(અર્બન-૨૦)ની રચના કરવામાં આવી હતી. તેની છઠ્ઠી મેયરલ સમિટ આ વરસના જુલાઈમાં અમદાવાદ– ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ સંમેલનની છ સૂત્રીય ભલામણોમાં જળ સુરક્ષા, જળવાયુ પરિવર્તન, પર્યાવરણ, શહેરી વહીવટ, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા તથા ડિજિટલ શહેરી ભવિષ્ય જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. સમિટે સ્થાયી અને ટકાઉ શહેરી વિકાસ માટે તેમાં સમાનતા, ન્યાય અને સમાવેશનની અનિવાર્યતા દર્શાવી હતી. જો આ ભલામણો ભારત સહિતના સદસ્ય દેશો અપનાવે તો શહેરી વિકાસ તેના તમામ નાગરિકોની ભાગીદારીથી સમાનતા આણનારો બની શકે તેમ છે.

શહેરો અને કસ્બાઓમાં રહેતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ એટલે શહેરીકરણ. શહેરીકરણ એ આજકાલની ઘટના નથી. વિશ્વમાં બે સદીથી શહેરીકરણ થઈ રહ્યું છે. મુખ્યત્વે ગામડાઓના બનેલા આપણા દેશમાં શહેરીકરણ મોડું શરૂ થયું. પણ હવે તેની ગતિ તેજ છે. અંદાજ તો એવો છે કે સ્વતંત્રતાની શતાબ્દીએ દેશની અડધી વસ્તી શહેરોમાં વસતી હશે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરીકરણનો દર ૩૧.૧ ટકા હતો.. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને કેરળની શહેરીકરણની ટકાવારી  રાષ્ટ્રીય સરેરાશથી વધારે હતી. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને અસમમાં ઓછી હતી. દિલ્હી, ચંદીગઢ, દમણ અને દીવ તથા લક્ષદીપમાં ૭૫ ટકા વસ્તી શહેરી હતી. આજે વિશ્વની કુલ શહેરી વસ્તીના ૧૧ ટકા વસ્તી ભારતમાં છે. ગુજરાતના અલગ રાજ્યની રચના વખતે, ૧૯૬૧માં, રાજ્યમાં શહેરી વસ્તી ૨૫.૮ ટકા હતી જે ૨૦૨૨માં ૪૮.૪ ટકા છે. સાઠ વરસોમાં ૨૨.૬ ટકાની શહેરી વસ્તી વૃદ્ધિ દર્શાવે છે કે ગુજરાતમાં શહેરીકરણની ગતિ ઘણી તેજ છે. ૨૦૧૧માં રાજ્યમાં ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસતા હતા. દશ વરસ પછી ૨૦૨૨માં શહેરોમાં વસનારા લોકો ૩.૪૩ કરોડ છે.

શહેરો પાઘડીપને વિસ્તરે છે તેના મૂળમાં ગામડાંઓમાં રોજગારીનો અભાવ, ટૂંકી જમીન, વરસાદી ખેતી, ગરીબી, પૂર અને દુષ્કાળ છે. વખાના માર્યા શહેરોમાં આવી ગયેલા લોકોને શહેર સંઘરે તો છે પણ તેમનું જીવન ઘણું મુશ્કેલ હોય છે. ભારતના મોટા ભાગના શહેરોમાં દરેકને માટે યોગ્ય રહેઠાણ, પાણી, વીજળી, સ્વચ્છતા, શિક્ષણ, જાહેર પરિવહન, આરોગ્ય વગેરેની સગવડોનો અભાવ હોય છે કે અપર્યાપ્ત હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ભારતની પચાસ ટકા શહેરી વસ્તી ઝૂંપડપટ્ટી કે કાચા અને ગંદા મકાનોમાં રહેતી હતી.

શહેરીકરણ અને શહેરી વિકાસ પરસ્પર સંકળાયેલી બાબત છે. શહેરી વિકાસ માટે નગર નિયોજન જરૂરી છે. અર્બન પ્લાનિંગ રાજકીય અને તકનિકી પ્રક્રિયા છે. નગર નિયોજન સમતોલ, રહિતો અને સહિતો એમ સર્વ માટે સમાવેશી અને ન્યાયી હોવું જોઈએ. પરંતુ આદર્શ અને વાસ્તવ વચ્ચે જોજનોનું અંતર છે. આજનું અર્બન પ્લાનિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, એપાર્ટમેન્ટ, બહુમાળી મકાનો, જિમ, ફ્લાયઓવર, રિવરફ્રન્ટ, કો’ક હીરોઈનના ગાલ જેવા પોશ વિસ્તારોના રસ્તા, લિમિટેડ ગ્રીનરી, નેશનલ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, ફુવારા સાથેના મોટા મોટા સર્કલ અને સી પ્લેન બની ગયું છે. પરંતુ શહેર કઈ રીતે વધુ રહેવા યોગ્ય બને તેનું આયોજન નથી હોતું. ધનવાનો અને મોટા બંગલાવાળાઓ માટે પાણીની રેલમછેલ હોય અને ગરીબોને ચોખ્ખું પીવાનું પાણી ના મળે, કેટલાક વિસ્તારો આખી રાત રોશનીથી ઝગમગે અને છેવાડાના લોકોની વસ્તીમાં કાળું ધબ્બ હોય તે સમતોલ વિકાસ નથી. એ જ પ્રમાણે તમામને ઘર, પાણી, ગટર, દવાખાનું, નિશાળ, રમતનું મેદાન અને બગીચા મળી રહે તે જ નગરનિયોજન સર્વસમાવેશી ગણાય.

સ્થિરતા, આરોગ્ય દેખભાળ, સંસ્કૃતિ અને પર્યાવરણ તથા શિક્ષણ અને મૂળભૂત  માળખુ એ પાંચ માપદંડો પરથી વિશ્વના ૧૭૩ શહેરોના જીવનની ગુણવતાનું આકલન કરવામાં આવ્યું હતું. તેના આધારે તૈયાર થયેલા ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ ૨૦૨૨માં ભારતના મહાનગરોનું રેન્કિંગ અત્યંત શરમજનક હતું.૧ ૭૩ દેશોમાં અમદાવાદ ૧૪૬, ચેન્નઈ ૧૪૨, મુંબઈ ૧૧૭ અને દિલ્હી ૧૧૨મા ક્રમે હતા. ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેસ યુનિટના ડિસેમ્બર ૨૦૨૧ના રેન્કિગમાં દુનિયાના સૌથી સસ્તા દશ શહેરો પૈકીનું એક વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હતું. મધ્ય પ્રદેશનું ઈન્દોર વધુ એક વખત સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. રહેવા માટે સુગમ શહેરોમાં બેંગલૂરુ અને પૂણે હતા તો રહેવા માટે સૌથી ખરાબ શહેરો ધનબાદ અને શ્રીનગર હતા. ઘડીભર આવા સર્વે અને રેન્કિંગને બિઝનેસ ગણી તડકે મૂકીએ તો પણ આપણા નગરો-મહાનગરોની નરી આંખે જોવા મળતી સચ્ચાઈ અને તેના માટે કોણ પારકા છે અને કોણ પોતાના છે તે ઢાંકી શકાશે નહીં.

સાર્વજનિક પરિવહનની કફોડી હાલત અને ખાનગી વાહનો માટે પાર્કિંગનો અભાવ એ નગરો-મહાનગરોના અમીરો અને ગરીબો બેઉને સતાવતી સમસ્યા છે. તેમાં પણ બિસ્મારા રસ્તા અને ટ્રાફિક્ના કારણે સમયસર પહોંચવું મુશ્કેલ છે. એક દાયકા પૂર્વેના અને આજે પણ પ્રસ્તુત એવા રાજધાની દિલ્હીના એક સર્વેનું તારણ હતું કે દિલ્હીના ૬૦ ટકા લોકો બસોમાં આવજા કરતા હતા. (હવે આજે કદાચ મેટ્રોમાં કરતા હશે.) સાર્વજનિક બસો દિલ્હીના કુલ માર્ગોની ૭ ટકા જગ્યા રોકતી હતી તેની સામે ૨૦ ટકા ખાનગી કાર વાપરતા લોકો કુલ રસ્તાનો ૭૫ ટકા હિસ્સો વાપરતા હતા. શહેરોની ૨૦થી ૩૦ ટકા વસ્તી મહેનત – મજૂરીએ જવાઆવવા સાઈકલ વાપરે છે કાં પગપાળા જાય આવે છે. એટલે કારો કે બસોથી થતા પરિવહને સાઈકલોનું સ્થાન લીધું નથી ઊલટાનું તેણે વધુ રસ્તા રોકીને તેને પાછળ ધકેલી છે. આ બાબતોનો નગરનિયોજનમાં સમાવેશ થાય  તે આવશ્યક છે.

શહેરોનો વિકાસ અને તે માટેનું આયોજન જેમ ધનવાનો કેન્દ્રી છે તેમ પુરુષકેન્દ્રી પણ છે.  શહેરોની જાહેર જગ્યાઓના વપરાશની બાબતમાં મહિલાઓની ધરમૂળથી બાદબાકી કરતાં આયોજનો લગભગ દુનિયા આખીમાં છે. કિશોરીઓ, યુવતીઓ, નોકરિયાત મહિલાઓ અને વૃદ્ધાઓની પબ્લિક સ્પેસના યુઝની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જાણે કે આપણા મેલ અર્બન પ્લાનરો  ભૂલી જ ગયા છે. દેશની અર્ધી આબાદીને તે જે શહેરમાં વસે છે તેની મૂળભૂત સગવડોથી વંચિત રાખવામાં આવે છે. પછી તે રમતના મેદાન હોય કે બગીચા હોય. મહિલાઓને અનુકૂળ હોય તેવો શહેરી વિકાસ માંગતું અભિયાન સિટી ફોર વુમન વિશ્વના કેટલાક દેશોમાં આરંભાયું છે. તેની હવા ભારતના નગરનિયોજકોને પણ અડવી જોઈએ.

શહેરીકરણ એ વરવી અને નક્કર વાસ્તવિકતા છે. તેથી તેનો વિકાસ વધુ સુગમ, સગવડદાયી અને સર્વસમાવેશી બનાવવાની જરૂર છે. સિટી ફોર વુમન જેવી માંગણી ઊઠે તે પહેલાં સિટી ફોર ઓલ બનાવવા સંકલ્પબધ્ધ થઈશું તો જી-૨૦નું ભવ્ય આયોજન અને યુ-૨૦ની યજમાની સાર્થક ઠરશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...958959960961...970980990...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved