Opinion Magazine
Number of visits: 9666243
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિષદની ચૂંટણીનો ખેલ અને ખેલાડીઓ : કોણ બનશે પ્રમુખ? 

કનૈયાલાલ ભટ્ટ|Opinion - Opinion|12 October 2023

કનૈયાલાલ ભટ્ટ

(૧) સાહિત્ય પરિષદ હવે રાજનીતિનો અખાડો બની રહી છે. અને પ્રમુખ પદ માટે કે મધ્યસ્થમાં કે મંત્રી તરીકે ચૂંટાવા માટે પણ અહીં ખૂબ જ નિષ્ઠુર અને નિર્દય રીતે કુસ્તીના દાવ ખેલાય છે. અહીં જીતવા માટે મોટા ભાગના લોકો સંવેદનાઓ સાથે ખેલે છે. વિશ્વાસ-ભરોસા સાથે ખેલે છે. અને પછી પોતાનો સ્વાર્થ સાધવા તમારું બધું છિન્નભિન કરીને પોતે જીતી જાય છે અને તમને હારવાનો અફસોસ કરે છે. પણ હમણાં એકાદ દસકાથી સોશિયલ મીડિયાનું વર્ચસ્વ વધતા સાવ નવા સવા બની ગયેલા કવિ લેખકોને પણ જોરદાર પ્રસિદ્ધિ મળતા જૂના અને જાણીતા સર્જકો ભૂલાવા લાગતા હવે તેઓએ પણ પરિષદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છેક ગોવર્ધનરામ ત્રિપાઠીથી લઈને કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશીથી લઈને છેક રઘુવીર ચૌધરી સુધી પરિષદમાં રાજકારણ તો હતું પણ એમાં મૂલ્યોનો હ્રાસ નહોતો થતો. સાહિત્યની ગરિમા ઓછી નહોતી થતી. પ્રમુખની પસંદગી ચૂંટણી વિના સર્વાનુમતે થતી. અને પરિણામે પરિષદને એકએકથી ચડિયાતા અને યોગ્ય પ્રમુખો મળ્યા છે. આ પસંદગીની પ્રક્રિયા થોડા અપવાદોને બાદ કરતાં છેક રઘુવીર ચૌધરી સુધી સરસ રીતે ચાલી આવતી હતી. પરંતુ થોડાં વર્ષોથી એક ટોળકી અંદરખાને આગિયામાંથી સૂર્ય બનવા માટે રઘુવીર ચૌધરીના તેજને, નિષ્ઠાને અને પરિષદ પ્રત્યેના લગાવને ચેલેન્જ આપીને ચૂંટણીથી પ્રમુખ બનવાની લોકશાહીની માંગણી કરી અને સૌએ સ્વીકારી. પછી શરૂ થયો શતરંજનો મહાખેલ. અને જ્યાં શતરંજ હોય ત્યાં શકુની તો હોય જ …. આ ખેલમાંથી એક શકુનીનો પણ જન્મ થયો.

(૨)  ૧૧૮ વર્ષ જૂની આ ગુજરાતી ભાષાની એક માત્ર મજબૂત સંસ્થાને ગ્રહણ લગાવતી એક બે વ્યક્તિઓ ઊધઈની જેમ અંદર પેસી ગઈ છે. સાહિત્ય સેવાના નામે પોતાના પદને ટકાવી રાખવા શામ, દામ, દંડ અને ભેદ બધી જ અનીતિઓના દાવપેચ રમીને પરિષદના હોદ્દેદારોનાં પાસાં ગોઠવવામાં આ વ્યક્તિ માહેર છે. પરિષદને અને સાહિત્યને જાણનારા મોટાભાગના એમને જાહેરમાં પરિષદના ચાણક્ય અને ખાનગીમાં શકુની કહે છે. અને આવી વ્યક્તિ જ્યારે પરિષદના ઉચ્ચ પદ માટે આપણી પાસે મત માંગે ત્યારે આપણે એક વખત તો ચોક્કસ વિચારવું જ જોઈએ. ગઈ ચૂંટણીમાં એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે પ્રમુખ તરીકે હર્ષદ ત્રિવેદી જીતવાના જ હતા. પણ છેલ્લી ઘડીએ એમના પક્ષમાં પડેલા ચાલીસેક જેટલા મતો રદ્દ થયેલા. અને લગભગ એટલા જ મતથી હર્ષદભાઈ હારેલા. બસ, મતની આ રદ્દનીતિ – કૂટનીતિ માત્ર અને માત્ર આ શકુનીમામા જ જાણે છે. કોને કંઈ રીતે જીતાડવા, કોને કંઈ રીતે હરાવવા તે આ ખૂબ સારી રીતે જાણે છે. જો હર્ષદભાઈ કે માધવભાઈ આ વખતે ધ્યાન નહીં રાખે તો બન્નેની દશા હારી ગયેલા પાંડવો જેવી થશે. કેમ કે આ વખતે પણ તેમની સાથે આવો ખેલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

(૩).  પરિષદની ચૂંટણીમાં કહેવાય છે કે મતદાન ખાનગી પ્રક્રિયા છે. પણ આ બિલકુલ ખોટી વાત છે. કેમ કે દરેક મતપત્રક ઉપર એક નંબર આપવામાં આવેલો છે. અને જે તે નંબરવાળું મતપત્રક કોને મોકલવામાં આવ્યું છે એની નોંધ પરિષદમાં રખાય છે. અને એની વિગતો આ જાણભેદુ પાસે પણ હશે જ. તેથી આ મતદાન મતદારો માટે કવર બંધ કરે એટલા પૂરતું ખાનગી હશે પણ પરિષદના કાર્યાલયે પહોંચ્યા પછી એનું શું થાય છે એની કોઈને ખબર નથી. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ ખાનગી મતપત્રકો જોવા માટે ઘણી વખત પરિષદમાં ખાનગી રીતે રાત્રીરોકાણ પણ થાય છે. અથવા આ બધા કવરો રાત્રે બહાર લઈ જઈને સવારે પરત આવી જવાની વાયકાઓ પણ ચર્ચાય છે. અને પછી કોણે કોને મત આપ્યો ? કોને કેટલા મત મળ્યા ? આ બધું જાણી સમજીને શકુની પોતાના પાસાઓ ફેંકે છે. અને બિચારા સંવેદનશીલ અને પ્રામાણિક સર્જકો, સિદ્ધાંત અને સત્યમાં માનવાવાળા સર્જકો આરામથી હારી જાય છે. આ ચૂંટણી જીતવા માટે ઑરિજનલ કે ડૂપ્લીકેટ મતપત્રકો અગાઉથી તૈયાર પણ રાખી શકાય છે. દા.ત. પાંચેક હજાર મતદારો છે. તો પાંચ હજાર કવર-મતપત્રક તૈયાર કરીને સૌને પોસ્ટમાં મોકલવામાં આવે છે. હવે એમાંથી માત્ર બસો ચારસો આજીવન સભ્યો એવા હશે કે જેમને ચૂંટણી, સાહિત્ય, ‘પરબ’ કે પરિષદ સાથે કોઈ લેવાદેવા નહીં હોય … વર્ષો પહેલાં આજીવન સભ્ય બની ગયેલા હોય. આવી વ્યક્તિઓની એક અલગ યાદી શકુની પાસે હોય જ ….. બસ, આવી વ્યક્તિઓના મતપત્રકો માત્ર સો બસો કવરમાં નાખીને તૈયાર રાખીને અંતિમ દિવસોમાં પોસ્ટ કરીને સામેલ કરીને આખી બાજી પલટાવી શકાય છે. કદાચ એવું પણ બને કે પ્રમુખ પદના ઉમેદવારોને આ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે. પણ આ શકુનીમામા વર્ષોથી પરિષદમાં છે. પરિષદના બધા કર્મચારીઓ પણ એમનાથી ડરે છે. તેથી તેઓ મામાની ગેરહાજરીમાં પણ એમનું જ કહેલું, શીખવેલું કરવાના છે. માત્ર બસો ત્રણસો કવરોનું સેટિંગ આખી બાજી ફેરવી નાખશે. જેવી રીતે ગઈ વખતે માત્ર ચાલીસેક મત રદ્દ થયેલા એમ …. આ વખતે પણ થઈ શકે છે. રદ્દ થયેલા મતની વિગતો લઈ એ મતદાતાનું નામ જાણી એમને એમનું મતપત્રક બતાવવામાં આવે તો કદાચ આ આખું ષડયંત્ર બહાર પણ આવે. કેમ કે મતદાન તો સરખી રીતે જ થયું હોય પણ એ કવર અહીં આવતા એમાં છેડછાડ (ચેકચાક) કરીને એને રદ્દ બનાવવામાં આવે છે. અવસાન પામેલા અનેક આજીવન સભ્યોનાં નામે મતદાન પણ થાય છે.

(૪)  મધ્યસ્થમાં આ વખતે પણ ઘણા સર્જકો અકાદમી અને પરિષદ બન્ને બાજુ ઢોલકી વગાડવા તૈયાર થયા છે. મારા સન્માનનીય મિત્ર રાઘવજી માધડ મારી સાથે ગયાં ત્રણ વર્ષની ટર્મમાં પરિષદમાં ચૂંટાયેલા હતા. અને મારા કરતાં વધારે અકાદમીના કાર્યક્રમોમાં, સેમિનારોમાં, શિબિરોમાં ભાગ લીધેલો પણ માનન્ય પ્રમુખ પ્રકાશભાઈ શાહ અને શકુનીમામાની કૃપાદૃષ્ટિથી અમારી ૧૨ની જેમ તેઓ બરતરફ નહોતા થયા. પણ જ્યારે અકાદમીએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જુલાઈ-૨૦૨૩માં સર્જકોનો બે દિવસીય સેમિનાર કર્યો તો તેમાં રાઘવજીભાઈને પણ નિમંત્રણ મળેલું. તેથી એ લાભલેવા એમણે પરિષદના મધ્યસ્થ સમિતિના સભ્ય પદેથી નાછૂટકે રાજીનામુ આપ્યું હતું. અને હવે ત્રણ મહિના પછી જ ફરીથી પરિષદની ચૂંટણી આવી તો ફરીથી સભ્ય પદ માટે પરિષદનું પદ મેળવવા ફોર્મ ભર્યું ?  આવું કેમ ? રાઘવજીભાઈ જેવા પ્રતિષ્ઠિત લેખક પણ જો બન્ને બાજુ ……………… તો બીજા નવા ને તો શું કહેવું ? પણ મનમાં એક સવાલ ચોક્કસ થાય કે શું રાઘવજીભાઈ જેવા પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સર્જકને પરિષદના મધ્યસ્થપદની જરૂર છે ખરી ? શું તેઓ બીજા આખાં ત્રણ વર્ષ અકાદમીના કાર્યક્રમોમાં બિલકુલ નહીં આવે ? કે પછી ફરીથી જરૂર પડ્યે પરિષદમાંથી રાજીનામું આપીને અકાદમીનો લાભ લેશે ? ….. પણ પહેલી વખત તો પ્રકાશભાઈની કૃપાદૃષ્ટિથી રહી ગયેલા … આ વખતે નહીં બચી શકાય …. એટલે સૌ સર્જકો … એક તરફનું સ્ટેન્ડ લઈ લેજો. કેમ કે જો  હર્ષદભાઈ આવશે તો તેમના ઢંઢેરા મુજબ તેઓ અકાદમી સ્વાયત્તતાની સૂઈ ગયેલી ઝંખનાને ફરીથી જાગૃત કરશે. પછી બન્ને બાજુ ઢોલકી નહીં વગાડી શકાય. તેથી તમને મત આપનાર સાતસો આઠસો મતદારોનો વિશ્વાસભંગ ના કરતા.

(૫)  પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો છે.  (૧) માધવ રામાનુજ (૨) હર્ષદ ત્રિવેદી (૩). પ્રફુલ્લ રાવલ ….  આ ત્રણેય ઉમેદવારોની પોતપોતાની ખાસિયતો છે. એક કવિ માધવ રામાનુજ સાવ સૌમ્ય, સરળ અને મૃદુ સ્વભાવના છે. સાહિત્યજગતમાં અત્યંત લોકપ્રિય પણ છે. અનેક સર્જકો, અધ્યાપકો, ભાવકો એમના પ્રત્યે આદરભાવ ધરાવે છે. વળી તેઓ પરિષદ સાથે વર્ષોથી જોડાયેલા છે. વિવિધ પદ ઉપર કામ કરીને અનુભવી પણ છે પરંતુ વચ્ચે થોડો સમય તેઓ અકાદમીની સમિતિમાં જોડાયેલા, અને અકાદમી દ્વારા અપાતા ગૌરવ પુરસ્કારથી પણ સન્માનીત થયા હતા. અને ફરી પાછા અકાદમીમાંથી પરિષદમાં હેમખેમ આવી ગયેલા. આમ છતાં ય તેઓ પોતાની છવિ સરળ રાખી શક્યા છે. શક્ય એટલા વિનમ્રતાથી સૌની સાથે વર્તીને સૌના હૃદય જીતવાની તેમની કળા સૌએ શીખવાની જરૂર છે. અને સૌ એવી આશા પણ રાખે છે કે જો તેઓ પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાય તો “પરિષદ-અકાદમી”ના સ્વાયત્તતાના  વિવાદનો અંત લાવીને બન્ને સંસ્થાઓને ફરીથી એક કરીને સાહિત્ય અને સર્જકોની ગરિમાને વધારશે.

બીજા ઉમેદવાર હર્ષદ ત્રિવેદી છે. બાબુ સુથારે એમની ફેસબૂક પોસ્ટમાં ખૂબ કડક શબ્દોમાં એમના વિશે લખ્યું છે. પણ હું ઓળખું છું ત્યાં સુધી એમના જેવો ‘સંપાદક’ ગુજરાતી ભાષામાં સમકાલીન સમયમાં બીજો કોઈ નથી. એમની સંપાદકીય સૂઝ અને નીતિને કારણે તેઓ જ્યારે ‘શબ્દસૃષ્ટિ’નું સંપાદન કરતા, ત્યારે અનેક કવિ લેખકોને તેમની કૃતિઓ અસ્વીકૃત કરીને નારાજ કર્યા હશે, એટલે તે કદાચ આવા સર્જકો ચૂંટણીમાં થોડું નૂકશાન કરી શકે. પરિષદને સારી રીતે ચલાવવા માટે સક્ષમ ખરા પણ મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા મહાન સભ્યો સાથે તેઓ સેટ થઈ શકશે ખરા ? એ એક મહાપ્રશ્ન છે. કેમ કે અહીં સૌ પોતાને નરેદ્ર મોદી સમજીને પરિષદમાં પ્રવેશે છે. બીજું  ઘણા સર્જક મિત્રોને એક આશ્ચર્ય એ પણ છે કે હર્ષદભાઈ પોતે વર્ષો સુધી અકાદમીમાં સંપાદક અને મહામાત્ર તરીકે રહ્યા. અને હવે તેઓ અકાદમીને સ્વાયત્ત બનાવવા સરકાર સામે આંદોલનો કરશે ખરા ? જો કે ખુદ હર્ષદભાઈના સમયથી લઈને અત્યાર સુધી પરિષદ કરતાં અકાદમી વધુ સ્વાયત્તતાથી કામ કરે છે. એ વાતને સમજીને હર્ષદભાઈ જો સ્વાયત્તતાની પીપૂડી વગાડતા પાંચ દસ સાહિત્યકારોને સમજાવી પરિષદ-અકાદમીને અગાઉની જેમ એક કરશે તો એ ઐતિહાસિક કાર્ય લેખાશે.

ત્રીજા ઉમેદવાર વિશે મોટાભાગના લોકો ખાનગીમાં “શકુની” કહે છે. કેમ કે આખી પરિષદ પરંપરાને ડામાડોળ કરનાર આદરણીય પ્રફુલ્લભાઈ છે. એવું લોકો માને છે. એક વર્ગ તો એમ પણ કહે છે કે આ ચૂંટણીમાં તેઓ જ જીતવાના છે. કેમ કે માધવભાઈ અને હર્ષદભાઈ છળ અને પ્રપંચ કરી શકવાના નથી અને આ મામા એમાં માહિર છે. ઘણા તો એવું પણ માને છે કે તેઓએ અત્યારથી કોને કેટલા મત મળશે એ નક્કી કરી રાખ્યું હશે. અને એ જીતશે તો માત્ર દસ વીસ મતના ડિફરન્સથી જીતશે. એવી ગોઠવણ કરી રાખી હશે. એમણે મધ્યસ્થનું પણ અત્યારથી ગોઠવી રાખ્યું હશે. કોને ક્યાં મંત્રી બનાવવા એ પણ નક્કી હશે. માધવભાઈ અને હર્ષદભાઈ તો પ્રમુખ પદનો પ્રચાર કરતા હશે અને પ્રફુલ્લભાઈ આખું મંત્રીમંડળ નક્કી કરી નાખશે. આટલી તાકાત તેઓ ધરાવે છે. આખા અમદાવાદની પોસ્ટ ઓફિસો,  કુરિયરવાળા બધા જ એમના ખિસ્સામાં છે. તેઓ ધારે એ કરી શકશે. એવું ઘણા લોકો માને છે. એમનું નેટવર્ક ખતરનાક છે. પાંચેક હજાર આજીવનમાંથી બસો ત્રણસો મત તો એમના હાથમાં જ હશે. માધવભાઈ અને હર્ષદભાઈ સહેજ ગફલતમાં રહ્યા નથી કે હાર્યા નથી …… એવું થવાની પૂરી સંભાવના છે.

પણ આપણે ઈચ્છીએ કે પરિષદની પરંપરાના પાયામાં પેસી ગયેલી ઊધઈ નાશ પામે, તમામ પ્રકારના છળ અને પ્રપંચમાંથી પરિષદ મૂક્ત થાય, પરિષદ-અકાદમી એક થાય, લાભનીતિ છોડીને સૌ સાહિત્યનીતિથી કામ કરે, નહિતર આવનારા વર્ષોમાં મધ્યસ્થના ૪૦માંથી એકે ય સાહિત્યકાર નહીં હોય. અને પછી કોઈ શહેરની નગરપાલિકાની અને પરિષદની ચૂંટણીમાં કોઈ ફેર નહીં હોય.  અસ્તુ.

સૌજન્ય : ડૉ. કનૈયાલાલ ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અનાથ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|12 October 2023

પ્રીતમ લખલાણી

ચાર વાગ્યાનું એલાર્મ વાગ્યું. ચિંતન આંખો ચોળતો મનોમન બબડ્યો, રમણકાકા પણ ખરા છે કયાં અત્યારે સવારે સાડા ચાર વાગ્યામાં આપણું ઘર ઊઘડી જવાનું છે! મને કહે, ‘દીકરા હું તને કારણ વગર આટલી વહેલી સવારે હેરાન ન કરું. તું તો મારો મિત્ર અમૃતનો શ્રવણ છો. અમૃતે કયા જન્મના પુણ્ય કર્યા હશે કે તેને ખોળે તું ઈશ્વર જેવો દીકરો પાક્યો. દીકરા, મને મારા પેટના જણ્યા કરતાં તારા પર વઘારે વિશ્વાસ છે. એટલે તને આટલી વહેલી સવારે સાડા ચાર વાગ્યે મને અને તારી કાકીને આપણા ઘરમાં મૂકી જવા માટે વિનંતી કરું છું.’

‘આમ તો રમણકાકા અને મુક્તાકાકી કારણ વિના કોઈને હેરાન કરે નહિ. બિચારાંની કોઈ મજબૂરી હશે. કદાચ મનમાં હશે કે શહેર જાગે અને કોઈ પડોશી પૂછે કે રમણલાલ આટલી વહેલી સવારે ઘરને તાળું મારી મુક્તાકાકી સાથે કયાં ચાલ્યાં?’ પડોશી પથારીમાં આળોટતા હોય એટલે કોઈ સવાર પૂછે નહીં અને આપણે કોઈને કશો જવાબ આપવાને બદલે મૂગાં મૂગાં આપણા ઘરની વાટ પકડી લેવી. કદાચ બિચારાને મનમાં એમ પણ હોય કે આજકાલ અમારા જેવાં કેટલાં ય ઘરડાં મા-બાપ સંતાનોથી તર છોડાયેલાં આપણા ઘરે રોજ આવતાં હશે. કદાચ ત્યાં પણ એવું તો નહીં હોય ને કે વહેલો તે પહેલો. એ બીકે પણ આટલી વહેલી સવારે આપણા ઘરે જવા નીકળી પડયાં હોય!’

‘ખેર, જે હોય તે પણ રમણકાકા મને કયાં રોજ આમ ચાર વાગ્યામાં ઉઠાડે છે? મારે તો ફકત એક દિવસ વહેલું ઉઠવાનું થયું, એમાં શું કામ આટલી બઘી ચિંતા કરવાની? વળી આવતી કાલે તો ગણેશ ચતુર્થી છે. મારે કયાં કામે જવાનું છે. બસ, કાકાકાકીને આપણા ઘરના દરવાજે ઊતારી પાછો ઘરે આવી સૂઈ જઈશ. કાકાકાકીને જો ગામમાં દીકરાદીકરી મોજૂદ હોત તો આમ થોડા મને કહેવાના હતા કે ચિંતન બેટા, તું અમને આપણા ઘરે મૂકી જા. આ તો મારું સદ્દભાગ્ય કે કાકાએ મને પોતાનો અંગત દીકરો ગણી આ એક સેવા કરવાની તક આપી!’

વિચારોના વમળમાંથી બહાર નીકળી, ચિંતન કાકાએ કહેલા સમય મુજબ સાડાચારના ટકોરે ગાડીનું હોર્ન કાકાના આંગણામાં આવીને વગાડ્યું. હોર્ન કાને પડતાં જ મુક્તાકાકીએ બહાર આવી, ચિંતનને કહ્યું, ‘દીકરા, તું ઘરમાં આવ. તારા કાકા પૂજા કરવા બેઠા છે.’

ચિંતને ઉંબરમાં પગ મૂકયો ન મૂક્યો અને રમણકાકાએ પૂજા ખંડમાંથી બહાર આવતાં કહ્યું, ‘ભાઈ, ચિંતન, તું તો સમયનો બહુ જ પાકો. આ ઘડીએ જ ઘડિયાળમાં સાડા ચારના ટકોરા પડ્યા અને તારી ગાડીનું હોર્ન વાગ્યું, મારી પૂજા પતી ગઈ છે, બસ શહેર અંઘકારની ચાદરમાંથી જાગે તે પહેલાં આપણે આપણા ઘરે નીકળી જઈએ.’

‘કાકા, તમારે જ કંઈ સામાન આપણા ઘરમાં સાથે લઈ જવાનો હોય તો મને દેખાડો. હું ગાડીમાં મૂકતો થાઉં. તમે અને કાકી આટલી વારમાં તૈયાર થઈ જાઓ.’

‘દીકરા, સામાનમાં ખાસ કંઈ સાથે લઈ જવાનું નથી. આ સામે પડેલ બે થેલીમાં, જેમાં અમારી કપડાંની બે ત્રણ જોડ મૂકેલ છે. તે બે થેલી અને મારી પૂજાની એક નાની રેશમી થેલી, તે અમે લઈને આવીએ છીએ. તું આ બે થેલી તારી ગાડીમાં મૂકતો થા.’

રમણકાકા અને મુક્તાકાકીએ આપણા ઘરે જવા ઘરમાંથી પગ ઊંબરા બહાર મૂકતાં પહેલાં છેલ્લીવાર તેમણે જિંદગીના સાડા પાંચ દાયકા જ્યાં વીતાવ્યા હતા, તે ઘરમાં એક નજર નાખી એટલે આંખમાં જળજળિયાં આવી ગયાં.

‘એકવાર અમારું આ નાનકડું ઘર દીકરા દીકરીના કિલકિલાટથી પંખીના માળાની જેમ ગુંજતું હતું. દીકરાદીકરીને પાળીપોષીને મોટાં કર્યાં, ભણાવીગણાવી ધંધે વળગાડ્યાં. પરણાવીને ઘર સુધ્ધા માંડી દીધાં. સંતાનોને કોણ જાણે કેમ આ શહેર નાનું પડ્યું. કોઈને કોઈ કારણ આપી, અમને રામને ભરોસે મૂકી, વિદેશના સીમાડા ખેડી નાખ્યા. અરે! ઈશ્વર એમાં બિચારાં સંતાનોને શું દોષ દેવો?  અમારા ઉછેરમાં કયાંક ખામી હશે. મનોમન જાતને કોસતા રમણકાકાએ ચિંતનને કહ્યું, ‘ચાલ બેટા, હવે આ આપણે નીકળીશું? આ ઘરને હવે છોડી આપણા ઘરે જવાનું જ છે તો પછી શું કામ કારણ વિના આ ઉંમરે હવે રહીને આ ઘરની કે પછી આ સંસારની મોહમાયા રાખવી! દીકરા, લે આ ચાવી અને ઘરને મારી દે તારા હાથે તાળું.’

રમણકાકાને આપણા ઘરમાં જવા ઉતાવળ કરતા જોઈ ઘરને તાળું મારતા ચિંતને રમણકાકાને કહ્યું, ‘કાકા, જરા ઊભા રહો. ખોટી ઉતાવળ ન કરો. હું તમને પગથિયાં ઉતરવા માટે મારો હાથ આપું છું. અંઘારામાં કયાંક પગથિયું ભૂલી ન જાતા. આપણને કંઈ ઉતાવળ નથી. ઘણો સમય છે. તમે જરા ઘ્યાન આપી મુક્તાકાકીનો હાથ પકડી નિરાંતે પગથિયાં ઊતરો.’

‘દીકરા, હવે અમારે અમારા પગના જોરે જ ડગ માંડવાના છે! આ લાકડી અને એકમેકના સહારે જિંદગીનાં બચેલાં બેચાર વરસો પૂરાં કરવાનાં છે. દીકરા, તારી લાગણી અમારા પ્રત્યે છે એની અમે જેટલી કદર કરીએ એટલી ઓછી પડશે! ઈશ્વર, તને સદા સુખી રાખે. હવે અમે તને, આ સમયે આશીર્વાદ સિવાય બીજું આપી પણ શું શકીએ?’

‘કાકાકાકી ગાડીમાં ગોઠવાયાં. ચિંતને ગાડી ચાલુ કરી, ગાડી અંઘકારને ચીરતી ઘીરે ઘીરે નાની મોટી શેરીઓ વટાવતી શહેરના મુખ્ય ગાંધી માર્ગ પર આવી પહોંચી. બારી બહાર શહેરને ઝીણી નજરે નિહાળતા રમણકાકાએ ચિંતનને પૂછયું, ‘ચિંતન બેટા, આ ગાંધી માર્ગ છે?’

‘હા, કાકા.’

‘તો બેટા, તું એમ કર ને. ગાડીને જરા આગળ જઈને શેઠ જાધવજી માર્ગ પર વાળી લે.’

‘કાકા, આપણું ઘર તો ગાંધી માર્ગના છેવાડે આવેલા ગોવિંદજી મહેતા માર્ગના ખૂણા પર આવેલું છે.’

‘હા દીકરા, મને ખબર છે. પણ હું તને કહું છું તે પ્રમાણે કર.’

ચિંતનને મનમાં થયું, જાધવજી માર્ગ પર આવેલી હવેલીમાં મંગળાના દર્શન કરીને પછી આપણા ઘરમાં જવાની કાકાની ઈચ્છા હશે! ઘર તો આમે ય સવારે દશ સાડા દશ પહેલાં કયાં ખૂલે છે?

મારે તો તેમને દરવાજે ઊતારીને પાછા ચાલ્યા આવવાનું છે. એ વિચાર સાથે એણે ગાડી જાધવજી શેઠ માર્ગ પર વાળી લીઘી.

‘ચિંતન, આ શું લક્ષ્મીનારાયણનું મંદિર ગયું?’

‘હા, કાકા.’

‘તો પછી, જરા ડાબી બાજું નજર નાખતો રહેજે. હમણાં જ બે પાંચ મિનિટમાં વલ્લભનાથ અનાથ આશ્રમ આવશે. બેટા, તું ગાડી થોડી વાર માટે અનાથ આશ્રમમાં ઊભી રાખજે.’

કાકાની આ વાત સાંભળી ચિંતન ફરી પાછો વિચારમાં ચડી ગયો.

‘અરે, કાકાને જવું છે આપણા ઘરે તો પછી મને કેમ કહે છે કે તું ગાડી અનાથ આશ્રમમાં ઘડીક માટે ઊભી રાખજે. ખરેખર શું આનું નામ જ બુઢાપો! માણસ અનાથ આશ્રમ અને આપણા ઘરની વ્યાખ્યા પણ ભૂલી જાય! માણસને સંતાનોની ખોટ કેટલી સાલતી હશે? કે એકલતામાં માણસ કશું વિચારી પણ શકતો નથી. કદાચ કાકાકાકીએ થોડીક મૂડી બચાવી રાખી હશે, સંતાનોના દીકરાદીકરીને વારસામાં આપી જવા. કદાચ કાકાકાકીને રહી રહીને સમજાયું હશે કે વિદેશમાં વસતા દીકરાઓને આપણા રુપિયાની કિંમત પણ શું? કદાચ મનોમન નક્કી કરી લીધું હશે કે આપણી પાસે જે કંઈ નાની એવી બચત છે આપણા ઘરમાં જતાં પહેલાં અનાથ આશ્રમમાં દાનમાં આપી દઈશું. અરે, ભગવાન! હું પણ કેવો મૂર્ખ છું. ખોટા કારણ વિના વિચારના વર્તુળમાં અટવાયો છું. કાકાએ પોતાની મૂડી તો શું આ નાનકડું ઘર પણ સંતાનોના સુખ માટે આજે છોડી દેવું પડ્યું છે. દીકરાને વિદેશ જવું હતું ત્યારે કાકાએ ઘરને બેન્ક પાસે ગિરવે મૂકીને લોન લીઘી હતી. આ ઉંમરે કાકા લોન ન ભરી શકતાં કાકાએ ઘર વેચી લોનની રકમ બેન્કને ભરપાઈ કરી. આજે આપણા ઘરે જવા નીકળ્યા છે.’

વિચારમાં ને વિચારમાં અનાથ આશ્રમ વહી જતા પણ બારીમાંથી અનાથ આશ્રમની રાહ જોતા રમણકાકાની નજર વલ્લભનાથ આશ્રમના પાટિયા પર પડી. તેમણે ચિંતનને સ્વપ્નમાંથી જગાડ્યો.

‘ચિંતન, મને લાગે છે કે વલ્લભનાથ અનાથ આશ્રમ આવી ગયો છે.’

‘કાકા, સારું થયું તમે મને યાદ કરાવ્યું. નહિતર અનાથ આશ્રમ નજર સામે પસાર થઈ જાત.’ એમ કહેતા ચિંતને ગાડીને અનાથ આશ્રમના દ્વાર પાસે ઊભી રાખી દીઘી.

રમણકાકાએ ગાડીમાંથી નીચે ઊતરતાં મુક્તાકાકીને કહ્યું, ‘મુકતાગૌરી, પેલી પૂજાની થેલી મને જરા આપો તો.’

કાકીએ કાકાના હાથમાં થેલી મૂકતાં જરા આકાશ સામું જોયું. અને પછી આંખે આવેલાં આંસુ સાડલાના છેડે લૂછી, થેલી સામે બે હાથ જોડી, થેલી કાકાના હાથમાં મૂકી.

કાકા ઘીમે ઘીમે ડગલાં ભરતાં, આશ્રમનાં બે ચાર પગથિયાં ચડી આશ્રમની ઓસરીમાં ખાલી પડેલા એક ઘોડિયા પાસે ગયા. ત્યાં રોજ કોઈ દુઃખિયારી સ્ત્રી પોતાના સંતાનને વહેલી સવારના અંઘકારમાં મૂકીને જતી રહેતી. રમણકાકાએ આજુબાજુ નજર કરી કે કોઈ તેમને જોતું તો નથી ને. પછી હાથમાં પકડેલ રેશમી થેલીમાંથી, રોજ વહેલી સવારે પૂજાપાઠ કરતા હતા તે બાલકૃષ્ણની મૂર્તિ બહાર કાઢી. તેની સામે બે હાથ જોડી બોલ્યા, ‘હે, બાલકૃષ્ણ, મેં અને મુકતાગૌરીએ છેલ્લા પાંચ દાયકાથી તનમનથી તમારી ભકિતભાવથી સેવા કરી છે. આજ સમય સંજોગોને આઘીન થઈ, ન છૂટકે અમારે તમને આજ અનાથ આશ્રમના દ્વારે મૂકી જવા પડે છે. હે, મારા વહાલા, તું અમને માફ કરી દેજે. અમે મજબૂર છીએ. જયાં અમારે આજ આપણા ઘરનું શરણું લેવું પડ્યું છે, ત્યાં અમે તને અમારી સાથે ક્યાંથી લઈ જઈએ?’

ક્ષમાયાચના કરતા કાકાની આંખ છલકાઈ ગઈ. કચવાતે મને હળવેકથી માથે વહાલભર્યો હાથ ફેરવતાં લાલાને ઘોડિયામાં મુકી એક લાચાર સ્ત્રીની જેમ બાળક પર મીઠી નજર નાખતી, જતાં જતાં બાળકના આગમનનો ઘંટ વગાડી, આશ્રમના ગૃહપતિને બાળકના પઘરામણીની જાણ કરતી જાય, એ રીતે કાકાએ આશ્રમનાં પગથિયાં ઊતરતાં, ગૃહપતિને જાણ કરવા બેત્રણ વાર ઘંટ વગાડી, થોડેક દૂર આશ્રમનાં દ્વાર પાસેના દરવાજાની તિરાડમાંથી ગૃહપતિ આવીને લાલજીને આશ્રમની અંદર ક્યારે લઈ જાય છે તે જોવા લાગ્યા.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

પ્રેમ જીત્યા વિના સહઅસ્તિત્વ શક્ય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|12 October 2023

રમેશ ઓઝા

કોઈએ કલ્પના નહોતી કરી કે આવું બનશે. છઠ્ઠી ઓક્ટોબર ૧૯૭૩ના રોજ અનવર સાદતના નેતૃત્વમાં ઈજિપ્તે ઇઝરાયેલ પર હુમલો કર્યો એની બરાબર ૫૦મી વરસીના દિવસે, ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ નામના ત્રાસવાદી જૂથે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને જગત જોતું રહી ગયું. મોટી સંખ્યામાં યહૂદીઓને મારી નાખવામાં આવ્યા અને એટલી મોટી સંખ્યામાં યહૂદીઓને બાન પકડવામાં આવ્યા છે. જેને બાન પકડવામાં આવ્યા છે તેમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ અમેરિકન પ્રમુખ જો બાયડને કહ્યું છે.

હમાસ અને એ સમયના ઈજીપ્ત વચ્ચે કોઈ તુલના ન થઈ શકે. હમાસ ઈજીપ્તની તુલનામાં દસમાં ભાગની પણ શક્તિ નથી ધરાવતું, પણ તેનો ઈરાદો ઇઝરાયેલના ઘમંડી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુનું નાક કાપવાનો ઈરાદો હતો, અને તેમાં તેને સફળતા મળી ગઈ છે. નેતાન્યાહુ જેવો સ્વઘોષિત કૃતસંકલ્પ નેતા, મોસ્સાદ જેવું વિશ્વનું શ્રેષ્ઠ ગુપ્તચરતંત્ર અને પેગાસસ જેવાં જાસૂસી માટે ઉપયોગી સ્પાઈવેર કામમાં ન આવ્યાં. ભારત સરકારે વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો પર જાસૂસી કરવા પેગાસસની ખરીદી કરી હતી. એમાં કોઈ શંકા નથી કે યુદ્ધમાં અંતિમ વિજય ઇઝરાયેલનો થવાનો છે. ઇઝરાયેલ પાસે હમાસ કરતાં અનેકગણી લશ્કરી શક્તિ છે. ઇઝરાયેલની પાછળ અમેરિકા અને બીજાં પાશ્ચાત્ય રાષ્ટ્રો છે. હમાસને કોઈ દેશનો સીધો ટેકો નથી. હમાસ આ જાણે છે, પણ હમાસનો હુમલો કરવા પાછળનો ઈરાદો ઇઝરાયેલને હરાવવાનો નહોતો, નાક કાપવાનો હતો. નેતાન્યાહુનું નાક કપાઈ ગયું અને હમાસનું કામ થઈ ગયું.

પણ એક પ્રશ્ન છે, બાન પકડવામાં આવેલા ઇઝરાયેલીઓ અને અમેરિકનોનો. અચાનક પેલેસ્ટાઇનના એક સિનિયર નેતા અને સંસદસભ્ય મુસ્તફા બારઘોટીએ હમાસ વતી આગળ આવીને ઓફર કરી છે કે જો ઇઝરાયેલની જેલમાં કેદ ભોગવતી પેલેસ્ટીની મહિલાઓને છોડવામાં આવે તો હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલના નાગરિકોને સાટે આપવા તૈયાર છે. અને બીજા તબક્કામાં જો ઇઝરાયેલ તમામ પેલેસ્ટીની પુરુષોને છોડવા તૈયાર હોય તો સાટામાં હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલી સૈનિકોને છોડવા તૈયાર છે. હમાસના કબજામાં કેટલા ઇઝરાયેલીઓ અને અમેરિકનો છે અને ઇઝરાયેલની જેલમાં કેટલા પેલેસ્ટીનીઓ છે એ આપણે જાણતા નથી. એક વાત નક્કી છે કે લગભગ હજારેક યહૂદીઓ હમાસના હુમલામાં માર્યા ગયા છે.

પોતે કે પોતાનાં લોકો મરે એનાથી ત્રાસવાદીઓને કોઈ ફરક પડતો નથી. ત્રાસવાદ આના ઉપર જ ટક્યો છે. જે મરે છે એ જન્નતના અધિકારી બને છે એમ તેઓ કહે છે. પણ જે દેશ પર હુમલો કરવામાં આવ્યો હોય ત્યાંના શાસકો પર તેની જરૂર અસર પડે છે અને જો કોઈ દેશ લોકશાહી ધરાવતો હોય તો ઘણી મોટી અસર થાય છે. નેતાન્યાહુ હબક ખાઈ ગયા છે, બાકી હમાસને તો ખબર જ છે કે હુમલાની તેણે કિંમત ચૂકવવી પડશે.

સમસ્યા એ છે કે ઇઝરાયેલમાં જડભરત યહૂદીઓની એક જમાત છે. એમાં અનિવાસી યહૂદીઓમાંથી તો કેટલાક હજુ વધુ જડભરત છે. અનિવાસી ભારતીયોની જેમ. તેમને એમ લાગે છે કે વતન ગુમાવ્યા પછી પણ જે પ્રજા યહૂદી ધર્મને ટકાવી રાખે, ઇઝરાયેલી અસ્મિતા ટકાવી શકે, સદીઓ પછી વતન પાછું મેળવી શકે, દુ:શ્મનો વચ્ચે ઘેરાયેલું હોવા છતાં અસ્તિત્વ ટકાવી રાખી શકે, વિકાસ સાધી શકે, જગતને શસ્ત્રો વેચી શકે એ પ્રજા કેવી પ્રતાપી હશે! વાત તો સાચી, પણ એ પ્રતાપનો શ્રેય તેઓ તેમનાં પુરુષાર્થને નથી આપતાં, યહૂદી હોવાપણાને આપે છે. આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે અજેય છીએ. આપણે ત્યાં પણ કહેવામાં આવે છે ને કે આપણે (માત્ર હિંદુ) જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે વિશ્વગુરુ છીએ.

આવા જડભરત યહૂદીઓ સાવ હાંસિયામાં નથી અને પહેલાં પણ નહોતા. એ લોકોએ ૧૯૯૫માં ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રેબીનની હત્યા કરી હતી, કારણ કે રેબીને પેલેસ્ટીની નેતા યાસર અરાફત સાથે ઓસ્લો સમજૂતી કરી હતી. ઓસ્લો સમજૂતી માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા રેબીનને જડભરત યહૂદીઓએ દેશદ્રોહી જાહેર કર્યા હતા અને દેશદ્રોહીની તો હત્યા જ કરવાની હોય. એમાં બન્યું છે એવું કે અત્યારે નેતાન્યાહુની સરકાર લઘુમતીમાં છે એટલે દરેક અર્થમાં ગામના ઉતાર જેવો, પણ પોતાને સવાયો દેશપ્રેમી તરીકે ઓળખાવનારો ઝનૂનીઓનો ઝનૂની ઇતમાર બેન-ગ્વીરનો ટેકો લેવો પડે છે અને પેલો નચાવે છે. આ બાજુ નેતાન્યાહુ પણ ઝેર ઓકવામાં અને બાવડાનું પ્રદર્શન કરવામાં ગ્વીરને પાછળ રાખી શકે એમ છે. ટૂંકમાં ઝનૂની લોબીને કારણે અને અનિવાસી ઝનૂની યહૂદીઓ તેમને ધન મોકલતા હોવાને કારણે આરબ-ઇઝરાયેલ સહ અસ્તિત્વ શક્ય બનતું નથી.

ધર્મઝનૂની ઇઝરાયેલીઓ કહે છે કે પેલેસ્ટાઇનમાં એક જ રાષ્ટ્રીયતા છે અને તે યહૂદીઓની, કારણ કે તે ઇસ્લામ પૂર્વેની પ્રાચીન છે. ઇઝરાયેલી યહૂદીઓ અને પેલેસ્ટીની મુસલમાનો એમ બે રાષ્ટ્રીયતા છે અને એ બે રાષ્ટ્રીયતાએ એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ એમ દ્વીરાષ્ટ્ર થિયરીના પ્રવક્તાઓ કહે છે. તેઓ સમજૂતી ઈચ્છે છે. એડવર્ડ સિદ નામના વિશ્વ વિખ્યાત વિચારકે કહ્યું હતું કે પેલેસ્ટાઇનમાં એક માત્ર આરબ નામની વાંશિક (એથનિક) રાષ્ટ્રીયતા છે જે યહૂદીઓ અને ઇસ્લામ એમ બે ધર્મમાં વહેંચાયેલી છે, જેમ ભારતમાં ભારતીયતા એ રાષ્ટ્રીયતા છે જેમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. ગાંધીજીએ પણ આ જ સલાહ આપી હતી. પ્રેમ જીત્યા વિના સહઅસ્તીત્વ શક્ય નથી. દાદાગીરી કરીને કોઈ પ્રજા કાયમ માટે સુખેથી ન જીવી શકે પછી ભલે એ ગમે તેટલી બળુકી હોય. પણ ઝનૂનીઓ સ્થિતિ થાળે પાડવા દેતા નથી અને હવે તો ઝનૂનીઓ રાજ કરે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑક્ટોબર 2023

Loading

...102030...948949950951...960970980...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved