Opinion Magazine
Number of visits: 9560748
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુરાધા : કૈસે દિન બીતે, કૈસે બીતી રતીયાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2023

રાજ ગોસ્વામી

ફ્રેંચ સાહિત્યમાં યથાર્થવાદના પ્રણેતા ગણાતા ગુસ્તાવ ફ્લુબર્ટ(1821-1880)ની, 1856માં, એક નવલકથા પ્રકાશિત થઇ હતી, ‘મેડમ બોવરી.’ આ નવલકથા મૂળ ફ્રેન્ચમાં લખવામાં આવી હતી અને ઓછામાં ઓછા 19 વખત અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવી હતી. ‘મેડમ બોવરી’ 10 ફિલ્મો અને ટી.વી. સિરીઝની પ્રેરણા બની હતી. એમાં બે જાણીતી હિન્દી ફિલ્મો હતી. તેની વાત પછી કરીએ.

અંગ્રેજી-ફ્રેંચ સાહિત્યની સૌથી ઉત્કૃષ્ઠ નવલકથાનો જેને ખિતાબ મળેલો છે તે ‘મેડમ બોવરી’ની આ લોકપ્રિયતાનું કારણ તેની નાયિકા એમ્મા બોવરી અને તેની વિષયવસ્તુ હતી. એમ્માનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ અત્યંત રોમેન્ટિક છે અને તેને સુંદર દેખાવાની, એશોઆરામ કરવાની, ઉત્કટ રીતે જીવવાની અને ભદ્ર વર્ગના લોકો વચ્ચે હરવા-ફરવાની ઝંખના છે.

તેનો પતિ, ચાર્લ્સ, દેહાતી છે અને ગામડામાં ડોકટરી કરે છે. તેને લોકોની સારવાર કરવા સિવાય કશામાં રસ નથી. બંને વચ્ચે દેખીતી અસમાનતા છે, પણ ચાર્લ્સ પત્નીને સમર્પિત છે અને તે રંગરેલિયાં કરતી હોવા છતાં તેને પત્નીમાં કોઈ કમી નજર આવતી નથી.

રોમેન્ટિક કલ્પનાઓ અને જીવનની વાસ્તવિકતાઓ વચ્ચેની આ અસમાનતામાં એમ્મા ફસાઈ જાય છે અને એક મોટા દેવા તળે દબાઈને અંતે આત્મહત્યા કરે છે. તે મનનું જીવી હતી અને મન થયું એટલે જ મરી ગઈ. ગુસ્તાવે ઘરેલું જીવન જીવતી એક કલ્પનાશીલ સ્ત્રીની એકવિધતતા અને જીવનમાં નવીનતા માટેની તેની ભૂખ પર હતાશા અને નિરાશાની મનોવૈજ્ઞાનિક વાર્તા લખી હતી.

એમ્મા એક બિનપરંપરાગત સાહિત્યિક પાત્ર હતું. એ તેની કામુકતા હતી કે પછી ભૌતિક જીવન પ્રત્યેનો તેનો અસંતોષ હતો, જે તેને અસાધારણ અને વિનાશક જીવન તરફ લઇ જાય છે? ગુસ્તાવે ઊભો કરેલો આ પ્રશ્નથી ઘણા ફિલ્મ સર્જકો ‘મેડમ બોવરી’ તરફ આકર્ષાયા હતા. ઉપર કહ્યું તેમ, હિન્દીમાં આ નવલકથા પરથી બે શાનદાર ફિલ્મો બની હતી.

1960માં, ઋષિકેશ મુખર્જીએ તેના પરથી પ્રેરાઈને ‘અનુરાધા’ બનાવી હતી. 1993માં, કેતન મહેતાએ તેના પરથી ‘માયા મેમસાબ’નું નિર્માણ કર્યું હતું. બંને વચ્ચે તાત્ત્વિક ફરક એ હતો કે ઋષિકેશ મુખર્જીએ ‘મેડમ બોવરી’નો માત્ર મૂળ પ્લોટ જ ઉઠાવ્યો હતો. તેમની અનુરાધા સ્વચ્છંદી નહોતી, પણ લગ્ન જીવનથી કંટાળેલી છે. કેતન મહેતા ‘મેડમ બોવરી’ની એકદમ વફાદાર રહ્યા હતા (ત્યાં સુધી કે ‘માયા મેમસાબ’ નામ પણ મળતું આવતું હતું) અને તેમની માયાને વ્યભિચારી એમ્મા કરતાં એક ડગલું લઇ જઈને ભ્રમણામાં (સાદી ભાષામાં ગાંડી) જીવતી બતાવી હતી.

‘માયા મેમસાબ’ બીજાં બે કારણોથી પણ ચર્ચામાં રહી હતી; એક તો તેમાં એમ્મા(માયા)ની ભૂમિકા મહેતાની પત્ની દીપા સાહીએ કરી હતી અને બે, તેના પ્રેમીની ભૂમિકા શાહરૂખ ખાને કરી હતી. ‘માયા મેમસાબ’ એક માત્ર ફિલ્મ છે, જેમાં ખાને બોલ્ડ બેડરૂમ સીન ભજવ્યું હતું. આ ફિલ્મની વાત આવતા અંકે. આજે આપણે ઋષિ’દાની ‘અનુરાધા’ને મળીએ.

‘અનુરાધા’ ઋષિ’દાની ‘ચુપકે ચુપકે,’ ગોલ માલ,’ ‘અભિમાન,’ ‘ગુડ્ડી’ અથવા ‘આનંદ’ જેવી પ્રખ્યાત નથી, પરંતુ તેની નોંધ લેવી પડે તેવી ગહેરાઈવાળી હતી. સચિન ભૌમિક નામના જાણીતા ફિલ્મ લેખકે ‘મેડમ બોવરી’ પરથી બંગાળીમાં એક ટૂંકી વાર્તા લખી હતી, જે ‘અનુરાધા’નો આધાર બની હતી. ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બેર માટે નામાંકિત થઈ હતી.

1954ની ફેમિના મિસ ઇન્ડિયા લીલા નાયડુની આ પહેલી ફિલ્મ હતી, જેને તે વર્ષે આંતરરાષ્ટ્રીય પત્રિકા ‘વોગ’માં દુનિયાની દસ સૌથી ખૂબસુરત સ્ત્રીઓમાં સ્થાન મળ્યું હતું. લીલાએ માત્ર 9 ફિલ્મોમાં જ કામ કર્યું હતું. લીલા પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રામૈયા નાયડુ અને તેમની સ્વિસ-ફ્રેન્ચ પત્રકાર પત્ની માર્થેની પુત્રી હતી. તે ભારત અને ફ્રાન્સમાં મોટી થઈ છે.

બિમલ રોયના સહાયક રહી ચુકેલા ઋષિ’દાએ તેમની ત્રીજી ફિલ્મ ‘અનુરાધા’માં નવોદિત લીલા નાયડુને એટલા માટે જ પેશ કરી હતી કારણ કે એમ્મા બાવરી ફ્રેંચ સ્ત્રી હતી.

વાર્તા કંઇક આવી હતી. એક પ્રખ્યાત રેડિયો ગાયક અને નૃત્યાંગના અનુરાધા રોય (લીલા) એક આદર્શવાદી અને સામાન્ય ઘરના ડોકટર નિર્મલ ચૌધરી(બલરાજ સાહની)ના પ્રેમમાં પડે છે. અનુરાધાના પિતા આ સંબંધની વિરુદ્ધ છે. અનુરાધાના પિતા ઈચ્છે છે કે તે લંડનથી આવેલા દીપક (અભિ ભટ્ટાચાર્ય) સાથે લગ્ન કરે, પણ અનુરાધા તે પ્રસ્તાવ ઠુકરાવી દે છે. દીપક અનુરાધાને શુભકામનાઓ આપે છે, અને ભવિષ્યમાં તેને ક્યારે ય કોઈની જરૂર પડે તો મદદ કરવાનું વચન આપીને જતો રહે છે.

લગ્ન અને એક પુત્રી પછી, અનુરાધાને ગામમાં રહેવાનો કંટાળો આવે છે. તેનું ગાવાનું બંધ થઇ ગયું છે અને તે ઘરની ચાર દીવાલોમાં પુરાઈ જાય છે. વર્ષો પછી તેના પિતા તેની મુલાકાત લે છે અને યુગલને શહેર આવી જવા કહે છે. નિર્મલ કહે છે થોડાં વર્ષ પછી વિચારીશું.

દરમિયાનમાં, દીપક તેની પ્રેમિકા સાથે કાર અકસ્માતનો ભોગ બને છે. ડૉ. નિર્મલ પ્રેમિકાની સર્જરી કરે છે. તે દરમિયાન દીપકને અનુરાધાની મુશ્કેલીઓનો અહેસાસ થાય છે અને તે નિર્મલને છોડીને શહેરમાં જવા અને સંગીતના શોખને આગળ ધપાવા માટે સલાહ આપે છે.

અનુરાધા માટે હવે સંગીત પસંદ કરવું કે પતિ, તેની દુવિધા ઊભી થાય છે. ડૉ. નિર્મલે પણ પોતાને છોડીને શહેરમાં તેનું પોતાનું જીવન ફરી શરૂ કરવાની અનુરાધાની ઈચ્છા સ્વીકારે છે. બરાબર આ નિર્ણાયક ક્ષણે અનુરાધા નિર્ધાર કરીને ડો. નિર્મલને કહે છે, “તમે તેને (દીપકને) જતા રહેવાનું અને ફરી પાછા નહીં આવવાનું કેમ કહેતાં નથી?” અર્થાત, અનુરાધા પતિને છોડવા તૈયાર નથી.

ફિલ્મના એક જમા પાસું તેનું સંગીત હતું. ‘અનુરાધા’માં, શાસ્ત્રીય સંગીતકાર પંડિત રવિશંકર, ગાયિકા લતા મંગેશકર અને ગીતકાર શૈલેન્દ્રની અનપેક્ષિત જુગલબંધી હતી. ફિલ્મનો આત્મા તેના સંગીતમાં છે, કારણ કે ફિલ્મની નાયિકા ગાયિકા છે. કુલ 5 ગીતો હતાં; કૈસે કૈસે સપનો મેં, સંવારે સંવારે કહે મોસે, કૈસે દિન બીતે કૈસે બીતી રતીયાં, બહુત દિન હુએ અને હાઈ રે વોહ દિન ક્યોં ના આયે.

ફિલ્મમાં એક દૃશ્ય છે. દીપકના આગ્રહથી અનુરાધા ગીત ગાય છે. ગીત ભલે દીપકની ફરમાઈશનું છે, પણ તેનું કેન્દ્ર ડો. નિર્મલ છે, જે તેનાં મેડિકલ થોથાંમાં વ્યસ્ત છે. ચાલુ ગીતે નિર્મલ કોઈ કામથી બહાર પણ જાય છે. દીપક એ ગીતમાં અનુરાધાનાં નહીં વહેલાં આંસુ જુએ છે, તેના અવાજમાં પતિ તરફથી મળતી ઉપેક્ષાની પીડા અનુભવે છે. એ ગીતમાં ‘અનુરાધા’ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર છે. 

કૈસે દિન બીતે, કૈસે બીતી રતીયાં

પિયા જાને ન હાયે

નેહા લગા કે મૈં પછતાઈ

સારી સારી રૈના નીન્દીયા ન આયી

જાન કે દેખો મેરે જી કી બતિયા

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 20 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

 રંગ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|21 September 2023

પ્રીતમ લખલાણી

બન્યું એવું કે લગભગ આજથી પંદરેક દિવસ પહેલાં, પડોશી દેશના લાહોર શહેરમાં બે દેશોની ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલ મેચમાં, આપણા દેશની ક્રિકેટ ટીમનો, નબળી બેટિંગ તેમ જ ફિલ્ડિંગને કારણે કારમો પરાજય થયો. અમારું ગામ જ નહીં આખો દેશ આ પરાજયને લીઘે ઉદાસીમાં ડૂબી ગયો. સ્વર્ગ સમા અમારા ગામમાં કોઈ દિવસ નહીં અને તે દિવસે કો’કની બૂરી નજર લાગી ગઈ. લોકો સમી સાંજે આઝાદ ચોક્ના બાગમાં આપણી ટીમ પડોશી દેશ સામે કેવી રીતે હારી ગઈ, એમાં ખાસ કયાં કારણો હતાં? ગમે તેમ જગતની કોઈ ટીમ સામે આપણી ટીમનો પરાજય થાય તો કંઈ નહીં, પણ પડોશી દેશ સામે હારવું એટલે જાણે યુદ્ધમાં પીછેહઠ કરી બરાબર કહેવાય. વગેરે વાતો કરતા લોકો ઠંડે કલેજે એકમેક સામે અફસોસ વ્યકત કરતા બેઠા હતા. બરાબર તે વેળાએ સામી કોમના થોડાક અસમજુ જુવાનિયાઓને શું થયું કે તેમની બુદ્ધિ ફરી ગઈ. પડોશી દેશના વિજયને વઘાવવા ખુલ્લે આમ આઝાદ ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી મનનો આનંદ વ્યકત કર્યો.

આ બનાવે ક્ષણભરમાં એક મોટા રમખાણનું રૂપ ઘારણ કરી લીઘું. જયાં વરસોથી બે કોમ વચ્ચે કોઈ ભેદભાવ ન હતો, જે ગામ કાયમ રમખાણ-હિંસાથી દૂર રહ્યું હતું, તે ગામમાં વગર હોળીએ હોળી સળગી ઊઠી. આ કોમી રમખાણના થોડાક છાંટા, અમારી શેરી અને અમારા ફળિયામાં પણ ઊડ્યા. બરાબર મારા ઘરની સામેના જ ફળિયામાં વરસોથી પરિવાર સાથે રહેતા અલીભાઈની રિક્ષાને તોફાનીઓએ નિશાન બનાવી દીઘી. આ રિક્ષા થકી તો અલીભાઈના પરિવારનું ગુજરાન થતું હતું.

આ અલીભાઈ તો ખરેખર અલ્લાહના એક માણસ હતા. તેમને પોતાના કામ સિવાય કોઈ સાથે કારણ વગર કોઈ લેવા દેવા નહીં. શ્વેત દાઢીમાં હસતા તેમના ચહેરાની નેહ નીતરતી આંખ, આપણને કયાંક ભાળી જાય તો, આપણું ઘ્યાન હોય કે ન હોય, તે રિક્ષાનું હોર્ન વગાડતાં, આપણને સાદ દેતા, ‘કેમ છો? અરે, અમૃતલાલ, જય શ્રીકૃષ્ણ!’

રમખાણમાં અલીભાઈની રિક્ષા બળીને ખાખ થઈ ગઈ તેનું મને હૈયે પારવાર દુઃખ થયું. તે સાંજે હિંડોળે બેસીને ચા પીતાં, મેં કમળાને કહ્યું, ‘બિચારા ગરીબ અલીભાઈની રિક્ષાને તોફાનીઓએ શિકાર બનાવી, બાળી નાખી તે બહુ જ ખરાબ થયું. ચાલ, અત્યારે તેના ઘરે જઈ તેને આશ્વાસનના બે શબ્દો કહીશ તો અલીભાઈને જરા મનમાં ઘરપત થશે. આ વખતે તો કેટલા દુઃખી હશે. આવતી કાલે રિક્ષા વગર પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે, તેની ચિંતામાં રાત્રે સૂઈ પણ નહીં શકે.’ આ વિચાર સાથે તેમના ઘરે જવાની તૈયારી કરતો હતો, ત્યાં જ કમળાએ મને કહ્યું, ‘તમારું મગજ તો ઠેકાણે છે કે નહીં. અલીભાઈ બહુ જ ભલા માણસ છે તે વાતની કોઈ ના નહીં. તેમની રિક્ષા તોફાનીઓએ બાળી નાંખી, એ વાત બહુ જ શરમજનક છે. તમે કયાં નથી જાણતા, હજી ગામમાં સાવ પહેલાં જેવી શાંતિ થઈ નથી. ગામની ઘણી નાની શેરીઓમાં કોમવાદી ચરુ હજુ ઊકળી રહ્યો છે. જો તમે અલીભાઈના ઘરે અત્યારે જશો, તો આસપાસમાં રહેતા આપણી કોમના માણસો, આપણાં સગાં-સંબંઘી આપણા વિશે શું સમજશે? તમને કયાં ખબર નથી, કાનમાં છાનીછપની વાતો કરશે, ‘ભાઈ, આપણે કોને કહીએ, આપણાવાળા જ દૂઘ પાઈને સાપને ઉછેરી રહ્યા છે. આગળપાછળનો કોઈ વિચાર કર્યા વગર બસ આંખે ચશ્માં ચઢાવી, હાથમાં લાકડી લઈ, આશ્વાસન દેવા ચાલી નીકળ્યા છો, અલીભાઈના ઘરે. જરા નિરાંતે બેસીને ઠંડા મને વિચાર કરી જુઓ તો સમજાશે.’

‘વળી, અલીભાઈની કોમનું કોઈક તમને ઘરે જતાં ભાળી ગયું તો? તે અલીભાઈ વિશે શું વિચારશે? તમને કંઈ ખબર પડે છે કે નહીં? જે થયું તે, મનમાં સમજો, અમૃતલાલ, આ સમય અત્યારે એકબીજાને આશ્વાસન આપવાનો નથી, શાણપણ તો એ વાતમાં છે કે કોઈની ચિંતા કર્યા વગર આપણું ઘર સંભાળીને બેસી રહો.’

‘રહી રહીને મને કમળાની વાત ગળે ઊતરી ગઈ. કમળાની વાત સાવ નાંખી દેવા જેવી તો નહોતી. મેં આંખેથી ચશ્માં ઉતારી હાથની લાકડીને તેની જગ્યાએ મૂકી. હિંડોળે હીંચકતાં મનમાં ભગવાનના નામનું રટણ કરવા માંડ્યું.’

***************************

આજે ઘુળેટી હતી. ગામ આખું ઘુળેટીના રંગોમાં આનંદ ઘેલું હતું. કમળાએ મને કહ્યું, ‘અમૃતલાલ, જો તમાર આજે ઊંઘિયું ખાવું હોય તો, બજારમાં જઈ બકાલું લઈ આવો. હું તમને બપોરે ભોજનમાં ઊંઘિયું ને પૂરી કરીને જમાડીશ.’

આમ તો અમારા ગામમાં, કોઈ એક લત્તામાં કે એક શેરીમાં, કોઈ એક કોમનું વર્ચસ્વ નહોતું. જે લત્તામાં ગામની શાકમાર્કેટ આવેલ, તે વિસ્તારમાં અમારી કોમના ઘરો કરતાં પ્રમાણમાં થોડાં વઘારે ઘરો મુસલમાન કોમના કાછિયાઓની હતાં.

ગામમાં કોમી રમખાણ તો ગઢવીસાહેબની કુશળતાને કારણે પંદર દિવસ પહેલાં જ શમી ગયું હતું. ગામનું જનજીવન તો પહેલાંની જેમ રાબેતા મુજબ ઘબકતું થઇ ગયું હતું. છતાં શાક લઈને ઘરે ફરતાં કોણ જાણે મને હજી મનમાં ભય સતાવતો હતો. ન કરે નારાયણ અને કયાંક કોઈ પાછળથી આવીને પીઠમાં છરો ભોંકી દે તો? આ શંકાશીલ વિચારે ઘડીએ ઘડીએ, આગળ-પાછળ નજર કરીને જોઈ લેતો હતો કે કોઈ મારી પાછળ આવી તો નથી રહ્યું ને? જો ભૂલથી પણ કોઈને જરા વેગથી મારી બાજુમાંથી પસાર થતું ભાળું તો મારા ચહેરા પર પસીનો વળી જતો હતો. અને બીકનું માર્યું શરીર ઘ્રૂજવા માંડતું હતું. મનમાંને મનમાં બીકનો માર્યો બરાડી ઊઠતો ‘હે ઈશ્વર, આજે જ કેમ કમળાને મને ઊંઘિયું ખવડાવવાનું મન થયું? હું પણ આ ઉંમરે, ઊંઘિયું ખાઘા વિના રહી જતો હોત તો શું થતું? રમખાણને કયાં કોઈ લાંબાગાળો થયો છે. મનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતો, ઉતાવળે પગે, ઘર તરફ  આવી રહ્યો હતો, ત્યાં જ એકાએક શેરીના લાઈટના થાભલા નીચે મેં અલીભાઈને એક રેંકડીમાં ઘુળેટીના રંગો લઈને ઊભેલા જોયા.

હું તેમને બોલાવવાનો વિચાર કરતો હતો, ત્યાં જ તેમણે મને પહેલાંની જેમ જ પ્રેમભાવ સાથે બોલાવતાં કહ્યું, ‘અરે! અમૃતલાલ, જયશ્રીકૃષ્ણ આટલી વહેલી સવારે કયાંથી આંટાફેરો કરીને આવી રહ્યાં છો?’

કપાળ પરનો પસીનો લૂછતાં મેં કહ્યું, ‘અરે! અલીભાઈ, નાદાનોએ તોફાન કોઈ સમજણ વિચાર વિના તમારા જેવા ગરીબ માણસને તારાજ કરી નાખ્યા. શું મળ્યું હશે તેમને તમારા જેવા માણસની રિક્ષા બાળી નાખીને? અલીભાઈ, તમારી રિક્ષા બળી ગઈ તેના દુઃખી સમાચાર સાંભળી મારું લોહી ઊકળી ઊઠ્યું હતું. મારાથી કમળાને હ્રદયની સાચી વાત કહેવાઈ ગઈ. આ શેતાનોએ અલીભાઈની રિક્ષા નથી બાળી પણ ઈશ્વરનું મંદિર તારાજ કરી નાંખ્યું છે. ઈશ્વર તેમને કયારે ય માફ નહીં કરે. મારે તમારે ઘરે, તે ગોઝારી સાંજે આવીને તમારી પાસે મારું દુઃખ વ્યકત કરવું હતું. સમય સંજોગોને કારણે આવી ના શક્યો. તેનું દુઃખ આજ લગી મને છે. દોસ્ત, તમે આ અમૃતલાલને માફ કરી દેશો અલીભાઈ, આ રમખાણોએ તો તમને રિક્ષામાંથી આજે રસ્તે રેંકડી ફેરવતા કરી દીઘા. ઈશ્વરના ઘરે દેર છે પણ અંઘેર તો નથી. ઈશ્વર તેમને  વહેલીમોડી સજા કરશે! એવું મારું અંતર કહે છે!’

મારો આભાર વ્યકત કરતાં અલીભાઈ બોલ્યા, ‘અમૃતલાલ, ભલા, આપણે કોને વાંક દેવો? આપણા ભાગ્યમાં અલ્લાહે જે લખ્યું હોય તે ભોગવે જ છૂટકો. રિક્ષા બળી ગઈ તે બાબતનો ખોટો જીવ બાળીને કરું પણ શું? બસ, આપણે સાથે મળીને ઉપરવાળાને દુવા કરીએ કે નાદાનોને માફ કરીદે. તે લોકો ક્રોઘ, આવેશમાં શું કરે છે તેનું તેમને કયાં ભાન હોય છે! બસ, ફરી આવું કૃત્ય ન કરે, એવી તેમને તું સમજ દેજે. અમૃતલાલ, મારે તો પરિવારના ગુજરાન માટે કંઈ પણ કામ જ કરવાનું રહ્યું. રિક્ષા ફેરવું કે પછી રેંકડી ચલાવું. મને તો ભલા કંઈ જ ફરક નથી પડતો. અલ્લાહમિયાંની મહેરબાનીથી અને મારી મહેનતથી મારા પરિવારને બે ટંકનો રોટલો મળી રહે, બસ એથી વિશેષ આપણે શું જોઈએ? આ દુનિયામાં આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? અને પાછા અહીંથી જશું ત્યારે ભલા, શું સાથે બાંઘી જવાના છીએ? શું કામ કારણ વિનાની દોડઘામ કરીને હાયવોય કરવી? કેમ ખરું ને અમૃતલાલ!’

‘અલીભાઈ, તમે તો બહુ જ મોટા મનના માણસ છો! એ કારણે તમે આટલા મોટા દુઃખમાંથી જલદી બહાર નીકળીને બેઠા થઈ ગયા. પણ તમારી રિક્ષા બળી ગઈ એ મારી દૃષ્ટિએ ખૂબ જ ખોટું થયું છે.’

ફરી ફરી મને રિક્ષા બળી જવાની એકની એક જ વાત તેમની સમક્ષ દોહરાવતો જોઈ અલીભાઈ બોલ્યા, ‘અમૃતલાલ, તમારો મારા પ્રત્યે જે પ્રેમભાવ લાગણી છે તેનો હું જેટલો આદર કરું એ ઘણો ઓછો કહેવાય. મારી રિક્ષા બળી ગઈ, મારી રોટીરોજી છિનવાઈ ગઈ હવે આ વાતને આપણે ઘડીએ ઘડીએ યાદ કરીને કારણ વિના આપણે પ્રત્યેક ક્ષણે મરતાં મરતાં જીવવાને બદલે આ એક મોટું દુઃસ્વપ્ન હતું, એમ માનીને તેને ભૂલી જઈએ તો જિંદગીનો ખરો આનંદ લૂંટી શકીએ. આપણે જિંદગીને જેટલી દુઃખમય સમજીએ છીએ, ખરેખર એટલી એ વેદનામય નથી હોતી. આપણે જ કારણ વિના આપણા ઘાને યાદ કરીને ખંજવાળ્યે આખીએ છીએ! અમૃતલાલ, મારી પાસે રિક્ષા હતી. એ રિક્ષા બળી ગઈ. આ બંને વાત તો મારા માટે એક ભૂતકાળ બની ગઈ છે. ભૂતકાળને યાદ કરીને મારે કે તમારે શું કામ વર્તમાનને બગાડવો? તમે તો ભણેલગણેલ છો, થોડા આ અલીની જેમ અભણ છો? તમને હું વઘારે શું કહું, તમને તો ખબર જ હશે. ભૂતકાળનો રંગ તો કાળો છે અને વર્તમાન પાસે તો કેટલા અજબના રંગો છે, જેવા કે લાલ, ગુલાબી, લીલો, વાદળી અને પીળો. આપણે જે રીતે વર્તમાનને જોઈએ તે પ્રમાણે આપણને રંગનો આનંદ મળે!

‘અમૃતલાલ, એક નજર કરીને તમે આ મારી રેંકડીને જુઓ. તમે જે પણ રંગ પર નજર કરશો, તે બઘા જ રંગ વર્તમાનના છે. આભમાં નિર્માયેલાં મેઘઘનુષ જેવા! શું તમને આ રંગોમાં કયાં ય કાળો રંગ દેખાય છે ખરો?’

મેં ‘ના’નો સંકેત કરતાં, માથું ઘુણાવ્યું.

‘તો પછી ભલા, અમૃતલાલ, ભૂલી જાવ તમે ભૂતકાળના એ કાળા રંગને. રંગાઈ જાવ આજે અલી સાથે ઘુળેટીના રંગે.’ આ પ્રમાણે ખુશ થતાં તેને મારા કપાળે ગુલાલનું ટીલું કરી, બે હાથ જોડતાં કહ્યું, ‘અમૃતલાલ તમને ઘુળેટી મુબારક.’

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

બંધોની સલામતી બાબત બેખબર રહેવું નહીં પાલવે…

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 September 2023

ચંદુ મહેરિયા

ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં તેના ગેટ ખોલવા પડે છે. તેને કારણે હેઠવાસના વિસ્તારોમાં તબાહી પણ સર્જાતી હોય છે. ચોમાસામાં બંધોમાં ગાબડા પડવાની, બંધો તૂટવાની અને તેના દરવાજા ના ખુલવાની ઘટનાઓ પણ બને છે.  આ બધા માટે બંધો સલામત ન હોવું કારણભૂત છે. જો તેની મરામત અને સાચવણી યોગ્ય રીતે ન થતી હોય તો તે લોકોના જીવ પણ લઈ શકે છે. બંધોની સુરક્ષાની સમયાંતરે સમીક્ષા થાય તો જાનહાનિ અને તબાહી નિવારી શકાય છે.

જળ વિના જીવન અશક્ય છે. એટલે જ વિશ્વની સઘળી માનવ સભ્યતાઓ નદીના કિનારે જ પાંગરી છે. જેમ જેમ પાણીની જરૂરિયાત વધતી ગઈ અને તેનો પુરવઠો સીમિત રહ્યો તેમતેમ તેના સંગ્રહની રીતો પણ પ્રયોજાતી રહી છે. દરિયામાં વહીને વેડફાઈ જતાં નદીનાં પાણીને રોકવા તેના પર બંધ બાંધવાનો વિચાર પણ તેની જ ફળશ્રુતિ છે. આજે દુનિયાભરમાં બંધને પાણી સંગ્રહનો સૌથી વ્યાપક અને વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે.

નદીઓ પરના બંધો બહુહેતુક છે. નદીનાં પાણીના આવરાને બંધમાં રોકતાં પૂર નિયંત્રણ થઈ શકે છે. જ્યારે બંધમાં સંગૃહિત પાણીનો ઉપયોગ કૃષિ સિંચાઈ, વીજળી ઉત્પાદન, ઔદ્યોગિક ઉપયોગ અને પીવા તથા અન્ય માટે થાય છે. મોટા બંધોના વિચારના વિરોધીઓ માટે પણ તેનો વિકલ્પ દર્શાવવો મુશ્કેલ છે. દુનિયામાં આશરે અડધો લાખ કરતાં વધુ મોટા બંધો છે. ચીન અને અમેરિકા પછી દુનિયામાં બંધોની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ત્રીજો ક્રમ છે. નેશનલ રજિસ્ટર ફોર ડેમ્સ મુજબ ૨૦૨૧ના અંતે ભારતમાં ૫,૩૩૪ બંધો હતા અને બીજા ૪૧૧નું નિર્માણ થઈ રહ્યું હતું. ભારતના બંધોની વાર્ષિક જળસંગ્રહ ક્ષમતા ત્રણસો બિલિયન ક્યુબિક મીટર છે. સો મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા અને રાષ્ટ્રીય મહત્ત્વના ગણાતા બંધો ભારતમાં પાંસઠ છે. આવા પ્રત્યેક ડેમની જળસંગ્રહશક્તિ એક બિલિયન ક્યુબિક મીટર છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના એજિંગ વોટર ઈન્ફ્રાસ્ટકચર નામક ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે વરસ ૨૦૨૫ સુધીમાં ભારતમાં જે એક હજાર બંધો સો વરસથી જૂના છે તેનાથી જાનમાલના નુકસાનનો ખતરો છે. કેરળનો મુલ્લાપેરિયાર બંધ સવાસો વરસ પુરાણો છે. જે ક્યારે ય પણ મુશ્કેલી સર્જી શકે છે. તેને કારણે ૩૫ લાખ લોકોને અસર થઈ શકવાની દહેશત છે. ન માત્ર ભારતમાં દુનિયામાં પણ ઘણાં જૂના બંધો હોવાનું યુનોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. દુનિયામાં ૧૯૩૦થી ૧૯૭૦ દરમિયાન ૫૮,૭૭૦ બંધોનું નિર્માણ થયું હતું. ૨૦૦૦થી ૨૦૦૯ના દાયકામાં જૂના, મરામત માંગતા અસલામત બંધોને કારણે ૨૦૦થી વધુ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. ૧૯૭૯ની ગુજરાતના મચ્છુ ડેમની દુર્ઘટનામાં બસો લોકોના જીવ ગયા હતા. ૧૯૭૫માં ચીનના હેનાન પ્રાંતનો એક ડેમ તૂટતાં પોણા બે લાખ લોકોના મોત થયા હતા. એટલે નદીઓ તેના કુદરતી પ્રવાહને રોકીને બંધાયેલા ડેમને કઈ રીતે સહન કરે છે અને માનવજાત બંધોની કેવી કાળજી લે છે તેના પર તેના સારાંનરસાં પાસાંનો આધાર રહેલો છે.

અસુરક્ષિત બંધોને કારણે જાનમાલ, ઈમારતો, સડકો, નહેરો, ખેતી વગેરેને નુકસાન થઈ શકે છે. બંધોના જળાશયોમાં વધતું કાંપ અને માટીનું પ્રમાણ બંધની જળસંગ્રહ શક્તિને ઘટાડે છે, એટલે તેનો નિયમિત નિકાલ થવો જોઈએ. બંધોની તકેદારી, નિરીક્ષણ, કાળજી, મરામત પણ નિયમિત થવાં જોઈએ. જો તેમાં ચૂક થાય તો જળસંગ્રહ ક્ષમતા ઘટે છે. મરામતની જરૂરિયાત પૂરી ના થઈ હોય અને બંધમાં ગાબડા પડે કે તૂટે તો દુર્ઘટના સર્જાય છે. બંધોની અસરકારકતા અને કાર્યક્ષમતા પણ તેને કારણે ઓછી થાય છે. જૂના થતા બંધોની ડિઝાઈન અને માળખું નવીનતમ જરૂરિયાતો પ્રમાણે ના હોવાથી તે આફત નોતરે છે. જૂના બંધોની પાણી સંઘરવાની ક્ષમતા કેટલી છે અને તેમાં કાંપનો ભરાવો અને મરામતના અભાવે કેટલો ઘટાડો થયો છે તેની વાસ્તવિક માહિતી સમાજ અને તંત્ર પાસે ના હોય તો તેવા બંધમાં કેટલા પાણીની ઘટ છે તેનાથી બેખબર હોવું સંકટ બની શકે છે.

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર, કર્ણાટક, રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારતના પરંપરાગત વિજ્ઞાન આધારિત બંધ નિર્માણ થયું છે. આ બંધો માટી, પથ્થરો અને ચૂનાના બનેલા છે. જો કે તે વિદેશી ઈજનેરી પદ્ધતિથી સિમેન્ટ–કોંક્રિટના બનેલા બંધો કરતાં મજબૂત અને ટકાઉ છે. જ્યારે વિદેશી ટેકનિકથી બનેલા બંધો પર ઘણા સંકટો આવ્યા છે. દેશી પદ્ધતિથી નિર્મિત બંધોની જળસંગ્રહશક્તિ વધારવા તેની ડિઝાઈનમાં ફેરફાર કરીને કે તેની ઊંચાઈ વધારીને તેને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવી શકાય છે. સિમેન્ટ-કોંક્રિટના બનેલા બંધોના પાયાને કાટ લાગે છે, બંધની દીવાલો પર વરસાદી પાણી અને નદીનાં પાણીના પ્રહારના મારની અસર થાય છે. બંધોના નિર્માણની ટેકનિકો અને બાંધકામ સામગ્રીની ગુણવત્તામાં હવે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે ઘણા સુધારા કર્યા છે એટલે જૂના બંધોને તેને અનુલક્ષીને સુધારી શકાય.

પાણી અને પાણીનો સંઘરો ભારતીય બંધારણની સાતમી અનુસૂચિ પ્રમાણે રાજ્ય યાદીના વિષયો છે. પરંતુ ભારતના બાવન ટકા મોટા બંધો એક કરતાં વધુ રાજ્યોમાંથી વહેતી નદીઓ પર બંધાયેલા છે. ગુજરાતમાં નર્મદા નદી પરના સરદાર સરોવર બંધના તો ચાર ભાગિયા રાજ્યો છે. એટલે બંધોની સલામતી, જળસંગ્રહ, તેની વહેંચણી તથા કાળજી અને નિરીક્ષણ માટે કેન્દ્રિય કાયદાની જરૂર હતી. આ પ્રકારના કાયદાનો મુસદ્દો વીસ વરસ પહેલાં ઘડાયો હતો. ૨૦૧૯માં સંસદમાં મુકાયેલો જળ સુરક્ષા અધિનિયમ છેક ૨૦૨૧માં ડેમ સેફ્ટી એક્ટ બન્યો છે. આ કાયદો ૧૫ મીટર કરતાં વધુ ઊંચાઈના બંધોને લાગુ પડે છે. કાયદા પ્રમાણે બંધોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ બંધ સુરક્ષા સમિતિ અને બંધ સુરક્ષા ઓથોરિટીની રચના કરવાની હોય છે. બંધની કામગીરી યોગ્ય રીતે ના થતી હોય કે કોઈ ક્ષતિ હોય તો જવાબદારી નક્કી કરી તે માટેની સજાની પણ કાયદામાં જોગવાઈ છે.

કોઈ પણ દેશના આર્થિક, સામાજિક, રાજકીય અને ભૌગોલિક ક્ષેત્રમાં બંધની ભૂમિકા મહત્ત્વની છે. દેશ કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બંધના યોગદાનને ધ્યાનમાં રાખીને પાણીની યોગ્ય વહેંચણી થાય, જળ સુરક્ષાની દૃષ્ટિએ બંધો સલામત રહે અને બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોનું ઉચિત પુનર્વસન થાય તો બંધ, વિકાસના સોપાનનો અનિવાર્ય ભાગ બની શકે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...940941942943...950960970...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved