Opinion Magazine
Number of visits: 9457833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂનાગઢનો અલગારી ફકીર કવિ 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|24 July 2023

૧૯૯૨ના વૈશાખી મહિનાની કાળઝાળ એક બપોરે વડીલ કવિ મિત્ર કૈલાશ પંડિતના ઘરે હું સિકંદરી નિવાસમાં પહોંચી ગયો. કૈલાશભાઈ મુંબઈ આકાશવાણી પર ગઝલપઠનનું રેકોર્ડિંગ કરવા માટે  ગયા હતા, મને તેમણે આગલી સાંજે કહ્યું હતું કે “તું ઘરે નિરાંતે બેસજે, હું ચર્ચગેટ પર સ્ટુડિયોમાં રેકોર્ડિંગ જેવું પતશે, એટલે ઘરે આવી જઈશ અને હું ઘરે નહિ હોઉં તો પણ તને બા કે  મીનુ  ચાપાણી તો કરાવશે.”..

મીનુબહેને ચા સાથે આપેલ ગ્લુકોઝ બિસ્કિટનો નાસ્તો કરતો કૈલાશભાઈના બા સાથે મજેથી હું વાત કરતો હતો, ત્યાં જ કૈલાશભાઈ આવી ચડ્યા. મને કહે “પ્રીતમ !આજે તો બહુ જ ગરમી છે.” અને પછી મને કહે કે, “તારો આજે સાંજના શું પ્રોગ્રામ છે?” મેં કહ્યું ખાસ કંઈ નહીં, પણ આવતી કાલે વહેલી સવારે જૂનાગઢ જવાનો છું. મારે બેન્કોનું થોડું કામકાજ છે અહીંયા આવ્યો છું તો એ પતાવતો જાઉં. વળી પાછો એકાદ બે વરસે આવું અને સમય ના મળે તો કામ પાછળ ઠેલાતું જાય. કૈલાશભાઈ મને કહે કે “તું જૂનાગઢ જા છો, તો મારું એક કામ કરી આપ તો મને ખુશી થશે.” મેં કહ્યું બોલોને જૂનાગઢ જાઉં છું અને તમારે જૂનાગઢનું કામ હોય તો મને શું વાંધો? કૈલાશભાઈ મને કહે કે “મેં અને ચિનુ મોદીએ હમણાં છ સાત મહિના પહેલા ગુજરાતી ગઝલ શતાબ્દી નિમિત્તે આપણા ગુજરાતી વીસ નામી ગઝલકારોની ગઝલનું સંપાદન સુખનવર શ્રેણી નામે કર્યું છે, તેમાં અમે વીસ ગઝલકારોમાં જૂનાગઢના મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુને સ્થાન આપ્યું છે”. પછી વાતને આગળ ચલાવતા કહે કે “મનોજ કોઈ કામે અમદાવાદ આવેલ અને ચિનુને મળેલ ત્યારે તે ચિનુભાઈ પાસેથી ચિનુનો પોતાનો સુખનવરનો સેટ જીદ કરીને લઈ ગયો હતો, પણ શ્યામને મોકલવો હતો એ આળસને કારણ મારાથી તેને મોકલી શકાયો નહોતો. તું જૂનાગઢ જા છો તો શ્યામને મળતો આવજે અને હાથોહાથ સુખનવરનો સેટ તેને આપતો આવજે. શ્યામ બહુ રાજી થશે.” મેં કહ્યું મને પણ શ્યામ સાધુ જેવા ગઝલકારને મળીને બહુ જ ખુશી થશે.

મુંબઈની વૈશાખની કાળઝાળ બપોરે શ્યામ સાધુ ને સુખનવર શ્રેણીનો સેટ ભેટ આપવા હું અને કૈલાસ પંડિત આર.આર. શેઠની કંપનીમાં જઈ ચઢ્યા. કંપનીમાં પૂરપાટ ફરતા પંખાની હવામાં ભગતભાઈ બેઠા હતા. અમને અચાનક ખરે બપોરે આવી ચઢેલા જોઈ ભગતભાઈએ અમને આવકાર્યા, એક છોકરાને અમને ઠંડા પાણીનો ગ્લાસ આપવાનું જણાવી કૈલાશભાઈ સાથે વાતે વળગ્યા, એટલે કૈલાશભાઈ એ મારો પરિચય કરાવતા કહ્યું કે “પ્રીતમ કાલે સવારે જૂનાગઢ જાય છે તો આપણે શ્યામ સાધુને આપવાનો સુખનવર સેટ શ્યામ સાધુને એ હાથો હાથ આપી આવશે.”

કૈલાશભાઈએ એક સેટ શ્યામ સાઘુને માટે અને બીજો સેટ મને આપતા પોતાના ખિસ્સામાંથી રૂપિયા ૨૫૦ કાઢી મારા હાથમાં મૂક્તા મને કહ્યું, “પ્રીતમ શ્યામ સાધુને  આ એક બીજા મુફલિસ માણસ તરીકે ભેટ રૂપે આપજે પણ ભૂલથી પણ શ્યામને ના કહેતો કે આ રૂપિયા કૈલાશે તમને ભેટ રૂપે મોકલ્યા છે નહિંતર આ સ્વમાની માણસ રૂપિયા નહીં રાખે પણ તેને ખાસ કહેજે કે આ રૂપિયા કૈલાશભાઈએ અને ચિનુ મોદીએ તમને સુખનવર શ્રેણીના પુરસ્કાર રૂપે મોકલેલ છે.”

જૂનાગઢ પહોંચી મેં આઝાદ ચોકમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં મારું કામકાજ પતાવી જૂનાગઢની માથું ફાડી નાંખે તેવી ગરમીમાં રિક્ષા કરી શ્યામ સાધુનું મને કૈલાસ પંડિતે આપેલ કડિયાવાડ  નાકાના સરનામે  કવિને સુખનવર સેટ દેવા પહોચ્યો. કડિયાવાડ નાકે એક હનુમાનજીની દેરી હતી કે મંદિર અત્યારે મને યાદ નથી, પણ હનુમાનજીના દ્વારે બહાર એક વૃક્ષ તળે એક સુક્કલકડી બાંઘાના ભાઈ ઉઘાડા શરીરે ફકત એક શ્વેત લુંગીમાં નિરાંતે બેઠા હતા. મેં તે ભાઈને બે હાથ જોડી નમસ્કાર કરતા પૂછ્યું, ભાઈ, કવિ શ્યામ સાધુનું ઘર કયાં છે? મારી સામે હોઠોમાં મલકતા તે ભાઈ બોલ્યા “ભાઈ !હું પોતે જ શ્યામ સાધુ છું. બોલો, ભાઈ, શું કામ છે?” મેં મારો પરિચય આપતા કહ્યું કે “હું મૂળ સરાડિયા ગામનો વતની છું.” અને તેમણે મને વચ્ચેથી અટકાવી કહ્યું “ભાઈ, સરાડિયા તો ક્યાં બહુ દૂર છે, અહીંથી સાદ પાડો તો તમને સામેથી પડઘો પડે કેમ ખરું ને?” મેં કહ્યું સાવ સાચું, વાતને આગળ ચલાવતા મેં કહ્યું, કે “કવિ, હાલમાં છેલ્લાં પંદર વર્ષથી અમેરિકામાં છું અને ખાસ તમને અહીંયા મળવા આવવાનું કારણ મારા વડીલ મિત્ર કવિ કૈલાસ પંડિત નિમિત્ત બન્યા છે.” આ પ્રમાણે જણાવી તેમના હાથમાં કૈલાશભાઈની અમાનત મૂકતા મેં કહ્યું, “શ્યામભાઈ, આ સેટ સાથે કૈલાશભાઈ એ આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે તમારા માટે પુરસ્કાર મોકલેલ છે.” પુરસ્કારની રકમ ખુશી સાથે સ્વીકારતા મને કહે કે “કૈલાશભાઈ એક કવિ છે, કવિના જીવન કવનને સારી રીતે સમજી શકે છે. બાકી ગુજરાતી સાહિત્ય જગતમાં કવિના કવનની કોણ કદર કરે છે?” પછી મને કહે કે “ગુજરાતી સાહિત્ય જગતના મોટા ગજાના ગઝલકારોની આ સુખનવર શ્રેણીમાં મારા જેવા એક ગઝલકારને ચીનુ મોદી અને કૈલાશભાઈએ સ્થાન આપ્યું છે તે મારા માટે તો ઘણું કહેવાય, બાકી શ્યામ સાધુ ને કોણ યાદ  કરે?”

અને તેમણે છોકરાને સાદ કરી પોતાનો ઝભ્ભો મંગાવી, મને કહે સાહેબ, ચાલો, આપણે ઠંડુ ગરમ તમને જે ફાવે તે સાથે બેસીને લઈએ. નાકાની એક નાની સરખી ચાની કીટલી પર મને લઈ જઈને એમણે પૂછ્યું, “બોલો, કવિ, શું લેશો?” મેં કહ્યું “ભાઈ, હું કવિતા નથી લખતો, બસ વાંચવાનો શોખીન છું”. મને કહે “ભાઈ! કૈલાશભાઈની દોસ્તી ભલભલા સુખી માણસને કવિતા લખતો કરી દે”. (તેમની આ વાત મારા માટે સાચી પડી ૧૯૯૫ પછી આદિલ મન્સૂરીના છાયામાં આવતા હું કવિતાને રવાડે ચઢી ગયો હતો.) એટલી વારમાં તો છોકરાએ આવી ચાનો કપ તેમના હાથમાં મૂક્યો, રકાબીમાં નામ પૂરતી પોતા માટે ચા લઈને મને કપમાં ચા આપતા કહે “મારા માટે ખુશીની વાત છે કે છેક અમેરિકામાં વસતા મારા વતનના માણસ તમારા રૂપમાં મારા આંગણે આવી ગરમીમાં મારું સરનામું શોધતા સુખનવર શ્રેણીનો સેટ મને હાથોહાથ દેવા આવે તે મારે માટે તો કેટલું બધું કહેવાય!”

મારે એક બે સગાંને હજી મુંબઈ જતા પહેલા મળવાનું હતું. એટલે કવિની રજા લેતા મેં કહ્યું, “કવિ, આ કાળઝાળ ગરમીમાં આપણી આ નાનીશી મુલાકાત ગુલમોરની શીતળ છાંય જેવી યાદગાર બની જાય તે માટે તમને ગમતા એક બે શેર તમારી ગઝલના સંભળાવો!” અને તેમણે મને તે બપોરે સંભળાવેલા શેર આજે હૈયે ગુંજે છે …. 

સેંકડો રસ્તા હતા સૂનકારના, 

કેમ કરશો ભાગવાની પેરવી? 

——-

સાવ બાળકના સમું છે આ નગર 

કોઈ પણ આવીને બોલાવી જુઓ!

શેરને દાદ આપતા મને કૈલાશભાઈએ ભલામણ કરી હતી કે “બીજા કોઈને તો હું ન કહી શકું કે તું કવિને લુખે ભાણેથી ના ઉઠાડજે પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી તારા તરફથી આપજે”, મેં કવિના હાથમાં બસો રૂપિયા શેર સંભળાવ્યા તે બદલ પુરસ્કાર રૂપે મૂકયા. પણ શ્યામ સાધુએ મારા હાથમાં એ પાછા મૂકતા કહ્યું, “ભાઈ! તમે મને મળવા આવ્યા અને મારા શેરને આટલી દાદ આપી તે જ મારા માટે મોટો પુરસ્કાર છે.” મેં ઘણી વિનંતી કરી પણ તે રકમ લેવા શ્યામ તૈયાર નહોતા આ જોઈને ચાની રેકડીવાળા ભાઈએ કહ્યું “શ્યામભાઈ, રાખી લ્યો, સાહેબ ખુશીથી આપે છે”.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 7 

સુમન શાહ|Opinion - Opinion|24 July 2023

સુમન શાહ

હરારી જણાવે છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી માણસ ‘એ.આઈ.’-થી ડરી રહ્યો છે, બાકી, એ હજારો વરસોથી જાત જાતના ભય હેઠળ જ જીવતો આવ્યો છે. હરારી ઉમેરે છે કે પણ આપણે માણસોએ ભયના ઉપાય લેખે તેમ જ મનગમાડા માટે કથાનકો અને કલ્પનો પર ઘણો મદાર બાંધ્યો છે, અને ભ્રમો સરજી લીધા છે. પરિણામ એ આવ્યું છે કે પ્રાચીન કાળથી આપણે ભ્રમો અને ભ્રાન્તિઓની જાળમાં ફસાયેલા રહ્યા છીએ.

૧૭-મી સદીમાં, રેને દેકાર્ત ડરી ગયેલા; એમને થયેલું કે પોતે જે કંઈ જુએ કે સાંભળે છે તે ભ્રાન્તિઓ છે અને એ માટે કદાચ કોઈ દુષ્ટ રાક્ષસ પોતાને ફસાવી રહ્યો છે. પ્રાચીન ગ્રીસમાં, પ્લેટોએ ‘ઍલેગરી ઑફ કેવ’ નામની રૂપકકથા કહેલી. એમાં એમ કહેવાયું છે કે એક ગુફામાં કેટલાક લોકોને જીવનભરથી સાંકળોથી બાંધીને કેદ કરી રાખ્યા છે; સામે ભીંત છે, જાણે એક પરદો. એ પરદા પર જાતભાતની છાયાઓ પ્રગટતી હોય છે ને એ કેદીઓ એ છાયાઓને જ હકીકતો માની લેતા હોય છે !

હરારી ઉમેરે છે કે પ્રાચીન ભારતમાં, બૌદ્ધ અને હિન્દુ સાધુઓએ સ્પષ્ટ કહેલું કે મનુષ્યમાત્ર માયામાં ફસાયેલો છે. માયા એટલે ભ્રમોની જાળજંજાળ. આપણે જેને વાસ્તવિકતા ગણીએ છીએ એ તો મનુષ્યચિત્તની પેદાશ છે. હરારી કહે છે કે લોકો આ કે તે ભ્રાન્તિના માર્યા મરું-મારું પર આવી જતા હોય છે, મોટાં મોટાં યુદ્ધો પણ વ્હૉરી લેતા હોય છે.

હરારી જણાવે છે કે ‘એ.આઈ.’-ક્રાન્તિ આપણને દેકાર્તનો રાક્ષસ દેખાડી રહી છે, પ્લેટોવાળી ગુફા તરફ દોરી રહી છે, માયા સામે ખડા કરી રહી છે.

++

મારા આ વિષયના અધ્યયન દરમ્યાન મેં વાંચ્યું કે હરારી કહે છે તે ‘એ.આઈ.-ક્રાન્તિ’ હવે તો વિવિધ પ્રકારની ભ્રાન્તિઓનું સર્જન કરી રહી છે ને હજી કર્યે જવાની છે.

મેં વાંચ્યું કે ‘એ.આઈ.’ સિસ્ટમ્સ હજી એના શિશુકાળમાં છે, પોતાના વિકાસ માટે કેટલાંક કામો શીખી રહી છે. તેથી એને ‘બેબી એ.આઈ.’ કહેવાય છે. 

‘બેબી એ.આઈ.’ આપણે મૂંઝાઈ જઈએ એવી ઇમેજીસ અને વિડીઓઝનું સંસૃજન કરે છે અને ઇલ્યુઝન્સ સરજાય છે. એને ઇલ્યુઝન્સ કે ગુજરાતીમાં ભ્રાન્તિઓ કહેવાય કે કેમ એ પ્રશ્ન છે કેમ કે જે કંઈ રજૂ થાય છે તે કશો ભ્રાન્ત પદાર્થ નથી હોતો, સર્જન હોય છે !

સાંભળો :

’બેબી એ.આઈ.’ દૃશ્ય ભ્રાન્તિઓ સરજી શકે છે. જેમ કે, વાદળામાંથી ચહેરો બનાવી શકે. કોઈ સ્થિર વસ્તુ ખસતી દર્શાવે કે તેનો આખો ઘાટ બદલી નાખે.

‘બેબી એ.આઈ.’ શ્રાવ્ય ભ્રાન્તિઓ સરજી શકે છે. જેમ કે, એવો અવાજ સરજે કે ક્યાંથી આવે છે એની ખબર જ ન પડે. અથવા એવો અવાજ સરજી શકે જે જુદી જ જગ્યાએથી આવતો હોય.

‘બેબી એ.આઈ.’ સ્પર્શ્ય ભ્રાન્તિઓ સરજી શકે છે. જેમ કે, હૂંફાળી કે ઠંડી સપાટી. અથવા વસ્તુનો જુદો જ સ્પર્શ.

Die Antwoord વિડીઓમાં વિવિધ દૃશ્ય ભ્રાન્તિઓ સરજાઈ છે. ઍનિમેટેડ પાત્રો એમાં સરકતાં હોય, બૅકગ્રાઉણ્ડ કૃતવિકૃત હોય અને આકારો બદલાયા કરે. એમાં દૃશ્ય ભ્રાન્તિઓ પણ ઉમેરાઈ છે. જેમ કે, હૃદયના ધબકારા સંભળાય, પણ કોના હૃદયના? ક્યાંથી? વ્યૂઅરના અને તેના મસ્તકમાંથી !

‘બેબી એ.આઈ.’-ના એવા એક પ્રોજેક્ટનું, નામ છે, Deep Dream. એમાં ન્યૂરલ નેટવર્ક પ્રયોજાય છે. એથી સરજાયેલી ઇમેજીસના પાયામાં એને ભણાવવામાં આવેલી પૅટર્ન્સ અને ટેક્ષચર્સ હોય છે. પરિણામે, મૉંમાથું ન જડે એવી અર્થઘટનકઠિન સર્રીયલ અને ડ્રીમલાઇક ઇમેજીસ સરજાય છે.

‘બેબી એ.આઈ.’-ના એક બીજા પ્રોજેક્ટનું, નામ છે, GAN. વાસ્તવિક ઇમેજિસના સંસૃજન માટે વપરાતું આ મશીન એક લર્નિન્ગ મૉડેલ છે. આપણને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી જાય એવી ઇમેજીસના સર્જનમાં વપરાય છે. દાખલા તરીકે, એક એવી વ્યક્તિનું સર્જન કરી આપે જેનું અસ્તિત્વ જ ન હોય !

એક StyleGAN પ્રોજેકટ અનુસાર એવી ઇમેજીસ સરજી શકાય છે જેથી કોઈ ચૉક્કસ કલાકાર કે સાહિત્યકારની શૈલી પ્રગટી આવે.

એક DeepFake પ્રોજેકટ અનુસાર લોકોની એવી વિડીઓઝ સરજી શકાય છે જેમાં તેઓ કદી ન બોલ્યા કે ન ચાલ્યા હોય એવાં દૃશ્યો જોવા મળે.

VOGAN+CLIP પ્રોજેક્ટ અનુસાર કોઈ ટૅક્સ્ટમાં થયેલાં વર્ણનો પ્રમાણેની ઇમેજીસ સરજી શકાય છે.

‘બેબી એ.આઈ.’-એ સરજેલી ભ્રાન્તિઓ આપણી આંખો જોડે, ચિત્ત જોડે ટ્રિક્સ કરે છે. જેમ કે, બિલાડીનું ચિત્ર હોય, ખસતું લાગે, પણ ખરેખર એમ ન હોય. વિડીઓ દર્શાવે કે શેરીમાં ચાલી રહેલી વ્યક્તિ વળાંકે વળી રહી છે, પણ ખરેખર એમ ન હોય. કોઈક વાક્યમાં અનેક શબ્દો હોય છે; એમાંનો દરેક શબ્દ આગવો અર્થ ધરાવે છે, પણ વાંચવા જાઓ તો એક અર્થહીન વાક્ય સરજાય !

આવાં તો અનેક દૃષ્ટાન્ત છે. જેમ જેમ ‘બેબી એ.આઈ.’-નો વિકાસ થશે તેમ તેમ ભવિષ્યમાં આપણને વધુ સર્જનાત્મક અત્યાધુનિક અને અચમ્બો પમાડે એવી ભ્રાન્તિઓ સાંપડવાની છે.

મને પ્રશ્ન થાય છે કે આ બેબી જો આવું બધું દિલચસ્ય સરજી શકે છે તો સરખામણીએ આપણા પીઢ સાહિત્યકારોની સર્જકતાની શી યે વલે થશે. આ ભ્રાન્તિઓની સાથોસાથ આપણાં કલ્પનોથી સરજાતા રહેતા રમણીય ઇન્દ્રિયપ્રત્યક્ષો પણ શું ભ્રાન્તિઓ ગણાઈ જશે? ન જાને …

= = =

(23/07/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ

સાહિલ|Opinion - Opinion|24 July 2023

કયારેય પણ ન મારા જીવનમાં તમે હતાં

ને તો ય મારા ચૌદે ભુવનમા તમે હતાં 

ખુલ્લા રહે યા બંધ લગારે ફરક નથી

સપનાંની જેમ મારા નયનમાં તમે હતાં 

મળતા રહ્યા છીએ છતાંયે આપણે સદા

ધરતી ઉપર હતો હું ગગનમાં તમે હતાં 

હું બોલતો હતો એ હતો મારો ભ્રમ નર્યો

આદિથી અંત મારા કથનમા તમે હતાં 

કેવી નવાઈ  તોય તમે ક્યાં ભીના થયાં

દિનરાત મારા અશ્રુવહનમાં તમે હતાં, 

તમને નથી નિહાળ્યાં નથી જાણ્યાં તોય શું

ઈશ્વરની જેમ મારા નમનમાં તમે હતાં 

સાહિલ ગજબનો મેળ મળ્યો કેવો આપણો

હું જાગતો હતો ને સપનમાં તમે હતાં 

નીસા 3/15, દયાનંદ નગર, રાજકોટ 360 002

Loading

...102030...921922923924...930940950...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved